ગુજરાતી: Gujarati Unlocked Literal Bible

Updated ? hours ago # views See on DCS Draft Material

લૂક

લેખક

પ્રાચીન લેખકોની એકસમાન માન્યતા છે કે પુસ્તકનો લેખક લૂક વૈદ છે અને તેના લખાણ પરથી તે બીજી પેઢીનો ખ્રિસ્તી વ્યક્તિ જણાય છે. પરંપરાગત રીતે તેને બિનયહૂદી ગણવામાં આવે છે. તે આ સુવાર્તા અને પ્રેરિતોનાં કૃત્યો પુસ્તક લખતો તથા મિશનરી કાર્યમાં પાઉલ સાથે જતો મૂળભૂત રીતે એક સુવાર્તા પ્રચારક વ્યક્તિ હતો. (ક્લોસ્સી 4:14; 2 તિમોથી 4:11; ફિલેમોન 24).

લખાણનો સમય અને સ્થળ

લખાણનો સમય અંદાજિત ઇ.સ. 60 થી 80 ની આસપાસનો છે.

લૂકે તેના લખવાની શરૂઆત કાઈસારિયામાં કરી અને તેને રોમમાં પૂર્ણ કર્યું હતું. લખાણના ચાવીરૂપ સ્થળો બેથલેહેમ, ગાલીલ, યહૂદિયા તથા યરુશાલેમ હોય શકે છે.

વાંચકવર્ગ

લૂકનું પુસ્તક થિયોફિલને સમર્પિત છે જેના નામનો અર્થ ઈશ્વરપ્રેમી એવો થાય છે. એ સ્પષ્ટ નથી કે તે એક ખ્રિસ્તનો અનુયાયી હતો કે તે ખ્રિસ્તનો અનુયાયી બનવાનું વિચારતો હતો. લૂક તેને નેકનામદાર તરીકે ઓળખાવે છે (1:3) તે તથ્ય સૂચિત કરી શકે છે કે તે એક રોમન અધિકારી હતો. ઘણા પૂરાવાઓ બિનયહૂદી શ્રોતાગણ નિર્દેશિત કરે છે અને લૂકનું મુખ્ય ધ્યાન મનુષ્યપુત્ર તથા ઈશ્વરનું રાજ્ય એવી વ્યક્તિઓ પર કેન્દ્રિત હતું (5:24, 19:10, 17:20-21, 13:18).

હેતુ

હેતુ ઈસુનું જીવન વર્ણન કરવાનો છે. લૂક ઈસુને મનુષ્યપુત્ર તરીકે પ્રસ્તુત કરે છે. તેણે આ પુસ્તક થિયોફિલને લખ્યું કે જેથી જે બાબતો તેને શીખવવામાં આવી હતી તેની સંપૂર્ણ સમજ તે પ્રાપ્ત કરી શકે (1:4). સતાવણીના સમય દરમ્યાન, ઈસુના અનુયાયીઓમાં કશું જ ઉપદ્રવકારી કે વિચિત્ર ન હતું તે થિયોફિલને જણાવતાં લૂક ખ્રિસ્તી વિશ્વાસનો બચાવ કરી રહ્યો હતો.

મુદ્રાલેખ

ઈસુ સંપૂર્ણ મનુષ્ય

રૂપરેખા 1. ઈસુનો જન્મ તથા શરૂઆતનું જીવન — 1:5-2:52 2. ઈસુના સેવાકાર્યની શરૂઆત — 3:1 – 4:13 3. ઉદ્ધારના નિર્માતા ઈસુ — 4:14-9:50 4. ઈસુનું વધસ્તંભ પ્રતિ પ્રયાણ — 9:51-19:27 5. યરુશાલેમમાં ઈસુનો વિજયવંત પ્રવેશ, ક્રૂસારોહણ અને જીવનોત્થાન — 19:28-24:53

Chapter 1

પ્રસ્તાવના

1 આરંભથી જેઓ નજરે જોનારા તથા વચનના સેવકો હતા, તેઓએ આપણને કહ્યું છે તે પ્રમાણે, 2 આપણામાં પૂરી થયેલી વાતોનું વર્ણન કરવાને ઘણાંએ સ્વીકાર્યું છે; 3 માટે, ઓ માનનીય થિયોફિલ, મેં પણ શરૂઆતથી સઘળી વાતોની ચોકસાઈ કરીને, તને વિગતવાર લખવાનું નક્કી કર્યું, 4 કેમ કે જે વાતો તને શીખવવામાં આવી છે, તેઓની સત્યતા તું જાણે.

યોહાન બાપ્તિસ્તનાં જન્મની આગાહી

5 યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિયાના યાજક વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક હતો; તેની પત્ની હારુનની દીકરીઓમાંની હતી, તેનું નામ એલિસાબેત હતું. 6 તેઓ બન્ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, તથા પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે વર્તતાં હતાં. 7 તેઓ નિઃસંતાન હતાં કેમ કે એલિસાબેત જન્મ આપવાને અસમર્થ હતી. તેઓ બન્ને ઘણાં વૃદ્ધ હતાં.

8 તે છતાં ઝખાર્યા પોતાના યાજક વર્ગના ક્રમ પ્રમાણે ઈશ્વરની આગળ યાજકનું કામ કરતો હતો, 9 એટલામાં યાજકપદના રિવાજ પ્રમાણે પ્રભુના ભક્તિસ્થાનમાં જઈને અર્પણ કરવા માટે તેને પસંદ કરવામાં આવ્યો. 10 ધૂપ સળગાવતા સમયે લોકોની સભા બહાર પ્રાર્થના કરતી હતી.

11 તે સમય દરમિયાન યજ્ઞવેદીની જમણી બાજુમાં જ્યાં ધૂપ સળગાવવામાં આવતો હતો ત્યાં પ્રભુનો એક સ્વર્ગદૂત ઊભેલો તેના જોવામાં આવ્યો. 12 સ્વર્ગદૂતને જોઈને ઝખાર્યા ગભરાઈ ગયો, અને તેને બીક લાગી. 13 સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ઝખાર્યા, બીશ નહિ; કેમ કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, તારી પત્ની એલિસાબેતને દીકરો થશે, તેનું નામ તું યોહાન પાડશે.

14 તને આનંદ પ્રાપ્ત થશે, ને તેના જન્મથી ઘણાં લોકો હરખાશે; 15 કેમ કે તે પ્રભુની દ્રષ્ટિમાં મહાન થશે, દ્રાક્ષાસવ કે કોઈ ઉન્મત્ત પીણું પીશે નહિ; અને માતાના પેટમાં હશે ત્યારથી જ પવિત્ર આત્માથી ભરપૂર થશે.

16 તે ઇઝરાયલના ઘણાં વંશજોને તેઓના ઈશ્વર યહોવાહ તરફ ફેરવશે. 17 તે એલિયાના આત્માએ તથા પરાક્રમે ઈશ્વરની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન બાળકો તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે ચાલવાને ફેરવે, તથા પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે.

18 ઝખાર્યાએ સ્વર્ગદૂતને કહ્યું કે, ‘એ મને કેવી રીતે જણાય? કેમ કે હું અને મારી પત્ની ઘણાં વૃદ્ધ છીએ.’” 19 સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘હું ઈશ્વરની સમક્ષતામાં રહેનાર ગાબ્રિયેલ છું; તારી સાથે વાત કરીને તને આ શુભ સંદેશ આપવાને મને મોકલવામાં આવ્યો છે.’” 20 એ વાત બનશે તે દિવસ સુધી તું બોલી શકશે નહિ, કેમ કે મારી વાતો જે ઠરાવેલા સમયે પૂર્ણ થશે તેં તેઓનો વિશ્વાસ કર્યો નહિ.

21 લોકો ઝખાર્યાની રાહ જોઈ રહયા હતા, તેને ભક્તિસ્થાનમાં વાર લાગી, માટે લોકો આશ્ચર્ય પામ્યા. 22 તે બહાર આવ્યો ત્યારે તેઓની સાથે તે બોલી શક્યો નહિ; ત્યારે લોકો એવું સમજ્યા કે અંદર ભક્તિસ્થાનમાં તેને કંઈ દર્શન થયું હશે; તે તેઓને ઇશારો કરતો હતો, અને બોલી શક્યો નહિ. 23 તેના સેવા કરવાના દિવસો પૂરા થયા ત્યારે એમ થયું કે તે પોતાના ઘરે પાછો ગયો.

24 તે દિવસ પછી તેની પત્ની એલિસાબેતને ગર્ભ રહ્યો, તે પાંચ મહિના સુધી ગુપ્ત રહી, અને તેણે કહ્યું કે, 25 ‘માણસોમાં મારું મહેણું દૂર કરવા મારા પ્રભુએ પોતાની કૃપાદષ્ટિનાં સમયમાં મને સારા દિવસો આપ્યા છે.’”

ઈસુના જન્મની જાહેરાત

26 છઠ્ઠે મહિને ગાબ્રિયેલ સ્વર્ગદૂતને ગાલીલના નાસરેથ નામે એક શહેરમાં એક કુમારિકાની પાસે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો હતો. 27 દાઉદના વંશના, યૂસફ નામે, એક પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી; તેનું નામ મરિયમ હતું. 28 સ્વર્ગદૂતે તેની પાસે આવીને કહ્યું કે, ‘હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે!’ 29 પણ એ વચન સાંભળીને તે ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી કે, આ તે કઈ જાતની સલામ હશે!

30 સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ‘હે મરિયમ, બીશ નહીં; કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે. 31 જો, તને ગર્ભ રહેશે, તને દીકરો થશે, અને તું તેમનું નામ ઈસુ પાડશે. 32 તે મોટા થશે અને પરાત્પર ઈશ્વરના દીકરા કહેવાશે; અને ઈશ્વર પ્રભુ તેમને તેમના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. 33 તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.’”

34 મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘એ કેમ કરીને થશે? કેમ કે હું કુંવારી છું, અને હું કોઈ પુરુષ સાથે સંબંધમાં આવી નથી.’” 35 સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે તારાથી જન્મ લેશે તેને પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે.

36 જો, તારી સગી એલિસાબેતે પણ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાનો ગર્ભ ધર્યો છે; અને જે નિ:સંતાન કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે. 37 ‘કેમ કે ઈશ્વર માટે કશું જ અશક્ય નથી!’ 38 મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘જો, હું પ્રભુની સેવિકા છું, તારા કહ્યાં પ્રમાણે મને થાઓ.’ ત્યારે સ્વર્ગદૂત તેની પાસેથી ગયો. 39 તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં તરત જ ગઈ.

મરિયમ એલિસાબેતને મળવા જાય છે

40 ઝખાર્યાને ઘરે જઈને એલિસાબેતને સલામ કહી. 41 એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને.

42 તથા ઊંચા સ્વરથી કહ્યું કે, ‘સ્ત્રીઓમાં તું આશીર્વાદિત છે, તારું બાળક પણ આશીર્વાદિત છે!’ 43 એ કૃપા મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે? 44 કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું. 45 જેણે વિશ્વાસ કર્યો તે આશીર્વાદિત છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂર્ણ થશે.

મરિયમનું સ્તુતિગાન

46 મરિયમે કહ્યું કે, મારો જીવ પ્રભુને મહાન માને છે, 47 અને ઈશ્વર, મારા ઉદ્ધારકમાં મારો આત્મા હરખાયો છે. 48 કારણ કે તેમણે પોતાની સેવિકાની દીનાવસ્થા પર દ્ર્ષ્ટિ કરી છે; કેમ કે, જો, હવેથી સઘળી પેઢીઓ મને આશીર્વાદિત કહેશે. 49 કેમ કે પરાક્રમી ઈશ્વરે મારે સારુ મહાન કૃત્યો કર્યા છે, તેમનું નામ પવિત્ર છે. 50 જેઓ તેમનું સન્માન કરે છે, તેઓ પર તેમની દયા પેઢી દરપેઢી રહે છે. 51 તેમણે પોતાના પરાક્રમી હાથો વડે ઘણાં પરાક્રમી કાર્યો કર્યાં છે, અભિમાનીઓને તેઓનાં હૃદયની કલ્પનામાં તેમણે વિખેરી નાખ્યા છે. 52 તેમણે રાજકર્તાઓને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે, અને ગરીબોને ઊંચા કર્યા છે. 53 તેમણે ભૂખ્યાંઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યા છે; અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યાં છે. 54 આપણા પૂર્વજોને તેમના કહ્યાં પ્રમાણે, ઇબ્રાહિમ પર તથા તેના વંશ પર 55 સદા દયા કરવાનું સંભારીને, તેમણે પોતાના સેવક ઇઝરાયલને સહાય કરી.’”

56 મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, પછી પોતાને ઘરે પાછી ગઈ.

યોહાન બાપ્તિસ્તનો જન્મ

57 હવે એલિસાબેતના દિવસો પૂરા થયા, એટલે તેને દીકરો જનમ્યો. 58 તેના પડોશીઓએ તથા સગાંઓએ સાંભળ્યું કે, પ્રભુએ તેના પર મોટી દયા કરી છે, ત્યારે તેઓ તેની સાથે આનંદ કર્યો.

59 આઠમે દિવસે તેઓ છોકરાંની સુન્નત કરવા આવ્યાં, ત્યારે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડવા માંગતા હતા; 60 પણ તેની માએ તેઓને કહ્યું કે, ‘એમ નહિ, પણ તેનું નામ યોહાન પાડવું.’”

61 તેઓએ તેને કહ્યું કે, ‘તારાં સગામાંના કોઈનું એવું નામ પાડેલું નથી.’” 62 તેઓએ ઇશારો કરીને તેના પિતાને પૂછ્યું કે, ‘તું તેનું શું નામ પાડવા ચાહે છે?’” 63 તેણે પથ્થરપાટી માગીને તેના પર લખ્યું કે, ‘તેનું નામ યોહાન છે.’”

64 તેથી તેઓ સર્વ અચંબો પામ્યા. તરત ઝખાર્યાનું મુખ ઊઘડી ગયું, ને તેની જીભ છૂટી થઈ, તે ઈશ્વરની સ્તુતિ કરતો બોલવા લાગ્યો. 65 તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, અને યહૂદિયાના આખા પહાડી દેશમાં એ વાતોની ચર્ચા ચાલી. 66 જેઓએ તે વાતો સાંભળી તે સર્વએ તે મનમાં રાખીને કહ્યું કે, ત્યારે આ છોકરો કેવો થશે? કેમ કે પ્રભુનો હાથ તેના પર હતો.

ઝખાર્યાનું પ્રબોધ

67 તેના પિતા ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવો પ્રબોધ કર્યો કે, 68 ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે. 69 જગતના પહેલાથી ઈશ્વરે પવિત્ર પ્રબોધકોના મુખથી કહ્યું હતું તે પ્રમાણે, 70 તેમણે પોતાના સેવક દાઉદના કુળમાં, આપણે સારુ એક પરાક્રમી ઉદ્ધારનાર આપ્યા છે, 71 એટલે તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે; 72 એ સારુ કે તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર યાદ કરે, 73 એટલે તેમણે આપણા પિતા ઇબ્રાહિમની સાથે જે સમ ખાધા તે; 74 એ માટે કે તે આપણે સારુ એવું કરે કે, આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને, નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેમની આગળ 75 પવિત્રાઇથી તથા ન્યાયીપણાથી તેમની સેવા કરીએ. 76 અને, ઓ પુત્ર, તું પરાત્પર ઈશ્વરનો પ્રબોધક કહેવાશે; કેમ કે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુનો માર્ગ તૈયાર કરે, 77 તથા તેમના લોકોને પાપની માફી મળવા માટે તેઓને ઉદ્ધારનું જ્ઞાન આપશે. 78 અને આપણી માફી એ માટે થયું કેમ કે આપણા ઈશ્વરની ઘણી દયા સ્વર્ગમાંથી ઉદ્ધારનાર ઊગતાં સૂર્ય સમાન આપણી પાસે આવે છે, 79 એ માટે કે અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ આપે તથા આપણા પગલાંને શાંતિના માર્ગમાં દોરી જાય.

80 પુત્ર મોટો થયો, આત્મામાં બળવાન થતો ગયો, અને ઇઝરાયલમાં તેના જાહેર થવાનાં દિવસ સુધી તે અરણ્યમાં રહ્યો.

Chapter 2

ઈસુનો જન્મ

(માથ. 1:18-25)

1 તે દિવસોમાં કાઈસાર ઓગસ્તસે ફરમાન બહાર પાડયું કે, સર્વ દેશોના લોકોની વસ્તીગણતરી કરવામાં આવે. 2 કુરેનિયસ સિરિયા પ્રાંતનો રાજ્યપાલ હતો, તેના વખતમાં એ પ્રથમ વસ્તીગણતરી હતી. 3 બધા લોકો પોતાનાં નામ નોંધાવવા સારુ પોતપોતાનાં નગરમાં ગયા.

4 યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયામાં દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં, 5 પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્ની મરિયમનું નામ નોંધાવવા ગયો, કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાંનો હતો.

6 તેઓ ત્યાં હતાં, એટલામાં મરિયમના પ્રસવાવસ્થાના દિવસો પૂરા થયા. 7 અને તેણે પોતાના પ્રથમ દીકરાને જન્મ આપ્યો; તેને વસ્ત્રમાં લપેટીને ગભાણમાં સુવડાવ્યો, કારણ કે તેઓને સારુ ધર્મશાળામાં કંઈ જગ્યા નહોતી.

ભરવાડો અને દૂતો

8 તે દેશમાં ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાનાં ઘેટાંને સાચવતા હતા. 9 પ્રભુનો એક સ્વર્ગદૂત તેઓની આગળ પ્રગટ થયો, પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ પ્રકાશ્યો, તેથી તેઓ ઘણાં ભયભીત થયા.

10 સ્વર્ગદૂતે તેઓને કહ્યું કે ‘બીશો નહીં; કેમ કે, જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે; 11 કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારુ એક ઉદ્ધારક, એટલે ખ્રિસ્ત પ્રભુ જનમ્યાં છે. 12 તમારે માટે એ નિશાની છે કે, તમે એક બાળકને વસ્ત્રમાં લપેટેલું તથા ગભાણમાં સૂતેલું જોશો.’”

13 પછી એકાએક સ્વર્ગદૂતની સાથે આકાશના બીજા સ્વર્ગદૂતોનો સમુદાય પ્રગટ થયો; તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતાં હતા કે, 14 ‘સ્વર્ગમાં ઈશ્વરને મહિમા, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્ન છે, તેઓ મધ્યે શાંતિ થાઓ.’”

15 જયારે સ્વર્ગદૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા તે પછી, ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું કે, ‘ચાલો, આપણે બેથલેહેમ જઈને આ બનેલી બિના જેની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ.’” 16 તેઓ ઉતાવળથી ગયા, અને મરિયમને, યૂસફને, તથા ગભાણમાં સૂતેલા બાળકને જોયા.

17 તેઓને જોયા પછી જે વાત એ બાળક સંબંધી તેઓને કહેવામાં આવી હતી, તે તેઓએ કહી બતાવી. 18 જે વાતો ઘેટાંપાળકોએ કહી, તેથી સઘળા સાંભળનારાઓ આશ્ચર્ય પામ્યા, 19 પણ મરિયમ એ સઘળી વાતો મનમાં રાખીને વારંવાર તે વિષે વિચાર કરતી રહી. 20 ઘેટાંપાળકોને જે કહેવામાં આવ્યું હતું તે તેઓએ બધું સાંભળ્યું તથા જોયું, તેથી તેઓ ઈશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પોતાનાં ઘેટાં પાસે પાછા ગયા.

ઈસુનું નામકરણ

21 આઠ દિવસ પૂરા થયા પછી બાળકની સુન્નત કરવાનો વખત આવ્યો, તેમનું નામ ઈસુ પાડવામાં આવ્યું, જે નામ, જન્મ પહેલાં સ્વર્ગદૂતે આપ્યું હતું.

ભક્તિસ્થાનમાં ઈસુનું સમર્પણ

22 મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધિકરણના દિવસો પૂરા થયા, 23 ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે, પ્રથમ જન્મેલો દરેક બાળક પ્રભુને સારુ પવિત્ર કહેવાય, તે પ્રમાણે તેઓ તેને પ્રભુની સમક્ષ રજૂ કરવાને, 24 તથા પ્રભુના નિયમશાસ્ત્રમાં કહ્યાં પ્રમાણે એક જોડ હોલાને અથવા કબૂતરનાં બે બચ્ચાનું બલિદાન કરવા સારુ, તેને યરુશાલેમમાં લાવ્યાં.

25 ત્યારે જુઓ, શિમયોન નામે એક માણસ યરુશાલેમમાં હતો, તે ન્યાયી તથા ધાર્મિક હતો, તે ઇઝરાયલને દિલાસો મળે તેની રાહ જોતો હતો, અને પવિત્ર આત્મા તેના પર હતો. 26 પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે, ‘પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહિ.’”

27 તે આત્માની પ્રેરણાથી ભક્તિસ્થાનમાં આવ્યો, ત્યાં નિયમશાસ્ત્રની વિધિ પ્રમાણે કરવા માટે બાળક ઈસુના માતાપિતા તેમને સિમયોનની પાસે લાવ્યા. 28 ત્યારે તેણે બાળકને હાથમાં ઊંચકીને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું કે, 29 ‘હે પ્રભુ, હવે તમારા વચન પ્રમાણે તમે તમારા સેવકને શાંતિથી જવા દો; 30 કેમ કે મારી આંખોએ તમારો ઉદ્ધાર જોયો છે, 31 જેને તમે સર્વ લોકોની સન્મુંખ તૈયાર કર્યા છે; 32 તેઓ બિનયહૂદીઓ માટે પ્રકટીકરણનો પ્રકાશ અને તમારા ઇઝરાયલી લોકોનો મહિમા છે.’”

33 તેમના બાળક સંબંધી જે વાતો કહેવામાં આવી, તેથી તેમના માતાપિતા આશ્ચર્ય પામ્યા. 34 શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો, અને તેમની મા મરિયમને કહ્યું કે, ‘જો, આ બાળક ઇઝરાયલમાંનાં ઘણાંનાં પડવા, તથા પાછા ઊઠવા સારુ, તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાની થવા સારુ ઠરાવેલો છે. 35 હા, તારા પોતાના જીવને તલવાર વીંધી નાખશે; એ માટે કે ઘણાં મનોની કલ્પના પ્રગટ થાય.’”

36 આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના, એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. અને તે પોતાનાં લગ્ન પછી પોતાના પતિની સાથે સાત વર્ષ સુધી રહી હતી. 37 તે ચોર્યાસી વર્ષથી વિધવા હતી; તે ભક્તિસ્થાનમાં જ રહેતી હતી, અને રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાસહિત ભજન કર્યા કરતી હતી. 38 તેણે તે જ ઘડીએ ત્યાં આવીને ઈશ્વરની સ્તુતિ કરી, અને જેઓ યરુશાલેમના ઉદ્ધારની રાહ જોતાં હતા તે સઘળાને તે બાળક સંબંધી વાત કરી.

નાસરેથ પાછા ફરવું

39 તેઓ પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે બધું કરી ચૂક્યા પછી ગાલીલમાં પોતાના શહેર નાસરેથમાં પાછા ગયા.

40 ત્યાં તે છોકરો મોટો થયો, અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો, અને ઈશ્વરની કૃપા તેના પર હતી.

બાર વર્ષની ઉંમરે ઈસુ ભક્તિસ્થાનમાં

41 તેનાં માતાપિતા વરસોવરસ પાસ્ખાપર્વમાં યરુશાલેમ જતા હતાં. 42 જયારે ઈસુ બાર વરસના થયા, ત્યારે તેઓ રિવાજ પ્રમાણે પર્વમાં ત્યાં ગયા. 43 પર્વના દિવસો પૂરા કરીને તેઓ પાછા જવા લાગ્યાં, ત્યારે ઈસુ યરુશાલેમમાં રોકાઈ ગયા, અને તેમના માતાપિતાને તેની ખબર પડી નહિ. 44 પણ તે સમૂહમાં હશે, એમ ધારીને તેઓએ એક દિવસ સુધી મુસાફરી કરી અને પછી પોતાનાં સગામાં તથા ઓળખીતામાં ઈસુને શોધ્યા.

45 ઈસુ તેઓને મળ્યા નહિ, ત્યારે તેઓ તેમને શોધતાં શોધતાં યરુશાલેમમાં પાછા ગયા. 46 ત્રણ દિવસ પછી તેઓએ તેમને ભક્તિસ્થાનમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતાં તથા તેઓને સવાલો પૂછતાં જોયા. 47 જેઓએ તેમનું સાંભળ્યું તેઓ બધા તેમની બુદ્ધિથી તથા તેમના ઉત્તરોથી વિસ્મિત થયા.

48 તેમને જોઈને તેમના માતાપિતા આશ્ચર્ય પામ્યા; અને તેમની માએ તેમને કહ્યું કે, ‘દીકરા, અમારી સાથે તું આવી રીતે કેમ વર્ત્યો? જો, તારા પિતાએ તથા મેં દુઃખી થઈને તારી કેટલી શોધ કરી!’ 49 ઈસુએ તેઓને કહ્યું કે ‘તમે મારી શોધ શા માટે કરી? શું તમે જાણતા નહોતાં કે મારે મારા પિતાના ઘરમાં હોવું જોઈએ?’” 50 જે વાત ઈસુએ તેઓને કહી તે તેઓ સમજ્યાં નહિ.

51 ઈસુ તેઓની સાથે ગયા, અને નાસરેથમાં આવ્યા, માતાપિતાને આધીન રહ્યા અને તેમની માએ એ સઘળી વાતો પોતાના મનમાં રાખી.

52 ઈસુ જ્ઞાનમાં તથા કદમાં, ઈશ્વરની તથા માણસોની પ્રસન્નતામાં વૃદ્ધિ પામતા ગયા.

Chapter 3

યોહાન બાપ્તિસ્તનો સંદેશ

(માથ. 3:1-12; માર્ક 1:1-8; યોહ. 1:19-28)

1 હવે તિબેરિયસ કાઈસારની કારકિર્દીને પંદરમે વર્ષે, જયારે પોંતિયસ પિલાત યહૂદિયાનો અધિપતિ, તથા હેરોદ ગાલીલનો રાજ્યકર્તા તથા તેનો ભાઈ ફિલિપ ઇતુરાઈ તથા ત્રાખોનિતી દેશનો રાજ્યકર્તા તથા લુસાનિયસ આબીલેનેનો રાજ્યકર્તા હતો 2 આન્નાસ તથા કાયાફા પ્રમુખ યાજકો હતા ત્યારે ઝખાર્યાનાં દીકરા યોહાનની પાસે ઈશ્વરનું વચન અરણ્યમાં આવ્યું.

3 તે યર્દનની આસપાસના સઘળા પ્રદેશમાં પાપોની માફીને સારુ પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો.

4 યશાયા પ્રબોધકનાં વચનોના પુસ્તકમાં લખ્યું છે તેમ કે, ‘અરણ્યમાં ઘાંટો કરનારની વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો; 5 દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ તથા ટેકરો નીચાં કરાશે, વાંકું સીધું કરાશે અને ખાડા ટેકરાવાળાં માર્ગ સપાટ કરવામાં આવશે. 6 સઘળાં મનુષ્યો ઈશ્વરનું ઉદ્ધાર જોશે.’”

7 તેનાથી બાપ્તિસ્મા પામવાને આવતા ઘણાં લોકોને યોહાને કહ્યું કે, ‘ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં?

8 તો પસ્તાવો કરનારને શોભે તેવાં ફળ ઉપજાવો, અને પોતાના મનમાં એમ ન કહેવા માંડો કે, ઇબ્રાહિમ અમારા પિતા છે,’ કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમને સારુ સંતાન ઉત્પન્ન કરી શકે છે.’”

9 વળી હમણાં કુહાડો વૃક્ષોની જડ પર છે, માટે દરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.’”

10 લોકોએ યોહાનને પૂછ્યું, ‘ત્યારે અમારે શું કરવું?’” 11 તેણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જેની પાસે બે અંગરખા હોય તે જેની પાસે એક પણ નથી તેને આપે; જેની પાસે ખાવાનું હોય તે પણ એમ જ કરે.’”

12 દાણીઓ પણ બાપ્તિસ્મા પામવા સારુ આવ્યા, ને તેને પૂછ્યું કે, ‘ઉપદેશક, અમારે શું કરવું?’” 13 તેણે તેઓને કહ્યું કે, “જે તમારે સારુ નિયત કરાયેલો કર છે, તે કરતાં વધારે જબરદસ્તીથી ન લો.”

14 સૈનિકોએ પણ તેને પૂછતાં કહ્યું કે, ‘અમારે શું કરવું?’ તેણે તેઓને કહ્યું કે, ‘જબરદસ્તીથી કોઈની પાસેથી પૈસા પડાવો નહિ. અને કોઈની ઉપર જૂઠા આરોપો ન મૂકો. તમારા પગારથી સંતોષી રહો.’”

15 લોકો ખ્રિસ્તની રાહ જોતાં હતા, અને સઘળા યોહાન સંબંધી પોતાના મનમાં વિચાર કરતા હતા કે, ‘એ ખ્રિસ્ત હશે કે નહિ;’ 16 ત્યારે યોહાને ઉત્તર આપતાં સર્વને કહ્યું કે, ‘હું તો પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ મારા કરતાં જે સામર્થ્યવાન છે તે આવે છે, તેમના ચંપલની દોરી છોડવાને પણ હું યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી તથા અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે.

17 તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને ઘઉં તે પોતાની વખારમાં ભરશે; પણ ભૂસું ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.’”

18 તેણે બીજો ઘણો બોધ કરતાં લોકોને સુવાર્તા પ્રગટ કરી. 19 યોહાને હેરોદને તેના ભાઈની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કરવા બદલ તથા બીજા ઘણાં ખરાબ કામો કરવા બદલ ઠપકો આપ્યો, 20 એ બધાં ઉપરાંત તેણે યોહાનને જેલમાં પૂર્યો.

ઈસુનું બાપ્તિસ્મા

(માથ. 3:13-17; માર્ક 1:9-11)

21 સર્વ લોક બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતા હતા, એટલામાં સ્વર્ગો ઊઘડી ગયાં; 22 અને પવિત્ર આત્મા કબૂતરનાં રૂપે તેમના પર ઊતર્યા; અને સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, ‘તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.’”

ઈસુની વંશાવળી

(માથ. 1:1-17)

23 ઈસુ પોતે બોધ કરવા લાગ્યા, ત્યારે તે આશરે ત્રીસ વર્ષની ઉંમરના હતા, અને લોકોના ધાર્યા પ્રમાણે તે યૂસફના દીકરા હતા, જે હેલીનો દીકરો, 24 મથ્થાતનો, જે લેવીનો, જે મલ્ખીનો, જે યન્નયનો, જે યૂસફનો.

25 જે મત્તિયાનો, જે આમોસનો, જે નાહૂમનો, જે હેસ્લીનો, જે નગ્ગયનો, 26 જે માહથનો, જે મત્તિયાનો, જે શિમઈનો, જે યોસેખનો, જે યોદાનો.

27 જે યોહાનાનનો, જે રેસાનો, જે ઝરુબ્બાબેલનો, જે શાલ્તીએલનો, જે નેરીનો, 28 જે મલ્ખીનો, જે અદ્દીનો, જે કોસામનો, જે અલ્માદામનો, જે એરનો, 29 જે યહોશુઆનો, જે એલીએઝેરનો, જે યોરીમનો, જે મથ્થાતનો, જે લેવીનો.

30 જે શિમયોનનો, જે યહૂદાનો, જે યૂસફનો, જે યોનામનો, જે એલિયાકીમનો, 31 જે મલેયાનો, જે મિન્નાનો, જે મત્તાથાનો, જે નાથાનનો, જે દાઉદનો, 32 જે યિશાઈનો, જે ઓબેદનો, જે બોઆઝનો, જે સલ્મોનનો, જે નાહશોનનો.

33 જે આમ્મીનાદાબનો, જે અદમીનનો, જે અર્નીનો, જે હેસ્રોનનો, જે પેરેસનો, જે યહૂદાનો, 34 જે યાકૂબનો, જે ઇસહાકનો, જે ઇબ્રાહિમનો, જે તેરાહનો, જે નાહોરનો, 35 જે સરૂગનો, જે રયૂનો, જે પેલેગનો, જે એબરનો, જે શેલાનો.

36 જે કેનાનનો, જે અર્ફાક્ષદનો, જે શેમનો, જે નૂહનો, જે લામેખનો, 37 જે મથૂશેલાનો, જે હનોખનો, જે યારેદનો, જે મહાલાએલનો, જે કેનાનનો, 38 જે અનોશનો, જે શેથનો, જે આદમનો, જે ઈશ્વરનો દીકરો હતો.

Chapter 4

ઈસુનાં પરીક્ષણ

(માથ. 4:1-11; માર્ક 1:12-13)

1 ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર યર્દનથી પાછા વળ્યા. અને ચાળીસ દિવસ સુધી આત્માથી અહીંતહીં દોરાઈને અરણ્યમાં રહયા, 2 તે દરમિયાન શેતાને ઈસુની પરીક્ષણ કરી; તે દિવસોમાં તેમણે કંઈ ખાધું નહિ, તે સમય પૂરા થયા પછી તે ભૂખ્યા થયા.

3 શેતાને ઈસુને કહ્યું કે, ‘જો તમે ઈશ્વરના દીકરા હોય તો આ પથ્થરને કહે કે, તે રોટલી થઈ જાય. 4 ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘એમ લખ્યું છે કે, માણસ એકલી રોટલીથી જીવશે નહિ.’”

5 શેતાન તેમને ઊંચી જગ્યાએ લઈ ગયો, અને એક ક્ષણમાં દુનિયાના બધાં રાજ્યો તેને બતાવ્યા. 6 શેતાને ઈસુને કહ્યું કે, ‘આ બધાં પર રાજ કરવાનો અધિકાર તથા તેમનો વૈભવ હું તને આપીશ; કેમ કે રાજ કરવા તેઓ મને અપાયેલ છે, અને હું જેને તે આપવા ચાહું તેને આપી શકું છું; 7 માટે જો તું નમીને મારું ભજન કરશે તો તે સઘળું તારું થશે.’”

8 અને ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, ‘એમ લખ્યું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું અને એકલા તેમની જ સેવા કરવી.’”

9 તે ઈસુને યરુશાલેમ લઈ ગયો, અને ભક્તિસ્થાનના શિખર પર તેમને ઊભા રાખીને તેણે તેમને કહ્યું કે, ‘જો તું ઈશ્વરનો દીકરો છે, તો અહીંથી પોતાને નીચે પાડી નાખ. 10 કેમ કે લખ્યું છે કે, તે પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે તેઓ તારું રક્ષણ કરે; 11 તેઓ પોતાના હાથે તમને ઝીલી લેશે, રખેને તમારો પગ પથ્થર પર અફળાય.’”

12 ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘એમ લખેલું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી ન કરવી.’”

13 શેતાન સર્વ પ્રકારની પરીક્ષણ કરીને કેટલીક મુદ્ત સુધી તેમની પાસેથી ગયો.

ઈસુ ગાલીલમાં સેવા શરૂ કરે છે

(માથ. 4:12-17; માર્ક 1:14-15)

14 ઈસુ આત્માને પરાક્રમે ગાલીલમાં પાછા આવ્યા, અને તેમના વિષેની વાતો આસપાસ આખા દેશમાં ફેલાઈ ગઈ. 15 અને તેમણે તેઓનાં સભાસ્થાનોમાં બોધ કર્યો, અને બધાથી માન પામ્યા.

નાસરેથમાં ઈસુનો નકાર

(માથ. 13:53-58; માર્ક 6:1-6)

16 નાસરેથ જ્યાં ઈસુ મોટા થયા હતા ત્યાં તે આવ્યા, અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે તે સભાસ્થાનમાં ગયા, અને વાંચવા સારુ તે ઊભા થયા. 17 યશાયા પ્રબોધકનું પુસ્તક તેમને આપવામાં આવ્યું, તેમણે તે ઉઘાડીને, જ્યાં નીચે દર્શાવ્યાં પ્રમાણે લખ્યું છે તેનું વાચન કર્યુ કે, 18 ‘પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે મારો અભિષેક કર્યો છે; બંદીવાનોને છુટકારો આપવા તથા દ્રષ્ટિહીનોને દ્રષ્ટિ આપવા, પીડિતોને છોડાવવાં 19 તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારુ ઈશ્વરે મને મોકલ્યો છે.’”

20 પછી તેમણે પુસ્તક બંધ કર્યુ, સેવકને પાછું આપીને બેસી ગયા, પછી સભાસ્થાનમાં બધા ઈસુને એક નજરે જોઈ રહયા. 21 ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, ‘આજે આ શાસ્ત્રવચન તમારા સાંભળતાં પૂરું થયું છે.’” 22 બધાએ તેમના વિષે સાક્ષી આપી, અને જે કૃપાની વાતો તેમણે કહી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘શું એ યૂસફનો દીકરો નથી?’”

23 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે મને નિશ્રે કહેશો કે, વૈદ, તમે પોતાને સાજાં કરો.’ કપરનાહૂમમાં કરેલા જે જે કામો વિષે અમે સાંભળ્યું તેવા કામો અહીં તમારા પોતાના વતનપ્રદેશમાં પણ કરો. 24 ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, કોઈ પ્રબોધક પોતાના વતનમાં સ્વીકાર્ય નથી.

25 પણ હું તમને સાચું કહું કે એલિયાના સમયમાં સાડાત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો નહિ, આખા દેશમાં મોટો દુકાળ પડ્યો, ત્યારે ઘણી વિધવાઓ ઇઝરાયલમાં હતી; 26 તેઓમાંની અન્ય કોઈ પાસે નહિ, પણ સિદોનના સારફાથમાં જે વિધવા હતી તેની જ પાસે એલિયાને મોકલવામાં આવ્યો હતો. 27 વળી એલિશા પ્રબોધકના વખતમાં ઘણાં કુષ્ઠ રોગીઓ ઇઝરાયલમાં હતા, પરંતુ અરામી નામાન સિવાય તેઓમાંનો અન્ય કોઈ શુદ્ધ કરાયો ન હતો.

28 એ વાત સાંભળીને સભાસ્થાનમાંના સૌ ગુસ્સે ભરાયા; 29 તેઓએ ઊઠીને ઈસુને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા સારુ જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેના ઢોળાવ પર તેઓ ઈસુને લઈ ગયા. 30 પણ ઈસુ તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા.

દુષ્ટાત્મા વળગેલો માણસ

(માર્ક 12:1-28)

31 પછી તે ગાલીલના કપરનાહૂમ શહેરમાં આવ્યા. એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં તેઓને બોધ આપતા હતા; 32 ત્યારે તેઓ તેમના બોધથી આશ્ચર્ય પામ્યા, કેમ કે તેઓ અધિકારથી બોલ્યા.

33 ત્યાં દુષ્ટાત્મા વળગેલો એક માણસ હતો, તેણે મોટેથી બૂમ પાડ્યું અને કહ્યું કે, 34 ‘અરે, ઈસુ નાઝારી, તમારે અને અમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર!’”

35 ઈસુએ તેને ધમકાવીને કહ્યું કે, ‘ચૂપ રહે, અને તેનામાંથી નીકળ’. દુષ્ટાત્મા તેને લોકોની વચમાં પાડી નાખીને તેને કંઈ નુકસાન કર્યા વિના નીકળી ગયો. 36 બધાને આશ્ચર્ય લાગ્યું, અને તેઓએ એકબીજાને કહ્યું કે, ‘આ કેવાં શબ્દો છે! કેમ કે તે અધિકાર તથા પરાક્રમસહિત અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે, ને તેઓ નીકળી જાય છે?’” 37 આસપાસના પ્રદેશનાં સર્વ સ્થાનોમાં ઈસુ વિષેની વાતો ફેલાઈ ગઈ.

ઘણાં લોકો સાજાં થયા

(માથ. 8:14-17; માર્ક 1:29-34)

38 સભાસ્થાનમાંથી ઊઠીને ઈસુ સિમોનના ઘરે ગયા. સિમોનની સાસુ સખત તાવથી બિમાર હતી, તેને મટાડવા માટે તેઓએ તેમને વિનંતી કરી. 39 તેથી ઈસુએ તેની પાસે ઊભા રહીને તાવને ધમકાવ્યો, અને તેનો તાવ ઊતરી ગયો; તેથી તે તરત ઊઠીને તેઓની સેવા કરવા લાગી.

40 સૂર્ય ડૂબતી વખતે જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં માણસો હતાં તેઓને તેઓ ઈસુની પાસે લાવ્યા, અને તેમણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં. 41 ઘણાંઓમાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા, અને ઘાંટો પાડીને કહેતાં હતા કે, ‘તમે ઈશ્વરના દીકરા છો!’ તેમણે તેઓને ધમકાવ્યાં, અને બોલવા દીધાં નહિ, કેમ કે તેઓ જાણતા હતા કે, ‘તે ખ્રિસ્ત છે.’”

સભાસ્થાનમાં ઈસુનું શિક્ષણ

(માર્ક 1:35-39)

42 દિવસ ઊગ્યો ત્યારે ઈસુ નીકળીને ઉજ્જડ જગ્યાએ ગયા, લોકો તેમને શોધતાં શોધતાં તેમની પાસે આવ્યા, તે તેઓની પાસેથી ચાલ્યા ન જાય માટે તેઓએ તેમને રોકવા પ્રયત્નો કર્યાં. 43 પણ તેમણે તેઓને કહ્યું કે, ‘મારે બીજાં શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.’”

44 યહૂદિયાના દરેક સભાસ્થાનોમાં તે સુવાર્તા પ્રગટ કરતા રહ્યા.

Chapter 5

પ્રથમ શિષ્યોનું તેડું

(માથ. 4:18-22; માર્ક 1:16-20)

1 હવે એમ થયું કે ઘણાં લોકો ઈસુ પર પડાપડી કરીને ઈશ્વરના વચનને સાંભળતાં હતા, ત્યારે ગન્નેસારેતના સરોવરને કિનારે તે ઊભા રહ્યા હતા. 2 તેમણે સરોવરને કિનારે ઊભેલી બે હોડી જોઈ, પણ માછીમારો તેઓ પરથી ઊતરીને જાળો ધોતા હતા. 3 તે હોડીઓમાંની એક સિમોનની હતી, ઈસુ તે હોડીમાં ગયા. અને તેને કિનારેથી થોડે દૂર હડસેલવાનું કહ્યું. પછી તેમણે હોડીમાં બેસીને લોકોને બોધ કર્યો.

4 ઉપદેશ સમાપ્ત કર્યા પછી ઈસુએ સિમોનને કહ્યું કે, ‘હોડીને ઊંડા પાણીમાં જવા દો, અને માછલાં પકડવા સારુ તમારી જાળો નાખો.’” 5 સિમોને ઉત્તર આપ્યો કે, ‘ગુરુ, અમે આખી રાત મહેનત કરી, પણ કશું પકડાયું નહિ, તોપણ તમારા કહેવાથી હું જાળ નાખીશ.’” 6 તેઓએ જાળ નાખી તો માછલાંનો મોટો જથ્થો પકડાયો અને તેઓની જાળ તૂટવા લાગી. 7 તેઓના ભાગીદાર બીજી હોડીમાં હતા તેઓને તેઓએ ઇશારો કર્યો કે, તેઓ આવીને તેમને મદદ કરે; અને તેઓએ આવીને બન્ને હોડીઓ માછલાંથી એવી ભરી કે તેઓની હોડીઓ ડૂબવા લાગી.

8 તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે, ‘ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ. કેમ કે હું પાપી માણસ છું.’” 9 કેમ કે તે તથા તેના સઘળા સાથીઓ માછલાંનો જે જથ્થો પકડાયો હતો, તેથી આશ્ચર્ય પામ્યા હતા. 10 તેમાં ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગીદાર હતા, તેઓને પણ આશ્ચર્ય થયું. ઈસુએ સિમોનને કહ્યું કે, ‘બીશ નહિ કારણ કે, હવેથી તું માણસો પકડનાર થશે.’” 11 તેઓ હોડીઓને કિનારે લાવ્યા પછી બધું મૂકીને ઈસુની પાછળ ચાલ્યા.

રક્તપિત્તિયો શુદ્ધ કરાયો

(માથ. 8:1-4; માર્ક 1:40-45)

12 એમ થયું કે ઈસુ શહેરમાં હતા, ત્યારે જુઓ, એક કુષ્ઠ રોગી માણસ ત્યાં હતો; તે ઈસુને જોઈને તેમના પગે પડ્યો અને તેમને વિનંતી કરતાં બોલ્યો, ‘પ્રભુ, જો તમે ઇચ્છો તો મને શુદ્ધ કરી શકો છો.’” 13 ઈસુએ હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શ કરીને કહ્યું કે, ‘હું ચાહું છું, તું શુદ્ધ થા.’ અને તરત તેનો કુષ્ઠ રોગ મટી ગયો.

14 ઈસુએ તેને આજ્ઞા કરી કે, ‘તારે કોઈને કહેવું નહિ, પણ મૂસાએ ફરમાવ્યા પ્રમાણે સાક્ષી તરીકે જઈને પોતાને યાજકને બતાવ, ને તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે અર્પણ ચઢાવ.’”

15 પણ ઈસુના સંબંધીની વાતો વધારે પ્રમાણમાં ફેલાઈ, અને અતિ ઘણાં લોકો તેનું સાંભળવા સારુ તથા પોતાના રોગમાંથી સાજાં થવા સારુ તેમની પાસે ભેગા થતાં હતા. 16 પણ ઈસુ પોતે એકાંતમાં અરણ્યમાં જઈ પ્રાર્થના કરતા.

એક લકવાગ્રસ્તને સાજાંપણું

(માથ. 9:1-8; માર્ક 2:1-12)

17 એક દિવસ ઈસુ બોધ કરતા હતા, ત્યારે ફરોશીઓ તથા શાસ્ત્રીઓ ગાલીલના ઘણાં ગામોમાંથી, યહૂદિયાથી તથા યરુશાલેમથી આવીને ત્યાં બેઠા હતા, અને બીમારને સાજાં કરવા સારુ ઈશ્વરનું પરાક્રમ ઈસુની પાસે હતું.

18 જુઓ, કેટલાક માણસો લકવાગ્રસ્તથી પીડાતી એક વ્યક્તિને ખાટલા પર લાવ્યા, તેને ઈસુની પાસે લઈ જઈને તેમની આગળ મૂકવાનો તેઓએ પ્રયત્ન કર્યો; 19 પણ ભીડને લીધે તેને અંદર લઈ જવાની જગ્યા ન હોવાથી તેઓ છાપરા પર ચઢ્યાં. ત્યાંથી છાપરામાં થઈને તે રોગીને ખાટલા સાથે ઈસુની આગળ ઉતાર્યો.

20 ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને તેને કહ્યું કે, ‘હે માણસ, તારાં પાપ તને માફ થયાં છે.’” 21 તે સાંભળીને શાસ્ત્રીઓ તથા ફરોશીઓ અંદરોઅંદર વિચાર કરીને કહેવા લાગ્યા કે, ‘આ દુર્ભાષણ કરનાર કોણ છે? એકલા ઈશ્વર સિવાય બીજું કોણ પાપની માફી આપી શકે છે?’”

22 ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને જવાબ આપ્યો કે, ‘તમે પોતાના મનમાં શા પ્રશ્નો કરો છો? 23 વધારે સહેલું કયું છે, ‘તારાં પાપ તને માફ થયાં છે,’ એમ કહેવું કે, ‘ઊઠીને ચાલ્યો જા, એમ કહેવું?’” 24 પણ પૃથ્વી પર માણસના દીકરાને પાપ માફ કરવાનો અધિકાર છે, એ તમે જાણો માટે, તેમણે લકવાગ્રસ્ત માણસને કહ્યું કે હું તને કહું છું કે ‘ઊઠ તારો ખાટલો ઊંચકીને તારે ઘરે જા.’”

25 તરત તે તેઓની આગળ ઊઠીને જે પર તે સૂતો હતો તે ખાટલાને ઊંચકીને ઈશ્વરનો મહિમા કરતો પોતાને ઘરે ગયો. 26 સઘળા આશ્ચર્ય પામ્યા, તેઓએ ઈશ્વરનો મહિમા કર્યો; અને તેઓએ ભયભીત થઈને કહ્યું કે, ‘આજે આપણે અજાયબ વાતો જોઈ છે.’”

લેવીનું તેડું

(માથ. 9:9-13; માર્ક 2:13-17)

27 ત્યાર પછી ઈસુ ત્યાંથી રવાના થયા, ત્યારે લેવી નામે એક દાણીને ચોકી પર બેઠેલો જોઈને ઈસુએ કહ્યું કે, ‘મારી પાછળ આવ.’” 28 અને તે સઘળું મૂકીને, તેમની પાછળ ગયો.

29 લેવીએ પોતાને ઘરે ઈસુને માટે મોટો સત્કાર સમારંભ યોજ્યો. દાણીઓ તથા બીજાઓનું મોટું જૂથ તેમની સાથે જમવા બેઠું હતું. 30 ફરોશીઓએ તથા તેઓના શાસ્ત્રીઓએ તેમના શિષ્યોની વિરુદ્ધ બડબડાટ કરીને કહ્યું કે, ‘તમે દાણીઓ તથા પાપીઓની સાથે કેમ ખાઓ પીઓ છો?’” 31 ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે; 32 ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને સારુ બોલાવવા હું આવ્યો છું.’”

ઉપવાસ વિષે પ્રશ્ન

(માથ. 9:14-17; માર્ક 2:18-22)

33 તેઓએ તેને કહ્યું કે, ‘યોહાનના શિષ્યો અને ફરોશીઓના શિષ્યો ઉપવાસ તથા પ્રાર્થના કરે છે, પણ તમારા શિષ્યો ખાય અને પીવે છે.’” 34 ઈસુએ તેઓને કહ્યું કે, ‘વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો છો શું? 35 પણ એવા દિવસો આવશે કે વરરાજાને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે ત્યારે તે દિવસોમાં તેઓ ઉપવાસ કરશે.’”

36 ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે,’ નવા વસ્ત્રમાંથી કટકો ફાડીને કોઈ માણસ જૂના વસ્ત્રને થીંગડું મારતું નથી; જો લગાવે તો તે નવાને ફાડશે, વળી નવામાંથી લીધેલું થીંગડું જૂનાને મળતું નહિ આવે.

37 તે જ રીતે નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી, જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખશે, અને પોતે ઢળી જશે અને મશકોનો નાશ થશે. 38 પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવો જોઈએ. 39 વળી જૂનો દ્રાક્ષારસ પીધા પછી કોઈ નવો દ્રાક્ષારસ માગતો નથી, કેમ કે તે કહે છે કે. જૂનો સારો છે.’”

Chapter 6

વિશ્રામવાર વિષે પ્રશ્ન

(માથ. 12:1-8; માર્ક 2:23-28)

1 “એક વિશ્રામવારે ઈસુ ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યો ઘઉંના કણસલાં તોડીને હાથમાં મસળીને ખાતા હતા. 2 આથી ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, ‘વિશ્રામવારે જે કરવું ઉચિત નથી, તે તમે કેમ કરો છો?’”

3 ઈસુએ તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ‘દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેઓએ જે કર્યુ, તે શું તમે વાંચ્યું નથી કે 4 તેણે ઈશ્વરના ઘરમાં જઈને જે અર્પેલી રોટલી યાજક સિવાય બીજા કોઈને ખાવી ઉચિત ન હતી તે તેણે લઈને ખાધી, અને પોતાના સાથીઓને પણ આપી?’” 5 તેમણે તેઓને કહ્યું કે, ‘માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.’”

સુકાઈ ગયેલા હાથવાળો માણસ

(માથ. 12:9-14; માર્ક 3:1-6)

6 બીજા એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં જઈને બોધ કરતા હતા; ત્યારે એક માણસ ત્યાં હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો. 7 વિશ્રામવારના દિવસે ઈસુ કોઈને સાજો કરશે કે નહિ, તે વિષે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ તેમને જોયા કરતા હતા, એ માટે કે ઈસુ પર દોષ મૂકવાની તેઓને તક મળે. 8 પણ ઈસુએ તેઓના વિચારો જાણી લઈને જે વ્યક્તિનો હાથ સુકાઈ ગયેલો હતો તેને કહ્યું કે, ‘ઊઠીને વચમાં ઊભો રહે.’ તે ઊઠીને વચમાં આવીને ઊભો રહ્યો.

9 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને પૂછું છું, કે વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું, જીવને બચાવવો કે તે જીવનો નાશ કરવો, એ બન્નેમાંથી કયું ઉચિત છે?’” 10 ઈસુએ બધી બાજુ નજર ફેરવીને તે વ્યક્તિને કહ્યું કે, ‘તારો હાથ લાંબો કર.’ તેણે તેમ કર્યું, એટલે તેનો હાથ સાજો થયો. 11 પણ તેઓ ક્રોધે ભરાયા; અને એકબીજાને કહેવા લાગ્યા કે, ‘ઈસુ વિષે આપણે શું કરીએ?’”

બાર પ્રેરિતોની પસંદગી

(માથ. 10:1-4; માર્ક 3:13-19)

12 તે દિવસોમાં એમ થયું કે ઈસુ ઘરમાંથી નીકળીને પ્રાર્થના કરવા સારુ પહાડ પર ગયા; ત્યાં તેમણે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આખી રાત વિતાવી. 13 સવાર થતાં ઈસુએ પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંના બારને પસંદ કર્યા, જેઓને તેમણે પસંદ કર્યા તેઓને ‘પ્રેરિતો’ એવું નામ આપ્યું.

14 સિમોન જેનું નામ ઈસુએ પિતર રાખ્યું હતું તેને તથા તેના ભાઈ આન્દ્રિયા, યાકૂબ, યોહાન, ફિલિપ અને બર્થોલ્મીને, 15 માથ્થી, થોમા, અલ્ફીના દીકરા યાકૂબ અને સિમોન, જે ઝનૂની હતો તેને, 16 યાકૂબના દીકરા યહૂદાને, અને યહૂદા ઇશ્કારિયોત જે વિશ્વાસઘાતી હતો તેને.

શિક્ષણ અને સાજાંપણું

(માથ. 4:23-25)

17 પછી ઈસુ શિષ્યોની સાથે પહાડ પરથી ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા, તેમના શિષ્યોનો મોટો સમુદાય તથા આખા યહૂદિયામાંથી, યરુશાલેમમાંથી, તેમ જ તૂર તથા સિદોનના દરિયાકિનારાંનાં લોકોનો મોટો સમુદાય ત્યાં હતો કે, જેઓ તેમના વચનો સાંભળવા તથા પોતાના રોગથી સાજાં થવા આવ્યા હતા; 18 જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેમને પણ સાજાં કરવામાં આવ્યા. 19 સર્વ લોકો ઈસુને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા હતા; કેમ કે તેમનાંમાંથી પરાક્રમ નીકળીને સઘળાંને સાજાં કરતું હતું.

આશીર્વાદો

(માથ. 5:1-12)

20 ત્યાર પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું કે, ‘ઓ નિર્ધનો, તમે આશીર્વાદિત છો કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારું છે. 21 અત્યારે ભૂખ વેઠનારાઓ, તમે આશીર્વાદિત છો કેમ કે તમે તૃપ્ત થશો. અત્યારે રડનારાઓ, તમે આશીર્વાદિત છો કેમ કે તમે હસશો.

22 જયારે માણસના દીકરાને લીધે લોકો તમારો દ્વેષ કરશે તમને બહાર કાઢશે, તમને મહેણાં મારશે, તમારું અપમાન કરશે, તમારા નામને કલંકિત માનીને તમને કાઢી મૂકશે, ત્યારે તમે આશીર્વાદિત છો. 23 તે દિવસે તમે આનંદ કરો અને ખુશીથી કૂદો કેમ કે જુઓ, સ્વર્ગમાં તમારો બદલો મોટો છે; કેમ કે તેઓના પૂર્વજોએ પ્રબોધકોની પ્રત્યે એવું જ વર્તન કર્યુ હતું.

24 પણ ઓ ધનવાનો તમને અફસોસ છે! કેમ કે તમે તમારો દિલાસો પામી ચૂક્યા છો! 25 ઓ અત્યારે ધરાયેલાઓ તમને અફસોસ છે! કેમ કે તમે ભૂખ્યા થશો. ઓ હાલનાં હસનારાઓ, તમને અફસોસ છે! કેમ કે તમે શોક કરશો અને રડશો.

26 જયારે સઘળા લોકો તમારું સારું બોલે ત્યારે તમને અફસોસ છે! કેમ કે તેઓના પૂર્વજો જૂઠાં પ્રબોધકો પ્રત્યે તેમ જ વર્ત્યા હતા.

દુશ્મનો પ્રત્યે પ્રેમ

(માથ. 5:38-48; 7:12)

27 પણ હું તમને સાંભળનારાઓને કહું છું કે, તમારા શત્રુઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો, 28 જેઓ તમને શાપ દે છે તેઓને આશીર્વાદ દો, જેઓ તમારું અપમાન કરે છે તેઓને સારુ પ્રાર્થના કરો.

29 જે કોઈ તારા એક ગાલ પર તમાચો મારે, તેની આગળ બીજો ગાલ પણ ધર; કોઈ તારા વસ્ત્રો લઈ લે, તેનાથી તારું પહેરણ પણ પાછું રાખીશ નહિ. 30 જો કોઈ તારી પાસે માગે તેને આપ; કોઈ તારું કશું પણ લઈ જાય તેની પાસેથી તું પાછું માગીશ નહિ.

31 લોકો જેમ તમારી સાથે જે રીતે વર્તે તેમ જ તમે પણ તેઓની સાથે વર્તન કરો. 32 તમારા પર જેઓ પ્રેમ રાખે છે તેઓ પર જ તમે પ્રેમ રાખો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ પોતાની ઉપર પ્રેમ રાખનારાઓ પર જ પ્રેમ રાખે છે. 33 જે તમારું સારું કરે છે માત્ર તેઓનું જ સારું જો તમે કરો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ એમ જ કરે છે. 34 જેની પાસેથી તમે પાછું મેળવાની અપેક્ષા રાખો છો, તેઓને જ તમે ઉછીનું આપો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પૂરેપૂરું પાછું મળવાનું હોય તો પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે.

35 પણ તમે તમારા શત્રુઓ પર પ્રેમ રાખો, અને તેઓનું સારું કરો, પાછું મળવાની ઇચ્છા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરાત્પરના દીકરા થશો; કેમ કે અનુપકારીઓ તથા પાપીઓ પર તેઓ માયાળુ છે. 36 માટે જેમ તમારા ઈશ્વરપિતા દયાળુ છે, તેમ તમે દયાળુ થાઓ.

બીજાંઓનો ન્યાય ન કરો

(માથ. 7:1-5)

37 કોઈનો ન્યાય ન કરો, અને તમારો ન્યાય નહિ કરાશે. કોઈને દોષિત ન ઠરાવો અને તમે દોષિત નહિ ઠરાવાશો. માફ કરો અને તમને પણ માફ કરાશે.

38 આપો ને તમને પણ આપવામાં આવશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી અપાશે.

39 ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે, ‘શું દ્રષ્ટિહીન વ્યક્તિ અન્ય દ્રષ્ટિહીનને દોરી શકે? શું બન્ને ખાડામાં પડશે નહિ? 40 શિષ્ય પોતાના ગુરુ કરતાં મોટો નથી, પણ પ્રત્યેક શિષ્ય સંપૂર્ણ રીતે તૈયાર થયા પછી પોતાના ગુરુ જેવો થશે.

41 તું તારા ભાઈની આંખમાંનું ફોતરું ધ્યાનમાં લે છે, અને તારી પોતાની આંખમાંનો ભારોટીયો કેમ જોતો નથી? 42 તારી પોતાની આંખમાંનો ભારોટીયો ન જોતો હોય તો પછી તું તારા ભાઈને કઈ રીતે કહી શકે કે, ભાઈ, તારી આંખમાંથી મને તણખલું ફોતરું દે? ઓ ઢોંગી, તું પહેલાં પોતાની આંખમાંથી ભારોટીયો કાઢ, અને ત્યાર પછી તને તારા ભાઈની આંખમાંથી ફોતરું કાઢવાને સારી રીતે દેખાશે.

જેવું ઝાડ તેવું ફળ

(માથ. 7:16-20; 12:33-35)

43 કોઈ સારા વૃક્ષને ખરાબ ફળ આવતું નથી; વળી કોઈ ખરાબ ઝાડને સારું ફળ આવતું નથી. 44 દરેક ઝાડ પોતાનાં ફળથી ઓળખાય છે; કેમ કે કાંટાનાં ઝાડ પરથી લોકો અંજીર વીણતા નથી, અને ઝાંખરાં પરથી દ્રાક્ષ વીણતા નથી.

45 સારો માણસ પોતાના મનના ભંડારમાંથી સારુ કાઢે છે; ખરાબ માણસ પોતાના મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે; કારણ કે મનમાં જે ભરપૂર ભરેલું હોય તે જ મુખથી બોલાય છે.

ઘર બાંધનારા બે માણસ

(માથ. 7:24-27)

46 તમે મને પ્રભુ, પ્રભુ, કેમ કહો છો, અને જે હું કહું છું તે કરતા નથી? 47 જે કોઈ મારી પાસે આવે છે, અને મારાં વચન સાંભળે છે તથા પાળે છે, તે કોનાં જેવા છે, એ હું તમને કહીશ. 48 તે એક ઘર બાંધનાર માણસના જેવો છે, જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો; અને જયારે પૂર આવ્યું, ત્યારે તે ઘરને નદીનો સપાટો લાગ્યો, પણ તેને હલાવી ન શક્યો, કેમ કે તે મજબૂત બાંધેલું હતું.

49 પણ જે મારાં વચનને સાંભળે છે પણ તે પ્રમાણે કરતો નથી તે આ માણસના જેવો છે કે જેણે પાયો નાખ્યા વિના જમીન પર ઘર બાંધ્યું; અને તે નદીમાં પૂર આવ્યું અને તે ઘરને તરત પડી ગયું; અને તે ઘરનો સંપૂર્ણ નાશ થયો.’”

Chapter 7

રોમન અધિકારીનો નોકર સાજો થયો

(માથ. 8:5-13)

1 લોકોને બધી વાતો કહી રહ્યા પછી ઈસુ કપરનાહૂમમાં ગયા.

2 ત્યાં એક સૂબેદારનો ચાકર જે તેને પ્રિય હતો તે બીમાર પડ્યો હતો અને મરવાની અણી પર હતો. 3 ઈસુ વિશે સૂબેદારે સાંભળતાં તેણે યહૂદીઓના કેટલાક વડીલોને તેમની પાસે મોકલ્યા અને એવી વિનંતી કરી કે, ‘તમે આવીને મારા ચાકરને બચાવો.’” 4 ત્યારે લોકોએ ઈસુની પાસે આવીને તેમને આગ્રહથી વિનંતી કરતાં કહ્યું કે, ‘જેને સારુ તમે આટલું કરો તેને તે યોગ્ય છે; 5 કારણ કે તે આપણા લોકો પર પ્રેમ રાખે છે; અને તેણે પોતાના ખર્ચે આપણે સારુ આપણું સભાસ્થાન બંધાવ્યું છે.’”

6 એટલે ઈસુ તેઓની સાથે ગયા. અને ઈસુ તેના ઘરથી થોડે દૂર હતા એટલામાં સૂબેદારે ઈસુ પાસે મિત્રો મોકલીને કહેવડાવ્યું કે, ‘પ્રભુ, આપ તસ્દી ન લેશો, કેમ કે તમે મારે ઘરે આવો એવો હું યોગ્ય નથી; 7 એ કારણથી હું મારી જાતને પણ તમારી પાસે આવવા લાયક ગણ્યો નહિ; પણ તમે કેવળ શબ્દ બોલો, એટલે મારો ચાકર સાજો થશે. 8 કેમ કે હું પણ કોઈ માણસના હાથ નીચે કામ કરું છું; અને મારે પોતાના અધિકાર નીચે પણ સિપાઈઓ છે; હું એકને કહું છું કે, જા, અને તે જાય છે; અને બીજાને કહું છું કે, આવ, અને તે આવે છે; મારા ચાકરને કહું છું કે આ પ્રમાણે કર, તે કરે છે.’”

9 એ વાત સાંભળીને ઈસુ તેનાથી આશ્ચર્ય પામ્યા, અને ફરીને પોતાની પાછળ આવેલા લોકોને ઈસુએ કહ્યું કે, ‘હું તમને કહું છું કે, આટલો બધો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.’” 10 સૂબેદારે જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘરે આવ્યા, ત્યારે તેઓએ બીમાર ચાકરને સાજો થયેલો જોયો.

વિધવાનો દીકરો સજીવન થયો

11 થોડા દિવસ પછી નાઈન નામના શહેરમાં ઈસુ ગયા, અને તેમના શિષ્યો તથા ઘણાં લોકો પણ તેમની સાથે ગયા. 12 હવે તેઓ શહેરના દરવાજા પાસે આવ્યા ત્યારે જુઓ, તેઓ એક મરેલા માણસને બહાર લઈ જતા હતા; તે તેની માનો એકનો એક દીકરો હતો, અને તે વિધવા હતી; શહેરના ઘણાં લોક તેની સાથે હતા. 13 તેને જોઈને પ્રભુને તેના પર અનુકંપા આવી, અને ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘રડીશ નહિ.’” 14 ઈસુએ મૃત્યુ પામેલી વ્યક્તિની પાસે જઈને તેના ઠાઠડી અડક્યા એટલે તે મૃતદેહ ઊંચકનારા ઊભા રહ્યા. અને ઈસુએ કહ્યું કે, ‘જુવાન, હું તને કહું છું કે, ઊઠ સજીવન થા.’” 15 જે મૃત્યુ પામેલો હતો તે ઊભો થયો, અને બોલવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.

16 આ જોઈને સર્વને ઘણું ભય લાગ્યું; અને તેઓએ ઈશ્વરનો મહિમા કરીને કહ્યું કે, ‘એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે, અને ઈશ્વરે પોતાના લોકોની મુલાકાત લીધી છે.’” 17 તેમના સંબંધીની વાતો આખા યહૂદિયામાં તથા આસપાસના સઘળા પ્રદેશમાં ફેલાઈ ગઈ.

યોહાન બાપ્તિસ્ત તરફથી સંદેશકો

(માથ. 11:2-19)

18 યોહાનના શિષ્યોએ એ સર્વ વાતો વિષે તેને કહી જણાવ્યું. 19 યોહાને પોતાના શિષ્યોમાંના બેને પોતાની પાસે બોલાવીને તેઓને પ્રભુની પાસે મોકલીને પુછાવ્યું કે, ‘જે આવનાર છે તે શું તમે છો, કે અમે બીજાની રાહ જોઈએ?’” 20 તે માણસોએ તેમની પાસે આવીને કહ્યું કે, બાપ્તિસ્મા કરનાર યોહાને તમારી પાસે અમને એવું પૂછવા મોકલ્યા છે કે, ‘જે આવનાર છે તે શું તમે છો, કે અમે બીજાની રાહ જોઈએ?’”

21 તે જ વખતે ઈસુએ વિભિન્ન પ્રકારના રોગથી, પીડાથી તથા દુષ્ટાત્માઓથી રિબાતા ઘણાંઓને સાજાં કર્યા, અને ઘણાં અંધજનોને દેખતા કર્યા. 22 ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જે જે તમે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહી સંભળાવો; એટલે કે અંધજનો દેખતા થાય છે, પગથી અપંગ માણસો ચાલતા થાય છે, રક્તપિત્તીઓને શુદ્ધ કરાય છે, અને બધિર સાંભળતાં થાય છે, મૂએલાંને સજીવન કરવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે, 23 અને જે કોઈ મારાથી દૂર ન થાય તે આશીર્વાદિત છે.’”

24 યોહાનના સંદેશવાહકો ગયા એટલે ઈસુએ લોકોને યોહાન વિશે કહ્યું કે, ‘અરણ્યમાં તમે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને? 25 પણ તમે શું જોવા ગયા હતા? શું મુલાયમ વસ્ત્ર પહેરેલા માણસને? જુઓ, જે ભપકાદાર વસ્ત્ર પહેરે છે તથા એશઆરામમાં રહે છે, તેઓ રાજમહેલોમાં હોય છે! 26 પણ તમે શું જોવા ગયા હતા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, અને પ્રબોધકના કરતાં પણ જે વધારે છે, તેને.

27 જેનાં વિશે લખ્યું છે કે, જુઓ, હું મારા સંદેશવાહકને તારા આગળ મોકલું છું, કે જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે, તે એ જ છે. 28 હું તમને કહું છું કે, સ્ત્રીઓથી જેઓ જનમ્યાં છે, તેઓમાં યોહાન કરતાં મોટો કોઈ નથી, તોપણ ઈશ્વરના રાજ્યમાં જે સૌથી નાનો છે, તે પણ તેના કરતાં મોટો છે.’”

29 એ સાંભળીને બધા લોકોએ તથા દાણીઓએ યોહાનના બાપ્તિસ્માના કારણે, ‘ઈશ્વર ન્યાયી છે’ એમ કબૂલ કર્યું. 30 પણ ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેનાથી બાપ્તિસ્મા પામ્યા નહોતા, માટે તેઓના સંબંધી ઈશ્વરની જે યોજના હતી તે તેઓએ નકાર કર્યા.

31 ‘આ પેઢીના માણસોને હું શાની ઉપમા આપું? તેઓ કોનાં જેવા છે? 32 તેઓ તો છોકરાંનાં જેવા છે કે, જેઓ ચોકમાં બેસીને એકબીજાને કહે છે કે, અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; અમે વિલાપ કર્યો, પણ તમે રડ્યાં નહિ.

33 કેમ કે યોહાન બાપ્તિસ્મા કરનાર રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો આવ્યો નથી; અને તમે કહો છો કે તેને દુષ્ટાત્મા વળગ્યો છે. 34 માણસનો દીકરો ખાતો પીતો આવ્યો છે, ત્યારે તમે કહો છો કે, જુઓ, ખાઉધરો અને દારૂબાજ માણસ, દાણીઓની તથા પાપીઓનો મિત્ર! 35 પણ જ્ઞાન તેનાં બાળકોથી યથાર્થ મનાય છે.’”

સિમોન ફરોશીના ઘરે ઈસુ

36 કોઈ એક ફરોશીએ ઈસુને પોતાની સાથે જમવા સારુ વિનંતી કરી. ઈસુ ફરોશીના ઘરમાં જઈને જમવા બેઠા. 37 જુઓ, એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી; તેણે જયારે જાણ્યું કે ફરોશીના ઘરમાં ઈસુ જમવા બેઠા છે, ત્યારે અત્તરની સંગેમરમરની ડબ્બી લાવીને, 38 તેમના પગ પાસે રડતી રડતી પાછળ ઊભી રહી, તથા પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા તથા પોતાના માથાના વાળથી લૂછવા લાગી, તેણે તેમના પગને ચૂમ્યાં, તેમને અત્તર લગાવ્યું.

39 હવે તે જોઈને જે ફરોશીએ ઈસુને જમવા બોલાવ્યા હતા તે મનમાં એમ કહેવા લાગ્યો કે, ‘જો આ માણસ પ્રબોધક હોત, તો આ જે સ્ત્રી તેમને અડકે છે, તે સ્ત્રી કોણ છે અને કેવી છે તે તેઓ જાણત, એટલે કે તે તો પાપી છે.’” 40 આથી ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘સિમોન, મારે તને કંઈ કહેવું છે.’ ત્યારે તેણે ઈસુને કહ્યું કે, ‘કહો ને, પ્રભુ.’”

41 ઈસુએ કહ્યું ‘એક લેણદારને બે દેવાદાર માણસો હતા; એકને પાંચસો દીનારનું દેવું, અને બીજાને પચાસનું હતું. 42 જયારે તેઓની પાસે ચૂકવવાનું કંઈ નહોતું, ત્યારે તેણે બન્નેનું દેવું માફ કર્યુ. તો તેઓમાંનો કોણ તેના પર વધારે પ્રેમ રાખશે?’” 43 સિમોને ઉત્તર આપતાં કહ્યું કે, ‘મને લાગે છે કે જેને તેણે સૌથી વધારે દેવું માફ કર્યુ તે.’ અને તેણે કહ્યું, ‘તેં સાચો જવાબ આપ્યો.’”

44 પછી ઈસુએ પેલી સ્ત્રીની તરફ જોઈને સિમોનને કહ્યું કે, ‘આ સ્ત્રીને તું જુએ છે? હું તારે ઘરે આવ્યો ત્યારે મારા પગને ધોવા સારુ તેં મને પાણી આપ્યું નહિ; પણ આ સ્ત્રીએ મારા પગ આંસુએ પલાળીને તેમને પોતાના માથાના વાળથી લૂછ્યા છે. 45 તેં મને ચુંબન કર્યુ નહિ; પણ હું અંદર આવ્યો ત્યારથી તે સ્ત્રી જરા પણ રોકાયા વગર મારા પગને ચુંબન કર્યા કરે છે.

46 તેં મારે માથે તેલ લગાવ્યું નહિ; પણ તેણે મારા પગે અત્તર લગાવ્યું છે. 47 એ માટે હું તને કહું છું કે, એનાં પાપ જે ઘણાં છે તે તેને માફ થયાં છે; કેમ કે તેણે ઘણો પ્રેમ રાખ્યો; જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે.’”

48 ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.’” 49 ઈસુની સાથે જેઓ જમવા બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે, ‘આ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?’” 50 ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા.’”

Chapter 8

ઈસુને સેવા આપતી સ્ત્રીઓ

1 થોડા સમય પછી ઈસુ શહેરેશહેર તથા ગામેગામ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કર્યા અને બાર શિષ્યો પણ તેમની સાથે હતા, 2 કેટલીક સ્ત્રીઓને દુષ્ટાત્માઓથી તથા રોગોથી સાજી કરવામાં આવી હતી, તેઓમાં જેનાંમાંથી સાત દુષ્ટાત્માઓને કાઢવામાં આવ્યા હતા તે મગ્દલાની મરિયમ, 3 હેરોદના કારભારી ખોઝાની પત્ની યોહાન્ના, સુસાન્ના તથા બીજી ઘણી સ્ત્રીઓ, જેઓ પોતાના નાણાં વાપરીને ઈસુની સેવા કરતી હતી તેઓ પણ તેમની સાથે હતી.

વાવનારનું દ્રષ્ટાંત

(માથ. 13:1-9; માર્ક 4:1-9)

4 જયારે ઘણાં લોકો એકઠા થયા, અને શહેરે શહેરના લોક તેમની પાસે આવ્યા, ત્યારે તેમણે દ્રષ્ટાંત કહ્યું કે, 5 ‘એક માણસ બીજ વાવવાને ગયો, વાવતાં વાવતાં કેટલાક બીજ માર્ગની કોરે પડ્યાં. તે પગ નીચે કચરાઈ ગયા અને આકાશના પક્ષીઓ તે બીજ ખાઈ ગયા. 6 બીજાં બીજ પથ્થરવાળી જમીન પર પડયાં અને ઊગ્યાં તેવા જ તે ચીમળાઈ ગયા, કારણ, ત્યાં ભેજ નહોતો.

7 કેટલાક બીજ કાંટાનાં જાળાંમાં પડ્યાં; અને કાંટાનાં જાળાંએ વધીને તેઓને દાબી નાખ્યાં. 8 વળી બીજાં બીજ સારી જમીનમાં પડ્યાં, તે ઊગ્યાં અને તેને સોગણો પાક થયો,’ એ વાતો કહેતાં ઈસુએ ઊંચા અવાજે કહ્યું કે, જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”

દ્રષ્ટાંતનો હેતુ

(માથ. 13:10-17; માર્ક 4:10-12)

9 તેમના શિષ્યોએ ઈસુને પૂછ્યું કે, ‘એ દ્રષ્ટાંતનો અર્થ શો છે?’” 10 ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે, પણ બીજાઓને દ્રષ્ટાંતોમાં, કે જેથી જોતાં તેઓ જુએ નહિ, ને સાંભળતાં તેઓ સમજે નહિ.

ઈસુ દૃષ્ટાંતનો અર્થ સમજાવે છે

(માથ. 13:18-23; માર્ક 4:13-20)

11 હવે દ્રષ્ટાંતનો અર્થ આ છે; બીજ તો ઈશ્વરનું વચન છે. 12 અને માર્ગની કોર પરનાં તો સાંભળનારાં માણસો છે; પછી શેતાન આવીને તેઓનાં મનમાંથી સંદેશ લઈ જાય છે, એ માટે કે તેઓ વિશ્વાસ ન કરે અને ઉદ્ધાર ન પામે. 13 પથ્થર પર પડેલાં બીજ તો એ છે કે, જેઓ સાંભળીને સંદેશને આનંદથી માની લે છે; અને તેઓને મૂળ કે આધાર ન હોવાથી, તેઓ થોડીવાર સુધી વિશ્વાસ કરે છે, પણ પરીક્ષણના સમયે પાછા હઠી જાય છે.

14 કાંટાઓમાં પડેલાં બી એ છે કે, જેઓએ સંદેશ સાંભળ્યો છે, પણ પોતાને માર્ગે ચાલતાં ભૌતિક જગતની ચિંતાઓ તથા દ્રવ્ય તથા વિલાસથી તે દબાઈ જાય છે, અને તેઓને પાકું ફળ આવતું નથી. 15 અને સારી જમીનમાં પડેલાં એ છે કે, જેઓ સંદેશો સાંભળીને પ્રમાણિક તથા સારાં હૃદયથી વાત ગ્રહણ કરે છે, અને ધીરજથી ફળ આપે છે.

દીવો સળગાવીને ક્યાં મૂકવાનો?

(માર્ક 4:21-25)

16 વળી કોઈ માણસ દીવો સળગાવીને તેને વાસણ નીચે ઢાંકતો નથી, અથવા ખાટલા નીચે મૂકતો નથી; પણ તેને દીવી પર મૂકે છે કે અંદર આવનારાઓને અજવાળું મળે. 17 કારણ કે, એવી કોઈ છૂપી વસ્તુ નથી કે તે ખુલ્લી નહિ થાય અને જણાશે નહિ, તથા ઉધાડું થશે નહિ, એવું કંઈ ગુપ્ત નથી. 18 માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહો; કેમ કે જેની પાસે છે તેને અપાશે; અને જેની પાસે નથી તેની પાસેથી તેનું જે છે તે પણ લઈ લેવાશે.’”

ઈસુનાં મા અને ભાઈઓ

(માથ. 12:46-50; માર્ક 3:31-35)

19 ઈસુનાં મા તથા ભાઈઓ તેમની પાસે આવ્યાં, પણ લોકોની ભીડને લીધે તેઓ તેમની પાસે જઈ શક્યા નહિ. 20 અને ઈસુને કોઈએ ખબર આપી કે, ‘તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા રહ્યાં છે, અને તમને મળવા માગે છે.’” 21 પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘આ જેઓ ઈશ્વરનાં વચનને સાંભળે છે તથા પાળે છે તેઓ મારાં મા તથા ભાઈઓ છે.’”

ઈસુ તોફાન શાંત પાડે છે

(માથ. 8:23-27; માર્ક 4:35-41)

22 એક દિવસે એમ થયું કે, ઈસુ પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેઠા; ત્યારે ઈસુએ શિષ્યોને કહ્યું કે, ‘આપણે સરોવરને સામે પાર જઈએ;’ અને તેઓ નીકળ્યા. 23 અને તેઓ હંકારતા હતા એટલામાં ઈસુ ઊંધી ગયા; અને સરોવર પર પવનનું ભારે તોફાન આવ્યું; પાણીથી હોડી ભરાઈ જવા લાગી, ને તેઓ જોખમમાં આવી પડ્યા.

24 એટલે શિષ્યોએ ઈસુ પાસે આવ્યા, અને તેમને જગાડીને કહ્યું કે, ‘ગુરુજી ગુરુજી, અમે નાશ પામીએ છીએ!’ ત્યારે તેમણે ઊભા થઈને પવનને તથા પાણીનાં મોજાંને ધમકાવ્યાં, એટલે તોફાન બંધ થયું અને શાંતિ થઈ. 25 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારો વિશ્વાસ ક્યાં છે?’ તેઓ ભયથી આશ્ચર્ય પામ્યા અને એકબીજાને કહેવા લાગ્યા કે, ‘આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે અને તે તેમનું માને છે?’”

ઈસુ દુષ્ટાત્મા વળગેલાને સાજો કરે છે

(માથ. 8:28-34; માર્ક 5:1-20)

26 ગાલીલને પેલે પાર આવેલા ગેરાસાનીઓના દેશમાં તેઓ પહોંચ્યા. 27 પછી ઈસુ કિનારે ઊતર્યા, ત્યારે શહેરમાંથી એક માણસ તેમની સામે આવ્યો. તેને દુષ્ટાત્માઓ વળગેલો હતો; ઘણાં સમયથી તે પોતાનાં વસ્ત્રો પહેરતો ન હતો. અને ઘરમાં નહિ, પણ કબરોમાં રહેતો હતો.

28 તેણે ઈસુને જોયા ત્યારે તે બૂમ પાડીને તેમની આગળ પડ્યો અને મોટે ઘાંટે કહ્યું કે, ‘ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને વિનંતી કરું છું કે મને પીડા ન દો.’” 29 કારણ કે ઈસુએ અશુદ્ધ આત્માને તે માણસમાંથી બહાર નીકળવાની આજ્ઞા કરી હતી. એ દુષ્ટાત્મા તે માણસને વારંવાર વળગ્યા કરતો હતો; અને તેઓ તેને સાંકળોથી તથા બેડીઓથી બાંધતા, પણ તે બંધનો તોડી નાખતો અને દુષ્ટાત્મા તેને જંગલમાં લઈ જતો હતો.

30 ઈસુએ તેને પૂછ્યું કે, ‘તારું નામ શું છે?’ તેણે કહ્યું કે, ‘સેના,’ કેમ કે તેનામાં ઘણાં દુષ્ટાત્માઓ હતાં. 31 દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરી કે, ‘અમને નીકળીને અનંતઊંડાણમાં જવાનો હુકમ ન કરો.’”

32 હવે ત્યાં ઘણાં ભૂંડોનું ટોળું પર્વતની બાજુ પર ચરતું હતું; અને તેઓએ તેમને વિનંતી કરી કે, અમને ‘તેઓમાં પેસવાની રજા આપો.’ ઈસુએ તેઓને રજા આપી. 33 દુષ્ટાત્માઓ તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં ગયાં; અને ટોળું ટેકરા ઉપરથી સમુદ્રમાં પડી ગયું અને ડૂબી મર્યું.

34 જે થયું તે જોઈને ભૂંડ ચરાવનારા ભાગ્યા, અને શહેરમાં તથા ગામડાંઓમાં જઈને તે વિષે ખબર આપી. 35 જે થયું તે જોવા સારુ લોકો નીકળ્યા, અને ઈસુની પાસે આવ્યા; ત્યારે જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યાં હતાં તેને તેઓએ વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો; અને તેઓ ભયભીત થયા.

36 દુષ્ટાત્મા વળગેલો માણસ શી રીતે સાજો થયો, તે જેઓએ જોયું હતું તેઓએ તેમને કહી જણાવ્યું. 37 ગેરાસાનીઓની આસપાસના દેશમાં સર્વ લોકોએ ઈસુને વિનંતી કરી કે, ‘અમારી પાસેથી ચાલ્યા જાઓ.’ તેઓ ખૂબ ડરી ગયા હતા. પછી હોડીમાં બેસીને તે પાછા ગયા.

38 પણ જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યા હતા તેણે તેમની સાથે રહેવા સારુ વિનંતી કરી; પણ ઈસુએ તેને વિદાય કરતાં કહ્યું કે, 39 ‘તારે ઘરે પાછો જા, અને ઈશ્વરે તારે માટે કેવાં મોટાં કામ કર્યાં છે તે કહી જણાવ.’ અને તેણે જઈને ઈસુએ કેવાં મોટાં કામ તેને સારુ કર્યા હતાં, તે આખા શહેરમાં કહી જણાવ્યું.

યાઈરસની દીકરી તેમ જ લોહીવા વાળી સ્ત્રી

(માથ. 9:18-26; માર્ક 5:21-43)

40 ઈસુ પાછા આવ્યા, ત્યારે લોકોએ તેમનો આવકાર કર્યો; કેમ કે બધા ઈસુની રાહ જોતાં હતા. 41 જુઓ, યાઈરસ નામે એક માણસ આવ્યો, અને તે સભાસ્થાનનો અધિકારી હતો; અને તેણે ઈસુને પગે પડીને તેને વિનંતી કરી કે, ‘મારે ઘરે પધારો.’” 42 કેમ કે તેને આશરે બાર વર્ષની એકની એક દીકરી હતી અને તે મરવાની અણી પર હતી. ઈસુ જતા હતા તે દરમિયાન ઘણાં લોકોએ તેમના પર પડાપડી કરી.

43 એક સ્ત્રીને બાર વર્ષથી લોહીવાનો રોગ થયો હતો, અને તેણે પોતાનાં બધાં નાણાં વૈદો પાછળ ખરચી નાખ્યાં હતાં પણ કોઈ તેનો રોગ મટાડી શક્યા ન હતા. 44 તે ઈસુની પાછળ આવીને તેમના ઝભ્ભાની કોરને સ્પર્શી, અને તરત તેનો લોહીવા બંધ થયો.

45 ઈસુએ કહ્યું કે, ‘મને કોણે સ્પર્શ કર્યો? અને બધાએ ના પાડી, ત્યારે પિતર તથા જે તેની સાથે હતા તેઓએ કહ્યું કે, ‘ગુરુ, ઘણાં લોકો તમારા ઉપર પડાપડી કરે છે, અને તમને દબાવી દે છે.’” 46 પણ ઈસુએ કહ્યું કે, ‘કોઈ મને અડક્યું ખરું; કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી.’”

47 જયારે તે સ્ત્રીએ જાણ્યું કે હું છૂપી રહી શકી નહિ, ત્યારે તે ધ્રૂજતી ધ્રૂજતી આવી, અને તેમને પગે પડીને શા કારણથી તેણે તેમને સ્પર્શ કર્યો હતો અને શી રીતે તરત સાજી થઈ હતી, તે તેણે બધા લોકોની આગળ ઈસુને કહી સંભળાવ્યું. 48 ઈસુએ તેને કહ્યું કે, ‘દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા.’”

49 ઈસુ હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી એક માણસે આવીને તેને કહ્યું કે, ‘તારી દીકરી મરી ગઈ છે, ગુરુને તસ્દી ન આપીશ.’” 50 પણ તે સાંભળીને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ કર, અને તારી દીકરી સાજી થશે.’”

51 ઈસુ ઘરમાં પહોંચ્યા, ત્યારે પિતર, યાકૂબ, યોહાન, અને છોકરીનાં માબાપ સિવાય ઈસુએ કોઈને પોતાની સાથે આવવા દીધાં નહિ. 52 ત્યાં બધાં લોકો છોકરી પાછળ રડતાં તથા વિલાપ કરતાં હતાં; પણ ઈસુએ કહ્યું કે, રડશો નહિ; તે મરી ગઈ નથી, પણ ઊંઘે છે. 53 તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ ઈસુને હસી કાઢ્યાં.

54 પણ ઈસુએ તેનો હાથ પકડીને મોટે અવાજે કહ્યું કે, ‘દીકરી, ઊઠ.’” 55 અને તેનો આત્મા પાછો આવ્યો, અને તે તરત ઊભી થઈ. અને ઈસુએ તે છોકરીને ખાવાનું આપવાનો હુકમ કર્યો. 56 તેનાં માબાપ આશ્ચર્યચકિત થયાં; પણ તેણે તેઓને તાકીદ કરી કે, ‘જે થયું તે વિષે કોઈને કશું કહેશો નહિ.’”

Chapter 9

ઈસુ બાર પ્રેરિતોને મોકલે છે

(માથ. 10:5-15; માર્ક 6:7-13)

1 ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને તેઓને સઘળા દુષ્ટાત્માઓને તાબે કરવાની, તથા રોગો મટાડવાની શક્તિ અને અધિકાર આપ્યાં; 2 ઈશ્વરના રાજ્યની ઘોષણા તથા માંદાઓને સાજાં કરવા ઈસુએ તેઓને મોકલ્યા.

3 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી મુસાફરીને સારુ કંઈ લેતા નહિ; લાકડી, થેલી, રોટલી કે નાણાં, વળી બે જોડી વસ્ત્ર પણ લેશો નહિ. 4 જે ઘરમાં તમે જાઓ, ત્યાં જ રહો, અને ત્યાંથી જ બીજે સ્થળે જવા રવાના થજો.

5 તે શહેરમાંથી તમે નીકળો ત્યારે જેટલાંએ તમારો સત્કાર કર્યો ન હોય તેમની વિરુદ્ધ સાક્ષી તરીકે તમારા પગની ધૂળ ખંખેરી નાખજો.’” 6 અને શિષ્યો ત્યાંથી નીકળ્યા, અને ગામેગામ સુવાર્તાનો પ્રચાર કરતા અને બીમાર લોકોને સાજાં કરતા બધે ફરવા લાગ્યા.

હેરોદની મૂંઝવણ

(માથ. 14:1-12; માર્ક 6:14-29)

7 જે થયું તે સઘળું સાંભળીને હેરોદ રાજા બહુ મૂંઝવણમાં પડ્યો, કેમ કે કેટલાક એમ કહેતાં હતા કે, મૃત્યુ પામેલો યોહાન ફરી પાછો આવ્યો છે.’” 8 કેટલાક કહેતાં હતા કે, ‘એલિયા પ્રગટ થયો છે’; અને બીજાઓ કહેતાં હતા કે, ‘પ્રાચીન પ્રબોધકોમાંનો એક પાછો ઊઠ્યો છે.’” 9 હેરોદે કહ્યું કે, ‘યોહાનનું માથું મેં કાપી નંખાવ્યું; પણ આ કોણ છે કે જેને વિશે હું આવી બધી વાતો સાંભળું છું?’ અને હેરોદ ઈસુને જોવા માટે તેમની પીછા કરી.

પાંચ હજારને જમાડે છે

(માથ. 14:13-21; માર્ક 6:30-44; યોહ. 6:1-14)

10 પ્રેરિતોએ પાછા આવીને જે જે કર્યું હતું તે ઈસુને કહી સંભળાવ્યું. અને ઈસુ તેઓને સાથે લઈને બેથસાઈદા નામના શહેરમાં એકાંતમાં ગયા. 11 લોકોને ખબર પડતાં જ તેઓનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા; અને ઈસુએ તેઓને આવકાર કરીને તેઓને ઈશ્વરના રાજ્ય વિશે સંદેશ કહ્યો, અને જેઓને સાજાં થવાની ગરજ હતી તેઓને સાજાં કર્યા.

12 દિવસ પૂરો થવા આવ્યો, ત્યારે બાર શિષ્યોએ આવીને ઈસુને કહ્યું કે, ‘લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં ગામોમાં તથા પરાંમાં જઈને ઊતરે, અને ખાવાનું મેળવે; કેમ કે આપણે અહીં ઉજ્જડ જગ્યાએ છીએ.’” 13 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે તેઓને ખાવાનું આપો.’ શિષ્યોએ કહ્યું કે, ‘અમારી પાસે તો જવની પાંચ રોટલી અને બે માછલી સિવાય બીજું કશું નથી. અમે જાતે જઈને આ લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ તો જ તેમને આપી શકાય.’” 14 કેમ કે તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, આશરે પચાસ પચાસની પંગતમાં તેઓને બેસાડો.

15 શિષ્યોએ તે પ્રમાણે કર્યું, અને લોકોને બેસાડ્યા. 16 પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને તેઓને માટે ઈશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડાં કરીને લોકોને પીરસવા માટે શિષ્યોને આપી. 17 તેઓ સર્વ જમ્યાં અને તૃપ્ત થયા; ભાણામાં વધી પડેલા ટુકડાંઓથી તેઓએ બાર ટોપલીઓ ભરી.

ઈસુ વિષે પિતરનો એકરાર

(માથ. 16:13-19; માર્ક 8:27-29)

18 એમ થયું કે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતા હતા, ત્યારે શિષ્યો તેમની સાથે હતા; ઈસુએ શિષ્યોને પૂછ્યું કે, ‘હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?’” 19 શિષ્યોએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘યોહાન બાપ્તિસ્મા કરનાર, પણ કેટલાક કહે છે કે, એલિયા; અને બીજા કહે છે કે, ભૂતકાળના પ્રબોધકોમાંના એક પાછો સજીવન થયેલ પ્રબોધક.’”

ઈસુના મૃત્યુ અને દુઃખની પ્રથમ આગાહી

(માથ. 16:20-28; માર્ક 8:30-9:1)

20 ઈસુએ તેઓને કહ્યું કે, ‘પણ હું કોણ છું તે વિષે તમે શું કહો છો?’ પિતરે ઉત્તર આપતા કહ્યું કે, ‘ઈશ્વરના ખ્રિસ્ત.’” 21 પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા આપી કે, ‘એ વાત કોઈને કહેશો નહિ.’” 22 વળી, ઈસુએ તેઓને કહ્યું કે, ‘માણસના દીકરાને ઘણું દુ:ખ સહેવું, વડીલોથી તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, મરવું, અને ત્રીજે દિવસે પાછા સજીવન થવું આવશ્યક છે.’”

23 ઈસુએ બધાને કહ્યું કે, ‘જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને રોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 24 કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે. 25 જો કોઈ માણસ આખું ભૌતિક જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા તેને હાનિ પહોંચવા દે તો તેને શો લાભ?

26 કેમ કે જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો જયારે પોતે પોતાના તથા બાપના તથા પવિત્ર સ્વર્ગદૂતોનાં મહિમામાં આવશે ત્યારે શરમાશે. 27 હું તમને નિશ્ચે કહું છું કે, અહીં જે ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જેઓ ઈશ્વરનું રાજ્ય જોશે ત્યાં સુધી મૃત્યુ પામશે નહિ.

ઈસુનું રૂપાંતર

(માથ. 17:1-8; માર્ક 9:2-8)

28 એ વચનો કહ્યાંને આશરે આઠ દિવસ પછી એમ થયું કે ઈસુ પિતર, યોહાન તથા યાકૂબને લઈને પ્રાર્થના કરવા માટે પહાડ ઉપર ગયા. 29 ઈસુ પોતે પ્રાર્થના કરતા હતા તે સમયે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમના વસ્ત્ર ઊજળાં તથા ચળકતાં થયાં.

30 અને, જુઓ, બે પુરુષ, એટલે મૂસા તથા એલિયા, તેમની સાથે વાત કરતા હતા. 31 તેઓ બન્ને મહિમાવાન દેખાતા હતા, અને ઈસુનું મૃત્યુ જે યરુશાલેમમાં થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા.

32 હવે પિતર તથા જેઓ ઈસુની સાથે હતા તેઓ ઊંઘે ઘેરાયલા હતા; પણ જયારે તેઓ જાગ્રત થયા, ત્યારે તેઓએ ઈસુનું મહિમા જોયું અને પેલા બે પુરુષોને પણ જોયા. 33 તેઓ ઈસુની પાસેથી વિદાય થતાં હતાં, ત્યારે પિતરે ઈસુને કહ્યું કે, ગુરુ, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે; પણ તે પોતે શું કહી રહ્યો છે તે સમજતો નહોતો.

34 તે એમ કહેતો હતો, એટલામાં એક વાદળું આવ્યું, અને તેઓ પર તેની છાયા પડી; અને તેઓ વાદળમાં પ્રવેશ્યા ત્યારે શિષ્યો ભયભીત થઈ ગયા. 35 વાદળામાંથી એવી વાણી થઈ કે, ‘આ મારો પસંદ કરેલો દીકરો છે; તેનું સાંભળો.’” 36 તે વાણી થઈ રહી, ત્યારે ઈસુ એકલા દેખાયા. અને તેઓ મૌન રહ્યા, અને જે જોયું હતું તેમાંનું કંઈ તેઓએ તે દિવસોમાં કોઈને કહ્યું નહિ.

દુષ્ટાત્મા વળગેલા છોકરાંને ઈસુ સાજો કરે છે

(માથ. 17:14-18; માર્ક 9:14-27)

37 બીજે દિવસે તેઓ પહાડ પરથી ઊતર્યા, ત્યારે ઘણાં લોકો ઈસુને મળ્યા. 38 અને, જુઓ, લોકો વચ્ચેથી એક માણસે બૂમો પાડીને કહ્યું કે, ‘ઉપદેશક, હું તમને વિનંતી કરું છું કે, મારા દીકરા પર દૃષ્ટિ કરો. કેમ કે તે મારો એકનો એક પુત્ર છે; 39 એક દુષ્ટાત્મા તેને વળગે છે, અને એકાએક તે બૂમ પાડે છે; અને તે તેને એવો મરડે છે કે તેને ફીણ આવે છે, અને તેને ઘણી ઈજા કરીને માંડમાંડ તેને જતો કરે છે. 40 તેને કાઢવાની મેં તમારા શિષ્યોને વિનંતી કરી, પણ તેઓ તેને કાઢી શક્યા નહિ.’”

41 ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, ‘ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ, અને તમારું સહન કરીશ? તારા દીકરાને અહીં લાવ.’” 42 તે આવતો હતો એટલામાં દુષ્ટાત્માએ તેને પછાડી નાખ્યો, અને તેને બહુ મરડ્યો પણ ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો, છોકરાંને સાજો કર્યો, અને તેને તેના બાપને પાછો સોંપ્યો.

43 ઈશ્વરના મહા પરાક્રમથી તેઓ બધા ચકિત થઈ ગયા. પણ ઈસુએ જે જે કર્યું તે સઘળું જોઈને બધા આશ્ચર્યમાં ડૂબેલા હતા.

પોતાના મૃત્યુની બીજી આગાહી

(માથ. 17:22-23; માર્ક 9:30-32)

44 ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, ‘આ વચનો તમારા મનમાં ઊતરવા દો; કેમ કે માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે.’” 45 પણ એ વચન તેઓ સમજ્યા નહિ, અને તેઓથી તે ગુપ્ત રખાયું, એ માટે કે તેઓ તે સમજે નહિ અને આ વચન સંબંધી ઈસુને પૂછતાં તેમને બીક લાગતી હતી.

સૌથી મોટું કોણ?

(માથ. 18:1-5; માર્ક 9:33-37)

46 શિષ્યોમાં ચર્ચા શરૂ થઈ કે, ‘આપણામાં સૌથી મોટો કોણ છે?’” 47 પણ ઈસુએ તેઓના મનના વિચાર જાણીને એક બાળકને લઈને તેને પોતાની પાસે ઊભું રાખ્યું, 48 ઈસુએ તેઓને કહ્યું કે, ‘જે કોઈ મારે નામે આ બાળકનો સ્વીકાર કરે છે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે મને મોકલનારનો સ્વીકાર કરે છે; કેમ કે તમારામાંનો જે વ્યક્તિ નાનામાં નાનું છે એ સૌથી મહાન છે.’”

તમારી વિરુદ્ધ નથી તે તમારી સાથે છે

(માર્ક 9:38-40)

49 યોહાને કહ્યું કે, ગુરુ, અમે એક માણસને તમારે નામે દુષ્ટાત્માઓ કાઢતાં જોયો; પણ તે અમારી સાથે આપનો અનુયાયી નહોતો એટલે અમે તેને મના કરી.’” 50 પણ ઈસુએ કહ્યું કે, ‘તેને મના ન કરો, કેમ કે જે તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષનો છે.’”

એક સમરૂની ગામ ઈસુને આવકારતું નથી

51 એમ થયું કે ઈસુને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા, ત્યારે તેમણે યરુશાલેમ જવાનો મક્કમ નિર્ણય કર્યો. 52 ઈસુએ પોતાની આગળ સંદેશવાહકો મોકલી આપ્યા, તેઓ તેમને માટે વ્યવસ્થા કરવા માટે સમરૂનીઓના એક ગામમાં ગયા. 53 પણ ઈસુ યરુશાલેમ જતા હતા એટલે ગામના લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહિ.

54 તેમના શિષ્યો યાકૂબ તથા યોહાને એ જોઈને કહ્યું કે, ‘પ્રભુ, શું, તમારી એવી ઇચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે સ્વર્ગથી આગ પડીને તેઓનો નાશ કરે?’” 55 ઈસુએ પાછા ફરીને તેઓને ધમકાવ્યાં. 56 અને તેઓ બીજે ગામ ગયા.

ઈસુને અનુસરવાની ઇચ્છા

(માથ. 8:19-22)

57 તેઓ માર્ગે ચાલતા હતા, તેવામાં કોઈ એકે ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.’” 58 ઈસુએ તેને કહ્યું કે, ‘શિયાળોને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.’”

59 ઈસુએ બીજાને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’ પણ તેણે કહ્યું કે, ‘પ્રભુ મને રજા આપ કે હું જઈને પહેલાં મારા પિતાને દફનાવીને આવું.’” 60 પણ તેમણે કહ્યું કે, ‘મરણ પામેલાંઓને પોતાનાં મરણ પામેલાંઓને દફનાવવા દો. પણ તું જઈને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કર.’”

61 અને બીજાએ પણ કહ્યું કે, ‘હે પ્રભુ, હું તમારી પાછળ આવીશ; પણ પહેલાં જે મારે ઘરે છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપો.’” 62 પણ ઈસુએ તેને કહ્યું કે, ‘કોઈ માણસ હળ ઉપર હાથ મૂક્યા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી.’”

Chapter 10

ઈસુ સિત્તેરને મોકલે છે

1 આ બનાવો બન્યા પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને નીમીને જે જે શહેર તથા જગ્યામાં તે પોતે જવાના હતા, તેમાં તેઓમાંના બબ્બેને પોતાની આગળ મોકલ્યા. 2 ઈસુએ તેઓને કહ્યું કે, ‘ફસલ પુષ્કળ છે, પણ મજૂરો થોડા છે; માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.’”

3 જાઓ; અને ધ્યાન રાખજો કે, હું તમને વરુઓની વચ્ચે ઘેટાંના બચ્ચાં જેવા મોકલું છું. 4 પૈસાની થેલી, ઝોળી કે ચંપલ લેતા નહી; અને માર્ગે કોઈને સલામ કરશો નહિ.

5 જે કોઈ ઘરમાં તમે જાઓ ત્યાં પ્રથમ એમ કહો કે, ‘આ ઘરને શાંતિ થાઓ.’” 6 અને જો કોઈ શાંતિપુત્ર ત્યાં હશે તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો નહિ હોય, તો તે તમારી પાસે પાછી આવશે. 7 તે જ ઘરમાં રહો, અને જે તેઓની પાસે જે હોય તે ખાતાંપીતાં રહેજો; કેમ કે મજૂર પોતાના પગારને યોગ્ય છે; ઘરેઘરે ફરતા નહિ.

8 જે કોઈ ઘરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર કરે, તો જે કંઈ તેઓ તમારી આગળ મૂકે તે ખાઓ; 9 અને તેમાંના બીમારને સાજાં કરો, અને તેઓને કહો કે, ‘ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે.’”

10 પણ જે કોઈ શહેરમાં તમે જાઓ, ત્યાંના લોકો તમારો આવકાર કરે નહિ, તો ત્યાંથી નીકળી જઈને કહો કે, 11 તમારા શહેરની ધૂળ જે અમારા પગમાં લાગેલી છે તે પણ તમારી વિરુદ્ધ અમે લૂછી નાખીએ છીએ; તોપણ એટલું જાણો કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. 12 હું તમને કહું છું કે, તે દહાડે તે શહેરના કરતાં સદોમના હાલ સહેલ થશે.

અવિશ્વાસુ ગામોને શાપ

(માથ. 11:20-24)

13 ઓ ખોરાજીન, તને હાય! ઓ બેથસાઈદા, તને હાય! કેમ કે તમારામાં જે પરાક્રમી કામ થયાં છે, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટમાં તથા રાખમાં બેસીને ક્યારનોય પસ્તાવો કર્યો હોત. 14 તોપણ ન્યાયકાળે તમારા કરતાં તૂર તથા સિદોનને સહેલું પડશે. 15 વળી, ઓ કપરનાહૂમ, તું સ્વર્ગ સુધી ઊંચું કરાશે શું? તને પાતાળ સુધી નીચું કરી નંખાશે.

16 જે કોઈ તમારું સાંભળે છે તે મારું સાંભળે છે; અને જે તમારો નકાર કરે છે તે મારો પણ નકાર કરે છે; અને જે મારો નકાર કરે છે તે મારા મોકલનાર ઈશ્વરનો નકાર કરે છે.’”

આનંદ કરતાં પાછા ફરેલા સિત્તેર શિષ્યો

17 તે સિત્તેર ખુશ થતાં પાછા આવ્યા, અને તેઓએ કહ્યું કે, ‘પ્રભુ, તમારા નામથી દુષ્ટાત્માઓ પણ અમારે તાબે થયાં છે.’” 18 ઈસુએ તેઓને કહ્યું કે, ‘મેં શેતાનને વીજળીની જેમ સ્વર્ગથી પડતો જોયો. 19 જુઓ, સર્પો તથા વીંછીઓ અને દુશ્મનની બધી શક્તિ પર મેં તમને અધિકાર આપ્યો છે; કશાથી પણ તમને ઈજા થશે નહિ. 20 પણ દુષ્ટાત્માઓ તમારે તાબે થયા છે, તેને લીધે ખુશ થતાં નહિ; પણ તમારાં નામ સ્વર્ગમાં લખવામાં આવ્યા છે, તેને લીધે હરખાઓ.’”

21 તે જ સમયે તે પવિત્ર આત્માથી હરખાયા, અને બોલ્યા કે, ‘ઓ ઈશ્વરપિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું કે, જ્ઞાનીઓથી તથા બુદ્ધિમંતોથી તમે એ વાતો ગુપ્ત રાખી અને બાળકોને પ્રગટ કરી છે; હા ઈશ્વરપિતા, કેમ કે તમને તે સારું લાગ્યું.

ઈસુ હરખાય છે

(માથ. 11:25-27; 13:16-17)

22 મારા ઈશ્વરપિતાએ મને સઘળું સોંપ્યું છે; દીકરો કોણ છે, એ ઈશ્વરપિતા વિના કોઈ જાણતું નથી; ને ઈશ્વરપિતા કોણ છે, એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તેમના વિના બીજો કોઈ જાણતું નથી.’”

23 ઈસુએ શિષ્યો તરફ ફરીને તેઓને એકાંતમાં કહ્યું કે, ‘જે તમે જુઓ છો, તે જોનાર આંખો આશીર્વાદિત છે. 24 કેમ કે હું તમને કહું છું કે, જે તમે જુઓ છો તે ઘણાં પ્રબોધકો તથા રાજાઓ જોવાની ઇચ્છા રાખતા હતા, પણ તેઓ જોવા પામ્યા નહિ. અને તમે જે સાંભળો છો તે તેઓ સાંભળવા ઇચ્છતા હતા, પણ સાંભળવા પામ્યા નહિ.’”

ભલા સમરૂનીનું દ્રષ્ટાંત

25 જુઓ, એક નિયમશાસ્ત્રીએ ઊભા થઈને તેમનું પરીક્ષણ કરતાં કહ્યું કે, ‘ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે મારે શું કરવું?’” 26 ઈસુએ તેને કહ્યું કે, ‘નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે? તું શું વાંચે છે?’” 27 તેણે ઉત્તર આપતા કહ્યું કે, ‘તમારા ઈશ્વર પ્રભુ પર તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા સામર્થ્યથી તથા પૂરા મનથી પ્રેમ રાખવો અને જેવા પોતાના પર તેવો તારા પડોશી પર પ્રેમ રાખવો.’” 28 ઈસુએ તેને કહ્યું કે, ‘તેં સાચો ઉત્તર આપ્યો છે; એમ કર અને તું જીવીશ.’”

29 પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાં ચાહીને ઈસુને કહ્યું, ‘તો મારો પડોશી કોણ છે?’” 30 ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, તેઓ તેનાં વસ્ત્ર ઉતારી લઈને તથા તેને મારીને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા.

31 સંજોગોવસાત એક યાજક તે રસ્તે થઈને જતો હતો. તે તેને જોઈને બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો. 32 એમ જ એક લેવી પણ તે જગ્યાએ આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો.

33 પણ એક સમરૂની તે રસ્તે મુસાફરીએ જતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો, અને એને જોઈને તેને અનુકંપા આવી. 34 તે તેની પાસે ગયો, અને તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને તેને સરાઈમાં લઈ ગયો, અને તેની સારવાર કરી. 35 બીજે દિવસે તેણે બે દીનાર ઉતારાવાળાને આપ્યા, અને તેને કહ્યું કે, તેની સારવાર કરજે, એ કરતાં જે કંઈ વધારે ખર્ચ તને લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને ભરપાઈ કરીશ.’”

36 ‘હવે તું શું ધારે છે, લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી એ ત્રણમાંથી કોણ કહેવાય?’” 37 તેણે કહ્યું કે, ‘જેણે તેના પર દયા કરી તે.’ અને ઈસુએ તેને કહ્યું કે, ‘તું જઈને એ પ્રમાણે કર.’”

ઈસુ માર્થા અને મરિયમના ઘરે

38 તેઓ રસ્તે ચાલતા હતા એ દરમિયાન ઈસુ એક ગામમાં આવ્યા; અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાના ઘરમાં તેમનો આવકાર કર્યો. 39 મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના પગ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી.

40 પણ માર્થા કામ ઘણું હોવાથી વિચલિત થઈ, તેથી તેણે તેમની પાસે આવીને કહ્યું કે, ‘પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી મૂકી છે, તેની શું તમને ચિંતા નથી? એ માટે તેને કહો કે તે મને મદદ કરે.’” 41 પણ ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘માર્થા, માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને વિચલિત થાય છે; 42 પણ એક વાતની જરૂર છે; અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, જે તેની પાસેથી લઈ લેવાશે નહિ.

Chapter 11

પ્રાર્થના વિષે ઈસુનું શિક્ષણ

(માથ. 6:9-13; 7:7-11)

1 એમ થયું કે ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. ઈસુ પ્રાર્થના કરી રહ્યા પછી, તેમના શિષ્યોમાંના એકે ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, યોહાને તેમના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું હતું તેમ આપ પણ અમને શીખવો.’”

2 ઈસુએ તેઓને કહ્યું કે, તમે પ્રાર્થના કરો, ત્યારે કહો કે, ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ; તમારું રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.

3 દિવસની અમારી રોટલી આજ અમને આપો; 4 અને અમારાં પાપ અમને માફ કરો; કેમ કે અમે પોતે પણ અમારા દરેક ઋણીને માફ કરીએ છીએ. અને અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.

5 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારામાંના કોઈને મિત્ર હોય, અને મધરાતે તે તેની પાસે જઈને તેને એવું કહે કે, મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ, 6 કેમ કે મારો એક મિત્ર મુસાફરીએથી મારે ત્યાં આવ્યો છે, અને તેની આગળ પીરસવાનું મારી પાસે કંઈ નથી, 7 તો શું, તે અંદરથી ઉત્તર આપતાં એમ કહેશે કે, મને હેરાન કરીશ નહિ, હમણાં બારણું બંધ છે, મારાં છોકરાં મારી પાસે ખાટલામાં છે, હું તો ઊઠીને તને તે આપી શકતો નથી? 8 હું તમને કહું છું કે, તે તેનો મિત્ર છે, તેને લીધે તે ઊઠીને તેને આપે નહિ, તોપણ તેના આગ્રહને લીધે તે ઊઠશે, અને તેને જોઈએ તેટલી રોટલી તેને આપશે.

9 હું તમને કહું છું કે, માગો તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, તો તમારે સારુ ઉઘાડાશે. 10 કેમ કે જે કોઈ માગે છે તેઓ પામે છે, અને જે શોધે છે તેઓને જડે છે, અને જે ખટખટાવે છે તેઓને સારુ ઉઘાડવામાં આવશે.

11 વળી તમારામાંના એવો કોઈ પિતા છે ખરો, જે છોકરો રોટલી માગે તો તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે? 12 અથવા જો તે ઈડું માગે તો શું તે તેને વીંછી આપશે? 13 માટે જો તમે ખરાબ હોવા છતાં તમારાં છોકરાંને સારાં વાનાં આપી જાણો છો, તો સ્વર્ગમાંના બાપની પાસે જેઓ માગે, તેઓને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?’”

બાલઝબૂલ વિષે

(માથ. 12:22-30; માર્ક 3:20-27)

14 ઈસુ એક મૂંગા દુષ્ટાત્માને કાઢતો હતો. એમ થયું કે દુષ્ટાત્મા નીકળ્યા પછી જે માણસ પહેલા બોલતો ન હતો તે બોલ્યો. તેથી લોકોને આશ્ચર્ય લાગ્યું. 15 પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, ‘દુષ્ટાત્માઓનો સરદાર બાલઝબૂલની મદદથી તે દુષ્ટાત્માને કાઢે છે.’”

16 બીજાઓએ પરીક્ષા કરતાં તેમની પાસે સ્વર્ગમાંથી ચમત્કારિક ચિહ્ન માગ્યું. 17 પણ ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને કહ્યું કે, ‘દરેક રાજ્ય જેમાં ભાગલો પડે છે તે ઉજ્જડ થાય છે; અને દરેક ઘર જેમાં ભાગલો પડે, તો તે પડી જાય છે.

18 જો શેતાન પણ પોતાની વચ્ચે ભાગલો પાડે તો તેનું રાજ્ય કેમ ટકે? હું એટલા માટે કહું છું કેમ કે તમે કહો છો કે, બાલઝબૂલની મદદથી હું દુષ્ટાત્માઓને કાઢું છું. 19 જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને કાઢું છું તો તમારા દીકરાઓ કોની મદદથી દુષ્ટાત્માઓ કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે. 20 પણ જો હું ઈશ્વરની આંગળીથી દુષ્ટાત્માઓ કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી મધ્યે આવ્યું છે.

21 બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાની ઘરને સાચવે છે, ત્યારે તેનો માલ સલામત રહે છે; 22 પણ જયારે તેના કરતાં વધારે બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેનાં સઘળા હથિયાર જેનાં પર તે ભરોસો રાખતો હતો તે તેની પાસેથી લઈ લે છે, અને તેની લૂટ વહેંચે છે. 23 જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે ભેગું નથી કરતો તે ફેલાવે છે.

અશુદ્ધ આત્મા પાછો આવે છે

(માથ. 12:43-45)

24 અશુદ્ધ આત્મા કોઈ માણસમાંથી નીકળ્યા પછી નિર્જળ જગ્યાઓમાં વિસામો શોધતો ફરે છે; પણ તે ન મળતાં, તે કહે છે કે, મારા જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં હું પાછો જઈશ. 25 અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું તથા શોભાયમાન કરેલું હોય છે. 26 ત્યારે તે જઈને પોતાના કરતા દુષ્ટ એવા બીજા સાત દુષ્ટાત્માઓને સાથે લઈ આવે છે; અને તેઓ એકસાથે ત્યાં રહે છે; અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ખરાબ થાય છે.’”

આશીર્વાદ કોને?

27 એમ થયું કે ઈસુ આ બોધ કરતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું કે, ‘જે જનેતાએ તમને જન્મ આપ્યો અને જેણે તમને સ્તનપાન કરાવ્યું તે આશીર્વાદિત છે.’” 28 પણ ઈસુએ કહ્યું હા, પણ તે કરતા જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને પાળે છે તે આશીર્વાદિત છે.’”

ચમત્કારિક ચિહ્નની માગણી

(માથ. 12:38-42)

29 સંખ્યાબંધ લોકો તેમની પાસે ભેગા થયા હતા ત્યારે તે કહેવા લાગ્યા કે, ‘આ પેઢી તો દુષ્ટ પેઢી છે; તે ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂનાનાં ચમત્કારિક ચિહ્ન વિના બીજું ચમત્કારિક ચિહ્ન તેને અપાશે નહિ. 30 કેમ કે જેમ યૂના નિનવેહના લોકોને માટે નિશાનીરૂપ થયો, તેમ માણસનો દીકરો પણ આ પેઢીને નિશાનીરૂપ થશે.’”

31 દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેઓને અપરાધી ઠરાવશે; કેમ કે તે પૃથ્વીના છેડાથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી, અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.

32 નિનવેહના માણસો આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેને અપરાધી ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો; અને જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.

શરીરનો દીવો આંખ

(માથ. 5:15; 6:22-23)

33 કોઈ માણસ દીવો સળગાવીને તેને સંતાડી મૂકતો નથી, પણ દીવી પર મૂકે છે એ માટે કે અંદર આવનારાઓ તેનું અજવાળું જુએ. 34 તારા શરીરનો દીવો તારી આંખ છે; જયારે તારી આંખ સ્વચ્છ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું થશે; પણ તે ખરાબ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ અંધકારે ભરેલું રહેશે; 35 તેથી તારામાં જે અજવાળું છે તે અંધકાર ન હોય, માટે સાવધાન રહે. 36 જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય, અને તેનો કોઈ પણ ભાગ અંધકારરૂપ ન હોય, તો જેમ દીવો પોતાની રોશનીથી તને અજવાળું આપે છે તેમ તારું આખું શરીર પ્રકાશથી ભરેલું થશે.’”

ઈસુ ફરોશીઓ અને શાસ્ત્રીઓનો દોષ કાઢે છે

(માથ. 23:1-36; માર્ક 12:38-40)

37 ઈસુ બોલતા હતા ત્યારે એક ફરોશીએ પોતાની સાથે જમવાને તેમને નિમંત્રણ આપ્યું, ઈસુ તેની પાસે જઈને જમવા બેઠા. 38 ભોજન પહેલાં ઈસુએ હાથ ધોયા નહિ, તે જોઈને ફરોશી આશ્ચર્ય પામ્યો.

39 પ્રભુએ તેને કહ્યું કે, ‘તમે ફરોશીઓ તો થાળીવાટકો બહારથી સાફ કરો છો; પણ તમારું અંતર લોભ તથા દુષ્ટતાથી ભરેલું છે. 40 અરે મૂર્ખો, જેણે બહારનું બનાવ્યું, તેણે અંદરનું પણ બનાવ્યું નથી શું? 41 જે અંદર છે તે પ્રમાણે તમારે દાન અને જુઓ, પછી તમને બધું શુદ્ધ છે.

42 પણ તમ ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે ફુદીનાનો તથા સિતાબનું તથા સઘળી ખાવાલાયક વનસ્પતિનો દસમો ભાગ આપો છો; પણ ન્યાય તથા ઈશ્વરનો પ્રેમ પડતાં મૂકો છો; તમારે આ કરવાં જોઈતાં હતાં અને એ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.

43 તમો ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચોકમાં સલામો ચાહો છે. 44 તમને અફસોસ છે! કેમ કે જે કબરો દેખાતી નથી, અને જેનાં ઉપર માણસો અજાણતાં ચાલે છે, તેઓના જેવા તમે છો.’”

45 ત્યારે નિયમશાસ્ત્રીઓમાંના એકે તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘ઉપદેશક, એમ કહેવાથી તમે અમારું પણ અપમાન કરો છો.’” 46 ઈસુએ કહ્યું કે, ‘ઓ નિયમશાસ્ત્રીઓ, તમને પણ અફસોસ છે! કારણ કે તમે માણસો પર એવા બોજા ચઢાવો છો કે જે ઊંચકતાં મહામુસીબત પડે છે, અને તમે પોતે એ બોજાને તમારી એક આંગળી પણ લગાડતા નથી.

47 તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો, જેઓને તમારા બાપદાદાઓએ મારી નાખ્યા હતા. 48 તો તમે સાક્ષીઓ છો, અને તમારા બાપદાદાઓનાં કામોને સંમતિ આપો છો; કેમ કે તેઓએ તેમને મારી નાખ્યા હતા, અને તમે તેમની કબરો બાંધો છો.

49 એ માટે ઈશ્વરના જ્ઞાને પણ કહ્યું કે, હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ, અને તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે તથા સતાવશે; 50 જેથી સૃષ્ટિના આરંભથી સઘળા પ્રબોધકોના વહેવડાવેલા લોહી આ પેઢીના લોકો પાસેથી માગવામાં આવશે; 51 હા, હું તમને કહું છું કે ‘હાબેલના લોહીથી તે ઝખાર્યા જે યજ્ઞવેદી તથા પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો, તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેઢીના લોક પાસેથી લેવાશે.

52 તમો નિયમશાસ્ત્રીઓને અફસોસ છે! કેમ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે; તમે પોતે અંદર ગયા નહિ, અને જેઓ અંદર જતા હતા તેઓને તમે અટકાવ્યા.’”

53 ઈસુ ત્યાંથી નીકળ્યા, ત્યાર પછી શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઝનૂનથી તેમની સામે થઈને તેમને ઘણી વાતો વિષે પ્રશ્નોના ઉત્તર આપવા પ્રયત્ન કરીને ઉશ્કેરવા લાગ્યા. 54 તેમના મુખમાંથી કંઈ વાત પકડી લેવા સારુ તેઓ ટાંપી રહ્યા.

Chapter 12

દંભ સામે ચેતવણી

(માથ. 10:26-27)

1 એટલામાં હજારો લોકો એકઠા થયા, એટલે સુધી કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા. ત્યારે સૌથી પહેલાં તે પોતાની શિષ્યોને કહેવા લાગ્યા કે, ‘ફરોશીઓના ખમીરથી સાવધાન રહો, કે જે ઢોંગ છે.

2 પણ પ્રગટ નહિ કરાશે એવું કશું ઢંકાયેલું નથી; અને જાણવામાં ન આવે એવું કંઈ ગુપ્ત નથી. 3 માટે જે કંઈ તમે અંધકારમાં કહ્યું છે તે અજવાળામાં સંભળાશે; અને ઓરડીમાં જે કંઈ તમે કાનમાં કહ્યું હશે તે ધાબાઓ પર પ્રગટ કરાશે.

કોનાથી બીવું?

(માથ. 10:28-41)

4 મારા મિત્રો, હું તમને કહું છું કે, જેઓ શરીરને મારી નાખે, અને ત્યાર પછી બીજું કંઈ ન કરી શકે, તેમનાંથી ડરશો નહિ. 5 પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને જણાવું છું; કે ‘મારી નાખ્યા પછી નર્કમાં નાખી દેવાનો જેમને અધિકાર છે તે ઈશ્વરથી તમે ડરજો; હા, હું તમને કહું છું કે, તેમની બીક રાખજો. 6 શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી? પણ ઈશ્વર પોતાની દ્રષ્ટિમાં તેઓમાંની એકને પણ ભૂલતા નથી. 7 તમારા માથાના બધા જ વાળ ગણેલા છે. બીશો નહિ. ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.

ઈસુ બાબતે એકરાર કે ઇન્કાર

(માથ. 10:32-33; 12:32; 10:19-20)

8 હું તમને કહું છું કે, માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને ઈશ્વરના સ્વર્ગદૂતો આગળ માણસનો દીકરો પણ કબૂલ કરશે. 9 પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર ઈશ્વરના સ્વર્ગદૂતોની આગળ કરવામાં આવશે. 10 જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધ વાત બોલશે, તેને તે માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ કોઈ દુર્ભાષણ કરે તો તેને તે માફ કરવામાં આવશે નહિ.

11 જયારે તેઓ તમને સભાસ્થાનોમાં તથા રાજકર્તાઓ તથા અધિકારીઓ આગળ લઈ જશે, ત્યારે અમારે કેવી રીતે અથવા શો ઉત્તર આપવો, અથવા અમારે શું કહેવું, તે વિષે ચિંતા ન કરો; 12 કેમ કે તમારે જે કહેવું જોઈએ તે તે જ ઘડીએ પવિત્ર આત્મા તમને શીખવશે.

મૂર્ખ ધનવાનનું દ્રષ્ટાંત

13 લોકોમાંથી એક જણે તેને કહ્યું કે, ‘ગુરુ, મારા ભાઈને કહે કે તે વારસાનો ભાગ મને આપે.’” 14 ઈસુએ કહ્યું કે, ‘ઓ માણસ, મને તમારા પર ન્યાયાધીશ કોણે ઠરાવ્યો?’” 15 પછી ઈસુએ તેઓને કહ્યું કે, ‘સાવધાન રહો, અને બધા લોભથી પોતાને દૂર રાખો; કેમ કે કોઈનું જીવન તેની મિલકતની પુષ્કળતામાં હોતું નથી.’”

16 ઈસુએ તેઓને એવું દ્રષ્ટાંત કહ્યું કે, એક ધનવાન માણસની જમીનમાંથી ઘણી ઊપજ થઈ; 17 તેણે મનમાં એવો વિચાર કર્યો કે, હું શું કરું? કેમ કે મારી ઊપજ ભરી મૂકવાને મારી પાસે જગ્યા નથી. 18 તેણે કહ્યું કે, હું આમ કરીશ; મારી વખારોને હું પાડી નાખીશ, અને તે કરતાં હું મોટી બંધાવીશ; અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલમિલકત હું ભરી મૂકીશ. 19 હું મારા જીવને કહીશ કે, ઓ જીવ, ઘણાં વર્ષને માટે ઘણી માલમિલકત તારે સારુ રાખી મૂકેલી છે; આરામ લે, ખા, પી, આનંદ કર.

20 પણ ઈશ્વરે તેને કહ્યું કે, ઓ મૂર્ખ, આ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે? 21 જે પોતાને સારુ દ્રવ્યો સંગ્રહ કરે છે, અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે.

ચિંતા ના કરો

(માથ. 6:25-34)

22 ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે અમે શું ખાઈશું, તથા તમારા શરીરને સારુ પણ ન કરો, કે અમે શું પહેરીશું. 23 કેમ કે ખોરાક કરતા જીવ, અને વસ્ત્ર કરતા શરીર, અધિક છે.

24 કાગડાઓનો વિચાર કરો; તેઓ તો વાવતા નથી અને કાપતા નથી; તેઓની પાસે વખાર કે કોઠાર નથી; તોપણ ઈશ્વર તેઓનું પોષણ કરે છે; પક્ષીઓ કરતા તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો! 25 ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળનો એકાદ પળનો વધારી શકો છે? 26 માટે જે સૌથી નાનું કામ તે જો તમે કરી નથી શકતા, તો બીજાં વિષે તમે કેમ ચિંતા કરો છો?

27 ફૂલઝાડોનો વિચાર કરો; તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતાં પણ નથી; તોપણ હું તમને કહું છું કે, સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. 28 એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તે તમને પહેરાવશે, એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?

29 અમે શું ખાઈશું કે શું પીશું, એની શોધ ન કરો, અને એમ કહેતાં ચિંતા ન કરો. 30 કેમ કે દુનિયાના લોકો તે સઘળા વાનાં શોધે છે; પણ તમારો પિતા જાણે છે કે તે વાનાંની તમને અગત્ય છે.

31 પરંતુ તમે ઈશ્વરનું રાજ્ય શોધો; અને એ વાનાં પણ તમને અપાશે. 32 ઓ નાની ટોળી, ડરશો નહિ; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.

આકાશમાં અખૂટ દ્રવ્ય

(માથ. 6:19-21)

33 તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો; જીર્ણ નહિ થાય એવી થેલીઓ, એટલે સ્વર્ગમાં દ્રવ્ય, પોતાને સારુ મેળવો જે સદાને માટે રહેશે; કે જ્યાં ચોર આવતો નથી, અને કીડો ખાઈ જતો નથી. 34 કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.

જાગતા રહો

35 તમારી કમરો બાંધેલી તથા તમારો દીવો સળગેલો રાખો; 36 અને જે માણસો પોતાનો માલિક લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે, એ માટે કે તે આવીને ખટખટાવે કે તત્કાળ તેઓ તેને સારુ દ્વાર ઉધાડે, તેઓના જેવો તમે થાઓ.

37 જે દાસોને માલિક આવીને જાગતા જોશે તેઓ આશીર્વાદિત છે; હું તમને નિશ્ચે કહું છું કે, તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે, અને આવીને તેઓની સેવા કરશે. 38 જો તે મધરાત પછી મોડેથી આવે, અને તેઓને એમ કરતાં જુએ, તો તે દાસો આશીર્વાદિત છે.

39 પણ આટલું સમજો કે ઘરનો માલિક જાણતો હોત કે, કઈ ઘડીએ ચોર આવશે, તો તે જાગતો રહેત, ને પોતાના ઘરમાં ચોરી થવા ન દેત. 40 તમે પણ તૈયાર રહો; કેમ કે તમારા ધારવામાં નહિ હોય તે ઘડીએ માણસનો દીકરો આવશે.

વિશ્વાસુ અને અવિશ્વાસુ ચાકર

(માથ. 24:45-51)

41 પિતરે કહ્યું કે, ‘પ્રભુ, તું આ દ્રષ્ટાંત અમને, કે સર્વને કહે છે?’” 42 પ્રભુએ કહ્યું કે, જેને તેનો માલિક પોતાના ઘરનાંઓને યોગ્ય સમયે અન્ન આપવા સારુ પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન કારભારી કોણ છે? 43 જે ચાકરને તેનો માલિક એમ કરતો જોશે તે આશીર્વાદિત છે. 44 હું તમને સાચું કહું છું કે, તે પોતાની સર્વ માલમિલકત પર તેને કારભારી ઠરાવશે.

45 પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો માલિક આવતાં વાર લગાડે છે, અને દાસોને તથા દાસીઓને મરવા લાગશે, અને ખાવાપીવા અને છાકટો થવા લાગશે; 46 તો જે દહાડે તે વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવામાં તે દાસનો માલિક આવશે, અને તેને કાપી નાખશે, અને તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે.

47 જે દાસ પોતાની માલિકની ઇચ્છા જાણ્યાં છતાં પોતે સિદ્ધ થયો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે. 48 પણ જેણે વગર જાણે ફટકા યોગ્ય કામ કર્યું હશે, તે થોડો માર ખાશે. અને જે કોઈને ઘણું આપેલું છે, તેની પાસેથી ઘણું માંગવામાં આવશે, અને જેને ઘણું સોંપેલું છે તેની પાસેથી વધારે માંગવામાં આવશે.

ભાગલાનું કારણ ઈસુ

(માથ. 10:35-36)

49 હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું, અને જો તે સળગી ચૂકી હોય તો એનાથી વિશેષ હું શું માંગું? 50 પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે, અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવું દબાણ અનુભવું છું?

51 શું તમે ધારો છો કે પૃથ્વી પર શાંતિ કરાવવાં હું આવ્યો છું? હું તમને કહું છું કે ના, પણ તે કરતા ફૂટ પાડવા આવ્યો છું. 52 કેમ કે હવે એક ઘરમાં પાંચ મધ્યે ફૂટ પડશે, એટલે ત્રણ બેની સામા, અને બે ત્રણની સામા થશે. 53 બાપ દીકરાની સામો, તથા દીકરો બાપની સામો થશે; મા દીકરીની સામે, અને દીકરી પોતાની માની સામે થશે; સાસુ પોતાની વહુની સામે, અને વહુ પોતાની સાસુની સામે થશે, એમ તેઓમાં ફૂટ પડશે.

સમયનો અર્થઘટન

(માથ. 16:2-3)

54 તેમણે લોકોને પણ કહ્યું કે, તમે પશ્ચિમથી વાદળી ચઢતી જુઓ છો, કે તરત તમે કહો છો કે, ઝાપટું આવશે, અને એમ જ થાય છે. 55 જયારે દક્ષિણનો પવન ચાલે છે ત્યારે તમે કહો છો કે, લૂ વહેશે, અને એમ જ થાય છે. 56 ઓ ઢોંગીઓ, પૃથ્વીનું તથા આકાશનું રૂપ તમે પારખી જાણો છો, તો આ સમય તમે કેમ પારખી નથી જાણતા?

તમારા વિરોધી સામે સુમેળ કરી લો

(માથ. 5:25-26)

57 અને વાજબી શું છે તે તમે પોતાની જાતે કેમ પારખતા નથી? 58 તું તારા વિરોધીની સાથે અધિકારીની આગળ જતો હોય ત્યારે માર્ગમાં તું તેની સાથે સમાધાન કરવા સારુ યત્ન કર, એમ ન થાય કે તે તને ન્યાયાધીશ આગળ ઘસડી લઈ જાય, અને ન્યાયાધીશ તને સિપાઈને સ્વાધીન કરે, અને સિપાઈ તને બંદીખાનામાં નાખે. 59 હું તને કહું છું કે, તું પૂરેપૂરો નાણાં ચૂકવીશ નહિ, ત્યાં સુધી તું ત્યાંથી નીકળવાનો નથી.

Chapter 13

પાપથી ફરો યા મરો

1 તે જ સમયે ત્યાં હાજર કેટલાક માણસોએ આવીને ઈસુને તે ગાલીલીઓ વિશે જણાવ્યું કે, પિલાતે તેમના યજ્ઞોના લોહીમાં તેઓનું લોહી ભેળવી દીધું. 2 ઈસુએ તેઓને જવાબ આપતાં કહ્યું કે, ‘તે ગાલીલીઓ અન્ય ગાલીલીઓ કરતાં વધારે પાપી હતા તેથી તેઓ પર આવી વિપત્તિ આવી પડી એમ તમે માનો છો?’” 3 હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે પણ એ જ રીતે નાશ પામશો.

4 અથવા શિલોઆહમાં જે અઢાર માણસો પર બુરજ તૂટી પડવાથી તેઓ મરણ પામ્યા, તેઓ યરુશાલેમમાં વસતા બીજા બધા માણસો કરતાં વધારે પાપી હતા એમ તમે માનો છો? 5 હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે બધા પણ એ જ રીતે નાશ પામશો.’”

ફળહિન અંજીરીનું દ્રષ્ટાંત

6 ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે, એક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરનું ઝાડ હતું. તે તેના પર ફળ શોધતો આવ્યો, પણ તેને એક પણ ફળ મળ્યું નહિ. 7 ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું કે, ‘જો, ત્રણ વર્ષથી આ અંજીરી પર હું ફળ શોધતો આવું છું, પણ મને એક પણ ફળ મળતું નથી; એને કાપી નાખ; તે જમીન કેમ નકામી રોકી રહી છે?’”

8 ત્યારે માળીએ ઉત્તર આપતા કહ્યું કે, ‘શેઠ, તેને આ વર્ષ રહેવા દો, તે દરમિયાન હું એની આસપાસ ખાડો કરીશ અને ખાતર નાખીશ. 9 જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક; નહિ તો તેને કાપી નાખજો.’”

ઈસુ વિશ્રામવારે કૂબડી સ્ત્રીને સાજી કરી

10 વિશ્રામવારે ઈસુ એક સભાસ્થાનમાં ઉપદેશ કરતા હતા. 11 ત્યાં એક સ્ત્રી એવી હતી કે જેને અઢાર વર્ષથી બીમારીનો દુષ્ટાત્મા વળગેલો હતો. તે કૂબડી હતી અને સીધી ઊભી થઈ કે રહી શકતી જ નહોતી.

12 ઈસુએ તેને જોઈને તેને બોલાવી, અને તેને કહ્યું કે, ‘બહેન, તારી બીમારી મટી ગઈ છે.’” 13 ઈસુએ તેના પર હાથ મૂક્યો; અને તરત તે ટટ્ટાર થઈ અને ઈશ્વરનો મહિમા કરવા લાગી. 14 પણ વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી, તેથી સભાસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું કે, ‘છ દિવસ છે જેમાં માણસોએ કામ કરવું જોઈએ, એ માટે તે દિવસોમાં આવીને સાજાં થાઓ, પણ વિશ્રામવારે નહિ.’”

15 પ્રભુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘ઓ ઢોંગીઓ, શું તમારામાં એક પણ માણસ એવો છે જે વિશ્રામવારે પોતાના બળદને કે ગધેડાને ગભાણમાંથી છોડીને પાણી પીવા સારુ લઈ જતો નથી? 16 આ સ્ત્રી જે ઇબ્રાહિમની દીકરી છે, જેને શેતાને અઢાર વર્ષથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે છૂટી કરી એ શું ખોટું કર્યું?’”

17 ઈસુ એ તે વાતો કહી ત્યારે તેમના સામેવાળા શરમિંદા થઈ ગયા; પણ અન્ય લોકો તો ઈસુ જે અદ્ભૂત કામો કરી રહ્યા હતા તે જોઈને આનંદ પામ્યા.

રાઈના બીજનું દ્રષ્ટાંત

(માથ. 13:31-32; માર્ક 4:30-32)

18 ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે, અને હું એને શાની ઉપમા આપું? 19 તે રાઈના દાણા જેવું છે. કોઈ માણસે દાણો લઈને પોતાની વાડીમાં વાવ્યો. પછી છોડ ઊગ્યો અને તે વધીને મોટું ઝાડ થયું, અને આકાશના પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો.’”

ખમીરનું દ્રષ્ટાંત

(માથ. 13:33)

20 ફરીથી ઈસુએ કહ્યું કે, ‘હું ઈશ્વરના રાજ્ય શાના જેવું છે અને હું એને શાની ઉપમા આપું? 21 તે ખમીર જેવું છે. એક મહિલાએ ખમીર લઈને ત્રણ માપ લોટમાં મેળવ્યું. પરિણામે બધો લોટ ખમીરવાળો થયો.’”

ઉદ્ધારનું સાંકડું બારણું

(માથ. 7:13-14,21-23)

22 ઈસુ યરુશાલેમ તરફ મુસાફરી કરતા હતા ત્યારે માર્ગ પર આવતાં શહેર અને ગામોની મુલાકાત કરીને લોકોને બોધ કરતા હતા.’” 23 એક માણસે ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, ઉદ્ધાર પામનાર લોકો થોડા છે શું?’ પછી ઈસુએ તેઓને કહ્યું કે, 24 ‘સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરવા કષ્ટ કરો, કારણ, હું તમને કહું છું કે ઘણાં અંદર પ્રવેશ કરવા પ્રયત્ન કરશે, પણ અંદર પ્રવેશી શકશે નહિ.

25 જયારે ઘરનો માલિક ઊઠીને બારણું બંધ કરશે, અને તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવીને કહેશો કે, ‘પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણાં ઉઘાડો’; અને તે તમને ઉત્તર આપતાં કહેશે કે, ‘હું તમને ઓળખતો નથી કે તમે ક્યાંનાં છો? 26 ત્યારે તમે કહેશો કે, અમે તારી સમક્ષ ખાધું પીધું હતું અને તમે અમારા રસ્તાઓમાં બોધ કર્યો હતો. 27 પણ તે કહેશે કે, હું તમને કહું છું કે, તમે ક્યાંનાં છો એ હું જાણતો નથી; હે અન્યાય કરનારાઓ, તમે લોકો મારી પાસેથી દૂર જાઓ.

28 જયારે તમે ઇબ્રાહિમને, ઇસહાકને, યાકૂબને અને બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો, જ્યાં રડવું અને દાંત પીસવું થશે. 29 તેઓ પૂર્વમાંથી, પશ્ચિમમાંથી, ઉત્તરમાંથી તથા દક્ષિણમાંથી લોકો આવશે, અને ઈશ્વરના રાજ્યમાં ભોજન સમારંભમાં બેસશે. 30 જોજો, જેઓ કેટલાક છેલ્લાં છે તેઓ પહેલા થશે અને જે પહેલા છે તેઓ છેલ્લાં થશે.

યરુશાલેમ પ્રત્યે ઈસુનો પ્રેમ

(માથ. 23:37-39)

31 તે જ ઘડીએ કેટલાક ફરોશીઓએ ઈસુ પાસે આવીને કહ્યું કે, અહીંથી જતા રહો. કેમ કે હેરોદ તમને મારી નાખવા માગે છે. 32 ઈસુએ તેઓને કહ્યું, તમે જઈને એ શિયાળવાને કહો કે, જુઓ, હું આજે અને કાલે દુષ્ટાત્માઓને કાઢું છું અને રોગ મટાડું છું અને ત્રીજે દિવસે મારું કામ પૂરું થશે. 33 કોઈ પણ સંજોગોમાં આજે, કાલે તથા પરમ દિવસ મારે ચાલવું જોઈએ, કેમ કે કોઈ પ્રબોધક યરુશાલેમની બહાર મૃત્યુ પામે એ શક્ય નથી.

34 ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાને પથ્થરે મારનાર, મરઘી જેમ પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તે પ્રમાણે મેં કેટલી વખત તારાં બાળકોને એકઠાં કરવાનું ચાહ્યું, પણ તમે તે થવા દીધું નહિ. 35 જુઓ, તમારું ઘર તમારે માટે ઉજ્જડ કરી મુકાયું છે, અને હું તમને કહું છું કે, તમે કહેશો કે ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે,’ ત્યાં સુધી તમે મને ફરીથી જોઈ શકવાના નથી.’”

Chapter 14

ફરોશીઓને ઉપદેશ

1 અને એમ થયું કે ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારના દિવસે ઈસુ જમવા ગયા હતા, ત્યારે તેઓ તેમને એક નજરે જોઈ રહ્યા હતા. 2 એક માણસ ત્યાં હાજર હતો જેને જલંદર નામનો રોગ થયો હતો. 3 ઈસુએ નિયમશાસ્ત્રીઓને અને ફરોશીઓને ઉત્તર આપતા કહ્યું કે, વિશ્રામવારે કોઈને સાજાં કરવા તે ઉચિત છે કે નહિ?

4 પણ તેઓ મૌન રહ્યા. ઈસુએ તે રોગીને સ્પર્શીને તેને સાજો કર્યો, અને તેને વિદાય કર્યો. 5 ઈસુએ તેઓને કહ્યું કે, તમારામાંના કોઈનું ગધેડું અથવા બળદ કૂવામાં પડી જાય તો શું તમે વિશ્રામવારે તરત તેને બહાર કાઢશો કે નહિ? 6 એ વાતોનો પ્રત્યુત્તર તેઓ તેમને આપી શક્યા નહિ.

નમ્રતા, ગર્વ અને પરોણા ચાકરી

7 ભોજનમાં નિમંત્રિતો કેવી રીતે મુખ્ય આસનો પસંદ કરતા, તે જોઈને તેમણે તેઓને દ્રષ્ટાંત કહ્યું કે, 8 ‘કોઈ તને લગ્નમાં નિમંત્રે ત્યારે મુખ્ય આસન પર બેસી ન જા. એમ ન થાય કે તારા કરતાં કોઈ વિશેષ માનવંતા માણસને તેણે નિમંત્રણ આપેલું હોય. 9 જેણે તને તથા તેને નિમંત્રણ આપેલું હોય તે આવીને તને કહે કે, ‘એને જગ્યા આપ’; ત્યારે તારે અપમાનિત થઈને સહુથી છેલ્લે સ્થાને બેસવું પડે.

10 પણ કોઈ તને નિમંત્રે ત્યારે સહુથી છેવટની જગ્યાએ જઈ બેસ, કે તને નિમંત્રણ આપનાર તને કહે કે, ‘મિત્ર ઉપર આવ’; ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે. 11 કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.’”

12 જેણે તેમને નિમંત્ર્યા હતા તેને પણ ઈસુએ કહ્યું કે, જયારે તું દિવસનું કે રાતનું ભોજન આપે, ‘ત્યારે કેવળ તારા મિત્રોને, ભાઈઓને, સગાંઓને, કે શ્રીમંત પડોશીઓને ન બોલાવ; એમ ન થાય કે કદાચ તેઓ પણ તને પાછા બોલાવે, અને તને બદલો મળે.

13 પણ જયારે તું મિજબાની આપે ત્યારે ગરીબોને, અપંગોને, પાંગળાઓને તથા અંધજનોને તેડાવ. 14 તેથી તું આશીર્વાદિત થઈશ; કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી; પણ ન્યાયીઓના મરણોત્થાનમાં તને બદલો આપવામાં આવશે.’”

રાતના ભોજનનું દ્રષ્ટાંત

(માથ. 22:1-10)

15 તેમની સાથે જમવા બેઠેલાઓમાંના એકે એ વાત સાંભળીને તેમને કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યમાં જે રોટલી ખાશે તે આશીર્વાદિત છે.’” 16 પણ ઈસુએ તેને કહ્યું કે, ‘કોઈ એક માણસે રાતના મોટો ભોજન સમારંભ યોજ્યો. તેણે ઘણાંને આમંત્રણ આપ્યું. 17 તે સમયે તેણે પોતાના નોકરને મોકલીને આમંત્રિત મહેમાનોને એમ કહેવડાવ્યું કે આવો; ‘કેમ કે હમણાં બધું ભોજન તૈયાર થયું છે’.

18 સર્વ એકસાથે બહાનાં કાઢવા લાગ્યા. પહેલાએ તેને કહ્યું કે, ‘મેં ખેતર વેચાતું લીધું છે, મારે જઈને તે જોવાની અગત્ય છે; હું તને વિનંતી કરું છું કે મને માફ કર.’” 19 બીજાએ કહ્યું કે, ‘મેં પાંચ જોડ બળદ વેચાતા લીધા છે, અને હું તેમને પારખવા જાઉં છું; હું તને વિનંતી કરું છું કે મને માફ કર.’” 20 અન્ય એકે કહ્યું કે, ‘મારું લગ્ન હમણાં જ થયું છે, માટે મારાથી અવાશે નહિ.’”

21 પછી તે નોકરે આવીને પોતાના માલિકને બધી વાત કરી; ત્યારે ઘરના માલિકે ગુસ્સે થઈને પોતાના નોકરને કહ્યું કે, ‘શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જઈને ગરીબોને, અપંગોને, પાંગળાઓને અને અંધજનોને બોલાવી લાવ.’” 22 તે નોકરે કહ્યું કે, માલિક, તમારા હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે, અને હજી પણ ત્યાં ઘણી જગ્યા ખાલી છે.’”

23 માલિકે કહ્યું કે, ‘રસ્તા પર તથા ગામડાંઓમાં જઈને તેઓને આગ્રહ કરીને બોલાવી લાવ, કે મારું ઘર ભરાઈ જાય. 24 કેમ કે હું તમને કહું છું કે, પેલા માણસો જેઓ આમંત્રિત હતા તેઓમાંના કોઈ પણ હવે મારી મિજબાનીમાંથી ચાખશે નહિ.’”

શિષ્યપણાની કિંમત

(માથ. 10:37-38)

25 હવે ઘણાં લોક ઈસુની સાથે જતા હતા, અને તેઓને તેમણે પાછા ફરીને કહ્યું કે, 26 ‘જો કોઈ મારી પાસે આવે, અને પોતાનાં માતાનો અને પિતાનો, પત્નીનો, બાળકોનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્રેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. 27 જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.

28 કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલાં બેસીને ખર્ચ નહિ ગણે, કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ? 29 રખેને કદાચ પાયો નાખ્યા પછી તે પૂરો કરી શકે નહિ; ત્યારે જે જુએ તેઓ સર્વ તેની મશ્કરી કરવા લાગે, 30 અને કહે કે, આ માણસ બાંધવા લાગ્યો, પણ પૂરું કરી શક્યો નહિ.

31 અથવા કયો રાજા એવો છે કે બીજા રાજાની સામે લડાઈ કરવા જતો હોય, પણ પહેલાં બેસીને વિચાર નહિ કરે, કે જે વીસ હજાર સૈનિકો લઈને મારી સામે આવે છે, તેની સામે હું દસ હજાર સૈનિકોને લઈ લડી શકીશ કે નહિ? 32 નહિ તો બીજો રાજા હજી ઘણો દૂર છે, એટલામાં તે એલચીઓને મોકલીને સુલેહની શરતો વિષે પૂછશે. 33 તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.

બેસ્વાદ મીઠું

(માથ. 5:13; માર્ક 9:50)

34 મીઠું તો સારુ છે, પરંતુ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય, તો તે શાથી ખારું કરાશે? 35 તે જમીનને સારુ અથવા ખાતરને સારુ યોગ્ય નથી; પણ માણસો તેને બહાર નાખી દે છે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”

Chapter 15

ખોવાયેલું ઘેટું

(માથ. 18:12-14)

1 હવે ઈસુનું સાંભળવા સારુ સઘળા દાણીઓ તથા પાપીઓ તેમની પાસે આવતા હતા. 2 ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ કચકચ કરીને કહ્યું કે, ‘આ માણસ પાપીઓનો સ્વીકાર કરે છે, અને તેઓની સાથે ભોજન પણ કરે છે.’”

3 ઈસુએ તેઓને આ દ્રષ્ટાંત કહ્યું કે, 4 ‘જો કોઈ માણસ પાસે સો ઘેટાં હોય, અને એ સો ઘેટાંમાંથી એક ઘેટું ખોવાય, તો શું તે પેલાં બાકીનાં નવ્વાણું ઘેટાંને અરણ્યમાં મૂકીને ખોવયેલું ઘેટું મળે નહિ ત્યાં સુધી તેની શોધમાં નહિ જાય? 5 તે ઘેટું તેને મળે છે ત્યારે તે હર્ષથી પોતાના ખભા પર ઊંચકીને ઘરે લઈ જાય છે.

6 ઘરે આવીને પોતાના મિત્રોને તથા પડોશીઓને બોલાવે છે, અને તેઓને કહે છે કે, મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું જે ખોવાયું હતું તે મને પાછું મળ્યું છે. 7 હું તમને કહું છું કે, તે જ રીતે નવ્વાણું ન્યાયીઓ કે જેઓને પસ્તાવાની જરૂર નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે સ્વર્ગમાં આનંદ થશે.

ખોવાયેલો સિક્કો

8 અથવા એક સ્ત્રી કે જેની પાસે ચાંદીના દસ સિક્કા હોય, અને તેઓમાંનો એક સિક્કો ખોવાય, તો તે દીવો કરીને, ઘર નહિ વાળે અને તે મળે નહિ ત્યાં સુધી તેની શોધ સારી રીતે નહિ કરે? 9 તેને તે સિક્કો મળે છે ત્યારે તે પોતાની સખીઓને તથા પડોશીઓને બોલાવીને કહે છે કે, મારી સાથે આનંદ કરો, કેમ કે મારો સિક્કો ખોવાઈ ગયો હતો તે મને પાછો મળ્યો છે. 10 હું તમને કહું છું કે એ જ પ્રમાણે એક પાપી પસ્તાવો કરે, તેને લઈને ઈશ્વરના સ્વર્ગદૂતોની સમક્ષ આનંદ થાય છે.’”

ખોવાયેલો દીકરો

11 વળી ઈસુએ કહ્યું કે, ‘એક માણસને બે દીકરા હતા. 12 તેઓમાંના નાનાએ પિતાને કહ્યું કે, પિતાજી, મિલકતનો જે મારો ભાગ આવે તે મને આપો; તેથી તેણે પિતાએ તેઓને ભાઈઓને પોતાની મિલકત વહેંચી આપી.

13 અને થોડા દિવસો પછી નાનો દીકરો બધું ભેગું કરીને દૂર દેશમાં ચાલ્યો ગયો, અને ત્યાં મોજમજામાં પોતાની સંપત્તિ વેડફી નાખી. 14 અને તેણે બધું ખલાસ કરી નાખ્યું, ત્યાર પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો અને તેને તંગી પડવા લાગી.

15 તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો; તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચરવા માટે તેને મોકલ્યો. 16 ખેતરમાં જે સિંગો ભૂંડો ખાતાં હતાં તેનાથી પોતાનું પેટ ભરવાનું તેને મન થતું હતું; કોઈ તેને કશું ખાવાનું આપતું નહિ.

17 એવામાં તે ભાનમાં આવ્યો અને તેને થયું કે, મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે ને હું તો અહીં ભૂખે મરું છું! 18 હું ઊઠીને મારા પિતાની પાસે જઈશ, અને તેમને કહીશ કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે; 19 હું તમારો દીકરો કહેવાને યોગ્ય નથી; તારા મજૂરોમાંના એકના જેવો મને રાખ.

20 પછી તે ઊઠીને પોતાના પિતાની પાસે ગયો, અને તે હજી ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, તેમને અનુકંપા આવી, અને તેના પિતા દોડીને તેને ભેટ્યા તથા તેને ચુંબન કર્યું. 21 દીકરાએ તેમને કહ્યું કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે, હવે હું તમારો દીકરો કહેવાને યોગ્ય નથી.

22 પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, સારાંમાં સારો ઝભ્ભો જલદી લાવીને એને પહેરાવો; એને હાથે વીંટી અને પગમાં પગરખું પહેરાવો; 23 ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરો. આવો આપણે મિજબાની કરીએ અને આનંદ મનાવીએ. 24 કેમ કે આ મારો દીકરો મૃત્યુ પામ્યો હતો, તે પાછો સજીવન થયો છે; તે ખોવાયેલો હતો, તે પાછો મળ્યો છે અને તેઓ આનંદ કરવા લાગ્યા.

25 હવે પિતાનો મોટો દીકરો ખેતરમાં હતો; તે ત્યાંથી ઘરે આવતાં ઘરની નજીક આવી પહોંચ્યો, ત્યારે તેણે નાચગાનનો અવાજ સાંભળ્યો. 26 તેણે ચાકરોમાંના એકને બોલાવીને પૂછ્યું કે, આ શું ચાલી રહ્યું છે? 27 ચાકરે તેને કહ્યું કે, તમારો ભાઈ પાછો આવ્યો છે, ને તમારા પિતાએ મોટી મિજબાની આપી છે, કેમ કે તે તેમને સહીસલામત પાછો મળ્યો છે.

28 પણ તે ગુસ્સે થયો, અને અંદર જવા માટે રાજી ન હતો. તેના પિતાએ બહાર આવીને તેને વિનંતી કરી. 29 પણ તેણે તેના પિતાને ઉત્તર આપતા કહ્યું કે, જો, આટલાં બધાં વર્ષથી હું તમારી ચાકરી કરું છું, અને તમારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી, તોપણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા સારુ તમે મને લવારુંય કદી આપ્યું નથી. 30 પણ આ તમારો દીકરો કે જેણે વેશ્યાઓ પાછળ તમારી મિલકત વેડફી નાખી છે, તે પાછો આવ્યો ત્યારે તમે તેને સારુ મિજબાની આપી છે.

31 પિતાએ તેને કહ્યું કે, દીકરા, તું મારી સાથે નિત્ય છે, અને જે મારું છે તે સઘળું તારું જ છે. 32 આપણે માટે ખુશી થવું તથા આનંદ કરવો તે ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ જે મૃત્યુ પામ્યો હતો, તે સજીવન થયો છે; જે ખોવાયેલો હતો, તે પાછો મળી આવ્યો છે.’”

Chapter 16

ચાલાક કારભારી

1 પછી ઈસુએ શિષ્યોને પણ કહ્યું કે, ‘એક શ્રીમંત માણસ હતો, તેણે એક કારભારી રાખ્યો; અને શ્રીમંતની આગળ કારભારી પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે, તે તમારી મિલકત ઉડાવી દે છે. 2 અને તેણે તેને બોલાવીને કહ્યું કે, આ જે તારે વિષે હું સાંભળું છું તે શું છે? તારા વહીવટનો હિસાબ આપ; કેમ કે હવેથી તું કારભારી રહી શકશે નહિ.

3 કારભારીએ પોતાના મનમાં કહ્યું કે, હું શું કરું? કેમ કે મારો માલિક મારી પાસેથી કારભાર લઈ લે છે. મારામાં મજૂરી કરવાની શકતી નથી; ભીખ માગતાં મને શરમ લાગે છે. 4 તે મને કારભારમાંથી કાઢી મૂકે ત્યારે લોકો મારા સાથમાં રહે તે માટે શું કરવું તેની મને સૂઝ પડે છે.

5 તેણે પોતાના માલિકના દરેક કરજદારને બોલાવ્યા. તેમના પહેલાને કહ્યું કે, મારા માલિકનું તારે કેટલું દેવું છે? 6 અને તેણે કહ્યું કે, સો માપ તેલ. અને તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને જલદી બેસીને પચાસ લખ. 7 પછી તેણે બીજાને કહ્યું કે, તારે કેટલું દેવું છે? અને તેણે કહ્યું કે, સો માપ ઘઉં, તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને એંસી લખ.

8 તેના માલિકે અન્યાયી કારભારીનાં વખાણ કર્યાં, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો; કેમ કે આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે. 9 અને હું તમને કહું છું કે, અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારુ મિત્રો કરો, કે જયારે તે થઈ રહે, ત્યારે તેઓ અનંતકાળના રહેઠાણોમાં તમારો અંગીકાર કરે.

10 જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણાંમાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણાંમાં પણ અન્યાયી છે. 11 માટે જો અન્યાયી દ્રવ્યમાં તમે વિશ્વાસુ ન થયા હો, તો ખરું દ્રવ્ય તમને કોણ સોંપશે? 12 જો તમે બીજાના દ્રવ્ય સંબંધી વિશ્વાસુ ન થયા હો, તો જે તમારું પોતાનું તે કોણ તમને સોંપશે?

13 કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી; કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ.

ઈસુના કેટલાક કથનો

(માથ. 11:12-13; 5:31-32; માર્ક 10:11-12)

14 અને ફરોશીઓ જેઓ દ્રવ્યના લોભી હતા તેઓએ તે સઘળી વાતો સાંભળીને તેમની ઈસુની મશ્કરી કરી. 15 ઈસુએ તેઓને કહ્યું કે, માણસોની આગળ તમે પોતાને ન્યાયી બતાવો છો, પણ ઈશ્વર તમારાં હૃદય જાણે છે; કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે ઈશ્વરની દ્રષ્ટિમાં ધિક્કારપાત્ર છે.

16 નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાનના સમય સુધી હતા; તે સમયથી ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરાય છે, અને દરેક માણસ તેમાં જબરદસ્તીથી પ્રવેશવા મથે છે. 17 પણ નિયમશાસ્ત્રની એક પણ માત્રા રદ થાય, તે કરતાં આકાશ તથા પૃથ્વીને જતું રહેવું સહેલ છે.

18 જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે, અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે.

શ્રીમંત માણસ અને ગરીબ લાજરસ

19 એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગના વણાયેલા કિંમતી વસ્ત્ર પહેરતો હતો, અને નિત્ય મોજમઝામાં રહેતો હતો. 20 લાજરસ નામે એક ભિખારી જેને આખા શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડી રહેતો હતો. 21 શ્રીમંતની મેજ પરથી પડેલા ભોંયમાંના કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો; વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા.

22 પછી એમ થયું કે તે ભિખારી મરણ પામ્યો, સ્વર્ગદૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા; અને શ્રીમંત માણસ પણ મરણ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો. 23 પાતાળમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી ઇબ્રાહિમને તથા તેના ખોળામાં લાજરસને જોયા.

24 તેણે બૂમ પાડીને કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, મારા પર દયા કરીને લાજરસને મોકલ, કે તે પોતાની આંગળી પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ આગમાં હું વેદના પામું છું.

25 પણ ઇબ્રાહિમે તેને કહ્યું, દીકરા, યાદ કર કે તારા જીવનમાં તું સારી સામગ્રી પામ્યો, અને લાજરસ તો તેવું પામ્યો ન હતો; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે, અને તું વેદના પામે છે. 26 વળી તે સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચ્ચે મોટી ખાઈ આવેલી છે, એ માટે કે જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે, તેઓ ત્યાં આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ બાજુ પણ આવી શકે નહિ.

27 તેણે કહ્યું કે, પિતા, એ માટે હું તમને વિનંતી કરું છું કે, લાજરસને મારા પિતાને ઘરે મોકલો, 28 કેમ કે મારા પાંચ ભાઈઓ છે. લાજરસ તેઓને સાક્ષી આપે, એમ ન થાય કે તેઓ પર પણ આ પીડા આવી પડે.

29 પણ ઇબ્રાહિમે કહ્યું, તેઓની પાસે મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો છે; તેઓનું તેઓ સાંભળે. 30 અને તેણે કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, એમ નહિ, પણ જો કોઈ મૃત્યુમાંથી સજીવન પામીને તેઓની પાસે જાય, તો તેઓ પસ્તાવો કરે. 31 અને તેણે ઇબ્રાહિમે તેને કહ્યું કે, જો તેઓ મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનું નહિ સાંભળે, તો પછી મૃત્યુ પામેલાઓમાંથી કોઈ ઊઠીને જાય, તોપણ તેઓ માનવાના નથી.’”

Chapter 17

ઈસુનાં બીજાં કેટલાક કથનો 1. પાપ

(માથ. 18:6-7,21-22; માર્ક 9:42)

1 ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, લોકો પાપ કરે એવી પ્રસંગ તો બનવાની જ, પણ જેનાંથી પાપ થાય છે તેને અફસોસ છે! 2 કોઈ આ નાનાઓમાંના એકને પાપ કરવા પ્રેરે, એ કરતાં તેના ગળે ઘંટી નો પથ્થર બાંધીને તેને સમુદ્રમાં ડુબાડવામાં આવે, તે તેને માટે વધારે સારુ છે.

3 સાવચેત રહો; જો તમારો ભાઈ અપરાધ કરે, તો તેને ઠપકો આપો; અને જો તે પસ્તાવો કરે, તો તેને માફ કરો. 4 જો તે એક દિવસમાં સાત વાર અપરાધ કરે, અને સાત વાર તમારી તરફ ફરીને કહે કે, હું પસ્તાઉં છું, તો તેને માફ કરો.

2. વિશ્વાસ

5 પ્રેરિતોએ પ્રભુને કહ્યું કે, ‘અમારો વિશ્વાસ વધારો.’” 6 પ્રભુએ કહ્યું કે, ‘જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ ગુલ્લર ઝાડને કહો કે અહીંથી ઊખડીને સમુદ્રમાં રોપાઈ જા તો તે તમારું માનશે.

ચાકરની ફરજ

7 પણ તમારામાંનો એવો કોણ છે કે જેનો ચાકર ખેતર ખેડતો હોય અથવા ઘેટાં ચરાવતો હોય, અને તે ચાકર જયારે ખેતરમાંથી આવે, ત્યારે તેને કહે કે, આવીને તરત જમવા બેસ? 8 તે કરતાં, શું તે એમ નહિ કહેશે કે, મારું ભોજન તૈયાર કર, અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર; અને તું પછી ખાજે પીજે?

9 તે દાસે તેની આજ્ઞાઓ પાળી હોય તે માટે તે તેનો આભાર માને છે શું? 10 તેમ જે આજ્ઞા તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું કે, અમે નકામા ચાકરો છીએ, કેમ કે જે કરવાની અમારી ફરજ હતી એટલું જ અમે કર્યું છે.’”

દસ રક્તપિત્તિયાઓ શુદ્ધ થયા

11 એમ થયું કે યરુશાલેમ જતા ઈસુ સમરુન તથા ગાલીલમાં થઈને જતા હતા. 12 એક ગામમાં ઈસુએ પ્રવેશ કર્યો, એટલામાં રક્તપિત્તી દસ દર્દીઓ તેમને સામે મળ્યા. તેઓએ દૂર ઊભા રહીને 13 બૂમ પાડીને કહ્યું કે, ‘ઓ ઈસુ, સ્વામી, અમારા પર દયા કરો.’”

14 અને તેઓને જોઈને તેમણે તેઓને કહ્યું કે, ‘જાઓ, પોતાને યાજકોને બતાવો અને એમ થયું કે તેઓને રસ્તે ચાલતાં ચાલતાં શુદ્ધ કરવામાં આવ્યા. 15 તેઓમાંનો એક, પોતે સાજો થયો છે તે જોઈને, મોટા અવાજે ઈશ્વરનો મહિમા કરતાં પાછો વળ્યો. 16 તેણે ઈસુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો; તે સમરૂની હતો.

17 ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘શું દસે જણને શુદ્ધ કરાયા નહોતા? તો બીજા નવ ક્યાં છે? 18 ઈશ્વરને મહિમા આપવાને પાછો આવે, એવો આ પરદેશી વિના અન્ય કોઈ નથી શું? 19 ઈસુએ કહ્યું કે, ‘તું ઊઠીને ચાલ્યો જા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.’”

ઈશ્વરના રાજનુ આગમન

(માથ. 24:23-28,37-41)

20 ફરોશીઓએ તેમને પૂછ્યું કે, ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે? ત્યારે તેમણે તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ઈશ્વરનું રાજ્ય દૃશ્ય રીતે નથી આવતું. 21 વળી એમ નહિ કહેવામાં આવશે કે, જુઓ, આ રહ્યું! કે, પેલું રહ્યું! કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારામાં છે.’”

22 તેમણે શિષ્યોને કહ્યું કે, ‘એવા દિવસો આવશે કે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવાની ઇચ્છા રાખશો, પણ તમે જોઈ શકશો નહિ. 23 તેઓ તમને કહેશે હે ‘જુઓ, પેલો રહ્યો, જુઓ, આ રહ્યો, તમે જતા ના, અને એમની પાછળ ચાલતા ના. 24 કેમ કે વીજળી આકાશમાં ચમકે છે ને તે એક દિશાથી બીજી દિશા સુધી પ્રકાશે છે, તેમ માણસના દીકરાનું તેમના સમયમાં આગમન થશે.

25 પણ તે પહેલાં તેમને ઘણું સહન કરવું પડશે, અને આ પેઢીથી તેમને નાપસંદ થવું પડશે. 26 અને જેમ નૂહના દિવસોમાં થયું, તેમ જ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. 27 નૂહ વહાણમાં ગયો, અને જળપ્રલય આવીને બધાનો વિનાશ કર્યો તે દિવસ સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા.

28 તેમ જ લોતના દિવસોમાં પણ થયું, તેઓ ખાતા, પીતા, વેચાતું લેતા, આપતા, રોપતા, બાંધતા હતા; 29 પણ લોત સદોમમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક સ્વર્ગમાંથી વરસ્યાં, અને તેથી બધાનો વિનાશ થયો.

30 જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તે પ્રમાણે જ થશે. 31 તે દિવસે જેઓ ઘરની અગાશી પર હોય, તેઓએ સામાન લેવા સારુ નીચે ઊતરવું નહિ, અને જે ખેતરમાં હોય તેણે પણ ત્યાંથી પાછા આવવું નહિ.

32 લોતની પત્નીને યાદ કરો. 33 કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ તેને ગુમાવશે, તે તેને બચાવશે.

34 હું તમને કહું છું કે, તે રાત્રે એક પથારીમાં બે જણ સૂતા હશે; તેઓમાંના એકને લઈ લેવાશે અને બીજાને પડતો મુકાશે. 35 બે સ્ત્રીઓ સાથે દળતી હશે; તેમાંથી એકને લઈ લેવાશે, અને બીજીને પડતી મૂકવામાં આવશે. 36 ખેતરમાં બે જણ હશે, તેઓમાંનો એક લેવાશે, અને બીજો પડતો મુકાશે,’ 37 અને તેઓએ તેમને ઉત્તર આપતાં કહ્યું કે, ‘પ્રભુ, ક્યાં?’ અને ઈસુએ તેઓને કહ્યું કે, ‘જ્યાં મૃતદેહ પડ્યો હશે ત્યાં ગીધો પણ એકઠાં થશે.’”

Chapter 18

ઈશ્વરથી ન ડરતા ન્યાયાધીશ અને વિધવાનું દ્રષ્ટાંત

1 સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, અને નાહિંમત થવું નહિ, તે શીખવવા સારુ ઈસુએ એક દ્રષ્ટાંત તેઓને કહ્યું કે, 2 ‘એક શહેરમાં એક ન્યાયાધીશ હતો, જે ઈશ્વરથી બીતો ન હતો અને માણસને ગણકારતો ન હતો.

3 તે શહેરમાં એક વિધવા સ્ત્રી હતી; તે વારંવાર તેની પાસે આવતી હતી કે ‘મારા પ્રતિવાદીની પાસેથી મને ન્યાય અપાવ.’” 4 કેટલીક મુદત સુધી તે એમ કરવા ઇચ્છતો ન હતો; પણ પછીથી તેણે પોતાના મનમાં વિચાર્યું કે, જોકે હું ઈશ્વરથી બીતો નથી, અને માણસને ગણકારતો નથી, 5 તોપણ આ વિધવા સ્ત્રી મને તસ્દી આપે છે, માટે હું તેને ન્યાય અપાવીશ, કે જેથી તે વારેઘડીએ આવીને મને તંગ કરે નહિ.’”

6 પ્રભુએ કહ્યું કે, ‘એ અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. 7 એ ન્યાયાધીશની માફક ઈશ્વર પોતાના પસંદ કરેલા, જેઓ તેમની આગળ રાતદિવસ હાંક મારે છે, અને જેઓ વિષે તે ખામોશી રાખે છે, તેઓને શું ન્યાય નહિ આપશે?’” 8 હું તમને કહું છું કે, ‘તે જલદી તેઓને ન્યાય આપશે. પરંતુ માણસનો દીકરો આવશે, ત્યારે તેમને શું પૃથ્વી પર વિશ્વાસ જડશે?’”

પ્રાર્થના કરતા ફરોશી અને જકાતદારનું દ્રષ્ટાંત

9 કેટલાક પોતાના વિષે ઘમંડ રાખતા હતા કે અમે ન્યાયી છીએ, અને બીજાને તુચ્છકારતા હતા, તેઓને પણ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે, 10 બે માણસો પ્રાર્થના કરવા સારુ ભક્તિસ્થાનમાં ગયા; એક ફરોશી, અને બીજો દાણી હતો.

11 ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, ‘ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તારી ઉપકારસ્તુતિ કરું છું. 12 અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું.’”

13 પણ દાણીએ દૂર ઊભા રહીને પોતાની આંખો સ્વર્ગ તરફ ઊંચી કરવા ન ચાહતા, દુ:ખ સાથે છાતી કૂટીને કહ્યું કે, ‘ઓ ઈશ્વર, મુજ પાપી પર દયા કરો.’” 14 હું તમને કહું છું કે, ‘પેલા કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘરે ગયો; કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરાશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.’”

નાનાં બાળકોને આશીર્વાદ

(માથ. 19:13-15; માર્ક 10:13-16)

15 તેઓ ઈસુ પાસે પોતાનાં બાળકો પણ લાવ્યા, એ સારુ કે તે તેઓને આશીર્વાદ આપે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં. 16 તેથી ઈસુએ તેઓને બોલાવીને કહ્યું કે, ‘બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે. 17 હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશી શકશે નહિ.’”

પાછો જતો રહેલો શ્રીમંત યુવાન

(માથ. 19:16-30; માર્ક 10:13-31)

18 એક અધિકારીએ ઈસુને પૂછ્યું કે, ‘ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા હું શું કરું?’” 19 ઈસુએ તેને કહ્યું કે, ‘તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી. 20 તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, પોતાના માબાપને માન આપ.’” 21 તેણે કહ્યું કે, એ બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું.’”

22 ઈસુએ તે સાંભળીને તેને કહ્યું કે, ‘તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખ, અને તે ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; પછી આવીને મારી પાછળ ચાલ.’” 23 પણ એ સાંભળીને તે અતિ ઉદાસ થયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.

24 ઈસુએ તેને જોઈને ઉદાસ થયો અને કહ્યું કે, ‘જેઓ ધનવાન છે, તેઓને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ ખૂબ અઘરું છે! 25 કેમ કે શ્રીમંતને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.’”

26 તે વચન સાંભળનારાઓએ કહ્યું કે, ‘તો કોણ ઉદ્ધાર પામી શકે?’” 27 પણ ઈસુએ કહ્યું કે, ‘માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.’”

28 પિતરે કહ્યું કે, ‘જુઓ, અમે પોતાનું બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.’” 29 ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે કોઈએ ઘરને, પત્નીને, ભાઈઓને, માબાપને કે સંતાનોને ઈશ્વરના રાજ્યને લીધે ત્યાગ્યા હશે, 30 તેને આ જીવનકાળમાં અનેકગણું તથા આવનાર જમાનામાં અનંતજીવન પ્રાપ્ત થશે જ.’”

ઈસુએ ત્રીજી વખત પોતાના મૃત્યુની આગાહી કરી

(માથ. 20:17-19; માર્ક 10:32-34)

31 ઈસુએ બારે શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે,’ જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ, અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોથી જે લખાયું છે તે સર્વ પૂરું કરાશે. 32 કેમ કે તેમને બિનયહૂદીઓને આધીન કરાશે, અને તેમની મશ્કરી તથા અપમાન કરાશે, અને તેમના પર તેઓ થૂંકશે; 33 વળી કોરડા મારીને તેઓ તેમને મારી નાખશે, અને ત્રીજે દિવસે તે પાછા સજીવન થશે.’”

34 પણ તેમાંનું કંઈ તેઓના સમજવામાં આવ્યું; નહિ અને આ વાત તેઓથી ગુપ્ત રહી, અને જે કહેવામાં આવ્યું તે તેઓ સમજ્યા નહિ.

ઈસુ યરીખોના અંધ ભિખારીને દેખતો કરે છે

(માથ. 20:29-34; માર્ક 10:46-52)

35 એમ થયું કે ઈસુ યરીખો પાસે આવતા હતા, ત્યારે માર્ગની બાજુએ એક અંધ જન બેઠો હતો, તે ભીખ માગતો હતો. 36 ઘણાં લોકો પાસે થઈને જતા હોય એવું સાંભળીને તેણે પૂછ્યું કે, ‘આ શું હશે?’” 37 તેઓએ તેને કહ્યું કે, ‘ઈસુ નાઝારી પાસે થઈને જાય છે.’”

38 તેણે બૂમ પાડીને કહ્યું કે, ‘ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.’” 39 જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવ્યો, કે ‘ચૂપ રહે;’ પણ તેણે વધારે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, ‘દાઉદના દીકરા, મારા પર દયા કરો.’”

40 ઈસુએ ઊભા રહીને તેને પોતાની પાસે લાવવાની આજ્ઞા કરી અને તે પાસે આવ્યો, ત્યારે ઈસુએ તેને પૂછ્યું કે, 41 ‘હું તારે માટે શું કરું, તારી ઇચ્છા શી છે?’ તેણે કહ્યું કે, ‘પ્રભુ હું દ્રષ્ટિ પામું.

42 ઈસુએ તેને કહ્યું કે, ‘તું દ્રષ્ટિ પામ; તારા વિશ્વાસે તને બચાવ્યો છે,’ 43 અને તરત તે દ્રષ્ટિ પામ્યો અને ઈશ્વરને મહિમા આપતો તે તેમની પાછળ ચાલ્યો; બધા લોકોએ તે જોઈને ઈશ્વરની સ્તુતિ કરી.

Chapter 19

ઈસુ અને જાખ્ખી

1 ઈસુ યરીખોમાં થઈને જતા હતા. 2 ત્યાં જાખ્ખી નામે એક પુરુષ હતો; તે મુખ્ય દાણી હતો, અને શ્રીમંત હતો.

3 તેણે ઈસુને જોવા કોશિશ કરી કે તે કોણ છે, પણ ભીડને લીધે તે તેમને જોઈ શક્યો નહિ, કેમ કે તે નીચા કદનો હતો. 4 તેથી આગળ દોડી જઈને ઈસુને જોવા સારુ ગુલ્લર ઝાડ પર તે ચડ્યો; ઈસુ તે રસ્તે થઈને પસાર થવાનાં હતા.

5 તે જગ્યાએ ઈસુ આવ્યા. તેમણે ઊંચે જોઈને કહ્યું, ‘જાખ્ખી, તું જલદી નીચે ઊતરી આવ, મારો આજનો ઉતારો તારે ઘરે છે.’” 6 તે જલદી નીચે ઊતર્યો. તેણે આનંદથી ઈસુને આવકાર્યા. 7 બધાએ તે જોઈને કચકચ કરી કે, ઈસુ પાપી માણસને ઘરે મહેમાન તરીકે રહેવા ગયો છે.

8 જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે, ‘પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ ગરીબોને આપું છું; અને જો અન્યાયથી મેં કોઈનાં નાણાં પડાવી લીધા હોય તો હું ચારગણાં પાછા આપીશ,’ 9 ઈસુએ તેને કહ્યું કે, ‘આજે આ ઘરે ઉદ્ધાર આવ્યો છે, કારણ કે જાખ્ખી પણ ઇબ્રાહિમનો દીકરો છે. 10 કેમ કે જે ખોવાયું છે તેને શોધવા તથા ઉદ્ધાર કરવા સારુ માણસનો દીકરો આવ્યો છે.’”

મહોરોની સોંપણી અને હિસાબનું દ્રષ્ટાંત

(માથ. 25:14-30)

11 તેઓ આ વચન સાંભળતાં હતા, ત્યારે ઈસુએ અન્ય એક દ્રષ્ટાંત પણ કહ્યું, કેમ કે તે યરુશાલેમ પાસે આવ્યા હતા, અને તેઓ એમ ધારતા હતા કે, ઈશ્વરનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે. 12 માટે ઈસુએ કહ્યું કે, ‘એક કુળવાન માણસ પોતાને માટે રાજ્ય મેળવીને પાછા આવવાના ઇરાદાથી દૂર દેશ ગયો.

13 તે અગાઉ તેણે પોતાના દસ ચાકરોને બોલાવીને તેઓને દરેકને એક એમ કુલ દસ મહોર આપીને તેઓને કહ્યું કે, હું આવું ત્યાં લગી તમે તેનો વહીવટ કરો. 14 પણ તેના શહેરના માણસો તેના પર દ્વેષ રાખતા હતા, અને તેની પાછળ એલચીઓને મોકલીને કહેવડાવ્યું કે, ‘એ માણસ અમારા પર રાજ્ય કરે એવું અમે ઇચ્છતા નથી.’” 15 એમ થયું કે તે રાજ્ય મેળવીને પાછો આવ્યો, ત્યારે જે નોકરોને તેણે નાણું આપ્યું હતું, તેઓને પોતાની પાસે બોલાવવાનું કહ્યું, એ માટે કે તેઓ શું શું કમાયા, તે એ જાણે.

16 ત્યારે પહેલાએ તેની પાસે આવીને કહ્યું કે, ‘માલિક, તમારી એક મહોરે બીજી દસ મહોર પેદા કરી છે. 17 તેણે તેને કહ્યું કે, ‘શાબાશ, સારાં તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે, માટે દસ શહેરોનો અધિકારી થા.’”

18 બીજાએ આવીને કહ્યું કે, ‘શેઠ, તમારી એક મહોરે પાંચ મહોર પેદા કરી છે.’” 19 તેણે તેને પણ કહ્યું કે, ‘તું પણ પાંચ શહેરનો ઉપરી થા.’”

20 બીજા ચાકરે આવીને કહ્યું કે, ‘માલિક, જુઓ, તમારી મહોર આ રહી, મેં રૂમાલમાં બાંધીને તેને સાચવી રાખી હતી, 21 કારણ કે તમારી મને બીક લાગતી હતી, કેમ કે તમે કડક માણસ છો; તમે જે મૂક્યું ન હોય તે ઉઠાવો છો, અને જે વાવ્યું ન હોય તે તમે કાપો છો.’”

22 કુલવાન માણસે તેને કહ્યું, ‘ઓ દુષ્ટ નોકર, તારા પોતાના મુખથી હું તારો ન્યાય કરીશ; હું કડક માણસ છું, જે મૂક્યું ન હોય, તે હું ઉઠાવું છું, અને જે વાવ્યું ન હોય તે કાપું છું, એમ તું જાણતો હતો; 23 માટે તેં શાહુકારને ત્યાં મારું નાણું કેમ નહોતું આપ્યું, કે હું આવીને વ્યાજ સહિત તે મેળવી શકત.

24 પછી જેઓ પાસે ઊભા હતા તેઓને તેણે કહ્યું કે, તેની પાસેથી તે મહોર લઈ લો, અને જેની પાસે દસ મહોર છે તેને આપો.’” 25 તેઓએ તેને કહ્યું કે, ‘માલિક, તેની પાસે તો દસ મહોર છે!’”

26 હું તમને કહું છું કે, જે કોઈની પાસે છે, તેને અપાશે, અને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે. 27 પરંતુ આ મારા વૈરીઓ કે જેઓ ચાહતા નહોતા કે હું તેઓ પર રાજ કરું, તેઓને અહીં પકડી લાવો, અને મારી આગળ મારી નાખો.’”

યરુશાલેમમાં વિજય પ્રવેશ

(માથ. 21:1-11; માર્ક 11:1-11; યોહ. 12:12-19)

28 એમ કહ્યાં પછી તે યરુશાલેમને માર્ગે તેમની આગળ ચાલવા લાગ્યા.

29 એમ થયું કે ઈસુ બેથફાગે તથા બેથાનિયા પાસે જૈતૂન નામના પહાડ આગળ આવ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને એવું કહી મોકલ્યા કે, 30 ‘તમે સામેના ગામમાં જાઓ, અને તેમાં પેસતાં જ ગધેડાનું એક વછેરું બાંધેલું તમને મળશે, તેના પર કોઈ માણસ કદી બેઠું નથી; તેને છોડી લાવો. 31 જો કોઈ તમને પૂછે કે, તેને કેમ છોડો છો? તો એમ કહો કે, પ્રભુને તેની જરૂર છે.’”

32 જેઓને મોકલ્યા તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તે પ્રમાણે તેઓને વછેરું મળ્યું. 33 તેઓ તેને છોડતા હતા ત્યારે તેના માલિકોએ તેઓને કહ્યું કે, તમે વછેરાને કેમ છોડો છો?’” 34 તેઓએ કહ્યું કે, ‘પ્રભુને તેની જરૂર છે.’” 35 તેઓ તેને ઈસુની પાસે લાવ્યા, અને વછેરા પર પોતાનાં વસ્ત્ર નાખીને ઈસુને તેના પર સવાર થયા. 36 ઈસુ જતા હતા ત્યારે લોકોએ પોતાનાં વસ્ત્ર માર્ગમાં પાથર્યાં.

37 ઈસુ નજીકમાં જૈતૂન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યાં, ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયાં હતાં, તે સઘળાંને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષ કરીને ઊંચે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા કે, 38 ‘પ્રભુને નામે જે રાજા આવે છે તે આશીર્વાદિત છે! આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા!’”

39 લોકોમાંથી કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું કે, ‘ઉપદેશક, તમારા શિષ્યોને ધમકાવો.’” 40 ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘હું તમને કહું છું કે જો તેઓ ચૂપ રહેશે તો પથ્થરો પોકારી ઊઠશે.’”

યરુશાલેમ માટે ઈસુનું રુદન

41 ઈસુ પાસે આવ્યા ત્યારે શહેરને જોઈને તેને લીધે રડ્યા, અને કહ્યું કે, 42 ‘હે યરુશાલેમ, જો તેં, હા તેં, શાંતિને લગતી જે બાબતો છે તે જો તેં આજે જાણી હોત તો કેવું સારું! પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલી છે.

43 કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જયારે તારા વૈરીઓ તારી આજુબાજુ દીવાલ બાંધશે. તને ઘેરી લેશે, અને ચારેબાજુથી તને દબાવશે. 44 તેઓ તને તથા તારી સાથે રહેતાં તારાં છોકરાંને જમીન પર પછાડી નાખશે, અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહિ, કેમ કે તારી કૃપાદ્રષ્ટિનો સમય તેં જાણ્યો નહિ.’”

સભાસ્થાનનું શુદ્ધિકરણ

(માથ. 21:12-17; માર્ક 11:15-19; યોહ. 2:13-22)

45 ઈસુ ભક્તિસ્થાનમાં ગયા અને ત્યાંનાં દુકાનદારોને અંદરથી કાઢી મૂક્યાં.’” 46 તેણે તેઓને કહ્યું કે, એમ લખ્યું છે કે, ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે, પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.’”

47 ઈસુ રોજ ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા, પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના આગેવાનો તેમને મારી નાખવાની કોશિશ કરતા હતા; 48 શું કરવું તે તેઓને સમજાયું નહિ; કેમ કે બધા લોકો એક ચિત્તે ઈસુને સાંભળતાં હતા.

Chapter 20

ઈસુના અધિકાર વિષે પ્રશ્ન

(માથ. 21:23-37; માર્ક 11:27-33)

1 એક દિવસે એમ થયું કે ઈસુ ભક્તિસ્થાનમાં લોકોને બોધ આપતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો પાસે આવીને ઊભા રહ્યા. 2 તેમની સાથે વાત કરતાં તેઓએ કહ્યું કે, ‘અમને કહે કે, કયા અધિકારથી તું આ કામો કરો છો? આ અધિકાર તને કોણે આપ્યો છે?’”

3 ઈસુએ તેઓને જવાબ આપતા કહ્યું કે, ‘હું પણ તમને એક વાત પૂછું છું, તે મને કહો 4 યોહાનનું બાપ્તિસ્મા સ્વર્ગથી હતું કે માણસોથી?’”

5 તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું કે, ‘જો કહીએ કે સ્વર્ગથી, તો તે કહેશે, તો તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ? 6 અને જો કહીએ કે ‘માણસોથી’, તો બધા લોકો આપણને પથ્થર મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો.’”

7 તેઓએ ઉત્તર આપ્યો કે, ‘તે ક્યાંથી હતું એ અમે નથી જાણતા.’” 8 ઈસુએ તેઓને કહ્યું કે, “હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું.’”

દ્રાક્ષાવાડીના ખેડૂતોનું દ્રષ્ટાંત

(માથ. 21:33-46; માર્ક 12:1-12)

9 તે લોકોને આ દ્રષ્ટાંત કહેવા લાગ્યા કે, ‘એક માણસે દ્રાક્ષાવાડી રોપી, અને તે ખેડૂતોને ભાડે આપી, પછી લાંબા સમય સુધી તે પરદેશ જઈને રહ્યો. 10 મોસમે તેણે ખેડૂતોની પાસે એક નોકરને મોકલ્યો કે તેઓ દ્રાક્ષાવાડીના ફળનો ભાગ તેને આપે; પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથે પાછો મોકલ્યો.

11 પછી તેણે બીજા એક ચાકરને મોકલ્યો; તેઓએ તેને પણ મારીને તથા અપમાન કરીને ખાલી હાથે કાઢી મૂક્યો. 12 તેણે ત્રીજા નોકરને મોકલ્યો; અને તેઓએ તેને પણ ઘાયલ કરીને કાઢી મૂક્યો.

13 દ્રાક્ષાવાડીના માલિકે કહ્યું કે, ‘હું શું કરું? હું મારા વહાલા દીકરાને મોકલીશ, તેને જોઈને કદાપિ તેઓ તેનું માન રાખે.’” 14 પણ ખેડૂતોએ જયારે તેને જોયો ત્યારે તેઓએ માંહોમાંહે મનસૂબો કરીને કહ્યું કે, આ વારસ છે, ચાલો, આપણે તેને મારી નાખીએ કે વારસો આપણો થાય.

15 તેઓએ તેને વાડીમાંથી બહાર ધકેલીને મારી નાખ્યો. માટે હવે દ્રાક્ષાવાડીનો માલિક તેઓને શું કરશે? 16 તે આવીને ખેડૂતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. અને એ સાંભળીને તેઓએ કહ્યું કે, ‘એવું ન થાઓ.’”

17 પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું, કે ‘આ જે લખેલું છે તેનો અર્થ શો છે?, એટલે, જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો. 18 તે પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, પણ જેનાં પર તે પડશે, તેને તે કચડી નાખશે.

કાઈસારને કર ભરવો કે નહિ?

(માથ. 22:15-22; માર્ક 12:13-17)

19 શાસ્ત્રીઓએ તથા મુખ્ય યાજકોએ તે જ ઘડીએ તેમના પર હાથ નાખવાની કોશિશ કરી; પણ તેઓ લોકોથી બીધા, કેમ કે તેઓ સમજ્યા કે, તેમણે આ દ્રષ્ટાંત આપણા પર કહ્યું છે. 20 તેમના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનો દેખાવ કરનારા જાસૂસોને મોકલ્યા, એ સારુ કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને રાજ્યપાલના હવાલામાં તથા અધિકારમાં સોંપી દે.

21 તેઓએ ઈસુને પૂછ્યું કે, ‘ઉપદેશક, અમે જાણીએ છીએ, કે તમે જે કહો છો અને શીખવો છો સત્ય છે, અને તમે કઈ પણ વાતથી પ્રભાવિત થતા નથી, પણ સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો; 22 તો આપણે કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ?’”

23 પણ તેઓનું કપટ જાણીને ઈસુએ તેઓને કહ્યું કે, 24 ‘મને એક દીનાર સિક્કો દેખાડો; એના પર કોની છાપ તથા કોનો લેખ છે?’ અને તેઓએ કહ્યું કે, ‘કાઈસારનાં.’”

25 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તો જે કાઈસારનું છે તે કાઈસારને અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને ચૂકવી આપો.’” 26 લોકોની આગળ તેઓ આ વાતમાં ઈસુને પકડી શક્યા નહિ, અને તેમના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ ચૂપ રહ્યા.

પુનરુત્થાન વિષે પ્રશ્ન

(માથ. 22:23-33; માર્ક 12:18-27)

27 સદૂકીઓ જે કહે છે કે પુનરુત્થાન નથી, તેઓમાંના કેટલાકે તેમની પાસે આવીને પૂછ્યું કે, 28 ‘ઉપદેશક, મૂસાએ અમારે વાસ્તે લખ્યું છે કે, જો કોઈનો ભાઈ, તેની પત્ની જીવતી છતાં, સંતાન વિના મૃત્યુ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને પરણે અને પોતાના ભાઈને સારુ સંતાન ઉપજાવે.

29 હવે, સાત ભાઈ હતા; અને પહેલો પત્નીને પરણીને સંતાન વિના મરણ પામ્યો; 30 પછી બીજાએ તેને પત્ની કરી અને તેના મરણ પછી 31 ત્રીજાએ તેને પત્ની કરી. એમ સાતેય ભાઈઓ નિ:સંતાન મરણ પામ્યા. 32 પછી તે સ્ત્રી પણ મરણ પામી. 33 તો મરણોત્થાનમાં તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે તે સાતેયની પત્ની થઈ હતી.’”

34 ઈસુએ તેઓને કહ્યું કે, ‘આ જગતના છોકરાં પરણે છે તથા પરણાવાય છે; 35 પણ જેઓ જગતને તથા મરેલામાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતા નથી તથા પરણાવતા નથી; 36 કેમ કે તેઓ ફરીથી મરણ પામી શકતા નથી; કારણ કે તેઓ સ્વર્ગદૂતો સમાન છે; પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે.

37 વળી ‘ઝાડવાં’ નામના પ્રકરણમાં મૂસા પ્રભુને ઇબ્રાહિમનાં ઈશ્વર તથા ઇસહાકના ઈશ્વર તથા યાકૂબના ઈશ્વર કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મૂએલાં ઉઠાડાય છે. 38 હવે તે મૂએલાના ઈશ્વર નથી, પણ જીવતાંઓના ઈશ્વર છે; કેમ કે બધા તેમને અર્થે જીવે છે.’”

39 શાસ્ત્રીઓમાંના કેટલાકે જવાબ આપતાં કહ્યું કે, ‘ઉપદેશક, તમે સાચું કહ્યું.’” 40 પછીથી તેમને કશું પૂછવાની તેઓની હિંમત ચાલી નહિ.

ખ્રિસ્ત-દાઉદ પુત્ર

(માથ. 22:41-46; માર્ક 12:35-37)

41 ઈસુએ તેઓને કહ્યું કે, ‘ખ્રિસ્ત દાઉદ નો દીકરો છે, એમ લોકો કેમ કહે છે? 42 કેમ કે દાઉદ પોતે ગીતશાસ્ત્રમાં કહે છે કે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, 43 હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. 44 દાઉદ તો તેમને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય?’”

શાસ્ત્રીઓ વિષે સાવધાન રહેવા સંબંધી

(માથ. 23:1-36; માર્ક 12:38-40)

45 સઘળા લોકોના સાંભળતાં ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, 46 ‘શાસ્ત્રીઓથી સાવધાન રહો, કેમ કે તેઓ ઝભ્ભા પહેરીને ફરવાનું, તથા ચોકમાં સલામો પામવાનું તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ ચાહે છે; 47 જેઓ વિધવાઓની મિલકત પડાવી લે છે અને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.’”

Chapter 21

વિધવાનું બે દમડીનું દાન

(માર્ક 12:41-44)

1 ઈસુ ભક્તિસ્થાનમાં ઊંચું જોતાં હતા. ત્યાં તેમણે શ્રીમંતોને ભંડારમાં પોતાનાં દાન નાખતા જોયા. 2 એક દરિદ્રી વિધવાને તેમાં નજીવા મૂલવાળા બે નાના સિક્કા નાખતા જોઈ, 3 ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હું તમને સાચું કહું છું કે, આ ગરીબ વિધવાએ તે સર્વ કરતાં વધારે દાન આપ્યું છે. 4 કેમ કે એ સહુએ પોતાની જરૂરિયાત કરતાં વધારે હતું તેમાંથી દાન પેટીમાં કંઈક આપ્યું છે, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે.’”

ભક્તિસ્થાનના નાશની આગાહી

(માથ. 24:1-12; માર્ક 13:1-2)

5 સુંદર પથ્થરોથી તથા દાનોથી ભક્તિસ્થાન કેવું સુશોભિત કરાયેલું છે તે વિષે કેટલાક વાત કરતા હતા, ત્યારે ઈસુએ કહ્યું કે, 6 ‘આ બધું તમે જુઓ છો ખરા, પણ એવા દિવસો આવશે કે જયારે અહીં પાડી નંખાશે નહિ એવો એક પથ્થર બીજા પર રહેવા દેવાશે નહિ.’”

સંકટોની સતાવણી

(માથ. 24:3-14; માર્ક 13:3-13)

7 તેઓએ તેમને પૂછ્યું કે, ‘ઉપદેશક, તો એ ક્યારે થશે? જયારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે કઈ નિશાની દેખાશે?’” 8 ઈસુએ કહ્યું કે, ‘કોઈ તમને ભુલાવે નહિ માટે સાવધાન રહો; કેમ કે મારે નામે ઘણાં આવીને કહેશે કે, તે હું છું; અને સમય પાસે આવ્યો છે; તો તમે તેઓને અનુસરશો નહિ.’” 9 જયારે તમે યુદ્ધોના તથા બળવાઓના સમાચાર સાંભળો ત્યારે ગભરાશો નહિ, કેમ કે આ બધું પ્રથમ હોવું જ જોઈએ; પણ એટલેથી અંત આવવાનો નથી.

10 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે,’ પ્રજા પ્રજા વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; 11 અને મોટા ધરતીકંપો થશે, તથા ઠેરઠેર દુષ્કાળ તથા મરકીઓ થશે; સ્વર્ગમાંથી ભયંકર ઉત્પાત તથા ભયાનક ચમત્કારિક ચિહ્નો થશે.

12 પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, તમને સતાવશે અને સભાસ્થાનો તથા જેલના અધિકારીઓને હવાલે કરશે, અને રાજાઓ તથા રાજ્યપાલ સમક્ષ લઈ જશે. 13 એ તમારે સારુ સુવાર્તા સંભળાવવી તે તમારે સારુ સાક્ષીરૂપ બની રહેશે.

14 માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે અગાઉથી ચિંતા કરવી નહિ. 15 કેમ કે હું તમને એવું મુખ તથા એવી બુદ્ધિ આપીશ, કે તમારો કોઈ પણ વિરોધી તમારી સાથે વાદવિવાદ કરી શકશે નહિ અને તમારી સામે થઈ શકશે નહિ.

16 માબાપથી, ભાઈઓથી, સગાંથી તથા મિત્રોથી પણ તમે પરાધીન કરાશો; તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે. 17 મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે. 18 પણ તમારા માથાનો એક વાળ પણ નાશ થશે નહિ. 19 તમારી ધીરજથી તમારા જીવને તમે બચાવશો.

યરુશાલેમના વિનાશ અંગે આગાહી

(માથ. 24:15-21; માર્ક 13:14-19)

20 પણ જયારે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો નાશ થવાનો સમય પાકી ગયો છે. 21 ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું; અને જેઓ ખેતરોમાં હોય તેઓએ શહેરમાં આવવું નહિ. 22 કેમ કે એ વેર વાળવાના દિવસો છે, એ માટે કે જે લખેલું છે, તે બધું પૂરું થાય.

23 એ દિવસોમાં જેઓ સગર્ભા હશે તથા જેઓ સ્તનપાન કરાવતી હશે તેઓની હાલત દુઃદાયક થશે. કેમ કે દેશ પર મોટી વિપત્તિ, અને આ લોકો પર કોપ આવી પડશે. 24 તેઓ તલવારની ધારથી માર્યા જશે, અને કેટલાકને ગુલામ બનાવીને અન્ય દેશોમાં લઈ જવાશે; અને વિદેશીઓના સમયો પૂરા થશે, ત્યાં લગી યરુશાલેમ તેઓથી ખૂંદી નંખાશે.

માનવ પુત્રનું આગમન

(માથ. 24:29-31; માર્ક 13:24-27)

25 સૂર્ય તથા ચંદ્ર તથા તારાઓમાં ચમત્કારિક ચિહ્નો થશે; અને પૃથ્વી પર દેશજાતિઓ, સમુદ્રના મોજાંઓની ગર્જનાથી ત્રાસીને ગભરાઈ જશે. 26 દુનિયા ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની આશંકાથી માણસો બેભાન થઈ જશે; કેમ કે આકાશમાં પરાક્રમો હલાવાશે.

27 ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત વાદળામાં આવતા જોશે. 28 પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચા કરો, કેમ કે તમારો છુટકારો પાસે આવ્યો છે, એવું સમજવું.

અંજીરી પરથી મળતો બોધપાઠ

(માથ. 24:32-35; માર્ક 13:28-31)

29 ઈસુએ તેઓને દ્રષ્ટાંત કહ્યું કે, અંજીરી તથા સર્વ વૃક્ષોને જુઓ. 30 હવે તેઓ જયારે ફૂટવા માંડે છે ત્યારે તમે તે જોઈને સમજો છો કે ઉનાળો નજીક છે. 31 તેમ જ તમે પણ આ સઘળું થતાં જુઓ, ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે છે.

32 હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ. 33 આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.

સાવધાન રહેવાની જરૂર

34 તમે સાવધાન રહો, રખેને અતિશય ખાવાથી કે પીવાથી તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થાય, અને તે દિવસ જાળની જેમ તમારા પર ઓચિંતો આવી પડે. 35 કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપર વસનારાં સર્વ પર ફાંદારૂપ આવી પડવાનો છે.

36 તમે સતત જાગતા રહો અને પ્રાર્થના કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની સમક્ષ રજૂ થવા માટે તમે સક્ષમ થાઓ.’”

37 ઈસુ દરરોજ દિવસે ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા અને રાતવાસો જૈતૂન પહાડ પર કરતા હતા. 38 બધા લોકો તેમનું સાંભળવા સારુ વહેલી સવારે તેમની પાસે ભક્તિસ્થાનમાં આવતા હતા.

Chapter 22

ઈસુની વિરુદ્ધ કાવતરું

(માથ. 26:1-5; માર્ક 14:1-2; યોહ. 11:45-53)

1 હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખાપર્વ કહેવાય છે, તે પાસે આવ્યું. 2 ઈસુને શી રીતે મારી નાખવા, તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા; કેમ કે તેઓ લોકોથી બીતા હતા.

ઈસુને પકડાવી દેવા યહૂદાની સંમતિ

(માથ. 26:14-16; માર્ક 14:10-11)

3 યહૂદા જે ઇશ્કારિયોત કહેવાતો હતો, જે બાર શિષ્યોમાંનો એક હતો, તેનામાં શેતાને પ્રવેશ કર્યો. 4 તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં ઈસુને શી રીતે સ્વાધીન કરવા, તે સંબંધી તેઓની સાથે મસલત કરી.

5 તેથી તેઓ ખુશ થયા, અને યહૂદાને પૈસા આપવાનું વચન આપ્યું; 6 તે સહમત થયો, અને લોકો હાજર ન હોય ત્યારે ઈસુને તેઓના હાથમાં સોંપવાની તક તે શોધતો રહ્યો.

પાસ્ખાપર્વના ભોજનની તૈયારી

(માથ. 26:17-25; માર્ક 14:12-21; યોહ. 13:21-30)

7 બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જયારે પાસ્ખાના યજ્ઞમાં ઘેંટાઓનું બલિદાન કરવાનું હતું. 8 ઈસુએ પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા કે, ‘જઈને આપણે સારુ પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ.’” 9 તેઓએ ઈસુને કહ્યું કે, ‘અમે ક્યાં તૈયાર કરીએ એ વિષે તમારી શી ઇચ્છા છે?’”

10 ઈસુએ તેઓને કહ્યું કે, ‘જુઓ, તમને શહેરમાં પેસતાં પાણીનો ઘડો લઈને જતો એક પુરુષ મળશે, તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ જજો.’” 11 ઘરના માલિકને કહેજો કે,’ ઉપદેશક તને કહે છે કે, જ્યાં મારા શિષ્યોની સાથે હું પાસ્ખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે?

12 તે પોતે તમને એક મોટી મેડી સુસજ્જ અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્ખા તૈયાર કરો.’” 13 તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું, અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યું.

પ્રભુભોજન

(માથ. 26:26-30; માર્ક 14:22-26; 1 કરિં. 11:23-25)

14 વખત થયો ત્યારે તે બેઠા, તથા બાર પ્રેરિતો તેમની સાથે બેઠા. 15 ઈસુએ તેઓને કહ્યું કે, ‘મરણ સહ્યાં પહેલાં આ પાસ્ખા તમારી સાથે ખાવાની મારી ઘણી ઇચ્છા હતી. 16 કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરના રાજ્યમાં તે પૂરું થાય ત્યાં સુધી હું તે ફરી ખાઈશ નહિ.’”

17 ઈસુએ પ્યાલો લઈને આભાર માની અને કહ્યું કે, ‘આ લો, અને માંહોમાંહે વહેંચો. 18 કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય આવે ત્યાં સુધી હું હવેથી દ્રાક્ષનો રસ પીનાર નથી.’”

19 પછી ઈસુએ રોટલી લઈને આભાર માની અને ભાંગી, અને તેઓને આપીને કહ્યું કે, ‘આ મારું શરીર છે જે તમારે સારુ આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો.’” 20 તે પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું કે, ‘આ પ્યાલો તમારે સારુ વહેવડાવેલા મારા રક્તમાંનો નવો કરાર છે.

21 પણ જુઓ, જે મને પરાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે. 22 માણસનો દીકરો ઠરાવ્યાં પ્રમાણે જાય છે ખરો, પણ જે માણસથી તે પરાધીન કરાય છે તેને અફસોસ છે!’ 23 તેઓ અંદરોઅંદર પૂછપરછ કરવા લાગ્યા, કે’ આપણામાંનો કોણ આ કામ કરવાનો હશે?’”

સૌથી મોટું કોણ? વાદવિવાદ

24 આપણામાં કોણ મોટો ગણાય તે સંબંધી પણ તેઓમાં વાદવિવાદ શરૂ થયો. 25 ઈસુએ તેઓને કહ્યું કે, ‘વિદેશીઓના રાજાઓ તેમના પર સત્તા ચલાવે છે અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે.

26 પણ તમે એવા ન થાઓ; પણ તમારામાં જે મોટો હોય તેણે નાના જેવા થવું, અને જે આગેવાન હોય તેણે સેવકના જેવા થવું. 27 કેમ કે આ બેમાં કયો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર મોટો નથી? પણ હું તમારામાં સેવા કરનારનાં જેવો છું.

28 પણ મારી કપરી કસોટીઓમાં મારી સાથે રહેનાર તમે થયા છો. 29 જેમ મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું; 30 કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ અને પીઓ; અને તમે ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરતાં રાજ્યાસનો પર બિરાજો.’”

પિતરના નકાર અંગે ઈસુની આગાહી

(માથ. 26:31-35; માર્ક 14:27-31; યોહ. 13:36-38)

31 ‘સિમોન, સિમોન, જો, શેતાને તમને ઘઉંની પેઠે ચાળવા સારુ કબજે લેવા માગ્યા. 32 પણ મેં તારે સારુ પ્રાર્થના કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ; અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.’”

33 તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા તથા મરવા પણ તૈયાર છું.’” 34 પણ ઈસુએ કહ્યું કે, ‘પિતર, હું તને કહું છું કે, આજે મરઘો બોલ્યા અગાઉ, હું તને ઓળખતો નથી, એમ કહીને તું ત્રણ વાર મારો નકાર કરશે.’”

થેલી, ઝોળી ને તલવાર રાખો

35 પછી તેણે તેઓને પૂછ્યું કે, ‘જયારે થેલી, ઝોળી તથા પગરખાં વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી?’ તેઓએ કહ્યું કે, ‘કશાની નહિ.’” 36 ત્યારે તેમણે તેઓને કહ્યું, ‘પણ હમણાં જેની પાસે નાણાં હોય તે રાખે, થેલી પણ રાખે, અને જેની પાસે તલવાર ના હોય તે પોતાનું વસ્ત્ર વેચીને તલવાર ખરીદી રાખે.

37 કેમ કે હું તમને કહું છું કે, ‘તે અપરાધીઓની સાથે ગણાયો’, એવું જે લખેલું છે તે મારા સંદર્ભે હજી પૂરું થવું જોઈએ; કારણ કે મારા સંબંધીની વાતો પૂરી થાય છે.’” 38 તેઓએ કહ્યું કે, ‘પ્રભુ, જો બે તલવાર આ રહી;’ તેણે તેઓને કહ્યું કે, ‘એ બસ છે.’”

ઈસુ જૈતૂન પહાડ પર પ્રાર્થના કરે છે

(માથ. 26:36-46; માર્ક 14:32-42)

39 બહાર નીકળીને પોતાની રીત પ્રમાણે ઈસુ જૈતૂન પહાડ પર ગયા; શિષ્યો પણ તેમની પાછળ ગયા. 40 ઈસુ તે જગ્યાએ આવ્યા, ત્યારે તેમણે તેઓને કહ્યું કે, ‘પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.’”

41 આશરે પથ્થર ફેંકાય તેટલે દૂર તે તેઓથી ગયા, અને ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરતાં કહ્યું કે, 42 ‘હે પિતા, જો તમારી ઇચ્છા હોય, તો આ પ્યાલો મારાથી દૂર કરો, તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’”

43 આકાશમાંથી ઈસુને બળ આપતો એક સ્વર્ગદૂત તેમને દેખાયો. 44 તેમણે વેદના સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી, અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.

45 પ્રાર્થના કરીને ઊઠયા પછી ઈસુ પોતાના શિષ્યોની પાસે પાછા આવ્યા, ત્યારે તેઓને દુઃખને લીધે નિદ્રાવશ થયેલા જોયા, 46 ઈસુએ તેઓને કહ્યું કે, ‘કેમ ઊંઘો છો? ઊઠીને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો.’”

ઈસુની ધરપકડ

(માથ. 26:47-56; માર્ક 14:43-50; યોહ. 18:3-11)

47 તે હજી બોલતા હતા એટલામાં, જુઓ, ઘણાં લોકો આવ્યા, યહૂદા નામે બાર શિષ્યોમાંનો એક તેઓની આગળ ચાલતો હતો; તે ઈસુને ચુંબન કરવા સારુ તેમની પાસે આવ્યો. 48 પણ ઈસુએ તેને કહ્યું, ‘શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરાધીન કરે છે?’”

49 જેઓ તેમની આસપાસ હતા તેઓએ શું થવાનું છે તે જોઈને તેમને પૂછ્યું, ‘પ્રભુ, અમે તલવાર મારીએ શું?’” 50 તેઓમાંનાં એકે પ્રમુખ યાજકના ચાકરને તલવારનો ઝટકો માર્યો, અને તેનો જમણો કાન કાપી નાખ્યો. 51 પણ ઈસુએ કહ્યું કે, ‘હવે બસ કરો’. અને તેમણે ચાકરનાં કાનને સ્પર્શીને સાજો કર્યો.

52 જે મુખ્ય યાજકો તથા ભક્તિસ્થાનના સરદારો તથા વડીલો તેમની સામે આવ્યા હતા, તેઓને ઈસુએ કહ્યું, ‘જેમ લૂંટારાની સામે આવતા હો તેમ તલવારો તથા લાકડીઓ લઈને કેમ આવ્યા છો? 53 હું રોજ તમારી સાથે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ હાલ તમારો અને અંધકારનાં અધિકારનો સમય છે.’”

પિતરનો નકાર

(માથ. 26:57-58,69-75; માર્ક 14:53-54,66-72; યોહ. 18:12-18,25-27)

54 તેઓ ઈસુની ધરપકડ કરીને લઈ ગયા. પ્રમુખ યાજકના ઘરમાં તેમને લાવ્યા. પણ પિતર દૂર રહીને તેમની પાછળ ચાલતો હતો. 55 ચોકની વચમાં તાપણું સળગાવીને તેઓ તાપવા બેઠા ત્યારે પિતર તેઓની સાથે બેઠો હતો.

56 એક દાસીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ સતત જોઈ રહીને કહ્યું કે, ‘આ માણસ પણ તેમની સાથે હતો.’” 57 પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, ‘બહેન, હું તેમને ઓળખતો નથી.’” 58 થોડીવાર પછી બીજાએ તેને જોઈને કહ્યું કે, “તું પણ તેઓમાંનો છે.” પણ પિતરે કહ્યું, “અરે, ભાઈ, હું એમાંનો નથી.”

59 આશરે એક કલાક પછી બીજાએ ખાતરીથી કહ્યું કે, “ખરેખર આ માણસ પણ તેમની સાથે હતો, કેમ કે તે ગાલીલનો છે.” 60 પણ પિતરે કહ્યું, “અરે ભાઈ, તું શું કહે છે તે હું જાણતો નથી.” અને તરત, તે બોલતો હતો એટલામાં મરઘો બોલ્યો.

61 પ્રભુએ ફરીને પિતરની સામે જોયું. અને પિતરને પ્રભુનું વચન યાદ આવ્યું કે, “ઈસુએ તેને કહ્યું હતું કે, આજ મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.” 62 તે બહાર જઈને બહુ જ રડ્યો.

ઈસુની ઠઠ્ઠામશ્કરી અને માર

(માથ. 26:67-68; માર્ક 14:65)

63 ઈસુ જે માણસોના હવાલે હતા તેઓએ તેમની ઠેકડી ઉડાવી અને તેમને માર માર્યો. 64 તેઓએ તેમની આંખોએ પાટો બાંધીને તેને પૂછ્યું કે ‘કહી બતાવ, તને કોણે માર્યું?’” 65 તેઓએ દુર્ભાષણ કરીને તેમની વિરુદ્ધ બીજું ઘણું કહ્યું.

ઈસુ ન્યાયસભા સમક્ષ

(માથ. 26:59-66; માર્ક 14:55-64; યોહ. 18:19-24)

66 દિવસ ઊગતાં જ લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ભેગા થયા; અને તેમને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું કે, 67 “જો તમે ખ્રિસ્ત હો, તો અમને કહો.” પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જો હું તમને કહું, તો તમે વિશ્વાસ કરવાના નથી 68 વળી જો હું પૂછીશ તો તમે મને જવાબ આપવાના નથી.

69 પણ હવે પછી માણસનો દીકરો ઈશ્વરના પરાક્રમને જમણે હાથે બિરાજશે.” 70 લોકોએ કહ્યું, “તો શું, તમે ઈશ્વરના દીકરા છો?” તેમણે તેઓને કહ્યું કે, “તમે કહો છો તે મુજબ હું તે છું.” 71 અને તેઓએ કહ્યું કે, “હવે આપણને પુરાવાની શી જરૂર છે? કેમ કે આપણે પોતે તેમના મુખથી જ સાંભળ્યું છે.”

Chapter 23

ઈસુ પિલાત સમક્ષ

(માથ. 27:1-2,11-14; માર્ક 15:1-5; યોહ. 18:28-38)

1 અને તેઓનો આખો સમુદાય ઊઠીને ઈસુને પિલાતની પાસે લઈ ગયા. 2 અને તેઓ તેમના પર એવો આરોપ મૂકવા લાગ્યા કે, ‘અમને એવું માલૂમ પડ્યું છે કે આ માણસ અમારા લોકોને ભુલાવે છે, અને કાઈસાર રાજાને કર આપવાની મના કરે છે, અને કહે છે કે, હું પોતે ખ્રિસ્ત એક રાજા છું.’”

3 અને પિલાતે ઈસુને પૂછ્યું, ‘શું તું યહૂદીઓના રાજા છે?’ અને તેમણે તેનો ઉત્તર આપતા કહ્યું, ‘તમે કહો છો તે બરાબર છે.’” 4 અને પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું, ‘આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી.’” 5 પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું કે, ‘ગાલીલથી માંડીને અહીં સુધી આખા યહૂદિયામાં ઈસુ બોધ કરીને લોકોને ઉશ્કેરે છે.’”

ઈસુ હેરોદ સમક્ષ

6 પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું કે, શું, ‘આ માણસ ગાલીલના છે?’” 7 અને ઈસુ હેરોદના અધિકાર નીચે છે એમ તેણે જાણ્યું, ત્યારે તેમને હેરોદની પાસે મોકલ્યા; હેરોદ પોતે પણ તે દિવસોમાં યરુશાલેમમાં હતો.

8 હવે હેરોદ ઈસુને જોઈને ઘણો ખુશ થયો; કેમ કે તેમના સંબંધી તેણે સાંભળ્યું હતું, માટે ઘણાં દિવસથી તે તેમને જોવા ઇચ્છતો હતો; અને તેના દેખતા તે કંઈ ચમત્કારિક ચિહ્ન કરશે એવી આશા તે રાખતો હતો. 9 હેરોદે તેમને ઘણી વાતો પૂછી, પણ ઈસુએ તેને કશો જવાબ આપ્યો નહિ. 10 અને મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેમના ઉપર આવેશથી આરોપ મૂકતા હતા.

11 અને હેરોદે પોતાના સિપાઈઓ સહિત તેમનો તુચ્છકાર કરીને તથા મશ્કરી કરીને તેમને રાજવી વસ્ત્ર પહેરાવીને પિલાતની પાસે પાછા મોકલ્યા. 12 અને તે જ દિવસે પિલાત તથા હેરોદ એકબીજાના મિત્ર થયા; એ પહેલા તો તેઓ એકબીજા પર વેર રાખતા હતા.

ઈસુને મોતની સજા ફરમાવી

(માથ. 27:15-26; માર્ક 15:6-15; યોહ. 18:39-19:16)

13 અને પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકને સમૂહમાં બોલાવીને 14 તેઓને કહ્યું કે, ‘આ માણસ લોકને ભુલાવે છે, એવું કહીને તમે તેમને મારી પાસે લાવ્યા છો; પણ, જુઓ, મેં તમારી આગળ ઈસુની તપાસ કર્યા છતાં, જે વાતોનો તમે તેમના પર આરોપ મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ ઈસુમાં મને જણાયો નથી.

15 તેમ જ હેરોદને પણ જણાયો નથી; કેમ કે તેણે તેમને અમારી પાસે પાછા મોકલ્યા; અને જુઓ, મરણદંડને યોગ્ય તેમણે કશું જ કર્યું નથી. 16 માટે હું તેમને શિક્ષા કરીને છોડી દઈશ.’” 17 હવે પાસ્ખાપર્વ નિમિતે તેઓને સારુ કોઈ એક અપરાધીને છોડી દેવો પડતો હતો.

18 પણ તેઓએ ઊંચે અવાજે કહ્યું કે, ‘ઈસુને લઈ જાઓ, અને બરાબાસને અમારે સારુ છોડી દો.’” 19 એ બરાબાસ તો શહેરમાં કેટલાક દંગા તથા હત્યા કરવાને લીધે જેલમાં નંખાયો હતો.

20 ત્યારે ઈસુને છોડી દેવાની ઇચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો. 21 પણ તેઓએ પોકારીને કહ્યું કે, ‘એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો.’” 22 અને તેણે ત્રીજી વાર તેઓને કહ્યું કે, ‘શા માટે? તેણે શું ખોટું કર્યું છે? તેમનાંમાં મરણદંડને યોગ્ય મને કંઈ માલૂમ પડ્યું નથી; માટે હું તેને થોડી શિક્ષા કરીને મુક્ત કરી દઈશ.’”

23 પણ તેઓએ મોટે અવાજે દુરાગ્રહથી માગ્યું કે ‘તેમને વધસ્તંભે જડાવો.’ અને છેવટે તેઓનું ધાર્યા પ્રમાણે તેઓ તેને મનાવ્યું. 24 અને પિલાતે ફેંસલો કર્યો કે ‘તેઓના માગ્યા પ્રમાણે કરવામાં આવે.’” 25 અને દંગો તથા ખૂન કરવાને લીધે જે માણસ જેલમાં પુરાયો હતો, અને જેને તેઓએ માગ્યો હતો, તેને તેણે છોડી દીધો, પણ ઈસુને તેઓની ઇચ્છાને સ્વાધીન કર્યા.

ઈસુનું ક્રૂસારોહણ

(માથ. 27:32-44; માર્ક 15:21-32; યોહ. 19:17-27)

26 અને તેઓ તેમને લઈ જતા હતા ત્યારે સિમોન નામે કુરેનીનો એક માણસ જે બહાર ગામથી આવતો હતો તેને તેઓએ પકડ્યો, અને તેના ખભા પર વધસ્તંભ ચઢાવ્યો, કે તે ઊંચકીને તે ઈસુની પાછળ ચાલે.

27 લોકો તેમ જ રડનારી તથા વિલાપ કરનારી સ્ત્રીઓ, સંખ્યાબંધ માણસો, ઈસુની પાછળ પાછળ ચાલતા હતા. 28 પણ ઈસુએ તેઓની તરફ ફરીને કહ્યું કે, ‘યરુશાલેમની દીકરીઓ, મારે માટે રડો નહિ, પણ પોતાને માટે તથા તમારા બાળકોને માટે રડો.

29 કેમ કે એવા દિવસો આવશે કે જેમાં તેઓ કહેશે કે, જેઓ નિ:સંતાન છે તથા જેઓને પેટે કદી સંતાન થયું નથી, અને જેઓએ કદી સ્તનપાન કરાવ્યું નથી, તેઓ આશીર્વાદિત છે.’” 30 ત્યારે તેઓ પહાડોને કહેશે કે, ‘અમારા પર પડો’; અને ટેકરીઓને કહેશે કે, અમને ઢાંકી દો.’” 31 કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું કરશે?

32 બીજા બે માણસ, જે ગુનેગાર હતા, તેઓને મારી નાખવા સારુ તેમની સાથે લઈ જતા હતા.

33 ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા, ત્યારે તેઓએ ત્યાં તેમને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ, અને બીજાને ડાબી તરફ, વધસ્તંભે જડ્યાં. 34 ઈસુએ કહ્યું, ‘હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.’ ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધા.

35 લોકો એ જોતાં ઊભા રહ્યા હતા. અને અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતાં હતા કે, ‘તેમણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, એટલે તેમનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે.’”

36 સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી, અને પાસે આવીને સરકો આપવા લાગ્યા, 37 અને કહ્યું કે, ‘જો તું યહૂદીઓનો રાજા હો તો પોતાને બચાવ.’” 38 તેમના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે, ‘આ યહૂદીઓના રાજા છે.

39 તેમની સાથે લટકાયેલા ગુનેગારોમાંના એકે તેમનું અપમાન કરીને કહ્યું કે, ‘શું તમે ખ્રિસ્ત નથી? તમે પોતાને તથા અમને બચાવો.’” 40 પણ બીજાએ ઉત્તર આપતાં તેને ધમકાવીને કહ્યું કે, ‘તું તે જ શિક્ષા ભોગવે છે તે છતાં શું તું ઈશ્વરથી પણ બીતો નથી?’” 41 આપણે તો વાજબી રીતે શિક્ષા ભોગવીએ છીએ, કેમ કે આપણા કામનું ઉચિત ફળ આપણે પામીએ છીએ; પણ એમણે તો કશું ખોટું કર્યું નથી.

42 તેણે કહ્યું કે, ‘હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.’” 43 ઈસુએ તેને કહ્યું કે, હું તને નિશ્ચે કહું છું કે,’ આજ તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.’”

ઈસુનું મૃત્યુ

(માથ. 27:45-56; માર્ક 15:33-41; યોહ. 19:28-30)

44 હમણાં લગભગ બપોર થઈ હતી, અને બપોરના ત્રણ કલાક સુધી સૂર્યનું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધારપટ છવાયો. 45 વળી સભાસ્થાનનો પડદો વચમાંથી ફાટી ગયો.

46 ઈસુએ મોટી બૂમ પાડી, અને કહ્યું કે,’ ઓ પિતા, હું મારો આત્મા આપના હાથમાં સોંપું છું;’ તેમણે એમ કહીને મૃત્યુ પામ્યો. 47 જે થયું હતું તે જોઈને સૂબેદારે ઈશ્વરનો મહિમા કરીને કહ્યું કે, ‘ખરેખર આ તો ન્યાયી માણસ હતા.’”

48 જે લોકો એ જોવા સારુ એકઠા થયા હતા તેઓ સઘળા, જે થએલું હતું તે જોઈને છાતી ફૂટતા કરતા પાછા ગયા. 49 તેમના સઘળા ઓળખીતાઓ તથા જે સ્ત્રીઓ ગાલીલમાંથી તેમની પાછળ પાછળ આવી હતી, તેઓ દૂર ઊભા રહીને આ જોતાં હતાં.

ઈસુનું દફન

(માથ. 27:57-61; માર્ક 15:42-47; યોહ. 19:38-42)

50 હવે યૂસફ નામે ન્યાયસભાનો એક સભ્ય હતો. તે સારો તથા ન્યાયી માણસ હતો, 51 તે યહૂદીઓના એક શહેર અરિમથાઈનો હતો, તેણે ન્યાયસભાનો નિર્ણય તથા કામમાં સંમતિ આપી નહોતી. અને તે પણ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો.

52 તેણે પિલાતની પાસે જઈને ઈસુનો મૃતદેહ માગ્યો. 53 તેણે ઈસુના મૃતદેહને ઉતારીને શણના કાપડમાં વીંટીને ખડકમાં ખોદેલી કબરમાં મૂક્યો, જ્યાં કદી કોઈને દફનાવવામાં આવ્યો નહોતો.

54 તે દિવસ સિદ્ધીકરણનો હતો, અને વિશ્રામવાર નજીક આવ્યો હતો. 55 જે સ્ત્રીઓ તેમની સાથે ગાલીલમાંથી આવી હતી, તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ, અને તેમનો મૃતદેહ શી રીતે મુકાયો હતો તે જોયું. 56 તેઓએ પાછા આવીને સુગંધી તથા અત્તર તૈયાર કર્યાં.

આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો.

Chapter 24

ઈસુ સજીવન કરાયા

(માથ. 28:1-10; માર્ક 16:1-8; યોહ. 20:1-10)

1 અઠવાડિયાને પહેલે દિવસે, પ્રભાતે, જે સુગંધીદ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં તે લઈને તે સ્ત્રીઓ તેમની કબરે આવી. 2 તેઓએ કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો. 3 તેઓ કબરમાં પ્રવેશ કર્યો પણ પ્રભુ ઈસુનું શબ તેઓને જોવા મળ્યું નહિ.

4 એમ થયું કે, એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્ત્ર પહેરેલા બે પુરુષો તેઓને દેખાયા. 5 તેઓએ ડરીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, ‘મૂએલાંઓમાં જીવતાંને કેમ શોધો છો?

6 તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા ત્યારે તેમણે તમને શું કહ્યું હતું? 7 પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય અને ત્રીજે દિવસે પાછા ઊઠે એ જરૂરનું છે.’”

8 તેમની ઈસુની વાતો તેઓને યાદ આવી. 9 કબર આગળથી પાછી આવીને તેઓએ અગિયાર શિષ્યોને તથા બીજા સર્વને એ બધી વાતો કહી. 10 હવે જેઓએ આ વાત પ્રેરિતોને કહી તે મરિયમ મગ્દલાની, યોહાન્ના, યાકૂબની મા મરિયમ તથા તેમની સાથેની બીજી સ્ત્રીઓ હતી.

11 એ વાતો તેઓને અક્કલ વગરની લાગી, અને તેઓએ તેઓનો વિશ્વાસ કર્યો નહિ. 12 પણ પિતર ઊઠીને કબરે દોડી ગયો; અને નીચા વળીને અંદર જોયું તો તેણે શણના વસ્ત્રો એકલા પડેલા જોયા; અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં તે આશ્ચર્ય પામતો પોતાને ઘરે ગયો.

એમ્મૌસને રસ્તે જતા

(માર્ક 16:12-13)

13 તે જ દિવસે તેઓમાં બે, એમ્મૌસ નામનું એક ગામ યરુશાલેમથી લગભગ સાત માઇલ દૂર છે, ત્યાં જતા હતા. 14 આ બધી બનેલી બીનાઓ વિષે તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા.

15 એમ થયું કે તેઓ એકબીજાની સાથે વાત કરતા તથા અંદરોઅંદર સવાલ પૂછતાં હતા, ત્યારે ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યા. 16 પણ તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓ તેમને ઓળખે શક્યા નહિ.

17 ઈસુએ તેઓને કહ્યું કે, “તમે ચાલતાં ચાલતાં એકબીજાની સાથે શી વાત કરો છો?” તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા. 18 કલિયોપાસ નામે એકે ઉત્તર આપતાં કહ્યું કે, “શું, યરુશાલેમમાં રહેનારાઓમાંનો એકલા તમે જ આ દિવસોમાં બનેલા બિનાઓ નથી જાણતા?”

19 તેણે તેઓને કહ્યું કે, “કઈ બિનાઓ?” તેઓએ તેને કહ્યું કે, “ઈસુ નાઝારી, જે ઈશ્વરની આગળ તથા સઘળા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતા, તે સંબંધીની બિનાઓ; 20 વળી કેવી રીતે મુખ્ય યાજકોએ તથા અમારા અધિકારીઓએ તેમને મૃત્યુદંડ ભોગવવા સારુ પરાધીન કર્યા, અને તેમને વધસ્તંભે જડાવ્યાં.

21 પણ અમે આશા રાખતા હતા કે, ઇઝરાયલને જે ઉદ્ધાર આપવાના હતા તે એ છે; વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યાને આજ ત્રીજો દિવસ થયો.

22 વળી અમારામાંની કેટલીક સ્ત્રીઓ જેઓ કબર આગળ વહેલી ગઈ હતી, તેઓએ અમને આશ્ચર્ય પમાડ્યું, 23 એટલે તેઓએ તેમનો મૃતદેહ જોયો નહિ, ત્યારે તેઓએ આવીને કહ્યું કે, અમને સ્વર્ગદૂતોનું દર્શન પણ થયું હતું, કે જેઓએ કહ્યું કે તે જીવિત છે. 24 અમારી સાથેના કેટલાક કબર આગળ ગયા, અને જેમ સ્ત્રીઓએ કહ્યું હતું તેમ જ તેઓને જોવા મળ્યું; પણ તેમને તેઓએ જોયા નહિ.”

25 તેમણે તેઓને કહ્યું કે, “ઓ મૂર્ખાઓ તથા પ્રબોધકોએ જે કહ્યું છે, તે સર્વ પર વિશ્વાસ કરવામાં ધીમા છો. 26 શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું?” 27 મૂસાના નિયમશાસ્ત્રથી તથા સઘળા પ્રબોધકોથી માંડીને તેમણે બધા પવિત્રશાસ્ત્રમાંથી પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી બતાવ્યો.

28 જે ગામે તેઓ જતા હતા તેની નજીક તેઓ પહોંચ્યા, ત્યારે તેમણે જાણે કે આગળ જવાનું કર્યું. 29 તેઓએ તેમને આગ્રહ કરીને કહ્યું કે, “અમારી સાથે રહો; કેમ કે સાંજ થવા આવી છે અને દિવસ નમી ગયો છે.” અને તેઓની સાથે રહેવા સારુ તે અંદર ગયા.

30 એમ થયું કે, તે તેઓની સાથે જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લઈને આશીર્વાદ કર્યો, અને તેઓને આપી. 31 ત્યારે તેઓની આંખો ઊઘડી અને તેઓએ તેમને ઓળખ્યા; એટલામાં તેઓની દ્રષ્ટિમાંથી તે અદ્રશ્ય થઈ ગયા. 32 તેઓએ એકબીજાને કહ્યું કે, “જયારે તેઓ માર્ગમાં આપણી સાથે વાત કરતા હતા, અને પવિત્રશાસ્ત્રનો ખુલાસો આપણને કરી બતાવતા હતા, ત્યારે આપણા મન આપણામાં જ્વલંત નહોતાં થતાં શું?”

33 તે જ ઘડીએ તેઓ ઊઠીને યરુશાલેમ તરફ પાછા વળ્યા, અને અગિયાર શિષ્યો ને તથા તેઓની સાથેનાઓને એકઠા થએલાં જોયા, 34 કે, જેઓ કહેતાં હતા કે, ‘પ્રભુ ખરેખર ઊઠ્યાં છે, અને સિમોનને તેમનું દર્શન થયું છે.’” 35 ત્યારે તેઓએ માર્ગમાં બનેલા બનાવ તથા રોટલી ભાંગતાં તેઓએ ઈસુને કેવી રીતે ઓળખ્યા તે વિષે પણ વાત કરી.

ઈસુએ શિષ્યોને દર્શન આપ્યું

(માથ. 28:16-20; માર્ક 16:14-18; યોહ. 20:19-23; પ્રે.કૃ. 1:6-8)

36 તેઓ એ વાતો કહેતાં હતા, ત્યારે ઈસુ પોતે તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે કે, ‘તમને શાંતિ થાઓ.’” 37 પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે, અમારા જોવામાં કોઈ આત્મા આવે છે.

38 તેમણે તેઓને કહ્યું કે, ‘તમે કેમ ગભરાઓ છો, અને તમારાં મનમાં શંકા કેમ થાય છે? 39 મારા હાથ તથા મારા પગ જુઓ, કે એ હું પોતે છું; મને હાથ અડકાડીને જુઓ; કેમ કે જેમ તમે જુઓ છે કે મને માંસ તથા હાડકાં છે તેમ આત્માને હોતા નથી.’” 40 એમ કહીને તેમણે પોતાના હાથ તથા પગ તેઓને બતાવ્યાં.

41 તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા, અને દંગ થઈ ગયા હતા, ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી પાસે કંઈ ખાવાનું છે?’” 42 તેઓએ ઈસુને શેકેલી માછલીનો ટુકડો આપ્યો, 43 ઈસુએ તે લઈને તેઓની આગળ ખાધો.

44 ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે, જે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી લખ્યું છે તે બધું પૂરું થવું જોઈએ.’”

45 ત્યારે પવિત્રશાસ્ત્ર સમજવા સારુ ઈસુએ તેઓનાં મન ખોલ્યાં. 46 ઈસુએ તેઓને કહ્યું કે, ‘એમ લખ્યું છે, કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ; 47 યરુશાલેમથી માંડીને સઘળી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપોની માફી પ્રગટ કરાવાં જોઈએ.

48 એ વાતના સાક્ષીઓ તમે છો. 49 હું મારા પિતાનું આશાવચન તમારા પર મોકલું છું; પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો.’”

ઈસુનું સ્વર્ગારોહણ

(માર્ક 16:19-20; પ્રે.કૃ. 1:9-11)

50 બેથાનિયાની સામે તેઓને બહાર લઈ ગયા પછી તેમણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ આપ્યો. 51 એમ થયું કે ઈસુ તેઓને આશીર્વાદ આપતા હતા એટલામાં તે તેઓથી છૂટા પડ્યા, અને સ્વર્ગમાં લઈ લેવાયા.

52 તેમનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરુશાલેમમાં પાછા વળ્યા. 53 અને તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા.