ગુજરાતી: Gujarati Unlocked Literal Bible

Updated ? hours ago # views See on DCS Draft Material

ગણના

લેખક

યહૂદી અને ખ્રિસ્તી સાર્વત્રિક પરંપરા મૂસાને ગણનાના પુસ્તકનો લેખક ગણે છે. આ પુસ્તકમાં ઘણા આંકડાઓ, વસ્તી ગણતરીઓ, કુળો અને યાજકોના આંકડાઓ તથા બીજી આંકડાકીય માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગણનાનું પુસ્તક 38 વર્ષનો ગાળો એટલે કે નિર્ગમન પછીના બીજા વર્ષથી લઈને એટલે કે જ્યારે તે પ્રજાએ સિનાઈ પર્વત પાસે છાવણી કરી હતી ત્યારથી લઈને નિર્ગમન પછીના ચાલીસમાં વર્ષ સુધી એટલે કે જ્યારે નવી પેઢી વચનના દેશમાં પ્રવેશવા તૈયાર હતી તે ગાળો આવરે છે. વધુમાં, આ પુસ્તક ફક્ત બીજા વર્ષની ઘટનાઓ તથા ચાલીસમાં વર્ષની ઘટનાઓની જ વિગતો આપે છે અને લોકોના લગભગ આડત્રીસ વર્ષના અરણ્યમાં ભટકવાના સમય વિષે કંઈ જ જણાવતું નથી.

લખાણનો સમય અને સ્થળ

લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 1446 થી 1405 વચ્ચેનો છે.

આ પુસ્તકની ઘટનાઓની શરૂઆત ઇઝરાયલીઓ મિસરમાંથી નીકળ્યા તેના બીજા વર્ષ બાદ થઈ કે જ્યારે તેઓએ સિનાઈ પર્વત પાસે છાવણી કરી હતી.

વાંચકવર્ગ

ગણનાનું પુસ્તક ઇઝરાયલી લોકોને તેઓની વચનના દેશ તરફની મુસાફરીનો અહેવાલ આપવા લખવામાં આવ્યું હતું, પણ તે બાઇબલના ભવિષ્યના વાંચકોને પણ યાદ કરાવે છે કે જ્યારે આપણે સ્વર્ગ તરફ મુસાફરી કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણી સાથે છે.

હેતુ

જ્યારે બીજી પેઢી વચનના દેશમાં પ્રવેશવા તૈયાર હતી (ગણના 33:2) ત્યારે મૂસાએ ગણનાનું પુસ્તક તે પેઢીને વિશ્વાસ દ્વારા ઈશ્વરના વચનનો દેશ લેવા ઉત્તેજન આપવા લખ્યું. ગણનાનું પુસ્તક ઈશ્વરનું આ રાષ્ટ્ર પ્રત્યેનું બિનશરતી વિશ્વાસુપણું પણ પ્રદર્શિત કરે છે. જ્યારે પ્રથમ પેઢી કરારના આશીર્વાદોને નકારે છે ત્યારે ઈશ્વર કરાર પ્રત્યે વિશ્વાસુ છે. તેઓની ફરિયાદો અને બળવો કર્યા છતાં, તેઓ હજુ પણ રાષ્ટ્રને આશીર્વાદ આપે છે અને દેશ આપવાનું વચન બીજી પેઢી માટે પરિપૂર્ણ કરે છે.

મુદ્રાલેખ

મુસાફરીઓ

રૂપરેખા વચનના દેશમાં જવા તૈયારી (1:1 - 10:10) લોકોના પવિત્રીકરણ માટે આજ્ઞાઓ (5:1 - 10:10) સિનાઈથી કાદેશ સુધીની મુસાફરી (10:11 - 12:16) બળવાને પરિણામે વિલંબ (13:1 - 20:13) કાદેશથી મોઆબના મેદાનો સુધી મુસાફરી (20:14 - 22:1) વચનનો દેશ પામવાની અપેક્ષા સાથે ઇઝરાયલ મોઆબ દેશમાં (22:2 - 32:42) વિવિધ બાબતો વિશેના પરિશિષ્ટો ( 33-36)

Chapter 1

પ્રભુએ દાનો કે ભેટ આપવા અંગેના નિયમો

1 સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાહે મૂસાની સાથે વાત કરી. ઇઝરાયલીઓ મિસર દેશમાંથી રવાના થયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે આ બન્યું. યહોવાહે મૂસાને કહ્યું કે, 2 "ઇઝરાયલપુત્રોના સમગ્ર કુળ પ્રમાણે તથા તેમના પિતાઓનાં કુટુંબ મુજબ તથા તેઓનાં નામ મુજબ દરેક પુરુષની ગણતરી કર. 3 જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉંમરના હોય અને ઇઝરાયલીપુત્રોમાંના જેટલા લડાઈમાં જવાને માટે લાયક હોય તેમની ગણતરી તેમનાં સૈન્ય મુજબ તું તથા હારુન કરો.

4 અને દરેક કુળમાંનો એક પુરુષ જે તેના કુળનો મુખ્ય હોય, તે કુળના આગેવાન તરીકે તમારી સાથે રહે. તેઓએ દરેકે પોતાના કુળના પુરુષોને લડાઈમાં આગેવાની આપવી. 5 તમારી સાથે લડાઈ કરનારા આગેવાનોનાં નામ નીચે મુજબ છે;

     રુબેનના કુળમાંથી શદેઉરનો દીકરો અલીસૂર. 6 શિમયોનના કુળમાંથી સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ.

7 યહૂદાના કુળમાંથી આમ્મીનાદાબનો દીકરો નાહશોન. 8 ઇસ્સાખારના કુળમાંથી સુઆરનો દીકરો નથાનએલ. 9 ઝબુલોનના કુળમાંથી હેલોનનો દીકરો અલિયાબ.

10 યૂસફના દીકરાઓમાં એફ્રાઇમના કુળમાંથી આમ્મીહૂદનો દીકરો અલિશામા. અને મનાશ્શાના કુળમાંથી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ. 11 બિન્યામીનના કુળમાંથી ગિદોનીનો દીકરો અબીદાન.

12 દાનનાં કુળમાંથી આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર. 13 આશેરના કુળમાંથી ઓક્રાનનો દીકરો પાગિયેલ. 14 ગાદના કુળમાંથી દુએલનો દીકરો એલિયાસાફ. 15 નફતાલીના કુળમાંથી એનાનનો દીકરો અહીરા."

16 જે લોકોને પસંદ કરાયા તેઓ એ પુરુષો હતા. તેઓ તેમના પૂર્વજોના કુટુંબના અધિપતિઓ હતા. તેઓ ઇઝરાયલ કુળના આગેવાનો [1] હતા.

17 જે પુરુષોનાં નામ અહીં આપેલાં છે, તેઓને મૂસાએ અને હારુને લીધા. 18 અને બીજા મહિનાના પ્રથમ દિવસે તેમણે સમગ્ર ઇઝરાયલના પુરુષોને એકત્ર કરી અને તેઓએ તેઓનાં કુટુંબો પ્રમાણે અને તેઓના પિતૃઓનાં કુળ અનુસાર વીસ વર્ષ કે તેથી વધારે વર્ષની ઉંમરના સર્વ પુરુષોનાં નામની વંશાવળીની યાદી કરી સંભળાવી. 19 જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ સિનાઈના અરણ્યમાં તેઓની ગણતરી કરી.

રૂબેનના કુળ

20 અને ઇઝરાયલના જયેષ્ઠ પુત્ર રુબેનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ તેઓના નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લશ્કરમાં જોડાવા શક્તિમાન હતા, 21 તેઓની ગણતરી રુબેનના કુળમાં છેંતાળીસ હજાર પાંચસો પુરુષોની થઈ.

શિમયોનના કુળ

22 શિમયોનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર પ્રમાણે, તેઓની ગણતરી થઈ. અને વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જોડાવા શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ માથાદીઠ ગણતરી થઈ. 23 તેઓની ગણતરી શિમયોનના કુળમાં ઓગણસાઠ હજાર ત્રણસો પુરુષોની થઈ.

ગાદના કુળ

24 ગાદના વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ. 25 તેઓની ગણતરી, ગાદના કુળમાં, પિસ્તાળીસ હજાર છસો પચાસ પુરુષોની થઈ.

યહૂદાના કુળ

26 યહૂદાના વંશમાં તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ તથા તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ 27 તેઓની ગણતરી યહૂદાના કુળમાં ચુંમોતેર હજાર છસો પુરુષોની થઈ.

ઇસ્સાખારના કુળ

28 ઇસ્સાખારનાં વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ 29 તેઓની ગણતરી ઇસ્સાખારના કુળમાં ચોપન હજાર ચારસો પુરુષોની થઈ.

ઝબુલોનના કુળ

30 ઝબુલોનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ 31 તેઓની ગણતરી ઝબુલોનના કુળમાં સતાવન હજાર ચારસો પુરુષોની થઈ.

યૂસફના પુત્ર એફ્રાઇમના કુળ

32 યૂસફના દીકરાઓના એટલે એફ્રાઇમના વંશમાં, તેઓના કુટુંબો તથા તેઓનાં પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા. તેઓનાં નામની સંખ્યા મુજબ 33 તેઓની ગણતરી એફ્રાઇમના કુળમાં ચાળીસ હજાર પાંચસો પુરુષોની થઈ.

યૂસફપુત્ર મનાશ્શાના કુળ

34 મનાશ્શાનાં વંશમાં તેઓના કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ 35 તેઓની ગણતરી મનાશ્શાના કુળમાં બત્રીસ હજાર બસો પુરુષોની થઈ.

બિન્યામીનના કુળ

36 બિન્યામીનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ. 37 તેઓની ગણતરી બિન્યામીનના કુળમાં પાંત્રીસ હજાર ચારસો પુરુષોની થઈ.

દાનના કુળ

38 દાનના વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘરની સંખ્યા મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ 39 દાનના કુળની ગણતરી બાસઠ હજાર સાતસોની થઈ.

આશેરના કુળ

40 આશેરના વંશમાં, તેઓના કુટુંબો તથા તેઓનાં પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓના નામની સંખ્યા મુજબ 41 તેઓની ગણતરી આશેરના કુળમાં, એક્તાળીસ હજાર પાંચસોની થઈ.

નફતાલીના કુળ

42 નફતાલીનાં વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ 43 તેઓની ગણતરી, નફતાલીના કુળમાં, ત્રેપન હજાર ચારસોની થઈ.

44 જેઓની ગણતરી મૂસા, હારુન તથા ઇઝરાયલીઓના અધિપતિ બાર પુરુષોએ કરી તેઓ એ છે. તેઓ ઇઝરાયલના બાર કુળના અધિપતિ હતા. 45 તેથી ઇઝરાયલીઓમાંના જે સર્વની ગણતરી તેઓનાં પિતાના ઘર મુજબ થઈ એટલે વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા. 46 તેઓની ગણતરી છ લાખ ત્રણ હજાર પાંચસો પચાસની હતી.

47 પણ તેઓ મધ્યે લેવીઓની તેઓના પિતાનાં કુળ મુજબ ગણતરી કરવામાં આવી નહિ. 48 કેમ કે યહોવાહે મૂસાને કહ્યું કે, 49 'તારે લેવીના કુળની ગણતરી કરવી નહિ અને ઇઝરાયલીઓમાં તેઓની કુલ સંખ્યા તારે નક્કી કરવી નહિ.'

50 તેના બદલામાં તું લેવીઓને કરારમંડપ પર તથા તેના બધા સામાન પર તથા તેને લગતી સઘળી બાબતો પર ઠરાવ; તેઓ મંડપને તથા તેના સર્વ સરસામાનને ઊંચકી લે; અને તેઓ તેની સંભાળ રાખે અને મંડપની ચારે બાજુ છાવણી કરે.

51 જ્યારે મંડપને બીજી જગ્યાએ લઈ જવાનો સમય થાય, ત્યારે લેવીઓએ તેને પાડવાનો અને ફરીથી ઊભો કરવાનો થાય, ત્યારે લેવીઓ તેને ઊભો કરે; અને એ કુળ સિવાયનો કોઈ અજાણ્યા પુરુષ નજીક આવે તો તે માર્યો જાય. 52 અને ઇઝરાયલપુત્રો, દરેક પુરુષ પોતપોતાની છાવણી પાસે અને દરેક પુરુષ પોતપોતાની ધજા પાસે પોતાનાં સૈન્ય પ્રમાણે પોતપોતાનો તંબુ ઊભો કરે.

53 જો કે, લેવીઓએ પવિત્રમંડપની આસપાસ જ પોતાની છાવણી નાખવી કે જેથી ઇઝરાયલના લોકો પર કંઈ કોપ ન આવે; અને લેવીઓ સાક્ષ્યોના મંડપની સંભાળ રાખે. 54 ઇઝરાયલના લોકોએ એ પ્રમાણે કર્યું; યહોવાહે મૂસાની મારફતે જે સર્વ આજ્ઞા આપી હતી, તે મુજબ તેઓએ કર્યું.


1:16 [1] ૧,૦૦૦ લોકોના અધિપતિ

Chapter 2

છાવણીમાં કુળો પ્રમાણે પડાવ

1 યહોવાહ ફરીથી મૂસા તથા હારુનને કહ્યું કે, 2 "ઇઝરાયલપુત્રોમાંનો દરેક પુરુષ પોતાના સૈન્યના જૂથનાં નિશાન સાથે પોતાની અલગ ધજાની પાસે છાવણી કરે. મુલાકાતમંડપ સામે બાજુ તેઓ છાવણી કરે.

પૂર્વના કુળો

3 યહૂદાની છાવણીની ધજાવાળા પોતાનાં સૈન્યો મુજબ પૂર્વ તરફ છાવણી કરે, અને આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન થાય. 4 યહૂદાના સૈન્યમાં ચુંમોતેર હજાર છસો પુરુષો હતા.

5 તેના પછી ઇસ્સાખારનું કુળ છાવણી કરે; સુઆરનો દીકરો નથાનએલ ઇસ્સાખારના દીકરાઓનો અધિપતિ થાય. 6 તેના સૈન્યમાં એટલે તેમાંના જેઓની ગણતરી થઈ છે તેઓ ચોપન હજાર ચારસો પુરુષો હતા.

7 ઝબુલોનનું કુળ ઇસ્સાખારની બાજુમાં છાવણી કરે. હેલોનનો દીકરો અલિયાબ તે ઝબુલોનના દીકરાઓનો અધિપતિ થાય.

8 તેના સૈન્યમાં તેઓમાંના જેઓની ગણતરી થઈ છે તેઓ સતાવન હજાર પુરુષો હતા.

9 યહૂદાની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ, પોતાના સૈન્યો મુજબ એક લાખ છયાસી હજાર ચારસો પુરુષો હતા. તેઓ છાવણીમાંથી પ્રથમ ચાલી નીકળે.

દક્ષિણના કુળો

10 રુબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્યો મુજબ દક્ષિણની બાજુએ રહે. અને શદેઉરનો દીકરો અલીસૂર તે રુબેનના સૈન્યની આગેવાની કરે. 11 રુબેનના સૈન્યમાં છેંતાળીસ હજાર પાંચસો પુરુષો હતા.

12 તેની પાસે શિમયોનનું કુળ છાવણી કરે અને સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ તે શિમયોનના સૈન્યનો અધિપતિ થાય. 13 શિમયોનના સૈન્યમાં ઓગણસાઠ હજાર ત્રણસો પુરુષો હતા.

14 તે પછી ગાદનું કુળ. રેઉએલનો દીકરો એલિયાસાફ તે ગાદના સૈન્યનો આગેવાન થાય. 15 ગાદના સૈન્યમાં પિસ્તાળીસ હજાર છસો પચાસ પુરુષો હતા.

16 રુબેનની છાવણી પાસે બધા સૈન્ય મળીને કુલ એક લાખ એકાવન હજાર ચારસો પચાસ પુરુષો છાવણી કરે. તેઓ છાવણીમાંથી બીજે ક્રમે કૂચ કરે.

વચ્ચેના કુળો

17 એ પછી, છાવણીઓની વચ્ચેની લેવીઓની છાવણી સાથે મુલાકાતમંડપ બહાર આવે. જેમ તેઓ છાવણીમાં રહે છે તેમ તેઓ પોતપોતાની જગ્યાએ પોતાની ધજા પાસે રહીને બહાર ચાલે.

પશ્ચિમના કુળો

18 એફ્રાઇમની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ પશ્ચિમ બાજુએ રહે. અને આમ્મીહૂદનો દીકરો અલિશામા તે એફ્રાઇમના દીકરાઓનો આગેવાન થાય. 19 એફ્રાઇમના સૈન્યમાં ચાળીસ હજાર પાંચસો પુરુષો હતા.

20 તેની પાસે મનાશ્શાનું કુળ રહે. અને પદાહસૂરનો પુત્ર ગમાલ્યેલ તે મનાશ્શાના દીકરાઓનો આગેવાન થાય. 21 મનાશ્શાના સૈન્યમાં બત્રીસ હજાર બસો પુરુષો હતા.

22 તે પછી બિન્યામીનનું કુળ; અને ગિદિયોનનો પુત્ર અબીદાન તે બિન્યામીનના દીકરાઓનો આગેવાન થાય. 23 મનાશ્શાના સૈન્યમાં પાંત્રીસ હજાર ચારસો પુરુષો હતા.

24 એફ્રાઇમની છાવણીમાં જે બધાની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો મુજબ, એક લાખ આઠ હજાર એકસો હતા. તેઓ ત્રીજા ક્રમે કૂચ કરે.

ઉત્તરના કુળો

25 દાનની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ઉત્તર બાજુએ રહે. અને આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર તે દાનના દીકરાઓનો આગેવાન થાય. 26 દાનના સૈન્યમાં બાસઠ હજાર સાતસો પુરુષો હતા.

27 તેની પાસે આશેરનું કુળ છાવણી કરે. અને ઓક્રાનનો દીકરો પાગિયેલ તેનો આગેવાન થાય. 28 આશેરના સૈન્યમાં એકતાળીસ હજાર પાંચસો પુરુષો હતા.

29 તે પછી નફતાલીનું કુળ. અને એનાનનો દીકરો અહીરા તે નફતાલીના દીકરાઓનો આગેવાન થાય. 30 નફતાલીના સૈન્યમાં ત્રેપન હજાર ચારસો પુરુષો હતા.

31 દાનની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ એક લાખ સતાવન હજાર છસો હતા. તેઓ પોતાની ધજા સાથે પાછળ ચાલી નીકળે.

32 મૂસા અને હારુને પોતાનાં પૂર્વજોનાં કુળો મુજબ ગણતરી કરી તેઓમાં ઇઝરાયલપુત્રોના સૈન્યમાં છ લાખ ત્રણ હજાર પાંચસો પચાસ પુરુષો હતા. 33 જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસા અને હારુને ઇઝરાયલપુત્રોમાંના લેવીઓની ગણતરી કરી નહિ.

34 યહોવાહે મૂસાને જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે મુજબ ઇઝરાયલના લોકોએ કર્યું. તેઓએ પોતપોતાની ધજાઓ પાસે છાવણી કરી. અને તે જ પ્રમાણે તેઓ પ્રત્યેક પોતપોતાના કુટુંબ સાથે પોતપોતાનાં ઘર પ્રમાણે કૂચ આરંભી.

Chapter 3

હારુનના પુત્રો

1 સિનાઈ પર્વત પર યહોવાહ મૂસા સાથે બોલ્યા ત્યારે હારુન અને મૂસાની વંશાવળી આ પ્રમાણે હતી. 2 હારુનના દીકરાઓનાં નામ આ મુજબ હતાં; જ્યેષ્ઠ દીકરાનું નામ નાદાબ, તથા અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.

3 હારુનના દીકરાઓ જેઓને યાજક તરીકે અભિષિક્ત કરવામાં આવ્યા અને તેઓને યાજકની પદવીમાં સેવા કરવાને જુદા કરવામાં આવ્યા તેઓનાં નામ એ હતાં. 4 પરંતુ નાદાબ અને અબીહૂ યહોવાહની આગળ સિનાઈના અરણ્યમાં પારકો અગ્નિ ચઢાવવાથી યહોવાહની આગળ માર્યા ગયા. તેથી તેઓ સિનાઈના રણમાં જ મૃત્યુ પામ્યા. તેઓ નિ:સંતાન હતા. અને એલાઝાર અને ઈથામાર પોતાના પિતા હારુનના જીવનકાળ દરમ્યાન યાજકપદમાં સેવાઓ બજાવતા હતા.

લેવીઓને યાજકો તરીકે નીમવું

5 યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે, 6 લેવીના કુળને પાસે લાવ અને તેઓને યાજક હારુનની આગળ ઊભા કર કે, તેઓ તેની સેવા કરે.

7 તેઓએ તેની અને મુલાકાતમંડપની આખી જમાતની સંભાળ રાખે અને મંડપને લગતી ફરજો બજાવવાની છે. 8 અને તેઓ મુલાકાતમંડપની, સરસામાનની અને ઇઝરાયલપુત્રોની સંભાળ રાખતાં મંડપને લગતી ફરજો બજાવે.

9 અને તું હારુનના તથા તેના દીકરાઓના હવાલામાં લેવીઓને સોંપી દે કારણ કે, ઇઝરાયલના લોકો વતી તેઓ તેને સેવા માટે અપાયેલા છે. 10 અને તારે હારુનને અને તેના દીકરાઓને યાજકની ફરજો બજાવવા નિયુક્ત કરવા. જો કોઈ પરદેશી એ ફરજ બજાવવા જાય તો તે માર્યો જાય."

11 પછી યહોવાહે મૂસાને કહ્યું કે, 12 ઇઝરાયલપુત્રોના સર્વ પ્રથમજનિત એટલે ગર્ભ ઊઘાડનારને બદલે, તેઓમાંથી મેં લેવીઓનો સ્વીકાર કર્યો છે. અને લેવીઓ મારા થશે. 13 કેમ કે, સર્વ પ્રથમજનિત મારા જ છે; જ્યારે મેં મિસરના બધા પ્રથમજનિતને મારી નાખ્યા હતા તે દિવસે મેં ઇઝરાયલપુત્રોના સર્વ પ્રથમજનિત પુરુષો અને જાનવરોને મારે સારુ પવિત્ર કર્યા, તેઓ મારા જ થશે. હું યહોવાહ છું."

લેવીઓની વસ્તી ગણતરી

14 સિનાઈના અરણ્યમાં યહોવાહે મૂસાને કહ્યું કે, 15 લેવીના દીકરાઓની, તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે ગણતરી કર. એક મહિનો અને તેથી વધારે ઉંમરના સર્વ પુરુષોની ગણતરી કર." 16 એટલે યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ તેઓની ગણતરી કરી.

17 લેવીના દીકરાઓનાં નામ આ મુજબ છે; ગેર્શોન, કહાથ, અને મરારી. 18 ગેર્શોનના દીકરાઓના નામ તેઓના કુળ મુજબ, લિબ્ની તથા શિમઈ છે. 19 કહાથના દીકરા, તેમના કુટુંબો મુજબ; આમ્રામ તથા યિસ્હાર, હેબ્રોન તથા ઉઝિયેલ. 20 મરારીના દીકરા તેઓના કુટુંબો મુજબ, માહલી તથા મુશી છે. લેવીઓનાં કુટુંબો, તેઓનાં પિતાનાં ઘર મુજબ એ છે.

21 ગેર્શોનથી લિબ્નીઓનું કુટુંબ અને શિમઈઓનું કુટુંબ થયા. એ ગેર્શોનીઓના કુટુંબો છે. 22 તેઓમાંના જેઓની ગણતરી થઈ એટલે તેઓમાંના એક મહિનાના અને તેથી વધારે ઉંમરના સઘળા પુરુષોની ગણતરી થઈ, તેઓની સંખ્યા સાત હજાર પાંચસોની હતી. 23 મંડપની પાછળ પશ્ચિમ દિશામાં ગેર્શોનીઓનાં કુટુંબો છાવણી કરે.

24 અને લાએલનો દીકરો એલિયાસાફ તે ગેર્શોનીઓના પિતાનાં ઘરનો આગેવાન થાય. 25 અને ગેર્શોનનું કુટુંબ મુલાકાતમંડપના પડદા એની અંદરનું આવરણ, બહારનું આવરણ, મુલાકાતમંડપના દ્વારના પડદાની સંભાળ રાખે. 26 તેઓ આંગણાના પડદા અને મંડપની પાસે અને વેદીની આસપાસના આંગણાના દ્વારનાં પડદાઓની સંભાળ રાખે. તેના બધા કામ માટે તેની દોરીઓ એ બધાની સંભાળ ગેર્શોનના દીકરાઓ રાખે.

27 અને કહાથથી આમ્રામીઓનું કુટુંબ, ઈસહારીઓનું કુટુંબ, હેબ્રોનીઓનું કુટુંબ અને ઉઝિયેલીઓનું કુટુંબ થયાં; કહાથીઓનાં કુટુંબો એ હતાં. 28 એક મહિનાના અને તેથી વધારે ઉંમરના પુરુષોની સંખ્યા આઠ હજાર છસો પુરુષોની હતી અને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખનારા હતા. 29 કહાથના દીકરાઓનાં કુટુંબો મંડપની પાસે દક્ષિણ બાજુએ છાવણી કરે.

30 ઉઝિયેલનો દીકરો અલિસાફાન તે કહાથીઓનાં કુટુંબોના પિતાના ઘરનો આગેવાન થાય. 31 તે લોકોએ પવિત્ર કોશની, મેજની, દીપવૃક્ષ અને વેદીઓની, પવિત્રસ્થાનની સેવા કરવાની સામગ્રી તથા ગર્ભગૃહ આગળના પડદાની તથા એ સર્વ કામકાજની સંભાળ રાખવી. 32 અને હારુન યાજકનો દીકરો એલાઝાર લેવીઓના અધિપતિઓનો આગેવાન થાય. પવિત્રસ્થાનની સંભાળ રાખનારાઓની તે દેખરેખ રાખે.

33 મરારીથી માહલીઓનું કુટુંબ તથા મુશીઓનું કુટુંબો થયાં; મરારીનાં કુટુંબો એ છે. 34 અને તેઓમાંના એક મહિના અને તેથી વધારે ઉંમરના પુરુષોની ગણતરી થઈ તેઓની સંખ્યા છ હજાર બસો પુરુષોની હતી. 35 અને અબિહાઈલનો દીકરો સૂરીએલ તે મરારીનાં કુટુંબોના પિતાના ઘરનો આગેવાન હતો. તેઓ ઉત્તર બાજુએ મંડપની પાસે છાવણી કરે.

36 અને મંડપનાં પાટિયાં, તેની ભૂંગળો, સ્તંભો, કૂંભીઓ તથા તેનાં સર્વ ઓજારો તથા તેને લગતાં સર્વ કામ 37 તદુપરાંત આંગણાની આસપાસના સ્તંભો, કૂંભીઓ, ખીલીઓ અને દોરીઓને લગતાં સર્વ કામની સંભાળ મરારીના દીકરાઓ રાખે.

38 મૂસા, હારુન અને તેના દીકરા મંડપની સામે પૂર્વ દિશામાં, મુલાકાતમંડપની સામે પૂર્વ બાજુએ છાવણી કરે અને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખે, એટલે ઇઝરાયલીઓ માટે તેની સંભાળ રાખે. અને જો કોઈ પરદેશી પાસે આવે તો તે માર્યો જાય. 39 લેવીઓમાંના જે સર્વની ગણતરી થઈ, જેઓને મૂસાએ અને હારુને યહોવાહની આજ્ઞા અનુસાર ગણ્યા તેઓ, એટલે એક મહિનાના અને તેની ઉપરની ઉંમરના લેવી પુરુષો પોતાના કુટુંબ મુજબ બાવીસ હજાર હતા.

લેવીઓ ઇઝરાયલના પ્રથમજનિત પુરુષો

40 યહોવાહે મૂસાને કહ્યું, "એક મહિનાથી ઉપરની ઉંમરના બધા પ્રથમજનિત ઇઝરાયલી પુરુષોની ગણતરી કર અને તેમનાં નામોની સંખ્યા ગણ. 41 અને ઇઝરાયલના સર્વ પ્રથમજનિત પુરુષોને બદલે તું મારે માટે લેવીઓને લે. હું યહોવાહ છું, અને ઇઝરાયલીઓના જાનવરો મધ્યે સર્વ પ્રથમજનિતને બદલામાં લેવીઓનાં જાનવરો લે."

42 અને જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ તેણે સર્વ ઇઝરાયલીઓના પ્રથમજનિતની ગણતરી કરી. 43 અને સર્વ પ્રથમજનિત પુરુષોની ગણતરી કરી, એક મહિનાથી ઉપરના નામોની સંખ્યા પ્રમાણે ગણતાં બાવીસ હજાર બસો તોંતેરની થઈ.

44 ત્યાર પછી, યહોવાહે મૂસાને કહ્યું કે, 45 ઇઝરાયલ પ્રજામાં સર્વ પ્રથમજનિતના બદલામાં લેવીઓને લે. તેઓનાં જાનવરોને બદલે લેવીઓનાં જાનવરો લે. અને લેવીઓ મારા થશે, હું યહોવાહ છું.

46 અને ઇઝરાયલમાં લેવીઓ ઉપરાંત, જે બસો તોંતેર પ્રથમજનિતને ખંડી લેવાના છે. 47 તે દરેકને વાસ્તે, માથાદીઠ પાંચ શેકેલ લે. પવિત્રસ્થાનના શેકેલ એટલે વીસ ગેરાહના શેકેલ મુજબ તું લે. 48 અને તે ઉપરાંત નાની સંખ્યાની ખંડણીનાં જે નાણાં આવે તે તું હારુન તથા તેના દીકરાઓને આપ.

49 જેઓ લેવીઓને બદલે ખરીદી લેવાયા હતા, તેઓ ઉપરાંત મુક્તિ મૂલ્યનાં ઓછા નાણાં મૂસાએ તેઓની પાસેથી લીધાં; 50 ઇઝરાયલના પ્રથમજનિત પાસેથી મૂસાએ તે નાણાં લીધાં; એટલે પવિત્રસ્થાનના શેકેલ મુજબ એક હજાર ત્રણસો પાંસઠ શેકેલ. 51 અને મૂસાએ યહોવાહના કહ્યા મુજબ તથા યહોવાહે તેને આજ્ઞા કરી હતી તે મુજબ ખંડણીનાં નાણાં હારુનને અને તેના દીકરાઓને આપ્યા.

Chapter 4

લેવીકુળના કહાથના ગોત્રને સોંપાયેલી ફરજ

1 યહોવાહે મૂસા અને હારુનને કહ્યું, 2 લેવીના દીકરાઓમાંથી કહાથના દીકરાઓની ગણતરી તેઓના કુટુંબો મુજબ તથા તેઓના પિતાઓના ઘર મુજબ કરો. 3 ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના બધા પુરુષો મુલાકાતમંડપનું કામ કરવા માટે સેવકપદમાં દાખલ થાય છે. તે સર્વની ગણતરી કરો. 4 મુલાકાતમંડપમાં પરમપવિત્ર વસ્તુઓના સંબંધમાં કહાથના દીકરાઓનું કામ આ છે.

5 જ્યારે છાવણીનો મુકામ ઉપાડવાનો સમય આવે ત્યારે હારુન અને તેના દીકરાઓએ અંદર જઈને પવિત્ર કરારકોશ આગળનો પડદો ઉતારી લઈને તેનાથી સાક્ષ્યકોશને ઢાંકી દેવો. 6 તે પર તેઓ સમુદ્ર ગાયના ચામડાનું આવરણ [1] કરે અને તેને નીલ રંગનાં વસ્ત્રોથી ઢાંકે અને પવિત્રકોશને ઉપાડવાના દાંડા તેની કડીઓમાં નાખે.

7 પછી તેઓએ અર્પેલી રોટલીની મેજ પર નીલ રંગનું વસ્ત્ર પાથરી દેવું, અને તેના પર થાળીઓ, ચમચા, તર્પણને માટે વાટકા મૂકવા; નિત્યની રોટલી તેના પર રહે. 8 તેના પર કિરમજી રંગનું વસ્ત્ર પાથરવું. અને સીલના ચામડાના આવરણથી તેને ઢાંકી દઈને તેને ઊચકવા માટેના દાંડા તેમાં નાખવા.

9 અને તેઓએ નીલ રંગનું વસ્ત્ર લઈને તેના વડે દીપવૃક્ષ, દીવાઓ, ચીપિયા, તાસકો અને દીવામાં વપરાતા તેલપાત્રોને ઢાંકે. 10 તે પછી આ સર્વ સામગ્રી સીલનાં ચામડાંનાં આવરણમાં નાખીને પાટિયા પર મૂકે. 11 પછી તેઓએ સોનાની વેદી નીલ રંગના વસ્ત્રોથી ઢાંકવી અને સીલના ચામડાના આવરણથી તેને ઢાંકે દઈને તેને ઊચકવાના દાંડાં તેમાં નાખે.

12 પછી તેઓ સેવાની સર્વ સામગ્રી કે જે વડે તેઓ પવિત્રસ્થાનમાં સેવા કરે છે તે લે અને નીલ રંગનાં વસ્ત્રોમાં તે મૂકે. અને સીલનાં ચામડાંનું આવરણ કરીને ભૂંગળ તે પર મૂકે. 13 અને તેઓએ વેદી પરથી રાખ કાઢી નાખવી અને તેના પર જાંબુડિયા રંગનું વસ્ત્ર ઢાંકવું. 14 અને તેના પર તેઓ તેને માટે વપરાતી સર્વ સામગ્રી એટલે સગડીઓ, ત્રિપાંખિયાં તથા પાવડા, તપેલીઓ એટલે વેદીનાં સર્વ પાત્રો મૂકે; અને તેના પર તેઓ સીલ ચામડાનું આવરણ મૂકે. અને તેના ઉપાડવાના દાંડા તેમાં નાખે.

15 હારુન અને તેના દીકરાઓ જ્યારે છાવણી ઉપાડવાની હોય તે સમયે પવિત્રસ્થાનને અને પવિત્રસ્થાનની સાધનસામગ્રીને ઢાંકે અને તે પછી કહાથના દીકરાઓ તે ઊંચકવા માટે આવે; પરંતુ તેઓએ કોઈ પણ પવિત્ર વસ્તુઓને સ્પર્શ કરવો નહિ, રખેને તેઓ મૃત્યુ પામે. મુલાકાતમંડપના સંબંધમાં કહાથના દીકરાઓને ઊંચકવાનું તે એ છે. 16 અને હારુન યાજકના દીકરા એલાઝારનુ કામ આ છે; એટલે રોશનીને માટે તેલ, સુગંધી દ્રવ્ય નિત્યનું ખાદ્યાર્પણ તથા અભિષેક માટેનું તેલ તથા પવિત્રમંડપ અને તેમાંની સર્વ વસ્તુઓની સંભાળ તેઓએ રાખવાની છે."

17 યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું કે, 18 "લેવીઓમાંથી કહાથના કુટુંબોના કુળને કાઢી નાખવાં નહિ. 19 પણ તેઓ પરમપવિત્ર વસ્તુઓની પાસે જઈ મૃત્યુ ન પામે પણ જીવતા રહે, તે માટે તમારે આ મુજબ કરવું. 20 તેઓ પવિત્ર વસ્તુઓને જોવાને માટે બિલકુલ અંદર ન જાય, કેવળ હારુન અને તેના દીકરાઓ અંદર પ્રવેશ કરે હારુન તેના દીકરા કહાથીઓને પોતપોતાની જવાબદારી ઠરાવી આપે."

લેવીકુળના ગેર્શોનના ગોત્રને સોંપાયેલી ફરજ

21 યહોવાહે ફરી મૂસાને કહ્યું કે, 22 ગેર્શોનના દીકરાના પિતૃઓના ઘર મુજબ તેઓનાં કુટુંબો મુજબ કુલ સંખ્યાની ગણતરી કર. 23 મુલાકાતમંડપમાં સેવા કરવાના કામમાં હાજર હોય તેવા ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના જે પુરુષો હોય તે સર્વની ગણતરી કરવી.

24 સેવા કરવામાં તથા વસ્તુઓ ઊંચકવામાં ગેર્શોનીઓના કુટુંબોનું કામ એ છે. 25 તેઓ મંડપના પડદા તથા મુલાકાતમંડપનું આચ્છાદાન તથા તેની ઉપર સીલ ચામડાનું આચ્છાદન તથા મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો પડદો 26 તથા આંગણાના પડદા, મંડપની પાસેના તથા વેદીની આસપાસના આંગણાના દરવાજાના બારણાનો પડદો, તેઓની દોરીઓ, તેના કામને લગતાં સર્વ ઓજારો તથા જે કંઈ તેઓથી બને તે તેઓ ઊંચકી લે અને તેના સંબંધમાં તેઓ સેવા કરે.

27 ગેર્શોનીઓના દીકરાઓનું ભાર ઊંચકવાનું તથા સર્વ સેવાનું સઘળું કામ હારુન તથા તેના દીકરાઓની આજ્ઞા મુજબ થાય. અને તમે તેઓને ભાર ઊંચકવાનું તથા સેવાનું કામ ઠરાવી આપો. 28 મુલાકાતમંડપમાં ગેર્શોનના દીકરાઓના કુટુંબોની સેવા આ છે. અને હારુન યાજકના દીકરા ઈથામારે તેઓના કામ પર દેખરેખ રાખવાની છે.

લેવીકુળના મરારીના ગોત્રને સોંપાયેલી ફરજ

29 અને મરારીના દીકરાઓની તેઓનાં પિતાઓના ઘર મુજબ તેઓનાં કુટુંબો મુજબ ગણતરી કરવાની છે. 30 ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે સઘળા અંદર જઈને મુલાકાતમંડપમાં કામ કરવાને સેવામાં હાજર રહે છે તેઓની ગણતરી કર.

31 અને મુલાકાતમંડપમાં તેઓની સર્વ સેવાના સંબંધમાં તેઓને સોંપેલું ભાર ઊંચકવાનું કામ એ છે. એટલે મંડપનાં પાટિયાં તથા તેના સ્થંભો તથા તેની કૂંભીઓ, 32 અને આંગણાની ચારે બાજુના સ્તંભો તેની કૂંભીઓ તથા તેઓની ખીલીઓ તથા તેઓની દોરીઓ અને તેઓના ઓજારો સુદ્ધાં તથા તેની સાધનસામગ્રી અને તેઓને સોંપેલા ભારના ઓજારોના નામ દઈને તેઓને ગણીને સોંપો.

33 મરારીના દીકરાઓનાં કુટુંબોનું કામ એટલે તેઓની સઘળી સેવા મુજબ મુલાકાતમંડપમાં હારુન યાજકના પુત્ર ઈથામારે દેખરેખ રાખવાની ફરજ બજાવવાની છે."

લેવીઓની વસ્તી ગણતરી

34 અને મૂસા તથા હારુને અને જમાતના અન્ય આગેવાનોએ કહાથના દીકરાઓની ગણતરી તેઓનાં કુટુંબો મુજબ તથા તેઓના પિતાઓનાં ઘર મુજબ કરી. 35 એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે દરેક મુલાકાતમંડપમાં કામ કરવાને સેવામાં દાખલ થયા 36 તેઓની ગણતરી તેઓનાં કુટુંબો મુજબ બે હજાર સાતસો પચાસ પુરુષોની થઈ.

37 કહાથીઓના કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ એટલે કે જે સર્વ મુલાકાતમંડપમાં સેવા કરતા હતા તથા મૂસાની મારફતે અપાયેલી યહોવાહની આજ્ઞા અનુસાર જેઓની ગણતરી મૂસા અને હારુને કરી તેઓ એ છે.

38 એ જ રીતે ગેર્શોનના દીકરાઓની ગણતરી તેઓના કુટુંબો મુજબ તથા તેઓનાં પિતાઓનાં કુટુંબો મુજબ કરી. 39 એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમરના જે દરેક મુલાકાતમંડપની સેવાના કામમાં દાખલ થયા હતા. 40 તેઓની ગણતરી તેઓનાં કુટુંબ મુજબ તેઓના પિતાઓના ઘર મુજબ બે હજાર છસો ત્રીસ થઈ.

41 ગેર્શોનના દીકરાઓનાં કુટુંબોમાં જેઓની ગણતરી થઈ એટલે કે સર્વ મુલાકાતમંડપમાં સેવા કરતા હતા તથા જેઓની ગણતરી યહોવાહે આપેલી આજ્ઞા મુજબ મૂસા અને હારુને કરી તેઓ એ છે.

42 મરારીના દીકરાઓનાં કુટુંબોમાંના જેઓની ગણતરી તેઓના પિતાઓનાં ઘર મુજબ થઈ, 43 એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમરના જે દરેક મુલાકાતમંડપમાં સેવા કરવાના કામમાં દાખલ થયા હતા, 44 તેઓની ગણતરી તેઓના કુટુંબ મુજબ ત્રણ હજાર બસોની થઈ.

45 મરારીના દીકરાઓનાં કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ એટલે જેઓની ગણતરી મૂસાની હસ્તક અપાયેલી યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ અને હારુને કરી તેઓ એ છે.

46 લેવીઓમાં જે સર્વની ગણતરી મૂસાએ તથા હારુને તથા ઇઝરાયલના આગેવાનોએ તેઓના કુટુંબો મુજબ, તેઓનાં પિતૃઓનાં ઘર મુજબ કરી. 47 એટલે કે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે દરેક મુલાકાતમંડપની સેવાના કામમાં તથા વસ્તુઓ ઊંચકવાનું કામ કરવા માટે દાખલ થયા હતા 48 તેઓની ગણતરી આઠ હજાર પાંચસો એંસી પુરુષોની થઈ.

49 જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓની ગણતરી કરી. તેઓમાંના દરેકની ગણતરી તેઓનાં કામ મુજબ તથા તેઓના ઊંચકવાના બોજા મુજબ મૂસાની મારફતે યહોવાહની આજ્ઞા મુજબ કરવામાં આવી.


4:6 [1] જુઓ : નિ. ૨૫:૫

Chapter 5

અશુદ્ધજનોનું છાવણી બહાર રહેઠાણ

1 યહોવાહે મૂસાને કહ્યું, 2 ઇઝરાયલી લોકોને આજ્ઞા કર કે, તેઓ દરેક કુષ્ઠ રોગીને તથા દરેક સ્રાવવાળાને તથા જેઓ શબના સ્પર્શથી અશુદ્ધ થયા હોય તેઓને છાવણીમાંથી બહાર કાઢી મૂકે. 3 સ્ત્રી હોય કે પુરુષ બન્નેને બહાર કાઢી મૂકવાં અને તેઓને છાવણીની બહાર રાખવાં; એ સારુ કે તેઓની છાવણી કે જેની મધ્યે હું વસું છું તેને તેઓ અશુદ્ધ કરે નહિ." 4 અને ઇઝરાયલીઓએ એમ કર્યું, તેઓને છાવણીની બહાર કાઢ્યાં. જેમ યહોવાહે મૂસાને કહ્યું હતું તેમ ઇઝરાયલી લોકોએ કર્યું.

ગુનાનો બદલો ભરી આપવો

5 ફરી યહોવાહ મૂસાને કહ્યું, 6 ઇઝરાયલપુત્રોને કહે કે, માણસો જે પાપ કરે છે તેમાંનું કોઈપણ પાપ કરીને જો કોઈ સ્ત્રી કે પુરુષ યહોવાહની વિરુદ્ધ અપરાધ કરે તો તે વ્યક્તિ દોષિત બને છે. 7 તેણે પોતે કરેલાં પાપની કબૂલાત કરવી અને પોતાના ગુનાનો પૂરો બદલો ભરી આપવો. ઉપરાંત તેમાં તે પંચમાશ ઉમેરીને જેના સંબંધમાં તેણે ગુનો કર્યો હોય તેને તે આપે.

8 પણ ગુનાને માટે જેને બદલો આપવાનો હોય એવું તેનું નજીકનું કોઈ સગું ના હોય, તો તે રકમ યહોવાહને આપવી અને યાજકને ચૂકવવી. વળી જે પ્રાયશ્ચિતનો ઘેટો કે જેથી તેને સારુ પ્રાયશ્ચિત કરવામાં આવશે તે પણ યાજકને મળે. 9 અને ઇઝરાયલી લોકોની સર્વ પવિત્ર વસ્તુઓનાં દરેક ઉચ્છાલીયાર્પણ કે જે તે યાજકની પાસે લાવે તે તેનું ગણાય. 10 અને દરેક અર્પણની અર્પિત વસ્તુઓ તેની થાય; જે કોઈ પુરુષ જે કંઈ ભેટ આપે છે તે યાજકની થાય.

પતિની શંકાનું નિરાકરણ

11 ફરી યહોવાહે મૂસાને કહ્યું કે, 12 ઇઝરાયલ પ્રજા સાથે વાત કરીને કહે કે, જો કોઈ પરણિત સ્ત્રી પોતાના પતિ વિરુદ્ધ પાપ કરે,

13 એટલે કોઈ અન્ય પુરુષ તેની સાથે વ્યભિચાર કરે અને તેના પતિની આંખોથી તે ગુપ્ત તથા છાનું રહે અને તે સ્ત્રી અશુદ્ધ થાય અને તેની વિરુદ્ધ કોઈ સાક્ષી આપનાર ના હોય, તેમ જ તે કૃત્ય કરતી વેળાએ તે પકડાઇના હોય, 14 અને છતાં તેના પતિને તેના પર ઈર્ષ્યા થાય અને તે અશુદ્ધ થઈ હોય અથવા તેના પતિના મનમાં વહેમ જાગ્યો હોય પણ તે અશુદ્ધ થઈ ના હોય,

15 તો એ બાબતમાં તે પુરુષ પોતાની પત્નીને યાજક પાસે લાવે. તે તેને માટે પોતાનું અર્પણ લાવે, એટલે એક દશાંશ એફાહ જવનો મેંદો તેની પર તે કંઈ તેલ રેડે નહિ કે લોબાન પણ ન મૂકે. કારણ કે એ ઈર્ષ્યાનું ખાદ્યાર્પણ છે. એટલે કે અન્યાય યાદ કરાવવા માટેનું સ્મરણદાયક ખાદ્યાર્પણ છે.

16 યાજકે તે સ્ત્રીને યહોવાહ સમક્ષ રજૂ કરવી. 17 પછી યાજકે માટીના પાત્રમાં પવિત્ર પાણી લેવું અને યાજકે મંડપની ભૂમિ પરની ધૂળ લઈને તેમાં નાખવી.

18 પછી યાજક તે સ્ત્રીને યહોવાહ સમક્ષ રજૂ કરે અને તેના વાળ છોડી નંખાવે અને તેના હાથમાં સ્મરણદાયક ખાદ્યાર્પણ એટલે સંશયનું ખાદ્યાપર્ણ આપે. અને યાજકે કડવું શાપકારક પાણી પોતાનાં હાથમાં લે. 19 ત્યારબાદ યાજક તે સ્ત્રી પાસે પ્રતિજ્ઞા લેવડાવે અને તે સ્ત્રીને કહે કે, "જો કોઈ પુરુષ સાથે તેં વ્યભિચાર કર્યો હોય નહિ અને જો તું તારું પતિવ્રત ભંગ કરીને અશુદ્ધ થઈ હોય નહિ તો આ શાપના કડવા પાણીની સત્તાથી તું મુક્ત થશે.

20 પણ જો તું તારું પતિવ્રત ભંગ કરીને અશુદ્ધ થઈ હોય અને તે તારા પતિ સિવાય બીજા કોઈ પુરુષ સાથે વ્યભિચાર કર્યો હોય તો, 21 ત્યારે યાજક તે સ્ત્રીને શાપયુક્ત પ્રતિજ્ઞા લેવડાવે. અને યાજક સ્ત્રીને કહે કે, "યહોવાહ તને તારા લોકમાં શાપરૂપ તથા સોગનરૂપ કરે. જો યહોવાહ તારી જાંઘો સડાવે અને તારું પેટ સુજાવે [1] ત્યારે આમ થશે. 22 આ શાપકારક પાણી તારા આંતરડામાં પ્રવેશીને તને સુજાવી દે અને તારી જાંઘને સડાવી નાખે. પછી તે સ્ત્રી જવાબ આપે કે "જો હું દોષિત હોઉં તો હા, એમ જ થાઓ."

23 અને યાજક એક પુસ્તકમાં એ લખી લે અને એ શબ્દો કડવા પાણીમાં ધોઈ નાખે.

24 ત્યારબાદ યાજક તે સ્ત્રીને શાપકારક પાણી પીવડાવે. જેથી શાપકારક પાણી તે સ્ત્રીના અંગમાં પ્રવેશ કરી અને કડવું થશે. 25 અને યાજક તે સ્ત્રીના હાથમાંથી સંશયનું ખાદ્યાર્પણ લે અને યહોવાહની સમક્ષ તે ખાદ્યાર્પણને ઘરાવીને વેદી પાસે લાવે. 26 એ પછી યાજકે તે ખાદ્યાર્પણમાંથી યાદગીરી તરીકે એક મુઠી ભરી વેદીમાં દહન કરવું. અને પછી તે સ્ત્રીને પાણી પાઈ દેવું.

27 અને તેને પાણી પાયા પછી એમ થશે કે જો તે સ્ત્રીએ વ્યભિચાર કર્યો હશે તો, અને પોતાના પતિનો અપરાધ કર્યો હશે તો તે શાપકારક પાણી તેનાં પેટમાં પ્રવેશી કડવું થશે અને તેનું પેટ સૂજી જશે. અને તેની જાંઘ સડીને ખરી પડશે. અને તે સ્ત્રી પોતાનાં લોકમાં શાપિત થશે. 28 પણ જો તે સ્ત્રી અશુદ્ધ થઈ નહિ હોય પણ તે શુદ્ધ હશે તો તે મુક્ત થશે અને તેને પેટે સંતાન થશે.

29 જ્યારે કોઈ સ્ત્રી પોતાનું પતિવ્રત ચૂકી જઈને અશુદ્ધ થાય ત્યારે ઈર્ષ્યા માટેનો નિયમ એ છે. 30 અથવા પુરુષના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થયો હોય અને તે પુરુષને પોતાની સ્ત્રી પર વહેમ આવ્યો હોય ત્યારે તે પુરુષ [2] યહોવાહ સમક્ષ તે સ્ત્રીને લાવવી અને યાજક તેના પર આ સર્વ નિયમ અમલમાં મૂકે.

31 પછી તે પુરુષ અન્યાયથી મુક્ત થશે અને તે સ્ત્રી પોતે જ તેના દોષ માટે જવાબદાર છે."'


5:21 [1] ગર્ભ ધારણ ન કરી શકશે, વાંઝણી
5:30 [2] યાજક અથવા સ્ત્રીનો પતિ

Chapter 6

નાઝીરવ્રત અંગેના નિયમ

1 યહોવાહે મૂસાને કહ્યું કે, 2 "ઇઝરાયલના લોકોને એમ કહે કે, જ્યારે કોઈ સ્ત્રી કે પુરુષ યહોવાહની સેવામાં અલગ થવાની ખાસ પ્રતિજ્ઞા લે એટલે નાઝીરવ્રત [1] લે 3 ત્યારે તેણે દ્રાક્ષારસનો અને દારૂનો ત્યાગ કરવો તદુપરાંત તેણે દ્રાક્ષારસનો અથવા દારૂનો સરકો પીવો નહિ તેમ જ દ્રાક્ષાનું શરબત પણ પીવું નહિ અને લીલી કે સૂકી દ્રાક્ષ ખાવી નહિ. 4 જ્યાં સુધી તેનું વ્રત ચાલુ હોય ત્યાં સુધી તેણે દ્રાક્ષવેલામાંથી નીપજેલી કોઈ પણ વસ્તુ દ્રાક્ષનાં બી કે છોતરાં પણ ખાવા નહિ.

5 વળી એ સમય દરમ્યાન તેના માથા પર અસ્ત્રો ન ફરે. અને જ્યાં સુધી વ્રત પૂર્ણ ન થાય ત્યાં સુધી તેણે યહોવાહની સેવામાં વૈરાગ લીધો હોય તે પૂરો થયા સુધી તે શુદ્ધ રહે, તેણે પોતાના માથાનાં વાળ વધારવા.

6 યહોવાહની સેવામાં તે નાઝીરી થાય ત્યાં સુધી તે સર્વ દિવસો સુધી તેણે મૃતદેહ પાસે જવું નહિ. 7 પોતાનાં માતાપિતા કે ભાઈ બહેનના મરણ પર તેણે પોતાની જાતને અશુદ્ધ કરવી નહિ, કારણ તેના ઈશ્વરનું વૈરાગીવ્રત તેને શિર છે. 8 તેના વૈરાગીવ્રતના બધા સમય દરમ્યાન તે યહોવાહને માટે શુદ્ધ છે.

9 પરંતુ જો કોઈ વ્યક્તિનું અચાનક તેની પડખે જ અવસાન થાય અને તેથી તે વૈરાગીનું માથું અશુદ્ધ બને, તો તે પોતાના શુદ્ધિકરણના દિવસે એટલે સાતમે દિવસે તેણે પોતાના અશુદ્ધ થયેલા માથાના વાળ કપાવવા.

10 અને આઠમા દિવસે તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજક પાસે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવવાં. 11 અને યાજક એમાંનું એક પાપાર્થાર્પણ તરીકે અને બીજું દહનીયાર્પણ તરીકે ચઢાવે અને મરેલાનાં કારણે પોતાનાં પાપને લીધે તેને માટે પ્રાયશ્ચિત કરે અને તે જ દિવસે તે વ્યક્તિ પોતાના માથાનું શુદ્ધિકરણ કરે.

12 અને તે યહોવાહની સેવાને માટે પોતાના વૈરાગના દિવસો સમર્પણ કરે. અને દોષાર્થાર્પણરૂપે તેણે એક વર્ષનું નર હલવાન લાવવું. અને આગલા દિવસો ગણવા નહિ, કેમ કે તેનું વૈરાગીવ્રત ભંગ થયું હતું.

13 અને જ્યારે નાઝીરી વ્રતના દિવસો પૂર્ણ થાય ત્યારે તેને માટે આ નિયમ છે. તેને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જવો. 14 તેણે યહોવાહને પોતાનું અર્પણ ચઢાવવું, એટલે ખોડ વિનાના એક વર્ષના નર ઘેટાંનું દહનીયાર્પણ, ખોડખાંપણ વગરની એક વર્ષની ઘેટીનું પાપાર્થાર્પણ અને ખોડ વિનાના નર ઘેટાંનું શાંત્યર્પણ કરવું, 15 તથા બેખમીર રોટલીની એક ટોપલી, તેલ લગાડેલા બેખમીરી ખાખરા અને તેઓનું ખાદ્યાર્પણ તથા પેયાર્પણ તે લાવે.

16 યાજક આ બધું યહોવાહની આગળ રજૂ કરે. અને તેનું પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ ચઢાવે. 17 પછી તે યહોવાહ સમક્ષ શાંત્યર્પણોના યજ્ઞ તરીકે બેખમીર રોટલીની ટોપલી સહિત, ઘેટાંને તે ચઢાવે. અને યાજક તેનું ખાદ્યાર્પણ અને તેનું પેયાર્પણ ચઢાવે.

18 અને નાઝીરીએ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ વાળ કપાવી નાખવા અને પોતાના વૈરાગી માથાનાં વાળ લઈને શાંત્યર્પણની નીચેના અગ્નિમાં મૂકી દેવા.

19 પછી યાજક તે ઘેટાંનો બાફેલો છાતીનો ભાગ બાફેલું બાવડું તથા ટોપલીમાંથી એક બેખમીર રોટલી અને એક બેખમીર ખાખરો લે અને નાઝીરી પોતાનું માથું મૂંડાવે ત્યારબાદ તે ચીજો તેના હાથમાં મૂકે. 20 ત્યારબાદ યાજક અર્પણ તરીકે એ વસ્તુઓ યહોવાહની સમક્ષ અર્પણ કરે. આ પવિત્ર ખોરાક યાજકો માટે નક્કી કરેલ છે, તદઉપરાંત, છાતીનો ભાગ અને જાંધ પણ યાજકના ગણાય, હવે તે નાઝીરીએ દ્રાક્ષારસ પીવાની છૂટ છે.

21 વ્રત રાખનાર નાઝીરીનો અને વૈરાગીવ્રતને લીધે યહોવાહ પ્રત્યે જે અર્પણ ચઢાવવું તેનો તથા તે સિવાય બીજું કંઈ તેને મળી શકે તેનો નિયમ આ છે. જે પ્રતિજ્ઞા તેણે લીધી હોય ત્યારે તે મુજબ તે તેના વૈરાગવ્રતના નિયમને અનુસરીને વર્તે.

યાજકો ઇઝરાયલીઓને આવો આશીર્વાદ આપે

22 પછી યહોવાહે મૂસાને કહ્યું કે, 23 હારુન અને તેના દીકરાઓને એમ કહે કે, 'તમે આ મુજબ ઇઝરાયલી લોકોને આશીર્વાદ આપો તમે તેઓને એમ કહો કે,

24 યહોવાહ તને આશીર્વાદ આપો અને તારું રક્ષણ કરો.

25 યહોવાહ પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો અને તારા પર કૃપા કરો.

26 યહોવાહ પોતાનું મુખ તારા પર ઉઠાવો અને તને શાંતિ આપો."'

27 એમ તેઓ ઇઝરાયલી લોકોને મારું નામ આપે. અને હું તેઓને આશીર્વાદ આપીશ."


6:2 [1] યહોવાહની સેવા માટે અલગ કરેલો

Chapter 7

આગેવાનોએ આપેલાં દાનો

1 જે દિવસે મૂસાએ મુલાકાતમંડપ ઊભો કરવાનું કાર્ય સંપૂર્ણ કર્યુ, તે દિવસે તેણે મંડપનો તેમ જ તેમાંની બધી સાધનસામગ્રી વેદી તથા તેનાં બધાં સાધનોનું અભિષેક અને શુધ્ધીકરણ કર્યું. તથા તે પાત્રોને પવિત્ર કર્યાં. 2 તે દિવસે એમ થયું કે, ઇઝરાયલનાં અધિપતિઓએ એટલે તેઓના પિતાના ઘરના ઉપરીઓએ અર્પણ કર્યું. તેઓ કુળોના અધિપતિઓ અને જેઓની ગણતરી થઈ હતી તેઓના ઉપરીઓ હતા. 3 તેઓ યહોવાહની સમક્ષ પોતાનું અર્પણ લાવ્યા એટલે બે બળદ જોડેલા છત્રવાળાં છ ગાડાં તથા બાર બળદ. બબ્બે અધિપતિઓ માટે એકેક ગાડું અને દરેકને માટે એકેક બળદ. આ બધું તેઓએ મુલાકાતમંડપની સમક્ષ રજૂ કર્યુ.

4 પછી યહોવાહે મૂસાને કહ્યું કે, 5 "તેઓ પાસેથી તું તે લે કે, તેઓ મુલાકાતમંડપની સેવા કરવાના કામમાં આવે. અને તેઓને તું લેવીઓને આપ એટલે દરેકને તું તેઓની સેવા મુજબ આપ."

6 તેથી મૂસાએ તે ગાડાં અને બળદો લઈને લેવીઓને આપ્યા. 7 બે ગાડાં અને ચાર બળદો તેણે ગેર્શોનના દીકરાઓને તેઓની સેવા મુજબ આપ્યા. 8 અને તેણે ચાર ગાડાં તથા આઠ બળદ મરારીના દીકરાઓને તેઓની સેવાઓ મુજબ હારુન યાજકના દીકરા ઈથામારની આગેવાની હેઠળ આપ્યા.

9 પરંતુ કહાથના દીકરાઓને તેણે કંઈ જ આપ્યું નહિ, કારણ કે તેમનું કામ પવિત્રસ્થાનના સંબંધમાં હતું અને તેને તેઓ પોતાના ખભા ઉપર ઊંચકી લેતા હતા.

10 વેદીનો અભિષેક થયો તે દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવાને આગેવાનોએ અર્પણ કર્યું તેઓએ વેદી આગળ પોતાનું અર્પણ ચઢાવ્યું. 11 યહોવાહે મૂસાને કહ્યું, સર્વ અધિપતિઓ પોતપોતાના દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવા સારુ અર્પણ ચઢાવે.

12 અને પહેલે દિવસે પોતાનું અર્પણ ચઢાવનાર તે યહૂદાના કુળનો આમ્મીનાદાબનો દીકરો નાહશોન હતો. 13 અને તેનું અર્પણ ચાંદીની એક કથરોટ હતું, જેનું વજન એકસો ત્રીસ શેકેલ હતું. પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો હતો; બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં. 14 તેણે દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર પણ આપ્યું.

15 તથા દહનીયાર્પણ માટે એક વાછરડો એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન. 16 તેણે પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર આપ્યો. 17 અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષનાં પાંચ હલવાન હતાં; આમ્મીનાદાબના દીકરા નાહશોનનું અર્પણ એ હતું.

18 બીજે દિવસે સુઆરનો દીકરા નથાનએલ એટલે ઇસ્સાખારના અધિપતિએ અર્પણ કર્યું. 19 અને તેણે આ અર્પણ ચઢાવ્યું. એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસો વીસ શેકેલ હતું તથા પવિત્ર સ્થાનના શેકેલ મુજબ સિતેર શેકેલ ચાંદીનો એક પ્યાલો. આ બન્ને પાત્રોમાં ખાધાર્પણ તરીકે તેલથી મોહેલો મેંદાથી ભરેલો હતો.

20 દશ શેકેલ ધૂપથી ભરેલું સોનાનું ધૂપપાત્ર તેણે આપ્યું. 21 તથા તેણે દહનીયાર્પણ માટે એક વર્ષનું વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન આપ્યું. 22 તેણે પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર આપ્યું. 23 અને તેણે શાંત્યર્પણોના યજ્ઞ માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન આપ્યાં. સુઆરના દીકરા નથાનએલનું અર્પણ એ હતું.

24 ત્રીજે દિવસે હેલોનનો દીકરો અલિયાબ, ઝબુલોનના દીકરાનો આગેવાન હતો તેણે તેનું અર્પણ આપ્યું. 25 તેનું અર્પણ આ હતું; ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ એક ચાંદીનો પ્યાલો હતો. બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં. 26 વળી તેણે દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું આપ્યું.

27 તેણે દહનીયાર્પણ માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન આપ્યા. 28 પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર તેણે આપ્યો. 29 તેણે શાંત્યર્પણોને માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને પહેલા વર્ષનાં પાંચ હલવાન આપ્યાં. તે હેલોનના દીકરા અલિયાબનું અર્પણ એ હતું.

30 ચોથે દિવસે શદેઉરનો દીકરો અલીસૂર રુબેનના દીકરાઓનો આગેવાન તેનું અર્પણ લાવ્યો. 31 અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસો ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો હતો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં. 32 વળી તેણે દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર અર્પણ કર્યું.

33 દહનીયાર્પણ માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું. 34 પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર તેણે આપ્યો. 35 તેણે શાંત્યર્પણોના યજ્ઞને માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન આપ્યાં. એ શદેઉરના દીકરા અલીસૂરનું અર્પણ હતું.

36 પાંચમે દિવસે સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ, શિમયોનના દીકરાઓનો આગેવાન તેનું અર્પણ લાવ્યો. 37 અને તેનું અર્પણ આ હતું; ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું. અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં. 38 દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું હતું.

39 દહનીયાર્પણ માટે એક વર્ષનું વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાનનું અર્પણ તેણે કર્યું. 40 પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર આપ્યો. 41 અને શાંત્યર્પણોનો યજ્ઞના માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ સૂરીશાદ્દાયના દીકરા શલુમિયેલનું અર્પણ હતું.

42 છઠ્ઠે દિવસે દુએલના દીકરા એલિયાસાફ ગાદના દીકરાનો અધિપતિ અર્પણ લાવ્યો. 43 અને તેનું અર્પણ આ હતું; ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું, પવિત્રસ્થાનના સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં. 44 દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર હતું.

45 દહનીયાર્પણ માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું. 46 પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યો. 47 અને શાંત્યર્પણોના યજ્ઞ માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ દુએલના દીકરા એલિયાસાફનું અર્પણ હતું.

48 સાતમે દિવસે આમ્મીહૂદનો દીકરો અલિશામા એફ્રાઇમના દીકરાઓનો આગેવાન તે તેનું અર્પણ લાવ્યો. 49 અને તેનું અર્પણ આ હતું એટલે કે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ વજન હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં. 50 દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું હતું તે આપ્યું.

51 દહનીયાર્પણને માટે એક વાછરડું,એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું. 52 પાપાર્થાર્પણને માટે બકરામાંથી એક નર તેણે આપ્યો. 53 અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ આમ્મીહૂદના દીકરા અલિશામાનું અર્પણ હતું.

54 આઠમા દિવસે પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ, મનાશ્શાના દીકરાઓનો આગેવાન તેનું અર્પણ લાવ્યો. 55 અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ રૂપાનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં. 56 દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર તેણે આપ્યું.

57 દહનીયાર્પણને માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાનનું તેણે અર્પણ કર્યું. 58 પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યો. 59 અને શાંત્યર્પણોને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન પદાહસૂરના દીકરા ગમાલ્યેલનું અર્પણ એ હતું.

60 નવમા દિવસે ગિદિયોનીનો દીકરો અબીદાન, બિન્યામીનના દીકરાઓનો આગેવાન તે પણ અર્પણ લાવ્યો. 61 અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું. અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં. 62 દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર તેણે આપ્યું.

63 દહનીયાર્પણને માટે એક વર્ષનું વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન એ તેણે આપ્યાં. 64 પાપાર્થાર્પણ માટે બકરાંમાંથી એક નર એ તેણે આપ્યો. 65 અને શાંત્યર્પણોને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ ગીદિયોનીના દીકરા અબીદાનનું અર્પણ હતું.

66 દસમે દિવસે આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર, દાનના દીકરાઓનો આગેવાન તે તેનું અર્પણ લાવ્યો. 67 અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ એક ચાંદીનો પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં. 68 દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર હતું તે તેણે આપ્યું.

69 દહનીયાર્પણના માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષના એક હલવાનનું અર્પણ આપ્યું. 70 પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યું. 71 અને શાંત્યર્પણોને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ આમ્મીશાદ્દાય દીકરા અહીએઝેરનું અર્પણ હતું.

72 અગિયારમે દિવસે ઓક્રાનના દીકરા પાગિયેલ આશેરના દીકરાઓનો આગેવાન તે અર્પણ લાવ્યો. 73 અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ, જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ એક ચાંદીનો પ્યાલો આ બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં. 74 દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું તેણે આપ્યું.

75 દહનીયાર્પણને માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તેણે આપ્યું. 76 પાપાર્થાર્પણને માટે બકરાંમાંથી એક નર તેણે આપ્યો. 77 અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ ઓક્રાનના દીકરા પાગિયેલનું અર્પણ હતું.

78 બારમે દિવસે એનાનના દીકરો અહીરા નફતાલીના દીકરાનો આગેવાન તેનું અર્પણ લાવ્યો. 79 અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું.અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ આ બન્ને પાત્રોમાં ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં. 80 દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર તેણે આપ્યું.

81 તથા દહનીયાર્પણને માટે એક વર્ષનું વાછરડું,એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તે તેણે આપ્યું. 82 પાપાર્થાર્પણને માટે એક બકરાંમાંથી એક નર તેણે આપ્યો. 83 અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ એનાનના દીકરા અહીરાનું અર્પણ હતું.

84 જે દિવસે વેદીનો અભિષેક થયો તે પ્રસંગે ઇઝરાયલના આગેવાનોએ તેનું પ્રતિષ્ઠાપન કર્યું. તે આ હતું. એટલે ચાંદીની બાર કથરોટ, ચાંદીના બાર પ્યાલા તથા સોનાનાં બાર ધૂપપાત્રો, 85 ચાંદીની પ્રત્યેક કથરોટનું વજન એકસોને વીસ શેકેલ હતું. અને દરેક ધૂપપાત્રનું વજન સિત્તેર શેકેલ હતું. ચાંદીનાં બધાં પાત્રોનું કુલ વજન પવિત્રસ્થાનના શેકેલ મુજબ બે હજારને ચારસો શેકેલ હતું. 86 સોનાનાં ધૂપપાત્રો ધૂપથી ભરેલાં, તે પ્રત્યેકનું વજન પવિત્રસ્થાનના શેકેલ મુજબ દશ શેકેલ હતું. એ ધૂપપાત્રોનું સઘળું સોનું એકસોને વીસ શેકેલ હતું.

87 દહનીયાર્પણ માટે કુલ બાર ગોધાં, બાર ઘેટાં અને એક વર્ષના બાર હલવાન, તેઓનાં ખાદ્યાર્પણ સુદ્ધાં અને પાપાર્થાર્પણ માટે બાર નર બકરાં પણ આપ્યા. 88 તથા શાંત્યર્પણોના યજ્ઞને માટે કુલ ચોવીસ બળદો, સાઠ ઘેટાં, સાઠ બકરા અને એક વર્ષનાં સાઠ હલવાન હતા, વેદીનો અભિષેક કરી તેના એ પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું.

89 જ્યારે મુલાકાતમંડપમાં મૂસા યહોવાહની સાથે બોલવા ગયો ત્યારે ઈશ્વરની વાણી તેની સાથે વાત કરતી તેણે સાંભળી. બે કરુબો [1] મધ્યેથી કરારકોશ પરના દયાસન ઉપરથી ઈશ્વર તેની સાથે બોલતા હતા. યહોવાહ તેની સાથે બોલ્યા.


7:89 [1] બે પાંખવાળા પ્રાણી, નિ. ૨૫:૧૭ - ૨૨

Chapter 8

દીપવૃક્ષ ઉપર દીવા મૂકવા બાબત

1 યહોવાહે મૂસાને કહ્યું કે, 2 "તું હારુનને કહે કે જ્યારે તું દીવા સળગાવે ત્યારે દીવા દીપવૃક્ષની આગળ તેનો પ્રકાશ પાડે."'

3 હારુને તે પ્રમાણે કર્યુ. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ તેણે દીપવૃક્ષની આગળ દીવા સળગાવ્યા. 4 દીપવૃક્ષ આ મુજબ બનાવવામાં આવ્યુ હતું; એટલે દીપવૃક્ષનું કામ ઘડેલા સોનાનું હતું. તેના પાયાથી તેનાં ફૂલો સુધી તે ઘડતર કામનું હતું. જે નમૂનો યહોવાહે મૂસાને બતાવ્યો હતો. તે પ્રમાણે તેણે દીપવૃક્ષ બનાવ્યું.

લેવીઓનું શુદ્ધિકરણ અને અર્પણ

5 પછી, યહોવાહે મૂસાને કહ્યું કે, 6 "ઇઝરાયલ લોકોમાંથી લેવીઓને અલગ કરીને તેઓને શુદ્ધ કર.

7 તેઓને શુદ્ધ કરવા તું આ મુજબ કર; તેઓના પર શુધ્ધિકરણના પાણીનો છંટકાવ કરવો. ત્યારબાદ તેઓ આખું શરીર મૂંડાવે અને પોતાના વસ્ત્ર ધોઈ નાખે તથા પોતાને સ્વચ્છ કરે. 8 ત્યારબાદ તેઓ એક વાછરડો તથા તેનું ખાદ્યાર્પણ એટલે તેલમિશ્રિત મેંદો લે. અને એક બીજો વાછરડો પાપાર્થાર્પણ માટે લે.

9 પછી બધા લેવીઓને મુલાકાતમંડપ આગળ રજૂ કર; અને ઇઝરાયલ લોકોની આખી જમાતને તું ભેગી કર. 10 અને તું લેવીઓને યહોવાહની સમક્ષ લાવે ત્યારે ઇઝરાયલી લોકો પોતાના હાથ લેવીઓ પર મૂકે. 11 પછી લેવીઓને તું યહોવાહ સમક્ષ રજૂ કર. અને લેવીઓ પર ઇઝરાયલપુત્રો પોતાના હાથ મૂકે.

12 અને લેવીઓ પોતાના હાથ વાછરડાઓનાં માથાં પર મૂકે અને લેવીઓના પ્રાયશ્ચિત અર્થે એક બળદ પાપાર્થાર્પણ તરીકે અને બીજો દહનીયાર્પણ તરીકે યહોવાહને તું ચઢાવ. 13 પછી હારુનની સામે તથા તેના દીકરાઓ સમક્ષ તું લેવીઓને ઊભા કર અને યહોવાહને સ્તુતિના અર્પણ તરીકે ચઢાવ.

14 આ રીતે તું ઇઝરાયલપ્રજામાંથી લેવીઓને અલગ કર, જેથી લેવીઓ મારા પોતાના થાય. 15 અને ત્યારપછી, લેવીઓ મુલાકાતમંડપની સેવાને લગતું કામ કરવા અંદર જાય. અને તારે લેવીઓને શુદ્ધ કરીને સ્તુત્યાર્પણ તરીકે મને અર્પણ કરવા.

16 આ મુજબ કર, કેમ કે ઇઝરાયલપ્રજામાંથી તેઓ મને સંપૂર્ણ અપાયેલા છે. ઇઝરાયલમાંથી સર્વ પ્રથમજનિતો એટલે ગર્ભ ઊઘાડનારનાં બદલે મેં લેવીઓને મારા પોતાને માટે લીધા છે. 17 કેમ કે ઇઝરાયલમાંથી પ્રથમજનિત માણસ તથા પશુ મારાં છે. જે દિવસે મેં મિસરના સર્વ પ્રથમજનિતનો નાશ કર્યો ત્યારે તે સર્વને મેં મારા માટે અલગ કર્યાં હતાં.

18 અને ઇઝરાયલના સર્વ પ્રથમજનિતને બદલે મેં લેવીઓને લીધાં છે. 19 ઇઝરાયલ લોકોમાંથી લેવીઓને મુલાકાતમંડપની સેવા કરવાં માટે તથા ઇઝરાયલ લોકોને પ્રાયશ્ચિત કરવા માટે મેં હારુનના તથા તેના દીકરાઓના હાથમાં સોંપ્યા છે. જેથી ઇઝરાયલ લોકો પવિત્રસ્થાનની પાસે આવે ત્યારે તેઓ મધ્યે કોઈ મરકી ન થાય."

20 પછી મૂસા તથા હારુને તથા ઇઝરાયલ લોકોના સમગ્ર સભાએ આ મુજબ લેવીઓને કહ્યું; લેવીઓ વિષે જે સર્વ આજ્ઞા યહોવાહે મૂસાને આપી હતી તે મુજબ ઇઝરાયલના સમગ્ર સમાજે કર્યું. 21 લેવીઓએ પોતાને પાપથી શુદ્ધ કર્યા અને તેઓએ પોતાનાં વસ્ત્રો ધોયાં. અને હારુને તે સૌને અર્પણ તરીકે યહોવાહની આગળ રજૂ કર્યા. અને હારુને તેઓને શુદ્ધ કરવા માટે તેઓને સારુ પ્રાયશ્ચિત કર્યું.

22 ત્યારબાદ લેવીઓ મુલાકાતમંડપમાં હારુન અને તેના દીકરાઓના હાથ નીચે સેવા કરવા ગયા. જેમ યહોવાહે લેવીઓ અંગે જે આજ્ઞાઓ મૂસાને જણાવી હતી તેમ તેઓએ તેઓને કર્યું.

23 ફરીથી, યહોવાહે મૂસાને કહ્યું કે, 24 "લેવીઓની ફરજ આ છે. પચ્ચીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના લેવીઓ મુલાકાતમંડપની અંદર જઈ સેવા શરૂ કરી શકે.

25 પચાસ વર્ષની ઉંમરે તેઓ સેવામાંથી નિવૃત્ત થાય અને સેવા કરવાનું બંધ કરે. 26 તેઓ મુલાકાતમંડપમાં કામ કરતા પોતાના ભાઈઓની સાથે સેવા કરે, પણ મુલાકાતમંડપની અંદર સેવા ન કરે, લેવીઓને સોંપેલી સેવા માટે આ વ્યવસ્થા વિષે તું તેઓને માહિતી આપ."

Chapter 9

બીજું પાસ્ખાપર્વ

1 મિસર દેશમાંથી આવ્યા પછી બીજા વર્ષના પ્રથમ મહિનામાં સિનાઈના અરણ્યમાં યહોવાહે મૂસાને કહ્યું કે, 2 "ઇઝરાયલીઓ વર્ષના ઠરાવેલા સમયે પાસ્ખાપર્વ પાળે. 3 આ મહિનાને ચૌદમે દિવસે સાંજે નિયત સમયે પાસ્ખાપર્વ પાળો. એને લગતા બધા નિયમો અને વિધિઓ મુજબ તેનું પાલન કરો." 4 તેથી, ઇઝરાયલીઓને મૂસાએ કહ્યું કે તમારે પાસ્ખાપર્વ પાળવું. 5 અને પ્રથમ મહિનાના ચૌદમા દિવસે સાંજે સિનાઈના અરણ્યમાં તેઓએ પાસ્ખાપર્વ પાળ્યું. જે સર્વ આજ્ઞાઓ યહોવાહે મૂસાને આપી હતી તે મુજબ ઇઝરાયલીઓએ કર્યું.

6 કેટલાક માણસો મૃતદેહના સ્પર્શથી અશુદ્ધ થયા હતા તેથી તેઓ તે દિવસે પાસ્ખાપર્વ પાળી ન શક્યા અને તેઓ તે દિવસે મૂસા અને હારુનની પાસે આવ્યા. 7 તેઓએ મૂસાને કહ્યું કે, "અમે મૃતદેહના સ્પર્શથી અશુદ્ધ થયેલા છીએ. ઇઝરાયલીઓ તેને માટે નિયત સમયે યહોવાહને અર્પણ કરે છે. તો અમને શા માટે એવું કરવાની મનાઈ કરવામાં આવે છે?" 8 મૂસાએ તેઓને કહ્યું કે, "યહોવાહ તમારા વિષે શી આજ્ઞા આપે છે તે હું સાંભળું ત્યાં સુધી ઊભા રહો.''

9 યહોવાહે મૂસાને કહ્યું કે, 10 "ઇઝરાયલપ્રજાને આ પ્રમાણે કહે કે, જો તમારામાંનો અથવા તમારા સંતાનોમાંનો કોઈ શબના સ્પર્શને કારણે અશુદ્ધ થયો હોય અથવા દૂર મુસાફરી કરતો હોય, તો પણ તે યહોવાહનું પાસ્ખાપર્વ પાળે.'

11 બીજા મહિનાના ચૌદમા દિવસે સાંજે તેઓ તે પર્વ પાળે અને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે તે ખાય. 12 એમાંનું કશું તેઓ સવાર સુધી રહેવા દે નહિ, તેમ જ તેનું એકેય હાડકું ભાંગે નહિ. પાસ્ખાપર્વના સર્વ નિયમોનું પાલન તેઓ કરે.

13 પણ જો કોઈ માણસ શુદ્ધ હોવા છતાં અને મુસાફરીમાં હોવા ન છતાં પાસ્ખાપર્વ પાળવાનું ચૂકે તે પોતાનાં લોકોથી અલગ કરાય. કેમ કે, તેણે નિયત સમયે યહોવાહને અર્પણ કર્યું નહિ, તેથી તે માણસનું પાપ તેને માથે. 14 અને જો કોઈ પરદેશી તમારામાં રહેતો હોય અને તે યહોવાહને માટે પાસ્ખાપર્વ પાળવા ઇચ્છતો હોય તો તે પાસ્ખાના બધા નિયમો અને વિધિઓ પ્રમાણે તે પાળે. દેશના વતની તથા પરદેશી સૌને માટે સરખો જ નિયમ છે."

અગ્નિસ્તંભ

(નિ. ૪૦:૩૪-૩૮)

15 મંડપ ઊભો કરવામાં આવ્યો તે જ દિવસે મેઘે મંડપ પર એટલે સાક્ષ્યમંડપ પર આચ્છાદન કર્યું. અને સાંજથી સવાર સુધી મંડપ ઉપર તેનો દેખાવ અગ્નિની જેમ ઝળહળતો હતો. 16 આ પ્રમાણે હંમેશા થતું મેઘ તેના પર આચ્છાદન કરતો અને રાત્રે તેનો દેખાવ અગ્નિની જ્વાળા જેવો હતો. 17 અને જ્યારે મંડપ ઉપરથી મેઘ હઠી જતો ત્યારે ઇઝરાયલપ્રજા ચાલતી અને જે જગ્યાએ મેઘ થોભે ત્યાં તેઓ છાવણી કરતા.

18 યહોવાહની આજ્ઞા મુજબ ઇઝરાયલીઓ મુસાફરી કરતા અને તેઓની આજ્ઞા મુજબ તેઓ છાવણી કરતા. જયાં સુધી મંડપ ઉપર મેઘ થોભતો ત્યાં સુધી તેઓ છાવણીમાં રહેતા. 19 અને જ્યારે મેઘ લાંબા સમય સુધી મંડપ પર રહેતો ત્યારે ઇઝરાયલ લોકો યહોવાહે સોંપેલી સેવા કરતા અને આગળ ચાલતા નહિ.

20 પરંતુ કેટલીક વખત મેઘ થોડા દિવસ માટે મુલાકાતમંડપ પર રહેતો ત્યારે યહોવાહની આજ્ઞા મુજબ તેઓ છાવણીમાં રહેતા. 21 કેટલીક વખત મેઘ સાંજથી સવાર સુધી રહેતો અને જ્યારે સવારે મેઘ ઊપડી જતો ત્યારે તેઓ ચાલતા એટલે કે દિવસે કે રાત્રે મેઘ ઊપડતો ત્યારે તેઓ આગળ વધતા.

22 જ્યાં સુધી મેઘ પવિત્રમંડપ પર થોભી રહે ત્યાં સુધી એટલે કે બે દિવસ કે એક મહિનો કે એક વર્ષ માટે હોય, તોપણ ઇઝરાયલ લોકો છાવણીમાં રહેતા અને આગળ ચાલતાં નહિ. પણ જ્યારે તે ઊપડતો ત્યારે તેઓ ચાલતા. 23 યહોવાહની આજ્ઞા અનુસાર તેઓ છાવણી કરતા અને તેમની જ આજ્ઞા મુજબ તેઓ ચાલતા મૂસા દ્વારા તેઓને અપાયેલી આજ્ઞા મુજબ તેઓ યહોવાહને સોંપેલી સેવા કરતા.

Chapter 10

ચાંદીના બે રણશિંગડાં

1 યહોવાહ મૂસાને કહ્યું કે, 2 "તું પોતાને માટે ચાંદીનાં બે રણશિંગડાં બનાવ અને તે ઘડતર કામના બનાવ. અને તું પ્રજાને બોલાવવાના તથા છાવણીમાંથી ચાલી નીકળવાના કામમાં લે.

3 જે સમયે બન્ને રણશિંગડા વગાડવામાં આવે, ત્યારે સમગ્ર સમાજે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તમારી સમક્ષ એકત્ર થવું. 4 પરંતુ જો યાજક એક જ રણશિંગડુંં વગાડે તો આગેવાનો, ઇઝરાયલકુળના મુખ્ય પુરુષો તારી સમક્ષ એકઠા થાય. 5 જ્યારે તમે ભયસૂચક રણશિંગડુંં વગાડો ત્યારે પૂર્વ દિશામાં નાખેલી છાવણીઓએ કૂચ કરવી.

6 બીજી વખતે રણશિંગડાં મોટા અવાજે વાગે, ત્યારે દક્ષિણ દિશામાંની છાવણીએ કૂચ કરવી. આમ મુકામ ઉઠાવવાના સંકેત તરીકે રણશિંગડુંં મોટા અવાજે વગાડવું. 7 પણ ઇઝરાયલ સમાજને સભા માટે એકત્ર થવા જણાવવું હોય તો રણશિંગડુંં એકધારું વગાડવું. 8 હારુનના વંશજોએ એટલે કે યાજકોએ જ રણશિંગડાં વગાડવાનાં છે. આ કાયમી કાનૂનનો અમલ તમારે પેઢી દરપેઢી કરવાનો છે.

9 અને જ્યારે તમે પોતાનાં દેશમાં તમારા પર જુલમ કરનારા દુશ્મનો સાથે યુદ્ધ કરવા જાઓ ત્યારે ભયસૂચક રણશિંગડાં વગાડો. યહોવાહ રણશિંગડાંનો અવાજ સાંભળશે, તમને યાદ કરશે અને તમને તમારા દુશ્મનોથી બચાવશે.

10 વળી, તમારા ઉત્સવો વખતે, તમારા ઠરાવેલ પર્વોએ અને તમારા મહિનાઓના આરંભમાં તમે તમારા દહનીયાર્પણો તેમ જ શાંત્યર્પણો પર રણશિંગડુંં વગાડો. અને તેઓ તમારા ઈશ્વરની હજૂરમાં તમારે માટે સ્મરણાર્થે થશે. હું યહોવાહ તમારો ઈશ્વર છું."

ઇઝરાયલીઓએ મુકામ ઉપાડયો

11 અને બીજા વર્ષના બીજા મહિનાના વીસમા દિવસે સાક્ષ્યોના મંડપ ઉપરથી મેઘ ઊપડ્યો. 12 અને ઇઝરાયલપ્રજાએ સિનાઈના અરણ્યમાંથી પોતાની મુસાફરી શરૂ કરી અને મેઘ પારાનના અરણ્યમાં થોભ્યો. 13 મૂસાને યહોવાહ તરફથી અપાયેલી આજ્ઞા મુજબ તેઓએ પોતાની પ્રથમ યાત્રા શરૂ કરી. 14 અને યહૂદાપુત્રોની પહેલી છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ચાલી નીકળી. અને તેના સૈન્યોનો આગેવાન આમ્મીનાદાબનો દીકરો નાહશોન હતો. 15 ઇસ્સાખારના દીકરાઓના કુળના સૈન્યનો આગેવાન સુઆરનો દીકરો નથાનએલ હતો. 16 અને ઝબુલોનના દીકરાઓના કુળનો સૈન્યનો ઉપરી હેલોનનો દીકરો અલિયાબ હતો. 17 ત્યાર પછી મંડપ ઉપાડવામાં આવ્યો એટલે ગેર્શોનના દીકરા તથા મરારીના દીકરાઓ મંડપ ઊંચકીને ચાલી નીકળ્યા. 18 તે પછી, રુબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ચાલી નીકળી. અને તેના સૈન્યનો ઊપરી શદેઉરનો દીકરો અલીસૂર હતો. 19 અને શિમયોનનો દીકરાના કુળના સૈન્યનો ઉપરી સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ હતો. 20 અને ગાદના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી દુએલનો દીકરો એલિયાસાફ હતો.

21 અને કહાથીઓ પવિત્રસ્થાનમાંની સાધનસામગ્રી ઊંચકીને ચાલ્યા. તેઓ જઈ પહોંચે તે અગાઉ બીજાઓએ મંડપને ઊભો કર્યો. 22 પછી એફ્રાઇમના દીકરાઓની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ચાલી નીકળી અને તેના સૈન્ય પર આમ્મીહૂદનો દીકરો અલિશામા હતો. 23 અને મનાશ્શાના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ હતો. 24 અને બિન્યામીનના દીકરાના કુળના સૈન્યનો ઉપરી ગિદિયોનીનો દીકરો અબીદાન હતો.

25 પછી દાનના દીકરાઓની છાવણીની ધજા તેમનાં સૈન્ય મુજબ ચાલી નીકળી. બધી છાવણીઓના સૈન્યમાં તે સૌથી પાછળ હતી. અને તેનાં સૈન્યનો ઉપરી આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર હતો. 26 અને આશેરના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી ઓક્રાનનો દીકરા પાગિયેલ હતો. 27 અને નફતાલીના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી એનાનનો દીકરો અહીરા હતો. 28 ઇઝરાયલપ્રજાના સૈન્યોની કૂચનો ક્રમ આ મુજબ હતો. અને તેઓએ કૂચ આરંભી.

29 અને મૂસાના સસરા મિદ્યાની રેઉએલના દીકરા હોબાબ સાથે મૂસાએ વાત કરી. દુએલ એ મૂસાની પત્નીનો પિતા હતો. મૂસાએ હોબાબને કહ્યું કે, "જે જગ્યા વિષે યહોવાહે અમને કહ્યું છે ત્યાં જવા માટે આપણે મુસાફરી કરીએ છીએ. યહોવાહે કહ્યું છે કે, 'હું તમને તે આપીશ.' અમારી સાથે ચાલો અને અમે તમારું ભલું કરીશું. કેમ કે યહોવાહે ઇઝરાયલનું ભલું કરવાનું વચન આપ્યું છે.'' 30 પણ હોબાબે મૂસાને ઉત્તર આપ્યો કે,"હું તમારી સાથે નહિ આવું. હું તો મારા પોતાના દેશમાં મારાં સગાઓ પાસે જઈશ.''

31 મૂસાએ જવાબ આપ્યો કે, "કૃપા કરી અમને છોડીને ન જઈશ. કેમ કે અરણ્યમાં અમારે કેવી રીતે છાવણી કરવી તે તું જાણે છે અને તું અમારે માટે આંખોની ગરજ સારે છે. 32 અને જો તું અમારી સાથે આવશે તો એમ થશે કે, યહોવાહ અમારું જે કંઈ ભલું કરશે તેમ અમે તમારું ભલું કરીશું."

લોકો ચાલી નીકળ્યા

33 અને તેઓએ યહોવાહના પર્વતથી નીકળી ત્રણ દિવસ યાત્રા કરી. તે ત્રણે દિવસ દરમ્યાન યહોવાહનો કરારકોશ તેમને માટે વિશ્રામસ્થાનની જગ્યા શોધવા તેઓની આગળ ચાલ્યો. 34 અને દિવસે તેઓ છાવણીમાંથી ચાલી નીકળતા. ત્યારે યહોવાહનો મેઘસ્તંભ તેઓના ઉપર રહેતો.

35 અને જ્યારે કરારકોશ ચાલી નીકળતો ત્યારે એમ થતું કે, મૂસા કહેતો, "હે યહોવાહ, તમે ઊઠો અને તમારા શત્રુઓને વેરવિખેર કરી નાખો, અને તમારો તિરસ્કાર કરનારને દૂર કરો.'' 36 અને જ્યારે કરારકોશ થોભતો ત્યારે મૂસા કહેતો કે, હે યહોવાહ, ઇઝરાયલના કરોડો પાસે તમે પાછા આવો."

Chapter 11

તે સ્થળનું નામ તાબેરા પાડયું

1 અને ઇઝરાયલીઓ યહોવાહના સાંભળતાં મુશ્કેલી વિષે ફરિયાદ કરી. યહોવાહ તે સાંભળીને તેઓના પર ગુસ્સે થયા. અને તેમનો અગ્નિ તેઓ મધ્યે પ્રગટ્યો; અને તેમણે છાવણીના સૌથી દૂરના છેડા સુધીના ભાગને બાળીને ભસ્મ કર્યો. 2 લોકોએ મૂસાને પોકાર કર્યો, તેથી તેણે લોકો માટે યહોવાહને પ્રાર્થના કરી અને અગ્નિ હોલવાઈ ગયો. 3 અને તે જગ્યાનું નામ તાબેરાહ [1] પાડવામાં આવ્યું. કેમ કે, તેઓ મધ્યે યહોવાહનો અગ્નિ પ્રગટ્યો હતો.

તે સ્થળનું નામ તાબેરા પાડયું

4 અને તેઓની સાથે મિશ્રિત થયેલા કેટલાક પરદેશીઓ અયોગ્ય વાસના કરવા લાગ્યા. અને ઇઝરાયલ લોકો ફરિયાદ કરી રડીને કહ્યું કે, "અમને ખાવાને માંસ કોણ આપશે? 5 જે માછલી મિસરમાં અમે મફતમાં ખાતા હતા તે હવે અમને યાદ આવે છે; વળી કાકડી, તડબૂચ, પ્યાજ અને લસણ પણ. 6 હાલ તો અમે નબળા પડી ગયા છીએ. ફક્ત આ માન્ના સિવાય બીજું કંઈ જ અમારી નજરે પડતું નથી."

7 માન્ના તો ધાણાના દાણા જેટલું હતું. તે ગુંદર જેવા ચીકણા પદાર્થ જેવું દેખાતું હતું. 8 લોકો છાવણીમાં ફરીને માન્ના વીણીને એકત્ર કરી લાવતા અને ઘંટીમાં દળી અથવા ખાંડણિયામાં ખાંડીને તથા તવામાં શેકીને તેની પૂરીઓ બનાવતા; અને તેનો સ્વાદ જૈતૂનના તેલ જેવો હતો.

9 અને રાત્રે છાવણીમાં ઝાકળ પડતું ત્યારે તેની સાથે માન્ના પણ પડતું. 10 અને મૂસાએ સર્વ લોકોને પોતપોતાના કુટુંબોમાં એટલે દરેક માણસને પોતાના તંબુના બારણા આગળ રડતાં સાંભળ્યા. અને યહોવાહ બહુ ગુસ્સે થયા મૂસાની નજરમાં ખોટું લાગ્યું.

11 મૂસાએ યહોવાહને કહ્યું, ''તમે તમારા સેવકને શા માટે દુઃખી કર્યો? અને હું તમારી દૃષ્ટિમાં કેમ કૃપા ન પામ્યો કે તમે એ સર્વ લોકોનો બોજ મારા પર નાખો છો.? 12 શું આ સર્વ લોકો મારાં સંતાનો છે ? શું મેં તેઓને જન્મ આપ્યો છે કે તમે મને કહો છો કે કોઈ પાળક પિતા પોતાની ગોદમાં ધાવણા બાળકને છાતીએ વળગાડી રાખે છે, તેમ જે દેશ વિષે મેં તેઓના પિતૃઓ આગળ સોગન ખાધા તેમાં તેઓને ઊંચકીને લઈ જા?

13 આ સર્વ લોકોને આપવા માટે મને માંસ કયાંથી મળી શકે? કેમ કે તેઓ રડી રડીને મને કહે છે કે, "અમને માંસ આપો કે અમે ખાઈએ. 14 હું એકલો આ સર્વ લોકોનો બોજ સહન કરી શકતો નથી, કેમ કે તે બોજ મારા ગજા બહારનો છે. 15 જો તમે મારી સાથે આ રીતે વર્તો, ત્યારે તો, જો હું તમારી દૃષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો મને મારી નાખો કે મને મારું હિનતા જોવી ન પડે."

16 પછી યહોવાહે મૂસાને કહ્યું, "ઇઝરાયલના વડીલોમાંના સિત્તેર પુરુષો કે જેઓને તું લોકોના વડીલો તથા ઉપરીઓ તરીકે ઓળખાવે છે. તેઓને મારી સમક્ષ એકત્ર કર. અને મુલાકાતમંડપની પાસે તેઓને લાવ. તેઓને ત્યાં તારી સાથે ઊભા રાખ. 17 હું નીચે ઊતરીને ત્યાં આવીશ અને તારી સાથે વાત કરીશ, મેં તને જે આત્મા આપ્યો છે તેમાંનો લઈને હું એ લોકો પર મૂકીશ. તેથી તેઓ પણ તારી સાથે લોકોનો ભાર ઊચકશે, તેથી તારે એકલાએ બોજ ઊંચકવો પડશે નહિ.

18 તું લોકોને કહે કે,; તમે કાલને સારુ પોતાને શુદ્ધ કરો યહોવાહની મુલાકાત માટે તૈયાર થાઓ. તમને માંસ મળશે, કેમ કે, તમે રડીને યહોવાહના કાનોમાં કહ્યું કે, "અમને ખાવાને માંસ કોણ આપશે? કેમ કે, મિસરમાં જ અમારા માટે સારું હતું." એ માટે યહોવાહ તમને માંસ આપશે અને તમે ખાશો. 19 એક દિવસ કે બે દિવસ નહિ, પાંચ, દશ કે વીસ દિવસ સુધીય નહિ, 20 પરંતુ એક આખા મહિના સુધી તમે તે ખાશો એટલે સુધી કે તે તમારાં નસકોરામાંથી પાછું નીકળશે. અને તેથી તમે કંટાળી જશો. કેમ કે યહોવાહ જે તમારી મધ્યે છે તેનો તમે ઇનકાર કર્યો છે અને તેમની આગળ રડીને કહ્યું છે કે ''અમે મિસરમાંથી કેમ બહાર આવ્યા?"'"

21 પછી મૂસાએ કહ્યું, જે લોકોની સાથે હું છું તેઓ છ લાખ પાયદળ છે અને તમે કહ્યું છે કે, હું તેઓને એટલું બધું માંસ આપીશ કે, તેઓ એક આખા મહિના સુધી તે ખાશે.' 22 શું તેઓને પૂરતું થાય તે માટે ઘેટાંબકરાં તથા ઢોરઢાંકના ટોળાં કાપવામાં આવશે? કે તેઓને પૂરતું થાય તે માટે સમુદ્રનાં બધાં માછલાં એકત્ર કરવામાં આવશે?" 23 યહોવાહે મૂસાને કહ્યું કે, "શું મારો હાથ એટલો ટૂંકો પડ્યો છે? મારું વચન તારા પ્રત્યે પૂરું થશે કે નહિ એ તું હવે જોઈશ."

24 પછી મૂસાએ બહાર આવીને યહોવાહનાં વચન લોકોને કહી સંભળાવ્યાં. અને લોકોના વડીલોમાંના સિત્તેર માણસોને તેણે એકત્ર કર્યા. અને તેઓને તંબુની આજુબાજુ ઊભા રાખ્યા. 25 યહોવાહ મેઘમાંથી ઊતરી આવ્યા અને મૂસા સાથે બોલ્યા પછી મૂસાને જે આત્મા આપ્યો હતો તેમાંનો લઈ અને તે સિત્તેર વડીલો પર મૂક્યો. અને એમ થયું કે આત્મા તેઓ પર રહ્યો. ત્યાં સુધી તેઓએ પ્રબોધ કર્યો. પણ ત્યાર પછી તેઓએ એમ કર્યુ નહિ.

26 પરંતુ છાવણીમાં બે પુરુષો રહી ગયા હતાં. એકનું નામ એલ્દાદ તથા બીજાનું મેદાદ હતું. અને તેઓના પર આત્મા રહ્યો. તેઓનાં નામ યાદીમાં લખાયેલાં હતાં, પણ બહાર નીકળીને તંબુ પાસે ગયા ન હતા અને છાવણીમાં તેઓ પ્રબોધ કરવા લાગ્યા. 27 અને એક યુવાને દોડી જઈને મૂસાને કહ્યું કે, "એલ્દાદ અને મેદાદ છાવણીમાં પ્રબોધ કરે છે."

28 નૂનનો પુત્ર યહોશુઆ, જે મૂસાની સેવામાં હતો તેઓમાંના પસંદ કરાયેલા એકે, મૂસાને કહ્યું કે, "મારા માલિક મૂસા, તેમને મના કર." 29 અને મૂસાએ તેને કહ્યું કે "શું મારી ખાતર તને તેમના પર અદેખાઈ આવે છે? હું ઇચ્છું છું કે યહોવાહના સર્વ લોકો પ્રબોધકો થાય કે યહોવાહ તેઓના ઉપર પોતાનો આત્મા મૂકે!" 30 પછી મૂસા તથા ઇઝરાયલના સિત્તેર આગેવાનો છાવણીમાં પાછા ગયા.

પ્રભુ લાવરીઓ મોકલે છે

31 પછી તરત યહોવાહ પાસેથી પવન આવ્યો અને તે સમુદ્ર તરફથી લાવરીઓને ઘસડી લાવ્યો. અને છાવણીની પાસે આ બાજુએ એક દિવસની મુસાફરી સુધી તથા બીજી બાજુએ એક દિવસની મુસાફરી સુધી તેઓને છાવણીની આસપાસ નાખી. અને તેઓ જમીનથી આશરે બત્રીસ હાથ ઊંચે તેઓ ઊડતી હતી. 32 તેથી લોકોએ તે આખો દિવસ અને આખી રાત અને બીજો આખો દિવસ ઊભા રહી લાવરીઓને ભેગી કરી. ઓછામાં ઓછી લાવરીઓ એકઠી કરનારે દસ હોમેર જેટલી એકઠી કરી. અને તેઓએ તેને છાવણીની આસપાસ સર્વ ઠેકાણે તે પાથરી દીધી.

33 પણ માંસ હજી તેઓના મોમાં જ હતું. અને તે ચવાયું પણ નહોતું એટલામાં તો તેઓના ઉપર યહોવાહનો કોપ સળગી ઊઠયો. અને લોકોને યહોવાહે મોટી મરકીથી માર્યા. 34 તેથી તેઓએ એ જગ્યાનું નામ 'કિબ્રોથ હાત્તાવાહ' પાડ્યું કેમ કે જેઓએ અયોગ્ય વાસના કરી હતી તેઓને તેઓએ ત્યાં દફનાવ્યા. 35 અને લોકો કિબ્રોથ હાત્તાવાહ [2] થી નીકળીને હસેરોથ ગયા અને તેઓ હસેરોથમાં રહ્યા.


11:3 [1] બળતરા
11:35 [2] લોભનો કબર

Chapter 12

મરિયમને શિક્ષા

1 અને મૂસાએ એક કૂશી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતાં. તેને લીધે મરિયમ અને હારુન મૂસાની વિરુદ્ધ બોલ્યા. 2 તેઓએ કહ્યું, "શું યહોવાહ ફક્ત મૂસા મારફતે જ બોલ્યા છે? શું તેઓ આપણી મારફતે બોલ્યા નથી? "હવે યહોવાહે તેઓએ જે કહ્યું તે સાંભળ્યું. 3 મૂસા ખૂબ નમ્ર હતો, પૃથ્વી પર નમ્ર તેના જેવો બીજો કોઈ ન હતો.

4 યહોવાહે મૂસા, હારુન અને મરિયમને એકાએક કહ્યું; ''તમે ત્રણે મુલાકાતમંડપની પાસે બહાર આવો." અને તેઓ ત્રણે બહાર આવ્યાં. 5 પછી યહોવાહ મેઘસ્તંભમાં ઊતર્યા. અને તેઓ તંબુના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા. તેમણે હારુનને અને મરિયમને બોલાવ્યાં. અને તેઓ બન્ને આગળ આવ્યાં.

6 યહોવાહે કહ્યું, "હવે મારા શબ્દો સાંભળો.

     જ્યારે તમારી સાથે મારો પ્રબોધક હોય,

         તો હું પોતે સંદર્શનમાં તેને પ્રગટ થઈશ.

         અને સ્વપ્નમાં હું તેની સાથે બોલીશ. 7 મારો સેવક મૂસા એવો નથી

     તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે. 8 હું મૂસા સાથે તો મુખોપમુખ બોલીશ, મર્મો વડે નહિ.

     તે મારું સ્વરૂપ જોશે.

     તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતા કેમ બીધા નહિ?"

9 પછી યહોવાહનો કોપ તેઓના પર સળગી ઊઠ્યો અને તે તેમની પાસેથી ચાલ્યા ગયા. 10 અને તંબુ પરથી મેઘ હઠી ગયો મરિયમ કુષ્ટરોગથી બરફ જેવી શ્વેત થઈ ગઈ. જ્યારે હારુને પાછા વળી મરિયમ તરફ જોયું, તો જુઓ તે કુષ્ઠરોગી થઈ ગયેલી હતી.

11 હારુને મૂસાને કહ્યું કે, "ઓ મારા માલિક, કૃપા કરીને અમારા પર આ દોષ ન મૂક. કેમ કે અમે મૂર્ખાઈ કરી અને પાપ કર્યું છે. 12 પોતાની માતા જન્મ આપે તે વખતે જેનું અડધું શરીર ખવાઈ ગયું હોય એવી મૃત્યુ પામેલા જેવી તે ન થાઓ."

13 તેથી, મૂસાએ યહોવાહને વિનંતી કરી. તેણે કહ્યું કે, ઓ ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે તેને સાજી કરો." 14 યહોવાહે મૂસાને કહ્યું કે, "જો તેનો પિતા તેના મુખ પર થૂંકયો હોત, તો સાત દિવસ તે લાજત. તેથી સાત દિવસ તે છાવણીની બહાર રખાય. અને પછી તે પાછી આવે." 15 આથી મરિયમને સાત દિવસ સુધી છાવણીની બહાર રાખવામાં આવી અને મરિયમને પાછી અંદર લાવવામાં આવી ત્યાં સુધી લોકોએ આગળ મુસાફરી કરી નહિ.

16 પછી લોકો હસેરોથથી નીકળીને પારાનના અરણ્યમાં છાવણી કરી.

Chapter 13

કનાન દેશ વિષે જાણવા જાસૂસો

1 પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે, 2 "કનાન દેશ, જે હું ઇઝરાયલી લોકોને આપવાનો છું તેની જાસૂસી કરવા માટે તું થોડા માણસોને મોકલ. તેઓના પિતાના સર્વ કુળમાંથી એક એક પુરુષને મોકલ. તે દરેક તેઓ મધ્યે આગેવાન હોય."

3 અને યહોવાહની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના આગેવાનો હતા. 4 તેઓનાં નામ આ પ્રમાણે છે; રુબેનના કુળમાંથી, ઝાક્કૂરનો દીકરો શામ્મૂઆ.

5 શિમયોનના કુળમાંથી હોરીનો દીકરો શાફાટ. 6 યહૂદાના કુળમાંથી, યફૂન્નેનો દીકરો કાલેબ. 7 ઇસ્સાખારના કુળમાંથી, યૂસફનો દીકરો ઈગાલ. 8 એફ્રાઇમના કુળમાંથી, નૂનનો દીકરો હોશિયા.

9 બિન્યામીનના કુળમાંથી, રાફુનો દીકરો પાલ્ટી. 10 ઝબુલોનના કુળમાંથી, સોદીનો દીકરો ગાદીયેલ. 11 યૂસફના કુળમાંથી એટલે મનાશ્શા કુળમાંથી, સુસીનો દીકરો ગાદી. 12 દાન કુળમાંથી, ગમાલીનો દીકરો આમ્મીએલ.

13 આશેરના કુળમાંથી, મિખાએલનો દીકરો સથુર. 14 નફતાલીના કુળમાંથી, વોફસીનો દીકરો નાહબી. 15 ગાદના કુળમાંથી, માખીરનો દીકરો ગુએલ. 16 જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવા મોકલ્યા તેઓનાં નામ એ હતાં. મૂસાએ નૂનના દીકરા હોશિયાનું નામ બદલીને યહોશુઆ રાખ્યું.

17 મૂસાએ તેઓને કનાન દેશની જાસૂસી કરવા મોકલ્યા અને તેઓને કહ્યું કે, ''તમે નેગેબની દક્ષિણમાં થઈને ઉચ્ચ પ્રદેશમાં જાઓ. 18 તે દેશ કેવો છે તે જુઓ ત્યાં રહેનારા લોક બળવાન છે કે અબળ, થોડા છે કે ઘણાં? 19 જે દેશમાં તેઓ રહે છે તે કેવો છે સારો છે કે ખરાબ? તેઓ કેવા નગરોમાં રહે છે? શું તેઓ છાવણીઓ કે કિલ્લાઓમાં રહે છે? 20 ત્યાંની જમીન ફળદ્રુપ છે કે ઉજ્જડ? વળી ત્યાં વૃક્ષો છે કે નહિ ? તે જુઓ, નિર્ભય થઈને જાઓ અને તે દેશનું ફળ લેતા આવજો." હવે તે સમય પ્રથમ દ્રાક્ષો પાકવાનો હતો.

21 તેથી તેઓ ઊંચાણમાં ગયા અને જઈને સીનના અરણ્યથી રહોબ સુધી એટલે હમાથની ઘાટી સુધી દેશની જાસૂસી કરી. 22 તેઓ નેગેબમાંથી પસાર થયા અને હેબ્રોન પહોંચ્યા. ત્યાં અનાકપુત્રો અહીમાન, શેશાઈ અને તાલ્માય હતા. હેબ્રોન તો મિસરમાંના સોઆનથી સાત વર્ષ અગાઉ બંધાયું હતું.

23 જ્યારે તેઓ એશ્કોલના નીચાણમાં પહોચ્યા. ત્યાં તેઓએ દ્રાક્ષવેલાની ઝૂમખા કાપી લીધી. બે માણસોની વચ્ચમાં દાંડા ઉપર લટકાવીને તેને ઊંચકી લીધી. પછી કેટલાંક દાડમ અને અંજીર પણ તેઓ લાવ્યા. 24 જે દ્રાક્ષનું ઝૂમખું ઇઝરાયલીઓએ ત્યાંથી કાપ્યું તેના પરથી એ જગ્યાનું નામ એશ્કોલ [1] પડ્યું.

25 તે દેશની જાસૂસી કરીને તે લોકો ચાળીસ દિવસ પછી પાછા આવ્યા. 26 તેઓ ત્યાંથી મૂસા તથા હારુનની પાસે તથા ઇઝરાયલપુત્રોની આખી જમાત પાસે પારાનના અરણ્યમાં કાદેશમાં આવ્યા. અને તેઓને તથા આખી જમાતને તેઓએ જાણ કરી. અને તે દેશનાં ફળ તેઓને બતાવ્યાં.

27 તેઓએ મૂસાને કહ્યું, "તેં અમને જે દેશમાં મોકલ્યા ત્યાં અમે ગયા, તે ખરેખર દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ [2] છે. અને આ તેનું ફળ છે. 28 તોપણ તે દેશનાં લોકો શક્તિશાળી છે તેઓનાં નગરો વિશાળ અને કિલ્લેબંધીવાળા છે. વળી અમે ત્યાં અનાકપુત્રોને પણ જોયા. 29 અમાલેકીઓ નેગેબમાં રહે છે. અને પહાડી પ્રદેશોમાં હિત્તીઓ, યબૂસીઓ અને અમોરીઓ રહે છે. અને કનાનીઓ સમુદ્ર પાસે અને યર્દનને કાંઠે રહે છે."

30 પછી કાલેબે મૂસાની પાસે ઊભા રહેલા લોકોને શાંત પાડ્યા અને કહ્યું, ચાલો, આપણે હુમલો કરી તે દેશનો કબજો લઈએ, કેમ કે આપણે તેને જીતી શકવા માટે સમર્થ છીએ." 31 પણ જે માણસો તેઓની સાથે ગયા હતા તેઓએ કહ્યું કે, "આપણે એ લોકો ઉપર હુમલો કરી શકતા નથી. કેમ કે તેઓ આપણા કરતાં વધુ બળવાન છે."

32 અને જે દેશની જાસૂસી તેઓએ કરી હતી, તે વિષે ઇઝરાયલ લોકોની પાસે તેઓ માઠો સંદેશો લાવ્યા.અને એમ કહ્યું કે, "જે દેશમાં અમે જાસૂસી કરવા માટે ફરી વળ્યા છીએ તે તેના વસનારાને ખાઈ જનાર દેશ છે ત્યાં અમે જોયેલા બધા માણસો બળવાન છે. 33 ત્યાં અમે મહાકાય એટલે અનાકના વંશજોને પણ જોયા, તેઓની સામે અમે પોતાની દૃષ્ટિમાં તીડોના જેવા હતા. અને તેઓની નજરમાં અમે પણ એવા જ હતા."


13:24 [1] ગુચ્છ
13:27 [2] ફળદ્રૂપ

Chapter 14

જાસૂસોના હેવાલ પછી લોકોની કચકચ

1 અને સમગ્ર સમાજે મોટે સાદે પોક મૂકી અને તે આખી રાત લોક રડ્યા. 2 અને સર્વ ઇઝરાયલીઓએ મૂસા અને હારુનની વિરુદ્ધ કચકચ કરી. સમગ્ર સમુદાયે તેઓને કહ્યું "આ અરણ્ય કરતાં તો અમે મિસરમાં જ મૃત્યુ પામ્યા હોત તો કેવું સારું થાત.! 3 તલવારથી મરવાને યહોવાહ અમને આ દેશમાં શા માટે લાવ્યા છે? અમારી સ્ત્રીઓ તથા બાળકોને તેઓ પકડી લેશે. આના કરતાં તો મિસર પાછા જવું એ અમારે માટે વધારે સારું ન હોય?!"

4 અને તેઓએ એકબીજાને કહ્યું કે, "ચાલો, આપણે કોઈને આગેવાન તરીકે પસંદ કરીએ અને પાછા મિસર જઈએ." 5 ત્યારે મૂસા તથા હારુન ઇઝરાયલ લોકોના ભેગા મળેલા સમગ્ર સમુદાય આગળ ઊંધા પડયા.

6 અને નૂનનો દીકરો યહોશુઆ તથા યફૂન્નેનો દીકરો કાલેબ જેઓ દેશની જાસૂસી કરનારાઓમાંનાં હતા. તેઓએ પોતાનાં વસ્ત્ર ફાડ્યાં. 7 અને તેઓએ ઇઝરાયલપુત્રોના સમગ્ર સમુદાયને કહ્યું કે, "અમે જે દેશની જાસૂસી કરવા ગયા હતા તે ખૂબ ઉતમ દેશ છે. 8 જો યહોવાહ આપણા પર પ્રસન્ન હશે, તો તે આપણને તે દેશમાં લઈ જશે અને તે આપણને આપશે. તે તો દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ છે.

9 પણ યહોવાહની વિરુદ્ધ તમે દંગો ન કરશો, તેમ જ દેશના લોકોથી તમે ડરશો નહિ, કેમ કે તેઓને આપણે ખોરાકની પેઠે ખાઈ જઈશું. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે, કેમ કે યહોવાહ આપણી સાથે છે તેઓથી ડરશો નહિ." 10 પણ સમગ્ર સમાજે કહ્યું કે, તેઓને પથ્થરે મારો. અને મુલાકાતમંડપમાં સર્વ ઇઝરાયલપુત્રોને યહોવાહનું ગૌરવ દેખાયું.

મૂસા લોકોને માટે પ્રાર્થના કરે છે

11 અને યહોવાહે મૂસાને કહ્યું કે, "આ લોકો કયાં સુધી મને ધિક્કારશે? તેઓ મધ્યે જે સર્વ ચિહ્નો મેં કર્યા છે તે છતાં પણ તેઓ કયા સુધી મારા પર વિશ્વાસ રાખશે નહિ? 12 હું મરકી ફેલાવીને તેમનો નાશ કરીશ અને તેઓને વતન વિનાના કરી નાખીશ. અને તેઓના કરતાં એક મોટી તથા બળવાન દેશજાતિ તારાથી ઉત્પન્ન કરીશ."

13 પણ મૂસાએ યહોવાહને કહ્યું કે, જો તમે આમ કરશો, તો મિસરીઓ તે વાત સાંભળશે. કેમ કે, તમે તમારા પરાક્રમથી તેઓ મધ્યેથી આ લોકોને બહાર લાવ્યા છો. 14 તેઓ આ દેશના રહેવાસીઓને કહેશે કે, તેઓએ સાભળ્યું છે કે, તમે યહોવાહ આ લોક મધ્યે છો. કેમ કે યહોવાહ તેઓને મુખ સમક્ષ દેખાય છે. અને તમારો મેઘ તમારા લોકની ઉપર થોભે છે. અને દિવસે મેઘસ્થંભમાં અને રાત્રે અગ્નિસ્થંભમાં તેઓની આગળ તમે ચાલો છો.

15 હવે જો તમે આ લોકોને એક માણસની જેમ મારી નાખશો તો જે દેશજાતિઓએ તમારી કીર્તિ સાંભળી છે તેઓ કહેશે કે, 16 'યહોવાહે આ લોકોને જે દેશ આપવાના સોગન ખાધા હતા તેમાં તે તેઓને લાવી શક્યા નહિ, એટલે તેમણે તેઓને અરણ્યમાં મારી નાખ્યા.'

17 માટે હવે હું તમને વિનંતી કરું છું કે, તમારું સામર્થ્ય બતાવો. જેમ તમે કહ્યું છે કે, 18 યહોવાહ ક્રોધ કરવામાં ધીમા તથા પુષ્કળ દયાળુ છો. અને અન્યાય તથા અપરાધોની ક્ષમા આપનાર છે. તથા કોઈ પણ પ્રકારે દોષિતને નિર્દોષ નહિ ઠરાવનાર અને પિતાઓના અન્યાયનો બદલો ત્રીજી તથા ચોથી પેઢીનાં બાળકો પાસેથી લેનાર છે. 19 હું તમને વિનંતી કરું છું કે, તમારી દયાના માહાત્મય પ્રમાણે અને જેમ તમે મિસરથી માંડીને આજ પર્યંત તેઓને પાપની માફી આપી છે, તે પ્રમાણે તેઓને ક્ષમા કરો."

20 યહોવાહે કહ્યું કે, "તારા કહેવા મુજબ મેં તેઓને ક્ષમા કરી છે, 21 પણ નિશ્ચે હું જીવતો છું. અને આખી પૃથ્વી યહોવાહના ગૌરવથી ભરપૂર થશે, 22 જે સર્વ લોકોએ મારું ગૌરવ અને મિસરમાં તથા અરણ્યમાં મારા ચમત્કારો જોયા છતાં દસ વખત મારું પારખું કર્યું છે અને મારી વાણી સાંભળી નથી.

23 મેં તેઓના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે તેઓ નહિ જ જોશે. તેમ જ મને તુચ્છકારનાર કોઈ પણ તે દેશને જોવા પામશે નહિ. 24 સિવાય મારો સેવક કાલેબ કેમ કે તેને જુદો આત્મા હતો. અને તે મારા માર્ગમાં સંપૂર્ણપણે ચાલ્યો છે. તે માટે જે દેશમાં એ ગયો છે તે દેશમાં હું તેને લઈ જઈશ અને તેના સંતાન તેનું વતન પ્રાપ્ત કરશે. 25 હાલ અમાલેકીઓ અને કનાનીઓ મેદાનમાં વસે છે. તેથી કાલે તમે પાછા ફરો અને સૂફ સમુદ્રને રસ્તે પાછા અરણ્યમાં જાઓ."

લોકોને તેમની કચકચ માટે શિક્ષા

26 યહોવાહ મૂસા અને હારુનની સાથે બોલ્યા. તેમણે કહ્યું, 27 "આ દુષ્ટ લોકો જે મારી વિરુદ્ધ કચકચ કરે છે તેઓનું હું ક્યાં સુધી સહન કરું? ઇઝરાયલી લોકોની કચકચ જે તેઓ મારી વિરુદ્ધ કરે છે તે સર્વ મેં સાંભળી છે.

28 યહોવાહ કહે છે કે, તેઓને કહે કે, 'હું જીવિત છું,' જેમ તમે મારા કાનોમાં બોલ્યા તેમ હું નક્કી કરીશ; 29 અને તમારા મૃતદેહ આ અરણ્યમાં પડશે. જેઓએ મારા વિરુદ્ધ કચકચ કરી છે અને તમારામાંના જેઓની ગણતરી થઈ છે એટલે વીસ વર્ષની ઉંમરના અને તેથી વધારે ઉપરના તેઓની સંખ્યામાંના તમારા લોકો. 30 મેં તમને જે દેશમાં વસાવવાનું વચન આપ્યું હતું તેમાં જવા નહિ જ પામશે. ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ અને નૂનનો દીકરો યહોશુઆ જ તેમાં પ્રવેશ કરશે.

31 પણ તમારાં સંતાનો જેઓના વિષે તમે કહ્યું કે, તેઓ લૂંટરૂપ થઈ જશે. તેઓને હું અંદર લાવીશ. જે દેશનો તમે અસ્વીકાર કર્યો છે. તેનો તેઓ અનુભવ કરશે! 32 પણ તમારા મૃતદેહો તો આ અરણ્યમાં પડશે. 33 અને ચાળીશ વર્ષ સુધી તમારા સંતાનો અરણ્યમાં ભટકશે. અને તમારા ગુનાઓનું ફળ ભોગવશે જ્યાં સુધી કે અરણ્યમાં તમારા મૃતદેહો નાશ પામે.

34 જેટલા દિવસમાં તમે તે દેશની જાસૂસી કરી એટલે ચાળીસ દિવસ તેઓની સંખ્યા મુજબ એક એક દિવસને બદલે એક એક વર્ષ લેખે એટલે ચાળીસ વર્ષ સુધી તમે તમારાં વ્યભિચારનું ફળ ભોગવશો. 35 હું યહોવાહ બોલ્યો છું કે, નિશ્ચે આ દુષ્ટ પ્રજા જે મારી આગળ એકઠી થઈ છે તેઓને હું આ પ્રમાણે કરીશ. આ અરણ્યમાં તેઓનો અંત થશે અને અહીં તેઓ મૃત્યુ પામશે.

36 અને જે માણસોને મૂસાએ દેશની જાસૂસી કરવા માટે મોકલ્યા હતા. તેમાંના જેઓ પાછા આવ્યા અને દેશ વિષે ખરાબ સંદેશો લાવીને આખી પ્રજાની પાસે તેની વિરુદ્ધ કચકચ કરાવી. 37 જે લોકો દેશ વિષે ખરાબ સંદેશો લાવ્યા તેઓ યહોવાહની આગળ મરકીથી માર્યા ગયા. 38 પણ જેઓ દેશની જાસૂસી કરવા ગયા હતા તેઓમાંનો નૂનનો દીકરો યહોશુઆ તથા યફૂન્નેનો દીકરો કાલેબ જીવતા રહ્યા.

કનાન દેશ કબજે કરવા ઇઝરાયલીઓનો પ્રથમ હુમલો

39 જ્યારે મૂસાએ આ સર્વ વાતો ઇઝરાયલી લોકોને કહી અને ત્યારે તેઓએ બહુ શોક કર્યો. 40 અને તેઓ વહેલી સવારે ઊઠયા અને પર્વતના શિખર પર જઈને કહ્યું કે, ''જુઓ, આપણે અહીં છીએ. અને જે જગ્યા વિષે યહોવાહે વચન આપ્યું હતું ત્યાં આપણે જઈએ, કેમ કે આપણે પાપ કર્યું છે."

41 પણ મૂસાએ કહ્યું, તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો? તમે સફળ થશો નહિ. 42 આગળ જશો નહિ, કેમ કે યહોવાહ તમારી મધ્યે નથી રખેને તમારા શત્રુઓ તમને હરાવે. 43 પણ અમાલેકીઓ અને કનાનીઓ ત્યાં તમારી આગળ છે અને તમે તલવારથી મરશો કેમ કે તમે યહોવાહને અનુસરવાથી પાછા ફર્યા છો. તેથી તેઓ તમારી સાથે નહિ રહે."

44 હવે તેઓ પર્વતના શિખર પર ચઢી ગયા. પરંતુ યહોવાહનો કરારકોશ અને મૂસા છાવણીમાંથી બહાર ન ગયા. 45 પછી અમાલેકીઓ અને કનાનીઓ જેઓ તે પર્વતોમાં રહેતા હતા તેઓ નીચે ઊતરી આવ્યા. અને તેઓએ ઇઝરાયલીઓ પર હુમલો કર્યો અને તેઓને હોર્મા સુધી નસાડ્યા.

Chapter 15

અર્પણો અંગેના નિયમો

1 પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું, 2 ઇઝરાયલી લોકોને કહે કે, તમારા વસવાટ માટેનો જે દેશ યહોવાહ તમને આપે છે તેમાં જયારે તમે પ્રવેશો ત્યારે, 3 અને જ્યારે તમે અર્પણ માટે ઐચ્છિકાર્પણ તરીકે તમારા નક્કી કરેલા પર્વોમાં યહોવાહને સારુ સુવાસને અર્થે ઘેટાંબકરાંનો કે અન્ય જાનવરોના હોમયજ્ઞ તથા દહનીયાર્પણ અથવા યજ્ઞ ચઢાવો.

4 ત્યારે પોતાનું અર્પણ કરતી વખતે અર્પણ ચઢાવનારે એની સાથે પા હિન ચોથા ભાગના તેલથી મોહેલા એક દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાર્પણ યહોવાહને અર્પણ કરવું. 5 અને દરેક હલવાનને સારુ દહનીયાર્પણ સાથે કે યજ્ઞ સાથે પા હિન દ્રાક્ષારસનું પેયાર્પણ તું તૈયાર કર.

6 જો તું ઘેટાંનું અર્પણ ચઢાવે તો, એક તૃતીયાંશ હિન તેલથી મોહેલા બે દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાપર્ણ તૈયાર કર. 7 અને એક તૃતીયાંશ હિન દ્રાક્ષારસનું સુવાસિત પેયાર્પણ યહોવાહને ચઢાવ.

8 અને જ્યારે તું દહનીયાર્પણ કે પ્રતિજ્ઞા પૂર્ણ કરવાના યજ્ઞને માટે અથવા યહોવાહને માટે શાંત્યર્પણોને સારુ બળદ તૈયાર કરે, 9 ત્યારે તે બળદ સાથે અડધા હિન તેલથી મોહેલા ત્રણ દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાર્પણ ચઢાવે. 10 અને યહોવાહને માટે સુવાસિત પેયાર્પણ તરીકે અર્ધો હિન દ્રાક્ષારસ હોમયજ્ઞ તરીકે ચઢાવ.

11 પ્રત્યેક બળદ વિષે, કે પ્રત્યેક ઘેટા વિષે કે પ્રત્યેક નર હલવાન વિષે, કે પ્રત્યેક બકરીના બચ્ચા વિષે આ પ્રમાણે કરવું. 12 પ્રત્યેક બલિદાન જે તું તૈયાર કરી અને અર્પણ કરે તેના સંબંધમાં અહીં દર્શાવ્યાં મુજબ કરવું. 13 યહોવાહ પ્રત્યે સુવાસિત હોમયજ્ઞ ચઢાવવામાં જે સર્વ ઇઝરાયલના વતનીઓ છે, તેઓએ તે કાર્યો આ રીતે કરવા.

14 અને જો કોઈ પરદેશી તમારી સાથે રહેતો હોય, અથવા તમારા લોકની પેઢીનું જે કોઈ તમારી વચ્ચે રહેતું હોય અને જો તે યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ ચઢાવવા ઇચ્છે તો તે જેમ તમે કરો છો તે મુજબ કરે. 15 આ નિયમ તમારે માટે તથા તમારી સાથે રહેતા વિદેશીઓ માટે સમાન છે અને તે નિયમ સદાને માટે તમારા લોકના વંશજોને સારુ હોય. જેમ તમે છો તેમ યહોવાહ સમક્ષ વિદેશી પણ હોય. 16 તમારે સારુ તથા તમારી સાથે રહેતા વિદેશી માટે એક જ નિયમ તથા એક જ કાનૂન હોય.'"

17 પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે, 18 ઇઝરાયલપુત્રોને એમ કહે કે, જે દેશમાં હું તમને લઈ જાઉં છું ત્યાં તમે આવો પછી, 19 જ્યારે તમે એ દેશનું અનાજ ખાઓ ત્યારે તમારે યહોવાહને અર્પણ ચઢાવવું.

20 ઉચ્છાલીયાર્પણને માટે પ્રથમ બાંધેલા લોટની પૂરી ચઢાવવી. જેમ ખળીનું ઉચ્છાલીયાર્પણ કરો છો તેમ તમારે તેને ઉપર ઉઠાવવી. 21 તમે બાંધેલા લોટમાંથી પ્રથમ ભાગ તમારે યહોવાહ માટે ઉચ્છાલીયાર્પણ કરવું.

22 જ્યારે તમે અજાણતામાં આવી સરતચૂક કરો અને મારા હસ્તક મૂસાને કહેલી આજ્ઞાઓનું પાલન ન કરો. 23 એટલે જે સર્વ આજ્ઞાઓ યહોવાહે મૂસા મારફતે તમને આપી છે તે યહોવાહે જે દિવસે આજ્ઞા આપી ત્યારથી માંડીને પેઢી દરપેઢી પાલન નહિ કરો. 24 અને જો આખા સમાજે અજાણતામાં ભૂલ કરી હોય, તો આખી પ્રજા યહોવાહને સુવાસને અર્થે દહનીયાર્પણ તરીકે એક વાછરડો અને તેની સાથે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ શુધ્ધા વિધિ મુજબ ચઢાવે. આ સાથે પાપાર્થાર્પણ તરીકે એક બકરાનું પણ અર્પણ કરે.

25 યાજક સમગ્ર ઇઝરાયલ સમાજ માટે પ્રાયશ્ચિત કરે અને તેઓને માફ કરવામાં આવશે. કેમ કે એ સરતચૂક હતી અને તેઓ પોતાનું અર્પણ એટલે તેમને માટે હોમયજ્ઞ તથા પોતાની ભૂલને લીધે પાપાર્થાર્પણ લાવ્યા છે. 26 તેથી સમગ્ર ઇઝરાયલ સમાજને અને તેમની સાથે વસતા વિદેશીઓને પણ માફ કરવામાં આવશે, કારણ કે સઘળા લોકથી અજાણતામાં એ પાપ થયું હતું.

27 જો કોઈ વ્યક્તિ અજાણતામાં પાપ કરે, તો તેણે એક વર્ષની બકરી પાપાર્થાર્પણ તરીકે ચઢાવવી. 28 અને અજાણતામાં પાપ કરનારને યાજક યહોવાહ સમક્ષ પ્રાયશ્ચિત કરે તો તે વ્યક્તિને તેની ભૂલ માફ કરવામાં આવશે. 29 અજાણતામાં પાપ કરનાર પ્રત્યેક માટે, એટલે કે ઇઝરાયલના વતની માટે અને તેઓ મધ્યે વસનાર વિદેશી માટે આ એક જ નિયમ રાખવો.

30 પણ જો કોઈ વ્યક્તિ પછી તે ઇઝરાયલનાં વતની હોય કે વિદેશી હોય પણ જાણી જોઈને ઇરાદાપૂર્વક તે પાપ કરે તો તે મારું અપમાન કરે છે. તે માણસ પોતાના લોકોમાંથી અલગ કરાય. 31 તેણે મારું વચન ગણકાર્યું નથી અને મારી આજ્ઞા તોડી છે. તેથી એ માણસનો સંપૂર્ણ બહિષ્કાર કરવો. તેનો અન્યાય તેના માથે.'"

32 જ્યારે ઇઝરાયલી લોકો અરણ્યમાં હતા, ત્યારે તેઓએ એક માણસને વિશ્રામવારે લાકડાં વીણતા જોયો. 33 જેઓએ તેને જોયો તેઓ તેને મૂસા, હારુન અને સમગ્ર સમાજ પાસે લાવ્યા. 34 તેઓએ તેને બંદીખાનામાં રાખ્યો કેમ કે તેઓને શું કરવું તે હજી નક્કી થયું નહોતું.

35 પછી યહોવાહે મૂસાને કહ્યું, "તે માણસ નક્કી માર્યો જાય. સમગ્ર સમાજ એને છાવણી બહાર લાવી પથ્થરે મારે." 36 તેથી યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ સમગ્ર સમાજ તેને છાવણીની બહાર લઈ ગયા અને પથ્થરે માર્યો.

વસ્‍ત્રોની કોરોને કિનારી લગાડવા અંગે નિયમો

37 વળી, યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે, 38 "ઇઝરાયલ લોકોને તું કહે અને આજ્ઞા કર કે, વંશપરંપરા પોતાના વસ્ત્રને કિનારીઓ લગાડે દરેક કિનારીઓની કોર પર ભૂરા રંગની પટ્ટીઓ કિનારી લગાડે. 39 તે જોઈને તમને યહોવાહની સર્વ આજ્ઞાઓનું સ્મરણ થશે અને તમે એનું પાલન કરશો તથા તમારું અંતઃકરણ તથા તમારી પોતાની આંખો કે, જે ગણિકાઓની પાછળ ભટકી જવાની તમને ટેવ પડી છે તેઓની પાછળ ખેંચાશો નહિ.

40 જેથી તમે મારી સર્વ આજ્ઞાઓ પાળવાનું યાદ રાખો અને તમારા ઈશ્વરની આગળ પવિત્ર બનો. 41 હું યહોવાહ તમારો ઈશ્વર છું. કે જે તમને મિસર દેશમાંથી તમારો ઈશ્વર થવાને બહાર લાવ્યો છે. હું યહોવાહ તમારો ઈશ્વર છું."

Chapter 16

કોરા, દાથન અને અબિરામનો બળવો

1 લેવીના દીકરા કહાથના દીકરા યિસ્હારનો દીકરો કોરા, અલિયાબના દીકરા દાથાન તથા અબિરામ તથા પેલેથનો દીકરો ઓન, એ રુબેનના વંશજોએ કેટલાક માણસોને ભેગા કર્યા. 2 અને તેઓ ઇઝરાયલ લોકોમાંના કેટલાક એટલે પ્રજાના બસો પચાસ આગેવાનો કે જેઓ સભા માટે નિમંત્રાયેલા નામાંકિત માણસો હતા તેઓને લઈને મૂસાની સામે ઊભા થયા. 3 મૂસા તથા હારુનની વિરુદ્ધ તેઓએ સભા બોલાવીને તેઓને કહ્યું, "તમે હવે હદ પાર કરો છો. આખી જમાત પવિત્ર છે, તેઓમાંનો દરેક યહોવાહ માટે મુકરર કરાયેલો છે અને યહોવાહ તેઓની મધ્યે છે. તમે પોતાને યહોવાહની જમાત કરતાં ઊંચા શા માટે કરો છો?"

4 જ્યારે મૂસાએ આ સાંભળ્યું ત્યારે તે ઊંધો પડી ગયો. 5 તે કોરા તથા તેની આખી ટોળી સાથે બોલ્યો, તેણે કહ્યું, "સવારે યહોવાહ બતાવશે કે કોણ તેઓના છે અને કોણ યહોવાહ માટે મુકરર કરાયેલા છે. જેને તેઓ પસંદ કરશે તેને ઈશ્વર પોતાની પાસે બોલાવશે. યહોવાહ તેને પોતાની પાસે બોલાવશે.

6 કોરા તથા તારી આખી ટોળી આ પ્રમાણે કરો. ધૂપપાત્ર લો 7 આવતીકાલે અગ્નિ તથા ધૂપ લઈ યહોવાહની આગળ મૂકો. યહોવાહ જેને પસંદ કરશે, જે મુકરર થયેલ છે તે વ્યક્તિ પવિત્ર બનશે. હે લેવીના વંશજ તમે ઘણાં દૂર જતા રહ્યા છો."

8 ફરીથી, મૂસાએ કોરાને કહ્યું, "ઓ લેવીના વંશજો, હવે સાંભળો: 9 ઇઝરાયલના ઈશ્વરે તમને પોતાની નજીક લાવવા માટે, તેમના મંડપની સેવા કરવા માટે અને તેમના લોકની સામે ઊભા રહીને તેમની સેવા કરવા માટે ઇઝરાયલ પ્રજામાંથી અલગ કર્યા છે શું એ તમને ઓછું લાગે છે? 10 તેઓ તને તથા તારી સાથેના સર્વ ભાઈઓ એટલે લેવીના દીકરાઓને નજીક લાવ્યા છે, તમે હજી પણ યાજકપદ માગો છો? 11 તેથી તું અને તારી આખી ટોળી યહોવાહની વિરુદ્ધ એકત્ર થયાં છો. તો તમે શા માટે હારુન વિષે ફરિયાદ કરે છો, કોણ યહોવાહની આજ્ઞા પાળે છે?"

12 પછી મૂસાએ અલિયાબના દીકરા દાથાનને અને અબિરામને બોલાવ્યા, પણ તેઓએ કહ્યું કે, "અમે ત્યાં નહિ આવીએ. 13 તમે અમને દૂધ તથા મધથી રેલછેલવાળો [1] દેશમાંથી આ અરણ્યમાં મરવા માટે લઈ આવ્યા એટલું ઓછું છે કે તમે અમારા પર પાછા સત્તા ચલાવવા માગો છો? 14 તદુપરાંત, તમે અમને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશમાં નથી લાવ્યા અને તમે અમને ખેતરો કે દ્રાક્ષવાડીઓનો વારસો નથી આપ્યો. શું તમે અમને ખાલી વચન આપીને મૂર્ખ [2] બનાવશો? અમે તમારી પાસે નહિ આવીએ."

15 મૂસાને ઘણો ક્રોધ ચઢ્યો અને તેણે યહોવાહને કહ્યું, "તેઓના અર્પણનો સ્વીકાર કરશો નહિ. મેં તે લોકો પાસેથી એક ગધેડું પણ લીધું નથી અને તેઓમાંના કોઈનું કંઈ નુકસાન પણ કર્યુ નથી." 16 એટલે મૂસાએ કોરાને કહ્યું, "તું અને તારા સર્વ સાથીઓ એટલે તું, તેઓ અને હારુન આવતીકાલે યહોવાહની આગળ જજો. 17 તમારામાંનો પ્રત્યેક માણસ પોતાનું ધૂપપાત્ર લે તેમાં ધૂપ નાખે. પછી પ્રત્યેક માણસ પોતાનું ધૂપપાત્ર એટલે બસો પચાસ ધૂપપાત્રો યહોવાહ સમક્ષ લાવે. તું અને હારુન પોતપોતાનાં ધૂપપાત્ર લાવો."

18 તેથી તે પ્રત્યેક માણસે પોતાનું ધૂપપાત્ર લીધું, તેમાં અગ્નિ મૂક્યો તથા ધૂપ નાખ્યું અને મૂસા તથા હારુનની સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા. 19 કોરાએ આખી જમાતને મૂસા તથા હારુન વિરુદ્ધ મુલાકાતમંડપના દ્વાર પાસે એકઠી કરી અને આખી જમાતને યહોવાહનું ગૌરવ દેખાયું.

20 પછી યહોવાહ મૂસા તથા હારુન સાથે બોલ્યા; 21 "આ જમાત મધ્યેથી પોતાને અલગ કરો કે હું તેઓનો તરત જ નાશ કરું." 22 મૂસાએ તથા હારુને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું, "ઈશ્વર, સર્વ માનવજાતના આત્માઓના ઈશ્વર, જો એક માણસ પાપ કરે તો શું તમે આખી જમાત પ્રત્યે કોપાયમાન થશો?"

23 યહોવાહે મૂસાને ઉત્તર આપ્યો. તેમણે કહ્યું કે, 24 "જમાત સાથે વાત કર. કહે કે, કોરા, દાથાન તથા અબિરામના તંબુઓથી દૂર જાઓ."'

25 પછી મૂસા ઊઠીને દાથાન તથા અબિરામની પાસે ગયો; ઇઝરાયલના વડીલો તેની પાછળ ગયા. 26 મૂસાએ જમાત સાથે વાત કરીને કહ્યું કે, "હવે આ દુષ્ટ માણસોના તંબુઓ પાસેથી દૂર જાઓ અને એમની કોઈ વસ્તુને અડકશો નહિ. રખેને તેઓનાં બધાં પાપોને કારણે તમારો નાશ થાય." 27 તેથી જમાત કોરા, દાથાન તથા અબિરામના તંબુઓની દરેક બાજુએથી ચાલ્યા ગયા. દાથાન તથા અબિરામ પોતાની પત્નીઓ, દીકરાઓ તથા નાનાં બાળકો સાથે બહાર નીકળીને તંબુઓના પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા.

28 પછી મૂસાએ કહ્યું, "આ દ્વારા તમને જાણશો કે યહોવાહે આ સર્વ કામ કરવા મને મોકલ્યો છે, કેમ કે એ કામો મેં મારી પોતાની જાતે કર્યાં નથી. 29 જો આ લોકો બીજા બધા માણસોની જેમ કુદરતી રીતે મૃત્યુ પામે તો માનવું કે યહોવાહે મને મોકલ્યો નથી. 30 પણ જો યહોવાહ કરે અને પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓની બધી જ વસ્તુઓને સ્વાહા કરી જાય અને તેઓ જીવતેજીવત મૃત્યુલોકમાં ગરક થઈ જાય તો તમારે જાણવું કે, એ માણસોએ યહોવાહને ધિક્કાર્યા છે."

31 મૂસાએ આ સર્વ વાતો બોલવાનું પૂરું કર્યું કે તરત જ તે લોકોના પગ નીચેની ધરતી ફાટી. 32 પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેમનાં કુટુંબો અને કોરાના સર્વ માણસોને તથા તેઓની સર્વ માલમિલકતને સ્વાહા કરી ગઈ.

33 તેઓ અને તેઓનાં ઘરનાં સર્વ જીવતાં જ મૃત્યુલોકમાં પહોંચી ગયાં. પૃથ્વીએ તેઓને ઢાંકી દીધાં અને આ રીતે તેઓ સમુદાયમાંથી નાશ પામ્યાં. 34 તેમની ચીસો સાંભળીને આસપાસ ઊભેલા બધા ઇઝરાયલીઓ નાસવા માંડયા. તેઓએ કહ્યું, "રખેને આપણને પણ ધરતી ગળી જાય!" 35 પછી યહોવાહ પાસેથી અગ્નિ ધસી આવ્યો અને ધૂપ ચઢાવવા આવેલા અઢીસો માણસોને ભસ્મ કર્યા.

બળવાખોરોનાં ધૂપપાત્રો ટીપીને વેદી ઢાંકવાનાં પતરાં બનાવ્યાં

36 પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા તેમણે કહ્યું કે, 37 "હારુન યાજકના દીકરા એલાઝાર સાથે વાત કર અને કહે કે, અગ્નિમાંથી ધૂપદાનીઓ લઈ લે, કેમ કે તે ધૂપ પવિત્ર છે, મારા માટે મુકરર થયેલ છે. તે કોલસા અને રાખ વિખેરી નાખ. 38 જેઓએ પાપ કરીને પોતાનો જીવ ગુમાવ્યો છે તે ધૂપપાત્ર લઈ લે. તેમને ટીપીને વેદીને ઢાંકવા માટે પતરાં બનાવવાં. તે પુરુષોએ તેઓનું અર્પણ મને કર્યું, તેથી તેઓ પવિત્ર છે, મારા માટે મુકરર કરેલ છે. તેઓ ઇઝરાયલી લોકોને માટે ચિહ્નરૂપ થશે." 39 તેઓએ જે પિત્તળનાં ધૂપપાત્રનું અર્પણ કર્યું હતું તે યાજક એલાઝારે લીધાં. મૂસા દ્વારા યહોવાહ જેમ બોલ્યા હતા તે મુજબ તેણે તેઓને ટીપીને વેદીને ઢાંકવા માટે આવરણ બનાવડાવ્યાં. 40 તે ઇઝરાયલીપુત્રોને માટે સ્મરણમાં રહે કે, જેથી કોઈ વ્યક્તિ એટલે હારુનના વંશજમાંની કોઈ પણ વ્યક્તિએ યહોવાહ સમક્ષ ધૂપ ચઢાવવાને આવવું નહિ. આ રીતે, તેના હાલ કોરા અને તેના સાથીઓ જેવા ન થાય.

હારુન ધૂપપાત્ર સાથે લોકો મધ્યે ગયો ને મરકી બંધ પડી

41 પરંતુ બીજે દિવસે આખી ઇઝરાયલી જમાતે મૂસા અને હારુનની વિરુદ્ધ ફરિયાદ કરી. તેઓએ કહ્યું કે, "તમે યહોવાહના લોકોને મારી નાખ્યા છે." 42 જ્યારે મૂસા અને હારુનની વિરુદ્ધ સમગ્ર સમાજ એકઠો થયો ત્યારે એમ થયું કે, તેઓએ મુલાકાતમંડપ તરફ જોયું તો એકાએક વાદળે તેના પર આચ્છાદન કર્યું. યહોવાહનું ગૌરવ દેખાયું. 43 અને મૂસા તથા હારુન મુલાકાતમંડપ આગળ જઈને ઊભા રહ્યા.

44 પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું, 45 "આ જમાત આગળથી દૂર જાઓ જેથી હું તેઓનો તરત જ નાશ કરું." એટલે મૂસા અને હારુન જમીન પર ઊંધા પડ્યા. 46 મૂસાએ હારુનને કહ્યું, "ધૂપદાની લે, વેદીમાંથી અગ્નિ લે અને તેમાં નાખ, તેમાં ધૂપ નાખ, તરત જ તે જમાત પાસે લઈ જા અને તેમના પાપનું પ્રાયશ્ચિત કર, કેમ કે યહોવાહનો કોપ આવ્યો છે. મરકી શરૂ થઈ છે.''

47 આથી મૂસાના કહ્યા પ્રમાણે હારુને કર્યું. તે જમાતની વચ્ચે દોડી ગયો. લોકોમાં મરકી ફેલાવાનું શરુ થયું, તેથી તેણે ધૂપ નાખી લોકોને સારુ પ્રાયશ્ચિત કર્યું. 48 હારુન મરેલા તથા જીવતાઓની વચ્ચે ઊભો રહ્યો; આ પ્રમાણે મરકી બંધ થઈ.

49 કોરાની બાબતમાં જેઓ મૃત્યુ પામ્યાં હતાં તેઓ ઉપરાંત મરકીથી મર્યા તેઓની સંખ્યા ચૌદ હજાર સાતસો હતી. 50 હારુન મુલાકાતમંડપના પ્રવેશ દ્વાર આગળ મૂસા પાસે પાછો આવ્યો અને મરકી બંધ થઈ.


16:13 [1] ફળદ્રુપ
16:14 [2] અંધ બનાવવું

Chapter 17

હારુનની લાકડી ફૂટી

1 યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે, 2 ''તું ઇઝરાયલી લોકોને કહે કે તેઓની પાસેથી એટલે તેઓના પૂર્વજોના કુળદીઠ એક તે મુજબ લાકડીઓ લેવી એટલે તેઓના સર્વ આગેવાનો પાસેથી તેઓના પિતાઓનાં ઘર મુજબ બાર લાકડી લે અને દરેક માણસનું નામ તેની લાકડી પર લખ.

3 લેવીની લાકડી પર તું હારુનનું નામ લખ; કેમ કે તેઓના પૂર્વજોના કુળના દરેક આગેવાનને માટે એકેક લાકડી હોય. 4 કરારની [1] સામેના મુલાકાતમંડપમાં કે જ્યાં હું તને મળું છું ત્યાં તારે આ લાકડીઓ મૂકવી. 5 અને એવું થશે કે જે માણસને હું પસંદ કરીશ તેની લાકડીને અંકુર ફૂટી નીકળશે. આ રીતે હું ઇઝરાયલી લોકો જે તારી વિરુદ્ધ બોલે છે તેઓની ફરિયાદોને બંધ કરીશ."

6 તેથી મૂસાએ બધા ઇઝરાયલી લોકોને કહ્યું. બધા કુળના આગેવાનોએ પોતાની લાકડી તેને આપી, દરેક આગેવાન પાસેથી એક લાકડી, તેમનાં પિતૃઓના કુળો પ્રમાણે એકેક લાકડી, એમ કુલ બાર લાકડી. હારુનની લાકડી પણ તેઓની લાકડીઓ વચ્ચે હતી. 7 પછી મૂસાએ લાકડીઓ મુલાકાતમંડપની અંદરના સાક્ષ્યમંડપમાં યહોવાહની સમક્ષ મૂકી.

8 બીજે દિવસે મૂસા સાક્ષ્યમંડપમાં ગયો ત્યારે જુઓ, હારુનની લાકડી જે લેવીના કુળને માટે હતી તે ફૂટી નીકળી હતી. તેને અંકુર ફૂટ્યા હતા, ફૂલો ખીલ્યાં હતા અને પાકી બદામો પણ લાગી હતી. 9 મૂસા યહોવાહની સમક્ષતામાંથી બધી લાકડીઓ ઇઝરાયલી પાસે બહાર લાવ્યો. દરેક માણસે પોતાની લાકડી શોધી અને લઈ લીધી.

10 યહોવાહે મૂસાને કહ્યું, "હારુનની લાકડી સાક્ષ્યમંડપની સમક્ષ મૂક. બળવો કરનારા લોકો વિરુદ્ધ ચિહ્ન તરીકે મૂક, જેથી મારી વિરુદ્ધ તેમની આ ફરિયાદોનો અંત આવે અને તેમને મરવું પડે નહિ." 11 યહોવાહે જેમ આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ કર્યુ.

12 ઇઝરાયલી લોકોએ મૂસાને કહ્યું, "આપણે અહીં મરી જઈશું. અમે બધા નાશ પામીએ છીએ! 13 જે કોઈ ઉપર જાય છે, એટલે યહોવાહના મંડપ પાસે જાય છે, તે માર્યો જાય છે. તો શું અમે બધા નાશ પામીએ?"


17:4 [1] કરારની પેટી, જુઓ નિ. ૨૫, ૩૧:૧૮

Chapter 18

યાજકો અને લેવીઓની ફરજો

1 યહોવાહે હારુનને કહ્યું, "પવિત્રસ્થાન વિરુદ્ધ કરેલાં બધા પાપો માટે તું, તારા દીકરાઓ અને તારા પિતૃઓના કુટુંબો જવાબદાર છે. પણ તું અને તારી સાથે તારા દીકરાઓ યાજકપદની વિરુદ્ધ કરેલાં પાપો માટે જવાબદાર છે. 2 લેવી કુળના તારા ભાઈઓને, એટલે તારા પિતૃઓના કુળને, તારી પાસે લાવ કે જયારે તું અને તારા દીકરાઓ સાક્ષ્યમંડપની આગળ સેવા કરો ત્યારે તેઓ તમને મદદ કરે.

3 તેઓ તારી તથા આખા મંડપની સેવા કરે. પણ, તેઓએ પવિત્રસ્થાનનાં પાત્રો કે વેદીની નજીક આવવું નહિ. કે તેઓ તથા તું માર્યા જાઓ. 4 તેઓ તમારી સાથે જોડાઈને મુલાકાતમંડપની સેવા કરશે, મંડપ સાથે જોડાયેલાં બધાં કાર્યો કરશે. પરદેશી તમારી પાસે આવે નહિ. 5 અને તમે પવિત્રસ્થાન અને વેદીની સેવા કરો કે જેથી ઇઝરાયલ લોકો પર ફરી મારો કોપ આવે નહિ.

6 જુઓ, મેં પોતે ઇઝરાયલના વંશજો મધ્યેથી તારા લેવી ભાઈઓને પસંદ કર્યા છે. મુલાકાતમંડપ સાથે જોડાયેલાં કાર્યો કરવા માટે તેઓ મને ભેટ તરીકે આપવામાં આવ્યા છે. 7 પરંતુ તું અને તારા દીકરાઓ વેદીને અને પડદાની અંદર પરમપવિત્રસ્થાનને લગતી યાજક તરીકેની બધી જ ફરજો બજાવો અને સેવા કરો. ભેટ તરીકે હું તમને યાજકપદ આપું છું. કોઈ પરદેશી પાસે આવે તે માર્યો જાય."

અર્પણોમાંથી યાજકોનો હિસ્‍સો

8 વળી યહોવાહે હારુનને કહ્યું, "જુઓ, મેં ઉચ્છાલીયાર્પણોની સેવા તને આપી છે, એટલે ઇઝરાયલી લોકો જે બધા પવિત્ર અર્પણો મને આપે છે. તેં મેં તમને તથા તમારા દીકરાઓને સદાના હક તરીકે આપ્યા છે. 9 અગ્નિમાં હોમવામાં આવેલા અર્પણનાં ભાગો સિવાય આ બધાં અતિ પવિત્ર અર્પણો તારાં ગણાશે. એટલે બધાં ખાદ્યાર્પણો, બધાં પાપાર્થાર્પણો અને બધાં દોષાર્થાર્પણો આ બધાં પવિત્ર અર્પણો જે મારે માટે રાખ્યાં છે અને મારા માટે લાવે તે તારાં અને તારા માટે પવિત્ર ગણાય.

10 તે પરમપવિત્ર વસ્તુઓ તરીકે તારે અર્પણો ખાવાં [1] . તમારામાંના દરેક પુરુષોએ પણ તેમાંથી ખાવું; તે તારે માટે પવિત્ર ગણવાં. 11 આ બધાં અર્પણો તારાં છે: ઇઝરાયલના લોકો જે ઉચ્છાલીયાર્પણો ચઢાવે તે અને તેમની ભેટો સહિત, મેં તને, તારા દીકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક તરીકે આપ્યાં છે. દરેક તારા ઘરમાં જે શુદ્ધ હોય તે આ અર્પણોમાંથી ખાય.

12 બધાં ઉત્તમ તેલ, બધો ઉત્તમ દ્રાક્ષારસ તથા અનાજ, જે પ્રથમફળ લોકોએ મને આપ્યું તે, આ બધી વસ્તુઓ મેં તને આપી છે. 13 પોતાની ભૂમિની પ્રથમ પેદાશ તરીકે જે કંઈ મારી પાસે લાવે તે બધું તારું થશે. તારા કુટુંબમાં જે કોઈ શુદ્ધ હોય તે તેમાંથી ખાય.

14 ઇઝરાયલની સમર્પિત પ્રત્યેક વસ્તુ તારી થાય. 15 લોકો જે યહોવાહને અર્પણ કરે. માણસ તેમ જ પશુમાંથી પ્રથમજનિત પણ તારા થાય. પણ તારે પ્રત્યેક પ્રથમજનિત બાળકને તથા અશુદ્ધ પશુના પ્રથમ બચ્ચાંને ખરીદીને તારે તેમને મુકત કરવાં. 16 તેઓમાંના જેઓને છોડાવી લેવાના હોય તેઓને એક મહિનાની ઉંમરથી તું તારા ઠરાવેલા મૂલ્યથી એટલે પવિત્રસ્થાનોના શેકેલ પ્રમાણે પાંચ શેકેલના નાણાંથી, જે વીસ ગેરહ [2] જેટલું છે છોડાવી લે.

17 પણ ગાયના પ્રથમજનિતને, ઘેટાંના પ્રથમજનિતને તથા બકરાના પ્રથમજનિતને તું ન ખરીદ. તેઓ પવિત્ર છે, મારા માટે અલગ કરેલા છે. તારે તેઓનું રક્ત વેદી પર છાંટવું અને મારા માટે સુવાસિત હોમયજ્ઞ તરીકે ચરબીનું અર્પણ કરવું. 18 તેઓનું માંસ તારું થાય. છાતીની જેમ અને જમણી જાંઘની જેમ તેઓનું માંસ તારું ગણાય.

19 ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ મારી આગળ અર્પણ કરે છે તેઓનાં સર્વ ઉચ્છાલીયાર્પણો તને તથા તારા દીકરા અને દીકરીઓને સદા હક તરીકે આપ્યાં છે. તે સદાને માટે તારી અને તારા વંશજોની સાથે મેં કરેલો મીઠાનો કરાર છે." 20 યહોવાહે હારુનને કહ્યું, "તેઓના દેશમાં તારે કંઈ વારસો ન હોય, કે લોકોની સંપત્તિ મધ્યે તારે કંઈ ભાગ ન હોય. ઇઝરાયલી લોકો મધ્યે તારો હિસ્સો અને તારો વારસો હું છું.

અર્પણોમાંથી લેવીઓનો હિસ્સો

21 લેવીના વંશજો, જે મુલાકાતમંડપની સેવા કરે છે તેના બદલામાં, જુઓ, મેં તેઓને ઇઝરાયલમાં બધા દશાંશનો દશમો વારસો આપ્યો છે. 22 હવે પછી ઇઝરાયલના લોકો મુલાકાતમંડપ પાસે આવે નહિ, રખેને આ પાપ માટે તેઓ જવાબદાર ગણાય અને માર્યા જાય.

23 મુલાકાતમંડપની સેવા લેવીઓ જ કરે. તેને લગતા દરેક પાપને લીધે તે જવાબદાર ગણાય. તમારી પેઢી દરપેઢી આ સદાને માટે વિધિ થાય. અને ઇઝરાયલી લોકો મધ્યે તેઓને કોઈ વારસો ન મળે. 24 ઇઝરાયલ લોકોનો દશમો ભાગ યહોવાહને અર્પણ કરવો. તે મેં લેવીઓને વારસા તરીકે આપ્યો છે. તેથી મેં તેઓને કહ્યું, તેઓને ઇઝરાયલી મધ્યે કંઈ વારસો નહિ મળે.'"

લેવીઓનું દશાંશ

25 યહોવાહે મૂસાને કહ્યું, 26 "તું લેવીઓ સાથે વાત કરીને તેમને કહે કે, 'યહોવાહે વારસા તરીકે આપેલો દશમો ભાગ જયારે તમે ઇઝરાયલી લોકો પાસેથી પ્રાપ્ત કરો, ત્યારે તમારે યહોવાહને દશમો ભાગ એટલે દશાંશનો દશમો ભાગ ઉચ્છાલીયાર્પણ તરીકે અર્પણ કરવો. 27 તમારું ઉચ્છાલીયાર્પણ, ખળીના અનાજનો દસમો ભાગ તથા દ્રાક્ષકુંડની પેદાશનો દસમો ભાગ તમારા લાભમાં ગણાશે.

28 ઇઝરાયલી લોકો તરફથી તમને મળેલા દસમા ભાગમાંથી તમારે યહોવાહને ઉચ્છાલીયાર્પણ કરવાં. તેમાંથી તમે હારુન યાજકને ઉચ્છાલીયાર્પણ આપો. 29 જે સર્વ ભેટો તું પ્રાપ્ત કરે તેમાંથી, તારે દરેક ઉચ્છાલીયાર્પણ યહોવાહને અર્પણ કરવાં. જે પવિત્ર અને ઉત્તમ વસ્તુઓ તને આપવામાં આવી છે તેમાંથી તારે અર્પણ કરવું.

30 માટે તું તેઓને કહે, 'તેમાંથી તેના ઉત્તમ ભાગનું જ્યારે તમે ઉચ્છાલીયાર્પણ કરો, ત્યારે તે ખળીની ઊપજ તથા દ્રાક્ષકુંડની ઊપજના અર્પણ જેટલું લેવીઓના લાભમાં ગણાશે. 31 તું તથા તારાં કુટુંબો બચેલી તારી ભેટો ગમે તે જગ્યાએ ખાઓ, કારણ કે મુલાકાતમંડપમાં કરેલી સેવાનો તે બદલો ગણાશે. 32 જે ઉત્તમ ભાગ તમે પ્રાપ્ત કર્યો તે તમે યહોવાહને ઉચ્છાલીયાર્પણ તરીકે ચઢાવો, તે ખાવાથી તથા પીવાથી તેનો દોષ તમને નહિ લાગે. પણ તમારે ઇઝરાયલ લોકોનાં પવિત્ર અર્પણોને અશુદ્ધ કરવાં નહિ, રખેને તમે માર્યા જાઓ.'"


18:10 [1] પરમ પવિત્ર જગ્યાએ ખાવું
18:16 [2] ૫૫ ગ્રામ

Chapter 19

લાલ વાછરડીની રાખ

1 યહોવાહે મૂસા તથા હારુન સાથે વાત કરી તેમણે મૂસાને કહ્યું, 2 "જે કાનૂન તથા નિયમ હું લોકોને ફરમાવું છે તે આ છે: ઇઝરાયલના લોકોને આ કાનૂનો જણાવો: ઇઝરાયલના લોકોને કહો કે, તેઓ ખોડખાંપણ વગરની અને જેના પર કદી ઝૂંસરી લાદવામાં આવી ન હોય તેવી લાલ વાછરડી તારી પાસે લાવે.

3 લાલ વાછરડી એલાઝાર યાજકને આપ. તે તેને છાવણી બહાર લાવે અને કોઈ તેની સામે તે વાછરડીને મારી નાખે. 4 એલાઝાર યાજક તેમાંથી થોડું રક્ત પોતાની આંગળી પર લે અને મુલાકાતમંડપની આગળની તરફ સાત વખત તેનો છંટકાવ કરે. 5 બીજો યાજક તેની નજર સમક્ષ તે વાછરડીનું દહન કરે. તે વ્યક્તિ વાછરડીના ચામડાનું, માંસનું, લોહીનું તેના છાણ સહિત દહન કરે. 6 ત્યારબાદ યાજક દેવદાર વૃક્ષનું લાકડું, ઝુફો અને કિરમજી રંગની દોરી આ બધું લઈને વાછરડીના દહન મધ્યે નાખે.

7 ત્યારબાદ તે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખે અને પાણીમાં સ્નાન કરે. પછી છાવણીમાં આવે, સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. 8 જેણે વાછરડીનું દહન કર્યું હોય તે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખે અને પાણીમાં સ્નાન કરે. તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.

9 જે શુદ્ધ હોય તેવી વ્યક્તિ વાછરડીની રાખ ભેગી કરે, છાવણીની બહાર સ્વચ્છ જગ્યાએ તેની ઢગલી કરે. ઇઝરાયલ લોકોના સમુદાય માટે આ રાખને રાખી મૂકવી. પાપથી શુદ્ધ થવા માટે આ રાખનું તેઓ પાણીમાં મિશ્રણ કરે, તે પાપાર્થાપર્ણ છે. 10 જે કોઈએ વાછરડીની રાખ ભેગી કરી હોય તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. ઇઝરાયલના લોકો માટે અને તેઓની સાથે રહેતા પરદેશીઓ માટે તે હંમેશનો નિયમ થાય.

મુડદાનો સ્પર્શ કરના અશુદ્ધ ગણાય

11 જે કોઈ મૃતદેહનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય. 12 પછી તે વ્યક્તિ ત્રીજે દિવસે અને સાતમે દિવસે પોતાને શુદ્ધ કરે. પછી તે શુદ્ધ ગણાય. પણ જો તે ત્રીજે દિવસે અને સાતમે દિવસે પોતાને શુદ્ધ ન કરે, તો તે સાતમા દિવસે પણ શુદ્ધ ન ગણાય. 13 જે કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિનો એટલે કે, મૃત્યુ પામેલા માણસનાં શરીરનો સ્પર્શ કરે અને પોતાને શુદ્ધ ન કરે, તો તે યહોવાહના મુલાકાતમંડપને અશુદ્ધ કરે છે. તેને ઇઝરાયલમાંથી વંચિત કરાય કેમ કે તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નહોતું. તે અશુદ્ધ ગણાય; તેના પર હજી પોતાનું અશુદ્ધપણું છે.

14 જ્યારે કોઈ માણસ તંબુમાં મૃત્યુ પામે ત્યારે તેના માટે આ નિયમ છે. પ્રત્યેક વ્યક્તિ જે તંબુમાં જાય અને પ્રત્યેક વ્યક્તિ જે તંબુમાં હોય તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય. 15 દરેક ખુલ્લું પાત્ર, જેના પર ઢાંકણ ન હોય તે અશુદ્ધ છે. 16 જો કોઈ વ્યક્તિ તંબુની બહાર તલવારથી મારી નંખાયેલાનો, મૃતદેહનો, માણસનાં હાડકાંનો, કે કબરનો સ્પર્શ કરે તો તે વ્યક્તિ સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.

17 અશુદ્ધ વ્યક્તિ માટે આ પ્રમાણે કર. પાપાર્થાપર્ણના દહનની રાખ લઈને તેનું વાસણમાં ઝરાના પાણી સાથે મિશ્રણ કર. 18 જે કોઈ શુદ્ધ હોય તેણે ઝુફો લઈને પાણીમાં બોળીને મંડપ ઉપર તથા તેમાંના બધાં પાત્રો ઉપર તથા ત્યાં જે બધા માણસો હતા તેઓ પર છાંટવું, જે વ્યક્તિએ હાડકાને, મૃત્યુ પામેલા વ્યક્તિને, મારી નાખવામાં આવેલા વ્યક્તિને કે કબરને સ્પર્શ કર્યો હોય તેની ઉપર પણ છાટવું. 19 શુદ્ધ માણસે અશુદ્ધ માણસ પર ત્રીજે દિવસે તથા સાતમે દિવસે પાણી છાંટવું. સાતમે દિવસે અશુદ્ધ માણસે પોતાને શુદ્ધ કરવો. તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીમાં સ્નાન કરવું, એટલે સાંજે તે શુદ્ધ થશે.

20 પણ જે કોઈ અશુદ્ધ હોવા છતાં પોતાને શુદ્ધ થવાનો ઇનકાર કર્યો હોય તો તે વ્યક્તિને સમુદાયમાંથી બહિષ્કૃત કરવો, કેમ કે, તેણે યહોવાહના પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યું છે. તેના પર શુદ્ધિનું પાણી છાંટવામાં આવ્યું નથી, તેથી તે અશુદ્ધ છે. 21 આ તમારે માટે સદાનો નિયમ છે. પાણીનો છંટકાવ કરનાર વ્યક્તિ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે. વળી જે કોઈ શુદ્ધિના પાણીનો સ્પર્શ કરે તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય. 22 અશુદ્ધ વ્યક્તિ કશાનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. તે વસ્તુને સ્પર્શ કરનાર વ્યક્તિ પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય."

Chapter 20

કાદેશમાં બનેલા બનાવો

(નિ. ૧૭:૧-૭)

1 પહેલા મહિનામાં ઇઝરાયલ લોકોની આખી જમાત સીનના અરણ્યમાં આવી; તેઓ કાદેશમાં રહ્યા. ત્યાં મરિયમ મરણ પામી અને તેને ત્યાં દફનાવવામાં આવી.

2 ત્યાં લોકો માટે પીવાનું પાણી નહોતું, તેથી તેઓ મૂસાની અને હારુનની વિરુદ્ધ એકત્ર થયા. 3 લોકો મૂસા વિરુદ્ધ ફરિયાદ કરીને કહેવા લાગ્યા, "જ્યારે અમારા ભાઈઓ યહોવાહની સામે મરણ પામ્યા ત્યારે અમે પણ મરી ગયા હોત તો કેવું સારું!

4 તમે યહોવાહના લોકોને આ અરણ્યમાં કેમ લાવ્યા છો, અમે તથા અમારાં જાનવરો મરી જઈએ? 5 આ ભયાનક જગ્યામાં લાવવાને તું અમને મિસરમાંથી કેમ બહાર લાવ્યો છે? અહીંતો દાણા, અંજીરો, દ્રાક્ષા કે દાડમો નથી. અને પીવા માટે પાણી પણ નથી."

6 મૂસા તથા હારુન સભા આગળથી નીકળી ગયા. તેઓ મુલાકાતમંડપના દ્વાર પાસે ગયા અને ઉંધા પડ્યા. ત્યાં તેઓની સમક્ષ યહોવાહનું ગૌરવ પ્રગટ થયું.

7 યહોવાહે મૂસા સાથે વાત કરીને કહ્યું, 8 "લાકડી લે અને તું તથા તારો ભાઈ હારુન સમુદાયને એકત્ર કરો. તેઓની આંખો સમક્ષ ખડકને કહે કે તે પોતાનું પાણી આપે. તું ખડકમાંથી તેઓને સારુ પાણી વહેતું કર, તે તું જમાતને તથા જાનવરને પીવા માટે આપ." 9 જેમ યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તેમ મૂસાએ યહોવાહ આગળથી લાકડી લીધી.

10 પછી મૂસાએ અને હારુને જમાતને ખડક આગળ ભેગી કરી. મૂસાએ તેઓને કહ્યું, "હવે, હે બળવાખોરો સાંભળો, શું અમે તમારે સારુ આ ખડકમાંથી પાણી બહાર કાઢીએ?" 11 પછી મૂસાએ પોતાનો હાથ ઊંચો કરીને પોતાની લાકડી ખડકને બે વાર મારી, પુષ્કળ પાણી બહાર વહી આવ્યું. આખી જમાતે પાણી પીધું અને તેઓનાં જાનવરોએ પણ પીધું.

12 પછી યહોવાહે મૂસાને અને હારુનને કહ્યું, કેમ કે તમે મારા પર ભરોસો ન કર્યો, કે ઇઝરાયલ લોકોની દ્રષ્ટિમાં મને પવિત્ર મનાવ્યો નહિ, માટે જે દેશ મેં આ સભાને આપ્યો છે તેમાં તમે તેઓને પહોંચાડશો નહિ." 13 આ જગ્યાનું નામ મરીબાહ [1] નું પાણી એવું પાડવામાં આવ્યું, કેમ કે ત્યાં ઇઝરાયલના લોકોએ યહોવાહ સાથે ઝઘડો કર્યો હતો, તેઓ મધ્યે તેમણે પોતાને પવિત્ર મનાવ્યા.

અદોમના રાજાએ દેશપાર જવા મના કરી

14 મૂસાએ કાદેશથી અદોમના રાજા પાસે સંદેશાવાહકો મોકલ્યા: તારો ભાઈ ઇઝરાયલ એવું કહે છે: "જે સર્વ મુસીબતો અમારા પર આવી તે તું જાણે છે. 15 અમારા પિતૃઓ મિસરમાં ગયા અને મિસરમાં લાંબો સમય રહ્યા, મિસરીઓએ અમને તથા અમારા પિતૃઓને દુ:ખ આપ્યું તે પણ તું જાણે છે. 16 જ્યારે અમે યહોવાહને પોકાર કર્યો, ત્યારે યહોવાહે અમારો અવાજ સાંભળ્યો અને દૂતને મોકલીને અમને મિસરમાંથી બહાર લાવ્યા. જો, અમે તારા દેશની સરહદના કાદેશ શહેરમાં છીએ.

17 મહેરબાની કરીને અમને તારા દેશમાં થઈને જવા દે. અમે ખેતરમાં કે દ્રાક્ષવાડીમાં થઈને નહિ જઈએ, કે અમે તારા કૂવાઓનું પાણી નહિ પીએ. અમે રાજમાર્ગે થઈને જઈશું. તારી સરહદ પસાર કરતા સુધી અમે ડાબે કે જમણે હાથે નહિ ફરીએ."

18 પણ અદોમના રાજાએ તેને જવાબ આપ્યો, "તું અહીંથી જઈશ નહિ. જો તું એવું કરીશ, તો હું તારા પર હુમલો કરવા તલવાર લઈને આવીશ." 19 ત્યારે ઇઝરાયલના લોકોએ તેને કહ્યું, "અમે રાજમાર્ગે થઈને જઈશું. જો અમે કે અમારાં જાનવરો તારા કૂવાનું પીએ, તો અમે તેનું મૂલ્ય આપીશું. બીજું કશું નહિ તો અમને પગે ચાલીને પેલી બાજુ જવા દે."

20 પણ અદોમ રાજાએ જવાબ આપ્યો, "તમે પાર જવા નહિ પામશે." પછી અદોમ રાજા ઘણાં સૈનિકો તથા મજબૂત હાથ સાથે ઇઝરાયલ સામે આવ્યો. 21 અદોમ રાજાએ ઇઝરાયલને પોતાની સરહદમાં થઈને જવા દેવાનો ઇનકાર કર્યો. એ કારણથી, ઇઝરાયલ લોકો અદોમના દેશમાંથી બીજી તરફ વળ્યા.

હારુનનું મૃત્યુ

22 તેથી લોકોએ કાદેશથી મુસાફરી કરી અને ઇઝરાયલ લોકોની આખી જમાત હોર પર્વત આગળ આવી. 23 હોર પર્વતમાં અદોમની સરહદ પાસે યહોવાહ મૂસા તથા હારુન સાથે બોલ્યા. તેમણે કહ્યું, 24 "હારુન તેના પૂર્વજો સાથે ભળી જશે, કેમ કે જે દેશ મેં ઇઝરાયલ લોકોને આપ્યો છે તેમાં તે પ્રવેશ કરશે નહિ. કેમ કે તમે બન્નેએ મરીબાહનાં પાણી પાસે મારા વચન વિરુદ્ધ બળવો કર્યો હતો.

25 તું હારુન અને તેના દીકરા એલાઝારને લઈને તેઓને હોર પર્વત પર લાવ. 26 હારુનના યાજકપણાનાં વસ્ત્રો ઉતારી લઈને તેને તેના દીકરા એલાઝારને પહેરાવ. હારુન ત્યાં મરી જશે અને પોતાના પૂર્વજોની સાથે ભળી જશે."

27 યહોવાહે જેમ આજ્ઞા આપી હતી તેમ મૂસાએ કર્યું. આખી જમાતના દેખતાં તેઓ હોર પર્વત પર ગયા. 28 મૂસાએ હારુનનાં યાજકપદનાં વસ્ત્રો ઉતારીને તેના દીકરા એલાઝારને પહેરાવ્યાં. ત્યાં પર્વતનાં શિખર પર હારુન મરી ગયો. પછી મૂસા અને એલાઝાર નીચે આવ્યા. 29 જ્યારે આખી જમાતે જોયું કે હારુન મરણ પામ્યો છે, ત્યારે આખી જમાતે હારુન માટે ત્રીસ દિવસ સુધી વિલાપ કર્યો.


20:13 [1] ઝધડવું

Chapter 21

કનાનવાસીઓ ઉપર વિજય

1 જ્યારે નેગેબમાં રહેતા કનાનીઓના રાજા અરાદે સાંભળ્યું કે ઇઝરાયલ અથારીમને માર્ગેથી મુસાફરી કરી રહ્યા છે, ત્યારે તેણે ઇઝરાયલ સામે લડાઈ કરીને તેમાંના કેટલાકને કેદ કરી લીધા. 2 તેથી ઇઝરાયલે યહોવાહને વચન આપીને કહ્યું કે, "જો તમે અમને આ લોકો ઉપર વિજય આપશો, તો અમે તેઓનાં નગરોનો સંપૂર્ણ નાશ કરી નાખીશું." 3 યહોવાહે ઇઝરાયલીઓની વિનંતી સાંભળીને તેઓને કનાનીઓ ઉપર વિજય અપાવ્યો. તેઓએ તેઓનો અને તેઓના નગરોનો સંપૂર્ણપણે નાશ કર્યો. અને તે જગ્યાનું નામ હોર્માહ [1] પડ્યું.

પિત્તળનો સર્પ

4 તેઓ હોર પર્વત તરફથી રાતા સમુદ્રને રસ્તે થઈને અદોમ દેશની ફરતે આગળ ગયા. રસ્તામાં લોકોનાં હૃદય ઘણાં નાહિંમત થઈ ગયાં હતાં. 5 લોકો ઈશ્વર અને મૂસાની વિરુદ્ધ બોલવા લાગ્યા, "શા માટે અરણ્યમાં મરી જવાને તમે અમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા? અહીં રોટલી નથી, પાણી નથી, આ કંગાળ ભોજનથી તો અમે કંટાળી ગયા છીએ."

6 ત્યારે યહોવાહે લોકોની વચ્ચે ઝેરી સાપો મોકલ્યા. એ સાપો લોકોને કરડ્યા; ઘણાં લોકો મરી ગયા. 7 તેથી લોકોએ મૂસા પાસે આવીને કહ્યું, "અમે પાપ કર્યું છે કેમ કે અમે તારી અને યહોવાહની વિરુદ્ધ બોલ્યા છીએ. યહોવાહને પ્રાર્થના કર કે તેઓ અમારી મધ્યેથી સાપો દૂર કરે." તેથી મૂસાએ લોકો માટે પ્રાર્થના કરી.

8 યહોવાહે મૂસાને કહ્યું, "એક સાપ બનાવ અને તેને સ્તંભ પર મૂક. એટલે એમ થશે કે જે કોઈ ડંખાયેલું હોય તે, તેને જોઈને બચી જાય." 9 તેથી મૂસાએ પિત્તળનો સાપ બનાવીને સ્તંભ પર મૂક્યો. જ્યારે કોઈ વ્યક્તિને સાપ કરડ્યો હોય અને જો તે પિત્તળના સાપ તરફ જુએ, તો તે બચી જશે.

હોર પર્વતથી મોઆબની ખીણ સુધી

10 ઇઝરાયલ લોકોએ આગળ મુસાફરી કરીને ઓબોથમાં છાવણી કરી. 11 તેઓએ ઓબોથથી મુસાફરી કરીને ઈયે-અબારીમમાં છાવણી કરી તે અરણ્યમાં મોઆબની પૂર્વ તરફ છે.

12 અને ત્યાંથી મુસાફરી કરીને તેઓએ ઝેરેદની ખીણ આગળ છાવણી કરી. 13 ત્યાંથી તેઓએ મુસાફરી કરીને આર્નોન નદીની બીજી બાજુએ છાવણી કરી, જે અમોરીઓની સરહદ સુધી વિસ્તરેલા અરણ્યમાં છે, આર્નોન મોઆબીઓ અને અમોરીઓ વચ્ચેની સરહદ છે.

14 માટે યહોવાહના યુદ્ધોની યાદીમાં કહેલું છે,

     "સૂફામાં વાહેબ,

     તથા આર્નોનની ખીણો,

     15 આર નગરની તરફ ઢળતો,

     તથા મોઆબની સરહદ તરફ નીચે જતો ખીણોનો ઢોળાવ."

16 ત્યાંથી તેઓ મુસાફરી કરીને બએર એટલે જે કૂવા સંબંધી યહોવાહે મૂસાને કહ્યું હતું કે, "તું લોકોને મારા માટે એકત્ર કર હું તેઓને પાણી આપીશ ત્યાં આવ્યા."

17 ત્યારે ઇઝરાયલે આ ગીત ગાયું:

     "હે કૂવા, તારાં ઝરણ ફોડ. તેને વિષે ગાઓ.

     18 જે કૂવો અમારા અધિપતિઓએ ખોદ્યો,

     જે કૂવો નિયમસ્થાપકની આજ્ઞાથી લોકના આગેવાનોએ પોતાની લાકડીઓથી ખોદ્યો છે."

     પછી અરણ્યથી તેઓએ મત્તાનાહ સુધી મુસાફરી કરી.

19 મત્તાનાહથી તેઓ મુસાફરી કરીને નાહલીએલ ગયા અને નાહલીએલથી બામોથ, 20 બામોથથી મોઆબીઓના દેશમાંની ખીણમાં પિસ્ગાહ પર્વતની તળેટીમાં અરણ્યમાં આવેલી ખીણ તરફ ગયા.

સીહોન અને ઓગ રાજાઓ પર વિજય

21 પછી ઇઝરાયલે સંદેશાવાહકોને મોકલીને અમોરીઓના રાજા સીહોનને કહેવડાવ્યું કે, 22 કૃપા કરીને અમને તારા દેશમાં થઈને જવા દે. અમે વળીને તારા ખેતરો કે દ્રાક્ષવાડીઓમાં થઈને નહિ જઈએ. અમે તારા કૂવાઓમાંથી પાણી નહિ પીએ. અમે તારી સરહદ પસાર કરીએ ત્યાં સુધી રાજમાર્ગે થઈને ચાલીશું." 23 પણ રાજા સીહોને ઇઝરાયલને પોતાની સરહદમાં થઈને જવા દીધા નહિ. સીહોન રાજાએ પોતાના સૈન્યને એકત્ર કર્યું અને રણમાં ઇઝરાયલીઓ ઉપર હુમલો કર્યો. તે યાહાસ પહોંચી ગયો. ત્યાં તેઓએ ઇઝરાયલ સાથે યુદ્ધ કર્યું.

24 પણ ઇઝરાયલે સીહોનના સૈન્યનો તલવારની ધારથી સંહાર કર્યો અને આર્નોનથી યાબ્બોક નદી સુધી, આમ્મોન લોકોની સરહદ સુધીનો પ્રદેશ કબજે કરી લીધો. આમ્મોન લોકોની સરહદ કિલ્લાબંધ હતી. 25 ઇઝરાયલે હેશ્બોન અને તેની આસપાસનાં ગામો સહિત અમોરીઓનાં બધાં નગરો જીતી લીધાં અને તેમાં તેમણે રહેવાનું શરૂ કર્યું. 26 હેશ્બોન અમોરીઓના રાજા સીહોનનું નગર હતું, સીહોને અગાઉના મોઆબના રાજા સામે યુદ્ધ કરીને આર્નોન નદી સુધીનો તેનો બધો પ્રદેશ લઈ લીધો હતો.

27 માટે કહેવતો કહેનારા કહે છે,

     "તમે હેશ્બોનમાં આવો,

     સીહોનનું નગર ફરીથી બંધાય અને સ્થપાય.

     28 હેશ્બોનમાંથી અગ્નિ,

     એટલે સીહોનના નગરમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળ્યો

     તેણે મોઆબના આરને, આર્નોન પર્વત [2] ના માલિકોને,

     ભસ્મ કર્યા.

     29 હે મોઆબ, તને અફસોસ!

     કમોશના લોકો, તમારો નાશ થયો છે.

     તેણે પોતાના દીકરાઓને નાસી ગયેલા

     અને પોતાની દીકરીઓએ કેદીઓ તરીકે,

     અમોરીઓના રાજા સીહોનને સોંપી દીધા છે.

     30 પણ અમે સીહોનને જીતી લીધો છે. દીબોન સુધી હેશ્બોનનો વિનાશ [3] થઈ ગયો છે.

     મેદબા પાસેના નોફાહ સુધી,

     અમે તેઓને હરાવ્યા છે."

31 આ રીતે ઇઝરાયલ અમોરીઓના દેશમાં વસ્યો. 32 મૂસાએ યાઝેર પર જાસૂસી કરવા માટે માણસો મોકલ્યા. તેઓએ તેમનાં ગામો લઈ લીધાં અને ત્યાં જે અમોરીઓ હતા તેઓને હાંકી કાઢ્યા.

33 પછી તેઓએ પાછા વળીને બાશાનના રસ્તેથી ગયા. બાશાનનો રાજા ઓગ અને તેનું આખું સૈન્ય તેઓની સાથે યુદ્ધ કરવા એડ્રેઇ આવ્યા. 34 યહોવાહે મૂસાને કહ્યું, "તેનાથી બીતો નહિ, કેમ કે મેં તને તેના પર, તેના આખા સૈન્ય પર અને તેના દેશ પર વિજય આપ્યો છે. હેશ્બોનમાં રહેતા અમોરીઓના રાજા સીહોનની સાથે જેવું તેં કર્યું તેવું જ તેની સાથે કરજે." 35 માટે તેઓએ તેને, તેના દીકરાઓને અને તેના આખા સૈન્યને એટલે સુધી માર્યા કે તે લોકોમાંનું કોઈ પણ જીવતું બચ્યું નહિ. તેઓએ તેનો દેશ કબજે કરી લીધો.


21:3 [1] નાશ
21:28 [2] પ્રભુ
21:30 [3] તેઓને પત્થરોથી મારીને હત્યા કરવામાં આવી

Chapter 22

મોઆબનો રાજા બલામને બોલાવી લાવે છે

1 ઇઝરાયલી લોકોએ મુસાફરી કરીને મોઆબના મેદાનમાં યર્દન નદીની બીજી બાજુએ યરીખોની પાસે છાવણી કરી.

2 ઇઝરાયલે અમોરીઓને જે કર્યું હતું તે મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે જોયું. 3 તે લોકોને જોઈને મોઆબ ડરી ગયો કેમ કે તેઓ ઘણાં હતા, ઇઝરાયલ લોકોના કારણથી મોઆબ ત્રાસ પામ્યો. 4 મોઆબ રાજાએ મિદ્યાનના આગેવાનોને કહ્યું, "જેમ કોઈ બળદ ખેતરમાંનું ઘાસ ખાય છે, તેમ આ સમુદાય આપણને ખાઈ જશે." તે સમયે સિપ્પોરનો દીકરો બાલાક મોઆબનો રાજા હતો.

5 તેણે બેઓરના દીકરા બલામને બોલાવવા સારુ પથોર કે જે નદી પર છે, ત્યાં એટલે તેના લોકોના દેશમાં સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું કે, "જુઓ, મિસરમાંથી એક દેશજાતિ આવી છે. તેઓએ પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે અને તેઓએ મારી પાસે જ પડાવ નાખ્યો છે. 6 કૃપા કરીને આવ અને મારા માટે આ રાષ્ટ્રને શાપ આપ, કેમ કે તેઓ મારા કરતાં વધારે બળવાન છે. કદાચ હું આ લોકોને હુમલો કરીને એવી રીતે મારું કે તેઓને દેશમાંથી હાંકી કાઢી શકું. હું જાણું છું કે જેને તું આશીર્વાદ આપે છે તે આશીર્વાદિત થાય છે અને જેને તું શાપ આપે છે તે શાપિત થાય છે."

7 મોઆબના વડીલોએ તથા મિદ્યાનના વડીલોએ જાદુમંતરની દક્ષિણા લઈને બલામ પાસે આવીને તેને બાલાકનો સંદેશો કહી સંભળાવ્યો. 8 બલામે તેઓને કહ્યું, "આજ રાત અહીં રહો. યહોવાહ મને જે જણાવશે તે હું તમને કહીશ." તેથી મોઆબના આગેવાનો બલામ સાથે રાત રહ્યા.

9 ઈશ્વરે બલામ પાસે આવીને પૂછ્યું, "તારી સાથે આ માણસો આવ્યા તે કોણ છે?" 10 બલામે ઈશ્વરને જવાબ આપ્યો, "મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે તેઓને મારી પાસે મોકલ્યા છે. તેણે કહ્યું, 11 'જુઓ, જે પ્રજા મિસરમાંથી નીકળી આવી છે તેણે પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે. હવે આવીને મારા માટે તેઓને શાપ આપ. કદાચ હું તેઓ સાથે યુદ્ધ કરીને તેઓને કાઢી મૂકું.'"

12 ઈશ્વરે બલામને કહ્યું, "તારે તે માણસો સાથે જવું નહિ. તારે ઇઝરાયલ લોકોને શાપ આપવો નહિ કેમ કે તેઓ આશીર્વાદિત છે." 13 તેથી બલામે સવારે વહેલા ઊઠીને બાલાકના વડીલોને કહ્યું, "તમારા દેશમાં પાછા જાઓ કેમ કે, ઈશ્વર મને તમારી સાથે આવવાની મના કરે છે." 14 તેથી મોઆબના વડીલો ત્યાંથી નીકળીને બાલાક પાસે પાછા ગયા. તેઓએ કહ્યું, "બલામે અમારી સાથે આવવાની ના પાડી છે."

15 બાલાકે ફરીથી વધારે અને પહેલા સમૂહ કરતાં વધારે માનવંત વડીલોને મોકલ્યા. 16 તેઓએ બલામ પાસે આવીને તેને કહ્યું, "સિપ્પોરના દીકરા બાલાકે આ મુજબ કહ્યું, 'કૃપા કરીને તને મારી પાસે આવવાથી કોઈ રોકો નહિ, 17 કેમ કે હું તને મોટો બદલો આપીશ અને તારો ભારે આદર કરીશ, તું મને જે કહીશ તે હું કરીશ. માટે કૃપા કરી આવ અને મારે સારુ આ લોકોને શાપ આપ.'"

18 બલામે બાલાકના માણસોને જવાબ આપ્યો, "જો બાલાક મહેલ ભરીને સોનું ચાંદી મને આપે તોપણ હું નાની કે મોટી કોઈ પણ બાબતમાં મારા યહોવાહ, મારા ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ કંઈ કરી શકું તેમ નથી. 19 માટે હવે, કૃપા કરીને આજ રાત અહીં રોકાઈ જાઓ, કે જેથી યહોવાહે મને અગાઉ જે કહ્યું તે કરતાં બીજું શું કહે તે હું જાણી શકું." 20 રાત્રે ઈશ્વરે બલામ પાસે આવીને કહ્યું, "જો આ લોકો તને બોલાવવા આવ્યા હોય, તો તું ઊઠીને તેમની સાથે જા. પણ હું તને જે કરવાનું કહું તેટલું જ તું કર."

બલામ અને તેની ગધેડી

21 બલામ સવારે ઊઠીને પોતાની ગધેડી ઉપર જીન બાંધીને મોઆબના વડીલો સાથે ગયો. 22 પણ તે ગયો, તેથી ઈશ્વરને ક્રોધ ચઢ્યો હતો. જ્યારે બલામ ગધેડી પર સવાર થઈને જતો હતો ત્યારે તેની સામે થવા માટે રસ્તામાં યહોવાહનો દૂત ઊભો રહ્યો, બલામના બે સેવકો પણ તેની સાથે હતા. 23 ગધેડીએ યહોવાહના દૂતને રસ્તામાં પોતાની તલવાર ખેંચીને ઊભેલો જોયો. તેથી ગધેડી પોતાનો રસ્તો બદલીને ખેતરમાં વળી ગઈ. બલામ ગધેડીને મારીને ફરી પછી રસ્તા પર લઈ આવ્યો.

24 પછી યહોવાહનો દૂત દ્રાક્ષવાડીઓની વચ્ચે રસ્તામાં ઊભો રહ્યો, તેની જમણી બાજુ અને બીજી બાજુ દીવાલ હતી. 25 ગધેડીએ યહોવાહના દૂતને ફરીથી જોયો. તે દીવાલ સામે ચાલી ગઈ અને બલામનો પગ દીવાલની સાથે પછડાયો. બલામે તેને ફરી મારી.

26 યહોવાહનો દૂત આગળ ગયો, બીજી સાંકડી જગ્યા જ્યાં ગધેડીને ડાબે કે જમણે ફરવાનો કોઈ રસ્તો ન હતો ત્યાં ઊભો રહ્યો. 27 ગધેડી યહોવાહના દૂતને જોઈને બલામ સાથે નીચે બેસી પડી. બલામને ગુસ્સો આવ્યો અને તેણે ગધેડીને લાકડીથી મારી.

28 પછી યહોવાહે ગધેડીનું મુખ ખોલ્યું કે તે વાત કરી શકે. તેણે બલામને કહ્યું, "મેં તને શું કર્યું છે કે તેં મને ત્રણ વખત મારી?" 29 બલામે ગધેડીને જવાબ આપ્યો, "તે એટલા માટે, કેમ કે તેં મારી સાથે મૂર્ખતાભર્યું કામ કર્યું છે. જો મારા હાથમાં તલવાર હોત તો સારું. જો હોત તો, હમણાં જ હું તને મારી નાખત." 30 ગધેડીએ બલામને પૂછ્યું, "શું હું તારી ગધેડી નથી? જેના પર તેં તારા પૂરા જીવનથી આજ સુધી સવારી કરી છે. તારી આગળ આવું કરવાની મને ક્યારેય આદત હતી?" બલામે કહ્યું, "ના."

31 પછી યહોવાહે બલામની આંખો ખોલી, તેણે યહોવાહના દૂતને પોતાની તલવાર હાથમાં લઈને રસ્તાની વચ્ચે ઊભેલો જોયો. બલામે માથું નમાવીને તેને સાષ્ટાંગ દંડ્વત પ્રણામ કર્યા. 32 યહોવાહના દૂતે તેને કહ્યું, "તેં આ ગધેડીને ત્રણ વખત શા માટે મારી છે? જો, હું તારી આગળ શત્રુ તરીકે ઊભો રહ્યો કેમ કે મારી આગળ તારા કામો દુષ્ટ હતાં. 33 ગધેડીએ મને જોયો એટલે તે ત્રણ વાર મારાથી દૂર ખસી ગઈ. જો તે ખસી ગઈ ના હોત તો મેં તને મારી નાખ્યો હોત અને ગધેડીનો જીવ બચાવ્યો હોત."

34 બલામે યહોવાહના દૂતને કહ્યું, "મેં પાપ કર્યું છે. હું જાણતો ન હતો કે તું માર્ગમાં મારી સામે ઊભો છે. તો હવે, જો આ સફરથી તું નારાજ થયો છે, તો જ્યાંથી હું આવ્યો છું ત્યાં હું પાછો જઈશ." 35 પણ યહોવાહના દૂતે બલામને કહ્યું, "આ માણસોની સાથે જા. પણ જે વાત હું તને કહું તે જ તારે કહેવી." તેથી બલામ બાલાકના વડીલો સાથે ગયો.

બાલાક બલામને મળવાને ગયો

36 બાલાક રાજાએ જયારે સાંભળ્યું કે બલામ આવ્યો છે, ત્યારે તે તેને મળવા માટે મોઆબનું નગર જે આર્નોનની સરહદ પર આવેલું છે ત્યાં ગયો. 37 બાલાકે બલામને કહ્યું, "મેં તને બોલાવવા માણસો નહોતા મોકલ્યા? શા માટે તું મારી પાસે આવ્યો નહિ? શું હું તારો આદર કરવા સમર્થ ન હતો."

38 ત્યારે બલામે બાલાકને જવાબ આપ્યો, "જો, હું તારી પાસે આવ્યો છું. શું મને કંઈ બોલવાનો અધિકાર છે? જે વચનો ઈશ્વરે મારા મુખમાં મૂક્યાં છે ફક્ત તે જ હું બોલીશ." 39 બલામ બાલાક સાથે ગયો અને તેઓ કિર્યાથ-હુસોથ આવ્યા. 40 પછી બાલાકે બળદો તથા ઘેટાંનો યજ્ઞ કર્યો અને તેણે બલામ તથા તેની સાથેના વડીલોને તેમાંથી થોડું માંસ આપ્યું.

41 અને સવારે, બાલાક બલામને બઆલના ઉચ્ચસ્થાનો [1] માં લઈ ગયો. ત્યાંથી બલામ ઇઝરાયલીઓની છાવણીનો એક ભાગ જોઈ શકતો હતો.


22:41 [1] બઆલ મૂર્તિઓની ટેકરી

Chapter 23

બલામની પહેલી ભવિષ્યવાણી

1 બલામે બાલાકને કહ્યું, "અહીં મારે માટે સાત વેદીઓ બાંધ અને સાત બળદ તથા સાત ઘેટાં તૈયાર કર." 2 જેમ બલામે વિનંતી કરી હતી તેમ બાલાકે કર્યું. બાલાક તથા બલામે દરેક વેદી પર એક બળદ તથા એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું. 3 બલામે બાલાકને કહ્યું, "તું "તારા દહનીયાર્પણ પાસે ઊભો રહે અને હું જાઉ છું. કદાચ યહોવાહ મને મળવા આવશે. તેઓ જે કંઈ મને કહેશે તે હું તને કહીશ." પછી તે એક ઉજ્જડ ટેકરી પર ગયો.

4 ઈશ્વર તેને મળ્યા અને બલામે યહોવાહને કહ્યું, "મેં સાત વેદીઓ બાંધી છે અને દરેક પર એક બળદ અને એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું છે." 5 પછી યહોવાહે બલામના મુખમાં વચન મૂક્યું અને કહ્યું, "તું બાલાક પાસે પાછો જા અને તેને કહે." 6 બલામ બાલાક પાસે પાછો ગયો. જુઓ તે તથા મોઆબના બધા વડીલો તેના દહનીયાર્પણની પાસે ઊભા હતા.

7 બલામે ભવિષ્યવાણી બોલીને કહ્યું,

     "મોઆબનો રાજા પૂર્વના પર્વતોમાંથી

         એટલે અરામથી બાલાક મને લાવ્યો છે.

     'તેણે કહ્યું, આવ, મારે માટે યાકૂબને શાપ દે.'

         'આવ, ઇઝરાયલને તુચ્છકાર.'

     8 જેને ઈશ્વર શાપ આપતા નથી તેને હું કેવી રીતે શાપ આપું?

         યહોવાહ જેને તુચ્છકારતા નથી તેને હું કેવી રીતે તુચ્છકારું?

     9 કેમ કે ખડકોના શિખર પરથી હું તેને જોઈ શકું છું;

         ટેકરીઓ પરથી હું તેને જોઉં છું.

     જુઓ, ત્યાં એકલા રહેનારા લોકો છે

         અને પોતાની જાતને સાધારણ પ્રજા ગણતા નથી.

     10 યાકૂબની ધૂળને કોણ ગણી શકે

         અથવા ઇઝરાયલના ચતુર્થાંશની કોણ ગણતરી કરી શકે?

     મારું મૃત્યુ ન્યાયી વ્યક્તિના જેવું થાઓ,

         અને મારા જીવનનો અંત પણ તેના જેવો થાઓ!"

11 બાલાકે બલામને કહ્યું, "આ તેં મારી સાથે શું કર્યું છે? મેં તને મારા દુશ્મનોને શાપ આપવા બોલાવ્યો, પણ જો, તેં તેઓને આશીર્વાદ આપ્યો." 12 બલામે જવાબ આપીને કહ્યું, "યહોવાહ મારા મુખમાં જે વચન મૂકે તે બોલવાને મારે સંભાળ ન રાખવી?"

બલામની બીજી ભવિષ્યવાણી

13 ત્યાર પછી બાલાકે તેને કહ્યું, "કૃપા કરી મારી સાથે બીજી જગ્યાએ આવ કે જ્યાં તું તેઓને જોઈ શકે. તું ફક્ત તેઓના નજીકના ભાગને જોઈ શકશે, તેઓ બધાને તું નહિ દેખે. ત્યાંથી તું તેઓને મારા માટે શાપ દે." 14 તે બલામને પિસ્ગાહ પર્વતની શિખરે આવેલા સોફીમના ખેતરમાં લઈ ગયો, ત્યાં તેણે સાત વેદીઓ બાંધી. દરેક વેદી ઉપર એક બળદ અને એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું. 15 બલામે બાલાકને કહ્યું, "અહીં તારા દહનીયાર્પણ પાસે ઊભો રહે, હું યહોવાહને મળવા ત્યાં ઉપર જાઉ છું."

16 યહોવાહ બલામને મળવા આવ્યા અને તેના મુખમાં વચન મૂક્યું. તેમણે કહ્યું, "બાલાક પાસે પાછો જા અને મારું વચન તેને આપ." 17 બલામ તેની પાસે પાછો આવ્યો, તો જુઓ, તે તથા મોઆબના વડીલો તેની સાથે તેના દહનીયાર્પણ પાસે ઊભા હતા. ત્યારે બાલાકે તેને પૂછ્યું, "યહોવાહે તને શું કહ્યું છે?" 18 બલામે તેની ભવિષ્યવાણીની શરૂઆત કરી. તેને કહ્યું,

     "બાલાક ઊઠ, અને સાંભળ.

         હે સિપ્પોરના દીકરા, મને સાંભળ.

     19 ઈશ્વર મનુષ્ય નથી કે તે જૂઠું બોલે,

         અથવા માણસ નથી કે તે પોતાનું મન બદલે.

     તે પોતાનું વચન પૂરું નહિ કરે?

         પોતાનું બોલવું પૂરું નહિ કરે?

     20 જુઓ, આશીર્વાદ આપવાની આજ્ઞા મને મળી છે.

         ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો છે તે હું ફેરવી શકતો નથી.

     21 તેઓએ યાકૂબમાં કઈ જ ખોટું જોયું નથી.

         કે ઇઝરાયલમાં મુશ્કેલી જોઈ નથી.

     યહોવાહ તેઓના ઈશ્વર તેઓની સાથે છે,

         અને તેઓની વચ્ચે રાજાનો જયજયકાર છે.

     22 ઈશ્વર તેઓને મિસરમાંથી બહાર લાવ્યા છે, અને

         જંગલી બળદ જેવી તાકાત આપે છે.

     23 યાકૂબ વિરુદ્ધ કોઈ મંત્રતંત્ર નહિ ચાલે,

         ઇઝરાયલ પર કંઈ પણ મંત્રવિદ્યા ચાલશે નહિ.

     ઇઝરાયલ તથા યાકૂબ વિષે કહેવાશે કે,

         'જુઓ ઈશ્વરે કેવું કર્યું છે!'

     24 જુઓ, લોકો સિંહણની જેમ ઊઠે છે,

         જેમ સિંહ બહાર નીકળીને હુમલો કરે છે.

         તે મારેલો શિકાર ખાય અને

         તેનું રક્ત પીવે નહિ ત્યાં સુધી તે સૂઈ જશે નહિ."

બાલામની ત્રીજી ભવિષ્યવાણી

25 પછી બાલાકે બલામને કહ્યું, "તેઓને શાપ ન દે તેમ જ આશીર્વાદ પણ ન આપ." 26 પણ બલામે બાલાકને જવાબ આપીને કહ્યું, "શું મેં તને કહ્યું ન હતું કે યહોવાહ મને જે કહેશે તે જ હું કહીશ." 27 બાલાકે બલામને જવાબ આપ્યો, "હવે આવ, હું તને બીજી જગ્યાએ લઈ જાઉં. કદાચ ઈશ્વર પ્રસન્ન થાય અને ત્યાંથી તું તેઓને મારે સારુ શાપ આપે."

28 બાલાક બલામને પેઓર પર્વતના શિખર પર લઈ ગયો, જ્યાંથી અરણ્ય જોઈ શકાતું હતું. 29 બલામે બાલાકને કહ્યું, "અહીં મારે સારુ સાત વેદી બાંધી આપ અને સાત બળદ તથા સાત ઘેટાં તૈયાર કર." 30 જેમ બલામે કહ્યું તેમ બાલાકે કર્યું, તેણે દરેક વેદી પર એક બળદ તથા એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું.

Chapter 24

1 બલામે જોયું કે ઇઝરાયલને આશીર્વાદ આપવો તે યહોવાહને પસંદ પડ્યું છે, તેથી તે મંત્રવિદ્યા કરવા ગયો નહિ, પણ, તેણે અરણ્યની તરફ જોયું.

2 તેણે દ્રષ્ટિ કરીને જોયું તો ઇઝરાયલીઓએ પોતાના કુળ પ્રમાણે છાવણી નાખી હતી અને ઈશ્વરનો આત્મા તેના પર આવ્યો. 3 તેણે ભવિષ્યવાણી કરીને કહ્યું,

     "બેઓરનો દીકરો બલામ કહે છે,

         જે માણસની આંખો વિશાળ રીતે ખુલ્લી હતી.

     4 તે બોલે છે અને ઈશ્વરના શબ્દો સાંભળે છે.

         જે પોતાની ખુલ્લી આંખે ઊંધો પડીને

     સર્વસમર્થનું દર્શન પામે છે.

     5 હે યાકૂબ, તારા તંબુઓ,

         હે ઇઝરાયલ તારા મંડપ કેવા સુંદર છે!

     6 ખીણોની માફફ તેઓ પથરાયેલા છે,

         નદીકિનારે બગીચા જેવા,

         યહોવાહે રોપેલા અગરના છોડ જેવા,

         પાણી પાસેના દેવદાર વૃક્ષ જેવા.

     7 તેની ડોલમાંથી પાણી વહેશે,

         ઘણાં પાણીઓમાં તેનું બીજ છે.

     તેઓનો રાજા અગાગ કરતાં મોટો થશે,

         તેઓનું રાજ્ય પ્રતાપી રાજ્ય બનશે.

     8 ઈશ્વર તેઓને મિસરમાંથી કાઢી લાવે છે.

     તેનામાં જંગલી બળદના જેવી તાકાત છે.

         તે પોતાની વિરુદ્ધ થનાર પ્રજાઓને ખાઈ જશે.

         તે તેઓનાં હાડકાં ભાંગીને ટુકડા કરશે.

         તે પોતાના તીરોથી તેઓને વીંધી નાખશે.

     9 તે સિંહ તથા સિંહણની માફક નીચે નમીને ઊંઘે છે.

         તેને ઉઠાડવાની હિંમત કોણ કરે?

     તને જે આશીર્વાદ આપે તે આશીર્વાદિત થાઓ;

         તને જે શાપ આપે તે શાપિત થાઓ."

10 બાલાકને બલામ પર ખૂબ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં તેણે પોતાના હાથ મસળ્યા. બાલાકે બલામને કહ્યું, "મારા દુશ્મનોને શાપ આપવા માટે મેં તને બોલાવ્યો છે, પણ જો, તેં ત્રણ વાર તેઓને આશીર્વાદ આપ્યો. 11 તો અત્યારે મને છોડીને ઘરે જા. મેં કહ્યું હું તને મોટો બદલો આપીશ, પણ યહોવાહે તને તે બદલો પ્રાપ્ત કરવાથી વંચિત રાખ્યો છે."

12 બલામે બાલાકને જવાબ આપ્યો, "જે સંદેશાવાહકો તેં મારી પાસે મોકલ્યા હતા તેઓને પણ શું એવું નહોતું કહ્યું કે, 13 'જો બાલાક મને તેના મહેલનું સોનુંચાંદી આપે, તો પણ હું યહોવાહની આજ્ઞાની વિરુદ્ધ જઈને મારી મરજી પ્રમાણે સારું કે ખરાબ કંઈ જ કરી શકતો નથી. હું તો યહોવાહ જે કહે છે તે જ કરીશ.' 14 તો હવે, જો હું મારા લોકો પાસે જાઉ છું. પણ તે અગાઉ તને ચેતવણી આપું છું કે આ લોકો ભવિષ્યમાં તારા લોકો સાથે શું કરશે."

બલામની છેવટની ભવિષ્યવાણીઓ

15 બલામે ભવિષ્યવાણી કરતાં કહ્યું,

     "બેઓરના દીકરા બલામ,

         જેની આંખો ખુલ્લી હતી તે કહે છે.

     16 જે ઈશ્વરની વાણી સાંભળે છે,

     જેને પરાત્પર ઈશ્વર પાસેથી ડહાપણ પ્રાપ્ત થયું છે,

     જે ખુલ્લી આંખો રાખીને સર્વસમર્થ ઈશ્વરનું દર્શન પામે છે, તે કહે છે.

     17 હું તેને જોઉં છું, પણ તે અત્યારે નહિ.

     હું તેને જોઉં છું, પણ પાસે નહિ.

     યાકૂબના વંશમાંથી એક તારો ઊગશે,

     ઇઝરાયલમાંથી રાજદંડ ઊભો થશે.

     તે મોઆબના આગેવાનોનો [1] નાશ કરી નાખશે.

     અને શેથના બધા વંશજોનો [2] તે નાશ કરશે.

     18 અદોમ ઇઝરાયલનું વતન પ્રાપ્ત કરશે.

     અને સેઈર પણ તેનું વતન પ્રાપ્ત કરશે,

         તે બન્ને ઇઝરાયલના શત્રુઓ હતા,

         જેના પર ઇઝરાયલ વિજેતા થશે.

     19 યાકૂબમાંથી એક રાજા નીકળશે જે આધિપત્ય ધારણ કરશે,

     તે નગરમાંથી બાકી રહેલા લોકોનો વિનાશ કરશે."

20 પછી બલામે અમાલેકીઓ તરફ જોઈને ભવિષ્યવાણી કરીને કહ્યું,

     "અમાલેકી પહેલું મોટું રાજ્ય હતું,

     પણ તેનો છેલ્લો અંત વિનાશ હશે."

21 અને બલામે કેનીઓ તરફ જોઈને ભવિષ્યવાણી કરીને કહ્યું,

     "તું જે જગ્યાએ રહે છે તે મજબૂત છે,

     અને તારા માળા ખડકોમાં બાંધેલા છે.

     22 તોપણ કાઈન વેરાન કરાયો છે

     જ્યારે આશ્શૂર તને કેદ કરીને દૂર લઈ જશે."

23 બલામે છેલ્લી ભવિષ્યવાણી કરતાં કહ્યું,

     "અરે! ઈશ્વર આ પ્રમાણે કરશે ત્યારે કોણ જીવતું બચશે?

     24 કિત્તીમના કિનારા પરથી વહાણો આવશે;

     તેઓ આશ્શૂર પર હુમલો કરશે અને એબેરને કચડી નાખશે,

     પણ તેઓનો, અંતે વિનાશ થશે."

25 પછી બલામ ઊઠીને ચાલ્યો ગયો. તે પોતાને ઘરે પાછો ફર્યો અને બાલાક પણ પોતાના રસ્તે ગયો.


24:17 [1] સીમાઓ
24:17 [2] કોલાહલ કરનારાઓ

Chapter 25

લોકો બાલ-પેઓરના પંથમાં

1 ઇઝરાયલ શિટ્ટીમમાં રહેતા હતા ત્યારે પુરુષોએ મોઆબની સ્ત્રીઓ સાથે સૂવાનું શરૂ કર્યું. 2 કેમ કે મોઆબીઓ તે લોકોને પોતાના દેવોને બલિદાન અર્પણ કરવા આમંત્રણ આપતા હતા. તેથી લોકોએ ખાધું અને મોઆબીઓના દેવોની પૂજા કરી. 3 ઇઝરાયલના માણસો બઆલ-પેઓરની પૂજામાં સામેલ થયા, એટલે યહોવાહ ઇઝરાયલ પર કોપાયમાન થયા.

4 યહોવાહે મૂસાને કહ્યું કે, "લોકોના બધા વડીલોને લઈને તેઓને મારી નાખ. અને દિવસે ખુલ્લી રીતે લોકોની સમક્ષ [1] તેઓને મારી આગળ લટકાવ, જેથી ઇઝરાયલ પરથી મારો ગુસ્સો દૂર થાય." 5 તેથી મૂસાએ ઇઝરાયલના વડીલોને કહ્યું, "તમારામાંનો દરેક પોતાના લોકોમાંથી જેણે બઆલ-પેઓરની પૂજા કરી હોય તેને મારી નાખે."

6 ઇઝરાયલનો એક માણસ આવ્યો અને એક મિદ્યાની સ્ત્રીને તેના કુટુંબના સભ્યો વચ્ચે લઈ ગયો. મૂસાની નજર સમક્ષ અને ઇઝરાયલ લોકોનો આખો સમુદાય, જયારે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ રડતો હતો તે સમયે આવું બન્યું. 7 જયારે હારુન યાજકના દીકરા એલાઝારનો દીકરો ફીનહાસ તે જોઈને સમુદાયમાંથી ઊભો થયો અને પોતાના હાથમાં ભાલો લીધો.

8 તે ઇઝરાયલી માણસની પાછળ તંબુમાં ગયો અને ભાલાનો ઘા કરીને તે ઇઝરાયલી માણસને અને સ્ત્રીના પેટને વીંધી નાખ્યાં. જે મરકી ઈશ્વરે ઇઝરાયલી લોકો પર મોકલી હતી તે બંધ થઈ. 9 જેઓ મરકીથી મરણ પામ્યા હતો તેઓ સંખ્યામાં ચોવીસ હજાર હતા.

10 પછી યહોવાહે મૂસાને કહ્યું, 11 "હારુન યાજકના દીકરા એલાઝારના દીકરા ફીનહાસે ઇઝરાયલ લોકો પરથી મારા રોષને શાંત કર્યો છે કેમ કે તે મારી પ્રત્યે ઝનૂની હતો. તેથી મારા ગુસ્સામાં મેં ઇઝરાયલી લોકોનો નાશ ન કર્યો.

12 તેથી કહે કે, 'યહોવાહ કહે છે કે, જુઓ, હું ફીનહાસને મારો શાંતિનો કરાર આપું છું. 13 તેના માટે તથા તેના પછી તેના વંશજોને માટે તે સદાના યાજકપદનો કરાર થશે, કેમ કે મારા માટે, એટલે પોતાના ઈશ્વર માટે આવેશી થયો છે. તેણે ઇઝરાયલના લોકો માટે પ્રાયશ્ચિત કર્યું હતું."'"

14 જે ઇઝરાયલી માણસને મિદ્યાની સ્ત્રીની સાથે મારી નાખવામાં આવ્યો હતો તેનું નામ ઝિમ્રી હતું, તે શિમયોનીઓ મધ્યે પિતૃઓના કુટુંબનો આગેવાન સાલૂનો દીકરો હતો. 15 જે મિદ્યાની સ્ત્રીને મારી નાખવામાં આવી હતી તેનું નામ કીઝબી હતું, તે સૂરની દીકરી હતી, જે મિદ્યાનમાં કુટુંબનો અને કુળનો આગેવાન હતો.

16 પછી યહોવાહે મૂસા સાથે વાત કરીને કહ્યું, 17 "મિદ્યાનીઓ સાથે દુશ્મનો જેવો વર્તાવ કર અને તેઓ પર હુમલો કર, 18 કેમ કે તેઓ કપટથી તમારી સાથે દુશ્મનો જેવા વ્યવહાર કરે છે. તેઓ પેઓરની બાબતમાં અને તેઓની બહેન એટલે મિદ્યાનના આગેવાનની દીકરી કીઝબી કે જેને પેઓરની બાબતમાં મરકીના દિવસે મારી નાખવામાં આવી હતી તેની બાબતમાં તમને ફસાવ્યા હતા."


25:4 [1] સૂર્યની પ્રકાશમાં

Chapter 26

બીજી વસ્તી ગણતરી

1 મરકી બંધ થયા પછી યહોવાહે મૂસાને તથા હારુન યાજકના પુત્ર એલાઝારને કહ્યું, 2 "ઇઝરાયલી લોકોની આખી જમાતમાં જેઓ વીસ વર્ષના કે તેથી વધારે ઉંમરના હોય, એટલે કે જેઓ ઇઝરાયલ માટે યુદ્ધમાં જવાને સમર્થ હોય તેઓની તથા તેઓના પિતૃઓના કુટુંબોની ગણતરી કર."

3 યર્દન નદીને કિનારે યરીખોના, મોઆબના મેદાનમાં મૂસા તથા એલાઝાર યાજકે તેઓની સાથે વાત કરી કે, 4 વીસ વર્ષ તથા તેથી વધારે ઉંમરના લોકોની ગણતરી કરો, જેમ યહોવાહે મૂસાને તથા ઇઝરાયલ લોકોને મિસરમાંથી બહાર આવ્યા હતા ત્યારે તેઓને આજ્ઞા આપી હતી તેમ."

5 ઇઝરાયલનો જયેષ્ઠ દીકરો રુબેન હતો. તેના દીકરા હનોખથી હનોખીઓનું કુટુંબ. પાલ્લૂથી પાલ્લૂનું કુટુંબ. 6 હેસ્રોનથી હેસ્રોનીઓનું કુટુંબ. કાર્મીથી કાર્મીઓનું કુટુંબ. 7 રુબેનના વંશજોનાં આટલાં કુળો હતાં, તેઓની સંખ્યા તેંતાલીસહજાર સાતસોત્રીસની હતી.

8 પાલ્લૂનો દીકરો અલિયાબ હતો. 9 અલિયાબના દીકરા: નમુએલ, દાથાન તથા અબિરામ હતા. દાથાન તથા અબિરામ જેઓ કોરાહને અનુસરતા હતા જ્યારે તેઓએ મૂસા તથા હારુનની સામે બંડ પોકારીને યહોવાહ સામે બળવો કર્યો તે એ જ હતા.

10 જયારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે પૃથ્વી પોતાનું મુખ ખોલીને તેઓને કોરાહ સહિત ગળી ગઈ. તે જ સમયે અગ્નિએ બસો પચાસ માણસોનો નાશ કરી નાખ્યો જેઓ ચિહ્નરૂપ થઈ પડ્યા. 11 તેમ છતાં કોરાહના વંશજો મૃત્યુ પામ્યા નહિ.

12 શિમયોનના વંશજોનાં કુટુંબો નીચે પ્રમાણે છે:

     નમુએલથી નમુએલીઓનું કુટુંબ.

     યામીનથી યામીનીઓનું કુટુંબ.

     યાખીનથી યાખીનીઓનું કુટુંબ,

     13 ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ.

     શાઉલથી શાઉલીઓનું કુટુંબ. 14 આ શિમયોનના વંશજોનાં કુટુંબો હતાં, જેઓ સંખ્યામાં બાવીસહજાર બસો માણસો હતા.

15 ગાદના વંશજોનાં કુટુંબો આ હતાં એટલે.

     સફોનથી સફોનીઓનું કુટુંબ.

     હાગ્ગીથી હાગ્ગીઓનું કુટુંબ.

     શૂનીથી શૂનીઓનું કુટુંબ.

     16 ઓઝનીથી ઓઝનીઓનું કુટુંબ.

     એરીથી એરીઓનું કુટુંબ.

     17 અરોદથી અરોદીઓનું કુટુંબ.

     આરએલીથી આરએલીઓનું કુટુંબ. 18 આ ગાદના વંશજોના કુટુંબો હતા જેઓની સંખ્યા ચાલીસહજાર પાંચસો માણસોની હતી.

19 એર તથા ઓનાન યહૂદાના દીકરા હતા, પણ આ માણસો કનાન દેશમાં મૃત્યુ પામ્યા હતા. 20 યહૂદાના બીજા વંશજોનાં કુટુંબો આ હતાં એટલે:

     શેલાથી શેલાનીઓનું કુટુંબ.

     પેરેસથી પેરેસીઓનું કુટુંબ.

     ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ. 21 પેરેસના વંશજો આ હતા એટલે:

     હેસ્રોનથી હેસ્રોનીઓનું કુટુંબ.

     હામૂલથી હામૂલીઓનું કુટુંબ. 22 આ યહૂદાના વંશજોનાં કુટુંબો હતા, જેઓની સંખ્યા છોતેરહજાર પાંચસો માણસોની હતી.

23 ઇસ્સાખારના વંશજોના કુટુંબો આ હતાં એટલે:

     તોલાથી તોલાઈઓનું કુટુંબ.

     પુવાહથી પૂનીઓનું કુટુંબ. 24 યાશૂબથી યાશૂબીઓનું કુટુંબ.

     શિમ્રોનથી શિમ્રોનીઓનું કુટુંબ. 25 આ ઇસ્સાખારના વંશજોના કુટુંબો હતા, જેઓની સંખ્યા ચોસઠહજાર ત્રણસો માણસોની હતી.

26 ઝબુલોનના વંશજોનાં કુટુંબો આ હતાં એટલે:

     સેરેદથી સેરેદીઓનું કુટુંબ.

     એલોનથી એલોનીઓનું કુટુંબ.

     યાહલેલથી યાહલેલીઓનું કુટુંબ. 27 આ ઝબુલોનીઓના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા સાઠહજાર પાંચસો માણસોની હતી.

28 યૂસફના વંશજો મનાશ્શા અને એફ્રાઇમ હતા. 29 મનાશ્શાના વંશજો આ હતા:

     માખીરથી માખીરીઓનું કુટુંબ માખીર ગિલ્યાદનો પિતા હતો,

     ગિલ્યાદથી ગિલ્યાદીઓનું કુટુંબ.

30 ગિલ્યાદનાં કુટુંબો આ હતાં:

     ઈએઝેરથી ઈએઝેરીઓનું કુટુંબ.

     હેલેકથી હેલેકીઓનું કુટુંબ, અને

     31 આસ્રીએલથી આસ્રીએલીઓનું કુટુંબ.

     અને શખેમથી શખેમીઓનું કુટુંબ.

     32 શમીદાથી શમીદાઈઓનું કુટુંબ.

     હેફેરથી હેફેરીઓનું કુટુંબ.

33 હેફેરના દીકરા સલોફહાદને દીકરા નહોતા, પણ ફક્ત દીકરીઓ જ હતી. તેની દીકરીઓનાં નામ માહલાહ, નૂહ, હોગ્લાહ, મિલ્કાહ તથા તિર્સા હતાં. 34 આ મનાશ્શાનાં કુટુંબો હતાં, જેઓની સંખ્યા બાવનહજાર સાતસો માણસોની હતી.

35 એફ્રાઇમના વંશજોનાં કુટુંબો આ હતાં.

     શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ.

     બેખેરથી બેખેરીઓનું કુટુંબ.

     તાહાનથી તાહાનીઓનું કુટુંબ. 36 શૂથેલાહના વંશજો, એરાનથી એરાનીઓનું કુટુંબ. 37 આ એફ્રાઇમના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા બત્રીસહજાર પાંચસો માણસોની હતી. યૂસફના વંશજો તેઓના કુટુંબોની ગણતરી પ્રમાણે આ છે.

38 બિન્યામીનના વંશજોનાં કુટુંબો આ હતાં:

     બેલાથી બેલાઈઓનું કુટુંબ.

     આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ.

     અહીરામથી અહીરામીઓનું કુટુંબ.

     39 શૂફામથી શૂફામીઓનું કુટુંબ.

     હૂફામથી હૂફામીઓનું કુટુંબ.

40 બેલાના દીકરાઓ આર્દ તથા નામાન હતા. આર્દથી આર્દીઓનું કુટુંબ, નામાનથી નામાનીઓનું કુટુંબ. 41 આ બિન્યામીનના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા પિસ્તાળીસહજાર છસો માણસોની હતી.

42 દાનના કુટુંબોના વંશજો, શૂહામથી શૂહામીઓનું કુટુંબ. આ દાનના વંશજોનું કુટુંબ હતું. 43 શૂહામીઓના બધાં કુટુંબોની સંખ્યા ચોસઠહજાર ચારસો માણસોની હતી.

44 આશેરના વંશજોનાં કુટુંબો આ હતાં.

     યિમ્નાથી યિમ્નીઓનું કુટુંબ.

     યિશ્વીથી યિશ્વીઓનું કુટુંબ,

     બરિયાથી બરિયાઓનું કુટુંબ.

45 બરિયાના વંશજોનાં કુટુંબો આ હતાં.

     હેબેરથી હેબેરીઓનું કુટુંબ.

     માલ્કીએલથી માલ્કીએલીઓનું કુટુંબ.

46 આશેરની દીકરીનું નામ સેરાહ હતું. 47 આ આશેરના વંશજોનાં કુટુંબો હતાં, જેઓની સંખ્યા તેપનહજાર ચારસો માણસોની હતી.

48 નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં:

     યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ,

     ગૂનીથી ગૂનીઓનું કુટુંબ,

     49 યેસેરથી યેસેરીઓનું કુટુંબ,

     શિલ્લેમથી શિલ્લેમીઓનું કુટુંબ.

50 નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં. જેઓની સંખ્યા પિસ્તાળીસહજાર ચારસો માણસોની હતી.

51 ઇઝરાયલ લોકો મધ્યેના માણસોની કુલ ગણતરી છ લાખ એક હજાર સાતસો ત્રીસની હતી.

52 પછી યહોવાહે મૂસાને કહ્યું, 53 "તેઓનાં નામોની સંખ્યા પ્રમાણે માણસોને આ દેશનો વારસો વહેંચી આપવો.

54 મોટા કુટુંબને વધારે વારસો આપવો, નાના કુટુંબને થોડો વારસો આપવો. દરેક કુટુંબના માણસોની ગણતરી પ્રમાણે તેમને વારસો આપવો. 55 ચિઠ્ઠી નાખીને દેશની વહેંચણી કરવી. દરેકને તેમના પિતૃઓનાં કુળો પ્રમાણે વારસો મળે. 56 વધારે તથા થોડા કુટુંબોની વચ્ચે ચિઠ્ઠીઓ નાખીને વારસાની વહેંચણી કરવી."

57 લેવીઓનાં કુટુંબો: તેઓનાં કુટુંબો પ્રમાણે ગણતરી થઈ તે આ હતી:

     ગેર્શોનથી ગેર્શોનીઓનું કુટુંબ.

     કહાથથી કહાથીઓનું કુટુંબ.

     મરારીથી મરારીઓનું કુટુંબ,

58 લેવીઓનાં કુટુંબો નીચે મુજબ છે:

     લિબ્નીઓનું કુટુંબ.

     હેબ્રોનીઓનું કુટુંબ.

     માહલીઓનું કુટુંબ.

     મુશીઓનું કુટુંબ.

     તથા કોરાહીઓનું કુટુંબ.

કહાથ આમ્રામનો પૂર્વજ હતો. 59 આમ્રામની પત્નીનું નામ યોખેબેદ હતું, તે લેવીની દીકરી હતી, જે મિસરમાં લેવીને ઘરે જન્મી હતી. તેનાથી હારુન, મૂસા તથા તેમની બહેન મરિયમ જન્મ્યા હતા.

60 હારુનની પત્નીએ નાદાબ તથા અબીહૂ, એલાઝાર તથા ઈથામારને જન્મ આપ્યો. આમ્રામ તેનો પતિ હતો. 61 નાદાબ તથા અબીહૂ યહોવાહ સમક્ષ અમાન્ય અગ્નિ ચઢાવતા મૃત્યુ પામ્યા. 62 તેઓ મધ્યેના જેઓની ગણતરી થઈ તેઓ એટલે એક મહિનો તથા તેનાથી વધારે ઉંમરના પુરુષોની સંખ્યા તેવીસ હજારની હતી. પણ તેઓની ગણતરી ઇઝરાયલ લોકો વચ્ચે થઈ ન હતી, કેમ કે તેઓને ઇઝરાયલ લોકો મધ્યે વારસો મળ્યો ન હતો.

63 મૂસા તથા એલાઝાર યાજકથી જેઓની ગણતરી થઈ તેઓ આ હતા. તેઓએ યર્દનને કિનારે યરીખો સામે મોઆબના મેદાનમાં ઇઝરાયલ લોકોની ગણતરી કરી. 64 મૂસાએ તથા હારુન યાજકે સિનાઈ અરણ્યમાં ઇઝરાયલના વંશજોની ગણતરી કરી ત્યારે જેઓની ગણતરી થઈ હતી તેઓમાંનો એક પણ માણસ ત્યાં ન હતો.

65 કેમ કે, યહોવાહે કહ્યું હતું કે આ બધા લોકો અરણ્યમાં મૃત્યુ પામશે. ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશુઆ સિવાય તેઓમાંનો એક પણ માણસ બચશે નહિ.

Chapter 27

દીકરીઓની વારસાહક્કની માગણી

1 યૂસફના દીકરા મનાશ્શાના કુટુંબોમાંથી મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના દીકરા હેફેરના દીકરા સલોફહાદની દીકરીઓ મૂસા પાસે આવી. તેની દીકરીઓના નામ આ પ્રમાણે હતા: માહલાહ, નૂહ, હોગ્લાહ, મિલ્કાહ તથા તિર્સા.

2 તેઓએ મૂસાની, એલાઝાર યાજકની, વડીલોની તથા આખી જમાતની આગળ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ઊભી રહીને કહ્યું, 3 "અમારો પિતા અરણ્યમાં મૃત્યુ પામ્યો. યહોવાહ વિરુદ્ધ ઊઠનાર કોરાહની ટોળીમાં તે ન હતા. તે તેના પોતાના પાપમાં મૃત્યુ પામ્યા; તેને કોઈ દીકરા ન હતા.

4 અમારા પિતાને દીકરો ન હોવાથી અમારા પિતાનું નામ કુટુંબમાંથી શા માટે દૂર કરાય? અમારા પિતાના ભાઈઓ મધ્યે અમને વારસો આપવામાં આવે." 5 માટે મૂસા આ બાબત યહોવાહ સમક્ષ લાવ્યો.

6 અને યહોવાહે મૂસાને કહ્યું, 7 "સલોફહાદની દીકરીઓ સાચું બોલે છે. તું નિશ્ચે તે લોકોને તેમના પિતાના ભાઈઓની સાથે વારસાનો દેશ આપ; તેઓના પિતાનો વારસો તેઓને આપ. 8 ઇઝરાયલ લોકોને સાથે વાત કરીને કહે, 'જો કોઈ માણસ મૃત્યુ પામે અને તેને દીકરો ન હોય, તો તેની દીકરીને તેનો વારસો આપ.

9 જો તેને દીકરી ના હોય, તો તું તેનો વારસો તેના ભાઈઓને આપ. 10 જો તેને ભાઈઓ ના હોય, તો તેનો તેના પિતાના ભાઈઓને આપ. 11 અને જો તેને કાકાઓ ન હોય, તો તેનો વારસો તેના નજીકના સગાને આપ, તે તેનો માલિક બને. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે આ કાયદો ઇઝરાયલી લોકો માટે કાનૂન થાય.'"

મૂસાનો અનુગામી યહોશુઆ નીમાયો

12 યહોવાહે મૂસાને કહ્યું, "તું અબારીમના પર્વત પર જા અને જે દેશ મેં ઇઝરાયલી લોકોને આપેલો છે તે જો. 13 તે જોયા પછી તું પણ તારા ભાઈ હારુનની જેમ તારા લોકો સાથે ભળી જશે. 14 કેમ કે સીનના અરણ્યમાં આખી જમાતની દ્રષ્ટિમાં ખડકમાંથી વહેતા પાણી પાસે કાદેશમાં મરીબાહનાં પાણી મને પવિત્ર માનવા વિષે તેં મારી આજ્ઞાની વિરુદ્ધ બળવો કર્યો.

15 પછી મૂસાએ યહોવાહની સાથે વાત કરીને કહ્યું, 16 "યહોવાહ, સર્વ માનવજાતના આત્માઓના ઈશ્વર, તે લોકો પર એક માણસને નિયુક્ત કરે. 17 કોઈ માણસ તેઓની આગળ બહાર જાય અને અંદર આવે, જે તેઓને બહાર ચલાવે અને અંદર લાવે, જેથી તમારા લોકો પાળક વગરનાં ઘેટાં જેવા ન રહે."

18 યહોવાહે મૂસાને કહ્યું, "નૂનનો દીકરો યહોશુઆ, જેનામાં મારો આત્મા રહે છે, તેના પર તારો હાથ મૂક. 19 તું તેને એલાઝાર યાજક તથા આખી જમાત સમક્ષ ઊભો કર, તેઓના દેખતાં તેને તારો ઉત્તરાધિકારી નિયુક્ત કર.

20 તારો કેટલોક અધિકાર તેના પર મૂક, જેથી ઇઝરાયલી લોકોની આખી જમાત તેની આજ્ઞા પાળે. 21 એલાઝાર યાજક પાસે તે ઊભો રહે, ઉરીમ [1] ના નિર્ણય વડે યહોવાહની સમક્ષ તેને માટે પૂછે. તેના કહેવાથી તેઓ, એટલે તે તથા ઇઝરાયલી લોકોની આખી જમાત બહાર જાય અને અંદર આવે.

22 યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેણે કર્યું. તેણે યહોશુઆને લઈને એલાઝાર યાજક તથા સમગ્ર જમાતની સમક્ષ રજૂ કર્યો. 23 યહોવાહે જેમ કરવાનું કહ્યું હતું તેમ મૂસાએ તેનો હાથ તેના પર મૂકીને સોંપણી કરી.


27:21 [1] ઉરીમ અને તુમ્મીમ યહોવાહની ઇચ્છા નક્કી કરવા માટે યાજકો ઉપયોગ કરતા હતા

Chapter 28

નિયમિત અર્પણો ચઢાવવા અંગે

(નિ. ૨૯:૩૮-૪૬)

1 યહોવાહે મૂસા સાથે વાત કરતાં કહ્યું, 2 "ઇઝરાયલ લોકોને આજ્ઞા કરીને તેઓને કહે, 'તમારે નિશ્ચિત સમયે મારે સારુ બલિદાન ચઢાવવું, મારે સારુ સુવાસિત હોમયજ્ઞને સારુ મારું અન્ન તમે સંભાળીને તેમને યોગ્ય સમયે મને ચઢાવો.

3 તારે તેઓને કહેવું, "આ હોમયજ્ઞ જે તમારે યહોવાહને ચઢાવવો. પ્રતિદિન તમારે એક વર્ષના ખોડખાંપણ વગરના નર હલવાનોનું દહનીયાર્પણ કરવું. 4 એક હલવાન તમારે સવારે ચઢાવવું અને બીજું હલવાન સાંજે ચઢાવવું. 5 ખાદ્યાર્પણને સારુ એક દશાંશ એફાહ મેંદો, પા હિન [1] કૂટીને કાઢેલો તેલથી મોહેલો.

6 તે રોજનું દહનીયાર્પણ છે જે યહોવાહની આજ્ઞા પ્રમાણે સુવાસને સારુ યહોવાહના હોમયજ્ઞ તરીકે સિનાઈ પર્વતમાં ઠરાવાયો હતો. 7 પેયાર્પણ એક હલવાનને સારુ પા હિન દ્રાક્ષારસનું હોય. તમે યહોવાહને માટે પવિત્રસ્થાનમાં મધનું પેયાર્પણ રેડો. 8 બીજુ હલવાન તમે સાંજે ચઢાવો, સવારના ખાદ્યાર્પણની માફક અને સાંજના પેયાર્પણની માફક તમે તે ચઢાવો. આ સુવાસિત હોમયજ્ઞ યહોવાહને માટે છે.

સાબ્બાથે અર્પણ

9 "વિશ્રામવારને દિવસે તમારે ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના બે હલવાન ચઢાવવા, ખાદ્યાર્પણ તરીકે બે દશાંશ એફાહ મેંદાનો લોટ તેલમાં મોહેલો અને તેનું પેયાર્પણ ચઢાવવું. 10 દરેક વિશ્રામવારનું દહનીયાપર્ણ અને રોજનું દહનીયાર્પણ અને પેયાર્પણ ઉપરાંત એ છે.

માસના પ્રથમ દિવસે અર્પણ

11 દરેક મહિનાના પ્રથમ દિવસે તમે યહોવાહને દહનીયાર્પણ ચઢાવો. તમે ખોડખાંપણ વગરના બે વાછરડો, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના સાત નર હલવાન ચઢાવો. 12 પ્રત્યેક બળદને સારુ ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદાનો લોટ ખાદ્યાર્પણ તરીકે અને એક ઘેટાંને સારુ બે દશાંશ એફાહ મેદાનો લોટ તેલથી મોહેલો ખાદ્યાર્પણ તરીકે ચઢાવો. 13 અને પ્રત્યેક હલવાન માટે તેલમાં મોહેલો એક દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો. આ દહનીયાર્પણ યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ છે.

14 તેઓનાં પેયાર્પણ દરેક વાછરડા સાથે અડધો હિન, ઘેટાંની સાથે તૃતીયાંશ હિન અને હલવાન સાથે પા હિન દ્રાક્ષારસ હોય. વર્ષના પ્રત્યેક મહિનામાંના પ્રથમ દિવસનું આ દહનીયાર્પણ છે. 15 એક બકરો પાપાર્થાર્પણ તરીકે તમારે યહોવાહને ચઢાવવો. રોજના દહનીયાર્પણ અને તે સાથેના પેયાર્પણ ઉપરાંતનું આ અર્પણ છે.

16 પહેલા મહિનાને ચૌદમા દિવસે યહોવાહનું પાસ્ખાપર્વ છે. 17 આ મહિનાને પંદરમે દિવસે પર્વ રાખવું. સાત દિવસ સુધી બેખમીરી રોટલી ખાવી. 18 પ્રથમ દિવસે યહોવાહની સમક્ષ પવિત્ર સભા રાખવી. તે દિવસે રોજનું કામ કરવું નહિ.

19 પણ તમારે યહોવાહને દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ ચઢાવવું. તમે બે વાછરડા, એક ઘેટાં અને એક વર્ષની ઉંમરના ખોડખાંપણ વગરના સાત હલવાનો ચઢાવ. 20 બળદની સાથે ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદાનો લોટ અને ઘેટાંની સાથે બે દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો. 21 સાત હલવાનોમાંના દરેક હલવાન સાથે એક દશાંશ એફાહ મેંદાનો લોટ તેલથી મોહેલો તમારે ચઢાવવો. 22 તમારા પોતાના માટે પ્રાયશ્ચિત કરવા સારુ પાપાર્થાર્પણ તરીકે તમે એક બકરાનું અર્પણ કરો.

23 સવારનું દહનીયાર્પણ કે જે નિયમિત દહનીયાર્પણ છે તે ઉપરાંત આ અર્પણો ચઢાવો. 24 સાત દિવસ સુધી દરરોજ યહોવાહને માટે સુવાસિત હોમયજ્ઞનું અન્ન તમે ચઢાવો. રોજના દહનીયાર્પણ તથા પેયાર્પણ તરીકે તે ચઢાવવામાં આવે. 25 સાતમા દિવસે યહોવાહના આદરમાં પવિત્રસભા કરવી અને તે દિવસે રોજનું કામ કરવું નહિ.

26 પ્રથમ ફળના દિવસે, એટલે જયારે અઠવાડિયાનાં પર્વમાં તમે યહોવાહને નવું ખાદ્યાર્પણ ચઢાવો, ત્યારે પ્રથમ દિવસે, તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી, તે દિવસે તમારે રોજનું કામ કરવું નહિ. 27 તમે યહોવાહને સુવાસને સારુ દહનીયાર્પણ ચઢાવો. એટલે તમારે બે વાછરડા, એક ઘેટાં તથા એક વર્ષના સાત નર હલવાનો ચઢાવવાં. 28 તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાના ત્રણ દશાંશ એફાહ દરેક બળદને સારુ, બે દશાંશ ઘેટાંને સારુ ચઢાવો.

29 તેલથી મોહેલો એક દશાંશ એફાહ મેંદો સાત હલવાનોમાંના દરેકને ચઢાવવો. 30 તમારા પોતાના પ્રાયશ્ચિતને માટે એક બકરો અર્પણ કરવો. 31 રોજના દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત તમારે બલિદાન માટે ખામી વગરના પશુઓ ચઢાવવાં.


28:5 [1] પા હિન લગભગ ૧ કિલોગ્રામ

Chapter 29

રણશિંગડાનું (નવા વર્ષનું) પર્વ

(લે. ૨૩:૧૫-૨૨)

1 સાતમાં મહિનાના પ્રથમ દિવસે તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. રોજનું નિયત કામ કરવું નહિ. તે દિવસ તમારે માટે રણશિંગડાં વગાડવાનો છે.

2 તે દિવસે તમે સુવાસને સારુ યહોવાહને દહનીયાર્પણ ચઢાવો. તમે ખામી વગરનો વાછરડો, એક ઘેટો, એક વર્ષની ઉંમરનાં સાત હલવાન ચઢાવો.

3 તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાનું, વાછરડાની સાથે ત્રણ દશાંશ એફાહ અને ઘેટાંની સાથે બે દશાંશ એફાહ ચઢાવ. 4 સાત હલવાનોમાંના દરેક હલવાનને સારુ એક એફાહ. 5 પોતાના માટે પ્રાયશ્ચિત કરવા પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.

6 દરેક મહિનાને પહેલું દહનીયાર્પણ, તેનું ખાદ્યાર્પણ, રોજનું ખાદ્યાર્પણ તથા તેનાં પેયાર્પણો ચઢાવવાં. જ્યારે તું આ અર્પણો ચઢાવે ત્યારે યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ ચઢાવવાના વિધિ તું પાળજે.

પ્રાયશ્ચિત્તના દિવસે અર્પણો

(લે. ૨૩:૨૬-૩૨)

7 સાતમા મહિનાને દસમે દિવસે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. તે દિવસે તમારે પોતાને નમ્ર [1] કરવું અને કોઈ કામ ન કરવું. 8 તમારે યહોવાહને સુવાસિત દહનીયાર્પણ ચઢાવવો. તમે ખામી વગરનો એક વાછરડો, એક ઘેટો તથા એક વર્ષની ઉંમરના સાત નર હલવાનો ચઢાવો.

9 તમારે વાછરડા સાથે ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદો અને ઘેટા સાથે બે દશાંશ એફાહ મેંદો ચઢાવવો, 10 એક દશાંશ એફાહ સાત હલવાનોમાંના દરેક હલવાન માટે. 11 વળી પાપાર્થાર્પણ માટે તમારે એક બકરાનું બલિદાન આપવું. પ્રાયશ્ચિતના દિવસનું પાપાર્થાર્પણ વર્ષમાં એક વખત તે પ્રાયશ્ચિતના દિવસે અર્પણ કરવામાં આવતું અને પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણો અને પેયાર્પણો ઉપરાંતનું આ અર્પણ છે.

માંડવાપર્વ વખતે અર્પણો

(લે. ૨૩:૩૩-૪૪)

12 સાતમા મહિનાના પંદરમે દિવસે તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. રોજનું નિયત કામ કરવું નહિ, સાત દિવસ સુધી યહોવાહને માટે પર્વ પાળો. 13 તે દિવસે તમે યહોવાહને માટે દહનીયાર્પણ, યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ ચઢાવો. તમારે ખામી વગરના તેર વાછરડા, બે ઘેટાં અને એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચઢાવવાં.

14 તેર બળદોમાંનાં દરેક બળદની સાથે તેઓનું ખાદ્યાર્પણ ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલા મેંદાનું ચઢાવવું, બે દશાંશ બે ઘેટામાંના દરેક ઘેટાંની સાથે, 15 એક દશાંશ એફાહ ચૌદ હલવાનોમાંના દરેક હલવાન સાથે. 16 નિયમિત થતાં દહનીયાર્પણો, ખાદ્યાર્પણો તથા પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.

17 સભાના બીજે દિવસે તમારે બાર વાછરડા, બે ઘેટાં તથા એક વર્ષની ઉંમરના ખોડખાંપણ વગરના ચૌદ નર હલવાનો ચઢાવવા. 18 તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ, હલવાનોને સારુ, તેઓની ગણતરી પ્રમાણે તથા વિધિ મુજબ ચઢાવવાં. 19 તદુપરાંત પ્રતિદિન થતાં દહનીયાર્પણ, તેઓનાં ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવવો.

20 સભાના ત્રીજા દિવસે અગિયાર બળદો, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાનો ચઢાવવા. 21 તથા તેની સાથે તેઓની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે તેઓનાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણ બળદોને સારુ, ઘેટાઓને સારુ, હલવાનોને સારુ ચઢાવવાં. 22 પ્રતિદિન થતાં દહનીયાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.

23 સભાના ચોથા દિવસે દસ બળદો, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ નર હલવાનો ચઢાવવા. 24 તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે તેઓના ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણ બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં. 25 પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.

26 સભાના પાંચમા દિવસે નવ વાછરડા, બે ઘેટા અને એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાન ચઢાવવા. 27 તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં. 28 પ્રતિદિન થતાં દહનીયાર્પણ, તેઓનાં ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણ માટે એક બકરો ચઢાવવો.

29 સભાના છઠ્ઠા દિવસે આઠ વાછરડા, બે ઘેટા તથા એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાન ચઢાવવા. 30 તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે તેઓનાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં. 31 પ્રતિદિન થતાં દહનીયાર્પણ, તેઓનાં ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવવાં.

32 સભાના સાતમા દિવસે સાત વાછરડા, બે ઘેટા અને એક વર્ષની ઉંમરના ખામી વગરના ચૌદ હલવાન ચઢાવવાં. 33 તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં. 34 પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણો ઉપરાંત પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.

35 આઠમા દિવસે તમારે બીજી પવિત્ર સભા રાખવી. તમારે બીજું કામ કરવું નહિ. 36 તમારે યહોવાહને સુવાસિત હોમયજ્ઞ એટલે દહનીયાર્પણ ચઢાવવું. તારે એક બળદ, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના ખામી વગરના સાત હલવાન ચઢાવવા.

37 તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે તેઓના ખાદ્યાર્પણ તથા તેઓના પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવા. 38 પ્રતિદિન થતાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણો ઉપરાંત તમારે પાપાર્થાર્પણ તરીકે એક બકરો ચઢાવવો.

39 તમારાં આ દહનીયાર્પણો, ખાદ્યાર્પણો, પેયાર્પણો તથા શાંત્યર્પણો, તમારી પ્રતિજ્ઞાઓ તથા ઐચ્છિકાર્પણો તમારા ઠરાવેલા ઉત્સવોમાં યહોવાહને ચઢાવવાં." 40 યહોવાહે મૂસાને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે સર્વ બાબતો તેણે ઇઝરાયલી લોકોને કહી સંભળાવી.


29:7 [1] ઉપવાસ કરવો

Chapter 30

વચન કે માનતા વિષે નિયમો

1 મૂસાએ ઇઝરાયલી લોકોના કુળના આગેવાનોને કહ્યું, "યહોવાહે આજ્ઞા આપી તે આ છે. 2 જયારે કોઈ વ્યક્તિ યહોવાહ માટે, પોતાને માટે સમ ખાઈને વચન લે, તો તે પોતાનું વચન તોડે નહિ. તે તેના મુખ દ્વારા જે બોલ્યો હોય તે સર્વ કરવા માટે તેણે પોતાનું વચન પાળવું.

3 જો કોઈ કુંવારી સ્ત્રી યહોવાહને નામે સંકલ્પ કરે, પોતાના પિતાના ઘરે રહીને, વચનથી પોતાને આધીન કરે, 4 જે વચનો અને સંકલ્પો દ્વારા તેણે પોતાની આધીનતા દર્શાવી હોય તે વિષે જ્યારે તેના પિતાના સાંભળવામાં આવ્યું હોય, છતાં તેના પિતાએ કંઈ કહ્યું ન હોય, તો તેનો સંકલ્પ કાયમ રહે. જે વચનથી તેણે પોતાને આધીન કરેલી છે તે કાયમ રહે.

5 પણ તેના પિતા તે વિષે સાંભળીને તે દિવસે જો તેને મનાઈ કરે, તો જે સંકલ્પો તથા વચનો જે વડે તેણે પોતાની આધીનતા દર્શાવેલી છે તે કાયમ રહે. તેના પિતાએ તેને ના પાડી હોવાથી યહોવાહ તેને મુક્ત કરે.

6 જ્યારે તેણે સંકલ્પો કર્યા હોય અથવા પોતાના હોઠોથી અવિચારી રીતે બોલીને પોતાને આધીન કરી હોય અને જો તે લગ્ન કરે, 7 અને જો તેનો પતિ તે વિષે સાંભળીને તે દિવસે તેને મના ન કરે, તો તેના સંકલ્પો કાયમ રહે. જે વચન વડે તેણે પોતાને આધીન કરેલી હોય તે કાયમ રહે.

8 પણ તેનો પતિ તે વિષે સાંભળીને જો તે દિવસે તેને મના કરે, તો જે સંકલ્પ તેણે કર્યા છે, પોતાના હોઠોની અવિચારી વાતોથી તેણે પોતાની આધીનતા દર્શાવી છે, તે રદ કરે. તેથી યહોવાહ તેને મુક્ત કરે.

9 પણ વિધવા અથવા છૂટાછેડા પામેલી સ્ત્રી માટે, દરેક સંપર્કથી તેણે પોતાની આધીનતા દર્શાવી તે પ્રતિજ્ઞા તેને માટે કાયમ રહે. 10 જો તે સ્ત્રીએ તેના પતિના ઘરમાં સંકલ્પ કર્યો હોય કે, સમથી પોતાને આધીન કરી હોય, 11 તેનો પતિ તે વિષે સાંભળીને તેને કશું કહે નહિ અને જો તે તેનો સંકલ્પ નાબૂદ કરે નહિ, તો તેના બધા સંકલ્પો કાયમ રહે. દરેક વચન જે વડે તેણે પોતાને આધીન કરી હોય તે કાયમ રહે.

12 પણ તેનો પતિ સાંભળે તે દિવસે જો તે નાબૂદ કરે, તો જે સંકલ્પો તથા વચનો તેના વિષે તેના મુખમાંથી નીકળ્યા છે તે કાયમ રહે નહિ. તેના પતિએ તેને નાબૂદ કર્યા છે. યહોવાહ તેને મુક્ત કરે.

13 દરેક સંકલ્પ તથા આત્મકષ્ટ કરવા માટેના તેના બંધનકારક સમને તેનો પતિ માન્ય કે અમાન્ય કરી શકે છે. 14 પરંતુ જો તે તેને દિનપ્રતિદિન કંઈ જ ન કહે, તો જે સંકલ્પો તથા વચનો જે વડે તેણે પોતાને આધીન કરી હોય તે કાયમ રહે. તેણે તે કાયમ રાખ્યા છે કેમ કે તેણે તે સમયે તેને કંઈ જ કહ્યું નહિ કે તેણે તે વિષે સાંભળ્યું છે.

15 પણ જો તેનો પતિ તે વિષે સાંભળીને લાંબા સમય સુધી તેની પત્નીના સંકલ્પ રદ ન કરે, તો તે સ્ત્રીનાં પાપ માટે તે જવાબદાર થશે." 16 પતિ તથા પત્ની વચ્ચે, તેમ જ પિતા તથા તેના નાનપણમાં તેના ઘરમાં રહેતી તેની દીકરી વચ્ચે યહોવાહે મૂસાને જે કાનૂનો જણાવ્યા તે આ છે.

Chapter 31

મિદ્યાનીઓ સામે ધર્મયુદ્ધ

1 યહોવાહે મૂસાને કહ્યું, 2 "ઇઝરાયલી લોકોનો બદલો તું મિદ્યાનીઓ પાસેથી લે. તેવું કર્યા પછી તું તારા લોકો સાથે ભળી જઈશ."

3 તેથી મૂસાએ લોકોને કહ્યું, "તમારામાંથી કેટલાક માણસો શસ્ત્રસજજ થઈને યહોવાહ તરફથી મિદ્યાનીઓ પાસેથી બદલો લેવા મિદ્યાનીઓ ઉપર હુમલો કરો. 4 ઇઝરાયલના પ્રત્યેક કુળમાંથી એક હજાર સૈનિકોને યુદ્ધમાં મોકલવા." 5 ઇઝરાયલના હજારો પુરુષોમાંથી પ્રત્યેક કુળમાંથી એક હજાર પુરુષ મુજબ મૂસાએ બાર હજાર પુરુષોને શસ્ત્રસજજ કરીને યુદ્ધને માટે મોકલ્યા.

6 પછી મૂસાએ દરેક કુળમાંથી હજાર પુરુષોને યુદ્ધમાં મોકલ્યા, એલાઝાર યાજકના દીકરા ફીનહાસને પવિત્રસ્થાનનાં પાત્રો તથા યુદ્ધનાદ કરવાના રણશિંગડાં લઈને યુદ્ધમાં મોકલ્યો. 7 યહોવાહે જેમ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ મિદ્યાનીઓ વિરુદ્ધ લડાઈ કરી. તેઓએ તમામ માણસોને મારી નાખ્યા. 8 યુદ્ધમાં માર્યા ગયેલા ઉપરાંત તેઓએ મિદ્યાનીઓના રાજા અવી, રેકેમ, સૂર, હૂર તથા રેબા એ પાંચ મિદ્યાની રાજાઓને મારી નાખ્યા. વળી તેઓએ બેઓરના દીકરા બલામને પણ તલવારથી મારી નાખ્યો.

9 ઇઝરાયલના સૈન્યએ મિદ્યાની સ્ત્રીઓને તથા તેઓનાં બાળકોને કેદ કરી લીધાં, તેઓનાં ઘેટાંબકરાં સહિત તમામ જાનવરોને તથા તેઓના બધા સરસામાનને લૂંટી લીધાં. આ બધું તેઓએ લૂંટ તરીકે આંચકી લીધું. 10 જ્યાં તેઓ રહેતા હતા તે બધાં નગરોને તથા તેઓની બધી છાવણીઓને તેઓએ બાળી નાખ્યાં.

11 તેઓએ કેદીઓ એટલે માણસ તથા પશુઓ બન્નેની લૂંટફાટ લીધી. 12 તેઓ કેદીઓને તથા લૂંટ કરેલી વસ્તુઓને મૂસા, એલાઝાર યાજક તથા ઇઝરાયલ લોકોની જમાત પાસે લાવ્યા. આ બધું તેઓ મોઆબના મેદાનમાં યરીખોની સામે યર્દન નદીને કિનારે આવેલી છાવણીમાં લાવ્યા.

ઇઝરાયલનું લશ્કર જીતીને પાછું ફર્યું

13 મૂસા, એલાઝાર યાજક તથા જમાતના આગેવાનો તેઓને મળવા માટે છાવણી બહાર આવ્યા. 14 પણ મૂસા સૈન્યના અધિકારી, સહસ્રાધિપતિ તથા શતાધિપતિ જેઓ યુદ્ધમાંથી આવ્યા હતા તેઓ પર ગુસ્સે હતો. 15 મૂસાએ તેઓને કહ્યું, "શું તમે બધી સ્ત્રીઓને જીવતી રહેવા દીધી છે?

16 જુઓ, આ સ્ત્રીઓએ બલામની સલાહથી ઇઝરાયલી લોકો પાસે, પેઓરની બાબતમાં યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું, તેથી યહોવાહની જમાત મધ્યે મરકી ચાલી. 17 તો હવે, બાળકો મધ્યેથી દરેક પુરુષને મારી નાખો, દરેક સ્ત્રી જે પુરુષ સાથે સૂઈ ગઈ હોય તેને મારી નાખો.

18 પણ તમારા માટે દરેક જુવાન કન્યાઓ લો જે ક્યારેય કોઈ માણસ સાથે સૂઈ ગઈ ના હોય. 19 તમે સાત દિવસ સુધી છાવણીની બહાર એટલે ઇઝરાયલની છાવણીની બહાર રહો. તમારામાંના જે કોઈએ કોઈને મારી નાખ્યો હોય કે કોઈએ મરણ પામેલાનો સ્પર્શ કર્યો હોય, ત્રીજા દિવસે તથા સાતમા દિવસે તું તથા તારા કેદીઓ પોતાને શુદ્ધ કરો. 20 તમારાં બધાં વસ્ત્ર, ચામડાની તથા બકરાના વાળથી બનેલી દરેક વસ્તુ તથા લાકડાની બનાવેલી દરેક વસ્તુથી પોતાને શુદ્ધ કરો."

21 જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓને એલાઝાર યાજકે કહ્યું, "યહોવાહે મૂસાને જે નિયમ આપ્યો તે આ છે: 22 સોનું, ચાંદી, કાંસું, લોખંડ, કલાઈ અને સીસું, 23 જે દરેક વસ્તુ અગ્નિનો સામનો કરી શકે, તે તમે અગ્નિમાં નાખો અને તે શુદ્ધ થશે. શુદ્ધિના પાણી વડે તે વસ્તુઓ શુદ્ધ કરવામાં આવે. જે કંઈ અગ્નિમાં ટકી ન શકે તેને તમે પાણીથી શુદ્ધ કરો. 24 અને સાતમા દિવસે તમે તમારા વસ્ત્રો ધોઈ નાખો, ત્યાર પછી તમે શુદ્ધ થશો. ત્યાર પછી તમે ઇઝરાયલની છાવણીમાં પાછા આવો."

લૂટની વહેંચણી

25 યહોવાહે મૂસાને કહ્યું, 26 "તું, એલાઝાર યાજક, જમાતના પિતૃઓના કુળના આગેવાનો મળીને, જે માણસો તથા પશુઓ કે જેઓની લૂંટ કરવામાં આવી તેઓની ગણતરી કરો. 27 લૂંટના બે ભાગ પાડો. તેને જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓ તથા બાકીની આખી જમાત વચ્ચે વહેંચો.

28 જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓ પાસેથી કર લઈને મને આપો. દરેક પાંચસો પશુઓમાંથી એક પશુ, એટલે માણસોમાંથી તથા જાનવરોમાંથી, ગધેડામાંથી, ઘેટાં કે બકરામાંથી લેવાં. 29 તેઓના અડધામાંથી તે લો અને મારા માટે ઉચ્છાલીયાર્પણ તરીકે એલાઝાર યાજકને તે આપો.

30 ઇઝરાયલી લોકોના અડધામાંથી, દર પચાસ વ્યક્તિમાંથી, ગધેડાંમાંથી, ઘેટા તથા બકરામાંથી તથા અન્ય જાનવરોમાંથી લેવાં. જે લેવીઓ યહોવાહના મંડપની સંભાળ લે છે તેઓને આપો." 31 તેથી યહોવાહે આજ્ઞા કરી હતી તે પ્રમાણે મૂસાએ તથા યાજક એલાઝારે કર્યું.

32 સૈનિકોએ જે લૂંટ લીધી હતી તેની યાદી: છ લાખ પંચોતેર હજાર ઘેટાં, 33 બોતેર હજાર બળદો, 34 એકસઠ હજાર ગધેડાં, 35 બત્રીસ હજાર સ્ત્રીઓ જે ક્યારેય કોઈ માણસ સાથે સૂઈ ગઈ ન હતી.

36 યુદ્ધમાં ગયેલા સૈનિકોને લૂંટમાંથી જે અડધો ભાગ મળ્યો તે ત્રણ લાખ સાડત્રીસ હજાર ઘેટાં હતાં. 37 ઘેટાંમાંથી યહોવાહનો ભાગ છસો પંચોતેર હતો. 38 છત્રીસ હજાર બસો બળદમાંથી યહોવાહનો કર બોતેર હતો.

39 ત્રીસ હજારને પાંચસો ગધેડાં; જેમાંથી યહોવાહનો ભાગ એકસઠ હતો. 40 જે માણસો સોળ હજાર હતા જેમાંથી યહોવાહનો કર બત્રીસ માણસોનો હતો. 41 યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ એ કર એટલે યહોવાહનું ઉચ્છાલીયાર્પણ એલાઝાર યાજકને આપ્યું. 42 ઇઝરાયલી લોકોનો જે અડધો ભાગ મૂસાએ યુદ્ધમાં ગયેલા સૈનિકો પાસેથી લીધો હતો તે, 43 જમાતનો અડધા ભાગમાં ત્રણ લાખ સાડત્રીસ હજાર પાંચસો ઘેટાં, 44 છત્રીસ હજાર બળદો, 45 ત્રીસ હજાર પાંચસો ગધેડાં, 46 સોળ હજાર માણસો હતાં.

47 જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ મૂસાએ ઇઝરાયલી લોકોના અડધા ભાગમાંથી દરેક પચાસ માણસમાંથી તથા પશુઓમાંથી એક લઈને યહોવાહના મંડપની સંભાળ રાખનાર લેવીઓને તે આપ્યાં.

48 પછી સૈન્યના સેનાપતિઓ, સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ મૂસા પાસે આવ્યા. 49 તેઓએ મૂસાને કહ્યું, "જે સૈનિકો અમારા હાથ નીચે છે તેઓની તારા દાસોએ ગણતરી કરી છે, એક પણ માણસ ઓછો થયો નથી.

50 અમારા માટે યહોવાહની આગળ પ્રાયશ્ચિત કરવાને સારુ દરેક માણસને જે મળ્યું તે અમે યહોવાહને સારુ અર્પણ કરવાને લાવ્યા છીએ, એટલે સોનાનાં ઘરેણાં, સાંકળા, બંગડીઓ, વીંટીઓ, બુટીઓ તથા હારો લાવ્યા છીએ." 51 મૂસાએ તથા યાજક એલાઝાર યાજકે તેઓની પાસેથી સોનું તથા હાથે ઘડેલાં સર્વ પાત્રો લીધાં.

52 ઉચ્છાલીયાર્પણનું સોનું સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ પાસેથી યહોવાહને ચઢાવ્યું તેનું વજન સોળ હજાર સાતસો પચાસ શેકેલ હતું. 53 દરેક સૈનિકે પોતપોતાને માટે લૂંટ લઈ લીધી હતી. 54 મૂસા તથા એલાઝાર યાજક સહસ્રાધિપતિ તથા શતાધિપતિઓ પાસેથી સોનું લઈને યહોવાહ માટે ઇઝરાયલ લોકોના સ્મરણાર્થે મુલાકાતમંડપમાં લાવ્યા.

Chapter 32

યર્દનની પૂર્વે રહેતાં કુળો

1 હવે રુબેનના તથા ગાદના વંશજો પાસે મોટી સંખ્યામાં જાનવરો હતાં. જયારે તેઓએ જોયું કે યાઝેરનો તથા ગિલ્યાદનો દેશ જાનવરો માટે અનુકૂળ જગ્યા છે. 2 તેથી રુબેન તથા ગાદના વંશજોએ મૂસા, એલાઝાર યાજક તથા સમાજના આગેવાનો પાસે આવીને કહ્યું કે, 3 "અટારોથ, દીબોન, યાઝેર, નિમ્રાહ, હેશ્બોન, એલઆલેહ, સબામ, નબો તથા બેઓન,

4 એટલે ઇઝરાયલી લોકોની આગળ જે દેશ પર યહોવાહે હુમલો કર્યો તે દેશ જાનવરોના માટે ખૂબ અનુકૂળ છે. તારા દાસો પાસે પુષ્કળ પશુસંપત્તિ છે." 5 તેઓએ કહ્યું, "જો અમે તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યા હોય, તો અમને એટલે તારા દાસોને આ દેશ વતન તરીકે આપ. યર્દન પાર અમને લઈ ન જા."

6 મૂસાએ ગાદ તથા રુબેનના વંશજોને કહ્યું, "શું તમારા ભાઈઓ યુદ્ધમાં જાય છે ત્યારે તમે અહીં બેસી રહેશો? 7 ઇઝરાયલી લોકોને જે દેશ યહોવાહે આપ્યો છે તેમાં જવા માટે તેઓનાં હૃદય તમે કેમ નિરાશ કરો છો?

8 જ્યારે મેં તમારા પિતૃઓને કાદેશ બાર્નેઆથી દેશની જાસૂસી કરવા મોકલ્યા, ત્યારે તેઓએ એમ જ કર્યુ, 9 જ્યારે તેઓએ એશ્કોલ ખીણમાં જઈને તે દેશ જોયો ત્યારે તેઓએ ઇઝરાયલી લોકોનાં હૃદય નિરાશ કરી નાખ્યાં કે જેથી તેઓ જે દેશ યહોવાહે તેઓને આપ્યો છે તેમાં પ્રવેશ કરે નહિ.

10 આથી તે દિવસે યહોવાહ કોપાયમાન થયા. તેમણે સમ ખાઈને કહ્યું કે, 11 'વીસ વર્ષના કે તેથી વધારે ઉંમરના જે માણસો મિસર દેશમાંથી બહાર આવ્યા તેઓમાંનો કોઈ પણ જે દેશ વિષે મેં ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબ આગળ સમ ખાધા તેને જોવા પામશે નહિ. કેમ કે તેઓ મારી પાછળ પૂરા મનથી ચાલ્યા નથી. 12 કનિઝી યફૂન્નેનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશુઆ. ફક્ત કાલેબ તથા યહોશુઆ પૂરા મનથી મારી પાછળ ચાલ્યા હતા.'

13 તેથી ઇઝરાયલ ઉપર યહોવાહ કોપાયમાન થયા. તેમણે તેમને ચાલીસ વર્ષ સુધી, જે પેઢીએ યહોવાહની દ્રષ્ટિમાં ખોટું કર્યું હતું તે બધાનો નાશ થાય ત્યાં સુધી તેઓને અરણ્યમાં ચારે બાજુ ભટકાવ્યા. 14 જુઓ, તમે પાપી લોકો જેવા, તમારા પિતાઓની જગ્યાએ ઊભા થઈને, ઇઝરાયલ પ્રત્યે યહોવાહનો ગુસ્સો હજી પણ વધુ સળગાવ્યો છે. 15 જો તમે તેની પાછળથી ફરી જશો, તો તેઓ ફરીથી ઇઝરાયલને અરણ્યમાં ભટકતા મૂકી દેશે અને તમારાથી આ બધા લોકોનો નાશ થશે."

16 તેથી તેઓએ મૂસાની પાસે આવીને કહ્યું, "અહીં અમને અમારાં ઘેટાંબકરાં માટે વાડા અને અમારા કુટુંબો માટે નગરો બાંધવા દે. 17 ત્યાર બાદ અમે જાતે શસ્ત્રસજજ થઈને ઇઝરાયલી લોકોની આગળ રહી તેઓને તેઓની જગ્યાએ પહોંચાડતા સુધી લડીશું. પણ અમારા કુટુંબો આ દેશના રહેવાસીઓને લીધે કિલ્લેબંધીવાળા નગરોમાં રહેશે.

18 ઇઝરાયલી લોકોમાંનો દરેક પોતાનો વારસો ન પામે ત્યાં સુધી અમે પોતાના ઘરે પાછા ફરીશું નહિ. 19 અમે યર્દન નદીને પેલે પારના દેશમાં તેઓની સાથે વારસો નહિ લઈએ, કેમ કે, યર્દન નદીને પૂર્વ કિનારે અમને વારસો મળી ચૂક્યો છે."

20 મૂસાએ તેઓને કહ્યું, "જો તમે જે કહ્યું છે તે પ્રમાણે કરશો અને સજ્જ થઈને યહોવાહની આગળ તમે યુદ્ધ માટે જશો. 21 જ્યાં સુધી યહોવાહ પોતાના શત્રુઓને પોતાની આગળથી કાઢી મૂકે ત્યાં સુધી તમે શસ્ત્રસજ્જિત માણસો યહોવાહની આગળથી યર્દન પાર જશો. 22 તે દેશ યહોવાહના તાબામાં થાય. ત્યારપછી તમે પાછા આવજો. તમે યહોવાહ તથા ઇઝરાયલ પ્રત્યે નિર્દોષ ઠરશો. યહોવાહની આગળ આ દેશ તમારું વતન થશે.

23 પરંતુ જો તમે તે નહિ કર્યું હોય તો તમે યહોવાહની વિરુદ્ધનું પાપ કર્યું ગણાશે. નિશ્ચે તમારું પાપ તમને પકડી પાડશે. 24 તમારાં કુટુંબો માટે નગરો તથા તમારાં જાનવરો માટે વાડા બાંધો; પછી તમે જે કહ્યું છે તેમ કરો." 25 ગાદ તથા રુબેનના વંશજોએ મૂસાને કહ્યું, "અમારા માલિકની આજ્ઞા પ્રમાણે અમે તારા દાસો કરીશું.

26 અમારાં બાળકો, અમારી સ્ત્રીઓ, અમારાં ઘેટાબકરાં સહિત અમારાં તમામ જાનવરો સહિત અહીં ગિલ્યાદના નગરોમાં રહીશું. 27 પણ યુદ્ધને માટે સજ્જ થયેલો તારા બધા દાસો મારા માલિકના કહેવા પ્રમાણે યર્દન પાર યહોવાહની સમક્ષ લડાઈ કરવાને જઈશું."

28 તેથી મૂસાએ એલાઝાર યાજક, નૂનનો દીકરો યહોશુઆ તથા ઇઝરાયલના કુળના કુટુંબોના આગેવાનોને સૂચના આપીને કહ્યું, 29 મૂસાએ તેઓને કહ્યું, "જો ગાદના તથા રુબેનના વંશજો યુદ્ધને સારુ હથિયાર સજીને દરેક માણસ યહોવાહની આગળ તમારી સાથે લડાઈ કરવાને યર્દનને પેલે પાર જાય, જો તે દેશ તમારા તાબામાં આવી જાય તો તમે તેઓને ગિલ્યાદનો દેશ વતન તરીકે આપજો. 30 પણ જો તેઓ શસ્ત્રસજ્જ થઈને તમારી સાથે યર્દનને પાર ન જાય તો તેઓને કનાન દેશમાં તમારી મધ્યે વતન મળશે."

31 ગાદના તથા રુબેનના વંશજોએ જવાબ આપીને કહ્યું, "જેમ યહોવાહે તારા દાસોને કહ્યું છે તે પ્રમાણે અમે કરીશું. 32 અમે શસ્ત્રસજ્જ થઈને યહોવાહની આગળ યર્દન પાર કરીને કનાનના દેશમાં જઈશું, પણ યર્દન નદીના પૂર્વ કાંઠે અમારા વારસાની જમીન રહેશે."

33 આથી મૂસાએ ગાદના તથા રુબેનના વંશજોને તથા યૂસફના દીકરા મનાશ્શાના અર્ધકુળને અમોરીઓના રાજા સીહોનનું રાજ્ય તથા બાશાનના રાજા ઓગનું રાજ્ય આપ્યું. તેણે તેઓને તે દેશ, તેની સરહદો સાથે તેના બધા નગરો તથા તે દેશની આજુબાજુનાં બધાં નગરો આપ્યાં.

34 ગાદના વંશજોએ દીબોન, અટારોથ, અરોએર, 35 આટ્રોથ-શોફાન, યાઝેર, યોગ્બહાહ, 36 બેથ-નિમ્રાહ તથા બેથ-હારાન એ કિલ્લાવાળા નગરો બાંધ્યા તથા ઘેટાંને માટે વાડા બાંધ્યાં. 37 રુબેનના વંશજોએ હેશ્બોન,એલઆલેહ, કિર્યાથાઈમ, 38 નબો, બઆલ-મેઓન પછી તેઓના નામ બદલીને તથા સિબ્માહ બાંધ્યાં. જે નગરો તેઓએ બાંધ્યાં તેઓને તેઓએ બીજાં નામ આપ્યાં. 39 મનાશ્શાના દીકરા માખીરના વંશજોએ ગિલ્યાદ જઈને તેને જીતી લીધું અને તેમાં રહેતા અમોરીઓને કાઢી મૂક્યા.

40 મૂસાએ મનાશ્શાના દીકરા માખીરને ગિલ્યાદ આપ્યું અને તેના લોકો ત્યાં રહ્યા. 41 મનાશ્શાના દીકરા યાઈરે ત્યાં જઈને તેનાં નગરો કબજે કરી લીધાં અને તેઓને હાવ્વોથ-યાઈર [1] એવું નામ આપ્યું. 42 નોબાહે કનાથ જઈને તેનાં ગામો કબજે કરી લીધાં. અને તેના પોતાના નામ પરથી તેનું નામ નોબાહ પાડ્યું.


32:41 [1] યાઈરનો નગરો

Chapter 33

મિસરથી મોઆબની મુસાફરીની યાદી

1 મૂસા અને હારુનની આગેવાની હેઠળ ઇઝરાયલી લોકો પોતાનાં સૈન્ય જૂથો સહિત મિસર દેશમાંથી બહાર આવ્યા પછી તે લોકોએ જે જે ઠેકાણે મુસાફરી કરી તે આ છે: 2 જ્યાંથી તેઓ રવાના થયા અને જ્યાં ગયા તે સ્થળોનાં નામ મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર નોંધી લીધાં હતાં. તેઓની મજલો પ્રમાણે તેઓની કૂચ આ છે.

3 તેઓ પહેલા મહિને, એટલે પહેલા મહિનાના પંદરમા દિવસે રામસેસથી રવાના થયા. પાસ્ખાપર્વ પછીની સવારે ઇઝરાયલી લોકો મિસરવાસીઓના દેખતાં જાહેરમાં નીકળ્યા. 4 જ્યારે મિસરવાસીઓ પોતાના પ્રથમજનિતો જેઓને યહોવાહે તેઓની મધ્યેથી મારી નાખ્યા તેઓને દફ્નાવતા હતા તે સમયે એવું બન્યું. યહોવાહે બતાવ્યું કે તેમના દેવો કરતા તે વધુ સામર્થ્ય છે.

5 ઇઝરાયલીઓએ રામસેસથી નીકળીને સુક્કોથમાં છાવણી કરી. 6 તેઓએ સુક્કોથથી નીકળીને અરણ્ય કિનારે આવેલા એથામમાં છાવણી કરી. 7 તેઓ એથામથી નીકળીને પાછા ફરીને બઆલ-સફોનની પાસે આવેલ પી-હાહીરોથ આવ્યા, ત્યાં તેઓએ મિગ્દોલની સામે છાવણી કરી.

8 પછી પી-હાહીરોથથી નીકળીને સમુદ્ર મધ્યે થઈને તેઓ અરણ્યમાં ગયા. તેઓએ એથામના અરણ્યમાં ત્રણ દિવસ મુસાફરી કરીને મારાહમાં છાવણી કરી. 9 તેઓ મારાહથી આગળ વધીને એલીમ આવ્યા. એલીમમાં પાણીના બાર ઝરા અને ખજૂરીનાં સિત્તેર વૃક્ષો હતાં. ત્યાં તેઓએ છાવણી કરી. 10 તેઓએ એલીમથી નીકળીને લાલ સમુદ્ર પાસે છાવણી કરી.

11 તેઓએ લાલ સમુદ્રથી નીકળીને સીનના અરણ્યમાં છાવણી કરી. 12 તેઓએ સીનના અરણ્યમાંથી નીકળીને દોફકાહમાં છાવણી કરી. 13 દોફકાહથી નીકળીને આલૂશમાં છાવણી કરી. 14 તેઓએ આલૂશથી નીકળીને રફીદીમમાં છાવણી કરી. ત્યાં લોકોને માટે પીવાનું પાણી નહોતું.

15 તેઓએ રફીદીમથી નીકળીને સિનાઈના અરણ્યમાં છાવણી કરી. 16 તેઓએ સિનાઈના અરણ્યમાંથી નીકળીને કિબ્રોથ હાત્તાવાહમાં છાવણી કરી. 17 તેઓએ કિબ્રોથ હાત્તાવાહથી નીકળીને હસેરોથમાં છાવણી કરી. 18 તેઓએ હસેરોથથી નીકળીને રિથ્માહમાં છાવણી કરી.

19 રિથ્માહથી નીકળીને તેઓએ રિમ્મોનપેરેસમાં છાવણી કરી. 20 રિમ્મોનપેરેસથી નીકળીને તેઓએ લિબ્નાહમાં છાવણી કરી. 21 લિબ્નાહથી નીકળીને તેઓએ રિસ્સાહમાં છાવણી કરી. 22 રિસ્સાહથી નીકળીને તેઓએ કહેલાથાહમાં છાવણી કરી.

23 કહેલાથાહથી નીકળીને તેઓએ શેફેર પર્વત આગળ છાવણી કરી. 24 શેફેર પર્વતથી નીકળીને તેઓએ હરાદાહમાં છાવણી કરી. 25 હરાદાહથી નીકળીને તેમણે માકેહેલોથમાં છાવણી કરી. 26 માકેહેલોથથી નીકળી તેઓએ તાહાથમાં છાવણી કરી.

27 તાહાથથી નીકળીને તેઓએ તેરાહમાં છાવણી કરી. 28 તેરાહથી નીકળીને તેઓએ મિથ્કાહમાં છાવણી કરી. 29 મિથ્કાહમાંથી નીકળીને તેઓએ હાશ્મોનાહમાં છાવણી કરી. 30 હાશ્મોનાહથી નીકળીને તેઓએ મોસેરોથમાં છાવણી કરી.

31 મોસેરોથથી નીકળીને તેઓએ બનીયાઅકાનમાં છાવણી કરી. 32 બનીયાઅકાનથી નીકળીને તેઓએ હોર-હાગિદગાદમાં છાવણી કરી. 33 હોર-હાગિદગાદથી નીકળીને તેઓએ યોટબાથાહમાં છાવણી કરી. 34 યોટબાથાહથી નીકળીને તેઓએ આબ્રોનામાં છાવણી કરી.

35 આબ્રોનાથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં છાવણી કરી. 36 એસ્યોન-ગેબેરથી નીકળીને તેઓએ કાદેશમાં એટલે કે સીનના અરણ્યમાં છાવણી કરી. 37 કાદેશથી નીકળીને તેઓએ અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ છાવણી કરી.

38 યહોવાહની આજ્ઞા પ્રમાણે હારુન યાજક હોર પર્વત ઉપર ગયો અને ઇઝરાયલી લોકોના મિસર દેશમાંથી બહાર આવ્યા પછી ચાળીસમાં વર્ષે, એટલે પાંચમા મહિનાના પ્રથમ દિવસે તે ત્યાં મૃત્યુ પામ્યો. 39 હારુન હોર પર્વત પર મરણ પામ્યો ત્યારે તે એકસો તેવીસ વર્ષનો હતો.

40 કનાની દેશના નેગેબમાં રહેતા અરાદના કનાની રાજાએ ઇઝરાયલી લોકોના આવવા વિષે સાંભળ્યું.

41 તેઓએ હોર પર્વતથી નીકળીને સાલ્મોનામાં છાવણી કરી. 42 સાલ્મોનાથી નીકળીને તેઓએ પૂનોનમાં છાવણી કરી. 43 પૂનોનથી નીકળીને તેઓએ ઓબોથમાં છાવણી કરી.

44 ઓબોથથી નીકળીને તેઓએ મોઆબીઓની સરહદમાં આવેલા ઈયે-અબારીમમાં છાવણી કરી. 45 ઈયે-અબારીમથી નીકળીને તેઓએ દીબોનગાદમાં છાવણી કરી. 46 દીબોનગાદથી નીકળીને તેઓએ આલ્મોન દિબ્લાથાઈમમાં છાવણી કરી.

47 આલ્મોન દિબ્લાથાઈમમાંથી નીકળીને તેઓએ નબોની સામે આવેલા અબારીમના પર્વતો આગળ છાવણી કરી. 48 અબારીમના પર્વતોથી નીકળીને તેઓએ યરીખોની સામે યર્દન નદીના કિનારે આવેલા મોઆબના મેદાનોમાં છાવણી કરી. 49 તેઓએ યર્દનને કિનારે, બેથ-યશીમોથથી આબેલ-શિટ્ટીમ સુધી મોઆબના મેદાનમાં છાવણી કરી.

યર્દન ઓળંગતા પહેલાં પ્રદેશની વહેંચણી

50 મોઆબના મેદાનોમાં યર્દનને કિનારે યરીખોની પાસે યહોવાહે મૂસાને કહ્યું, 51 "તું ઇઝરાયલી લોકોને કહે કે, 'જયારે તમે યર્દન પાર કરીને કનાન દેશમાં જાઓ, 52 ત્યારે તમારે દેશના બધા રહેવાસીને તમારી આગળથી કાઢી મૂકવા. તમારે તેઓની બધી કોતરેલી મૂર્તિઓનો નાશ કરવો. તેઓની બધી ગાળેલી મૂર્તિઓનો તથા તેમના ઉચ્ચસ્થાનોનો તમારે નાશ કરવો.

53 તમારે તે દેશનો કબજો લેવો અને તેમાં વસવાટ કરવો, કેમ કે, તે દેશ મેં તમને વતનને સારુ આપ્યો છે. 54 તમારે ચિઠ્ઠી નાખીને તે દેશ તમારા કુળ પ્રમાણે વહેંચી લેવો. વધારે સંખ્યા ધરાવતા કુળને વધારે વિસ્તાર ધરાવતા દેશનો ભાગ અને ઓછી સંખ્યા ધરાવતા કુળને ઓછો વિસ્તાર ધરાવતા દેશનો ભાગ વહેંચી આપવો. દરેક કુળના નામની ચિઠ્ઠી જ્યાં પડે તે પ્રદેશ તેને મળે. તમારા પિતૃઓના કુળો પ્રમાણે દેશનો વારસો તમને મળે.

55 પણ જો તમે તે દેશના રહેવાસીઓને તમારી આગળથી હાંકી નહિ કાઢો, તો તેઓમાંના જેઓને તમે રહેવા દેશો તેઓ તમારી આંખમાં કણીરૂપ અને તમારા પડખામાં કાંટારૂપ થઈ પડશે. જે દેશમાં તમે વસો છો ત્યાં તેઓ તમારા જીવનો પર દુઃખ લાવશે. 56 અને એવું થશે કે મેં તે લોકોની જે દશા કરવાનું ધાર્યું હતું તે હું તમારી સાથે કરીશ.'"

Chapter 34

દેશની સરહદો

1 યહોવાહે મૂસાને કહ્યું, 2 ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહે, જ્યારે તમે કનાનના દેશમાં પ્રવેશ કરશો, ત્યારે કનાન દેશ અને તેની સરહદો તમારી થશે, 3 તમારો દક્ષિણ ભાગ સીનના અરણ્યથી અદોમની સરહદ સુધી વિસ્તરશે. તમારી દક્ષિણ સરહદ ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય.

4 તમારી સરહદ વળીને આક્રાબ્બીમના ઢોળાવ તરફ સીનના અરણ્ય સુધી જાય. ત્યાંથી તે દક્ષિણમાં કાદેશ બાર્નેઆ સુધી અને આગળ હસારઆદ્દાર સુધી અને આગળ આસ્મોન સુધી જાય. 5 ત્યાંથી તે સરહદ આસ્મોનથી વળીને મિસરનાં ઝરણાં અને સમુદ્ર સુધી જાય.

6 મોટો સમુદ્ર તથા તેનો કિનારો તે તમારી પશ્ચિમ સરહદ હશે.

7 તમારી ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી શરૂ થઈ હોર પર્વત સુધી તેની સીમારેખા દોરવી, 8 ત્યાંથી હોર પર્વતથી લબો હમાથ સુધી અને આગળ સદાદ સુધી જશે. 9 ત્યાંથી તે સરહદ ઝિફ્રોન સુધી અને તેનો છેડો હસાર-એનાન સુધી પહોંચે. આ તમારી ઉત્તરની સરહદ થશે.

10 તમારી પૂર્વની સરહદ હસાર-એનાનથી શરૂ થઈ શફામ સુધી આંકવી. 11 તે સરહદ શફામથી નીચે વળીને આયિનની પૂર્વે આવેલ રિબ્લાહ સુધી જશે. તે સરહદ ત્યાંથી કિન્નેરેથ સમુદ્ર સુધી પૂર્વ કિનારે પહોંચશે. 12 ત્યાંથી તે સરહદ ઊતરીને યર્દન કિનારે જાય અને આગળ વધી ખારા સમુદ્ર સુધી આવે. આ દેશ તેની ચારે દિશાની સરહદો પ્રમાણે તમારો થશે."'

13 મૂસાએ ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહ્યું "આ દેશ તમારે ચિઠ્ઠી નાખીને વહેંચી લેવો, યહોવાહે આ દેશ નવ કુળોને તથા અડધા કુળને આપવાની આજ્ઞા આપી છે. 14 રુબેનના વંશજોને તેઓના પિતૃઓના કુળ પ્રમાણે, ગાદના વંશજોના કુળને તથા મનાશ્શાના અર્ધકુળને તેઓનો વારસો વહેંચી આપવામાં આવ્યો છે. 15 આ બે કુળોને તથા અડધા કુળને તેઓના દેશનો ભાગ યરીખોની આગળ યર્દન નદીની પૂર્વ તરફ એટલે સૂર્યની ઉગમણી દિશા તરફ મળ્યો છે."

દેશની વહેંચણીનું કામ સંભાળતા આગેવાનો

16 યહોવાહે મૂસાને કહ્યું, 17 "જે માણસો તારા વારસા માટે આ દેશને વહેંચશે તેઓનાં નામ આ છે: એલાઝાર યાજક તથા નૂનનો દીકરો યહોશુઆ. 18 તેઓના કુળ માટે દેશની વહેંચણી કરવા તારે દરેક કુળમાંથી એક આગેવાન પસંદ કરવો.

19 તે માણસોનાં નામ આ પ્રમાણે છે:

     યહૂદાના કુળમાંથી યફૂન્નેનો દીકરો કાલેબ.

     20 શિમયોનના વંશજોના કુળમાંથી આમ્મીહૂદનો દીકરો શમુએલ.

21 બિન્યામીનના કુળમાંથી કિસ્લોનનો દીકરો અલીદાદ.

     22 દાનના વંશજોના કુળનો આગેવાન, યોગ્લીનો દીકરો બુક્કી.

     23 યૂસફના વંશજોમાંથી, મનાશ્શાના વંશજોના કુળનો આગેવાન, એફોદનો દીકરો હાન્નીએલ.

     24 એફ્રાઇમના વંશજોના કુળનો આગેવાન, શિફટાનનો દીકરો કમુએલ.

     25 ઝબુલોનના વંશજોના કુળનો આગેવાન, પાનાખનો દીકરો અલીસાફાન.

     26 ઇસ્સાખારના વંશજોના કુળનો આગેવાન, અઝઝાનનો દીકરો પાલ્ટીએલ.

     27 આશેરના વંશજોના કુળનો આગેવાન, શલોમીનો દીકરો અહિહુદ,

     28 નફતાલીના વંશજોના કુળનો આગેવાન, આમ્મીહૂદનો દીકરો પદાહએલ."

29 યહોવાહે આ માણસોને કનાન દેશના વારસાનો ભાગ ઇઝરાયલના દરેક કુળને વહેંચવાની આજ્ઞા આપી હતી.

Chapter 35

લેવીઓને અપાયેલા નગરો

1 મોઆબના મેદાનમાં યર્દનને કિનારે યરીખો પાસે યહોવાહે મૂસાને કહ્યું, 2 "તું ઇઝરાયલ લોકોને આજ્ઞા કર કે, તેઓના દેશનો કેટલોક ભાગ લેવીઓને આપે. તેઓ તેમને કેટલાંક નગરો અને આસપાસની ગૌચર જમીન આપે.

3 આ નગરો લેવીઓને રહેવા માટે મળે. ગૌચરની જમીન તો તેમનાં અન્ય જાનવરો, ઉપરાંત ઘેટાંબકરાં માટે હશે. 4 તમે લેવીઓને જે નગરો આપો તેની ગૌચરની જમીન નગરના કોટની ચારે બાજુએ એક હજાર હાથ હોય.

5 તમારે નગરની બહાર બે હજાર હાથ પૂર્વ તરફ, બે હજાર હાથ દક્ષિણ તરફ, બે હજાર હાથ પશ્ચિમ તરફ અને બે હજાર હાથ ઉત્તર તરફ માપવું. તેઓનાં નગરોનાં ગૌચર આ પ્રમાણે હોય. તે નગર મધ્યમાં રહે.

6 જે છ નગરો તમે લેવીઓને આપો તે આશ્રયનગરો તરીકે હોય. જેણે હત્યા કરી હોય તે ત્યાં નાસી જઈ શકે માટે તારે તેઓને આપવાં. ઉપરાંત બીજાં બેતાળીસ નગરો પણ આપવાં. 7 આમ, કુલ અડતાળીસ નગરો અને તેની આસપાસની ગૌચરની જમીન લેવીઓને આપવી.

8 ઇઝરાયલી લોકોનાં મોટા કુળો કે, જે કુળોની પાસે વધારે જમીન છે તે વધારે નગરો આપે. નાનાં કુળો થોડા નગરો આપે. દરેક કુળને જે ભાગ પ્રાપ્ત થયો છે તે પ્રમાણે લેવીઓને આપે."

આશ્રયનગરો

(પુન. ૧૯:૧-૧૩; યર્મિ. ૨૦:૧-૯)

9 પછી યહોવાહે મૂસાને કહ્યું, 10 "તું ઇઝરાયલી લોકોને કહે, 'જયારે તમે યર્દન પાર કરીને કનાન દેશમાં પ્રવેશ કરો. 11 ત્યારે તમારે અમુક નગરોને તમારા માટે આશ્રયના નગરો તરીકે પસંદ કરવાં, જેમાં જે માણસે કોઈને અજાણતાં મારી નાખ્યો હોય તે આશ્રય લઈ શકે.

12 આ નગરો તમારા માટે બદલો લેનારના હાથમાંથી રક્ષણાર્થે થાય, મનુષ્યઘાતકને ઇનસાફને સારુ જમાતની આગળ ખડો કરવામાં ન આવે ત્યાં સુધી તે દોષી ન ઠરે. 13 તેથી તમારે આશ્રયનાં નગરો તરીકે છ નગરો પસંદ કરવાં.

14 ત્રણ નગરો યર્દન નદીની પાર આપવાં અને ત્રણ નગરો કનાન દેશમાં આપવાં. 15 આ છ નગરો ઇઝરાયલી લોકો માટે, પરદેશીઓ માટે તથા તમારી મધ્યે રહેતા લોકો માટે આશ્રયનગરો ગણાશે. જેણે અજાણતા કોઈને મારી નાખ્યો હોય તે ત્યાં નાસી જાય.

16 પણ જો તે કોઈને લોખંડના સાધનથી એવી રીતે મારે કે તે મરી જાય, તો તે ખૂની ગણાશે, તે ખૂનીને દેહાંતદંડની સજા આપવામાં આવે. 17 જેથી મોત નીપજવાનો સંભવ હોય, એવો પથ્થર લઈને તે તેને મારે કે, જેથી જો પેલાનું મોત નીપજે, તો તે ખૂની છે, તે ખૂનીને દેહાતદંડની સજા થશે. 18 જો દોષી માણસ તેના શિકારને મારી નાખવા માટે લાકડાંના હથિયારથી મારે, જો તે શિકાર મરી જાય, તો તે ખૂની ગણાય. તે ખૂનીને દેહાંતદંડની સજા થશે.

19 લોહીનો બદલો લેનાર, પોતે જ ખૂનીને મારી નાખે. 20 તેથી જો તેણે તેને દ્વેષથી ધક્કો માર્યો હોય અથવા છુપાઇને તેના પર કંઈ ફેંક્યું હોય અને જો તે વ્યક્તિ મરી જાય, 21 અથવા દ્વેષથી તેને તેના હાથથી મારીને નીચે ફેંકી દે અને જો તે વ્યક્તિ મરી જાય, તો જેણે તેને માર્યો છે તેને દેહાંતદંડની સજા મળે. લોહીનો બદલો લેનાર માણસ જ્યારે તે ખૂનીને મળે ત્યારે તે તેને મારી નાખે.

22 પણ જો કોઈ માણસ દુશ્મનાવટ વગર તેની પર પ્રહાર કરે અથવા તેને રાહ જોયા વગર તેને મારી નાખવાના ઇરાદાથી તેના ઉપર કોઈ હથિયાર ફેંકે, 23 અથવા કોઈ માણસનું મોત થાય એવો પથ્થર તેને ન દેખતાં તેણે તેના પર ફેંક્યો હોય, તેથી તેનું મોત નીપજ્યું હોય, પણ તે તેનો દુશ્મન ન હોય, તેમ જ તેનું નુકશાન કરવાનો તેનો ઇરાદો ન હોય. પણ કદાચ તે મરી જાય.

24 તો જમાત મારનાર તથા લોહીનું વેર લેનાર બન્ને વચ્ચે કાનૂનો પ્રમાણે ન્યાય કરે. 25 જમાત મારનારને લોહીનો બદલો લેનારના હાથથી રક્ષણ કરે, જમાત તેને જે આશ્રયનગરમાં તે નાસી ગયો હોય ત્યાં પાછો લાવે. પવિત્ર તેલથી જે યાજકનો અભિષિક્ત થયો હોય તેનું મૃત્યુ થાય ત્યાં સુધી તે ત્યાં રહે.

26 પણ જે આશ્રયનગરમાં દોષી માણસ નાસી ગયો હોય, તેની સરહદની બહાર તે સમયે તે જાય, 27 લોહીનો બદલો લેનાર તેને આશ્રયનગરની સરહદ બહાર મળે, જો તે તેને મારી નાખે, તો લોહીનો બદલો લેનારને માથે ખૂનનો દોષ ગણાય નહિ. 28 કેમ કે મુખ્ય યાજકનું મૃત્યુ થાય ત્યાં સુધી દોષી માણસે આશ્રયનગરમાં જ રહેવું. મુખ્ય યાજકના મૃત્યુ પછી તે વ્યક્તિ પોતાના વતનના દેશમાં પાછો જાય.

29 આ કાનૂનો તમારી વંશપરંપરા તમારાં સર્વ રહેઠાણોમાં તમારો ઇનસાફ કરવાનો કાયદો થાય. 30 જે કોઈ વ્યક્તિનું ખૂન કરે, ખૂની સાક્ષીઓને આધારે દેહાંતદંડ ભોગવે. ફક્ત એક જ સાક્ષીનો પુરાવો દેહાંતદંડ આપવા માટે પૂરતો ગણાય નહિ.

31 જે મનુષ્યઘાતકને ખૂનનો દોષ લાગ્યો હોય, તે ખૂનીનો જીવ તમારે કંઈ પણ મૂલ્ય આપીને લેવો નહિ. તેને મૃત્યુની સજા થવી જ જોઈએ. 32 મુખ્ય યાજકનું મરણ થાય ત્યાં સુધી આશ્રયનગરમાં રક્ષણ લેનાર મનુષ્યઘાતક પાસેથી કોઈ પણ પ્રકારની રકમ લઈને તેને ઘરે પાછા ફરવા માટેની રજા આપી શકાય નહિ.

33 એ પ્રમાણે તમે જે દેશમાં રહો છો તેને ભ્રષ્ટ ન કરશો, કેમ કે રક્ત એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વહેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત તે રક્ત વહેવડારના રક્ત સિવાય થઈ શકતું નથી. 34 તમે જે દેશમાં રહો છો તેને તમે અશુદ્ધ ન કરો, કેમ કે હું તેમાં રહું છું. હું યહોવાહ, ઇઝરાયલી લોકો મધ્યે રહું છું.'"

Chapter 36

લગ્ન કરેલી સ્‍ત્રીઓનો વારસાહક્ક

1 યૂસફના વંશજોના-કુટુંબોમાંના મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના કુટુંબના પિતૃઓનાં ઘરના વડીલોએ પાસે આવીને મૂસાની આગળ; તથા ઇઝરાયલી લોકોના પિતૃઓના વડીલો એટલે અધિપતિઓની આગળ જઈને નમ્ર અરજ કરીને કહ્યું, 2 તેઓએ કહ્યું, "યહોવાહે મારા માલિકને આજ્ઞા કરી છે કે, ચિઠ્ઠી નાખીને ઇઝરાયલી લોકોને દેશનો ભાગ વહેંચી આપવો. યહોવાહ તરફથી તમને આજ્ઞા મળી છે કે અમારા ભાઈ સલોફહાદનો ભાગ તેની દીકરીઓને આપવો.

3 પરંતુ જો તેની દીકરીઓ ઇઝરાયલી લોકોમાંના કોઈ બીજા કુળના પુરુષો સાથે લગ્ન કરે, તો તેઓના દેશનો ભાગ અમારા પિતૃઓના ભાગમાંથી નાબૂદ કરવામાં આવશે. તો જે કુળની તેઓ થાય તેને તે ભાગ જોડી દેવામાં આવે. એમ કરવાથી અમારા વારસાના હિસ્સામાંથી તે નાબૂદ કરવામાં આવશે. 4 જ્યારે ઇઝરાયલીઓનું જ્યુબિલી પર્વ આવશે, ત્યારે તેઓનો ભાગ તેઓ જે કુળની થઈ હશે તે કુળને તેના ભાગ સાથે જોડી દેવામાં આવશે. આ પ્રમાણે, તેઓનો ભાગ અમારા પિતૃઓના ભાગમાંથી લઈ લેવામાં આવશે."

5 મૂસાએ ઇઝરાયલી લોકોને યહોવાહના વચન પ્રમાણે આજ્ઞા આપી. તેણે કહ્યું, "યૂસફના વંશજોના કુળનું કહેવું વાજબી છે. 6 સલોફહાદની દીકરીઓ વિષે યહોવાહ એવી આજ્ઞા કરે છે કે, 'તેઓ જેને ઉત્તમ સમજે તેની સાથે લગ્ન કરવા દે, પણ ફક્ત તેઓ પોતાના જ પિતૃઓના કુળમાં લગ્ન કરે.'

7 ઇઝરાયલી લોકોનો ભાગ એક કુળમાંથી બીજા કુળમાં બદલી શકાશે નહિ. દરેક ઇઝરાયલી લોકો પોતાના પિતૃઓના કુળના ભાગને વળગી રહશે.

8 ઇઝરાયલી લોકોની મધ્યે વારસો પામેલી દરેક સ્ત્રી પોતાના પિતૃઓના કુટુંબમાંના કોઈની સાથે લગ્ન કરે. એટલા માટે કે ઇઝરાયલી લોકોમાંના દરેકને પોતાના પિતૃઓનો વારસો મળે. 9 જેથી વારસાનો કોઈ પણ ભાગ એક કુળમાંથી બીજા કુળમાં જશે નહિ. ઇઝરાયલી લોકોના કુળમાંનો દરેક માણસ પોતાના વારસાને વળગી રહશે."

10 યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે સલોફહાદની દીકરીઓએ કર્યું. 11 માહલાહ, તિર્સા, હોગ્લાહ, મિલ્કાહ તથા નૂહે એટલે સલોફહાદની દીકરીઓએ, મનાશ્શાના દીકરાઓ સાથે લગ્ન કર્યાં. 12 તેઓએ યૂસફના દીકરા મનાશ્શાના કુટુંબમાં લગ્ન કર્યાં, તેઓનો વારસો તેઓના પિતૃઓના કુટુંબના કુળમાં કાયમ જળવાઈ રહ્યો.

13 જે આજ્ઞાઓ તથા કાનૂનો યર્દન નદીને કિનારે મોઆબના મેદાનોમાં યરીખો સામે યહોવાહે મૂસાને ઇઝરાયલી લોકો માટે આપ્યા તે એ છે.