ગુજરાતી: Gujarati Unlocked Literal Bible

Updated ? hours ago # views See on DCS Draft Material

લેવી

લેખક

આ પુસ્તકના લેખકના પ્રશ્નનું સમાધાન પુસ્તકના સમાપનની કલમમાં આપવામાં આવ્યું છે, "આ આજ્ઞાઓ છે કે જે ઈશ્વરે ઇઝરાયલના સંતાનો માટે મૂસાને સિનાઈ પર્વત પર ફરમાવી" (27:34; આ પણ તપાસો 7:38; 25:1; 26:46). આ પુસ્તક નિયમો સંબંધિત અનેક ઐતિહાસિક બનાવોનો કાળક્રમાનુસાર હેવાલ આપે છે. (8:10; 24:10-23). લેવી શબ્દ લેવી કુળ પરથી ઉતરી આવે છે કે જેના સભ્યોને પ્રભુ દ્વારા તેમના યાજકો અને આરાધનાના આગેવાનો થવા અલગ કરવામાં આવ્યા હતા. આ પુસ્તક લેવીઓના પ્રશ્નો અને જવાબદારીઓને સંબોધિત કરે છે, બહુ ખાસ રીતે, બધા જ યાજકોને તેઓએ કેવી રીતે લોકોને આરાધનામાં સહાય કરવી તે વિષે સૂચવવામાં આવ્યું છે અને લોકોને જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે તેઓએ પવિત્ર જીવન જીવવું.

લખાણનો સમય અને સ્થળ

લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 1446 થી 1405 વચ્ચેનો છે.

લેવીના પુસ્તકમાં જોવા મળતું નિયમશાસ્ત્ર ઈશ્વરે સિનાઈ પર્વત ઉપર કે તેની પાસે મૂસાને કહી જણાવ્યુ હતું કે જ્યાં ઇઝરાયલીઓએ થોડા સમય માટે છાવણી કરી હતી.

વાંચકવર્ગ

આ પુસ્તક આવનાર પેઢીઓના યાજકો, લેવીઓ તથા ઇઝરાયલના લોકો માટે લખવામાં આવ્યું હતું.

હેતુ

લેવીના પુસ્તકની શરૂઆત ઈશ્વર મૂસાને મુલાકાત મંડપમાંથી બોલાવે છે ત્યાંથી થાય છે. લેવીનું પુસ્તક આ છુટકારો પામેલા લોકોને તેઓએ કેવી રીતે પોતાના મહિમાવાન ઈશ્વર કે જેઓ હવે તેઓ મધ્યે વસતા હતા તેઓ સાથે યોગ્ય સંબંધ જાળવવો જોઈએ તેની સમજ આપે છે. આ પ્રજાએ હમણાં જ મિસર દેશ તથા તેની સંસ્કૃતિ અને ધર્મ છોડ્યા હતા અને તેઓ કનાન દેશમાં પ્રવેશવા જઈ રહ્યા હતા કે જ્યાં બીજી સંસ્કૃતિઓ અને ધર્મો તે પ્રજાને અસર કરશે. લેવીનું પુસ્તક લોકોને આ સંસ્કૃતિઓથી અલગ (પવિત્ર) રહેવા અને યહોવાહને વિશ્વાસુ રહેવા જરૂરી શરતો પૂરી પાડે છે.

મુદ્રાલેખ

સૂચનાઓ

રૂપરેખા અર્પણો માટે સૂચનાઓ - લેવી 1-7. ઈશ્વરના યાજકો માટે સૂચનાઓ - લેવી 8-10. ઈશ્વરના લોકો માટે સૂચનાઓ - લેવી 11-15. વેદી અને પ્રાયશ્ચિતના દિવસ માટેની સૂચનાઓ - લેવી 16. વ્યાવહારિક પવિત્રતા - લેવી 17-22. સાબ્બાથો, પર્વો અને ઉજવણીઓ - લેવી 23-25. ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરવાની શરતો - લેવી 26-27.

Chapter 1

આખા અર્પણનું દહન

1 યહોવાહે મૂસાને બોલાવીને મુલાકાતમંડપમાંથી તેની સાથે વાત કરી કે, 2 "તું ઇઝરાયલી લોકોને એમ કહે કે, 'જ્યારે તમારામાંનો કોઈ માણસ યહોવાહને અર્પણ ચઢાવે ત્યારે તે અર્પણ તમારે પશુમાંનું, એટલે જાનવરમાંનું ખાસ કરીને ઘેટાંબકરાંમાંનું ચઢાવવું.

3 જો કોઈનું અર્પણ જાનવરના દહનીયાર્પણનું હોય, તો તે નર હોવું જોઈએ અને તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ. તેણે જાનવરને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ચઢાવવું, જેથી તે પોતે યહોવાહની આગળ માન્ય થાય. 4 જે વ્યક્તિ તે જાનવરને લઈને આવે તેણે પોતાનો હાથ તે દહનીયાર્પણના માથા પર મૂકવો એટલે પ્રાયશ્ચિત્ત કરવા તેનો સ્વીકાર કરવામાં આવશે.

5 પછી તે બળદને યહોવાહની સમક્ષ કાપે. યાજકો, એટલે હારુનના પુત્રો, તેના રક્તને લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવેલી વેદીની ચારે બાજુએ છાંટે. 6 પછી દહનીયાર્પણનું ચામડું તે ઉતારે અને કાપીને તેના ટુકડા કરે.

7 હારુન યાજકના પુત્રો વેદી પર અગ્નિ મૂકીને અગ્નિ પર લાકડાં ગોઠવે. 8 યાજકો, એટલે હારુનના પુત્રો, તે ટુકડા, માથું તથા ચરબી, વેદી પરના બળતા લાકડાંનાં અગ્નિ પર ગોઠવે. 9 પણ જાનવરના આંતરિક ભાગો તથા પગ પાણીથી ધોઈ નાખે. પછી યાજક વેદી પર તે બધાનું અર્પણ કરે. તે દહનીયાર્પણ તરીકે વેદી પર મૂકવું અને એ યહોવાહને માટે સુવાસિત છે.

10 જો દહનીયાર્પણને માટે તેનું અર્પણ ટોળામાંથી એટલે કે ઘેટાંબકરાંમાંથી હોય, તો તે ખોડખાંપણ વગરનો નર પશુ જ હોવો જોઈએ. 11 તે તેને વેદીની ઉત્તર બાજુએ યહોવાહની સમક્ષ કાપે. યાજકો, એટલે હારુનના પુત્રો, તેનું રક્ત વેદીની આગળ પાછળ અને ચારે બાજુએ છાંટે.

12 તે તેને માથું તથા ચરબી સહિત કાપીને તેના ટુકડા કરે અને યાજક તેઓને વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર ગોઠવે. 13 પણ આંતરિક ભાગો તથા પગને તે પાણીથી ધોઈ નાખે. પછી યાજક તે બધું અર્પીને વેદી પર તેનું અર્પણ કરે. તે યહોવાહને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.

14 જો યહોવાહને માટે તેનું દહનીયાર્પણ પક્ષીઓનું હોય, તો તે હોલાનું કે કબૂતરનાં બચ્ચાંનું અર્પણ ચઢાવે. 15 યાજક તેને વેદી આગળ લાવીને તેનું માથું મરડી નાખે અને વેદી પર તેનું દહન કરે. પછી તેનું રક્ત વેદીની એક બાજુએ રેડી દે.

16 તે તેની અન્નની કોથળી તેના મેલ સહિત [1] કાઢી લઈને વેદીની પૂર્વ બાજુએ રાખ નાખવાની જગ્યાએ ફેંકી દે. 17 યાજક તે પક્ષીને બે પાંખો વચ્ચેથી ચીરે, પરંતુ તેના બે ભાગ જુદા થવા ન દે. પછી યાજક વેદી પરના અગ્નિ પરનાં લાકડાં પર તેનું દહન કરે. તે યહોવાહને માટે સુવાસિત દહનીયાર્પણ છે.


1:16 [1] પાચન પહેલાં

Chapter 2

ખાદ્યાર્પણ

1 જ્યારે કોઈ વ્યક્તિ યહોવાહને ખાદ્યાર્પણ ચઢાવે ત્યારે તેનું અર્પણ મેંદાનું હોય અને તે તેના પર તેલ રેડે અને તેના પર ધૂપ મૂકે. 2 તે હારુનના પુત્રોની પાસે એટલે યાજકોની પાસે તે લાવે અને તે તેમાંથી એક મુઠ્ઠીભર મેંદાનો લોટ, તેલ અને ધૂપ લે. પછી યાજક યહોવાહની કરુણાની યાદગીરી માટે સુવાસિત ખાદ્યાર્પણ તરીકે વેદી પર તેનું દહન કરે. 3 ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય. તે યહોવાહના હોમયજ્ઞોમાં સૌથી પરમપવિત્ર વસ્તુ ઈશ્વરને માટે છે.

4 જ્યારે તું ભઠ્ઠીમાં પકાવેલું ખાદ્યાર્પણ ચઢાવે, ત્યારે તે મેંદાનું જ હોય અને તે તેલથી મોહેલા લોટની બેખમીર રોટલીઓ અથવા તેલ ચોપડેલા બેખમીરી ખાખરા જ હોય. 5 જો તારું અર્પણ તવામાં પકાવેલું ખાદ્યાર્પણ હોય, તો તે પણ તેલથી મોહેલા મેંદાનું જ બનાવેલું અને બેખમીરી હોય.

6 તારે તેના ભાગ કરીને ટુકડા કરવા અને તેના પર તેલ રેડવું. આ ખાદ્યાર્પણ છે. 7 જો તારું ખાદ્યાર્પણ કઢાઈમાં પકાવેલું હોય, તો તે તેલમાં તળીને મેંદાનું બનાવવું.

8 આ રીતે શેકેલું, તળેલું ખાદ્યાર્પણ તારે યહોવાહની આગળ લાવવું અને તે યાજક આગળ રજૂ કરવું અને તે તેને વેદી પાસે લાવે. 9 પછી યાજક તે ખાદ્યાર્પણમાંથી કેટલુંક યાદગીરી માટે કાઢીને વેદી પર તેનું દહન કરે. તે યહોવાહને માટે સુવાસિત હોમયજ્ઞ છે. 10 ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય. તે યહોવાહને અર્પિત કરેલું યહોવાહના હોમયજ્ઞમાં પરમપવિત્ર વસ્તુ છે.

11 જે ખાદ્યાર્પણ તમે યહોવાહ પ્રત્યે ચઢાવો તેઓમાંનું કોઈ પણ ખમીરવાળું બનાવેલું ન હોય, કેમ કે તમારે યહોવાહના હોમયજ્ઞ તરીકે કંઈ પણ ખમીરનું અથવા કંઈ પણ મધનું દહન કરવું નહિ. 12 પ્રથમ ફળના અર્પણ તરીકે તેઓને તમારે યહોવાહ પ્રત્યે ચઢાવવા, પણ સુવાસને માટે વેદી પર તેઓ ચઢે નહિ. 13 તમારે તમારાં ખાદ્યાર્પણના પ્રત્યેક અર્પણમાં મીઠું [1] નાખવું. તમારા ખાદ્યાર્પણમાં ઈશ્વરના કરારના મીઠાની ખામી રહેવા ન દો. તમારા પ્રત્યેક અર્પણ સાથે તમે તમારે મીઠું ચઢાવવું.

14 જો તમે યહોવાહ પ્રત્યે પ્રથમ ફળનું ખાદ્યાર્પણ ચઢાવો, તો તમારા પ્રથમ ફળના ખાદ્યાર્પણને માટે ભરેલાં કણસલાં અંગારા પર શેકીને તાજાં કણસલાંનો પોંક પાડીને તમારે ચઢાવવો. 15 તે પર તમારે તેલ રેડવું અને તે પર લોબાન મૂકવો. એ ખાદ્યાર્પણ છે. 16 પછી યાજક પ્રતીકરૂપે તે પોંકમાંથી થોડો પોંક, તેલમાંથી થોડું તેલ તથા તે પરનો બધો લોબાન લઈને યહોવાહને ખાદ્યાર્પણ તરીકે વેદીની અગ્નિમાં દહન કરે. તે યહોવાહને માટે હોમયજ્ઞ છે.


2:13 [1] મીઠું ઈશ્વર અને ઇઝરાયલીઓ વચ્ચે કરેલા કરાર સાથે સરખાવવામાં આવે છે

Chapter 3

શાંત્યર્પણ

1 જો કોઈનું અર્પણ શાંત્યર્પણનો યજ્ઞ હોય અને જો તે જાનવર ચઢાવે, પછી તે નર હોય કે નારી હોય, તો યહોવાહ પ્રત્યે તે ખોડખાંપણ વગરનું ચઢાવે. 2 તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપના દ્વાર પાસે તેને કાપે. પછી યાજકો, એટલે હારુનના પુત્રો તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટે.

3 તે શાંત્યર્પણના યજ્ઞમાંથી યહોવાહ પ્રત્યે હોમયજ્ઞ ચઢાવે. આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડાં પરની બધી ચરબી, 4 બન્ને મૂત્રપિંડ તથા તે પરની ચરબી જાંઘો પાસે હોય છે તે તથા મૂત્રપિંડ સાથે કલેજા પરનું ચરબીનું પડ તે કાઢી લે. 5 હારુનના પુત્રો વેદી પરના અગ્નિ પર લાકડા ઉપરના દહનીયાર્પણ પર તેનું દહન કરે. તે યહોવાહને માટે સુવાસિત હોમયજ્ઞ છે.

6 જો કોઈ માણસ શાંત્યર્પણ તરીકે ઘેટાંબકરાંને યહોવાહ સમક્ષ લાવે, પછી તે નર હોય કે નારી હોય, તો તે શાંત્યર્પણ ખોડખાંપણ વગરનું ચઢાવે. 7 જો તે હલવાનનું અર્પણ ચઢાવે, તો તે તેને યહોવાહની આગળ ચઢાવે. 8 તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપની આગળ તેને કાપે. પછી હારુનના પુત્રોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.

9 શાંત્યર્પણના યજ્ઞમાંથી તે યહોવાહને સારુ હોમયજ્ઞ ચઢાવે. તેની ચરબી, તેની પુષ્ટ પૂછડી આખી અને આખી કરોડના હાડકાની લગોલગથી તે કાપી લે અને આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડા પરની સઘળી ચરબી, 10 બન્ને મૂત્રપિંડો તથા તેની પરની કમર પાસેની ચરબી અને મૂત્રપિંડ સાથે કલેજા પરનું અંતરપડ તે કાઢી લે. 11 અને યાજક વેદી પર તેનું દહન કરે; તે યહોવાહને માટે હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે.

12 જો માણસનું અર્પણ બકરાનું હોય, તો તે યહોવાહની આગળ ચઢાવે. 13 તે બકરાના માથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપની આગળ તેને કાપે. પછી હારુનના પુત્રોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું. 14 તે માણસ અગ્નિથી પોતાનું અર્પણ યહોવાહને માટે ચઢાવે. તે આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડા પરની સઘળી ચરબી કાઢી લે.

15 બન્ને મૂત્રપિંડો અને તેની પરની કમર પાસેની ચરબી, મૂત્રપિંડો પાસે કલેજા પરનું અંતરપડ તે કાઢી લે. 16 આ તમામનું યાજકે શાંત્યર્પણ તરીકે દહન કરવું, તે સુવાસને સારુ હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે. સઘળી ચરબી યહોવાહની છે. 17 તમારી વંશપરંપરા તમારાં સઘળાં રહેઠાણોમાં એ હંમેશને માટે તમારો વિધિ થાય, એટલે ચરબી કે રક્ત તમારે ખાવાં જ નહિ.'"

Chapter 4

ઇરાદાપૂર્વક નહિ એવા પાપ માટે અર્પણ

1 યહોવાહે મૂસાને કહ્યું કે, 2 "ઇઝરાયલના લોકોને કહે, 'જે કૃત્યો કરવાની યહોવાહે મના કરી છે તે ન કરવા તેનું પાલન કરે, જો કોઈ વ્યક્તિ અજાણતા મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરે તેને માટે આ નિયમો છે. 3 જો પ્રમુખ યાજક [1] પાપ કરીને લોકો પર દોષ મૂકે, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને સારુ તે યહોવાહ પ્રત્યે ખોડખાંપણ વગરનો એક જુવાન બળદ ચઢાવે.

4 તે બળદને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે યહોવાહની આગળ લાવે અને બળદના માથા પર પોતાનો હાથ મૂકીને તેને યહોવાહની સમક્ષ કાપે. 5 અભિષિક્ત યાજક તે બળદના રક્તમાંથી કેટલુંક લઈને મુલાકાતમંડપમાં લાવે.

6 યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને તેમાંથી યહોવાહની આગળ પરમપવિત્રસ્થાનના પડદાની સામે સાત વાર છાંટે. 7 સુવાસિત દહનીયાર્પણની વેદી મુલાકાતમંડપમાં યહોવાહની આગળ છે તેનાં શિંગ પર યાજક તે રક્તમાંથી ચોપડે અને જે યજ્ઞવેદી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે છે તેના થડમાં બળદનું સઘળું રક્ત તે રેડી દે.

8 તેણે પાપાર્થાર્પણના બળદની બધી ચરબી કાઢી લેવી; આંતરડાં પરની અને તેની આસપાસની ચરબી, 9 બે મૂત્રપિંડો તથા તેની પરની કમર પાસેની ચરબી અને કલેજા પરનું અંતરપડ મૂત્રપિંડો સુદ્ધાં તેણે કાઢી લેવું. 10 જેમ તે શાંત્યર્પણના યજ્ઞના બળદમાંથી કાઢી લેવાય છે તેમ, યાજક દહનીયાર્પણની વેદી પર તેઓનું દહન કરે.

11 બળદનું ચામડું, તેનું બાકીનું માંસ, તેનું માથું, તેના પગ, તેનાં આંતરડા તથા તેનું છાણ, 12 બળદનો બાકીનો ભાગ, તે છાવણીની બહાર કોઈ સ્વચ્છ જગ્યાએ, એટલે રાખ નાખવાની જગ્યાએ લાકડાં સળગાવીને તેને બાળી મૂકે. જ્યાં રાખ નાખવામાં આવે છે ત્યાં તેને બાળી નાખવામાં આવે.

13 જો સમગ્ર ઇઝરાયલની પ્રજા [2] અજાણતાં પાપ કરીને, તે બાબત સમુદાયની નજરથી ગુપ્ત રહેલી હોય અને જે કૃત્યો કરવાની યહોવાહે મના કરેલી છે તેમાંનું કોઈ કૃત્ય કરીને તેઓ દોષિત થયા હોય, 14 તો જ્યારે જે પાપ તેઓએ કર્યુ હોય તેની જાણ પડે ત્યારે સમુદાય [3] પાપાર્થાર્પણને માટે એક જુવાન બળદ ચઢાવે અને તેને મુલાકાતમંડપની આગળ લાવે. 15 સભાના વડીલો યહોવાહની આગળ તે બળદના માથા પર પોતાના હાથ મૂકે અને યહોવાહની સમક્ષ તે બળદ કપાય.

16 અભિષિક્ત યાજક તે બળદનું થોડું રક્ત મુલાકાતમંડપમાં લાવે. 17 યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને યહોવાહની સમક્ષ સાત વાર પડદા પર છાંટે.

18 જે વેદી યહોવાહની સમક્ષ મુલાકાતમંડપમાં છે તેના શિંગ પર તે રક્તમાંથી થોડું રક્ત રેડે અને બાકીનું બધું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળની દહનીયાર્પણની વેદીનાં પાયામાં રેડી દેવું. 19 તેણે બળદની બધી ચરબી કાઢી લઈને વેદી પર બાળી મૂકવી.

20 એ બળદને તે આ પ્રમાણે કરે. પાપાર્થાર્પણના બળદની જેમ જ તેણે એ બળદનું પણ કરવું અને યાજક લોકોને માટે પ્રાયશ્ચિત કરે અને તેઓને માફ કરવામાં આવશે. 21 તે બળદને છાવણીની બહાર લઈ જાય અને જેમ તેણે પહેલા બળદને બાળી નાખ્યો હતો તેમ એને પણ બાળી દે. તે આખી પ્રજાને માટે પાપાર્થાર્પણ છે.

22 જ્યારે કોઈ અધિકારી પાપ કરીને જે બધાં કૃત્યો કરવાની તેના ઈશ્વર યહોવાહે મના કરીને આજ્ઞા આપી છે તેમાંનું કોઈ પાપ અજાણે કરીને દોષિત ઠરે, 23 ત્યારે જો જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે, તો તે એક બકરાનું એટલે એક ખોડખાંપણ વગર વગરના નરનું અર્પણ લાવે.

24 બકરાના માથા પર તે પોતાનો હાથ મૂકીને જ્યાં યહોવાહની સમક્ષ દહનીયાર્પણ કપાય છે ત્યાં તે તેને કાપે. આ પાપાર્થાર્પણ છે. 25 યાજક પોતાની આંગળી વડે પાપાર્થાર્પણના રક્તમાંનું લઈને દહનીયાર્પણની વેદીનાં શિંગ પર તે લગાડે અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દે.

26 શાંત્યર્પણના યજ્ઞની ચરબીની જેમ તેની બધી ચરબીનું દહન કરે. તેના પાપને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.

27 જે કૃત્યો કરવાની યહોવાહે મના કરી છે તેમાંનું કોઈ પણ પાપ કરીને કોઈ સામાન્ય માણસ અજાણતા પાપ કરે અને જો તે દોષમાં પડે, 28 તો જો, જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે, તો તે એક ખોડખાંપણ વગરની બકરીનું અર્પણ લાવે, જે પાપ વિષે તે દોષિત થયો હોય તેને લીધે તે લાવે.

29 તે પોતાના હાથ પાપાર્થાર્પણના માથા પર મૂકે અને દહનીયાર્પણની જગ્યાએ પાપાર્થાર્પણને કાપે. 30 યાજક પોતાની આંગળી વડે તેના રક્તમાંનું થોડું રક્ત લઈને દહનીયાર્પણની વેદીનાં શિંગ પર તે લગાડે અને બાકીનું બધું જ રક્ત વેદીના પાયામાં રેડી દે.

31 જેમ શાંત્યર્પણના યજ્ઞની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે. યાજક યહોવાહ પ્રત્યે સુવાસને માટે વેદી પર તેનું દહન કરે. યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.

32 જો કોઈ માણસ પાપાર્થાર્પણને માટે હલવાનનું અર્પણ લાવે તો તે ખોડખાંપણ વગરની નારી લાવે. 33 તે પોતાનો હાથ પાપાર્થાર્પણના માથા પર મૂકે અને જ્યાં દહનીયાર્પણ કપાય છે, ત્યાં તે જગ્યાએ પાપાર્થાર્પણને માટે તેને કાપે.

34 યાજક પોતાની આંગળી વડે પાપાર્થાર્પણના રક્તમાંનું થોડું રક્ત લઈને દહનીયાર્પણની વેદીનાં શિંગ પર લગાડે અને બાકીનું બધું રક્ત વેદીના પાયામાં રેડી દે. 35 જેમ શાંત્યર્પણના યજ્ઞમાંથી હલવાનની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે અને યાજક યહોવાહના હોમયજ્ઞોની રીત પ્રમાણે વેદી પર તેઓનું દહન કરે. જે પાપ વિષે તે દોષિત થયો હોય તેને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે અને તે માણસને માફ કરવામાં આવશે.


4:3 [1] અભિષિક્ત યાજક
4:13 [2] સમગ્ર ઇઝરાયલની પ્રજા સભા
4:14 [3] સમગ્ર ઇઝરાયલની પ્રજા

Chapter 5

પાપાર્થાર્પણની જરૂર પડે તેવા બનાવો

1 જો કોઈ પણ વ્યક્તિ સાક્ષી હોવા છતાં તેને શપથ આપવામાં આવે, તો તેણે પોતે જ જોયેલું કે જાણેલું હોય તે ન જણાવે તો તે પાપમાં પડે અને તેને માટે તે પોતે જવાબદાર છે. 2 અથવા જે બાબત ઈશ્વરે અશુદ્ધ તરીકે ઠરાવેલી છે તેનો જો કોઈ માણસ સ્પર્શ કરે, એટલે અશુદ્ધ પશુનો મૃતદેહ, જાનવરનો મૃતદેહ, અશુદ્ધ સર્પટિયાના મૃતદેહનો સ્પર્શ કરે અને તે વ્યક્તિના જાણવામાં ન આવતાં તેણે તેનો સ્પર્શ કર્યો હોય તો તે અશુદ્ધ અને દોષિત ગણાય.

3 અથવા જો કોઈ માણસ કોઈપણ અશુદ્ધતાથી અશુદ્ધ થયો હોય અને તેની અશુદ્ધતાનો જો કોઈ સ્પર્શ કરે અને તે તેના જાણવામાં આવ્યું ન હોય, તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યારે તે દોષિત [1] ગણાય.

4 અથવા જો કોઈ માણસ દુષ્ટતા કરવાના અથવા સારું કરવાના સોગન પોતાના હોઠોથી વગર વિચારે ખાઈને ગમે તેમ તે કહે અને જો તે તેના જાણવામાં આવ્યું ન હોય, તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યારે તે તેઓમાંથી એક વિષે દોષિત ઠરે.

5 જ્યારે તે તેઓમાંથી એક વિષે દોષિત ઠરે ત્યારે એમ થાય કે જે વિષે તેણે પાપ કર્યું હોય તે તે કબૂલ કરે. 6 પછી જે પાપ તેણે કર્યું હોય તેને લીધે યહોવાહને માટે તે પોતાનું દોષાર્થાર્પણ લાવે, એટલે પાપાર્થાર્પણને માટે ટોળામાંથી નારી જાતનું એક જાનવર, એટલે ઘેટું કે બકરી અને યાજક તેના પાપને લીધે તેને માટે પ્રાયશ્ચિત કરે.

7 જો તે હલવાનને ખરીદી ના શકતો હોય, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે દોષાર્થાર્પણને સારુ તે યહોવાહને માટે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવે, એક પાપાર્થાર્પણને માટે અને બીજું દહનીયાર્પણને માટે. 8 તે તેઓને યાજક પાસે લાવે, પાપાર્થાર્પણને માટે જે હોય તેને તે પ્રથમ ચઢાવે અને તે તેની ગરદન પરથી તેનું માથું મરડી નાખે, પણ તેના શરીર પરથી તેની ગરદન જુદી ન કરે. 9 પછી તેણે પાપાર્થાર્પણના રક્તમાંનું થોડું રક્ત વેદીની બાજુ પર છાંટવું અને બાકીનું રક્ત વેદીના પાયામાં રેડી દેવું. એ પાપાર્થાર્પણ છે.

10 પછી બીજું પક્ષી તે વિધિપૂર્વક દહનીયાર્પણ તરીકે ચઢાવે, તેણે જે પાપ કર્યું હોય તેને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે અને તેને માફ કરવામાં આવશે.

11 પણ જો કોઈ તે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ખરીદીને ચઢાવી ના શકે, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે એક દશાંશ એફાહ [2] મેંદાનો લોટ તે પોતાને માટે અર્પણ લાવે. તેણે તેમાં તેલ કે લોબાન ન મૂકવાં, કારણ કે તે તો પાપાર્થાર્પણ છે.

12 તે તેને યાજક પાસે લાવે અને યાજક પ્રતીક તરીકે તેમાંથી મુઠ્ઠી ભરીને લોટ લઈ વેદી પર યહોવાહને ચઢાવેલાં ખાદ્યાર્પણ સાથે દહન કરે. એ પાપાર્થાર્પણ છે. 13 આ કૃત્યોમાંના જે કોઈ વિષે તેણે પાપ કર્યું હોય તો યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે અને તે વ્યક્તિને માફ કરવામાં આવશે. ખાદ્યાર્પણની જેમ બાકીનું અર્પણ યાજકનું થાય.'"

દોષાર્થાર્પણ

14 પછી યહોવાહે મૂસાને કહ્યું, 15 "જો કોઈ વ્યક્તિ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને યહોવાહની પવિત્ર વસ્તુઓ વિષે અજાણતાં પાપ કરે, તો તે યહોવાહ પ્રત્યે પોતાનું દોષાર્થાર્પણ લાવે. ટોળાંમાંથી ખોડખાંપણ વગરનો એક ઘેટો, શેકેલ ચાંદી, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે, દોષાર્થાર્પણ [3] ને માટે લાવે. 16 જે પવિત્ર વસ્તુ વિષે તેણે પાપ કર્યું હોય તેનો બદલો તે ભરી આપે અને વળી તેનો એક પંચમાંશ તેમાં ઉમેરીને યાજકને તે આપે. પછી યાજક તેને માટે દોષાર્થાર્પણના ઘેટા વડે પ્રાયશ્ચિત કરે અને તેને માફ કરવામાં આવશે.

17 યહોવાહે આપેલી કોઈ પણ આજ્ઞાનું ઉલ્લંઘન જો કોઈ વ્યક્તિ અજાણતાથી કરીને પાપ કરે, તો તે દોષિત ઠરે અને તેના પાપની જવાબદારી તેને માથે. 18 તે દોષાર્થાર્પણને માટે ટોળાંમાંનો ખોડખાંપણ વગરનો ઘેટો યાજક પાસે લાવે અને જે પાપ તેણે અજાણતાં કર્યું હોય, તો તે વિષે યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે. 19 આ દોષાર્થાર્પણ છે અને તે નિશ્ચે યહોવાહની આગળ દોષિત છે."


5:3 [1] વાંચો: ૧૨ - ૧૪
5:11 [2] એફાહ ૧ કિલોગ્રામ
5:15 [3] દોષાર્થાર્પણ ભરપાઈ નો અર્પણ

Chapter 6

1 યહોવાહે મૂસાને કહ્યું, 2 "જો કોઈ વ્યક્તિ પાપ કરીને યહોવાહની આજ્ઞાનો ઉલ્લંઘન કરે, એટલે ખોટા વ્યવહારમાં, ગીરવે મૂકવાની બાબતમાં, લૂંટફાટની બાબતમાં પોતાના પડોશીને દગો કરે અથવા તેણે પોતાના પડોશી પર જુલમ ગુજાર્યો હોય, 3 અથવા કોઈની ખોવાયેલી વસ્તુ તેને મળી હોય તે વિષે તે દગો કરે અને જૂઠા સોગન ખાય અથવા જો કોઈ માણસ આ બધામાંથી કંઈપણ કરીને પાપ કરે, 4 જો તે પાપ કરીને દોષિત થયો હોય, તો એમ થાય કે, જે તેણે પડાવી લીધું હોય અથવા જે વસ્તુ તેણે જુલમથી મેળવી હોય અથવા જે અનામત તેને સોંપાયેલી હોય અથવા જે ખોવાયેલી વસ્તુ તેને મળી હોય,

5 અથવા જે કોઈ ચીજ વિષે તેણે જૂઠા સોગન ખાધા હોય, તે તે પાછી આપે, તે ભરીપૂરીને પાછું આપે એટલું જ નહિ, પણ તેમાં એક પંચમાંશ ઉમેરે, તે દોષિત ઠરે તે જ દિવસે તેણે જેનું તે હોય તેને તે આપવું 6 પછી તે યહોવાહની આગળ પોતાનું દોષાર્થાર્પણ લાવે: ટોળાંમાંનો એક ખોડખાંપણ વગરનો ઘેટો યાજક પાસે દોષાર્થાર્પણને માટે લાવે. 7 યાજક યહોવાહ સમક્ષ તેને માટે પ્રાયશ્ચિત કરે અને જે કોઈ કૃત્યથી તે દોષિત થયો હશે, તેની તેને ક્ષમા કરવામાં આવશે."

ખાદ્યાર્પણ

8 પછી યહોવાહે મૂસાને કહ્યું, 9 "હારુન તથા તેના પુત્રોને આજ્ઞા કર કે, 'આ દહનીયાર્પણના નિયમો છે: દહનીયાર્પણો આખી રાત સવાર સુધી વેદી પરની કઢાઈ ઉપર રહે અને વેદીના અગ્નિને તેની ઉપર સળગતો રાખવો.

10 અને યાજક અંદર તથા બહાર શણનાં વસ્ત્રો પહેરે. અગ્નિએ ભસ્મ કરેલા વેદી પરના દહનીયાર્પણની રાખ લઈને તે વેદીની બાજુમાં ભેગી કરે. 11 તે પોતાના વસ્ત્રો બદલે અને બીજા વસ્ત્રો પહેરીને તે રાખને છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ લઈ જાય.

12 વેદી પરનો અગ્નિ સતત સળગતો રાખવો. તેને હોલવાઈ જવા ન દેવો અને પ્રતિદિન સવારે યાજક તે પર લાકડાં બાળે. તે તેના ઉપર દહનીયાર્પણ ગોઠવે અને તેના ઉપર શાંત્યર્પણની ચરબીનું દહન કરે. 13 વેદીનો અગ્નિ સતત સળગતો રાખવો. તેને હોલવાઈ જવા ન દેવો.

14 ખાદ્યાર્પણનો નિયમ આ છે: હારુનના પુત્રો ખાદ્યાર્પણને યહોવાહની સમક્ષ વેદી સામે ચઢાવે. 15 યાજક ખાદ્યાર્પણોમાંથી એક મુઠ્ઠી ભરીને મેંદો, તેલ અને બધું જ લોબાન પ્રતીક તરીકે લઈને યહોવાહને માટે સુવાસને અર્થે વેદી પર તેનું દહન કરે.

16 તેમાંથી જે બાકી રહે તે હારુન તથા તેના પુત્રો ખાય. તેને પવિત્ર જગ્યામાં ખમીર વગર ખાવું. મુલાકાતમંડપનાં આંગણામાં તેઓ તે ખાય. 17 તેને ખમીર સહિત શેકવું નહિ. મેં અગ્નિ દ્વારા મળેલ ખાદ્યાર્પણના તેમના ભાગરૂપે તેમને આપેલા છે. પાપાર્થાર્પણની જેમ તથા દોષાર્થાર્પણની જેમ તે પરમપવિત્ર છે. 18 હારુનના વંશજોમાંની કોઈ પણ વ્યક્તિ તે ખાઈ શકશે, યહોવાહને અગ્નિથી ચઢાવેલા ખાદ્યાર્પણના અર્પણનો તેમને પેઢી દર પેઢી કાયમનો ભાગ મળશે. જે કોઈ તેનો સ્પર્શ કરશે તે શુદ્ધ બની જશે.'"

19 તેથી યહોવાહે મૂસાને ફરીથી કહ્યું, 20 "હારુનનો અભિષેક થાય તે દિવસે તેણે તથા તેના પુત્રોએ યહોવાહને માટે આ અર્પણ કરવું: એટલે ખાદ્યાર્પણને માટે નિયમિત એક દશાંશ એફાહ [1] મેંદાનો લોટ, તેમાંથી અર્ધો સવારે તથા અર્ધો સાંજે અર્પણ કરવામાં આવે.

21 તેને ભઠ્ઠીમાં તવી ઉપર તેલથી તળવામાં આવે. જ્યારે તે તળાઈ જાય ત્યારે તેને અંદર લાવવો. તળેલા મેંદાના ચોસલાં પાડીને યહોવાહ સમક્ષ સુવાસને અર્થે તારે ખાદ્યાર્પણ ચઢાવવું. 22 તેના પુત્રોમાંનો જે અભિષિક્ત યાજક તેની પદવીએ આવે તે તે ચઢાવે. હંમેશના વિધિથી તેનું યહોવાહને માટે પૂરેપૂરું દહન કરાય. 23 યાજકના પ્રત્યેક ખાદ્યાર્પણનું પૂરેપૂરું દહન કરવું. તે ખાવું નહિ."

પાપાર્થાપણ

24 યહોવાહે ફરીથી મૂસાને કહ્યું, 25 "હારુન તથા તેના પુત્રોને એમ કહે કે, 'પાપાર્થાર્પણનો નિયમ આ છે: જ્યાં દહનીયાર્પણ કપાય છે, ત્યાં યહોવાહની આગળ પાપાર્થાર્પણ પણ કપાય છે. તે પરમપવિત્ર છે. 26 જે યાજક પાપને માટે તેનું અર્પણ કરે, તે એ ખાય. મુલાકાતમંડપના આંગણામાં, એટલે પવિત્રસ્થાને જમવું.

27 જે કોઈ તેના માંસનો સ્પર્શ કરે તે પવિત્ર ગણાય અને જો તેનું રક્ત કોઈપણના વસ્ત્ર પર પડે, તો જેના પર તે પડ્યું હોય, તેને તારે પવિત્રસ્થાને ધોઈ નાખવું. 28 પણ માટીનાં જે વાસણમાં માંસને બાફ્યું હોય તે માટીના વાસણને ભાંગી નાખવું. જો માંસ પિત્તળના વાસણમાં બાફ્યું હોય, તો તેને ઘસીને ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું.

29 યાજકમાંનો કોઈ પણ પુરુષ તેમાંથી થોડું ખાય કેમ કે તે પરમપવિત્ર છે. 30 અને જેના રક્તમાંનું પવિત્રસ્થાનમાં પ્રાયશ્ચિત કરવા માટે મુલાકાતમંડપમાં કંઈ લાવવામાં આવ્યું હોય, તેવું કોઈ પાપાર્થાર્પણ ખવાય નહિ. તેને અગ્નિમાં બાળી નાખવું.


6:20 [1] એફાહ ૧ કિલોગ્રામ

Chapter 7

દોષાર્થાર્પણ

1 દોષાર્થાર્પણ [1] નો નિયમ આ છે. તે પરમપવિત્ર છે. 2 જે જગ્યાએ દહનીયાર્પણ કપાય છે, ત્યાં તેઓ દોષાર્થાર્પણ કાપે અને તેનું રક્ત તેઓ વેદીની ચારે બાજુએ છાંટે. 3 તેણે તેમાંની બધી ચરબી કાઢી લઈ વેદી પર ચઢાવવી: પુષ્ટ પૂંછડી, આંતરડાં પરની ચરબી, 4 બન્ને મૂત્રપિંડો અને કમરના નીચલા ભાગના સ્નાયુ પરની ચરબી તથા કલેજા પરનો ચરબીવાળો ભાગ મૂત્રપિંડો સહિત કાઢી લેવાં.

5 યાજક યહોવાહ પ્રત્યે હોમયજ્ઞને માટે વેદી પર તેમનું દહન કરે. આ દોષાર્થાર્પણ છે. 6 યાજકોમાંનો દરેક પુરુષ તે ખાઈ શકે. તેને પવિત્રસ્થાને જ ખાવું કેમ કે તે પરમપવિત્ર છે.

7 પાપાર્થાર્પણ દોષાર્થાર્પણ જેવું જ છે. તે બન્નેને માટે એક સરખા જ નિયમો લાગુ પડે છે. જે યાજક તે વડે પ્રાયશ્ચિત કરે, તેને તે મળે. 8 જે યાજક કોઈ માણસ વતી દહનીયાર્પણ ચઢાવે, તે જ યાજક પોતે ચઢાવેલા દહનીયાર્પણનું ચામડું પોતાને માટે લે.

9 ભઠ્ઠીમાં શેકેલું, કડાઈમાં કે તવામાં તળેલું સર્વ ખાદ્યાર્પણ તે ચઢાવનાર યાજકનું થાય. 10 સર્વ તેલવાળું કે તેલ વગરનું ખાદ્યાર્પણ હારુનના સર્વ વંશજોના સરખે ભાગે ગણાય.

શાંત્યર્પણ

11 આ શાંત્યર્પણોના યજ્ઞો યહોવાહ પ્રત્યે જે લોકો ચઢાવે, તેનો નિયમ આ પ્રમાણે છે. 12 જો કોઈ વ્યક્તિ આભારસ્તુતિ માટે અર્પણ ચઢાવતી હોય, તો તે આભારર્થાર્પણની સાથે ખમીર વગરની રોટલી, પણ તે તેલ સાથે મિશ્ર કરેલી હોય, પૂરીને ખમીર વગર બનાવવી, પણ તેના પર તેલ લગાવવું અને કેકને મોહેલા મેંદાના લોટથી બનાવવી.

13 આભારસ્તુતિને અર્થે પોતાના શાંત્યર્પણના અર્પણ સાથે ખમીરવાળી રોટલીનું તે અર્પણ કરે. 14 તેમાંના પ્રત્યેક અર્પણમાંથી દરેક વસ્તુ યહોવાહને માટે ઉચ્છાલીયાર્પણ તરીકે તે ચઢાવે. શાંત્યર્પણોનું રક્ત વેદી પર છાંટનાર યાજકનું તે ગણાય.

15 આભારસ્તુતિને માટેનાં શાંત્યર્પણોના યજ્ઞનું માંસ અર્પણને દિવસે જ તે ખાઈ જાય. તે તેમાંથી કંઈ પણ બીજા દિવસની સવાર સુધી રહેવા ન દે. 16 પણ જો તેનું યજ્ઞાર્પણ એ કોઈ માનતા કે ઐચ્છિકાર્પણ હોય, તો જે દિવસે તે પોતાનું અર્પણ ચઢાવે તે દિવસે તે એ ખાય, પણ બાકી રહેલું માંસ તે બીજે દિવસે ખાય.

17 પણ યજ્ઞના માંસમાંનું જે કંઈ ત્રીજા દિવસ સુધી રહે તેને અગ્નિમાં બાળી નાખવું. 18 જો તેનાં શાંત્યર્પણના યજ્ઞના માંસમાંનું કંઈ પણ ત્રીજે દિવસે ખાવામાં આવે તો તે માન્ય થશે નહિ, તેમ જ અર્પણ કરનારનાં લાભમાં તે ગણાશે પણ નહિ. તે વસ્તુ અમંગળ ગણાશે અને જે માણસ તેમાંનું ખાશે તેનો દોષ તેને માથે.

19 જે માંસને કોઈ અપવિત્ર વસ્તુનો સ્પર્શ થાય તે ખાવું નહિ. તેને અગ્નિમાં બાળી મૂકવું. જે વ્યક્તિ શુદ્ધ હોય, તે તે માંસ ખાય. 20 પણ જે કોઈ માણસ અશુદ્ધ હોવા છતાં શાંત્યર્પણમાંથી, એટલે જે યહોવાહનું છે, તે ખાય તો તેને તેના લોકોથી જુદો કરવો, કારણ કે તેણે જે પવિત્ર છે તેને અશુદ્ધ કર્યુ છે.

21 જો કોઈ માણસ અશુદ્ધ વસ્તુનો, એટલે મનુષ્યના અશુદ્ધપણાનો, અશુદ્ધ પશુનો અથવા કોઈપણ અશુદ્ધ કે અમંગળ વસ્તુનો સ્પર્શ કરે અને યહોવાહને માટેનાં શાંત્યર્પણના યજ્ઞનું માંસ ખાય, તે વ્યક્તિ પોતાના લોકોમાંથી અલગ કરાય.'"

22 પછી યહોવાહે મૂસાને કહ્યું, 23 "ઇઝરાયલી લોકોને બોલાવીને કહે કે, 'તમારે કોઈ બળદ, ઘેટાં અથવા બકરાની ચરબી ખાવી નહિ. 24 કુદરતી રીતે મૃત્યુ પામેલ અથવા કોઈ જંગલી પ્રાણીએ મારી નાખેલા પશુની ચરબીનો બીજી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરવો પણ તમારે તે ખાવું નહિ.

25 જો કોઈ માણસ યહોવાહને પ્રત્યે જે પશુનો હોમયજ્ઞ ચઢાવે છે તેની ચરબી જે કોઈ ખાય, તે ખાનાર માણસ પોતાના લોકોમાંથી અલગ કરાય. 26 તમે કોઈપણ પ્રકારનું રક્ત, પછી તે પક્ષીનું હોય કે પશુનું હોય, તે તમારા કોઈપણ ઘરોમાં ન ખાઓ. 27 જે વ્યક્તિ કોઈપણનું રક્ત ખાય તો તે માણસ તેના લોકોમાંથી અલગ કરાય.'"

28 તેથી યહોવાહે મૂસાને કહ્યું, 29 "ઇઝરાયલી લોકોને આમ કહે કે, 'જે કોઈ વ્યક્તિ યહોવાહને શાંત્યર્પણ ચઢાવવા લાવે તો તેણે તેનો અમુક ભાગ યહોવાહને વિશેષ ભેટ તરીકે અર્પણ કરવો. 30 તે પોતાના હાથે યહોવાહના હોમયજ્ઞો લાવે. તેણે ચરબી સહિત પ્રાણીની છાતી લાવવી, કે જેથી તેણે છાતીને, આરત્યર્પણને સારુ યહોવાહની આગળ અર્પણ કરાય.

31 યાજકે ચરબીનું વેદીમાં દહન કરવું, પણ છાતીનો ભાગ હારુન તથા તેના વંશજોનો થાય. 32 તમારાં શાંત્યર્પણોના યજ્ઞોમાંથી જમણી જાંઘ ઉચ્છાલીયાર્પણને સારુ તમારે યાજકને આપવી.

33 જમણી જાંઘ, હારુનના વંશજોમાંનો, યાજક, જે શાંત્યર્પણોનું રક્ત તથા તેની ચરબી ચઢાવે તેના ભાગમાં જાય. 34 કેમ કે ઇઝરાયલી લોકોએ ચઢાવેલા શાંત્યર્પણના પશુઓની છાતીનો ભાગ અને જાંઘ હું રાખી લઉં છું અને મેં તે હારુન, પ્રમુખ યાજકને તથા તેના વંશજોને તેઓના હંમેશના બાના તરીકે આપ્યાં છે.

35 જે દિવસે મૂસાએ હારુન તથા તેના પુત્રોને યાજક તરીકે રજૂ કર્યા તે દિવસથી યહોવાહને અગ્નિથી કરેલ અર્પણનો હિસ્સો તે આ પ્રમાણે છે: 36 જે દિવસે યાજકનો અભિષેક કરવામાં આવ્યો તે દિવસે યહોવાહે આ ભાગો તેમને આપવાની ઇઝરાયલીઓને આજ્ઞા કરી હતી. આ નિયમ સદા માટે તેમના બધા વંશજોને માટે બંધનકર્તા છે. વંશપરંપરા આ તેઓનો અધિકાર છે.

37 દહનીયાર્પણનો, ખાદ્યાર્પણનો, પાપાર્થાર્પણનો, દોષાર્થાર્પણનો, પ્રતિષ્ઠાક્રિયાનો તથા શાંત્યર્પણના યજ્ઞના નિયમો આ પ્રમાણે છે. 38 સિનાઈના અરણ્યમાં યહોવાહને સારુ અર્પણ ચઢાવવાની ઇઝરાયલી લોકોને તેણે આજ્ઞા કરી હતી, તે દિવસે યહોવાહે સિનાઈ પર્વત પર મૂસાને આ પ્રમાણે આજ્ઞા કરી હતી.'"


7:1 [1] દોષાર્થાર્પણ ભરપાઈનો અર્પણ

Chapter 8

હારુન તથા તેના પુત્રોના વસ્ત્રો

1 યહોવાહે મૂસાને કહ્યું હતું, 2 "હારુન તથા તેની સાથે તેના પુત્રો વસ્ત્રો, અભિષેકનું તેલ, પાપાર્થાર્પણનો બળદ, બે ઘેટા તથા બેખમીર રોટલીઓની ટોપલી લે. 3 મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આખી સભાને ભેગી કરે."

4 તેથી મૂસાએ યહોવાહના કહેવા પ્રમાણે કર્યું, સમગ્ર સભા મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગી થઈ. 5 પછી મૂસાએ તે સભાને જણાવ્યું કે, "યહોવાહે જે ક્રિયા કરવાની આજ્ઞા આપી હતી તે આ છે."

6 મૂસાએ હારુન તથા તેના પુત્રોને લાવીને પાણીથી સ્નાન કરાવ્યું. 7 તેણે હારુનને ઉપવસ્ત્રો પહેરાવ્યાં અને તેની કમરે કમરબંધ બાંધીને જામો પહેરાવ્યો અને તેને એફોદ પહેરાવીને તેણે એફોદનો કારીગરીથી વણેલો પટકો તેની કમરે બાંધ્યો અને એ વડે તેણે તેના શરીર સાથે તે બાંધ્યો.

8 તેણે તેને ઉરપત્રક પહેરાવીને ઉરપત્રકમાં તેણે ઉરીમ તથા તુમ્મીમ જોડી દીધા. 9 જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ, તેણે તેને માથે પાઘડી પહેરાવી અને પાઘડીના આગળના ભાગમાં તેણે સોનાનું પતરું એટલે પવિત્ર મુગટ લગાવ્યો.

10 મૂસાએ અભિષેકનું તેલ લઈને મુલાકાતમંડપ ઉપર અને તેમાંની બધી જ વસ્તુઓ પર છાંટીને તે સર્વને પવિત્ર કર્યા. 11 તેણે વેદી પર સાત વખત તેલ છાંટીને વેદીને તથા તેના સર્વ વાસણોને, હોજને તથા તેના તળિયાને પવિત્ર કરવા સારુ તેઓનો અભિષેક કર્યો.

12 તેણે હારુનના માથા પર અભિષેકનું તેલ રેડ્યું અને તેને પવિત્ર કરવા સારુ તેનો અભિષેક કર્યો. 13 જેમ યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તેમ, તેણે હારુનના પુત્રોને ઝભ્ભાઓ પહેરાવ્યાં અને તેની કમરે કમરબંધ બાંધ્યા અને માથે પાઘડી બાંધી.

14 મૂસા પાપાથાર્પણને માટે બળદને આગળ લાવ્યો અને હારુને તથા તેના પુત્રોએ પાપાર્થાર્પણના બળદના માથા પર તેઓના હાથ મૂક્યા. 15 તેણે તે કાપ્યો અને મૂસાએ રક્ત લઈને પોતાની આંગળીથી વેદીનાં શિંગની આસપાસ તે ચોપડ્યું અને વેદીને શુદ્ધ કરીને બાકીનું રક્ત વેદીના પાયામાં તેને માટે રેડી દીધું અને ઈશ્વરને માટે તેને અલગ કરીને પવિત્ર કરી.

16 તેણે આંતરડાં પરની બધી જ ચરબી, કલેજા પરની ચરબી અને બન્ને મૂત્રપિંડો તથા તે પરની ચરબી લીધી અને મૂસાએ વેદી પર તેનું દહન કર્યુ. 17 પણ જેમ યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તેમ, તેણે બળદનું ચામડું, તેનું માંસ અને છાણ છાવણી બહાર અગ્નિમાં બાળી નાખ્યાં.

18 મૂસાએ દહનીયાર્પણનો ઘેટો રજૂ કર્યો અને હારુને તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર પોતાના હાથ મૂક્યા. 19 મૂસાએ તેને મારી નાખીને તેનું રક્ત વેદીની આસપાસ છાંટ્યું.

20 મૂસાએ તે ઘેટાંને કાપીને તેના ટુકડા કર્યા અને તેનું માથું, ચરબી તથા બધા ટુકડાનું દહન કર્યું. 21 તેણે આંતરડાં તથા પગ પાણીથી ધોયા અને વેદી પર આખા ઘેટાંનું દહન કર્યું. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબનું એ દહનીયાર્પણ હતું. તે યહોવાહને સારુ હોમયજ્ઞ હતું.

22 પછી મૂસાએ બીજા ઘેટાંને, એટલે કે પ્રતિષ્ઠાના ઘેટાંને રજૂ કર્યો અને હારુન તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર હાથ મૂક્યા. 23 હારુને તે કાપ્યો અને મૂસાએ તેનું થોડું રક્ત લઈને હારુનના જમણા કાનની ટીશી પર, તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તે લગાડ્યું. 24 તે હારુનના પુત્રોને લાવીને તેમના જમણા કાનની ટીશી પર, તેમના જમણા હાથના અંગૂઠા પર તથા તેમના જમણા પગના અંગૂઠા પર થોડું રક્ત લગાડ્યું. પછી મૂસાએ વેદીની ચારે બાજુએ રક્ત છાંટ્યું.

25 તેણે ચરબી, જાડી પૂંછડી, આંતરડાં પરની સઘળી ચરબી, કલેજા પરની ચરબી, બન્ને મૂત્રપિંડો અને તેની ચરબી તેમ જ જમણી જાંઘ લીધી. 26 જે બેખમીર રોટલીની ટોપલી યહોવાહની સમક્ષ હતી, તેમાંથી તેણે એક બેખમીરી ટુકડો તથા તેલમાં મોહેલી એક નાની રોટલી તથા એક ખાખરો લઈને તેઓને ચરબી ઉપર તથા જમણી જાંઘ ઉપર મૂક્યાં. 27 તેણે આ બધું હારુન તથા તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવાહ સમક્ષ અર્પણો કર્યા.

28 પછી મૂસાએ તે બધું તેમના હાથમાંથી પાછું લઈને દહનીયાર્પણને માટે વેદી પર તેઓનું દહન કર્યું. તેઓ સુવાસને અર્થે પ્રતિષ્ઠાને માટે હતા. તે યહોવાહને માટે એક અર્પણની ભેટ હતી. 29 મૂસાએ પશુની છાતી લઈને યહોવાહની સમક્ષ તેનું અર્પણ કર્યું. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ, એ તો યાજકના સંકલનના ઘેટામાંથી મૂસાનો હિસ્સો હતો.

30 મૂસાએ થોડું અભિષેકનું તેલ અને થોડું વેદી પરનું રક્ત લઈને હારુન તથા તેનાં વસ્ત્રો પર, તેના પુત્રો પર તથા તેની સાથે તેના પુત્રોનાં વસ્ત્રો પર છાંટ્યું. આ રીતે તેણે હારુનને તથા તેના વસ્ત્રોને અને તેના પુત્રોને તથા તેઓના વસ્ત્રોને પવિત્ર કર્યાં.

31 તેથી મૂસાએ હારુનને તથા તેના પુત્રોને કહ્યું, "મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તે માંસ બાફો અને જેમ મેં આજ્ઞા કરીને કહ્યું, 'હારુન તથા તેના પુત્રો તે ખાય,' તે પ્રમાણે તમે પ્રતિષ્ઠાની ટોપલીમાં જે રોટલી છે તેની સાથે તે ત્યાં ખાઓ. 32 તે માંસ તથા રોટલીમાંથી જે બાકી રહે તે અગ્નિમાં બાળી નાખજો. 33 સાત દિવસ સુધી એટલે તમારી પ્રતિષ્ઠાના દિવસો પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે મુલાકાતમંડપનું પ્રવેશદ્વાર છોડી બહાર જવું નહિ. કેમ કે સાત દિવસ સુધી યહોવાહ તમારી પ્રતિષ્ઠા કરશે.

34 તમારે માટે પ્રાયશ્ચિત કરવા માટે, જેમ આજે કરવામાં આવ્યું છે તેમ કરવાની યહોવાહે આજ્ઞા કરી છે. 35 તમારે સાત દિવસ સુધી રાતદિવસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહની આજ્ઞા પાળવી, જેથી તમે માર્યા ન જાઓ, કેમ કે મને એવી આજ્ઞા મળેલી છે." 36 તેથી હારુન તથા તેના પુત્રોએ યહોવાહે મૂસાને આપેલી આજ્ઞાઓ મુજબ બધું જ કર્યું.

Chapter 9

હારુન અર્પણો ચઢાવે છે

1 આઠમા દિવસે મૂસાએ હારુનને, તેના પુત્રોને તથા ઇઝરાયલના વડીલોને બોલાવ્યા. 2 તેણે હારુનને કહ્યું, "તું પશુઓના ટોળામાંથી ખામી વગરનો એક બળદ પાપાર્થાર્પણને માટે તથા દહનીયાર્પણને માટે ખામી વગરનો એક ઘેટો લઈને યહોવાહની સમક્ષ તેઓનું અર્પણ કર.

3 તું ઇઝરાયલી લોકોને કહે કે, 'તમે પાપાર્થાર્પણને માટે એક બકરો અને દહનીયાર્પણને માટે એક વાછરડો તથા ઘેટો, બન્ને એક વર્ષના તથા ખામી વગરના લેવા. 4 આ ઉપરાંત શાંત્યર્પણોને માટે યહોવાહની સમક્ષ યજ્ઞ કરવા માટે એક બળદ, એક ઘેટો તથા તેલથી મોહેલું ખાદ્યાર્પણ લો, કેમ કે યહોવાહ આજે તમને દર્શન આપશે.'" 5 આથી જે વિષે મૂસાએ તેઓને આજ્ઞા કરી હતી તે તેઓ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવ્યા અને ઇઝરાયલની સમગ્ર પ્રજા યહોવાહની સમક્ષ આવીને ઊભી રહી.

6 પછી મૂસાએ કહ્યું, "યહોવાહે તમને જે કરવાની આજ્ઞા આપી તે આ છે, તમને યહોવાહના ગૌરવનું દર્શન થશે." 7 મૂસાએ હારુનને કહ્યું, "વેદી પાસે જઈને તારું પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ ચઢાવ અને તારે પોતાને માટે તથા લોકોને માટે પ્રાયશ્ચિત કર અને લોકોનું અર્પણ ચઢાવ અને તેઓને માટે પ્રાયશ્ચિત કર. જેમ યહોવાહે આજ્ઞા આપી તેમ."

8 માટે હારુન વેદી પાસે ગયો અને પાપાર્થાર્પણનો જે વાછરડો તેને પોતાને માટે હતો, તે તેણે કાપ્યો. 9 હારુનના પુત્રોએ તેનું રક્ત તેની આગળ પ્રસ્તુત કર્યું અને તેણે પોતાની આંગળી બોળીને થોડું રક્ત વેદીનાં શિંગ ઉપર લગાડ્યું; પછી તેણે બાકીનું રક્ત વેદીના પાયામાં રેડી દીધું.

10 પણ પાપાર્થાર્પણની ચરબી, મૂત્રપિંડો અને કલેજા પરની ચરબી એનું તેણે વેદી પર દહન કર્યું, જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ. 11 અને માંસને બાળીને તેણે તે છાવણી બહાર મૂક્યું.

12 હારુને દહનીયાર્પણને કાપ્યું અને તેના પુત્રોએ તેને રક્ત આપ્યું, જે તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું. 13 પછી તેઓએ તેને એક પછી એક, દહનીયાર્પણના ટુકડા તથા માથું આપ્યા અને તેણે વેદી પર તેમનું દહન કર્યું. 14 તેણે આંતરડાં અને પગો ધોઈ નાખ્યાં અને વેદી પરના દહનીયાર્પણ ઉપર તેઓનું દહન કર્યું.

15 હારુને લોકોનું અર્પણ રજૂ કર્યું, લોકોના પાપાર્થાર્પણના બકરાંને લઈને પહેલાં બકરાની જેમ તેને કાપીને પાપને લીધે તેનું અર્પણ કર્યું. 16 તેણે દહનીયાર્પણ રજૂ કર્યું અને યહોવાહની આજ્ઞા પ્રમાણે તેનું અર્પણ કર્યું. 17 તેણે ખાદ્યાર્પણ રજૂ કર્યું; તેમાંથી એક મુઠ્ઠી લઈ સવારના દહનીયાર્પણ સાથે વેદી પર તેનું દહન કર્યું.

18 તેણે લોકોના શાંત્યર્પણ માટે બળદ અને ઘેટાંને કાપીને તેઓનું અર્પણ કર્યું. હારુનના પુત્રોએ તેને રક્ત આપ્યું, જેને તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું. 19 બળદના ચરબીવાળા ભાગો, ઘેટાંની ચરબીવાળી પૂંછડી, આંતરડા પરની ચરબી, બે મૂત્રપિંડો અને તેના પરની ચરબી તથા કલેજા પરની ચરબીવાળો ભાગ લીધા.

20 તેઓએ છાતી પર ચરબી મૂકી અને તે ચરબીનું તેણે વેદી ઉપર દહન કર્યું. 21 મૂસાની આજ્ઞા પ્રમાણે હારુને પશુઓની છાતીના ભાગો અને જમણી જાંઘ ઊંચી કરીને યહોવાહને બલિદાન તરીકે અર્પણ કર્યું.

22 પછી હારુને પોતાના હાથ ઊંચા કરીને લોકોને આશીર્વાદ આપ્યો; પછી પાપાર્થાર્પણ, દહનીયાર્પણ તથા શાંત્યર્પણના અર્પણ કરીને તે નીચે ઊતર્યો. 23 મૂસા અને હારુન મુલાકાતમંડપમાં ગયા, પછી ફરીથી બહાર આવ્યા અને લોકોને આશીર્વાદ આપ્યો અને બધા લોકોને યહોવાહના ગૌરવના દર્શન થયા. 24 યહોવાહની સંમુખથી અગ્નિ આવ્યો અને વેદી પરના દહનીયાર્પણને તથા ચરબીવાળા ભાગોને ભસ્મ કર્યાં. જ્યારે સર્વ લોકોએ આ જોયું, ત્યારે તેઓ પોકાર કરવા લાગ્યા અને જમીન પર ઊંધા પડ્યા.

Chapter 10

નાદાબ અને અબિહૂનું પાપ

1 હારુનના પુત્રો નાદાબ તથા અબીહૂએ પોતપોતાની ધૂપદાની લઈને તેમાં અગ્નિ મૂક્યો અને તે અગ્નિ પર ધૂપ નાખ્યો. પછી તેઓએ યહોવાહની આગળ અસ્વીકૃત અગ્નિ ચઢાવ્યો, જે વિષે યહોવાહે તેઓને ચઢાવવાની આજ્ઞા કરી નહોતી. 2 તેથી યહોવાહની આગળથી અગ્નિ આવ્યો અને તેઓને ભસ્મ કર્યા અને તેઓ યહોવાહ સમક્ષ મૃત્યુ પામ્યા.

3 પછી મૂસાએ હારુનને કહ્યું, "આ એ જ વાત છે કે જે વિષે યહોવાહે કહ્યું હતું,

     'હું એવા લોકો પર મારી પવિત્રતાને પ્રગટ કરીશ કે જેઓ મારી પાસે આવે છે.

     હું સર્વ લોકો આગળ મહિમા પામીશ.'"

હારુન કંઈ પણ બોલ્યો નહિ. 4 મૂસાએ હારુનના કાકા ઉઝિયેલના દીકરા મીશાએલને તથા એલ્સાફાનને બોલાવીને તેઓને કહ્યું, "અહીં આવો અને તમારા ભાઈઓને તંબુમાંથી છાવણી બહાર લઈ જાઓ."

5 આથી તેઓ પાસે આવ્યા અને તેઓને મૂસાની સૂચના પ્રમાણે યાજકના ઝભ્ભા સહિત તેઓને છાવણી બહાર લઈ જવામાં આવ્યા. 6 પછી મૂસાએ હારુન તથા તેના પુત્રો એલાઝારને તથા ઈથામારને કહ્યું, "તમારા માથાના વાળ છૂટા ન રાખો અને તમારાં વસ્ત્રો ન ફાડો, જેથી તમે માર્યા ન જાઓ અને જેથી યહોવાહ આખી સભા પર ગુસ્સે ન થાય. પરંતુ બીજા બધા ઇઝરાયલીઓ ભલે યહોવાહે મોકલેલા અગ્નિનો ભોગ બનેલા એ લોકોને માટે વિલાપ કરે ને શોક પાળે. 7 તમે મુલાકાતમંડપના પ્રવેશદ્વારની બહાર ન જશો, નહિ તો તમે માર્યા જશો, કેમ કે યહોવાહના તેલથી તમારો અભિષેક કરવામાં આવેલો છે." તેથી તેઓ મૂસાની સૂચના પ્રમાણે કરવા લાગ્યા.

યાજકો માટેની આચારસંહિતા

8 યહોવાહે હારુનને કહ્યું, 9 "જ્યારે તું તથા તારી સાથે તારા પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરો ત્યારે દારૂ, દ્રાક્ષારસ કે મદ્યપાન પીઓ નહિ, જેથી તમે મૃત્યુ ન પામો. તમારાં લોકોની વંશપરંપરાને માટે આ નિયમ સદાને માટે રહેશે. 10 તમે પવિત્ર તથા સામાન્ય બાબતની વચ્ચે અને શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે ભેદ રાખો. 11 જેથી યહોવાહે જે આજ્ઞાઓ મૂસા મારફતે ફરમાવી છે તે બધા નિયમો ઇઝરાયલી લોકોને શીખવો."

12 મૂસાએ હારુનને તથા તેના બાકી રહેલા દીકરા એલાઝારને તથા ઈથામારને કહ્યું, "યહોવાહને ચઢાવેલા ખાદ્યાર્પણમાંથી બાકી રહેલું અર્પણ લઈને તેની બેખમીર રોટલી બનાવીને વેદી પાસે ખાવી, કારણ કે તે અત્યંત પવિત્ર છે. 13 તે તમારે પવિત્ર જગ્યામાં ખાવી, કેમ કે યહોવાહને અગ્નિથી કરેલા અર્પણોમાંથી તે તારો ભાગ તથા તારા પુત્રોનો ભાગ છે, કેમ કે મને એ પ્રમાણે આજ્ઞા કરવામાં આવી છે.

14 યહોવાહની સમક્ષ રજૂ કરવામાં આવેલા અર્પણનાં પશુની છાતીનો ભાગ તથા જાંઘનો ભાગ ઈશ્વરના સ્વીકાર્ય સ્વચ્છ સ્થળે તારે તે ખાવા. તારે અને તારા પુત્રોએ તથા પુત્રીઓએ આ ભાગો ખાવા, કેમ કે ઇઝરાયલી લોકોનાં શાંત્યર્પણના અર્પણોમાંથી તેઓ તારા ભાગ તરીકે તથા તારા પુત્રોના ભાગ તરીકે તમને અપાયેલા છે. 15 ચરબીનું દહન કરતી વખતે અર્પણનો છાતીનો ભાગ અને જાંઘનો ભાગ પણ યહોવાહને ચઢાવવા લોકોએ સાથે લાવવો. જેમ યહોવાહે આજ્ઞા કરી છે તેમ તે તારો તથા તારા પુત્રોનો સદાનો ભાગ થાય."

16 પછી મૂસાએ પાપાર્થાર્પણના અર્પણના બકરાની માંગ કરી અને ખબર પડી કે તેને બાળી દેવામાં આવ્યો હતો. તેથી તેણે હારુનના બાકીના પુત્રો એલાઝાર તથા ઈથામાર પર ગુસ્સે થઈને કહ્યું, 17 "તમે એ પાપાર્થાર્પણ તંબુમાં શા માટે ન ખાધું? કેમ કે તે અત્યંત પવિત્ર છે અને પ્રજાનું પાપ દૂર કરવા માટે તેમને માટે યહોવાહની સમક્ષ લોકોનું પ્રાયશ્ચિત કરવાને તે તેમણે તમને આપ્યું છે. 18 જો તેનું રક્ત તંબુમાં લાવવામાં આવ્યું ન હતું, તેથી જેમ મેં આજ્ઞા કરી હતી તેમ, તમારે તે ચોક્કસપણે તંબુની અંદર ખાવું જોઈતું હતું."

19 પછી હારુને મૂસાને જવાબ આપ્યો, "જુઓ, આજે તેઓએ પોતાના પાપાર્થાર્પણ અને દહનીયાર્પણ યહોવાહ સમક્ષ ચઢાવ્યા છે. જો મેં આજે પાપાર્થાર્પણ ખાધું હોત, તો શું તેથી યહોવાહ પ્રસન્ન થયા હોત?" 20 જ્યારે મૂસાએ આ સાંભળ્યું ત્યારે તે સંતોષ પામ્યો.

Chapter 11

ખોરાક માટે યોગ્ય અને અયોગ્ય પ્રાણીઓ

1 યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું, 2 "ઇઝરાયલી લોકોને કહે, 'પૃથ્વી પરનાં સર્વ પશુઓમાંથી જે પશુઓ તમારે ખાવા માટે ઉપયોગમાં લેવા તે આ છે.

3 જે પશુઓની ખરી ફાટવાળી હોય અને જે વાગોળતું હોય તે પશુ તું ખાઈ શકે. 4 તોપણ, કેટલાક પશુઓની માત્ર ખરી ફાટવાળી હોય અથવા જે માત્ર વાગોળતાં હોય તે પશુઓ તમારે ખાવાં જોઈએ નહિ, જેમ કે ઊંટ, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી. તેથી ઊંટ તમારે માટે અશુદ્ધ છે.

5 સાફાન સસલું પણ: કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે પણ તમારે માટે અશુદ્ધ છે. 6 અને સસલું: કેમ કે તે વાગોળે છે, પણ તેની ખરી ફાટેલી નથી, તે તમારે માટે અશુદ્ધ છે. 7 અને ડુક્કર: જોકે તેની ખરી ફાટેલી છે, પણ તે વાગોળતું નથી, તેથી તે તમારે માટે અશુદ્ધ છે. 8 તમારે તેઓમાંના કોઈનું માંસ ખાવું નહિ કે તેઓના મૃતદેહનો સ્પર્શ કરવો નહિ. તેઓ તમારે માટે અશુદ્ધ છે.

9 જળચરોમાંથી તમે આટલાં ખાઈ શકો: પાણીમાં જે બધાંને પંખ તથા ભિંગડાં હોય તેઓને તમારે ખાવા, પછી તે સમુદ્રોમાંનાં હોય કે નદીઓમાંનાં હોય. 10 પણ સમુદ્રોમાંનાં કે નદીઓમાંનાં જે બધાં જળચરો પાણીમાં તરે છે તેમાંના તથા સર્વ જળચરોમાંનાં જે સર્વને પંખ તથા ભિંગડાં હોતા નથી, તેઓ તમને નિષેધાત્મક છે.

11 કારણ કે તેઓ ઘૃણાપાત્ર છે માટે, તમારે તેઓનું માંસ ખાવું જોઈએ નહિ; તેમના મૃત દેહ પણ ઘૃણાપાત્ર છે. 12 પાણીમાંનાં જેઓને પંખ કે ભિંગડાં નથી હોતા તેઓ તમને નિષેધાત્મક છે.

13 પક્ષીઓમાંથી તમારે આને નિષેધાત્મક ગણવા અને તમારે જે ન ખાવા જોઈએ તે આ છે: ગરુડ, ગીધ, 14 સમડી, દરેક પ્રકારના બાજ, 15 દરેક પ્રકારના કાગડા, 16 શાહમૃગ, ચીબરી, સીગલ અને કોઈ પણ પ્રકારનો શકરો.

17 ચીબરી, કરઢોક, ઘુવડ, 18 રાજહંસ, ઢીંચ, ગીધ, 19 બગલો, દરેક પ્રકારના હંસ, લક્કડખોદ તથા વાગોળ એમને પણ તમારે નિષેધાત્મક ગણવા.

20 સર્વ પાંખવાળાં જંતુઓ જેઓ પગ વડે ચાલતા હોય, તેઓ તારે માટે અમંગળ છે. 21 તોપણ પગે ચાલનાર પાંખવાળાં જંતુઓ, જેઓને પગ ઉપરાંત જમીન ઉપર કૂદવાને પગ હોય છે, તેઓમાંથી આ તમે ખાઈ શકો છો. 22 અને તમે કોઈ પણ પ્રકારના તીડ, બોડમથો તીડ, તમરી અથવા તીતીઘોડો ખાઈ શકો. 23 પણ સર્વ પાંખવાળાં જંતુઓ જેઓને ચાર પગ હોય તેઓ તમને અમંગળ છે.

24 તેઓના શબને પણ જો કોઈ સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 25 અને જે કોઈ તેઓના મૃતદેહને ઉપાડી લે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવા અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

26 જે પશુઓની ખરી ફાટેલી હોય પણ તેના બરાબર બે સરખા ભાગ થતા ન હોય અથવા જે પશુઓ વાગોળતાં ના હોય, તે તમને અશુદ્ધ છે. જે કોઈ તેમનો સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય. 27 ચાર પગવાળાં જાનવરોમાંનું જે જે પંજા વડે ચાલતું હોય તે તમારે માટે અશુદ્ધ છે. જે કોઈ તેઓના મૃતદેહનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 28 અને જે કોઈ તેમના મૃતદેહને ઉપાડે, તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. આ પશુઓ તમારે માટે અશુદ્ધ છે.

29 જમીન પર પેટે ચાલનારા પ્રાણીઓમાંથી આ તમારા માટે અશુદ્ધ છે: નોળિયો, ઉંદર, દરેક પ્રકારની ગરોળી, 30 ચંદન ઘો, પાટલા ઘો, ગરોળી, સરડો તથા કાચીંડો.

31 સર્વ પેટે ચાલનારાં સર્પટિયાંઓમાં આટલાં તમારે માટે અશુદ્ધ છે. જે કોઈ તેઓના મૃતદેહનો સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 32 અને જો તેઓમાંથી કોઈ પણ મરી જાય અને કોઈપણ વસ્તુ ઉપર તેમનું શબ પડે તો તે વસ્તુ અશુદ્ધ ગણાય, તે કોઈ પણ લાકડાની, વસ્ત્રોની, ચામડાની અથવા તાટની બનેલી હોય, કોઈપણ કામમાં વપરાતું વાસણ હોય, તો તેને પાણીમાં નાખવું; તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. પછી તે શુદ્ધ ગણાશે. 33 જો આમાંનું કોઈ પણ સર્પટિયું કોઈપણ માટીનાં વાસણમાં પડે, તો તેમાં જે કંઈ ભરેલું હોય તે અશુદ્ધ ગણાય અને તેને તમારે ભાંગી નાંખવું.

34 જે કોઈએ ખાવાનાં પદાર્થ પર એવાં માટલામાંથી પાણી રેડ્યું હોય તો તે અશુદ્ધ ગણાય. અશુદ્ધ થયેલાં વાસણોમાં કોઈ પણ પીણું હોય તો તે અશુદ્ધ ગણાય. 35 જે કોઈ વસ્તુ પર તેઓનો મૃતદેહ પડે તો તે અશુદ્ધ ગણાય. તે ભઠ્ઠી કે ખાવા બનાવવાનું વાસણ હોય તો તેને ભાંગી નાખવું. તે અશુદ્ધ છે અને તે તમારે માટે અશુદ્ધ ગણાય.

36 જો તેઓ પાણીના ટાંકામાં, ઝરણાંમાં કે જ્યાં પીવાના પાણીનો સંગ્રહ થાય છે તેમાં પડે તો તે પાણી શુદ્ધ ગણાય. પણ જો કોઈ પાણીની અંદરના શબનો સ્પર્શ કરે તો તે અશુદ્ધ ગણાય. 37 જો તેઓના શબનો કોઈ ભાગ કોઈપણ વાવવાના બિયારણ પર પડે તો તે બિયારણ શુદ્ધ છે. 38 પણ જો તે બિયારણ પર પાણી છાટેલું હોય અને તેમના શબનો કોઈ ભાગ તેના પર પડે, તો તે તમારે માટે અશુદ્ધ છે.

39 જે પશુઓ ખાવાની તમને છૂટ આપવામાં આવી છે એવું પશુ જો મરી જાય, તો તેના મૃતદેહનો જે કોઈ સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 40 અને જે કોઈ એ મૃતદેહમાંથી તેનું માંસ ખાય તો તે પોતાના વસ્ત્રોને ધોઈ નાખે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે કોઈ તેના મૃતદેહને ઊંચકે તો તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

41 જમીન પર પેટે ચાલતાં તમામ સર્પટિયાં નિષેધાત્મક છે; તે ખાવાં નહિ. 42 સર્વ પેટે ચાલનારાં અને ચાર પગે ચાલનારાં અથવા વધારે પગોવાળાં, જમીન પર પેટે ચાલનારાં સર્વ પણ તમારે ખાવા નહિ, કારણ કે તે નિષેધાત્મક છે.

43 કોઈ પણ પેટે ચાલનારાં સર્પટિયાંઓથી તમે પોતાને અશુદ્ધ ન કરો; તેઓથી પોતાને અશુદ્ધ કરીને અભડાઓ નહિ. 44 કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું. એ માટે તમે પોતાને શુદ્ધ કરો અને તમે પવિત્ર થાઓ કેમ કે હું પવિત્ર છું. જમીન પર પેટે ચાલનારાં કોઈ પણ સર્પટિયાંથી પોતાને અશુદ્ધ ન કરો. 45 કેમ કે હું યહોવાહ છું, તમારો ઈશ્વર થવા માટે જે તમને મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યો. માટે તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું.

46 આ પશુઓ, પક્ષીઓ, દરેક જીવજંતુઓ જે પાણીમાં તરે છે અને દરેક જે પેટે ચાલે છે, તેઓ સંબંધી આ નિયમ છે. 47 એ માટે કે શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે અને ખાવાનાં તથા નહિ ખાવાનાં વચ્ચે ભેદ રખાય.'"

Chapter 12

બાળક-જન્મ પછી સ્‍ત્રીનું શુદ્ધિકરણ

1 યહોવાહે મૂસાને કહ્યું, 2 "ઇઝરાયલી લોકોને કહે, 'જો કોઈ સ્ત્રી પુત્રને જન્મ આપે, તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય, જેમ તે દર માસમાં માસિક સમયે અશુદ્ધ ગણાય છે તેમ. 3 આઠમાં દિવસે તે પુત્રની સુન્નત કરવી.

4 પછી તે માતાનું શુદ્ધિકરણ થતાં સુધી તેત્રીસ દિવસ સુધી તે અશુદ્ધ ગણાય. તેના શુદ્ધિકરણ થવાના દિવસો પૂરા ન થાય ત્યાં સુધી તે કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ ન કરે, તેમ જ તંબુમાં પણ ન આવે. 5 પણ જો તે પુત્રીને જન્મ આપે, તો તે જેમ માસિક દરમિયાન અશુદ્ધ ગણાય છે તેમ તે બે અઠવાડિયાં સુધી અશુદ્ધ ગણાય. તેનું શુદ્ધિકરણ થતાં સુધી છાસઠ દિવસ તે અશુદ્ધ ગણાય.

6 જ્યારે તેને શુદ્ધ કરવાનો સમય પૂરો થાય ત્યારે પુત્રી અથવા પુત્રની માતાએ દહનીયાર્પણ માટે એક વર્ષનું ઘેટાંનું બચ્ચું અને પાપાર્થાર્પણ માટે કબૂતરનું એક બચ્ચું કે હોલો મુલાકાતમંડપમાં લઈ જવું અને પ્રવેશદ્વારે યાજકની પાસે લાવે.

7 પછી તે તેને માટે યહોવાહ સમક્ષ ચઢાવે અને તેના માટે પ્રાયશ્ચિત કરે અને તે તેના રક્તસ્ત્રાવમાંથી શુદ્ધ થશે. જેને પુત્ર કે પુત્રીનો જન્મ થાય, તે સ્ત્રીને માટે આ નિયમ છે. 8 જો તે ઘેટાંના બચ્ચાનું અર્પણ ન કરી શકે, તો તે બે હોલા કે બે કબૂતરનાં બચ્ચાં લાવે, એક દહનીયાર્પણ માટે અને બીજું પાપાર્થાર્પણને માટે અને યાજક તેને માટે પ્રાયશ્ચિતની વિધિ કરે; એટલે તે શુદ્ધ થશે.

Chapter 13

ચામડીના રોગો માટે નિયમ

1 યહોવાહે મૂસા તથા હારુનને જણાવ્યું, 2 "જ્યારે કોઈ માણસના શરીર પરની ચામડી પર સોજો આવે અથવા ચાંદું કે ગૂમડું થાય અને એ કુષ્ટરોગમાં પરિણમે એમ લાગતું હોય, તો તેને હારુન યાજકની પાસે અથવા તેના કોઈ યાજક દીકરા પાસે લઈ જવો.

3 પછી યાજક તેના શરીરના ચામડી પરનો રોગ તપાસે. જો તે જગ્યા ઉપરના વાળ સફેદ થઈ ગયા હોય અને તે ભાગ ચામડી કરતાં ઊંડે ઊતરેલો લાગે, તો તે કુષ્ટરોગ છે. યાજક તે માણસને તપાસ્યા પછી, તેને અશુદ્ધ જાહેર કરે. 4 જો ચામડી પરનો સફેદ ડાઘ ચામડીની નીચે ઊંડે ઊતરેલો ના લાગતો હોય, વળી તેમાંના વાળ સફેદ થઈ ગયા ના હોય, તો પછી યાજકે તે રોગીને સાત દિવસ સુધી જુદો રાખવો.

5 સાતમે દિવસે યાજકે તેને ફરીથી તપાસવો અને જો તે સફેદ ડાઘ જેવો હતો તેવો જ રહ્યો હોય અને ચામડીના બીજા ભાગમાં પ્રસર્યો ના હોય, તો યાજકે તેને બીજા સાત દિવસ સુધી જુદો રાખવો. 6 યાજક ફરીથી સાતમાં દિવસે તપાસે અને તે સફેદ ડાઘ ઝાંખો થઈ ગયો હોય અને તે પ્રસર્યો ના હોય, તો યાજકે તેને શુદ્ધ જાહેર કરવો. તે ફક્ત ચાંદું જ છે, એમ માનવું. પછી તે વ્યક્તિ વસ્ત્રો ધોઈ નાખે એટલે તે શુદ્ધ થઈ જાય.

7 પરંતુ શુદ્ધ જાહેર કર્યા પછી ફરી તે ડાઘ ફેલાયેલો લાગે તો તે વ્યક્તિએ ફરીથી તપાસ માટે યાજક પાસે આવવું. 8 યાજકે તેને ફરીથી તપાસવો અને જો સફેદ ડાઘ કે ચાંદું ફેલાતું જતું લાગે, તો યાજકે તે માણસને એક અશુદ્ધ કુષ્ટરોગી જાહેર કરવો.

9 જો કોઈ વ્યક્તિને કુષ્ટરોગનું ચાંદું હોય અને રોગ હોવાની શંકા જાય, તો તેને યાજક આગળ લઈ જવો. 10 યાજક તેને તપાસે અને જો ચામડી પર સફેદ ચાંઠું પડ્યું હોય અને વાળ ધોળા થઈ ગયા હોય અને સોજા પરની ચામડી પાકેલી તથા દુખાતું હોય, 11 તો એ કુષ્ટરોગની શરૂઆત થઈ ચૂકી છે અને યાજકે તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરવો. તેને જુદો રાખવો નહિ, કારણ કે તે અશુદ્ધ જાહેર થઈ જ ચૂક્યો છે.

12 જો યાજકને ખબર પડે કે કુષ્ટરોગ ફાટી નીકળ્યો છે અને તેના સમગ્ર શરીર પર માથાથી તે પગ સુધી, જ્યાં જ્યાં યાજક તપાસે ત્યાં ત્યાં આખી ત્વચામાં રોગ ફેલાઈ ગયો હોય, 13 એટલે યાજકે તેને તપાસવો અને જો સમગ્ર શરીર પર રોગ પ્રસરી ગયેલો ખબર પડે તો તેને યાજકે શુદ્ધ જાહેર કરવો. જો તેનું આખું શરીર સફેદ થઈ ગયું છે, તો તે શુદ્ધ છે. 14 પણ જ્યારે તેમાં દુખાતું માંસ દેખાય તો તે અશુદ્ધ ગણાય.

15 યાજક તે દુખતા માંસને જોઈને તેને અશુદ્ધ ઠરાવે કેમ કે તે દુખાતું માંસ અશુદ્ધ છે. તે તો કુષ્ટરોગ છે. 16 પરંતુ જો દુખાતું માંસ બદલાઈને ફરીથી સફેદ થઈ જાય, તો તે યાજક પાસે આવે. 17 યાજકે ફરીથી તેને તપાસવો અને જો તે ચાંદા સંપૂર્ણ સફેદ થઈ ગયાં હોય, તો તેને શુદ્ધ જાહેર કરવો; તે શુદ્ધ છે.

18 જો કોઈ વ્યક્તિના શરીર પર ગૂમડું થઈને રુઝાઈ ગયું હોય, 19 ગૂમડાંની જગ્યાએ સફેદ ડાઘ કે રતાશ પડતો સફેદ સોજો ખબર પડે, તો તે યાજકને બતાવવું. 20 યાજક તેને તપાસે અને જુઓ તે ત્વચા કરતાં ઊંડું લાગે અને તે ચાઠા પરના વાળ સફેદ થઈ ગયા છે, તો યાજક તેને અશુદ્ધ જાહેર કરે. તો તેને કુષ્ટરોગનો રોગ સમજવો, તે ગૂમડાંમાં ફાટી નીકળ્યો છે.

21 પણ જો તપાસતાં યાજકને એમ ખબર પડે કે એમાંના વાળ સફેદ થયેલા નથી, તે ચામડી કરતાં ઊંડે ઊતરેલું નથી તથા ઝાખું પડી ગયું છે, તો તેણે તે વ્યક્તિને સાત દિવસ સુધી જુદો રાખવો. 22 જો રોગ ચામડીમાં ફેલાયો હોય, તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો. તે કુષ્ટરોગનો રોગ છે. 23 પરંતુ જો ચાઠું એવું ને એવું રહે અને પ્રસરે નહિ, તો તે ગૂમડાંનું ચાઠું છે અને યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો.

24 જો કોઈ વ્યક્તિની ચામડી બળી જાય અને દાઝેલી જગ્યાએ ચમકતું લાલાશ પડતું સફેદ ચાઠું થઈ જાય, 25 તો યાજકે તે ચાંઠાની તપાસ કરવી જોઈએ, જો ચાઠાનાં વાળ સફેદ થઈ ગયા હોય અને રોગ ચામડીની નીચેના ભાગ સુધી ફેલાઈ ગયો હોય, તો દાઝવાના ઘામાંથી રોગ ફેલાયો છે અને યાજકે તે વ્યક્તિને અશુદ્ધ કુષ્ટરોગી જાહેર કરવો.

26 પરંતુ જો યાજક તે તપાસી જુએ કે ચાઠાંમાં સફેદ વાળ નથી અને તે ચામડીની નીચે સુધી પ્રસરેલ નથી તથા ચાઠું ઝાખું પડતું જાય છે, તો યાજકે તે વ્યક્તિને સાત દિવસ માટે જુદો રાખવો. 27 પછી સાતમે દિવસે યાજક તેને તપાસે. જો ચાઠું ચામડીમાં ફેલાયું હોય, તો યાજકે તેને અશુદ્ધ જાહેર કરવો. તે તો કુષ્ટરોગ રોગ છે. 28 જો ચાઠું ચામડી પર ફેલાયું ના હોય અને ઝાંખું થઈ ગયું હોય, તો તે દાઝેલા ઘાનું ચાઠું છે માટે યાજકે તેને શુદ્ધ જાહેર કરવો, કેમ કે તે દાઝ્યાનું ચાઠું છે.

29 જો કોઈ પુરુષ કે સ્ત્રીના માથા પર કે દાઢી પર એ રોગ હોય, 30 તો યાજકે તેની તપાસ કરવી અને જો તે ચામડી કરતાં ઊંડું ખબર પડે અને વાળ પીળા તથા આછા થઈ ગયા હોય, તો યાજકે તે વ્યક્તિને અશુદ્ધ જાહેર કરવો. તે ઉંદરી પ્રકારનો માથાનો કે દાઢીનો કુષ્ટરોગ છે.

31 જો યાજક ઉંદરીની બીમારીને તપાસે અને જો તે જુએ કે તે ચામડી કરતાં ઊંડું ન હોય તથા ત્યાંના વાળ હજી પણ કાળાં હોય, તો યાજકે તે વ્યક્તિને સાત દિવસ જુદો રાખવો.

32 યાજકે સાતમાં દિવસે ફરીથી તેની તપાસ કરવી, જો ચાઠું ફેલાયું ન હોય અને વાળ પણ પીળા થયા ન હોય, તેમ જ તે ચામડી કરતાં ઊંડી માલૂમ ના પડે, 33 તો તે માણસે ઉંદરીવાળાં ભાગ સિવાય ચાઠાની આજુબાજુના વાળ કપાવી નાખવા અને યાજકે તેને બીજા સાત દિવસ માટે જુદો રાખવો.

34 યાજકે સાતમાં દિવસે ફરીથી તેને તપાસવો અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ ન હોય તથા ચામડી કરતાં ઊંડી માલૂમ ન પડે, તો યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો. પછી તે વ્યક્તિએ વસ્ત્રો ધોઈ નાખવાં એટલે તે શુદ્ધ થઈ જશે.

35 પણ તે વ્યક્તિને યાજકે શુદ્ધ જાહેર કર્યા પછી જો ઉંદરી ચામડીમાં ફેલાય, 36 તો યાજકે તેને ફરીથી તપાસવો અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ હોય, તો યાજકે તેના વાળ પીળા છે કે નહિ એ પણ જોવાની જરૂર નથી. તેને અશુદ્ધ કુષ્ટરોગી જાહેર કરવો. 37 પણ જો ઉંદરી ત્યાં અને ત્યાં જ રહે અને તેમાં કાળાં વાળ ઊગવા માંડે તો તે કુષ્ટરોગ નથી. તે શુદ્ધ છે અને યાજકે તેને શુદ્ધ જાહેર કરવો.

38 જો કોઈ પુરુષ કે સ્ત્રીને ચામડીમાં સફેદ રંગના ચાઠાં પડ્યા હોય, 39 તો યાજક તેને તપાસે અને જો તે ડાઘ ફિક્કાં સફેદ રંગના હોય અને ઝાંખા પડતા જતા હોય, તો તે કુષ્ટરોગ નથી, એમ સમજવું કે ચામડી પર કરોળિયા થયા છે અને એ માણસ શુદ્ધ છે.

40 જો કોઈ વ્યક્તિના માથાના વાળ ખરી પડ્યા હોય અને માથાના પાછળના ભાગમાં તેને ટાલ પડી હોય તો પણ તે શુદ્ધ છે. 41 અને જો માથાના આગળના ભાગમાંથી વાળ ખરી ગયા હોય, તો આગળના ભાગમાં માથા પર ટાલ પડે છતાં તે શુદ્ધ છે તેને કુષ્ટરોગ નથી એમ કહેવાય.

42 પરંતુ માથા પરની આગળ કે પાછળની ટાલમાં રતાશ પડતા સફેદ ડાઘ હોય, તો કુષ્ટરોગની શરૂઆત થઈ છે એમ મનાય. 43 પછી યાજકે તેને તપાસવો અને પાછળની કે કપાળ પરની ટાલમાંનો ડાઘ રતાશ પડતો સફેદ હોય, તો તેને રોગ થયો છે અને તે અશુદ્ધ છે. 44 તો તે કુષ્ટરોગી માણસ છે, તે અશુદ્ધ છે. યાજકે તેને માથામાં થયેલા રોગને કારણે અચૂક અશુદ્ધ જાહેર કરવો.

45 જે વ્યક્તિને કુષ્ટરોગ થયો હોય તેણે પોતાના વસ્ત્રો ફાડવાં, પોતાના વાળ વિખેરાયેલા રહેવા દેવા અને ઉપરના હોઠ સુધીનો ભાગ ઢાંકી દેવો અને બૂમો પાડવી, 'અશુદ્ધ, અશુદ્ધ.' 46 જેટલા દિવસો સુધી તે વ્યક્તિમાં રોગ રહે તેટલાં દિવસો સુધી તે અશુદ્ધ ગણાય. કેમ કે તે અશુદ્ધ છે, તે એકલો રહે. છાવણીની બહાર તેનું રહેઠાણ થાય.

વસ્ત્રો પરની ફૂગ અંગેના નિયમ

47 જો તે વસ્ત્ર કુષ્ટરોગના રોગના ચેપવાળું હોય, પછી તે ઊનના કે શણના વસ્ત્રનું હોય, 48 તે શણના કે ઊનના તાણામાં કે વાણામાં અથવા ચામડામાં કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં ફુગનો ડાઘ હોય, 49 તે વસ્ત્રમાં અથવા ચામડામાં અથવા તાણામાં અથવા વાણામાં અથવા ચામડાની બનાવેલી કોઈપણ વસ્તુમાં તે રોગનો ચેપ લીલાશ કે રતાશવાળો હોય, તો તેને કુષ્ટરોગનો રોગ સમજવો અને તપાસ માટે યાજક પાસે લઈ જવો.

50 યાજક તે રોગ તપાસે અને રોગવાળી વસ્તુને સાત દિવસ બંધ કરી રાખે. 51 સાતમે દિવસે તેણે ફરીથી તે તપાસવી. જો તે રોગ તે વસ્ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં કે ગમે તે કામને માટે ચામડું વપરાયું હોય તે ચામડામાં પ્રસર્યો હોય, તો તે રોગ કોહવાડતો કુષ્ટરોગ સમજવો અને તે અશુદ્ધ છે. 52 તે રોગવાળા વસ્ત્રને બાળી નાખે અથવા તે ચેપ તાણાને કે વાણાને, શણના વસ્ત્રને, ઊનના, ચામડાની કોઈપણ વસ્તુને લાગેલો હોય તોપણ, કેમ કે તે કોહવાડતો રોગ છે. તેને સંપૂર્ણપણે આગમાં બાળી નાખવો.

53 જો યાજક તપાસે અને તે વસ્ત્રમાં, એટલે તાણામાં કે વાણામાં અથવા ચામડાની કોઈ વસ્તુમાં તે રોગ પ્રસર્યો હોય, 54 તો યાજકે તે વસ્તુને ધોઈ નાખવા માટે આજ્ઞા કરવી જોઈએ અને તેને બીજા સાત દિવસ જુદી રાખવી. 55 પછી તે સમય બાદ યાજકે ફરી જોવું, જો ડાઘનો રંગ ન બદલાય કે તે ના ફેલાય તો પણ તે ફૂગ છે, અને તેથી તે અશુદ્ધ છે. તે વસ્તુને ચેપ લાગેલો હોવાથી તેને બાળી નાખીને નાશ કરવો જોઈએ.

56 જો યાજક તપાસે અને ધોયા પછી ડાઘ ઝાંખો થયો છે, તો તેણે તે વસ્તુનો ડાઘવાળો, ભાગ તે વસ્ત્ર હોય કે પછી ચામડાની બનાવેલી વસ્તુ હોય કે બીજી કોઈ વસ્તુ હોય, તેને તાણા કે વાણામાંથી ફાડી નાખવી. 57 છતાં જો વસ્ત્રમાં તાણા કે વાણામાં કે ચામડાની વસ્તુમાં ફરીથી ડાઘ દેખાય તો ચેપ નવેસરથી ફેલાય છે એમ માનવું અને જેને ચેપ લાગ્યો હોય તે વસ્તુને અગ્નિમાં બાળી મૂકવી. 58 જો વસ્ત્ર, તાણા, વાણા કે ચામડાની કોઈ પણ વસ્તુ ધોવાથી ડાઘ જતો રહે તો તેને બીજી વખત ધોઈ નાખવી, એટલે તે શુદ્ધ થઈ જશે અને ફરી એક વાર તેને ઉપયોગમાં લઈ શકાશે.

59 ઊનના કે શણનાં વસ્ત્રો પર તાણા કે વાણામાંના કે ચામડાની કોઈ પણ વસ્તુ ઉપર ફૂગનો ડાઘ પડ્યો હોય તો તેને માટે આ નિયમ છે, એને અનુસરીને વસ્તુને શુદ્ધ કે અશુદ્ધ જાહેર કરવી, વળી ક્યારે જાહેર કરવી અને ક્યારે નહિ, તે આ નિયમને આધારે નક્કી કરવું."

Chapter 14

ચામડીના રોગ પછીનુમ શુદ્ધિકરણ

1 યહોવાહે મૂસાને કહ્યું, 2 "જે કોઈ કુષ્ટરોગથી મુક્ત થયો હોય તેની શુદ્ધિકરણનો નિયમ આ પ્રમાણે છે. તેને યાજક પાસે લાવવો.

3 યાજકે છાવણીની બહાર જઈને તેની તપાસ કરવી કે જો રોગ મટી ગયો હોય, 4 તો યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે માણસને શુદ્ધ એવાં બે જીવતાં પક્ષીઓ, દેવદારનું થોડું લાકડું, કિરમજી રંગનું કાપડ તથા ઝુફા લાવવાને આજ્ઞા આપવી. 5 યાજકે એક પક્ષીને વહેતાં પાણીની ઉપર રાખેલા માટીના વાસણમાં કાપવાની આજ્ઞા કરવી.

6 પછી યાજકે જીવતા રહેલા બીજા પક્ષીને, દેવદારનું લાકડું, કિરમજી કાપડ તથા ઝુફો લઈને ઝરાના પાણી ઉપર કાપેલા પક્ષીના રક્તમાં બોળવાં. 7 જે કુષ્ટરોગમાંથી માણસની શુદ્ધિ કરવાની હોય તેના પર તેણે સાત વાર રક્ત છાંટી તેને શુદ્ધ કરવો. પછી પેલા જીવતા પક્ષીને યાજકે ખુલ્લાં ખેતરમાં છોડી મૂકવું.

8 જે માણસનું શુદ્ધિકરણ કરવાનું હોય તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે, પોતાના સર્વ વાળ મૂંડાવે તથા પાણીમાં સ્નાન કરે અને પછી તે શુદ્ધ થયો ગણાય. પછી તે છાવણીમાં રહેવા માટે પાછો ફરે, પરંતુ સાત દિવસ પર્યંત તેણે પોતાના તંબુની બહાર રહેવું. 9 સાતમે દિવસે તેણે પોતાના માથાના સર્વ વાળ, દાઢીના તથા પોતાના ભમરના તેમ જ શરીર પરના બીજા બધા વાળ મૂંડાવી નાખવા. તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીમાં સ્નાન કરવું, પછી તે રોગથી સંપૂર્ણ રીતે શુદ્ધ થયો એવું જાહેર થાય.

10 આઠમે દિવસે તેણે એક વર્ષની ઉંમરના ખામી વગરનાં બે નરઘેટાં, એક વર્ષની ખામી વગરની ઘેટી, ખાદ્યાર્પણને માટે તેલમાં મોહેલો ત્રણ દશાંશ એફાહ [1] મેંદાનો લોટ તથા એક માપ [2] તેલ લેવું. 11 શુદ્ધિની વિધિ કરાવનાર યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે વ્યક્તિને તેના અર્પણો સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વારે યહોવાહ સમક્ષ રજૂ કરવો.

12 પછી યાજક નર હલવાનોમાંથી એકને લઈને દોષાર્થાર્પણ [3] ને માટે તેને તથા પેલા માપ તેલને ચઢાવે અને યહોવાહની સમક્ષ તેઓનું અર્પણ કરે. 13 તેણે એ ઘેટાના બચ્ચાંને જે પવિત્ર સ્થળે પાપાર્થાર્પણને તથા દહનીયાર્પણના હલવાનને કાપવામાં આવે છે ત્યાં કાપવો. પાપાર્થાર્પણની માફક દોષાર્થાર્પણ યાજકને આપી દેવું, કેમ કે તે પરમપવિત્ર અર્પણ છે.

14 પછી યાજકે આ દોષાર્થાર્પણનું રક્ત લઈને જે માણસ શુદ્ધ થયો છે તેના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર લગાવવું. 15 પછી યાજકે સાથે લાવેલા તેલમાંથી થોડું પોતાના ડાબા હાથના પંજા પર રેડવું. 16 તેણે જમણા હાથની આંગળી તેમાં બોળવી અને યહોવાહની સમક્ષ સાત વખત તે તેલનો છંટકાવ કરવો.

17 યાજક હથેળીમાં રહેલા તેલમાંથી થોડું લઈને જેની શુદ્ધિ કરવાની હોય તે માણસના જમણા કાનની બુટ્ટી, જમણા હાથ તથા જમણા પગના અંગૂઠા પર જ્યાં પહેલાં દોષાર્થાર્પણનું રક્ત લગાડ્યું હતું ત્યાં લગાડવું. 18 યાજકના હાથમાંનું બાકીનું તેલ તેણે જે વ્યક્તિની શુદ્ધિ કરવી હોય તેના માથા પર લગાડીને યહોવાહ સમક્ષ તેને માટે પ્રાયશ્ચિત કરવું.

19 પછી યાજકે પાપાર્થાર્પણ ચઢાવવું અને જેની અશુદ્ધતામાંથી શુદ્ધિ કરવાની હોય, તે માણસની પ્રાયશ્ચિત વિધિ કરવી અને ત્યાર પછી તે દહનીયાર્પણના પશુને મારી નાખવું. 20 પછી યાજકે વેદીની અગ્નિ પર દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ બાળવા અને તે વ્યક્તિ માટે પ્રાયશ્ચિત કરવું અને ત્યારે તે વ્યક્તિ શુદ્ધ થઈ જશે.

21 તેમ છતાં, જો તે માણસ ગરીબ હોય અને આ બધું ચઢાવી શકે એમ ના હોય, તો તેણે માત્ર એક જ ઘેટો દોષાર્થાર્પણ તરીકે લાવવો અને યહોવાહની સમક્ષ રજૂ કરવો. યાજકે તેને તે માણસના પ્રાયશ્ચિત માટે અર્પણ ચઢાવવું અને તે તેને શુદ્ધ કરશે. તેણે ખાદ્યાર્પણ તરીકે ફક્ત તેલથી મોહેલો એક દશાંશ એફોદ મેંદાનો લોટ તથા એક માપ [4] તેલ લેવું. 22 તથા બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં, તે લાવી શકે તેમ હોય તે લાવવાં, તેઓમાંનું એક પાપાર્થાર્પણ માટે અને બીજું દહનીયાર્પણ માટે. 23 આઠમે દિવસે યાજક પાસે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તે યહોવાહની સમક્ષ પોતાના શુદ્ધિકરણની વિધિને માટે આ પક્ષીઓને સાથે લાવે.

24 પછી યાજક ઘેટાનાં બચ્ચાંને દોષાર્થાર્પણ તરીકે લે તથા તેલ પણ લે અને વેદી આગળ યહોવાહની સમક્ષ તે તેઓનું અર્પણ કરે. 25 તે દોષાર્થાર્પણ માટેના ઘેટાંને કાપી નાખે અને તેનું થોડું રક્ત લઈ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે વ્યક્તિના જમણા કાનની બુટ્ટી તથા તેના જમણા હાથના અને જમણા પગના અંગૂઠા પર લગાવે.

26 પછી યાજકે થોડું તેલ પોતાની ડાબી હથેળીમાં રેડવું. 27 અને જે થોડું રક્ત તેના ડાબા હાથની હથેળીમાં છે તેમાંથી થોડું તેણે પોતાના જમણા હાથની આંગળી વડે લઈને સાત વાર યહોવાહની સમક્ષ છાંટવું.

28 તે પછી દોષાર્થાર્પણનું રક્ત લગાડ્યું હતું તે જ જગ્યાએ યાજકે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે વ્યક્તિના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર તેલ લગાવવું. 29 તેના હાથમાં બાકી રહેલું તેલ જે માણસની શુદ્ધિ કરવાની હોય તેના માથા પર રેડવું અને યહોવાહ સમક્ષ તેણે પ્રાયશ્ચિત કરવું.

30 અને તે મેળવી શકે એવો એક હોલો કે કબૂતરનું બચ્ચું તેણે ચઢાવવું, 31 જેવું તે મેળવી શકે એવું, પાપાર્થાર્પણ તરીકે અને બીજું દહનીયાર્પણ તરીકે ખાદ્યાર્પણની સાથે વેદી પર ચઢાવવું. પછી યાજક યહોવાહની સમક્ષ તે માણસને માટે પ્રાયશ્ચિત કરે અને તે શુદ્ધ બની જશે. 32 કુષ્ટ રોગમાંથી સાજા થયેલા જે માણસના શુદ્ધિકરણ માટે જરૂરી અર્પણો લાવવા જો તે અશક્ત હોય, તેને માટે આ નિયમ છે."

ભીંતોની ફૂગ અંગેના નિયમ

33 યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું, 34 "મેં તમને આપેલા કનાન દેશમાં જ્યારે તમે આવી પહોંચો અને હું ત્યાં કોઈ ઘરમાં કુષ્ટ રોગ મૂકું, 35 તો તે ઘરના માલિકે યાજક પાસે આવીને માહિતી આપવી. તેણે કહેવું, 'મારા ઘરમાં કુષ્ટરોગ હોય એવું મને લાગે છે.'

36 યાજકે તપાસ કરવા જતાં પહેલાં ઘર ખાલી કરવા આજ્ઞા કરવી, એ માટે કે ઘરની બધી વસ્તુઓ અશુદ્ધ ન થાય. ત્યારપછી યાજક ઘરની તપાસ માટે ઘરની અંદર જાય. 37 રોગની તે તપાસ કરે અને જો તે રોગ ઘરની દીવાલોમાં હોવાથી તેમાં કોઈ લીલી કે રાતી તિરાડ પડી હોય અને તે દીવાલની સપાટીથી ઊંડી દેખાતી હોય તો, 38 પછી યાજક ઘરમાંથી બહાર નીકળી સાત દિવસ માટે ઘરને બંધ કરી દેવું.

39 પછી સાતમે દિવસે યાજકે પાછા આવીને ફરી તપાસ કરવી, જો તે કાણાઓ ભીંતમાં વધારે પ્રસર્યા હોય, 40 તો યાજકે રોગવાળા પથ્થરોને કાઢી નાખવાની તથા તેમને નગર બહાર ગંદકીની જગ્યાએ ફેંકી દેવાની આજ્ઞા તેઓને આપવી.

41 ઘરની અંદરની ભીંતોને ખોતરી નાખવાની આજ્ઞા તેણે આપવી અને ખોતરી કાઢેલું બધું જ શહેરની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ ઠાલવી આવવા જણાવવું. 42 જે જગ્યા ખાલી પડી હોય ત્યાં બીજા પથ્થરો લાવીને ગોઠવવા અને ચૂનાનો કોલ પણ નવો જ વાપરવો તથા ઘરનું નવેસરથી ચણતર કરાવવું.

43 પથ્થરો કાઢી નાખ્યા પછી અને ઘરનું નવેસરથી ચણતર કર્યા પછી જો ફરીથી ફૂગ દેખાય, 44 તો યાજકે ફરીથી આવીને ઘરની તપાસ કરવી અને તેને ખબર પડે કે ફૂગ પ્રસરી છે તો તે જલદી પ્રસરે તેવો ચેપ છે અને તે ઘર અશુદ્ધ છે.

45 તે ઘરને તોડી પાડવું. એ ઘરના પથ્થરો, લાકડાં અને ગારો બધું શહેરની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ લઈ જવું. 46 એ ઘર બંધ રહ્યું હોય તે દરમિયાન કોઈ ઘરમાં પ્રવેશે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 47 જે કોઈ વ્યક્તિ તે ઘરમાં સૂઈ જાય અથવા જમે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં.

48 પરંતુ યાજક ઘરમાં જઈને તપાસે અને જો તેને ખબર પડે કે નવેસરથી ચણતર કર્યા પછી ફૂગ ફેલાયેલી નથી, તો તે ઘરને તે શુદ્ધ જાહેર કરે કે હવે ફૂગનો ચેપ ઘરમાં નથી.

49 પછી ઘરની શુદ્ધિ માટે યાજક બે નાનાં પક્ષીઓ, દેવદારનું લાકડું, લાલ રંગના કાપડનો ટુકડો અને ઝુફો લે. 50 એક પક્ષીને તેણે ઝરાના વહેતા પાણી ઉપર માટલી ઉપર કાપવું. 51 તેણે દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી રંગનું કાપડ લઈ જીવતા પક્ષી સાથે ચઢાવેલા પક્ષીના રક્તમાં તથા ઝરાના વહેતાં પાણીમાં બોળવા અને સાત વખત ઘર ઉપર છંટકાવ કરવો.

52 આ પ્રમાણે તેણે પક્ષીનું રક્ત, ઝરાનું પાણી, જીવતું પક્ષી, દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી કાપડ, તેનાથી ઘરની શુદ્ધિ કરવી. 53 પણ યાજકે શહેરની બહાર ખુલ્લાં મેદાનમાં બીજા પક્ષીને છોડી દેવું. આ રીતે યાજક ઘરને શુદ્ધ કરશે અને ઘર સાફ થશે.

54 બધી જ જાતના કુષ્ટ રોગ, એટલે સોજા, ચાંદાં, ગૂમડાં માટે, 55 વસ્ત્રના તથા ઘરના કુષ્ટ રોગને માટે, 56 કોઈની ચામડીના સોજામાં કે દાઝવાથી થયેલા ઘામાં કે ચાંદાને માટે, 57 કુષ્ટ રોગની બાબતમાં કોઈ અશુદ્ધ ક્યારે કહેવાય અને શુદ્ધ ક્યારે કહેવાય, તે શીખવવા માટે એ નિયમ છે."


14:10 [1] ત્રણ દશાંશ એફાહ ૩ કિલોગ્રામ મેંદા
14:10 [2] એક માપ ૩૩૪ ગ્રામ તેલ
14:12 [3] દોષાર્થાર્પણ ભરપાઈનો અર્પણ
14:21 [4] એક માપ ૩૩૪ ગ્રામ તેલ

Chapter 15

શરીરના અશુદ્ધ સ્‍ત્રાવ અંગેના નિયમ

1 યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું, 2 "ઇઝરાયલી લોકોને એમ કહે કે, 'જ્યારે કોઈ માણસને તેના શરીરમાં સ્રાવનો રોગ હોય, ત્યારે તે માણસ અશુદ્ધ ગણાય. 3 તેના સ્રાવમાં તેની અશુદ્ધતા આ પ્રમાણે ગણાય. તેના સ્રાવ સાથે તેનું માંસ વહેતું હોય અથવા તેના સ્રાવમાંથી તેનું માંસ વહેતું બંધ પડે, તો તે અશુદ્ધ ગણાય.

4 સ્રાવવાળો માણસ જે પથારીમાં સૂએ અને જે કોઈ વસ્તુ પર તે બેસે તે પણ અશુદ્ધ ગણાય. 5 જે કોઈ વ્યક્તિ તે માણસની પથારીનો સ્પર્શ કરે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

6 જે વસ્તુ પર સ્રાવવાળો બેઠો હોય તે પર જે કોઈ બેસે, તે વ્યક્તિએ પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે સ્નાન કરવું અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 7 અને સ્રાવવાળા પુરુષના શરીરનો જે કોઈ સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

8 જો સ્રાવવાળો માણસ કોઈ સ્વચ્છ માણસ પર થૂંકે, તો તે માણસે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં તથા તેણે પાણીથી સ્નાન કરવું અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 9 સ્રાવવાળો માણસ જે જીન પર બેસીને સવારી કરે તે પણ અશુદ્ધ ગણાય.

10 જે કંઈ પણ તેની નીચે આવેલું હોય, તેને સ્પર્શ કરનાર વ્યક્તિ સાંજ સુધી અશુદ્ધ ગણાય; જે કોઈ તે વસ્તુને ઉપાડે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. 11 સ્રાવવાળો માણસ પોતાના હાથ ધોયા વિના જો કોઈ વ્યક્તિને સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવા, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. 12 અશુદ્ધ વ્યક્તિ માટીના વાસણને સ્પર્શ કરે તો તે વાસણને ફોડી નાખવું અને લાકડાના પ્રત્યેક વાસણને પાણીમાં ધોઈ નાખવું.

13 જ્યારે તે વ્યક્તિ તેના સ્રાવથી શુદ્ધ થાય ત્યારે તે પોતાના શુદ્ધિકરણ માટે સાત દિવસ ગણે અને પોતાના વસ્ત્રો ધોઈ નાખે; અને ઝરણાનાં પાણીમાં સ્નાન કરે. ત્યાર પછી તે શુદ્ધ ગણાશે. 14 તે માણસે આઠમે દિવસે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહ સમક્ષ આવીને યાજકને આપવા. 15 યાજક તેઓમાંના એકને પાપાર્થાર્પણને માટે અને બીજાને દહનીયાર્પણને માટે અર્પણ કરીને સ્રાવવાળા માણસની શુદ્ધિ માટે યહોવાહ સમક્ષ પ્રાયશ્ચિત કરે.

16 જો કોઈ પુરુષને વીર્યસ્રાવ થાય, તો તેણે પાણીથી સ્નાન કરવું; સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. 17 જે પ્રત્યેક વસ્ત્ર કે ચામડા પર વીર્ય પડ્યું હોય તેને પાણીથી ધોઈ નાખવું. સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. 18 અને જો કોઈ સ્ત્રીપુરુષનો સંયોગ થયો હોય અને પુરુષને વીર્યસ્રાવ થયો હોય તો તે બન્નેએ પાણીથી સ્નાન કરવું; તેઓ સાંજ સુધી અશુદ્ધ ગણાય.

19 જો કે સ્ત્રીને માસિકસ્રાવ થયો હોય તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય અને તે દિવસો દરમ્યાન જે કોઈ તેને સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 20 તે અશુદ્ધ હોય ત્યારે તે જેના પર સૂતી હોય કે બેઠી હોય તે પણ અશુદ્ધ ગણાય.

21 જે કોઈ માણસ તેની પથારીને સ્પર્શ કરે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીથી સ્નાન કરવું; તે માણસ સાંજ સુધી અશુદ્ધ ગણાય. 22 તે સ્ત્રી જેના પર બેઠી હોય તેને જો કોઈ સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું; તે વ્યક્તિ સાંજ સુધી અશુદ્ધ ગણાય. 23 તે સ્ત્રી જેના પર બેઠી હોય તે આસન અથવા પથારી પરની કોઈ વસ્તુને જો કોઈ સ્પર્શે તો તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે અને સ્નાન કરે. તે માણસ સાંજ સુધી અશુદ્ધ ગણાય.

24 અને જો કોઈ પુરુષ તેની સાથે શારીરિક સંબંધ કરે અને જો તેની અશુદ્ધતા તેને લાગે તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય. તે જે પથારીમાં સૂએ તે પણ અશુદ્ધ ગણાય.

25 જો કોઈ સ્ત્રીને ઋતુકાળ સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય અથવા તેના ઋતુકાળ ઉપરાંત લાંબા સમય સુધી તેનો સ્રાવ ચાલુ રહે, તો તેના સ્રાવના સર્વ દિવસો સુધી તે ઋતુકાળની જેમ અશુદ્ધ ગણાય. 26 એ સમય દરમિયાન પણ તે જે પથારીમાં સૂએ તે તેના ઋતુકાળના સામાન્ય દિવસોની જેમ અશુદ્ધ ગણાય. અને તે જયાં બેસે તે જગ્યા પણ અશુદ્ધ ગણાય.

27 જે કોઈ તે પથારી કે આસનને સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય. તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

28 પણ જો તે પોતાના સ્રાવથી શુદ્ધ થાય તો પછી તે પોતાને માટે સાત દિવસ ગણે અને ત્યારબાદ તે શુદ્ધ ગણાય. 29 આઠમે દિવસે તેણે બે હોલાં અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજકને આપવાં. 30 યાજક તેઓમાંના એકને પાપાર્થાર્પણ માટે અને બીજાને દહનીયાર્પણ માટે અર્પિત કરે અને યાજક તેના સ્રાવની અશુદ્ધતા માટે યહોવાહની સમક્ષ પ્રાયશ્ચિત કરે.

31 આ રીતે ઇઝરાયલના લોકોને તેઓની અશુદ્ધતાથી અલગ કરવા કે જેથી મારો જે મંડપ તેઓની મધ્યે છે, તેને અશુદ્ધ કર્યાથી તેઓ માર્યા જાય નહિ.

32 જે કોઈ પુરુષને સ્રાવ હોય તો તે અશુદ્ધ છે. સ્રાવ અથવા વીર્યપાત તે પુરુષને અશુદ્ધ કરે છે. 33 ઋતુસ્રાવમાં સ્ત્રી અશુદ્ધ હોય છે તેવી સ્ત્રી સાથે શારીરિક સંબંધ કરનાર પુરુષ પણ અશુદ્ધ છે. શરીરના સ્રાવવાળા લોકો માટેના નિયમો ઉપર પ્રમાણે છે.'"

Chapter 16

પ્રાયશ્ચિત્તનો દિવસ

1 હારુનના બે દીકરા જ્યારે યહોવાહની સમક્ષ ગયા ત્યારે મૃત્યુ પામ્યા અને તેઓના મૃત્યુ પછી યહોવાહે મૂસાની સાથે વાત કરી. 2 પછી યહોવાહે મૂસાને કહ્યું, "તારા ભાઈ હારુનને કહે, પરમપવિત્ર સ્થાનમાં એટલે કે તંબુના પડદાની અંદરની બાજુએ પવિત્ર કોશ પરના દયાસન સમક્ષ કોઈ પણ સમયે આવે નહિ. જો તે તેમ કરશે તો તે મૃત્યુ પામશે. કારણ કે તે દયાસન પર વાદળરૂપે હું દેખાઈશ.

3 તેથી અહીં હારુન આ રીતે પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે. પાપાર્થાર્પણ માટે એક બળદ તથા દહનીયાર્પણ માટે એક ઘેટો લઈને તે પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે. 4 તે શણનું પવિત્ર ઉપવસ્ત્ર અને શણની ઈજાર પહેરે. કમરે શણનો કમરપટો અને માથે શણની પાઘડી બાંધે. આ પવિત્ર વસ્ત્રો છે. એ પહેરતાં પહેલાં તેણે પાણીથી સ્નાન કરવું. 5 તે ઇઝરાયલી પ્રજા પાસેથી પાપાર્થાર્પણ માટે બે બકરા તથા દહનીયાર્પણ માટે એક ઘેટો લે.

6 પછી હારુન પોતાને માટે પાપાર્થાર્પણના બળદને રજૂ કરે અને પોતાના માટે તેમ જ પોતાના પરિવાર માટે પ્રાયશ્ચિત કરે. 7 ત્યારપછી તે બે બકરાઓ લઈને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહ સમક્ષ લાવે.

8 પછી હારુન તે બે બકરા માટે ચિઠ્ઠીઓ નાખે, એટલે એક ચિઠ્ઠી યહોવાહને માટે અને બીજી અઝાઝેલને માટે નક્કી કરે. 9 જે બકરા પર યહોવાહના નામની ચિઠ્ઠી પડે, તેને હારુન પાપાર્થાપણને માટે અર્પણ કરે. 10 પરંતુ જે બકરા પર અઝાઝેલના નામની ચિઠ્ઠી પડે તેને અઝાઝેલને માટે અરણ્યમાં મોકલી દેવા માટે તેને માટે પ્રાયશ્ચિત કરવાને યહોવાહ સમક્ષ તેને જીવતો રજૂ કરે.

11 પછી હારુન પોતાના અને પોતાના પરિવાર માટે પાપાર્થાર્પણને સારુ બળદ રજૂ કરે. પોતાને માટે તથા પોતાના પરિવાર માટે પ્રાયશ્ચિત કરે અને પાપાર્થાર્પણનો જે બળદ પોતાના માટે હોય તેને કાપે.

12 પછી હારુન એક ધૂપદાનીમાં યહોવાહ આગળની વેદીમાંથી સળગતા અંગારા અને બે મુઠ્ઠી બારીક દળેલો ધૂપ લઈને તેને પડદાની અંદરની બાજુએ લાવે. 13 પછી યહોવાહ સમક્ષ અંગારા ઉપર તે ધૂપ તે નાખે જેથી કરારકોશ પરના દયાસન ઉપરનું વાદળ ધુમાડાથી ઢંકાઈ જાય. અને આમ કરવાથી તે મૃત્યુ પામશે નહિ.

14 ત્યારપછી તે બળદના રક્તમાંથી થોડું રક્ત પૂર્વ તરફ પોતાની આંગળી વડે દયાસન પર છાંટે. અને તેમાંનુ થોડું રક્ત દયાસનની સામે આંગળી વડે સાત વાર છાંટે.

15 ત્યારપછી તે લોકોના પાપાર્થાર્પણનો બકરો કાપે અને તેનું રક્ત પડદાની અંદરની બાજુ લાવે. બળદના રક્તની જેમ તે તેના રક્તનું પણ કરે; તે દયાસન પર તેને છાંટે ત્યારપછી દયાસનની સામે તેને છાંટે. 16 તે ઇઝરાયલના લોકોની અશુદ્ધતાના લીધે, તેઓના પાપો અને વિદ્રોહના કારણે પવિત્રસ્થાનને માટે પ્રાયશ્ચિત કરે. એ જ રીતે તેઓની અશુદ્ધતા મધ્યે તેઓની સાથે રહેનાર મુલાકાતમંડપને સારુ કરે, જેમાં યહોવાહ વસે છે.

17 હારુન પ્રાયશ્ચિત કરવા માટે પરમપવિત્ર સ્થાનમાં દાખલ થાય ત્યારથી તે પોતાને સારુ, પોતાના પરિવારને સારુ તથા સર્વ ઇઝરાયલીઓને સારું પ્રાયશ્ચિત કરીને બહાર ન આવે, ત્યાં સુધી કોઈને મુલાકાતમંડપમાં રહેવા ન દેવો. 18 બહાર આવીને યહોવાહની સમક્ષ વેદી પાસે જઈને તેને સારુ તે પ્રાયશ્ચિત કરે. તેણે બળદના અને બકરાના રક્તમાંથી થોડું થોડું લઈને વેદીનાં શિંગો પર ચોપડવું. 19 એ રક્તમાંથી આંગળી વડે તે વેદી ઉપર સાત વખત છાંટીને તેને શુદ્ધ કરે અને ઇઝરાયલીઓની અશુદ્ધતામાંથી તેને પવિત્ર કરે.

બકરાને શિરે લોકોનાં પાપ મૂકીને તેને અરણ્યમાં છોડી દેવો

20 પરમ પવિત્રસ્થાન, મુલાકાતમંડપ અને વેદીને માટે પ્રાયશ્ચિત કરી રહે ત્યારે જીવિત બકરાંને તે હાજર કરે. 21 અને પછી હારુન તે જીવતા બકરાના માથા પર બન્ને હાથ મૂકીને ઇઝરાયલીઓની સર્વ દુષ્ટતા, સર્વ પાપો અને તેઓનો વિદ્રોહ કબૂલ કરીને તે સર્વ એ બકરાના શિર પર મૂકે. તે પછી તેણે આ કામ માટે નક્કી કરેલા માણસ સાથે તે બકરાંને રણમાં મોકલી આપવો. 22 પછી તે બકરો લોકોની સર્વ દુષ્ટતા જે જગ્યાએ કોઈ રહેતું ના હોય તેવી નિર્જન જગ્યાએ લઈ જશે. અને આ માણસ તેને નિર્જન અરણ્યમાં છોડી દેશે.

23 ત્યારપછી હારુન મુલાકાતમંડપમાં પાછો આવે. પવિત્રસ્થાનમાં દાખલ થતી વખતે પહેરેલા શણનાં વસ્ત્રો ઉતારીને ત્યાં રાખી મૂકે. 24 પવિત્રસ્થાનમાં સ્નાન કરીને તે પોતાના વસ્ત્રો પહેરે અને બહાર જઈને પોતાનું અને લોકોનું દહનીયાર્પણ અર્પણ કરે અને આ રીતે પોતાને સારુ અને લોકોને સારુ પ્રાયશ્ચિત કરે.

25 પાપાર્થાર્પણની ચરબીનું દહન તે વેદી પર કરે. 26 અઝાઝેલ માટેના બકરાંને લઈ જનાર માણસે પોતાના વસ્ત્ર ધોઈ નાખવા અને સ્નાન કરવું; ત્યારપછી જ તે છાવણીમાં પાછો આવે.

27 પછી પાપાર્થાર્પણને સારુ ચઢાવેલા બળદ અને બકરાંને એટલે જેઓનું રક્ત પ્રાયશ્ચિતને માટે પવિત્રસ્થાનમાં લઈ જવામાં આવ્યું હતું તેઓને છાવણી બહાર લઈ જવા અને ચામડાં, માંસ અને આંતરડાં સહિત બાળી નાખવા. 28 આ બધું બાળનાર માણસે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, સ્નાન કરવું અને પછી છાવણીમાં પાછા ફરવું.

પ્રાયશ્ચિત્તનો દિવસ પાળવા વિષે

29 એ સદાને માટે તમારો વિધિ થાય; દેશનાં વતનીઓ તથા તમારી મધ્યે વસતા વિદેશીઓએ સાતમા મહિનાના દશમા દિવસે ઉપવાસ કરવો અને કોઈ કામ કરવું નહિ. 30 કેમ કે તે દિવસે તમને શુદ્ધ કરવા માટે તમારા માટે પ્રાયશ્ચિત કરવામાં આવશે; તમે તમારા પાપોથી યહોવાહની આગળ શુદ્ધ થશો. 31 તમારા માટે તે પવિત્ર વિશ્રામવારનો દિવસ છે. તમારે ઉપવાસ કરવો અને કંઈ કામ કરવું નહિ. આ સદાને માટેનો નિયમ છે.

32 આ પ્રાયશ્ચિત મુખ્ય યાજકે એટલે જે તેના પિતાના સ્થાને યાજકપદને સારુ અભિષિક્ત અને પવિત્ર કરવામાં આવ્યો હોય તેણે કરવું. તે પ્રાયશ્ચિત કરે, તે યાજકે શણના પવિત્ર વસ્ત્ર પહેરવા. 33 અને પરમ પવિત્રસ્થાનને માટે, મુલાકાતમંડપને માટે, વેદીને માટે, યાજકોને માટે તથા સભાના સમગ્ર લોકોને માટે તેણે પ્રાયશ્ચિત કરવું.

34 આ તમારે સારુ સદાનો વિધિ થાય; આ રીતે પ્રતિવર્ષ એક વાર ઇઝરાયલીઓના પાપો માટે પ્રાયશ્ચિત કરવું. યહોવાહે મૂસાને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે તેણે કર્યું.

Chapter 17

રક્ત ન પાડવું અને ન ખાવું

1 યહોવાહે મૂસાને કહ્યું, 2 "તું હારુનને, તેના પુત્રોને તેમ જ બધા ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે, યહોવાહે જે આજ્ઞા આપી છે તે તેઓને કહે, 3 'જો કોઈ ઇઝરાયલી છાવણીમાં અથવા છાવણીની બહાર બળદ, હલવાન કે બકરાંને કાપે, 4 પરંતુ યહોવાહના મંડપની સામે યહોવાહને સારુ અર્પણ ચઢાવવા માટે મુલાકાતમંડપના દ્વારની પાસે તેને ન લાવે, તે પુરુષને માથે રક્તનો દોષ બેસે; તેણે તો રક્ત વહેવડાવ્યું છે; તે પુરુષ પોતાના લોકો મધ્યેથી અલગ કરાય.

5 આ આજ્ઞા એ ઉદ્દેશથી આપવામાં આવી છે કે જેથી ઇઝરાયલી લોકો એક ખુલ્લાં મેદાનમાં બલિદાન કરવાના બદલે તે યહોવાહને માટે મુલાકાતમંડપના દ્વાર આગળ યાજક પાસે લાવે અને તે વડે તેઓ યહોવાહને માટે શાંત્યર્પણો કરે. 6 યાજકે અર્પણનું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહની વેદી પર છાંટવું. તેણે ચરબીનું દહન કરવું કેમ કે તે યહોવાહને માટે સુવાસ ઉત્પન્ન કરે છે.

7 લોકો બકરાનો મૂર્તિઓને [1] તેઓના અર્પણ ચઢાવવાની ઇચ્છા રાખે નહિ, કેમ કે આ રીતે તેઓ ગણિકાઓ માફક વર્ત્યા છે. ઇઝરાયલીઓ અને તેઓના વંશજો માટે આ હંમેશનો વિધિ થાય.'

8 તારે તેઓને કહેવું કે, જો કોઈ ઇઝરાયલી અથવા તેઓની વચ્ચે રહેતો પરદેશી દહનીયાર્પણ કે યજ્ઞ ચઢાવે, 9 અને યહોવાહ સમક્ષ તેનો યજ્ઞ કરવાને તેને મુલાકાતમંડપના દ્વાર પાસે ના લાવે તો તે માણસ તેના લોકો મધ્યેથી અલગ કરાય.

10 અને કોઈ ઇઝરાયલી અથવા ઇઝરાયલીઓ વચ્ચે વસતો કોઈપણ પરદેશી માણસ જો રક્ત ખાય તો હું તે માણસની વિમુખ થઈશ અને હું તેને તેના લોકોથી અલગ કરીશ. 11 કારણ કે શરીરનો જીવ રક્તમાં છે. અને વેદી પર તે રક્ત તમારા માટે પ્રાયશ્ચિત કરે તે માટે મેં તમને આપ્યું છે. કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે, કારણ કે તેમાં જીવ છે.

12 તે માટે મેં ઇઝરાયલના લોકોને કહ્યું કે, તમારામાંનો કોઈપણ માણસ તેમ જ તમારી મધ્યે વસતો કોઈપણ પરદેશી રક્ત ના ખાય. 13 અને કોઈપણ ઇઝરાયલી કે તેઓની વચ્ચે વસતો પરદેશી ખાદ્ય પક્ષીનો કે પશુનો શિકાર કરે ત્યારે તેણે તેનું બધું રક્ત વહી જવા દેવું અને તેના પર માટી ઢાંકી દેવી.

14 કેમ કે સર્વ દેહધારીઓના જીવ વિષે એવું જાણવું કે રક્તમાં તેઓનો જીવ છે, તેથી જ મેં ઇઝરાયલના લોકોને કહ્યું છે કે, "તમારે કોઈપણ દેહધારીનું રક્ત પીવું નહિ, કેમ કે સર્વ દેહધારીઓનો જીવ તેઓના રક્તમાં છે. જે કોઈ તે ખાય તે અલગ કરાય."

15 દરેક વ્યક્તિ દેશનાં વતનીઓ કે પરદેશી કુદરતી રીતે મૃત્યુ પામેલુ અથવા જંગલી પશુઓએ ફાડી નાખેલું પશુ ખાય તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવા, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. ત્યારપછી તે શુદ્ધ ગણાય. 16 પરંતુ જો તે પોતાના વસ્ત્રો ન ધુએ કે સ્નાન ન કરે, તો પછી તેનો દોષ તેને માથે.'"


17:7 [1] બકરાનો મૂર્તિઓને વિદેશી દુષ્ટાત્માને

Chapter 18

સ્‍ત્રીસંગ બાબતે નિષેધો

1 યહોવાહે મૂસાને કહ્યું, 2 "ઇઝરાયલના લોકોને કહે કે, 'હું યહોવાહ તમારો ઈશ્વર છું. 3 મિસર દેશ જેમાં તમે અગાઉ રહેતા હતા, તે લોકોનું અનુકરણ તમે ન કરો. અને કનાન દેશ કે જેમાં હું તમને લઈ જાઉં છું, તે દેશના લોકોનું અનુકરણ તમે ન કરો. તેઓના રીતરિવાજો ન પાળો.

4 તમારે ફક્ત મારા જ વિધિઓ પાળવા, તમારે તેનો સંપૂર્ણ રીતે અમલ કરવો અને તે અનુસાર ચાલવું કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું. 5 માટે તમારે મારા વિધિઓ અને નિયમો પાળવા. જો કોઈ માણસ તેનું પાલન કરશે તો તે વડે તે જીવશે. હું યહોવાહ છું.

6 તમારામાંના કોઈએ પણ નજીકની સગી સાથે શારીરિક સંબંધ ન બાંધવો. હું યહોવાહ છું. 7 તારી માતા સાથે શારીરિક સંબંધ કરીને તારા પિતાનું અપમાન ન કર. તે તારી માતા છે, તેને તારે કલંકિત કરવી નહિ. 8 તારા પિતાની પત્નીઓમાંથી કોઈની સાથે શારીરિક સંબંધ ન કર; તે તારા પિતાના અપમાન જેવું છે.

9 તારી બહેનોમાંની કોઈની સાથે શારીરિક સંબંધ ન કર. તે તમારા પિતાની પુત્રી હોય કે માતાની પુત્રી હોય; પછી તે ઘરમાં જન્મેલી હોય કે તારાથી દૂર બહાર જન્મેલી હોય. તારે તારી બહેન સાથે શારીરિક સંબંધ બાંધવો નહિ. 10 તારે તારા પુત્રની પુત્રી કે પુત્રીની પુત્રી સાથે શારીરિક સંબંધ ન બાંધવો, તે તમારી પોતાની જાતને કલંકિત કરવા બરાબર છે. 11 તારે તારા પિતાની પત્નીની પુત્રી સાથે શારીરિક સંબંધ ન બાંધવો. તે તારી બહેન છે અને તારે તેની સાથે શારીરિક સંબંધ ન બાંધવો.

12 તારે તારા પિતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો, કેમ કે તારા પિતાની તે નજીકની સગી છે. 13 તારે તારી માતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો, કેમ કે તારી માતાની તે નજીકની સગી છે. 14 તારે તારા પિતાના ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ ન બાંધવો. કે એવા ઇરાદા સાથે તેની નજીક ન જવું. કેમ કે તે તારી કાકી છે.

15 તારે તારી પુત્રવધૂ સાથે શારીરિક સંબંધ ન બાંધવો, તે તારા પુત્રની પત્ની છે. તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ. 16 તારે તારા ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ ન બાંધવો, આવું કરીને તારા ભાઈનું અપમાન ન કરવું.

17 કોઈ સ્ત્રી તેમ જ તેની પુત્રી કે પૌત્રી કે દોહિત્રી સાથે શારીરિક સંબંધ ન કર. તેઓ નજીકની સગી છે અને તેઓની સાથે એવું કરવું એ અતિશય દુષ્ટ કર્મ છે. 18 તારી પત્નીના જીવતા સુધી તેની બહેન સાથે લગ્ન કરીને અને તેને બીજી પત્ની કરીને તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ.

19 સ્ત્રીના માસિકસ્રાવ દરમિયાન તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ. કેમ કે એ સમયમાં તે અશુદ્ધ છે. 20 તારે તારા પડોશીની પત્ની સાથે શારીરિક સંબંધ ન કરવો અને આ રીતે પોતાને જાતને ભ્રષ્ટ ન કરવી.

21 તારે તારા કોઈ બાળકને અગ્નિમાં ચલાવીને મોલેખને ચઢાવવા ન આપ. આ રીતે તારા ઈશ્વરનો અનાદર ન કરવો. હું યહોવાહ છું.

22 સ્ત્રીની જેમ બીજા પુરુષની સાથે શારીરિક સંબંધ ન બાંધ. એ દુષ્ટતા છે. 23 તમારે કોઈ પશુ સાથે સ્ત્રીની જેમ શારીરિક સંબંધ ન કરીને પોતાને અશુદ્ધ ન કરવો. કોઈ સ્ત્રીએ કોઈ પશુ સાથે શારીરિક સંબંધ ન કરવો, એ વિકૃતિ છે.

24 આમાંની કોઈ પણ રીતે તારે તારી જાતને અશુદ્ધ ન કરવી. હું જે દેશજાતિઓને તમારી સામેથી હાંકી કાઢવાનો છું તેઓ આવી રીતે અશુદ્ધ થયેલ છે. 25 એ આખો દેશ અશુદ્ધ થયો છે. તેથી હું તેઓના પર તેઓના પાપની સજા કરું છું અને એ દેશ ત્યાંના રહેવાસીઓને ઓકી કાઢે છે.

26 તમારે મારા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરવું. તમારે આ બધામાંનું કોઈ ઘૃણાજનક કાર્ય કરવું નહિ, પછી ભલે તમે ઇઝરાયલ પ્રજાનાં વતની હોય કે પરદેશથી આવીને વસ્યા હોય. 27 કેમ કે તમારા પહેલા જે દેશજાતિ આ દેશમાં રહેતી હતી, તે આ બધા ઘૃણાજનક કાર્યો કરતી હતી અને તેથી દેશ અશુદ્ધ થયો છે. 28 એ માટે સાવચેત રહો, કે જેથી દેશને અશુદ્ધ કર્યાથી જેમ તમારી અગાઉની દેશજાતિને તેણે ઓકી કાઢી તેમ તમને પણ તે ઓકી કાઢે.

29 જે કોઈ એમાંનું કોઈપણ ઘૃણાજનક કાર્ય કરશે તેને પોતાના લોકોમાંથી અલગ કરવામાં આવશે. 30 માટે તમે મારી આજ્ઞાઓનું પાલન કરો. તમારા અગાઉના લોકો ઘૃણાપાત્ર રિવાજો પાળતા હતા, તેનું પાલન કરીને તમારી જાતને અશુદ્ધ ન બનાવશો. હું તમારો ઈશ્વર યહોવાહ છું.'"

Chapter 19

પવિત્રતા અને માનવતાના નિયમો

1 યહોવાહે મૂસાને કહ્યું, 2 "ઇઝરાયલના સર્વ લોકોને કહે કે, 'તમે પવિત્ર થાઓ, કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર પવિત્ર છું. 3 તમારામાંના પ્રત્યેક વ્યક્તિએ પોતાના માતાપિતાને માન આપવું અને મારા વિશ્રામવારોનું પાલન કરવું. હું તમારો ઈશ્વર યહોવાહ છું. 4 મૂર્તિઓ તરફ ન ફરો અને તમારા માટે ધાતુની મૂર્તિઓ બનાવશો નહિ. હું યહોવાહ તમારો ઈશ્વર છું.

5 તમે જ્યારે યહોવાહની આગળ શાંત્યર્પણો ચઢાવો ત્યારે એવી રીતે ચઢાવો કે તમે તેમની આગળ માન્ય થાઓ. 6 જે દિવસે તમે તે અર્પણ કરો તે જ દિવસે તથા તેના બીજે દિવસે તે ખાવું. પરંતુ જો ત્રીજા દિવસ સુધી એમાંનું કંઈ બાકી રહ્યું હોય તો તેને અગ્નિમાં બાળી નાખવું. 7 જો તે ત્રીજે દિવસે સહેજ પણ ખાવામાં આવે તો તે અપવિત્ર છે. અને તે માન્ય થશે નહિ. 8 પણ જે કોઈ તે ખાય તેનો દોષ તેના માથે રહે. કેમ કે તેણે યહોવાહનું પવિત્ર અર્પણ અપવિત્ર કર્યુ છે. તેથી તે માણસ પોતાના લોકોમાંથી અલગ કરાય.

9 જ્યારે તમે તમારા ખેતરમાંની ફસલની કાપણી કરો ત્યારે સમગ્ર ખેતર પૂરેપૂરું લણવું નહિ અને કાપણીનો પડી રહેલો ભાગ વીણી લેવો નહિ. 10 એ જ પ્રમાણે દ્રાક્ષવાડીના દ્રાક્ષોને પૂરેપૂરા વીણવા નહિ, તેમ જ નીચે પડેલી દ્રાક્ષ પણ વીણવી નહિ. ગરીબો તેમ જ મુસાફરોને માટે તે રહેવા દેવી. હું યહોવાહ તમારો ઈશ્વર છું.

11 ચોરી કરવી નહિ,

જુઠ્ઠું બોલવું નહિ.

એકબીજાને છેતરવા નહિ.

12 મારે નામે જૂઠ્ઠા સોગન ખાવા નહિ અને તારા ઈશ્વરના નામનો અનાદર કરવો નહિ. હું યહોવાહ છું.

13 તારા પડોશી પર જુલમ કરવો નહિ અને તેને લૂંટવો નહિ, મજૂરીએ રાખેલા માણસનું મહેનતાણું આખી રાત એટલે સવાર થતાં સુધી તારી પાસે રાખવું નહિ.

14 બધિર માણસને શાપ ન આપ અને અંધજનના માર્ગમાં ઠોકર ન મૂક. પણ તેને બદલે મારું ભય રાખજો. હું યહોવાહ છું.

15 ન્યાયધીશોએ પોતાના ન્યાયમાં સદા પ્રામાણિક રહેવું, ગરીબો પ્રત્યે દયા દર્શાવીને એનો પક્ષ ન લેવો કે કોઈ માણસ મહત્વનો છે એવું વિચારીને એનો પક્ષ ન લેવો. પણ તેના બદલે હંમેશા ઉચિત ન્યાય કરવો.

16 તમારા લોકો મધ્યે તમારે કોઈએ કૂથલી કે ચાડી કરવી [1] નહિ, પણ તમારા પડોશીના જીવનની સલામતી શોધવી. હું યહોવાહ છું.

17 તમારે તમારા હૃદયમાં તમારા ભાઈનો દ્રેષ ન કરવો. તમારા પડોશીને પ્રામાણિકપણે ઠપકો આપ અને તેને કારણે પાપને ચલાવી ન લો.

18 કોઈના પર વૈર વાળીને બદલો લેવાની ભાવના રાખવી નહિ, પરંતુ જેમ તમે પોતાના પર પ્રેમ રાખો છો તેમ પડોશીઓ પર પણ પ્રેમ રાખવો. હું યહોવાહ છું.

19 મારા નિયમો પાળજો.

તમારા પશુઓને જુદી જાતના પશુ સાથે ગર્ભાધાન કરાવશો નહિ.

તમારા ખેતરમાં એક સાથે બે જાતના બી વાવશો નહિ.

તેમ જ જુદી જુદી બે જાતના તારનુ વણેલુ કાપડ પણ પહેરશો નહિ.

20 અને કોઈ સ્ત્રી દાસી હોય અને કોઈ પુરુષની સાથે તેનું લગ્ન થયું હોય અને કોઈએ તેને સ્વતંત્ર કરી જ ના હોય અથવા તો સ્વતંત્ર થઈ જ ના હોય તેની સાથે જે કોઈ શારીરિક સંબંધ રાખે તેઓને સજા કરવી, જો કે તેઓને મૃત્યુદંડ કરવો નહિ કેમ કે તે સ્ત્રી સ્વતંત્ર ન હતી.

21 તે વ્યક્તિએ દોષાર્થાર્પણ [2] માટે મુલાકાતમંડપના દ્વાર આગળ યહોવાહ સમક્ષ ઘેટો લઈને આવવું. 22 પછી તેણે જે પાપ કર્યું હોય તેને લીધે યાજકે તે વ્યક્તિના દોષાર્થાર્પણ માટે તે ઘેટા વડે યહોવાહ સમક્ષ પ્રાયશ્ચિત કરવું, એટલે તેને માફ કરવામાં આવશે.

23 કનાન દેશમાં તમે જ્યારે પ્રવેશ કરો અને કોઈ પણ ફળનું વૃક્ષ રોપો તો તેઓનાં ફળને ત્રણ વર્ષ સુધી તમારે અનુચિત ગણવા [3] . તેમને ખાવા નહિ. 24 પરંતુ ચોથે વર્ષે તેના બધા જ ફળ પવિત્ર ગણાશે અને તેને યહોવાહનું સ્તવન કરવા માટે અર્પણ કરી દેવા. 25 પાંચમે વર્ષે તમે તેનાં ફળ ખાઈ શકો છો. એમ કરવાથી તે તમને વધારે ફળ આપશે. હું યહોવાહ તમારો ઈશ્વર છું.

26 તમારે રક્તવાળું માંસ ખાવું નહિ,

ભવિષ્ય જોવા માટે તાંત્રિક પાસે જવું નહિ તેમ જ દૈવી શક્તિઓનો ઉપયોગ કરવો નહિ.

27 તમારા માથાની બાજુના વાળ મૂર્તિપૂજકોની જેમ કાપો નહિ કે તમારી દાઢીના ખૂણા કાપવા નહિ.

28 મૃત્યુ પામેલાઓના લીધે તમારા શરીર પર ઘા કરવા નહિ તથા તમારા શરીર પર છાપ મરાવવી નહિ, હું યહોવાહ છું.

29 તારી પુત્રીને ગણિકા બનાવીને ભ્રષ્ટ કરવી નહિ; રખેને દેશ વેશ્યાવૃતિમાં પડે અને આખો દેશ દુષ્ટતાથી ભરપૂર થાય.

30 તમે મારા વિશ્રામવારો પાળજો અને મારા મુલાકાતમંડપના પવિત્રસ્થાનનું માન જાળવજો. હું યહોવાહ છું.

31 ભૂવા કે જાદુગરો પાસે જઈને તેમને પ્રશ્નો પૂછીને તેમની સલાહ લઈને તમારી જાતને અશુદ્ધ કરશો નહિ, કારણ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.

32 તું પળિયાવાળા માણસની સમક્ષ ઊભો રહે, વડીલોનું સન્માન કર અને ઈશ્વરનું ભય રાખ. હું તમારો ઈશ્વર યહોવાહ છું.

33 જો કોઈ પરદેશી તમારા દેશમાં તમારી મધ્યે આવે, ત્યારે તમારે તેનું ખોટું કરવું નહિ. 34 તમારી સાથે રહેતા પરદેશીને ઇઝરાયલમાં જન્મેલા વતની જેવો જ ગણવો. અને તમારા જેવો જ પ્રેમ તેને કરવો કેમ કે તમે પણ મિસર દેશમાં પરદેશી હતા. હું યહોવાહ તમારો ઈશ્વર છું.

35 તમે ન્યાય કરો ત્યારે લંબાઈના માપમાં અને વજનના માપમાં ખોટા માપનો ઉપયોગ કરવો નહિ. 36 તમારે અદલ ત્રાજવાં, અદલ માપ, અદલ એફાહ અને અદલ હિનનો ઉપયોગ કરવો. હું તમને મિસર દેશમાંથી બહાર લઈ આવનાર તમારો ઈશ્વર યહોવાહ છું. 37 તમારે મારા બધા જ નિયમો, આજ્ઞાઓ અને વિધિઓનું પાલન કરવું. તેને અમલમાં લાવવા. હું યહોવાહ છું.'"


19:16 [1] કૂથલી કે ચાડી કરવી બીજાના જીવનના નુકસાન માટે કંઈ ન કરો
19:21 [2] દોષાર્થાર્પણ ભરપાઈનો અર્પણ
19:23 [3] અનુચિત ગણવા અશુદ્ધ ગણેલું

Chapter 20

આજ્ઞાભંગ માટે શિક્ષા

1 યહોવાહે મૂસાને કહ્યું, 2 "તું ઇઝરાયલના લોકોને કહે કે, 'જો કોઈ ઇઝરાયલી કે તેઓની મધ્યે રહેતો પરદેશી પોતાના કોઈપણ બાળકને મોલેખને ચઢાવે તો તેને મૃત્યુદંડ કરવો. દેશના લોકો તેને પથ્થરે મારે.

3 હું પોતે પણ તે માણસની વિરુદ્ધ મારું મુખ કરીશ અને તેના લોકોમાંથી તેને અલગ કરીશ, કારણ તેણે મોલેખને પોતાનું બાળક ચઢાવીને મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યુ છે અને મારા પવિત્ર નામને ભ્રષ્ટ કર્યુ છે. 4 જો કોઈ માણસ પોતાનું બાળક મોલેખને ચઢાવે અને તે દેશના લોકો જો આંખ આડા કાન કરે અને તેને મૃત્યુદંડ આપવાની ના પાડે, 5 તો હું પોતે તેની અને તેના કુટુંબની વિમુખ થઈ જઈશ અને તેને અને તેની સાથે મોલેખની પાછળ જઈને તેની સાથે વ્યભિચાર કરનારાઓને હું નાબૂદ કરીશ.

6 જે વ્યક્તિ ભૂવાઓ અથવા દુષ્ટ આત્માઓ સાથે વાત કરનારા તથા તેમની સાથે વ્યભિચાર કરે અને સલાહ લે તેની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ; હું તેનો તેના લોકમાંથી નાશ કરીશ. 7 તે માટે તમે પોતાને શુદ્ધ અને પવિત્ર કરો, કારણ કે, હું યહોવાહ તમારો પવિત્ર ઈશ્વર છું.

8 તમારે કાળજીપૂર્વક મારા સર્વ વિધિઓનું પાલન કરવું, કેમ કે તમને શુદ્ધ કરનાર યહોવાહ હું છું.

9 જે કોઈ પોતાના પિતાને અને માતાને શાપ આપે તો તેને નિશ્ચે મૃત્યુદંડ આપવો. તેણે પોતાના પિતાને અથવા માતાને શાપ આપ્યો છે તેથી તે પોતાના મૃત્યુ માટે પોતે જ જવાબદાર ગણાય.

10 જે કોઈ પુરુષ બીજા પુરુષની પત્ની સાથે વ્યભિચાર કરે અથવા પડોશીની પત્ની સાથે વ્યભિચાર કરે તેઓ બન્નેને નિશ્ચે મૃત્યુદંડ આપવો.

11 જે કોઈ પુરુષ પોતાના પિતાની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધે, તેણે પોતાના પિતાને કલંક લગાડે છે, તે બન્ને મૃત્યુદંડને પાત્ર થાય. તેઓનો દોષ મૃત્યુને પાત્ર છે.

12 કોઈ પુરુષ જો પોતાની પુત્રવધૂ સાથે શારીરિક સંબંધ બાંધે, તો તે બન્નેને મૃત્યુદંડ આપવો. તેઓએ અસ્વાભાવિક કાર્ય કર્યું છે. તેઓનો દોષ મૃત્યુને પાત્ર છે.

13 કોઈ પુરુષ જો અન્ય પુરુષ સાથે સ્ત્રીની જેમ શારીરિક સંબંધ બાંધે તો તે બન્નેએ ધિક્કારપાત્ર કાર્ય કર્યુ છે, તેઓને મૃત્યુદંડ આપવો. તેઓનો દોષ મૃત્યુને લાયક છે.

14 કોઈ પુરુષ જો કોઈ સ્ત્રીને અને તેની માતાને એમ બન્નેની સાથે લગ્ન કરે તો તે દુષ્ટતા છે. તે પુરુષને અને તે બન્ને સ્ત્રીઓને અગ્નિમાં બાળી મૂકવાં. એ માટે કે તમારી મધ્યે કોઈ દુષ્ટતા રહે નહિ.

15 કોઈ પુરુષ જો કોઈ પશુ સાથે શારીરિક સંબંધ બાંધે, તો તેને મૃત્યુદંડ આપવો અને તે પશુને મારી નાખવું.

16 અને જો કોઈ સ્ત્રી કોઈ પશુ સાથે શારીરિક સંબંધ કરે, તો તે સ્ત્રીને અને પશુને બન્નેને મારી નાખવાં કારણ, તેઓનો દોષ એ સજાને લાયક છે.

17 જો કોઈ પુરુષ પોતાના પિતાની કે માતાની પુત્રી સાથે લગ્ન કરે અને તેની સાથે શારીરિક સંબંધ બાંધે તો એ શરમજનક કાર્ય છે. તેઓને તેઓના લોકોની વચ્ચેથી અલગ કરવા. કેમ કે એ વ્યક્તિએ પોતાની બહેન સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે. તેનો દોષ તે પુરુષને માથે.

18 જો કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે તેના માસિકસ્રાવ દરમિયાન શારીરિક સંબંધ બાંધે તો તેણે તેનો લોહીકૂપ ખુલ્લો કર્યો છે અને તેણે પોતાનો લોહીકૂપ ખુલ્લો કર્યો છે. પુરુષ અને સ્ત્રી એ બન્નેને તેઓના લોકોમાંથી અલગ કરવા.

19 તારે તારી માતાની બહેન કે પિતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો કેમ કે એમ કરવાથી તું તેમને કલંકિત કરે છે. તેઓને તેઓના પાપની સજા થવી જ જોઈએ.

20 જો કોઈ માણસ પોતાના કાકાની પત્ની સાથે સૂઈ જાય, તો તે પોતાના કાકાને કલંક લગાડે છે. એ બન્નેને તેઓના પાપની સજા થવી જોઈએ. તેઓ નિઃસંતાન અવસાન પામશે.

21 જો કોઈ પુરુષ પોતાના ભાઈની સ્ત્રી સાથે લગ્ન કરે તો તે અપવિત્ર ગણાય; કેમ કે તેણે એના ભાઈને કલંક લગાડયું છે. એ બન્ને નિઃસંતાન અવસાન પામશે.

22 તમારે મારા તમામ વિધિઓ અને નિયમોનું પાલન કરવું અને તેને અનુસરવા; જેથી એમ ન થાય કે હું તમને જે દેશમાં લઈ જાઉં તે દેશ તમને ઓકી કાઢે.

23 અને જે દેશજાતિને હું તમારી આગળથી હાંકી કાઢી મૂકું છું તે દેશના લોકોના રિવાજો પાળવા નહિ. કેમ કે આ બધા કાર્યો તેઓ કરતા હતા અને હું તે કાર્યોને ધિક્કારું છું.

24 મેં તમને કહ્યું છે, તમે તે દેશનો વારસો પામશો; હું તમને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ [1] આપીને તેનું વતન આપીશ. તમને બીજી દેશજાતિઓથી અલગ કરનાર તમારો ઈશ્વર યહોવાહ હું છું. 25 તમારે શુદ્ધ અને અશુદ્ધ પશુઓ અને પક્ષીઓ વચ્ચેનો ભેદ સમજવો. અને તે અશુદ્ધ પશુ કે પક્ષી અથવા ભૂમિ પર ચાલનારા જીવો કે જેમને મેં તમારાથી અલગ કર્યા છે તે વડે પોતાને અશુદ્ધ ન કરવા.

26 તમે પવિત્ર બનો, કેમ કે હું, યહોવાહ, પવિત્ર છું. અને મેં તમને બીજા લોકોથી અલગ કર્યા છે એ માટે કે તમે મારા થાઓ.

27 તમારામાંથી જે કોઈ પુરુષ કે સ્ત્રી ભૂવા કે જાદુગર હોય તેને મૃત્યુદંડ આપવો. લોકોએ તેઓને પથ્થરો વડે મારી નાખવાં. તેઓ દોષી છે અને તેઓ મૃત્યુને લાયક છે.


20:24 [1] દૂધ અને મધથી ભરપૂર ફળદ્રુપ

Chapter 21

યાજકોની પવિત્રતા અને શુદ્ધતા અંગે

1 યહોવાહે મૂસાને કહ્યું, "યાજકોને, હારુનના પુત્રોને કહે કે, 'પોતાના લોકોમાંથી કોઈપણ મૃત્યુ પામે તો તેને લીધે કોઈપણ યાજકે પોતે અભડાવું નહિ. 2 પોતાના નજીકના સગાંઓને લીધે એટલે પોતાની માતાને લીધે, પોતાના પિતાને લીધે પોતાના પુત્ર, પુત્રી કે પોતાના ભાઈને લીધે તે અભડાય, 3 અથવા પોતાની સગી બહેન જે કુંવારી એટલે જેના લગ્ન ન થયા હોય તેને લીધે તે અભડાય.

4 પણ તેણે જે લોકો તેના નજીકના સગા નથી, તેઓના મૃતદેહને અડીને પોતાની જાતને અશુદ્ધ કરવી [1] નહિ.

5 યાજકોએ શોક કરવા માટે પોતાના માથાના વાળ મૂંડાવવા નહિ, તેમ જ દાઢીની કિનાર પણ મૂંડાવવી નહિ અને પોતાના શરીર પર કોઈ ઘા પણ કરવો નહિ. [2] 6 તેઓ પોતાના ઈશ્વરના પવિત્ર લોક થાય અને તેઓના ઈશ્વરના નામને અપમાનિત ન કરે, કેમ કે યાજકો યહોવાહના હોમયજ્ઞો એટલે પોતાના ઈશ્વરની રોટલી અર્પણ કરે છે. એ માટે તેઓ પવિત્ર થાય.

7 તેઓ ગણિકા કે કોઈ અશુદ્ધ સ્ત્રીની સાથે અને જે સ્ત્રીના તેના પતિથી છૂટાછેડા થયા હોય તેની સાથે લગ્ન ન કરે. કેમ કે તેઓ ઈશ્વર માટે અલગ કરાયેલા છે.

8 તમારે યાજકને પવિત્ર ગણવો જોઈએ, કારણ કે તે મને અર્પણ ચઢાવે છે. તમારે તેને પવિત્ર ગણવો જોઈએ, કારણ તમને પવિત્ર કરનાર યહોવાહ હું પવિત્ર છું.

9 જો કોઈ યાજકની પુત્રી ગણિકા થઈને પોતાને અશુદ્ધ કરે તો તે પોતાના પિતાને કલંકિત કરે છે, તેથી તેને આગથી બાળી નાખવી.

10 જે પોતાના ભાઈઓ વચ્ચે પ્રમુખ યાજક હોય, જેને તેલથી અભિષેક કરાયો હોય અને વસ્ત્રો પહેરવા માટે શુદ્ધિકરણ કરાયું હોય તેણે પોતાના વાળ છૂટા મૂકવા નહિ તથા પોતાના વસ્ત્રો ફાડવા નહિ. 11 જે જગ્યાએ માણસનો મૃતદેહ પડ્યો હોય ત્યાં તેણે જવું નહિ અને અશુદ્ધ થવું નહિ, પછી ભલે તે મૃતદેહ પોતાના પિતા કે માતાનો હોય. 12 તે પવિત્રસ્થાનની બહાર જાય નહિ અને પોતાના ઈશ્વરના પવિત્રસ્થાનને અશુદ્ધ કરે નહિ. કેમ કે પોતાના ઈશ્વરના અભિષેકના તેલ વડે તેને પ્રમુખ યાજક તરીકે પવિત્ર કરાયો છે. હું યહોવાહ છું.

13 પ્રમુખ યાજકે કુંવારી સ્ત્રી સાથે લગ્ન કરવું. 14 તેણે કોઈ વિધવા, ગણિકા કે છૂટાછેડા લીધેલી સ્ત્રીની સાથે લગ્ન કરવું નહિ. તેણે આ બધામાંથી કોઈ સાથે લગ્ન ન કરવું. પણ પોતાના લોકમાંની જ કોઈ કુમારિકા સાથે લગ્ન કરવું. 15 તેણે બધા નિયમોનું પાલન કરવું, કે જેથી પોતાના લોકો મધ્યે પોતાના સંતાનને અશુદ્ધ ન કરે. કેમ કે તેને શુદ્ધ કરનાર યહોવાહ હું છું.'"

16 યહોવાહે મૂસાને કહ્યું, 17 "તું હારુનને કહે કે, શારીરિક ખામી ધરાવનાર તારા કોઈપણ વંશજે ઈશ્વરને અર્પણ ચઢાવવું નહિ.

18 શારીરિક ખામી ધરાવનાર કોઈ પણ માણસ પછી તે અંધ હોય, અપંગ હોય કે જેના અંગ વિકૃતિ વાળા હોય, 19 અથવા સુકાઈ ગયેલા હાથ વાળો હોય કે પગ વાળો હોય, 20 ખૂંધો હોય કે ઠીંગણો હોય, નેત્રનો રોગ કે ચામડીનો રોગ થયેલો હોય કે વ્યંઢળ હોય તેઓએ અર્પણ ચઢાવવું નહિ. 21 હારુન યાજકના શારીરિક ખામી વાળા કોઈ પણ વંશજ મને હોમયજ્ઞો ચઢાવવા મારી પાસે આવે નહિ, જો તેનામાં કોઈ ખોડ હોય તો તેણે ઈશ્વરની 'રોટલી' ચઢાવવા પાસે જવું નહિ.

22 તેમ છતાં ઈશ્વર સમક્ષ ચઢાવેલ પવિત્ર તેમ જ પરમપવિત્ર અર્પણોમાંથી યાજકોનો જે ભાગ છે તેમાંથી તે જમી શકે. 23 પરંતુ તેણે પડદાની નજીક કે પડદાની પાછળ અગ્નિની વેદીની નજીક જવું નહિ કારણ તેનામાં શારીરિક ખોડ છે અને તેણે મારી પવિત્ર જગ્યાઓને અશુદ્ધ કરવી નહિ. કેમ કે મેં યહોવાહે તેને પવિત્ર કરેલી છે.'" 24 અને મૂસાએ હારુનને અને તેના પુત્રોને અને સર્વ ઇઝરાયલીઓને આ પ્રમાણે કહી સંભળાવ્યું.


21:4 [1] પોતાની જાતને અશુદ્ધ કરવી તેમણે લગ્ન દ્વારા તેમને સંબંધિત લોકો માટે પોતાને અશુદ્ધ ન કરવી જોઈએ.
21:5 [2] વાંચો ૧૯:૨૭,૨૮

Chapter 22

અસ્વીકાર્ય બલિદાનો

1 યહોવાહે મૂસાને કહ્યું, 2 "હારુનને તથા તેના પુત્રોને આ કહે: ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓને તેઓ મારે સારુ અલગ કરે છે તેઓથી તેઓ દૂર રહે અને મારા પવિત્ર નામને અશુદ્ધ ન કરે. હું યહોવાહ છું. 3 તું તેઓને કહે કે, 'તમારો કોઈપણ વંશજ પોતે અશુદ્ધ હોય ત્યારે જે પવિત્ર વસ્તુઓ ઇઝરાયલીઓ યહોવાહને માટે અલગ કરે છે તેઓની પાસે જાય, તે માણસ મારી સંમુખથી અલગ કરાશે. હું યહોવાહ છું.

4 હારુનના વંશના જે કોઈને કુષ્ઠ રોગ થયો હોય અથવા સ્રાવ થયો હોય; તેણે શુદ્ધ થતાં સુધી યહોવાહના પવિત્ર અર્પણમાંથી કશું ખાવું નહિ, જો કોઈ અશુદ્ધ મૃતદેહને અડે અથવા જે પુરુષને વીર્ય સ્રવતું હોય તેને અડકે, 5 સર્પટિયાંનો કે મનાઈ કરેલી વસ્તુઓનો સ્પર્શ કરે અથવા કોઈ કારણસર અશુદ્ધ થયેલી વ્યક્તિને અડકે; 6 તો યાજક જે કંઈ અશુદ્ધ અડકે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય અને તે સ્નાન કરીને શુદ્ધ ન થાય ત્યાં સુધી તેણે પવિત્ર અર્પણમાંથી કશું ખાવું નહિ.

7 સૂર્યાસ્ત થયા પછી તે શુદ્ધ ગણાય અને ત્યારે તે પવિત્ર ખોરાક ખાઈ શકે, કારણ તે તેનો ખોરાક છે. 8 તેણે કુદરતી રીતે મૃત્યુ પામેલું કે જંગલી જાનવરે ફાડી નાખેલું પશુ ખાવું નહિ. જો તે ખાય તો અશુદ્ધ ગણાય. હું યહોવાહ છું.

9 તું યાજકોને કહે કે યાજકોએ મારા નિયમોનું પાલન કરવું: નહિ તો તેઓને પાપ લાગશે અને મારા નિયમોની અવગણના કરવા બદલ તેમણે મરવું પડશે. તેઓને પવિત્ર કરનાર યહોવાહ હું છું.

10 તે પવિત્ર વસ્તુઓમાંથી કોઈ યાજકના પરિવારના બહારના માણસે ખાવું નહિ. પછી ભલે તે યાજકનો મહેમાન હોય કે તેણે રાખેલો ચાકર હોય. 11 પણ જો કોઈ યાજક તેના પોતાના પૈસાથી ચાકરને ખરીદે તો તે તેમાંથી ખાય. યાજકનું કુટુંબ અને તેના ઘરમાં જન્મેલા પણ તે ખોરાકમાંથી ખાય.

12 જો યાજકની દીકરીના લગ્ન જે પુરુષ યાજક ન હોય તેની સાથે થયા હોય, તો તેણે પણ પવિત્ર અર્પણોમાંથી ખાવું નહિ. 13 પણ જો યાજકની દીકરી વિધવા હોય અથવા છૂટાછેડા આપેલી હોય, તેનું ભરણપોષણ કરવાને કોઈ પુત્ર ન હોય અને તે પોતાના પિતાના કુટુંબમાં પાછી આવી હોય, તો તે પોતાના પિતાના પવિત્ર અર્પણોમાંથી ખાવાનું ખાઈ શકે છે. આ સિવાય જેઓ યાજકોના કુટુંબમાં નથી તેઓએ આ અર્પણોમાંથી ખાવું નહિ.

14 જો કોઈ વ્યક્તિ અજાણતા આ પવિત્ર અર્પણોમાંથી ખાય તો, તેની કિંમતના વીસ ટકા ઉમેરીને યાજકને તે મૂલ્ય ભરપાઈ કરી આપે.

15 યાજકો ઇઝરાયલીઓની પવિત્ર વસ્તુઓ કે જે યહોવાહને તેઓ અર્પણ કરે છે, તેઓને અશુદ્ધ ન કરે. 16 અને એમ તેઓએ પવિત્ર અર્પણોને ખાઈને પોતાના પાપમાં વધારો ન કરવો અને તેને અપવિત્ર ન કરવું. તેઓને [1] શુદ્ધ કરનાર યહોવાહ હું છું.'"

17 યહોવાહે મૂસાને કહ્યું, 18 "તું હારુનને અને તેના પુત્રોને તથા સર્વ ઇઝરાયલના લોકોને કહે કે જો કોઈ ઇઝરાયલી અથવા તેઓની વચ્ચે રહેતો વિદેશી પોતે લીધેલા સંકલ્પો પૂરા કરવા માટે કે ઐચ્છિકાર્પણ માટે યહોવાહની આગળ દહનીયાર્પણ ચઢાવે, 19 તો તેઓએ પશુઓમાંનાં, ઘેટાંમાંથી, બકરામાંથી કે અન્યમાંથી એબરહિત ખોડખાંપણ વગરના નર ચઢાવવો એ માટે કે તેઓ માન્ય થાય.

20 પણ તમારે ખામીવાળું કોઈ પણ પશુ ચઢાવવું નહિ. તેને હું તમારા લાભમાં સ્વીકારીશ નહિ.

21 જો કોઈ વ્યક્તિ સંકલ્પો પૂરા કરવા અથવા ઐચ્છિકાર્પણ તરીકે યહોવાહ સમક્ષ શાંત્યર્પણ કરે તો તે પશુ બળદ અથવા ઘેટો હોય અને તે ખોડખાંપણ વગર હોય તો જ તે માન્ય થશે.

22 તમારે યહોવાહને અંધ, અપંગ, ઈજા પામેલ અંગવાળું, ખૂજલી કે ખરજવાવાળું કોઈ પશુ યહોવાહને ચઢાવવું નહિ, તેમ જ વેદી પર યહોવાહને સારુ હોમયજ્ઞ પણ કરવો નહિ. 23 જો કોઈ બળદ અથવા ઘેટું યહોવાહને અર્પણ કરવામાં આવે અને જો તેને વધારાના અંગો કે ઓછા અંગો હોય તેવાને ઐચ્છિકાર્પણ તરીકે અર્પણ કરવાની છૂટ છે પણ માનતાને સારુ તે માન્ય નહિ કરાય.

24 જે પશુના અંડકોશ છૂંદી, કચડી, ચીરી કે કાપી નાખવામાં આવ્યા હોય તેને તમારે યહોવાહને ચઢાવવું નહિ. તમારા દેશમાં એવાઓને ચઢાવવા નહિ. 25 અને જે પરદેશીઓ એવાં પશુઓને યહોવાહને માટે અર્પણ તરીકે લાવે, તો તમારે તેનો સ્વીકાર કરવો નહિ. કેમ કે તેઓની અંદર ખામી અને બગાડ [2] છે. હું તેને તમારા લાભમાં માન્ય કરીશ નહિ.'"

26 યહોવાહે મૂસાને કહ્યું, 27 "જ્યારે કોઈ વાછરડું, લવારું કે ઘેટું જન્મે ત્યારે સાત દિવસ સુધી તેને તેની મા પાસેથી કોઈએ લઈ લેવું નહિ. આઠમા દિવસે અને તે પછી તે યહોવાહને સારુ હોમયજ્ઞના અર્પણ તરીકે માન્ય થશે.

28 તે પશુ ગાય હોય કે ઘેટી તેને તથા તેના બચ્ચાંને બન્નેને એક જ દિવસે કાપવા નહિ. 29 જયારે તમે ઉપકારાર્થાર્પણનો યજ્ઞ યહોવાહને ચઢાવો ત્યારે તે એવી રીતે ચઢાવો કે તે માન્ય થાય. 30 તમારે તે જ દિવસે તે જમી લેવું. બીજા દિવસ સવાર સુધી તેમાંથી કંઈ રહેવા દેવું નહિ. હું યહોવાહ છું.

31 તમારે મારી સર્વ આજ્ઞાઓનું પાલન કરવું અને તેનો અમલ કરવો, કેમ કે હું યહોવાહ છું.

32 તમારે મારા પવિત્ર નામને ભ્રષ્ટ કરવું નહિ; બધા ઇઝરાયલીઓ મધ્યે હું પવિત્ર મનાઉં. તમને પવિત્ર કરનાર યહોવાહ હું છું. 33 હું તમને મિસરમાંથી તમારો ઈશ્વર થવા માટે લઈ આવ્યો. હું યહોવાહ છું.


22:16 [1] તેઓને લોકો અથવા અર્પણો
22:25 [2] ખામી અને બગાડ પશુઓના માલિકો જેઓ કનાની હતા તેઓ પશુઓના અંડકોશને છૂંદી નાખતા હતા. આ પ્રાણીઓ બલિદાન માટે યોગ્ય ન હતા

Chapter 23

ધાર્મિક તહેવારો

1 યહોવાહે મૂસાને કહ્યું, 2 "ઇઝરાયલીઓને તું કહે કે યહોવાહના પર્વો નીચે મુજબ છે, તમારે યહોવાહના પસંદ કરેલા ઉત્સવોએ પવિત્ર મેળાવડા કરવાનો ઢંઢેરો પિટાવવો.

વિશ્રામવાર

3 છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ સંપૂર્ણ વિશ્રામનો અને પવિત્ર મેળાવડાનો દિવસ છે. એ દિવસે કામ ન કરવું. તમારા સર્વ રહેઠાણોમાં તે યહોવાહનો વિશ્રામવાર છે.

પાસ્ખાપર્વ અને બેખમીરી રોટલીનું પર્વ

(ગણ. ૨૮:૧૬-૨૫)

4 પ્રતિવર્ષ યહોવાહના જે ઉત્સવો ઊજવવાના, મેળાવડા કરવા માટે ઢંઢેરો પિટાવવાના આ પવિત્ર ઉત્સવો છે તે આ છે. 5 પહેલા માસમાં, એટલે પહેલા માસના ચૌદમા દિવસે [1] સાંજે યહોવાહનું પાસ્ખાપર્વ છે. 6 એ માસના પંદરમાં દિવસે યહોવાહનું બેખમીરી રોટલીનું પર્વ છે. તમારે સાત દિવસ સુધી બેખમીરી રોટલી ખાવી.

7 પહેલા દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો. તેમાં કોઈ દૈનિક સાંસારિક કાર્ય કરવું નહિ. 8 પણ સાત દિવસ તમારે યહોવાહને હોમયજ્ઞ ચઢાવવો. સાતમા દિવસે પણ તમારે મેળાવડો કરવો. અને રોજના કામ કરવા નહિ.'"

પ્રથમ ફળનું પર્વ

(ગણ. ૨૮:૨૬-૩૧)

9 યહોવાહે મૂસાને કહ્યું, 10 "ઇઝરાયલીઓને કહે કે, 'જે દેશ હું તમને આપવાનો છું તેમાં તમે જાઓ અને પાક લણો ત્યારે તમારે પહેલા પાકની પ્રથમ ફળની પૂળી તમારે યાજક પાસે લાવવી. 11 યાજક વિશ્રામવારના બીજા દિવસે તે પૂળીને યહોવાહની આગળ ઉપર કરે કે જેથી તે તમારે સારુ માન્ય થાય.

12 જે દિવસે તમે પૂળી મને ચઢાવો તે દિવસે તમારે એક વર્ષનો ખોડખાંપણ વગરનો ઘેટો યહોવાહને દહનીયાર્પણ તરીકે ચઢાવવો. 13 અને તેને માટે ખાદ્યાર્પણ તરીકે તેલમાં મોહેલા સોળ વાટકા મેંદાનો લોટ લઈને સુવાસિત હોમયજ્ઞ યહોવાહને ચઢાવવો તથા પેયાર્પણ તરીકે એક લિટર દ્રાક્ષારસ લાવવો [2] . 14 તમે આ પ્રમાણે તમે ઈશ્વરને અર્પણો ચઢાવો નહિ ત્યાં સુધી એટલે કે તે અગાઉ તમારે નવા પાકમાંથી કશું ખાવું નહિ. તાજો પોંક, રોટલી કે લીલાં કણસલાં, આમાંનું કશું જ ખાવું નહિ. તમારી વંશપરંપરા તમારા સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ થાય.

કાપણીનું પર્વ (પચાસી પર્વ)

(ગણ. ૨૮:૨૬-૩૧)

15 વિશ્રામવાર પછીના દિવસથી તમે જે દિવસે પૂળીની ભેટ ચઢાવો તે દિવસથી પૂરા સાત અઠવાડિયાં ગણવાં. 16 સાતમા અઠવાડિયાં પછીના વિશ્રામવારે એટલે કે પચાસમા દિવસે, તમારે યહોવાહને નવા પાકમાંથી ખાદ્યાર્પણ કરવું.

17 તમારે તમારાં ઘરમાંથી ખમીર નાખીને બનાવેલી બે દશાંશ એફાહની સોળ વાટકા મેંદાની બે રોટલી લાવવી. એ યહોવાહને તમારા પાકના પ્રથમ ફળનું અર્પણ છે. 18 રોટલી ઉપરાંત યહોવાહને દહનીયાર્પણરૂપે તમારે એક વર્ષના ખામી વગરનાં ઘેટાંનાં સાત બચ્ચા, એક વાછરડું અને બે ઘેટાં અર્પણ કરવા. આ સર્વને અનુરૂપ ખાદ્યાર્પણ અને પેયાર્પણથી યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ થાય.

19 તમારે એક બકરો પાપાર્થાર્પણ તરીકે અને શાંત્યર્પણ તરીકે એક વર્ષના બે નર ઘેટાં પણ ચઢાવવા. 20 અને યાજક પ્રથમ ફળની રોટલી સાથે તેઓને તથા પેલા બે ઘેટાંને યહોવાહની સંમુખ અર્પણ કરે. તે પવિત્ર અર્પણ યાજકને સારુ યહોવાહને અર્પિત થાય. 21 એ જ દિવસે તમારે પવિત્ર મેળાવડાનો ઢંઢેરો પીટવો. તે દિવસે કોઈ સાંસારિક કામ કરવાં નહિ, તમે ગમે ત્યાં રહેતા હોય છતાં તમારા વંશજોને માટે એ સદાનો વિધિ થાય.

22 તમે જયારે પાક લણો, ત્યારે તમારે છેક ખેતરના ખૂણા સુધી પૂરેપૂરું કાપવું નહિ. તેમ જ તેમાંથી પડી રહેલો પાક વીણી લેવો નહિ. તમારે તેને ગરીબો તથા પરદેશીઓ માટે રહેવા દેવો. હું તમારો ઈશ્વર યહોવાહ છું.'"

રણશિંગડાનું પર્વ (નવા વર્ષનું પર્વ)

(ગણ. ૨૯:૧-૬)

23 યહોવાહે મૂસાને કહ્યું, 24 "ઇઝરાયલના લોકોને કહે કે સાતમા માસના પહેલા દિવસે તમારે પવિત્ર વિશ્રામ, રણશિંગસાદની યાદગીરી અને પવિત્ર મેળાવડો કરવો. 25 એ દિવસે તમારે રણશિંગડા વગાડવા અને પવિત્ર મેળાવડો કરવો. તમારે રોજનું કોઈ કામ કરવું નહિ, પરંતુ યહોવાહને હોમયજ્ઞ ચઢાવવો.'"

પ્રાયશ્વિત્તનો દિવસ

(ગણ. ૨૯:૭-૧૧)

26 પછી યહોવાહે મૂસાને કહ્યું, 27 "સાતમા માસનો દશમો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસે પવિત્ર મેળાવડો રાખવો. ઉપવાસ કરવો અને યહોવાહને હોમયજ્ઞ ચઢાવવો.

28 એ દિવસે તમારે કોઈ કામ કરવું નહિ, કેમ કે તે પ્રાયશ્ચિતનો દિવસ છે. તે દિવસે તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ તમારે પ્રાયશ્ચિત કરવું. 29 જે કોઈ તે દિવસે ઉપવાસ નહિ કરે તો તેને તેના લોકોમાંથી અલગ કરવામાં આવશે.

30 જે કોઈ આ દિવસે કોઈ પણ કામ કરશે તો હું યહોવાહ તેના લોકોમાંથી તેનો નાશ કરીશ. 31 તે દિવસે તમારે કોઈપણ પ્રકારનું કામ કરવું નહિ, તમારા રહેઠાણોમાં તમારા લોકોના વંશજો માટે એ સદાનો વિધિ થાય. 32 આ તો પવિત્ર વિશ્રામવારનો દિવસ છે, માટે તમે ઉપવાસ કરો અને આત્મકષ્ટ કરો. નવમા દિવસની સાંજથી પછીના દિવસની સાંજ સુધી તમારે વિશ્રામ પાળવો."

માંડવા પર્વ

(ગણ. ૨૯:૧૨-૪૦)

33 યહોવાહે મૂસાને કહ્યું, 34 "ઇઝરાયલના લોકોને એમ કહે કે, આ સાતમા મહિનાના પંદરમા દિવસે યહોવાહનું માંડવાપર્વ છે અને તે સાત દિવસ સુધી ચાલશે.

35 પ્રથમ દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો. તમારે એ દિવસે કોઈ કાર્ય કરવું નહિ. 36 પર્વના સાતેય દિવસ તમારે યહોવાહ સમક્ષ હોમયજ્ઞો અર્પણ કરવા. આઠમા દિવસે ફરીથી પવિત્ર મેળાવડો કરવો અને ફરીથી હોમયજ્ઞો અર્પણ કરવા. આ પછી પર્વની ઊજવણી પૂરી કરવી, આ દિવસે પણ તમારે કોઈ પણ સાંસારિક કામ કરવાં નહિ.

37 આ બધા યહોવાહના વાર્ષિક પર્વો છે. આ પર્વો પર પવિત્ર મેળાવડા યોજવા, એ દિવસો દરમ્યાન નક્કી કરેલા નિયમ મુજબ દહનીયાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ યહોવાહને અર્પણ કરવા. 38 યહોવાહના વિશ્રામવારો, તમારા દાન તથા તમારી સર્વ માનતાઓ તથા તમારા સર્વ ઐચ્છિકાર્પણો જે તમે યહોવાહને અર્પણ કરો છો તે ઉપરાંત એ છે.

39 તેમ છતાં સાતમા માસના પંદરમા દિવસે જમીનની ઊપજનો સંગ્રહ કરી રહ્યા બાદ તમારે યહોવાહને સારુ સાત દિવસ સુધી આ પર્વ ઊજવવું. પહેલો દિવસ અને આઠમો દિવસ પવિત્ર વિશ્રામ પાળવો.

40 પ્રથમ દિવસે તમારે વૃક્ષોના ઉત્તમ ફળ, ખજૂરીની ડાળીઓ, તથા ઘટાદાર વૃક્ષોના ડાળખાં અને નાળાંના વેલાઓ લઈને તમારે યહોવાહ તમારા ઈશ્વરની સંમુખ સાત દિવસ સુધી ઉત્સવ કરવો. 41 તમારે પ્રતિવર્ષ યહોવાહના માનમાં સાત દિવસ આ ઉત્સવ ઊજવવો. તમારા વંશજો માટે એ સદાનો વિધિ થાય. સાતમા માસમાં તમારે આ પર્વ પાળવું.

42 એ સાત દિવસો દરમિયાન તમારે માંડવાઓમાં રહેવું. ઇઝરાયલના સર્વ વતનીઓએ સાત દિવસ સુધી માંડવાઓમાં રહેવું. 43 જેથી તમારા વંશજોને, પેઢી દર પેઢી યાદ રહે કે હું તમને ઇઝરાયલીઓને મિસરમાંથી બહાર લઈ આવ્યો ત્યારે મેં તમને માંડવાઓમાં વસાવ્યા હતા. હું યહોવાહ તમારો ઈશ્વર છું.'" 44 મૂસાએ યહોવાહે મુકરર કરેલા પર્વો વિષે ઇઝરાયલીઓને કહી જણાવ્યું.


23:5 [1] પહેલા માસના ચૌદમા દિવસે ૧૬ માર્ચથી એપ્રિલ ૧૬ સુધી
23:13 [2] વાંચો: નિ. ૨૯:૪૦

Chapter 24

નિરંતર સળગતી બત્તી અંગેની વ્યવસ્થા

(નિ. ૨૭:૨૦-૨૧)

1 યહોવાહે મૂસાને કહ્યું, 2 ઇઝરાયલના લોકોને કહે કે, દીવીમાં અખંડ દીપ પ્રગટતો રાખવા માટે જૈતૂનનું શુદ્ધ તેલ લાવે.

3 સાક્ષ્યપેટીના પડદાની બહાર બાજુ મુલાકાતમંડપમાં યહોવાહની સંમુખ સાંજથી સવાર સુધી તે દીપ યહોવાહ સમક્ષ પ્રગટતો રહે તેની કાળજી હારુન રાખે. તે વંશપરંપરા તમારા માટે સદાનો વિધિ થાય. 4 મુખ્ય યાજકે હંમેશા શુદ્ધ સોનાની દીવી ઉપરના દીવા યહોવાહ સમક્ષ અંખડ પ્રગટતા રહે તે માટે કાળજી રાખવી.

ઈશ્વરને અર્પિત રોટલી

5 તમારે મેંદો લેવો અને તેની બાર રોટલી કરવી. દરેક રોટલી બે દશાંશ એફાહની હોય. 6 તમારે તે બાર રોટલી શુદ્ધ સોનાના બાજઠ ઉપર યહોવાહની સમક્ષ છ છની બે થપ્પીમાં ગોઠવવી.

7 તે બન્ને થપ્પી પર તમારે શુદ્ધ લોબાન મૂકવો, એ સારુ કે રોટલીને સારુ તે યાદગીરીરૂપ થાય. અને યહોવાહને સારુ હોમયજ્ઞ થાય. 8 પ્રતિ વિશ્રામવારે તે યહોવાહ સમક્ષ નિયમિત રાખે. અને ઇઝરાયલીઓ તરફથી એ સદાનો કરાર છે. 9 અને આ અર્પણ હારુન તથા તેના પુત્રોનું થાય. આ રોટલી તેઓ પવિત્ર જગ્યાએ ખાય. કેમ કે તે યહોવાહને ચઢાવાતા હોમયજ્ઞોમાંનો યાજકને મળતો પવિત્ર ભાગ છે."

ન્યાયી અને ઘટિત સજાનો નમૂનો

10 હવે એમ થયું કે, એક દિવસ ઇઝરાયલી સ્ત્રીનો દીકરો જેનો પિતા મિસરી હતો તે ઇઝરાયલના લોકો મધ્યે ફરવા નીકળ્યો. 11 ઇઝરાયલી સ્ત્રીના દીકરાએ યહોવાહના નામનું દુર્ભાષણ કરીને તેમને શાપ દીધો. તેથી લોકો તેને મૂસા પાસે લાવ્યા. તેની માતાનું નામ શલોમીથ હતું. તેની સમક્ષ રજૂ કરવામાં આવ્યો. તે દાનના કુળના દિબ્રીની પુત્રી હતી. 12 યહોવાહથી તેમની ઇચ્છા જણાવવામાં ન આવે ત્યાં સુધી તેઓએ તેને ચોકીમાં રાખ્યો.

13 પછી યહોવાહે મૂસાને કહ્યું, 14 "જે માણસે યહોવાહને શાપ આપ્યો છે તેને છાવણીથી બહાર લઈ જા. જેઓએ તેને બોલતા સાંભળ્યો હોય તે સર્વએ પોતાના હાથ તેના માથા પર મૂકવા. પછી બધા લોકો પથ્થરો મારીને તેને મારી નાખે.

15 ત્યારબાદ તું ઇઝરાયલીઓને કહે કે, 'જે કોઈ માણસ યહોવાહને શાપ આપે તેનું પાપ તેને માથે. 16 જે કોઈ યહોવાહના નામનું દુર્ભાષણ કરે તે નિશ્ચે માર્યો જાય. અને આખી જમાત તેને નિશ્ચે પથ્થરે મારે. પછી ભલે તે ઇઝરાયલનાં વતની હોય કે પરદેશી હોય. જો કોઈ યહોવાહના નામનું દુર્ભાષણ કરે તો તે નિશ્ચે માર્યો જાય.

17 અને જે કોઈ વ્યક્તિ બીજાની હત્યા કરે તો તેને મૃત્યુદંડ આપવો. 18 જે કોઈ બીજાના પશુને મારી નાખે તેણે તેનો બદલો ભરી આપવો, જીવના બદલે જીવ.

19 જો કોઈ વ્યક્તિ તેના પડોશીને ઈજા પહોંચાડે તો તેણે જે કર્યુ હોય તેવું જ તેને કરવું: 20 ભાંગવાને બદલે ભાંગવું, આંખને બદલે આંખ, દાંત બદલે દાંત. જેવી ઈજા તેણે કોઈ વ્યક્તિને કરી હોય તેવી જ ઈજા તેને કરવી. 21 જે કોઈ વ્યક્તિ કોઈ પશુને મારી નાખે તો તેણે બદલો ભરી આપવો. પણ જો કોઈ માણસને મારી નાખે તો તેને મૃત્યુદંડ આપવો.

22 જેમ વતનીઓને માટે તેમ જ પરદેશીને માટે એક જ પ્રકારનો કાયદો તમારે લાગુ કરવો. કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.'" 23 અને મૂસાએ ઇઝરાયલીઓને આ પ્રમાણે કહ્યું. પછી તેઓ યહોવાહને શાપ આપનાર માણસને છાવણી બહાર લાવ્યા. અને જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તે લોકોએ કર્યું.

Chapter 25

સાતમું વર્ષ:પવિત્ર વિશ્રામનો સાબ્બાથ

(પુન. ૧૫:૧-૧૧)

1 સિનાઈ પર્વત પર યહોવાહે મૂસાને કહ્યું, 2 "તું ઇઝરાયલી લોકોને આ કહે કે, 'જે દેશ હું તમને આપવાનો છું, તેમાં તમે પ્રવેશ કરો ત્યારે તે દેશ યહોવાહ માટે વિશ્રામવાર પાળે.

3 છ વર્ષ સુધી તમારે તમારા ખેતરોમાં વાવણી કરવી, છ વરસ સુધી તમારે દ્રાક્ષવાડીઓમાં કાપકૂપ કરવી અને ઊપજનો સંગ્રહ કરવો. 4 પરંતુ સાતમે વર્ષે દેશને માટે પવિત્ર વિશ્રામનો સાબ્બાથ, એટલે યહોવાહનો વિશ્રામવાર થાય. તારે તારા ખેતરમાં વાવણી કરવી નહિ અને તારી દ્રાક્ષવાડીમાં કાપકૂપ કરવી નહિ.

5 જમીન પર જે પોતાની જાતે ઊગી નીકળ્યું હોય તે તમારે કાપવું નહિ અથવા કાપકૂપ વગરની દ્રાક્ષની વાડીઓમાં જે દ્રાક્ષ બેસે તે તમારે લેવી નહિ. એ વર્ષ દેશને માટે પવિત્ર વિશ્રામનું વર્ષ થાય. 6 એ વિશ્રામના વર્ષમાં ખેડ્યા વગરની જમીનમાં આપોઆપ જે કંઈ ઊપજ થશે તે તમારો, તમારા દાસ, દાસીઓનો, તમારા મજૂરોનો અને તમારી મધ્યે વસતા પરદેશીઓનો તે ખોરાક થશે; 7 અને જમીનમાં જે કંઈ ઊપજ થશે તે તમારાં જાનવરોનો અને દેશના વન્ય જાનવરોનો પણ તે ખોરાક થશે.

છુટકારાના વર્ષ અંગે નિયમો

8 તમારે પોતાના માટે સાત વર્ષનાં સાત વિશ્રામ ગણવાં, એટલે કે સાત વાર સાત વર્ષ, એટલે ઓગણપચાસ વર્ષ. 9 પછી સાતમા માસના દશમે દિવસે એટલે કે પ્રાયશ્ચિતને દિવસે તમારે આખા દેશમાં મોટા સાદે ઘેટાંનું રણશિંગડુંં વગડાવવું.

10 અને પચાસમાં વર્ષને પવિત્ર જાહેર કરી દેશના બધા વતનીઓ માટે છુટકારાનો ઢંઢેરો પિટાવવો. તમારા માટે તે રણશિંગડાનું એટલે જ્યુબિલીનું વર્ષ [1] છે. અને તમારે દરેક જણે પોતપોતાના વતનમાં અને કુટુંબમાં પાછા આવવું.

11 એ પચાસમાંનું વર્ષ તમારા માટે ખાસ જ્યુબિલીનો વર્ષ થાય. એ વર્ષે તમારે કાંઈ વાવવું નહિ, અને પોતાની જાતે જે ઊગ્યું હોય તે ખાવું. તેમ જ કાપકૂપ કર્યા વિનાની દ્રાક્ષની વાડીમાંથી દ્રાક્ષ વીણી લેવી. 12 કારણ, એ તો જ્યુબિલી છે, તેને તમારે પવિત્ર ગણવી. એ વર્ષે ખેતરોમાં આપમેળે ઊગી નીકળેલો પાક તમારે ખાવો.

13 જ્યુબિલીના વર્ષે પ્રત્યેક વ્યક્તિએ પોતપોતાના વતનમાં પાછા જવું.

14 જો તમે તમારા પડોશીને જમીન વેચો કે ખરીદો તો તમારે એકબીજાને છેતરવા નહિ કે ખોટું કરવું નહિ.

15 જ્યુબિલી પછી વીતી ગયેલા વર્ષો પ્રમાણે તમારે તમારા પડોશી પાસેથી ખરીદી કરવી અને પાકના વર્ષોની ગણતરી પ્રમાણે તે તમને વેચાતું આપે. 16 જો વર્ષો વધારે બાકી હોય તો કિંમત વધારે ઠરાવવી અને ઓછા વર્ષ બાકી હોય તો કિંમત ઓછી ઠરાવવી, કેમ કે જે વેચાય છે તે જે પાક મળશે તેના ધોરણે તે આપે છે. 17 તમારે એકબીજાને છેતરવા નહિ કે ખોટું કરવું નહિ; પણ તેને બદલે તમારે તમારા ઈશ્વરનો ભય રાખવો. કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.

સાતમાં વર્ષ અંગેનો પ્રશ્ન:વાવણી વિષે

18 મારા વિધિઓ, મારા નિયમોનું પાલન કરશો અને તેનો અમલ કરશો તો તમે દેશમાં સુરક્ષિત રહેશો. 19 ભૂમિ મબલખ પાક આપશે અને તમે ધરાતાં સુધી ખાશો તેમ જ તમે સુરક્ષિત રહેશો.

20 તમે કહેશો કે, "જો સાતમા વર્ષે અમે વાવીએ નહિ અથવા ઊપજનો સંગ્રહ કરીએ નહિ તે વર્ષે અમે શું ખાઈએ?" 21 સાંભળો, છઠ્ઠા વર્ષે હું તમને ત્રણ વર્ષ ચાલે તેટલાં મબલખ પાકથી આશીર્વાદિત કરીશ. 22 તમે આઠમે વર્ષે વાવશો ત્યારે પણ તમે આગળના વર્ષના પાકમાંથી ખાતા હશો, નવમે વર્ષે તમે નવો પાક ઘરમાં લાવશો ત્યાં સુધી તમે છઠ્ઠા વર્ષના સંગ્રહ કરેલા પાકમાંથી ખાશો.

જમીનના વેચાણ અંગેના નિયમો

23 જમીન સદાને માટે નવા માલિકને વેચાય નહિ. કેમ કે જમીન મારી છે. તમે માત્ર પરદેશીઓ અને યાત્રીઓ તરીકે મારી જમીન પર રહો છો. 24 ખરીદ વેચાણમાં એક શરત એવી હોવી જ જોઈએ કે જમીનને વેચનાર માણસ ગમે ત્યારે તેને પાછી ખરીદી શકે છે. 25 જો તમારા ઇઝરાયલી ભાઈઓ ગરીબ થઈ જાય અને તેને કારણે જો તે તેની જમીનનો થોડો ભાગ વેચે, તો તેનો નજીકનો સંબંધી આવીને તેના ભાઈઓએ જે વેચી કાઢ્યું હોય તેને પાછી ખરીદી શકે છે.

26 તેની જમીન છોડાવવાને જો કોઈ નજીકનો સંબંધી ના હોય પણ તે સમૃદ્ધિ પામ્યો હોય અને તેને છોડાવવાની તેની પાસે સક્ષમતા હોય, 27 તો તેણે વેચાણ પછી વીતેલાં વર્ષો હિસાબમાં ગણવા અને જેને તેણે તે જમીન વેચી હોય તેને ભરપાઈ કરવું. અને તે જમીન તેને તે પાછી આપે. 28 પરંતુ જો તે જમીન પાછી લેવા સક્ષમ ન હોય તો જ્યુબિલીના વર્ષ સુધી જે માણસે તેને ખરીદી હોય તેની પાસે તે રહે. જ્યુબિલીના વર્ષે જે માણસે જમીન વેચેલી તેને એટલે તેના મૂળ માલિકને પાછી આપવામાં આવે.

29 જો કોઈ માણસ નગરમાંનું તેનું ઘર વેચે, તો વેચાણ પછી પૂરા એક વર્ષ સુધી તેને ફરીથી ખરીદી લેવાનો હક્ક રહે. 30 જો પૂરા એક વર્ષ દરમિયાન તે પાછું ખરીદી લેવામાં ના આવે તો તે ઘરની કાયમની માલિકી નવા માલિકની અને તેના વંશજોની થાય.

31 પણ જ્યુબિલી વર્ષમાં તે મૂળ માલિકને પાછું ન મળે, કોટ વગરનાં ગામડાનાં મકાનો જમીન જેવાં ગણાય, તે પાછાં ખરીદી લેવાનો હક્ક કાયમ રહે અને જુબિલી વર્ષમાં તો તે ઘરો મૂળ માલિકને પાછું મળવું જોઈએ. 32 તેમાં એક અપવાદ છે, લેવીના મકાનો કોટવાળાં નગરોમાં હોય તો પણ તેને ગમે ત્યારે છોડાવી શકાય.

33 જો કોઈ લેવી એવા શહેરમાં આવેલું પોતાનું મકાન પાછું ન ખરીદી લે, તો તે જ્યુબિલીના વર્ષમાં તેને પાછું મળી જાય; કારણ, લેવીઓનાં શહેરમાંનાં મકાન એ તેમની ઇઝરાયલમાંની સંપત્તિ છે. 34 પરંતુ લેવી પોતાના નગરોની આસપાસ આવેલી જમીન વેચી શકે નહિ, કારણ કે તે તેઓની કાયમી મિલકત છે.

ગરીબોને ધિરાણ વિષેના નિયમો

35 તમારા દેશનો કોઈ ભાઈ જો ગરીબ થઈ જાય અને પોતાનું ભરણપોષણ કરી શકે નહિ, તો તેને મદદ કરવી. તે પરદેશી અથવા પ્રવાસી તરીકે તમારી સાથે રહે. 36 તમારે તેની પાસેથી નફો કે વ્યાજ ન લેવું. પણ ઈશ્વરનો ભય રાખવો એ માટે કે તમારો ભાઈ તમારી સાથે રહે. 37 તમારે તમારા પૈસા તેને વ્યાજે ન આપવા. તેમ જ નફા સારુ તમારું અન્ન તેને ન આપવું. 38 તમને કનાનનો દેશ આપવા માટે અને તમારો ઈશ્વર થવા માટે તમને મિસરમાંથી બહાર લાવનાર હું તમારો ઈશ્વર યહોવાહ છું.

ચાકરો કે ગુલામોને છુટકારો આપવા અંગે

39 તમારા દેશનો જો કોઈ ભાઈ ગરીબાઈમાં આવી પડે અને પોતે તમને વેચાઈ જાય તો તમારે તેની પાસે ચાકર તરીકે કામ કરાવવું નહિ. 40 તેની સાથે નોકરીએ રાખેલ ચાકર જેવો વ્યવહાર કરવો. અને તે તમારી સાથે પ્રવાસી તરીકે રહે. તે જ્યુબિલીના વર્ષ સુધી તમારી ચાકરી કરશે. 41 પછી તે અને તેની સાથે તેના બાળકો પણ છૂટીને પોતાના ઘર અને પોતાના પિતાના વતનમાં તે પાછો જશે.

42 કેમ કે તેઓ મારા સેવકો છે જેઓને હું મિસરમાંથી બહાર કાઢી લાવ્યો હતો. તેઓને ગુલામની જેમ વેચવા નહિ. 43 તમારે નિર્દયતાથી તેઓ પર માલિકીપણું ન કરવું. પણ ઈશ્વરનો ભય રાખવો. 44 અને જે દાસ તથા દાસી તમે રાખો તે આસપાસની દેશજાતિઓમાંથી તમારે રાખવા.

45 વળી તમારી વચ્ચે રહેતા પરદેશીઓના સંતાનોને તથા તમારી સાથે રહેતા તેઓના કુટુંબો તેઓમાંથી તમારે ખરીદવા. અને તેઓ તમારી સંપત્તિ થાય. 46 તમે તે લોકોને તમારા વંશજોને વારસામાં આપી શકો છો, તેમ જ તમે તેમનો કાયમ માટે ચાકર તરીકે ઉપયોગ કરી શકો છો, પણ તમારા ઇઝરાયલી ભાઈઓ પાસે ગુલામોની જેમ મજૂરી કરાવવી નહિ.

47 જયારે કોઈ પરદેશી કે તમારી સાથે રહેતો પ્રવાસી ધનવાન થઈ જાય અને તમારો ઇઝરાયલી ભાઈ ગરીબ થયો હોય અને તે પોતાની જાતને તે માણસને વેચી દે, 48 તો તમારા ઇઝરાયલી ભાઈના વેચાયા પછી તેને પાછો ખરીદી લેવાય. તેના જ કુટુંબનો એક તેને ખરીદી લે.

49 તેના કાકા કે ભત્રીજા કે અન્ય કોઈ નજીકનો સંબંધી તેને પાછો ખરીદી લઈ શકે છે અથવા જો તે સમૃદ્ધ થયો હોય તો તે પોતે પોતાની જાતને છોડાવી શકે. 50 તેણે પોતાને ખરીદેલી વ્યક્તિ સાથે ગણતરી કરવી; તે વેચાયો હોય તે વર્ષથી માંડીને તે જ્યુબિલીના વર્ષ સુધી ગણે; અને તે વર્ષોની સંખ્યા પ્રમાણે તેના વેચાણનું મૂલ્ય થાય. ચાકરના દિવસો પ્રમાણે તે તેની સાથે રહે.

51 જો જ્યુબિલીને ઘણા વર્ષો બાકી હોય તો જેટલા પૈસાથી તે ખરીદાયો હોય તેમાંથી તે વ્યક્તિએ કિંમતનો ભાગ પાછો આપવો. અને એ વર્ષોની ગણતરી પર આધારિત હોય. 52 ઘણાં વર્ષો વીતી ગયાં હોય અને જ્યુબિલી વર્ષને થોડાં જ વર્ષ બાકી હોય, તો પોતાની જાતને વેચી જે નાણાં પ્રાપ્ત કર્યા હોય તેનો થોડો જ ભાગ તેણે પાછો આપવો.

53 વર્ષ દર વર્ષ તેની સાથે નોકરીએ રાખેલા ચાકરની જેમ વર્તન કરવું. અને તમારે તેના માલિકને તેની પાસે નિર્દયતાથી કામ લેવા દેવું જોઈએ નહિ. 54 જો જ્યુબિલી વર્ષના વચગાળાનાં વરસો દરમિયાન તેને પાછો ખરીદી લેવામાં ન આવ્યો હોય, તો તેને અને તેનાં બાળકોને જ્યુબિલીના વર્ષમાં છૂટાં કરી દેવાં, 55 કેમ કે, ઇઝરાયલીઓ મારા સેવકો છે; તેઓ મારા સેવકો છે જેઓને હું મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યો છું; હું યહોવાહ તમારો ઈશ્વર છું.'"


25:10 [1] જ્યુબિલીનું વર્ષ ઘેંટાનું શિંગડું

Chapter 26

આજ્ઞાધીનતાના આશીર્વાદ

(પુન. ૭:૧૨-૨૪; ૨૮:૧-૧૪)

1 "તમારે પોતાને માટે કોઈ મૂર્તિઓ બનાવવી નહિ, તેમ જ કોતરેલી પ્રતિમા, પથ્થરનો સ્તંભ ઊભા ન કરવા. અને પોતાને સારુ તમારા દેશમાં આકૃતિઓ કોતરી કાઢેલો કોઈ પથ્થર નમવા સારુ ઊભો કરશો નહિ, કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું. 2 તમારે મારા વિશ્રામવાર પાળવા અને મારા પવિત્રસ્થાનની પવિત્રતાને માન આપવું, હું યહોવાહ છું.

3 જો તમે મારા સર્વ નિયમો અને આજ્ઞાઓનું પાલન કરીને તેનો અમલ કરશો, 4 તો હું તમારા માટે નિયમિત ઋતુ પ્રમાણે વરસાદ મોકલીશ અને જમીન તમને પોતાની ઊપજ આપશે અને વૃક્ષો ફળ આપશે.

5 તમારે ત્યાં પુષ્કળ પાક ઊતરશે, વાવણીનો સમય આવે ત્યાં સુધી દ્રાક્ષ થયા કરશે અને લણવાનું કામ વાવણીના સમય સુધી ચાલશે, તમે ધરાતાં સુધી જમશો અને દેશમાં સુરક્ષિત રહેશો. 6 હું તમને દેશમાં શાંતિ આપીશ અને તમે રાત્રે નિર્ભય બનીને નિરાંતે સુઈ શકશો, હું દેશમાંથી હિંસક પશુઓને દૂર કરીશ અને તલવાર તમારા દેશમાં ચાલશે નહિ.

7 તમે તમારા દુશ્મનોને હાંકી કાઢશો અને તેઓ તમારી આગળ તલવારથી પડશે. 8 તમારામાંના પાંચ તે એકસોને નસાડી મૂકશે અને તમારામાંના એકસો તે દસહજારને નસાડશે. તમારા સર્વ શત્રુઓ તમારી આગળ તલવારથી પડશે.

9 હું તમારા તરફ કૃપાદ્રષ્ટિ રાખીશ, તમને સફળ કરીશ અને તમને વધારીશ. તમારી સાથે હું મારો કરાર સ્થાપિત કરીશ. 10 તમે લાંબા સમયથી સંગ્રહ કરી રાખેલું અનાજ ખાશો. નવો પાક તૈયાર થશે ત્યારે તેનો સંગ્રહ કરવા જૂનો પાક બહાર કાઢી નાખશો.

11 હું તમારી મધ્યે મારો મંડપ ઊભો કરાવીશ. અને હું તમારાથી કંટાળી જઈશ નહિ. 12 હું તમારી મધ્યે ચાલીશ. હું તમારો ઈશ્વર થઈશ અને તમે મારા લોક થશો. 13 તમને મિસર દેશમાંથી બહાર લાવનાર હું તમારો ઈશ્વર યહોવાહ છું. તમારી ચાકરીની ઝૂંસરી તોડી નાખીને મેં તમને ઉન્નત મસ્તકે ચાલતા કર્યા છે.

આજ્ઞાભંગની શિક્ષા

14 પરંતુ જો તમે મારું કહ્યું સાંભળશો નહિ અને મારી આ સર્વ આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશો, 15 તથા મારા વિધિઓને નકારવાનો નિર્ણય કરશો, મારા નિયમોની ઉપેક્ષા કરશો અને મારી પ્રત્યેક આજ્ઞાનું પાલન ન કરીને મારા કરારને તોડશો,

16 તો હું તમને આ પ્રમાણે સજા કરીશ, હું તમારા પર અત્યંત ત્રાસ વર્તાવીશ. હું તમારા પર એવા રોગો અને તાવ મોકલીશ કે જે તમને અંધ બનાવી દેશે અને તમારા હૃદય ઝૂર્યા કરશે. તમે તમારા બી વૃથા વાવશો. કારણ કે તે તમારો શત્રુ ખાશે. 17 હું મારું મુખ તમારી વિરુદ્ધ કરીશ અને તમારા શત્રુઓના હાથે હું તમારો પરાજય કરાવીશ. જેઓ તમારો દ્રેષ કરે છે તેઓ તમારા પર રાજ કરશે. અને કોઈ તમારી પાછળ નહિ પડયું હોય છતાં તમે નાસતા ફરશો.

18 અને તેમ છતાં જો તમે મારું નહિ સાંભળો તો હું તમને તમારા પાપો બદલ સાત ગણી વધુ સજા કરીશ. 19 હું તમારા સામર્થ્યનો ગર્વ તોડીશ. હું તમારા પર આકાશને લોખંડના જેવું અને ભૂમિને પિત્તળના જેવી કરીશ. 20 તમારી સામર્થ્ય વ્યર્થ જશે. કેમ કે તમારી જમીનમાં કોઈ ફસલ થશે નહિ અને તમારાં વૃક્ષોને ફળ પણ આવશે નહિ.

21 અને જો તમે મારી વિરુદ્ધ ચાલશો તથા મારું સાંભળશો નહિ તો હું તમારાં પાપોને કારણે સાતગણી વધુ આફતો ઉતારીશ. 22 પછી હું તમારી વિરુદ્ધ જંગલી જાનવરો છોડી મૂકીશ, જે તમારાં બાળકોને ફાડી ખાશે અને તમારાં પશુઓનો નાશ કરશે, પરિણામે તમારી સંખ્યા ઘટી જતા તમારા રસ્તાઓ ઉજ્જડ થઈ જશે.

23 આમ છતાં પણ જો તમે મારી શિક્ષા ગ્રહણ નહિ કરો અને મારી વિરુદ્ધ ચાલશો, 24 તો હું પણ તમારી વિરુદ્ધ ચાલીશ. હું પોતે તમને તમારાં પાપો માટે સાતગણી વધુ આકરી સજા કરીશ.

25 મારા કરાર ભંગનો બદલો લેવા હું તમારા પર તલવાર લાવીશ. તમે તમારા નગરોમાં એકઠાં થશો ત્યારે હું ત્યાં તમારી મધ્યે મરકી મોકલીશ; અને તમે શત્રુના સામર્થ્યથી હારી જશો. 26 જ્યારે હું તારા અનાજના પુરવઠાનો નાશ કરીશ ત્યારે દશ કુટુંબો માટે રોટલી શેકવા માટે ફક્ત એક ભઠ્ઠી પૂરતી થઈ પડશે; તેઓ તમને માપી તોલીને રોટલી વહેંચશે, અને તમે ખાશો પણ ધરાશો નહિ.

27 જો તમે મારું નહિ સાંભળો અને સતત મારી વિરુદ્ધ ચાલશો, 28 તો પછી હું ક્રોધે ભરાઈને તમારી વિરુદ્ધ ચાલીશ. અને હું તમારાં પાપોને લીધે તમને સાતગણી શિક્ષા કરીશ.

29 તમે તમારા પુત્રનું તેમ જ તમારી પુત્રીઓનું માંસ ખાશો. 30 અને હું તમારા ઉચ્ચસ્થાનો તોડી નાખીશ તેમ જ તમારી વેદીઓને કાપી નાખીશ અને તમારી મૂર્તિઓના ભંગાર પર હું તમારા મૃતદેહ નાખીશ. હું તમને તિરસ્કૃત કરી નાખીશ.

31 હું તમારા નગરોને વેરાન ખંડેર બનાવી દઈશ. તમારા પવિત્ર સ્થાનોનો વિનાશ કરીશ અને તમારા સુવાસિત અર્પણોનો અસ્વીકાર કરીશ. 32 હું તમારા દેશને એવો ઉજ્જડ કરી નાખીશ કે તમારા દુશ્મનો જે તેમાં વસશે તેઓ પણ તમારી દુર્દશા જોઈને વિસ્મિત બની જશે. 33 હું તમને અનેક દેશોમાં વેરવિખેર કરી નાખીશ, હું તલવાર લઈને તમારી પાછળ પડીશ અને તમારો દેશ ઉજ્જડ તથા વેરાન થઈ જશે. તેમ જ તમારા શહેરો ખંડેર થઈ જશે.

34 અને જયારે તમે શત્રુઓના દેશમાં રહેતા હશો તે વર્ષોમાં જમીન ઉજ્જડ પડી રહેશે અને તે તેનો વિશ્રામ ભોગવશે અને તે દેશ તેના વિશ્રામ વર્ષોનો આનંદ માણશે. 35 જ્યારે તમે ત્યાં વસતા હતા ત્યારે દરેક સાતમે વર્ષે તમે આપ્યો નહોતો તે વિશ્રામ હવે તે પ્રાપ્ત કરશે. 36 જે લોકો તમારામાંથી બચી જઈને શત્રુઓના દેશમાં દેશવટો ભોગવી રહ્યા હશે તેમને હું એવા ભયભીત કરીશ કે એક પાંદડુ પડવાનો અવાજ થતાં તેઓ જાણે મોત પાછળ પડયું હોય તેમ ભાગવા માંડશે અને કોઈ પાછળ પડયું ના હોવા છતાં તેઓ ઢળી પડશે.

37 વળી કોઈ પાછળ પડયું ના હોવા છતાં જાણે તલવાર પાછળ આવતી હોય તેમ તેઓ એકબીજા પર પડાપડી કરશે. અને શત્રુઓનો સામનો કરવાની શક્તિ પણ તેઓમાં રહેશે નહિ. 38 વિદેશી પ્રજાઓ વચ્ચે તમારો અંત આવશે અને તમારા શત્રુઓની ભૂમિ તમને ખાઈ જશે. 39 જેઓ શત્રુઓના દેશમાં બચી જશે તેઓ પોતાના અને પોતાના પિતૃઓનાં પાપોને કારણે ઝૂરી ઝૂરીને ક્ષય પામતા જશે.

40 મારી વિરુદ્ધ કરેલા પાપો તેઓએ કર્યા તેમાં તેઓનો અન્યાય અને તેઓના પિતૃઓના અન્યાય જો તેઓ કબૂલ કરશે અને એ પણ કબૂલ કરશે કે તેઓ મારી વિરુદ્ધ ચાલ્યા છે; 41 તેથી હું પણ તેઓની વિરુદ્ધ થયો છું અને તેઓને શત્રુઓના દેશમાં સોંપી દીધા. જો તેઓનું બેસુન્નત હૃદય નમ્ર થયું હશે ને જો તેઓ પોતાના પાપોની સજા કબૂલ કરશે તો, 42 હું યાકૂબ સાથેનો, ઇસહાક સાથેનો અને ઇબ્રાહિમ સાથેનો મારા કરારનું સ્મરણ કરીશ અને આ દેશનું પણ સ્મરણ કરીશ.

43 તેઓને દેશ છોડાવો પડશે; અને ભૂમિ જયાં સુધી ઉજ્જડ પડી રહેશે તેટલો સમય તે પોતાના વિશ્રામના વર્ષો માણશે, તેઓ પોતાના પાપોની શિક્ષા ભોગવશે કેમ કે તેઓએ મારા વિધિઓનો નકાર કર્યો છે અને મારા નિયમોથી કંટાળ્યા છે.

44 તેમ છતાં, તેઓ તેઓના શત્રુઓના દેશમાં હશે ત્યારે પણ હું તેમનો સંપૂર્ણ નાશ નહિ કરું. તેમનો પૂરેપૂરો ત્યાગ પણ નહિ કરું અને મારો જે કરાર તેઓની સાથે છે તેને હું નહિ તોડું, કારણ કે હું યહોવાહ તેઓનો ઈશ્વર છું. 45 પણ તેઓના પિતૃઓને કે જેઓને વિદેશીઓની નજર આગળથી મિસર દેશમાંથી હું કાઢી લાવ્યો એ માટે કે હું યહોવાહ તેઓનો ઈશ્વર થાઉં. તેઓની આગળ કરેલા મારા કરારને હું તેઓને લીધે સ્મરણ કરીશ. હું યહોવાહ છું."

46 જે નિયમો, વિધિઓ અને આજ્ઞાઓ પોતાની તથા ઇઝરાયલના લોકોની વચ્ચે યહોવાહે સિનાઈ પર્વત પર મૂસા મારફતે આપ્યા તે આ છે.

Chapter 27

દાનો કે ભેટ આપવા અંગેના નિયમો

1 યહોવાહે મૂસાની સાથે વાત કરીને કહ્યું, 2 "ઇઝરાયલના લોકોને કહે કે, 'જો કોઈ માણસ યહોવાહની આગળ ખાસ માનતા લે તો તારા નક્કી કરેલા મૂલ્ય પ્રમાણે તે લોકો યહોવાહને સારુ માન્ય થશે.

3 તારું નક્કી કરેલું મૂલ્ય આ પ્રમાણે થાય; વીસથી તે સાઠ વર્ષ સુધીની ઉંમરના નરને માટે તારું નક્કી કરેલું મૂલ્ય, પવિત્રસ્થાનના શેકેલ [1] પ્રમાણે પચાસ શેકેલ ચાંદી થાય. 4 તે જ ઉંમરની નારી માટે તેનું મૂલ્ય ત્રીસ શેકેલ થાય.

5 પાંચથી વીસ વર્ષની ઉંમરના નરની કિંમત વીસ શેકેલ અને નારીની કિંમત દસ શેકેલ ઠરાવવું. 6 એક મહિનાથી પાંચ વર્ષ સુધીના નરની કિંમત પાંચ શેકેલ ચાંદી અને નારીની કિંમત ત્રણ શેકેલ ચાંદી ઠરાવવું.

7 સાઠ વર્ષ અને તેની ઉપરની ઉંમરના નરની કિંમત પંદર શેકેલ અને નારીની કિંમત દસ શેકેલ ઠરાવવી. 8 પણ જો કોઈ વ્યક્તિ માનતા લે અને આ કિંમત ચૂકવી શકે તેમ ના હોય, તો તેણે તે વ્યક્તિને યાજક સમક્ષ રજૂ કરવી અને યાજકે તેની કિંમત માનતા લેનાર વ્યક્તિ ચૂકવી શકે તેટલી નક્કી કરવી.

9 જો કોઈની ઇચ્છા યહોવાહને પશુનું અર્પણ કરવાની હોય અને જો યહોવાહ તેને માન્ય કરે તો પછી એ પશુ સંપૂર્ણપણે તેનું જ રહેશે. 10 એ વ્યક્તિએ તેમાં ફેરબદલ કરવી નહિ. સારાને બદલે નરસું તથા નરસાને બદલે સારું બદલવું નહિ. તે પશુની બીજા પશુ સાથે અદલાબદલી કરવી નહિ. છતાં જો અદલાબદલી કરી હોય તો બન્ને પશુઓ પવિત્ર બની જાય અને તે યહોવાહના ગણાય.

11 પરંતુ માનતા લઈ અર્પણ કરવાનું પશુ જો અશુદ્ધ હશે તો યહોવાહ તેને માન્ય નહિ કરે. પછી તેણે તે પશુ યાજક પાસે લઈને જવું. 12 બજારની કિંમત પ્રમાણે યાજક તેની કિંમત નક્કી કરે, પછી પશુ સારું હોય કે ખરાબ યાજકે ઠરાવેલ કિંમત માન્ય રાખવી. 13 અને જો તે વ્યક્તિ તેને છોડાવવા ઇચ્છતો હોય તો તેણે તેની કિંમત કરતાં પાંચમો ભાગ વધુ ચૂકવવો.

14 જો કોઈ વ્યક્તિ પોતાનું ઘર યહોવાહને સારુ પવિત્ર થવાને માટે અર્પણ કરે, ત્યારે યાજક તેની જે કિંમત નક્કી કરે તે કાયમ રહે. 15 પણ જો અર્પણ કરનાર ઘરનો માલિક પોતાનું ઘર છોડાવવા ઇચ્છે તો તેણે કિંમત ઉપરાંત વધુ વીસ ટકા આપવા, જેથી મકાન પાછું તેની માલિકીનું થઈ જાય.

16 જો કોઈ વ્યક્તિ પોતાની માલિકીની જમીનનો અમુક ભાગ યહોવાહને અર્પણ કરે તો તેની કિંમત તેને રોપવા માટે જરૂરી બીજની રકમ સાથે રાખવામાં આવશે [2] , જેમ કે વીસ મણ [3] જવની જરૂર પડે તો તેનું મૂલ્ય પચાસ શેકેલ ચાંદી થાય.

17 જો કોઈ માણસ જ્યુબિલી વર્ષમાં પોતાનું ખેતર સ્વેચ્છાએ અર્પણ કરે તો તારા ઠરાવ્યા પ્રમાણે તેની કિંમત થાય. 18 પણ જો તે જ્યુબિલી વર્ષ પછી અર્પણ કરે તો યાજકે પછીના જ્યુબિલી વર્ષના જેટલા વર્ષ બાકી હોય તેના પ્રમાણમાં રોકડ કિંમત નક્કી કરવી અને તે આકડાં મુજબ કિંમત ઠરાવવી.

19 પરંતુ જો અર્પણ કરનાર ખેતર છોડાવવા માંગતો હોય તો તેણે ઠરાવેલી કિંમત કરતાં વીસ ટકા વધુ આપવા એટલે તે ખેતરની માલિકી ફરીથી તેની થાય. 20 પરંતુ જો તે જમીન નહિ છોડાવતાં બીજા કોઈને વેચી દે તો તેને તે કદી પાછું મળે નહિ. 21 પણ તેના બદલે જ્યારે જ્યુબિલી વર્ષમાં તે ખેતર છૂટે ત્યારે યહોવાહને સારુ અર્પિત ખેતર તરીકે તે યાજકોનું થાય.

22 જો કોઈ વ્યક્તિ પોતે ખરીદેલું ખેતર યહોવાહને અર્પણ કરે અને તે તેના કુટુંબની મિલકતનો ભાગ નથી, 23 તો પછી યાજકે બીજા જ્યુબિલી વર્ષને જેટલા વર્ષ બાકી હોય તેને આધારે તેની કિંમત ઠરાવવી અને તે વ્યક્તિએ નક્કી કરેલી કિંમત યહોવાહને તે જ દિવસે એક પવિત્ર વસ્તુ તરીકે અર્પણ કરવી.

24 જ્યુબિલી વર્ષે એ ખેતર તેના મૂળ માલિક, જેની પાસેથી તે ખરીદયું હોય એટલે જેના વતનનું તે હતું તેને પાછું મળે. 25 જે કિંમત તું ઠરાવે તે બધું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે ઠરાવવું. વીસ ગેરાહનો એક શેકેલ થાય [4] .

26 કોઈ પણ વ્યક્તિએ બળદ અથવા ઘેટાનાં પ્રથમજનિતને ઐચ્છિકાર્પણ તરીકે યહોવાહને ચઢાવવું નહિ, કારણ, એ તો યહોવાહનું જ છે; પછી ભલે તે કોઈ પણ બળદ કે ઘેટું હોય. 27 જો અશુદ્ધ પશુના પ્રથમજનિતને અર્પણ તરીકે લાવવામાં આવે, તો યાજક તેની કિંમત ઠરાવે તે ઉપરાંત વીસ ટકા વધુ તે માલિક આપે. જો તેનો માલિક તેને છોડાવવા માંગતો ન હોય તો યાજક નિર્ધારિત કરેલી કિંમતે તે પશુને બીજા કોઈને વેચી શકે છે.

28 પરંતુ યહોવાહને કરેલું કોઈ પણ અર્પણ પછી તે માણસ હોય, પશુ હોય અથવા વારસામાં મળેલું ખેતર હોય, તો તેને વેચી અથવા છોડાવી શકાય નહિ. કારણ તે યહોવાહને સારુ પરમપવિત્ર અર્પણ છે. 29 જેનું અર્પણ માણસોમાંથી થયેલું હોય તેને પાછો ખરીદી ન શકાય. તેને નિશ્ચે મારી નાખવો.

30 જમીનની ઊપજનો ઠરાવેલો દશમો ભાગ પછી તે ખેતરના અનાજનો હોય કે વૃક્ષનાં ફળોનો હોય તે યહોવાહનો ગણાય, તે યહોવાહને સારુ પવિત્ર છે. 31 જો કોઈ વ્યક્તિ આ અનાજ કે ફળનો દશમો ભાગ પાછો ખરીદવા ઇચ્છે તો તેની કિંમતમાં વીસ ટકા ઉમેરીને ચૂકવે.

32 જાનવરો તથા ઘેટાંબકરાંનો દશાંશ એટલે જે કોઈ લાકડી નીચે આવી જાય છે તેનો દશાંશ યહોવાહને સારુ પવિત્ર ગણાય. 33 પસંદ કરેલુ પશુ સારું છે કે ખરાબ તેની તપાસ તેણે ન કરવી. તેને એ પશુ બીજા પશુ સાથે અદલાબદલી ન કરવી. અને તેને જો બીજા પશુથી બદલવા માંગે, તો બન્ને પશુઓ યહોવાહના થાય. તે પશુને પાછું ખરીદી શકાય નહિ.'"

34 ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ મૂસાને યહોવાહે સિનાઈ પર્વત પર આપી હતી તે આ છે.


27:3 [1] પવિત્રસ્થાનના શેકેલ ૧ શેકેલ - ૬ કિલોગ્રામ, આ માપ યાજકો દ્વારા નક્કી કરાયેલ છે.
27:16 [2] તેની મૂલ્ય વાવણીમાંથી મળેલી બીજ જેટલી છે
27:16 [3] વીસ મણ ૩૦૦ કિલોગ્રામ
27:25 [4] વાંચો: નિ. ૩૦:૧૩