ગુજરાતી: Gujarati Unlocked Literal Bible

Updated ? hours ago # views See on DCS Draft Material

1 કાળવૃતાંત

લેખક

1 કાળવૃતાંતનું પુસ્તક વિશિષ્ટરૂપે તેના લેખકનું નામ જણાવતું નથી અને યહૂદી પરંપરા એઝરા શાસ્ત્રીને લેખક માને છે. 1 કાળવૃતાંતની શરૂઆત ઇઝરાયલના કુટુંબોની યાદીથી થાય છે. પછી તે દાઉદના ઇઝરાયલ કહેવાતા સંગઠિત રાજ્ય પરના શાસનના હેવાલ સાથે આગળ વધે છે. આ પુસ્તક દાઉદ રાજાની વાર્તાનું ઘનિષ્ટ વર્ણન છે કે જે જૂના કરારના મહાન વ્યક્તિઓમાંનો એક હતો. તેનો વિશાળ ફલક પ્રાચીન ઇઝરાયલનો રાજકીય તથા ધાર્મિક ઇતિહાસ આવરે છે.

લખાણનો સમય અને સ્થળ

લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 450 થી 400 વચ્ચેનો છે.

1 કાળવૃતાંત 3:19-24 માંની યાદી દાઉદની વંશાવળીને ઝરુબ્બાબેલ પછી છઠ્ઠી પેઢી સુધી વિસ્તારે છે તે કારણે તે સ્પષ્ટ છે કે લખાણનો સમય ઇઝરાયલના બાબિલના દેશનિકાલથી પાછા ફર્યા બાદનો છે.

વાંચકવર્ગ

પ્રાચીન યહૂદી લોકો તથા ત્યાર બાદના બાઇબલના બધા જ વાંચકો.

હેતુ

1 કાળવૃતાંતનું પુસ્તક દેશનિકાલ બાદમાં લખવામાં આવ્યું હતું કે જેથી જેઓ ઇઝરાયલ પાછા ફરતા હતા તેઓને ઈશ્વરની આરાધના કેવી રીતે કરવી તેમાં મદદ મળે. ઇતિહાસ દક્ષિણના રાજ્ય પર એટલે કે યહૂદા, બિન્યામીન અને લેવીના કુળો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કુળો ઈશ્વરને વધારે વિશ્વાસુ હોવાનું વલણ ધરાવતા હતા. ઈશ્વરે પોતાના દાઉદ સાથેના દાઉદનું ઘર એટલે કે રાજ્ય સદાકાળ સ્થાપવાના કરારને માન આપ્યું. માનવીય રાજાઓ તે કરી શક્યા નહીં. દાઉદ અને સુલેમાન દ્વારા ઈશ્વરે પોતાનું ભક્તિસ્થાન સ્થાપિત કર્યું કે જ્યાં લોકો આરાધના કરવા આવી શકે. આક્રમણ કરતા બાબિલના લોકોએ સુલેમાનના ભક્તિસ્થાનનો નાશ કર્યો હતો.

મુદ્રાલેખ

ઇઝરાયલનો આત્મિક ઇતિહાસ

રૂપરેખા વંશાવળીઓ (1-9) શાઉલનું મરણ (10) દાઉદનો અભિષેક અને રાજશાસન (11-29)

Chapter 1

આદમથી ઇબ્રાહિમ

(ઉત.૫:૧-૩૨; ૧૦:૧-૩૨; ૧૧:૧૦-૨૬)

1 આદમ, શેથ, અનોશ, 2 કેનાન, માહલાલેલ, યારેદ; 3 હનોખ, મથૂશેલાહ, લામેખ, 4 નૂહ, શેમ, હામ તથા યાફેથ.

5 યાફેથના દીકરા: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ. 6 ગોમેરના દીકરા: આશ્કનાઝ, રિફાથ અને તોગાર્મા. 7 યાવાનના દીકરા: એલીશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.

8 હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન. 9 કૂશના દીકરા: સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના દીકરા: શેબા તથા દેદાન. 10 કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો.

11 મિસરાઈમ એ લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ, 12 પાથરુસીમ, કાસ્લુહીમ પલિસ્તીઓના પૂર્વજ તથા કાફતોરીમનો પૂર્વજ હતો.

13 કનાન પોતાના જયેષ્ઠ દીકરા સિદોન પછી હેથ, 14 યબૂસી, અમોરી, ગિર્ગાશી, 15 હિવ્વી, આર્કી, સિની, 16 આર્વાદી, સમારી તથા હમાથીઓનો પૂર્વજ હતો.

17 શેમના દીકરા: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર તથા મેશેખ. 18 આર્પાકશાદનો દીકરો શેલા, શેલાનો દીકરો એબેર. 19 એબેરના બે દીકરા હતા: પેલેગ અને યોકટાન. પેલેગના સમયમાં પૃથ્વીના વિભાગ થયા હતા.

20 યોકટાનના વંશજો: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ, 21 હદોરામ, ઉઝાલ, દિકલાહ, 22 એબાલ, અબિમાએલ, શેબા, 23 ઓફીર, હવીલા અને યોબાબ.

24 શેમ, આર્પાકશાદ, શેલા, 25 એબેર, પેલેગ, રેઉ, 26 સરૂગ, નાહોર, તેરાહ, 27 અને ઇબ્રામ એટલે ઇબ્રાહિમ.

ઈશ્માએલના વંશજો

(ઉત. ૨૫:૧૨-૧૬)

28 ઇબ્રાહિમના દીકરા: ઇસહાક તથા ઇશ્માએલ. 29 તેઓની વંશાવળી આ છે: ઇશ્માએલના દીકરા: તેનો જ્યેષ્ઠ દીકરો નબાયોથ પછી કેદાર, આદબએલ, મિબ્સામ, 30 મિશમા, દુમા, માસ્સા, હદાદ, તેમા, 31 યટુર, નાફીશ તથા કેદમા. આ ઇશ્માએલના દીકરાઓ હતા.

32 ઇબ્રાહિમની ઉપપત્ની કટૂરાના દીકરા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શુઆ. યોકશાનના દીકરા: શેબા તથા દેદાન. 33 મિદ્યાનના દીકરા: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ.

એસાવના વંશજો

(ઉત. ૩૬:૧-૧૯)

34 ઇબ્રાહિમનો દીકરો ઇસહાક. ઇસહાકના દીકરા: એસાવ તથા યાકૂબ ઇઝરાયલ હતા.

35 એસાવના દીકરા: અલિફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરા. 36 અલિફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાઝ, તિમ્ના તથા અમાલેક. 37 રેઉએલના દીકરા: નાહાથ, ઝેરાહ, શામ્મા તથા મિઝઝા.

અદોમના મૂળ વતનીઓ સેઈરના વંશજો

(ઉત. ૩૬:૨૦-૩૦)

38 સેઈરના દીકરા: લોટાન, શોબાલ, સિબયોન, અના, દિશોન, એસેર તથા દિશાન. 39 લોટાનના દીકરા: હોરી તથા હોમામ. લોટાનની બહેન તિમ્ના. 40 શોબાલના દીકરા: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ. સિબયોનના દીકરા: એયાહ તથા અના.

41 અનાનો દીકરો: દિશોન. દિશોનના દીકરા: હામ્રાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન. 42 એસેરના દીકરા: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના દીકરા: ઉસ તથા આરાન.

અદોમના રાજાઓ

(ઉત. ૩૬:૩૧-૪૩)

43 ઇઝરાયલમાં કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલા આ બધા રાજાઓએ અદોમ દેશમાં રાજ કર્યું હતું: બેઓરનો દીકરો બેલા. તેના નગરનું નામ દિનહાબા હતું. 44 બેલા મરણ પામ્યો ત્યારે બોસરાના ઝેરાહના દીકરા યોબાબે તેની જગ્યાએ રાજ કર્યું. 45 યોબાબ મરણ પામ્યો, ત્યારે તેની જગ્યાએ તેમાનીઓના દેશના હુશામે રાજ કર્યું.

46 હુશામ મરણ પામ્યો, ત્યારે બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબીઓના દેશમાં મિદ્યાનીઓને હરાવ્યા અને માર્યા. તેના નગરનું નામ અવીથ હતું. 47 હદાદ મરણ પામ્યો ત્યારે માસરેકાના સામ્લાએ તેની જગ્યાએ રાજ કર્યુ. 48 સામ્લા મરણ પામ્યો ત્યારે નદી પરના રહોબોથના શાઉલે તેની જગ્યાએ રાજ કર્યુ.

49 શાઉલ મરણ પામ્યો ત્યારે આખ્બોરના દીકરા બાલ-હનાને તેની જગ્યાએ રાજ કર્યું. 50 બાલ-હનાન મરણ પામ્યો ત્યારે હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. તેના નગરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની દીકરી માટ્રેદની દીકરી હતી.

51 હદાદ મરણ પામ્યો.

અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્વાહ, યથેથ, 52 ઓહોલીબામાહ, એલા, પીનોન, 53 કનાઝ, તેમાન, મિબ્સાર, 54 માગ્દીએલ તથા ઇરામ. આ બધા અદોમ કુળના સરદારો હતા.

Chapter 2

યહૂદાના વંશજો

1 ઇઝરાયલના દીકરાઓ: રુબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન, 2 દાન, યૂસફ, બિન્યામીન, નફતાલી, ગાદ તથા આશેર.

3 યહૂદાના દીકરાઓ: એર, ઓનાન તથા શેલા. તેઓ કનાની બાથ-શૂઆથી જન્મ્યા હતા. યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિમાં દુર્જન હતો. ઈશ્વરે તેને મારી નાખ્યો. 4 યહૂદાના દીકરા: પેરેસ અને ઝેરાહ. આ દીકરાઓ તેની વિધવા પુત્રવધૂ તામાર સાથેના તેના સંબંધથી જન્મ્યા હતા. આમ યહૂદાને પાંચ દીકરાઓ હતા.

5 પેરેસના દીકરાઓ: હેસ્રોન તથા હામૂલ. 6 ઝેરાહના દીકરાઓ: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા. તેઓ બધા મળીને કુલ પાંચ હતા. 7 કાર્મીનો દીકરો: આખાન તે પ્રભુને સમર્પિત વસ્તુ બાબતે ઉલ્લંઘન કરીને ઇઝરાયલ પર સંકટ લાવનાર હતો. 8 એથાનનો દીકરો: અઝાર્યા.

રાજા દાઉદની વંશાવળી

9 હેસ્રોનના પુત્રો: યરાહમેલ, રામ તથા કલૂબાય. 10 રામનો દીકરો આમ્મીનાદાબ, આમ્મીનાદાબનો દીકરો નાહશોન. તે યહૂદાના વંશજોનો આગેવાન થયો. 11 નાહશોનનો દીકરો સાલ્મા અને સાલ્માનો દીકરો બોઆઝ. 12 બોઆઝનો દીકરો ઓબેદ અને ઓબેદનો દીકરો યિશાઈ.

13 યિશાઈનો જયેષ્ઠ દીકરો અલિયાબ, બીજો અબીનાદાબ, ત્રીજો શીમઆ, 14 ચોથો નથાનએલ, પાંચમો રાદાય, 15 છઠ્ઠો ઓસેમ તથા સાતમો દીકરો દાઉદ.

16 તેઓની બહેનો સરુયા તથા અબિગાઈલ. સરુયાના ત્રણ દીકરાઓ: અબિશાય, યોઆબ તથા અસાહેલ. 17 અબિગાઈલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાનો પિતા ઇશ્માએલી યેથેર હતો.

હેસ્રોનના વંશજો

18 હેસ્રોનનો દીકરો કાલેબ: તેની પત્ની અઝૂબાહ તથા તેની દીકરી યરીઓથ. યરીઓથના દીકરાઓ: યેશેર, શોબાબ તથા આર્દોન. 19 અઝૂબાહ મરણ પામી, ત્યારે કાલેબે એફ્રાથની સાથે લગ્ન કર્યું, તેણે હૂરને જન્મ આપ્યો. 20 હૂરનો દીકરો ઉરી અને ઉરીનો દીકરો બસાલેલ.

21 ત્યાર બાદ, હેસ્રોન સાઠ વર્ષનો હતો ત્યારે તેણે ગિલ્યાદના પિતા માખીરની દીકરી સાથે લગ્ન કર્યું. તેણે સગુબને જન્મ આપ્યો. 22 સગુબનો દીકરો યાઈર, તેણે ગિલ્યાદના ત્રેવીસ નગરોને પોતાના નિયંત્રણમાં રાખ્યાં હતાં.

23 ગશૂર અને અરામના લોકોએ યાઈર અને કનાથનાં નગરો પોતાને તાબે કર્યા. બધાં મળીને સાઠ નગરો પડાવી લીધાં. ત્યાંના રહેવાસીઓ ગિલ્યાદના પિતા માખીરના વંશજો હતા. 24 હેસ્રોનના મરણ પછી કાલેબ તેના પિતા હેસ્રોનની પત્ની એફ્રાથા સાથે સૂઈ ગયો. તેનાથી તેણીએ તકોઆના પિતા આશ્હૂરને જન્મ આપ્યો.

યરાહમેલના વંશજો

25 હેસ્રોનના જ્યેષ્ઠ દીકરા યરાહમેલના દીકરાઓ આ હતા: જ્યેષ્ઠ દીકરો રામ પછી બૂના, ઓરેન, ઓસેમ તથા અહિયા. 26 યરાહમેલની બીજી પત્નીનું નામ અટારા હતું. તે ઓનામની માતા હતી. 27 યરાહમેલના જ્યેષ્ઠ દીકરા રામના દીકરાઓ: માસ, યામીન તથા એકેર. 28 ઓનામના દીકરાઓ: શામ્માય તથા યાદા. શામ્માયના દીકરાઓ: નાદાબ તથા અબિશુર.

29 અબિશુરની પત્નીનું નામ અબિહાઈલ. તેણે આહબાન અને મોલીદને જન્મ આપ્યો. 30 નાદાબના દીકરાઓ: સેલેદ તથા આપ્પાઈમ. સેલેદ નિ:સંતાન મૃત્યુ પામ્યો. 31 આપ્પાઈમનો દીકરો યીશી, ઈશીનો દીકરો શેશાન, શેશાનનો દીકરો આહલાય. 32 શામ્માયના ભાઈ યાદાના દીકરાઓ: યેથેર તથા યોનાથાન. યેથેર નિ:સંતાન મૃત્યુ પામ્યો. 33 યોનાથાનના દીકરાઓ: પેલેથ તથા ઝાઝા. આ બધા યરાહમેલના વંશજો હતા.

34 શેશાનને દીકરાઓ ન હતા પણ ફક્ત દીકરીઓ જ હતી. શેશાનને એક મિસરી ચાકર હતો, જેનું નામ યાર્હા હતું. 35 શેશાને પોતાની દીકરીનું લગ્ન તેના ચાકર યાર્હા સાથે કરાવ્યું. તેણે આત્તાયને જન્મ આપ્યો.

36 આત્તાયનો દીકરો નાથાન, નાથાનનો દીકરો ઝાબાદ. 37 ઝાબાદનો દીકરો એફલાલ, એફલાલનો દીકરો ઓબેદ. 38 ઓબેદનો દીકરો યેહૂ, યેહૂનો દીકરો અઝાર્યા.

39 અઝાર્યાનો દીકરો હેલેસ, હેલેસનો દીકરો એલાસા. 40 એલાસાનો દીકરો સિસ્માય, સિસ્માયનો દીકરો શાલ્લુમ. 41 શાલ્લુમનો દીકરો યકામ્યા, યકામ્યાનો દીકરો અલિશામા.

કાલેબના વંશજો

42 યરાહમેલના ભાઈ કાલેબના દીકરાઓ: જયેષ્ઠ દીકરો મેશા, મેશાનો દીકરો ઝીફ. કાલેબનો બીજો દીકરો મારેશા, તેનો દીકરો હેબ્રોન. 43 હેબ્રોનના દીકરાઓ: કોરા, તાપ્પુઆ, રેકેમ તથા શેમા. 44 શેમાનો દીકરો રાહામ, રાહામનો દીકરો યોર્કામ, રેકેમનો દીકરો શામ્માય.

45 શામ્માયનો દીકરો માઓન, માઓનનો દીકરો બેથ-સૂર. 46 કાલેબની ઉપપત્ની એફાએ હારાન, મોસા તથા ગાઝેઝને જન્મ આપ્યો. હારાનનો દીકરો ગાઝેઝ. 47 યહદાયના દીકરાઓ: રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફા તથા શાફ.

48 કાલેબની ઉપપત્ની માકાએ શેબેર તથા તિર્હનાને જન્મ આપ્યાં. 49 વળી તેણે માદમાન્નાના પિતા શાફ, માખ્બેનાના પિતા શવા તથા ગિબયાના પિતાને જન્મ આપ્યાં. કાલેબની પુત્રી આખ્સાહ હતી.

50 કાલેબના વંશજો આ હતા: એફ્રાથાથી જન્મેલો તેનો જ્યેષ્ઠ દીકરો હૂર, તેનો દીકરો શોબાલ, તેનો દીકરો કિર્યાથ-યારીમ. 51 બેથલેહેમનો દીકરો સાલ્મા અને હારેફનો દીકરો બેથ-ગદેર.

52 કિર્યાથ-યારીમના પિતા શોબાલના વંશજો આ હતા: હારોએ, મનુહોથના અડધા ભાગના લોકો, 53 કિર્યાથ-યારીમના કુટુંબો: યિથ્રીઓ, પુથીઓ, શુમાથીઓ તથા મિશ્રાઇઓ. સોરાથીઓ તથા એશ્તાઓલીઓ, આ લોકોના વંશજ હતા.

54 સાલ્માના વંશજો આ પ્રમાણે હતા: બેથલેહેમ, નટોફાથીઓ, આટ્રોથ-બેથ-યોઆબ, માનાહાથીઓનો અડધો ભાગ તથા સોરાઈઓ. 55 યાબેસવાસી લહિયાઓનાં કુટુંબો: તિરાથીઓ, શિમાથીઓ તથા સુખાથીઓ. રેખાબના કુટુંબનાં પૂર્વજ હામ્માથથી થયેલા જે કેનીઓ તેઓ એ છે.

Chapter 3

રાજા દાઉદનાં સંતાનો

1 દાઉદના દીકરાઓ જે તેનાથી હેબ્રોનમાં જન્મ પામ્યા હતા તેઓ આ છે:

     પ્રથમજનિત આમ્નોન, અહિનોઆમ યિઝ્રએલીથી;

     બીજો દાનિયેલ, અબિગાઈલ કાર્મેલીથી;

     2 ત્રીજો આબ્શાલોમ, જે ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાથી.

     ચોથો દીકરો, અદોનિયા જે હાગ્ગીથથી હતો.

     3 પાંચમો, શફાટયા જે અબીટાલથી હતો;

     છઠ્ઠો, યિથ્રામ તેની પત્ની એગ્લાથી.

4 દાઉદના આ છ દીકરાઓ, હેબ્રોનમાં કે જ્યાં દાઉદે સાત વર્ષ અને છ માસ સુધી રાજ કર્યુ ત્યાં તેને જન્મ્યા હતા. પછી તેણે યરુશાલેમમાં તેત્રીસ વર્ષ રાજ કર્યુ. 5 વળી આ ચાર દીકરાઓને દાઉદની પત્ની આમ્મીએલની દીકરી બાથશેબાએ યરુશાલેમમાં જન્મ આપ્યો હતો: શિમા, શોબાબ, નાથાન તથા સુલેમાન.

6 દાઉદના બીજા નવ દીકરાઓ;

     ઈબ્હાર, અલિશામા, અલિફેલેટ,

     7 નોગા, નેફેગ, યાફીઆ,

     8 અલિશામા, એલ્યાદા તથા અલિફેલેટ હતા.

9 તેની ઉપપત્નીઓના દીકરાઓ ઉપરાંત આ સઘળા દાઉદના દીકરાઓ હતા. તામાર તેઓની બહેન હતી.

10 સુલેમાનનો દીકરો રહાબામ હતો.

     રહાબામનો દીકરો અબિયા હતો.

     અબિયાનો દીકરો આસા હતો.

     આસાનો દીકરો યહોશાફાટ હતો.

     11 યહોશાફાટનો દીકરો યહોરામ હતો.

     યહોરામનો દીકરો અહાઝયાહ હતો.

     અહાઝયાહનો દીકરો યોઆશ હતો.

     12 યોઆશનો દીકરો અમાસ્યા હતો.

     અમાસ્યાનો દીકરો અઝાર્યા હતો.

     અઝાર્યાનો દીકરો યોથામ હતો.

     13 યોથામનો દીકરો આહાઝ હતો.

     આહાઝનો દીકરો હિઝકિયા હતો.

     હિઝકિયાનો દીકરો મનાશ્શા હતો.

     14 મનાશ્શાનો દીકરો આમોન

     અને આમોનનો દીકરો યોશિયા હતો.

15 યોશિયાના દીકરાઓ; તેનો જયેષ્ઠ દીકરો યોહાનાન, બીજો દીકરો યહોયાકીમ, ત્રીજો દીકરો સિદકિયા તથા ચોથો દીકરો શાલ્લુમ. 16 યહોયાકીમનો દીકરો યકોન્યા, તેનો દીકરો સિદકિયા, જે છેલ્લો રાજા હતો.

રાજા યખોન્યા (યહોયાકીન) ના વંશજો

17 બંદીવાન યકોન્યાના દીકરાઓ; શાલ્તીએલ, 18 માલ્કીરામ, પદાયા, શેનાસ્સાર, યકામ્યા, હોશામા તથા નદાબ્યા.

19 પદાયાના દીકરાઓ; ઝરુબ્બાબેલ તથા શિમઈ. ઝરુબ્બાબેલના દીકરાઓ; મશુલ્લામ તથા હનાન્યા; શલોમીથ તેઓની બહેન હતી; 20 હશુબા, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા તથા યુશાબ-હેસેદ, તેઓ પણ ઝરુબ્બાબેલના બીજા પાંચ દીકરાઓ હતા. 21 હનાન્યાના વંશજો; પલાટયા તથા યશાયા. રફાયાના દીકરાઓ; આર્નાનના દીકરાઓ, ઓબાદ્યાના દીકરાઓ, શખાન્યાના દીકરાઓ.

22 શખાન્યાનો દીકરો શમાયા. શમાયાના દીકરાઓ; હાટ્ટુશ, ઈગાલ, બારિયા, નાર્યા તથા શાફાટ. 23 નાર્યાના ત્રણ દીકરાઓ; એલ્યોએનાય, હિઝકિયા તથા આઝ્રીકામ. 24 એલ્યોએનાયના સાત દીકરાઓ; હોદાવ્યા, એલ્યાશિબ, પલાયા, આક્કુબ, યોહાનાન, દલાયા તથા અનાની.

Chapter 4

યહૂદાના વંશજો

1 યહૂદાના વંશજો; પેરેસ, હેસ્રોન, કાર્મી, હૂર તથા શોબાલ. 2 શોબાલનો દીકરો રાયા, રાયાનો દીકરો યાહાથ, યાહાથના દીકરા આહુમાય અને લાહાદ. તેઓ સોરાથીઓનાં કુટુંબોના વંશજો હતા.

3 એટામના પુત્રો; યિઝ્રએલ, યિશ્મા તથા યિદબાશ. તેઓની બહેનનું નામ હાસ્સલેલ્પોની હતું. 4 પનુએલનો દીકરો ગદોર તથા એઝેરનો દીકરો હૂશા. તેઓ બેથલેહેમના પિતા એફ્રાથાના જયેષ્ઠ દીકરા હૂરના વંશજો હતા.

5 તકોઆના પિતા આશ્હૂરને હેલા તથા નારા નામની બે પત્નીઓ હતી. 6 નારાએ અહુઝઝામ, હેફેર, તેમેની અને હાહાશ્તારીને જન્મ આપ્યો. 7 હેલાના દીકરાઓ; સેરેથ, યિસ્હાર તથા એથ્નાન. 8 અને હાક્કોસના દીકરા; આનૂમ તથા સોબેબા. હારુમના દીકરા અહારહેલથી કુટુંબો થયાં.

9 યાબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો. તેની માતાએ તેનું નામ યાબેસ પાડ્યું. તેણે કહ્યું "કેમ કે તેના જન્મ વખતે મને ખૂબ પીડા થઈ હતી." 10 યાબેસે ઇઝરાયલના ઈશ્વરને પ્રાર્થના કરી, "તમે મને નિશ્ચે આશીર્વાદ આપો અને મારો પ્રદેશ વધારો. તમારો હાથ મારી સાથે રાખો અને મને આપત્તિથી બચાવો કે જેથી મારે દુઃખ સહન કરવું પડે નહિ!" પ્રભુએ તેની પ્રાર્થના માન્ય કરી.

અન્ય વંશાવળીઓ

11 શુહાના ભાઈ કલૂબનો દીકરો મહીર અને મહીરનો દીકરો એશ્તોન. 12 એશ્તોનના દીકરાઓ બેથરાફા, પાસેઆ તથા નાહાશ નગર વસાવનાર તહિન્ના. આ બધા રેખાહના કુટુંબીઓ હતા.

13 કનાઝના દીકરાઓ; ઓથ્નીએલ તથા સરાયા. ઓથ્નીએલના દીકરાઓ; હથાથ અને મોનોથાય. 14 મોનોથાયનો દીકરો ઓફ્રા. ગે-હરાશીમનો પ્રણેતા સરાયાનો દીકરો યોઆબ અને યોઆબનો દીકરો ગે-હરાશીમ, જે લોકો કારીગર હતા. 15 યફૂન્નેના દીકરા કાલેબના દીકરાઓ; ઈરુ, એલા તથા નાઆમ. એલાનો દીકરો કનાઝ. 16 યહાલ્લેલેલના દીકરાઓ; ઝીફ, ઝીફાહ, તીર્યા અને અસારેલ.

17 એઝરાના દીકરાઓ; યેથેર, મેરેદ, એફેર તથા યાલોન. મેરેદની મિસરી પત્નીએ મરિયમ, શામ્માય તથા યિશ્બાને જન્મ આપ્યો અને યિશ્બાનો દીકરો એશ્તમોઆ. 18 તેની યહૂદી પત્નીએ યારેદને જન્મ આપ્યો. યેરેદનો દીકરો ગદોર. હેબેરનો દીકરો સોખો તથા યકૂથીએલનો દીકરો ઝાનોઆ. તેઓ બિથ્યા નામની ફારુનની દીકરી જેની સાથે મેરેદે લગ્ન કર્યું હતું તેના દીકરાઓ હતા.

19 નાહામની બહેન હોદિયાની પત્નીના બે દીકરા; તેમાંના એકનો દીકરો કઈલાહ ગાર્મી, બીજો માખાથી એશ્તમોઆ. 20 શિમોનના દીકરાઓ; આમ્મોન, રિન્ના, બેન-હાનાન તથા તિલોન. ઈશીના દીકરાઓ; ઝોહેથ તથા બેન-ઝોહેથ.

શેલાના વંશજો

21 યહૂદાના દીકરા શેલાના દીકરાઓ; લેખાનો પિતા એર, મારેશાનો પિતા લાદા તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વસ્ત્ર વણનારા હતા, તેઓનાં કુટુંબો; 22 યોકીમ, કોઝેબાના માણસો, યોઆશ તથા સારાફ, જેમની પાસે મોઆબમાં સંપત્તિ હતી પરંતુ બેથલેહેમમાં પાછા રહેવા ગયા. આ માહિતી પુરાતન લેખોને આધારે છે. 23 તેઓ કુંભાર હતા જે નટાઈમ અને ગદેરામાં રહેતા હતા અને રાજાને માટે કામ કરતા હતા.

શિમયોનના વંશજો

24 શિમયોનના વંશજો; નમુએલ, યામીન, યારીબ, ઝેરાહ તથા શાઉલ. 25 શાઉલનો દીકરો શાલ્લુમ, શાલ્લુમનો દીકરો મિબ્સામ, મિબ્સામનો દીકરો મિશમા હતો. 26 મિશમાના વંશજો; તેનો દીકરો હામુએલ, તેનો દીકરો ઝાક્કૂર તથા તેનો દીકરો શિમઈ.

27 શિમઈને સોળ દીકરા તથા છ દીકરીઓ હતી. પરંતુ તેના ભાઈઓને ઘણાં સંતાન ન હોવાથી તેઓનું કુટુંબ યહૂદાના કુટુંબની માફક વૃદ્ધિ પામ્યું નહિ. 28 તેઓ બેરશેબામાં, મોલાદામાં તથા હસાર-શૂઆલમાં રહ્યા.

29 તેઓ બિલ્લામાં, એસેમમાં તથા તોલાદમાં, 30 બથુએલમાં, હોર્મામાં તથા સિકલાગમાં, 31 બેથ-માર્કાબોથમાં, હસાર-સુસીમમાં, બેથ-બિરઈમાં તથા શારાઈમમાં પણ રહેતા હતા. દાઉદના શાસન સુધી આ નગરોમાં તેઓનો વસવાટ હતો.

32 તેઓના પાંચ નગરો: એટામ, આઈન, રિમ્મોન, તોખેન તથા આશાન. 33 તથા બઆલ સુધી તે જ નગરોની ચારે તરફના સર્વ ગામો પણ તેઓનાં હતાં. તેમા તેઓનાં વસવાટ હતા અને તેઓએ પોતાની વંશાવળીનો અહેવાલ રાખ્યો હતો.

34 મેશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો દીકરો યોશા; 35 યોએલ, અસીએલના દીકરા સરાયાના દીકરા યોશિબ્યાનો દીકરો યેહૂ; 36 એલ્યોએનાય, યાકોબા, યશોહાયા, અસાયા, અદીએલ, યસીમીએલ, બનાયા; 37 અને શમાયાના દીકરા શિમ્રીના દીકરા યદાયાના દીકરા આલ્લોનના દીકરા શિફઈનો દીકરો ઝીઝાહ; 38 આ બધા સરદારોનો પોતાના કુટુંબોના નામ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેઓનાં કુટુંબો બહુ વૃદ્ધિ પામ્યાં.

39 તેઓ જાનવરોને માટે ઘાસચારો શોધવા ખીણની પૂર્વ બાજુ ગદોર સુધી ગયા. 40 ત્યાં તેઓને પુષ્કળ પ્રમાણમાં સારો ઘાસચારો મળ્યો. તે પ્રદેશ વિશાળ, શાંત તથા સુલેહશાંતિવાળો હતો. અગાઉ હામના વંશજો ત્યાં રહેતા હતા. 41 આ નામવાર જણાવેલા આગેવાનો, યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં તે પ્રદેશ પર ચઢાઈ કરીને અગાઉ હામના વંશજોનો વસવાટ હતો ત્યાં આવ્યા. મેઉનીમ ત્યાં જ મળી આવ્યા હતા. તેઓએ તેનો સંપૂર્ણપણે નાશ કર્યો અને ત્યાં રહ્યા કારણ કે તેઓને પોતાના જાનવરો માટે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઘાસચારો મળ્યો.

42 તેઓમાંના શિમયોનના કુળમાંના પાંચસો પુરુષો સેઈર પર્વત તરફ, ઈશીના દીકરાઓ પલાટયા, નાર્યા, રફાયા અને ઉઝિયેલની આગેવાનીમાં ગયા. 43 ત્યાં બાકીના બચી ગયેલા અમાલેકીઓનો તેઓએ સંહાર કર્યો અને તેઓ ત્યાં આજ સુધી વસી રહેલા છે.

Chapter 5

રુબેનના વંશજો

1 ઇઝરાયલના જયેષ્ઠ દીકરા રુબેનના દીકરાઓ; જો કે રુબેન ઇઝરાયલનો જયેષ્ઠ દીકરો હતો, પરંતુ તેણે પોતાના પિતાનો પલંગ અશુદ્ધ કર્યો હતો તેથી તેના જયેષ્ઠપણાનો હક ઇઝરાયલના દીકરા યૂસફના દીકરાઓને આપવામાં આવ્યો. તેથી તેને જયેષ્ઠ દીકરા તરીકે ગણવામાં આવ્યો નહિ. 2 યહૂદા પોતાના ભાઈઓ કરતાં પરાક્રમી થયો અને તેના વંશમાંથી આગેવાન આવશે. પણ જયેષ્ઠપણાનો હક તો યૂસફનો જ રહ્યો. 3 ઇઝરાયલના જયેષ્ઠ દીકરા રુબેનના દીકરાઓ; હનોખ, પાલ્લૂ, હેસ્રોન તથા કાર્મી હતા.

4 યોએલના વંશજો;

     યોએલનો દીકરો શમાયા હતો,

     શમાયાનો દીકરો ગોગ હતો,

     ગોગનો દીકરો શિમઈ હતો,

     5 શિમઈનો દીકરો મિખા હતો,

     મિખાનો દીકરો રાયા હતો,

     રાયાનો દીકરો બઆલ હતો,

     6 બઆલનો દીકરો બેરા હતો. તેને આશ્શૂરનો રાજા તિલ્ગાથ-પિલ્નેસેર, બંદીવાન કરીને લઈ ગયો હતો. બેરા રુબેનીઓના કુળનો સરદાર હતો.

7 તેઓની વંશાવળીના અહેવાલની નોંધ મુજબ, તેઓનાં કુળ પ્રમાણે તેઓના ભાઈઓ આ હતા; મુખ્ય યેઈએલ તથા ઝખાર્યા, 8 યોએલના દીકરા શેમાના દીકરા આઝાઝનો દીકરો બેલા. તેઓ અરોએરમાં છેક નબો તથા બઆલ-મેઓન સુધી રહેતા હતા. 9 પૂર્વ દિશામાં ફ્રાત નદીથી અરણ્યની સરહદ સુધી તેમનો વિસ્તાર હતો. કેમ કે ગિલ્યાદ દેશમાં તેઓના પશુઓની સંખ્યા ઘણી હતી.

10 શાઉલના દિવસોમાં યોએલના દીકરાઓએ હાગ્રીઓ પર હુમલો કર્યો અને તેઓનો નાશ કર્યો. તેઓ ગિલ્યાદની પૂર્વ બાજુના સઘળા પ્રદેશમાં પોતાના તંબુઓમાં વસ્યા.

ગાદના વંશજો

11 ગાદના કુળના સભ્યો બાશાન દેશમાં તેઓની સામી બાજુએ સાલખા સુધી વસ્યા. 12 તેઓના આગેવાનો યોએલ, જે કુટુંબનો મુખ્ય હતો, કુટુંબનો બીજો મુખ્ય શાફામ; યાનાઈ તથા શાફાટ બાશાનમાં રહેતા હતા. 13 તેઓના સાત ભાઈઓ મિખાએલ, મશુલ્લામ, શેબા, યોરાય, યાકાન, ઝીઆ તથા એબેર.

14 આ નીચે મુજબની વ્યક્તિઓ અબિહાઈલના વંશજો;

     બૂઝનો દીકરો યાહદો હતો,

     યાહદોનો દીકરો યશિશાય હતો,

     યશિશાયનો દીકરો મિખાએલ હતો,

     મિખાએલનો દીકરો ગિલ્યાદ હતો,

     ગિલ્યાદનો દીકરો યારોઆ હતો,

     યારોઆનો દીકરો હૂરી હતો,

     હૂરીનો દીકરો અબિહાઈલ.

15 ગુનીનો દીકરો આબ્દિયેલનો દીકરો અહી, તેઓના પિતાના કુટુંબનો મુખ્ય હતો.

16 તેઓ બાશાનમાંના ગિલ્યાદમાં, તેના નગરોમાં તથા શારોનની સઘળી ઘાસચારાવાળી જમીનોમાં, તેઓની સરહદ સુધી રહેતા હતા. 17 યહૂદાના રાજા યોથામના દિવસોમાં તથા ઇઝરાયલના રાજા યરોબામના દિવસોમાં, આ બધાને તેઓની વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા હતા.

પૂર્વનાં કુળોનાં સૈન્ય

18 રુબેનીઓ, ગાદીઓ, તથા મનાશ્શાનું અડધું કુળ જેઓ ઢાલ તથા તલવાર ઊંચકનાર, ધનુર્વિદ્યા જાણનારાં તથા યુદ્ધમાં કુશળ એવા ચુંમાળીસ હજાર સૈનિકો હતા. 19 તેઓએ હાગ્રીઓ, યટુર, નાફીશ તથા નોદાબ પર હુમલો કર્યો.

20 ઇઝરાયલીઓને તેઓ વિરુદ્ધ ઈશ્વર તરફથી સહાય મળી. આ પ્રમાણે હાગ્રીઓ તથા જે સર્વ તેઓની સાથે હતા, તેઓ હારી ગયા. કેમ કે ઇઝરાયલીઓએ યુદ્ધમાં ઈશ્વરને વિનંતી કરી અને તેમણે તેઓની વિનંતી માન્ય કરી, કારણ કે તેઓએ ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો. 21 તેઓએ તેમનાં જાનવરો, એટલે પચાસ હજાર ઊંટ, બે લાખ પચાસ હજાર ઘેટાં, બે હજાર ગધેડાં ઉપરાંત એક લાખ માણસોને કબજે કરી લીધા. 22 કેમ કે ઈશ્વર તેમના માટે લડ્યા. તેઓએ ઘણાં શત્રુઓનો સંહાર કર્યો. બંદીવાસ થતાં સુધી તેઓ તેમના દેશમાં રહ્યા.

મનાશ્શાના પૂર્વના અર્ધકુળના લોકો

23 મનાશ્શાનું અડધું કુળ, બાશાનના દેશથી બઆલ-હેર્મોન તથા સનીર જે હેર્મોન પર્વત છે ત્યાં સુધી વસ્યું. 24 તેઓના પિતાના કુટુંબોના આગેવાનો આ પ્રમાણે હતા: એફેર, ઈશી, અલિયેલ, આઝ્રીએલ, યર્મિયા, હોદાવ્યા તથા યાહદીએલ. તેઓ પરાક્રમી, હિંમતવાન, નામાંકિત પુરુષો હતા તથા પોતાના પિતાના કુટુંબનાં આગેવાનો હતા.

પૂર્વના કુળો દેશપાર કરાયાં

25 પણ તેઓ પોતાના પિતૃઓના ઈશ્વરને અવિશ્વાસુ હતા. તેઓની આગળથી દેશના જે લોકોનો વિનાશ ઈશ્વરે કર્યો હતો તેઓના દેવોની પૂજા કરીને તેઓ ધર્મભ્રષ્ટ થયા. 26 ઇઝરાયલના ઈશ્વરે આશ્શૂરના રાજા પૂલનું તથા આશ્શૂરના રાજા તિલ્ગાથ-પિલ્નેસેરનું પણ મન ઉશ્કેર્યું. તે તેઓને એટલે રુબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અડધા કુળને બંદીવાન કરીને લઈ ગયો. તેણે તેઓને હલાહ, હાબોર, હારા તથા ગોઝાન નદીને કિનારે લાવીને વસાવ્યા, જ્યાં તેઓ આજ સુધી વસેલા છે.

Chapter 6

લેવીકુળના પ્રમુખ યાજકોની વંશાવળી

1 લેવીના દીકરાઓ: ગેર્શોન, કહાથ તથા મરારી. 2 કહાથના દીકરાઓ: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન તથા ઉઝિયેલ. 3 આમ્રામના દીકરાઓ: હારુન, મૂસા તથા દીકરી મરિયમ. હારુનના દીકરાઓ: નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.

4 એલાઝારનો દીકરો ફીનહાસ. ફીનહાસનો દીકરો અબીશૂઆ. 5 અબીશૂઆનો દીકરો બુક્કી. બુક્કીનો દીકરો ઉઝઝી. 6 ઉઝઝીનો દીકરો ઝરાહયા. ઝરાહયાનો દીકરો મરાયોથ.

7 મરાયોથનો દીકરો અમાર્યા. અમાર્યાનો દીકરો અહિટૂબ. 8 અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો અહિમાઆસ. 9 અહિમાઆસનો દીકરો અઝાર્યા. અઝાર્યાનો દીકરો યોહાનાન.

10 યોહાનાનનો દીકરો અઝાર્યા. સુલેમાને યરુશાલેમમાં જે ભક્તિસ્થાન બાંધ્યું તેમા જે સેવા કરતો હતો તે એ જ છે. 11 અઝાર્યાનો દીકરો અમાર્યા. અને અમાર્યાનો દીકરો અહિટૂબ. 12 અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો શાલ્લુમ.

13 શાલ્લુમનો દીકરો હિલ્કિયા. હિલ્કિયાનો દીકરો અઝાર્યા. 14 અઝાર્યાનો દીકરો સરાયા. સરાયાનો દીકરો યહોસાદાક. 15 જયારે ઈશ્વરે નબૂખાદનેસ્સાર મારફતે યહૂદિયા અને યરુશાલેમના લોકોને બંદીવાન બનાવ્યાં હતા ત્યારે યહોસાદાકને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો હતો.

લેવીકુળના અન્ય વંશજો

16 લેવીના દીકરાઓ: ગેર્શોમ, કહાથ તથા મરારી. 17 ગેર્શોમના દીકરાઓ: લિબ્ની તથા શિમઈ. 18 કહાથના દીકરાઓ: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.

19 મરારીના દીકરાઓ: માહલી તથા મુશી. આ લેવીઓનાં કુળો તેમના પિતાના કુટુંબો પ્રમાણે: 20 ગેર્શોમનો દીકરો: લિબ્ની.

     લિબ્નીનો દીકરો યાહાથ,

     તેનો દીકરો ઝિમ્મા.

     21 તેનો દીકરો યોઆહ,

     તેનો દીકરો ઇદ્દો,

     તેનો દીકરો ઝેરાહ,

     તેનો દીકરો યેઆથરાય.

22 કહાથના વંશજો: તેનો દીકરો આમ્મીનાદાબ,

     તેનો દીકરો કોરા, તેનો દીકરો આસ્સીર, 23 તેનો દીકરો એલ્કાના,

     તેનો દીકરો એબ્યાસાફ,

     તેનો દીકરો આસ્સીર,

     24 તેનો દીકરો તાહાથ,

     તેનો દીકરો ઉરીએલ,

     તેનો દીકરો ઉઝિયા,

     તેનો દીકરો શાઉલ.

25 એલ્કાનાના દીકરાઓ: અમાસાય તથા અહિમોથ. 26 એલ્કાનાનો બીજો દીકરો સોફાય,

     તેનો દીકરો નાહાથ.

     27 તેનો દીકરો અલિયાબ,

     તેનો દીકરો યરોહામ,

     તેનો દીકરો એલ્કાના.

28 શમુએલના દીકરાઓ: જયેષ્ઠપુત્ર યોએલ [1] તથા બીજો અબિયા.

     29 મરારીનો દીકરો માહલી, તેનો દીકરો લિબ્ની, તેનો દીકરો શિમઈ તથા તેનો દીકરો ઉઝઝા.

     30 તેનો દીકરો શિમા, તેનો દીકરો હાગ્ગિયા, તેનો દીકરો અસાયા.

મંદિરના સંગીતકારો

31 કરારકોશને લાવીને એક જગ્યાએ પ્રસ્થાપિત કર્યા પછી ઈશ્વરના ભક્તિસ્થાનમાં દાઉદ રાજાએ ઈશ્વરની સ્તુતિ કરવા માટે સંગીતકારો પર આગેવાનો નીમ્યા. 32 જ્યાં સુધી સુલેમાને ઈશ્વરનું ભક્તિસ્થાન યરુશાલેમમાં બાંધ્યું નહોતું, ત્યાં સુધી તેઓ ગાયન કરીને મુલાકાતમંડપના તંબુ આગળ સેવા કરતા હતા. તેઓ તેમને આપેલા કામના ક્રમ પ્રમાણે સેવા માટે હાજર રહેતા હતા.

33 જેઓ સેવા કરતા હતા તેઓ તથા તેઓના દીકરાઓ: કહાથીઓના કુટુંબનો ગાયક હેમાન,

     હેમાન યોએલનો દીકરો,

     યોએલ શમુએલનો દીકરો,

     34 શમુએલ એલ્કાનાનો દીકરો,

     એલ્કાના યરોહામનો દીકરો,

     યરોહામ અલિયેલનો દીકરો,

     અલિયેલ તોઆનો દીકરો હતો.

     35 તોઆ સૂફનો દીકરો,

     સૂફ એલ્કાનાનો દીકરો,

     એલ્કાના માહાથનો દીકરો,

     માહાથ અમાસાયનો દીકરો,

     36 અમાસાય એલ્કાનાનો દીકરો,

     એલ્કાના યોએલનો દીકરો,

     યોએલ અઝાર્યાનો દીકરો,

     અઝાર્યા સફાન્યાનો દીકરો,

     37 સફાન્યા તાહાથનો દીકરો,

     તાહાથ આસ્સીરનો દીકરો,

     આસ્સીર એબ્યાસાફનો દીકરો,

     એબ્યાસાફ કોરાનો દીકરો,

     38 કોરા યિસ્હારનો દીકરો,

     યિસ્હાર કહાથનો દીકરો,

     કહાથ લેવીનો દીકરો,

     લેવી ઇઝરાયલનો દીકરો.

39 હેમાનનો સાથીદાર આસાફ, જે તેને જમણે હાથે ઊભો રહેતો હતો.

     આસાફ બેરેખ્યાનો દીકરો,

     બેરેખ્યા શિમઆનો દીકરો.

     40 શિમઆ મિખાએલનો દીકરો,

     મિખાએલ બાસેયાનો દીકરો,

     બાસેયા માલ્કિયાનો દીકરો.

     41 માલ્કિયા એથ્નીનો દીકરો,

     એથ્ની ઝેરાનો દીકરો,

     ઝેરા અદાયાનો દીકરો.

     42 અદાયા એથાનનો દીકરો,

     એથાન ઝિમ્માનો દીકરો,

     ઝિમ્મા શિમઈનો દીકરો.

     43 શિમઈ યાહાથનો દીકરો,

     યાહાથ ગેર્શોમનો દીકરો,

     ગેર્શોમ લેવીનો દીકરો.

     44 હેમાનના ડાબા હાથે તેના સાથીદાર મરારીના દીકરાઓ હતા. તેઓમાં કીશીનો દીકરો એથાન.

     કીશી આબ્દીનો દીકરો,

     આબ્દી માલ્લૂખનો દીકરો.

     45 માલ્લૂખ હશાબ્યાનો દીકરો,

     હશાબ્યા અમાસ્યાનો દીકરો,

     અમાસ્યા હિલ્કિયાનો દીકરો.

     46 હિલ્કિયા આમ્સીનો દીકરો,

     આમ્સી બાનીનો દીકરો,

     બાની શેમેરનો દીકરો,

     47 શેમેર માહલીનો દીકરો,

     માહલી મૂશીનો દીકરો,

     મુશી મરારીનો દીકરો,

     મરારી લેવીનો દીકરો.

48 તેઓના લેવી સાથીઓ ઈશ્વરના મંડપની તમામ સેવાને માટે નિમાયેલા હતા.

હારુનના વંશજો

49 હારુન તથા તેના દીકરાઓએ પરમપવિત્રસ્થાનને લગતું સઘળું કામ કર્યું. એટલે તેઓએ દહનીયાર્પણની વેદી પર અર્પણો ચઢાવ્યાં. તેઓએ ધૂપવેદી પર ધૂપ બાળ્યું. સર્વ ઇઝરાયલને માટે પ્રાયશ્ચિત કરવા સારુ, તેઓએ ઈશ્વરના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે પ્રમાણે કરતા હતા.

50 હારુનના વંશજો:

     હારુનનો દીકરો એલાઝાર,

     એલાઝારનો દીકરો ફીનહાસ,

     ફીનહાસનો દીકરો અબીશૂઆ,

     51 અબીશૂઆનો દીકરો બુક્કી,

     બુક્કીનો દીકરો ઉઝઝી,

     ઉઝઝીનો દીકરો ઝરાહયા,

     52 ઝરાયાનો દીકરો મરાયોથ,

     મરાયોથનો દીકરો અમાર્યા,

     અમાર્યાનો દીકરો અહિટૂબ,

     53 અહિટૂબનો દીકરો સાદોક,

     સાદોકનો દીકરો અહિમાઆસ હતો.

લેવીઓનાં વસવાટ-સ્થાનો

54 જે જગ્યા હારુનના વંશજોને આપવામાં આવી હતી. એ જગ્યાઓ આ હતી. કહાથીઓના કુટુંબો માટે ચિઠ્ઠીઓ નાખીને પહેલો ભાગ તેમને આપવામાં આવ્યો હતો: 55 તેઓને યહૂદાના દેશમાં હેબ્રોન તથા તેની આસપાસની ઘાસચારાવાળી જમીનો આપવામાં આવી હતી. 56 પણ તે નગરનાં ખેતરો તથા તેની આસપાસનાં ગામો તેઓએ યફૂન્નેના દીકરા કાલેબને આપ્યાં.

57 હારુનના વંશજોને તેઓએ આશ્રયનગર એટલે હેબ્રોન આપ્યું. વળી લિબ્નાહ તેના ગોચરો સહિત યાત્તીર તથા એશ્તમોઆ તેના ગોચરો સહિત, 58 હિલેન તેના ગોચરો સહિત, દબીર તેના ગોચરો સહિત, 59 હારુનના વંશજોને આશાન તેના ગૌચરો સહિત સાથે તથા બેથ-શેમેશ તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં. 60 બિન્યામીનના કુળમાંથી ગેબા તેના ગોચરો સહિત, આલેમેથ તેના ગોચરો સહિત તથા અનાથોથ તેના ગોચરો સહિત. કહાથીઓના કુટુંબોને આ સઘળાં મળીને તેર નગરો આપવામાં આવ્યા.

61 કહાથના બાકીના વંશજોને ચિઠ્ઠીઓ નાખીને એફ્રાઇમ, દાન, તથા મનાશ્શાના અડધા કુળમાંથી દસ નગરો આપવામાં આવ્યાં. 62 ગેર્શોમના વંશજોને તેઓનાં જુદાં જુદાં કુટુંબો માટે ઇસ્સાખારના કુળમાંથી, આશેરના કુળમાંથી, નફતાલીના કુળમાંથી તથા મનાશ્શાના કુળમાંથી બાશાનમાં તેર નગરો આપવામાં આવ્યાં.

63 મરારીના વંશજોને, તેઓનાં કુટુંબો પ્રમાણે, રુબેનના, ગાદના તથા ઝબુલોનના કુળમાંથી ચિઠ્ઠીઓ નાખીને બાર નગરો આપવામાં આવ્યાં. 64 તેથી ઇઝરાયલના લોકોએ લેવીઓને આ નગરો તેઓનાં ગોચરો સહિત આપ્યાં. 65 તેઓએ યહૂદાના, શિમયોનના તથા બિન્યામીનના કુળમાંથી આ નગરો જેઓનાં નામ આપેલાં છે તે, ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં.

66 કહાથના કેટલાંક કુટુંબોને એફ્રાઇમના કુળમાંથી નગરો આપવામાં આવ્યાં. 67 તેઓને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું શખેમ આશ્રયનું નગર તેના ગોચરો સહિત, ગેઝેર તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં. 68 યોકમામ તેના ગોચરો સહિત, બેથ-હોરોન તેના ગોચરો સહિત, 69 આયાલોન તેના ગોચરો સહિત તથા ગાથ-રિમ્મોન તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.

70 મનાશ્શાના અડધા કુળમાંથી આનેર તેના ગોચરો સહિત તથા બિલહામ તેના ગોચરો સહિત આપવામાં આવ્યા. આ સંપત્તિ બાકીના કહાથીઓના કુટુંબોની થઈ.

71 ગેર્શોમના વંશજોને મનાશ્શાના અડધા કુળમાંથી બાશાનમાંનું ગોલાન તેના ગોચરો સહિત તથા આશ્તારોથ તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં. 72 ઇસ્સાખારના કુળમાંથી ગેર્શોમના વંશજોએ કેદેશ તેના ગોચરો સહિત, દાબરાથ તેના ગોચરો સહિત, 73 રામોથ તેના ગોચરો સહિત તથા આનેમ તેના ગોચરો સહિત પણ આપવામાં આવ્યાં.

74 આશેરના કુળમાંથી તેઓને માશાલ તેના ગોચરો સહિત, આબ્દોન તેના ગોચરો સહિત, 75 હુકોક તેના ગોચરો સહિત, રહોબ તેના ગોચરો સહિત મળ્યાં. 76 નફતાલીના કુળમાંથી તેઓએ ગાલીલમાંનું કેદેશ તેના ગોચરો સહિત, હામ્મોન તેના ગોચરો સહિત તથા કિર્યાથાઈમ તેના ગોચરો સહિત પ્રાપ્ત કર્યાં.

77 બાકીના લેવીઓને એટલે મરારીના વંશજોને ઝબુલોનના કુળમાંથી, રિમ્મોન તેના ગોચરો સહિત તથા તાબોર તેના ગોચરો સહિત આપવામાં આવ્યા. 78 તેઓના કુળોને યરીખોની પાસે યર્દનને પેલે પાર, એટલે નદીની પૂર્વ તરફ, અરણ્યમાંનું બેસેર તેના ગોચરો સહિત, યાહસા તેના ગોચરો સહિત; 79 કદેમોથ તેના ગોચરો સહિત તથા મેફાથ તેના ગોચરો સહિત રુબેનના કુળમાંથી આપવામાં આવ્યાં.

80 ગાદના કુળમાંથી તેઓને ગિલ્યાદમાંનું રામોથ તેના ગોચરો સહિત, માહનાઇમ તેના ગોચરો સહિત, 81 હેશ્બોન તેના ગોચરો સહિત તથા યાઝેર તેના ગોચરો સહિત નગરો આપવામાં આવ્યાં.


6:28 [1] વસની

Chapter 7

ઇસ્સાખારના વંશજો

1 ઇસ્સાખારના ચાર દીકરાઓ: તોલા, પૂઆહ, યાશૂબ તથા શિમ્રોન. 2 તોલાના દીકરાઓ: ઉઝિઝ, રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ તથા શમુએલ. તેઓ તેમના પિતૃઓના કુટુંબોના એટલે કે, તોલાના કુટુંબનાં આગેવાનો હતા. દાઉદ રાજાના સમયમાં તેઓની સંખ્યા બાવીસ હજાર છસોની હતી. 3 ઉઝિઝનો દીકરો યિઝાહયા. યિઝાહયાના દીકરાઓ: મિખાએલ, ઓબાદ્યા, યોએલ તથા યિશ્શિયા. આ પાંચ આગેવાનો હતા.

4 તેઓના પિતૃઓના કુટુંબોની વંશાવળી પ્રમાણે, તેઓની પાસે લડાઈને માટે હથિયારબંધ છત્રીસ હજાર માણસો હતા, કેમ કે તેઓની ઘણી પત્નીઓ તથા દીકરાઓ હતા. 5 ઇસ્સાખારના કુળના પિતૃઓનાં કુટુંબો મળીને તેઓના ભાઈઓની વંશાવળી પ્રમાણે ગણતાં તેઓ સિત્યાશી હજાર યોદ્ધાઓ હતા.

બિન્યામીન અને દાનના વંશજો

6 બિન્યામીનના ત્રણ દીકરાઓ: બેલા, બેખેર તથા યદીએલ. 7 બેલાના પાંચ દીકરાઓ; એસ્બોન, ઉઝિઝ, ઉઝિયેલ, યરિમોથ તથા ઈરી હતા. તેઓ કુટુંબોના સૈનિકો તથા આગેવાનો હતા. તેઓની ગણતરી પ્રમાણે તેઓના યોદ્ધાઓની સંખ્યા બાવીસ હજાર ચોત્રીસ હતી.

8 બેખેરના દીકરાઓ: ઝમિરા, યોઆશ, એલીએઝેર, એલ્યોનાય, ઓમ્રી, યેરેમોથ, અબિયા, અનાથોથ તથા આલેમેથ. આ બધા તેના દીકરાઓ હતા. 9 તેઓનાં કુટુંબો પ્રમાણે તેમની ગણતરી કરતાં તેઓ વીસ હજાર બસો શૂરવીર પુરુષો તથા કુટુંબોના આગેવાનો હતા. 10 યદીએલનો દીકરો બિલ્હાન હતો. બિલ્હાનના દીકરાઓ: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શીશ તથા અહિશાહાર.

11 આ બધા યદીએલના દીકરાઓ હતા. તેઓના કુટુંબનાં સત્તર હજાર બસો આગેવાનો અને યોદ્ધા હતા. તેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા. 12 ઈરના વંશજો: શુપ્પીમ તથા હુપ્પીમ અને આહેરનો દીકરો હુશીમ.

નફતાલીના વંશજો

13 નફતાલીના દીકરાઓ; યાહસીએલ, ગૂની, યેસેર તથા શાલ્લુમ. તેઓ બિલ્હાના દીકરાઓ હતા.

મનાશ્શાના વંશજો

14 મનાશ્શાના પુત્રો; અરામી ઉપપત્નીથી જન્મેલા આસ્રીએલ અને માખીર. તેને જ માખીરનો દીકરો ગિલ્યાદ. 15 માખીરે હુપ્પીમ અને શુપ્પીમકુળમાંથી બે પત્નીઓ સાથે લગ્ન કર્યા. એકનું નામ માકા હતું. મનાશ્શાના બીજા વંશજનું નામ સલોફહાદ હતું, તેને દીકરાઓ ન હતા, માત્ર દીકરીઓ જ હતી.

16 માખીરની પત્ની માકાને દીકરો જન્મ્યો. તેણે તેનું નામ પેરેશ રાખ્યું. તેના ભાઈનું નામ શેરેશ. તેના દીકરાઓ ઉલામ તથા રેકેમ. 17 ઉલામનો દીકરો બદાન. તેઓ મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના વંશજો હતા. 18 ગિલ્યાદની બહેન હામ્મોલેખેથે ઈશ્હોદ, અબીએઝેર તથા માહલાને જન્મ આપ્યો. 19 શમિદાના દીકરાઓ; આહ્યાન, શેખેમ, લિકહી તથા અનીઆમ.

20 એફ્રાઇમના વંશજો નીચે પ્રમાણે છે;

     એફ્રાઇમનો દીકરો શુથેલા હતો.

     શુથેલાનો દીકરો બેરેદ હતો.

     બેરેદનો દીકરો તાહાથ હતો.

     તાહાથનો દીકરો એલાદા હતો.

     એલાદાનો દીકરો તાહાથ હતો.

     21 તાહાથનો દીકરો ઝાબાદ હતો.

     ઝાબાદના દીકરા શુથેલા, એઝેર તથા એલાદ. તેઓને દેશના મૂળ રહેવાસીઓ ગાથના પુરુષોએ મારી નાખ્યા, કારણ કે તેઓનાં જાનવરને લૂંટી જવા માટે તેઓ આવ્યા હતા. 22 તેઓના પિતા એફ્રાઇમે ઘણાં દિવસો સુધી શોક કર્યો, તેના ભાઈઓ તેને દિલાસો આપવા આવ્યા.

23 એફ્રાઇમની પત્ની ગર્ભવતી થઈ તેણે પુત્રને જન્મ આપ્યો. એફ્રાઇમે તેનું નામ બરિયા ભાગ્યહીન રાખ્યું, કારણ કે તેના કુટુંબની દુર્દશા થઈ હતી. 24 તેને શેરા નામની એક દીકરી હતી. તેણે નીચેનું બેથ-હોરોન તથા ઉપરનું ઉઝ્ઝેન-શેરાહ એમ બે નગરો બાંધ્યા.

     25 એફ્રાઇમના દીકરા રેફા તથા રેશેફ હતો.

     રેશેફનો દીકરો તેલાહ હતો.

     તેલાહનો દીકરો તાહાન હતો.

     26 તાહાનનો દીકરો લાદાન હતો.

     લાદાનનો દીકરો આમિહુદ હતો.

     આમ્મીહૂદનો દીકરો અલિશામા હતો.

     27 અલિશામાનો દીકરો નૂન હતો.

     નૂનનો દીકરો યહોશુઆ હતો.

28 તેઓનાં વતન તથા વસવાટ બેથેલ તથા તેની આસપાસનાં ગામો હતાં. તેઓ પૂર્વ તરફ નારાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેનાં ગામો, વળી શખેમ તથા તેનાં ગામો અને અઝઝાહ તથા તેના ગામો સુધી વિસ્તરેલા હતા. 29 મનાશ્શાની સીમા પાસે બેથ-શેઆન તથા તેનાં ગામો, તાનાખ તથા તેનાં ગામો, મગિદ્દો તથા તેનાં ગામો, દોર તથા તેનાં ગામો હતા. આ બધાં નગરોમાં ઇઝરાયલના દીકરા યૂસફના વંશજો રહેતા હતા.

આશેરના વંશજો

30 આશેરના દીકરાઓ: યિમ્ના, યિશ્વા, યિશ્વી, બરિયા. સેરાહ તેઓની બહેન હતી. 31 બરિયાના દીકરાઓ; હેબેર તથા માલ્કીએલ. માલ્કીએલનો દીકરો બિર્ઝાઈથ. 32 હેબેરના દીકરાઓ; યાફલેટ, શોમેર તથા હોથામ. શુઆ તેઓની બહેન હતી.

33 યાફલેટના દીકરાઓ; પાસાખ, બિમ્હાલ તથા આશ્વાથ. આ યાફલેટના બાળકો હતા. 34 યાફલેટના ભાઈ શેમેરના દીકરાઓ; અહી, રોહગા, યહુબ્બા તથા અરામ. 35 શોમેરના ભાઈ હેલેમના આ દીકરાઓ હતા; સોફાહ, ઇમ્ના, શેલેશ તથા આમાલ.

36 સોફાહના દીકરાઓ; શુઆ, હાર્નેફેર, શુઆલ, બેરી, યિમ્રા, 37 બેસેર, હોદ, શામ્મા, શિલ્શા, યિથ્રાન તથા બેરા. 38 યેથેરના દીકરાઓ; યફૂન્ને, પિસ્પા, તથા અરા.

39 ઉલ્લાના વંશજો; આરાહ, હાન્નીએલ તથા રિસ્યા. 40 એ બધા આશેરના વંશજો હતા. તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબોના આગેવાનો, પરાક્રમી, શૂરવીર, પ્રસિદ્ધ પુરુષો તથા મુખ્ય માણસો હતા. વંશાવળી પ્રમાણે યુદ્ધના કામ માટેની તેઓની ગણતરી કરતાં તેઓ છવ્વીસ હજાર પુરુષો હતા.

Chapter 8

બિન્યામીનના વંશજો

1 બિન્યામીનના પાંચ દીકરા; જયેષ્ઠ દીકરો બેલા, આશ્બેલ, અહારાહ, 2 નોહા તથા રાફા. 3 બેલાના દીકરાઓ; આદ્દાર, ગેરા, એહૂદ, 4 અબીશુઆ, નામાન, અહોઆહ, 5 ગેરા, શફૂફાન તથા હૂરામ.

6 આ એહૂદના વંશજો ગેબાના રહેવાસીઓના કુટુંબોના આગેવાનો હતા, તેઓને બંદીવાન કરીને માનાહાથમાં લઈ જવાયા. 7 નામાન, અહિયા, ગેરા. ગેરાના દીકરાઓ; ઉઝઝા તથા અહિહુદ.

8 શાહરાઈમે તેની પત્નીઓ હુશીમ અને બારાને છૂટાછેડા આપી દીધા, પછી મોઆબ દેશમાં અન્ય પત્નીઓથી થયેલા તેના દીકરા; 9 તેની પત્ની હોદેશથી, શાહરાઈમ યોબાબ, સિબ્યા, મેશા તથા માલ્કામ, 10 યેઉસ, શાખ્યા અને મિર્મા. આ તેના દીકરાઓ તેઓના કુટુંબોના આગેવાનો હતા. 11 પત્ની હુશીમથી જન્મેલા દીકરા અબિટુબ તથા એલ્પાલ.

બિન્યામીનીઓ ગાથ અને આયાલોનમાં

12 એલ્પાલના દીકરાઓ; એબેર, મિશામ તથા શેમેદ. શેમેદે ઓનો તથા લોદ નગરો તથા ગામો બંધાવ્યાં, 13 તેના બીજા દીકરાઓ; બરિયા તથા શેમા. તેઓ આયાલોનમાં રહેતા કુટુંબોના આગેવાનો હતા, તેઓએ ગાથના રહેવાસીઓને કાઢી મૂક્યા.

14 બરિયાના દીકરાઓ;

     આહ્યો, શાશાક, યેરેમોથ,

     15 ઝબાદ્યા, અરાદ, એદેર,

     16 મિખાએલ, યિશ્પા તથા યોહા.

બિન્યામીનીઓ યરુશાલેમમાં

17 એલ્પાલના દીકરાઓ;

     ઝબાદ્યા, મશુલ્લામ, હિઝકી, હેબેર,

     18 યિશ્મરાય, યિઝલીઆ તથા યોબાબ.

19 શિમઈના દીકરાઓ;

     યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી,

     20 અલિએનાય, સિલ્લાથાય, અલીએલ,

     21 અદાયા, બરાયા તથા શિમ્રાથ તે શિમઈના દીકરાઓ.

22 શાશાકના દીકરાઓ;

     યિશ્પાન, એબેર, અલીએલ,

     23 આબ્દોન, ઝિખ્રી, હાનાન,

     24 હનાન્યા, એલામ, આન્થોથિયા,

     25 યિફદયા અને પનુએલ એ શાશાકના પુત્રો.

26 યરોહામના દીકરાઓ;

     શામ્શરાય, શહાર્યા, અથાલ્યા,

     27 યારેશ્યા, એલિયા તથા ઝિખ્રી.

28 આ તેઓના કુટુંબોના આગેવાનો તથા તેમના સમયોમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.

બિન્યામીનીઓ ગિબ્યોન અને યરુશાલેમમાં

29 ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો. તેની પત્નીનું નામ માકા હતું. 30 તેના દીકરાઓ; જયેષ્ઠ દીકરો આબ્દોન અને સૂર, કીશ, બઆલ, નાદાબ, 31 ગદોર, આહ્યો તથા ઝેખેર.

શાઉલનું કુટુંબ

32 યેઈએલનો બીજો દીકરો મિકલોથ. તેનો દીકરો શિમા. તેઓ પણ યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા. 33 નેરનો દીકરો કીશ હતો.

     કીશનો દીકરો શાઉલ હતો.

     શાઉલના દીકરા; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ. 34 યોનાથાનનો દીકરો મરીબ્બાલ.

     મરીબ્બાલનો દીકરો મિખા, 35 મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તારેઆ તથા આહાઝ. 36 આહાઝનો દીકરો યહોઆદ્દા.

     યહોઆદ્દા દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી.

     ઝિમ્રીનો દીકરો મોસા. 37 મોસાનો દીકરો બિનઆ. બિનઆનો દીકરો રાફા. રાફાનો દીકરો એલાસા. એલાસાનો દીકરો આસેલ.

38 આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન. 39 આસેલના ભાઈ એશેકના દીકરાઓ; જયેષ્ઠ દીકરો ઉલામ, બીજો યેઉશ અને ત્રીજો અલીફેલેટ. 40 ઉલામના દીકરાઓ પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓના દીકરાઓ અને પૌત્રોની સંખ્યા એકસો પચાસ જેટલી હતી. તેઓ સર્વ બિન્યામીનના વંશજો હતા.

Chapter 9

બંદિવાસમાંથી પાછા ફરેલા લોકો

1 સર્વ ઇઝરાયલની ગણતરી વંશાવળી પ્રમાણે કરવામાં આવી. ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં તેની નોંધ કરવામાં આવેલી છે. યહૂદાને તેના પાપને લીધે કેદી તરીકે બાબિલમાં લઈ જવામાં આવ્યો હતો. 2 હવે પોતપોતાનાં વતનોના નગરોમાં પહેલા રહેવા આવ્યા તે તો ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, તથા ભક્તિસ્થાનોના સેવકો હતા. 3 યહૂદાના, બિન્યામીનના, એફ્રાઇમના તથા મનાશ્શાના વંશજોમાંના જેઓ યરુશાલેમમાં રહેતા હતા તેઓ આ છે.

4 યહૂદાના દીકરા પેરેસના વંશજોમાંથી બાનીના દીકરા ઈમ્રીના દીકરા ઓમ્રીના દીકરા આમ્મીહૂદનો દીકરો ઉથાય. 5 શીલોનીઓમાંથી તેનો જયેષ્ઠ દીકરો અસાયા તથા તેના દીકરાઓ. 6 ઝેરાહના વંશજોમાંથી યેઉએલ. તથા કુટુંબીઓ મળીને કુલ છસો નેવું.

7 બિન્યામીનના વંશજોમાંના હાસ્સેનુઆના દીકરા હોદાવ્યાના દીકરા મશુલ્લામનો દીકરો સાલ્લૂ. 8 યરોહામનો દીકરો યિબ્નિયા, મિખ્રીના દીકરા ઉઝઝીનો દીકરો એલા, યિબ્નિયાના દીકરા રેઉએલના દીકરા શફાટયાનો દીકરો મશુલ્લામ. 9 તેઓની વંશાવળીઓ પ્રમાણે તેઓના કુટુંબીઓ નવસો છપ્પન. એ સર્વ પુરુષો પોતાના પિતૃઓના કુટુંબોના સરદારો હતા.

યરુશાલેમમાં વસતા યાજકો

10 યાજકો; યદાયા, યહોયારીબ તથા યાખીન. 11 અહિટૂબના દીકરા મરાયોથના દીકરા સાદોકના દીકરા મશુલ્લામના દીકરા હિલ્કિયાનો દીકરો અઝાર્યા ઈશ્વરના ઘરનો કારભારી હતો.

12 માલ્કિયાના દીકરા પાશહૂરના દીકરા યરોહામનો દીકરો અદાયા. ઈમ્મેરના દીકરા મશિલ્લેમિથના દીકરા મશુલ્લામના દીકરા યાહઝેરાના દીકરા અદીએલનો દીકરો માસાય. 13 તેઓના સગાંઓ, પોતાના પિતૃઓના કુટુંબનાં આગેવાનો એક હજાર સાતસો સાઠ હતા. તેઓ ઈશ્વરના ઘરની સેવાના કામમાં ઘણાં કુશળ પુરુષો હતા.

યરુશાલેમમાં વસતા લેવીઓ

14 લેવીઓમાંના એટલે મરારીના વંશજોમાંના; હશાબ્યાના દીકરા આઝ્રીકામના દીકરા હાશ્શૂબનો દીકરો શમાયા. 15 બાક-બાક્કાર, હેરેશ તથા ગાલાલ, આસાફના દીકરા ઝિખ્રીના દીકરા મિખાનો દીકરો માત્તાન્યા. 16 યદૂથૂનના દીકરા ગાલાલના દીકરા શમાયાનો દીકરો ઓબાદ્યા, એલ્કાનાના દીકરા આસાનો દીકરો બેરેખ્યા તેઓ નટોફાથીઓના ગામોના રહેવાસી હતા.

યરુશાલેમમાં વસતા મંદિરના દ્વારપાળો

17 દ્વારપાળો; શાલ્લુમ, આક્કુબ, ટાલ્મોન, અહીમાન તથા તેઓના વંશજો. શાલ્લુમ તેઓનો આગેવાન હતો. 18 એ સમયે તે શાલ્લુમ રાજાના પૂર્વ તરફના મુખ્ય દરવાજાનો દ્વારપાળ હતો. તેઓ લેવી વંશજોની છાવણીના દ્વારપાળો હતા. 19 કોરાહના દીકરા એબ્યાસાફના દીકરા કોરેનો દીકરો શાલ્લુમ, તેના પિતાના કુટુંબનાં તેના ભાઈઓ, એટલે કોરાહીઓ સેવાના કામ પર હતા તેઓ મંડપના દ્વારપાળો હતા. તેઓના પિતૃઓ યહોવાહની છાવણીનું પ્રવેશદ્વાર સંભાળનારા હતા.

20 ગતકાળમાં એલાઝારનો દીકરો ફીનહાસ તેઓનો ઉપરી હતો, યહોવાહ તેમની સાથે હતા. 21 મશેલેમ્યાનો દીકરો ઝખાર્યા "મુલાકાતમંડપના" દ્વારપાળ હતો.

22 એ સર્વ જે દરવાજા ઉપર દ્વારપાળ તરીકે પસંદ કરાયેલા હતા તેઓ બસો બાર હતા. તેઓ પોતપોતાનાં ગામોમાં તેમની વંશાવળી પ્રમાણે ગણાયા હતા. તેઓને દાઉદે તથા શમુએલ પ્રબોધકે તેઓના મુકરર કરેલા કામ પર નીમ્યા હતા. 23 તેથી તેઓનું તથા તેઓના દીકરાઓનું કામ યહોવાહની ભક્તિસ્થાનના દ્વારોની એટલે મંડપની, ચોકી કરીને સંભાળ રાખવાનું હતું. 24 દ્વારપાળો [1] ચારે બાજુએ ફરજ બજાવતા હતા, એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ ગમ.

25 તેઓના જે ભાઈઓ તેઓના ગામોમાં હતા, તેઓને સાત દિવસને અંતરે વારાફરતી તેઓની સાથે સેવામાં સામેલ થવા સારુ આવતા હતા. 26 ચાર મુખ્ય દરવાજાના રક્ષકો જે લેવીઓ હતા તેઓ ઈશ્વરના સભાસ્થાનની ઓરડીઓ પર તથા ભંડારો પર નિમાયેલા હતા. 27 તેઓ ઈશ્વરના સભાસ્થાનની આસપાસ તેમનાં કામ પ્રમાણે રહેતા હતા, કેમ કે તેઓ તેની રક્ષા માટે જવાબદાર હતા. દર સવારે તેને ઉઘાડવાનું કામ તેઓનું હતું.

બીજા લેવીઓ

28 તેઓમાંના કેટલાકના હવાલામાં સેવાનાં પાત્રો હતાં, તેઓ તે ગણીને બહાર લઈ જવાની અને ગણીને અંદર લાવવાની જવાબદારી હતી. 29 વળી તેઓમાંના કેટલાકને રાચરચીલું, પવિત્રસ્થાનનાં સર્વ પાત્રો, મેંદો, દ્રાક્ષારસ, તેલ, લોબાન તથા સુગંધીદ્રવ્ય સાચવવા માટે નીમવામાં આવ્યા હતા.

30 યાજકના દીકરાઓમાંના કેટલાક સુગંધીઓની મેળવણી તૈયાર કરવાની ફરજ બજાવતા હતા. 31 શાલ્લુમ કોરાહીનો જયેષ્ઠ દીકરો માત્તિથ્યા, જે એક લેવી હતો, તેને અર્પણો માટે રોટલીઓ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. 32 કહાથીઓના વંશજોમાંના કેટલાકને દર વિશ્રામવારે અર્પણ કરવાની રોટલી તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

33 ગાનારાઓ અને લેવીઓના કુટુંબનાં આગેવાનો પવિત્રસ્થાનના ઓરડાઓમાં રહેતા હતા, તેઓને અન્ય ફરજો બજાવવાની ન હતી, કેમ કે તેઓ રાત દિવસ પોતાના જ કામમાં વ્યસ્ત રહેતા હતા. 34 તેઓ લેવીઓના પિતૃઓના કુટુંબનાં આગેવાનો હતા, એટલે પોતાની સર્વ પેઢીઓમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.

શાઉલના પૂર્વજો અને વંશજો

(૮:૨૯-૩૮)

35 ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો, તેની પત્નીનું નામ માકા હતું. 36 તેનો જયેષ્ઠ દીકરો આબ્દોન, પછી સૂર, કીશ, બઆલ, નેર તથા નાદાબ, 37 ગદોર, આહ્યો, ઝખાર્યા તથા મિકલોથ હતા.

38 મિકલોથનો દીકરો શિમામ હતો. તેઓ પણ પોતાના ભાઈઓની સાથે યરુશાલેમમાં રહેતા હતા.

     39 નેરનો દીકરો કીશ હતો.

     કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરાઓ; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ.

     40 યોનાથાનનો દીકરો મરીબ્બાલ હતો.

     મરીબ્બાલનો દીકરો મિખા હતો.

41 મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તાહરેઆ તથા આહાઝ.

     42 આહાઝનો દીકરો યારા. યારાના દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી.

     ઝિમ્રીનો દીકરો મોસા હતો.

     43 મોસાનો દીકરો બિનઆ હતો.

     બિનઆનો દીકરો રફાયા હતો.

     રફાયાનો દીકરો એલાસા હતો.

     એલાસાનો દીકરો આસેલ હતો.

     44 આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન હતા.


9:24 [1] મંદિરના દ્વારપાળો

Chapter 10

શાઉલનું કરુણ મોત

(૧ શમુ. ૩૧:૧-૧૩)

1 હવે પલિસ્તીઓએ ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું. ઇઝરાયલના પુરુષો પલિસ્તીઓની આગળથી નાસી ગયા, ગિલ્બોઆ પર્વત પર તેઓની કતલ થઈ. 2 પલિસ્તીઓ શાઉલ તથા તેના દીકરાની પાછળ લગોલગ આવી પહોંચ્યા. પલિસ્તીઓએ શાઉલના દીકરા યોનાથાનને, અબીનાદાબને તથા માલ્કી-શુઆને મારી નાખ્યા. 3 શાઉલની સામે ભારે યુદ્ધ મચ્યું, ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો અને તેને ઘાયલ કર્યો.

4 ત્યારે શાઉલે પોતાના શસ્ત્રવાહકને કહ્યું, "તારી તલવાર તાણીને મને વીંધી નાખ. રખેને એ બેસુન્નતીઓ આવીને મારું અપમાન કરે." પણ તેના શસ્ત્રવાહકે ના પાડી, કેમ કે તે ઘણો બીતો હતો. તેથી શાઉલ પોતાની જ તલવાર પર પડીને મરણ પામ્યો.

5 જયારે શસ્ત્રવાહકે જોયું કે શાઉલ મરણ પામ્યો હતો, ત્યારે તે પણ પોતાની તલવાર પર પડીને મરી ગયો. 6 એમ શાઉલ તથા તેના ત્રણ દીકરાઓ મરણ પામ્યા; એમ તેના ઘરના સભ્યો એકસાથે મરણ પામ્યા.

7 જયારે ખીણમાં ઇઝરાયલના જે માણસો હતા તે સર્વએ જોયું કે તેઓ નાસી ગયા છે અને શાઉલ તથા તેના દીકરાઓ માર્યા ગયા છે, ત્યારે તેઓ પોતાનાં નગરો મૂકીને નાસી ગયા. પછી પલિસ્તીઓ ત્યાં આવીને તે નગરોમાં રહ્યા. 8 તેને બીજે દિવસે એમ થયું કે, પલિસ્તીઓ ઘાયલ થયેલાઓને લૂંટવા સારુ ધસી આવ્યા, ત્યારે શાઉલ તથા તેના દીકરાઓના દેહ ગિલ્બોઆ પર્વત પર પડેલા તેઓના જોવામાં આવ્યા.

9 તેઓએ એ મૃતદેહ પરથી સઘળું ઉતારી લીધું અને શાઉલનું માથું તથા તેનું કવચ લઈ લીધા. તેઓએ પોતાની મૂર્તિઓને તથા લોકોને શુભ સમાચાર આપવા માટે ચારે તરફ પલિસ્તીઓના દેશમાં સંદેશવાહક મોકલ્યા. 10 તેઓએ તેનું કવચ પોતાના દેવોના મંદિરમાં મૂક્યું અને દાગોનના મંદિરમાં તેનું માથું લટકાવ્યું.

11 પલિસ્તીઓએ જે સર્વ શાઉલને કર્યું હતું તે યાબેશ-ગિલ્યાદના બધા લોકોએ સાંભળ્યું, 12 ત્યારે સર્વ શૂરવીર પુરુષોએ ઊઠીને શાઉલનો મૃતદેહ તથા તેના દીકરાઓના મૃતદેહો લીધા અને તેમને યાબેશમાં લાવ્યા. તેઓએ યાબેશના એલોન ઝાડ નીચે તેઓના મૃતદેહોને દફનાવ્યા અને સાત દિવસ સુધી ઉપવાસ કર્યો.

13 શાઉલે ઈશ્વરનું વચન ન પાળવાથી તેમની વિરુદ્ધ જે પાપ કર્યું હતું અને ઈશ્વરને ન પૂછતાં મેલી વિદ્યા જાણનારની સલાહ લીધી હતી, તેને લીધે તે મરણ પામ્યો. 14 આમ ઈશ્વરે તેને મારી નાખ્યો અને રાજયને યિશાઈના દીકરા દાઉદના હાથમાં આપ્યું.

Chapter 11

દાઉદ યહૂદિયા અને ઇઝરાયલનો રાજા

(૨ શમુ. ૫:૧-૧૦)

1 પછી સમગ્ર ઇઝરાયલે, હેબ્રોનમાં દાઉદની પાસે એકઠા થઈને કહ્યું, "જો, અમારો તારી સાથે લોહીનો સંબંધ છે, તારા કુટુંબીઓ છીએ. 2 ગતકાળમાં શાઉલ રાજા હતો ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તું જ હતો. તારા પ્રભુ યહોવાહે તને કહ્યું હતું કે, 'તું મારા ઇઝરાયલી લોકોનું પાલન કરશે, તું મારા ઇઝરાયલી લોકો પર અધિકારી થશે." 3 પછી ઇઝરાયલના બધા વડીલો હેબ્રોનમાં રાજા સમક્ષ આવ્યા, દાઉદે હેબ્રોનમાં યહોવાહની સમક્ષ તેઓની સાથે કરાર કર્યો. શમુએલ મારફતે અપાયેલા યહોવાહના વચન પ્રમાણે તેઓએ દાઉદને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો.

4 દાઉદ તથા સર્વ ઇઝરાયલ, યરુશાલેમ એટલે યબૂસ ગયા. દેશના રહેવાસી યબૂસીઓ ત્યાં હતા. 5 યબૂસના રહેવાસીઓએ દાઉદને કહ્યું, "તારાથી અંદર આવી શકાશે નહિ." તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે જ દાઉદ નગર છે. 6 દાઉદે કહ્યું, જે કોઈ યબૂસીઓને પ્રથમ મારશે તે સેનાપતિ થશે." સરુયાના દીકરા યોઆબે પ્રથમ હુમલો કર્યો, તે સેનાપતિ બન્યો.

7 પછી દાઉદ કિલ્લામાં રહ્યો. માટે તેઓએ તેનું નામ દાઉદનગર પાડ્યું. 8 તેણે મિલ્લોથી લઈને ચોતરફ નગર બાંધ્યું. યોઆબે બાકીના નગરને સમાર્યું. 9 દાઉદ વધુ અને વધુ મહાન થતો ગયો, કેમ કે સૈન્યના ઈશ્વર તેની સાથે હતા.

દાઉદના પ્રખ્યાત શૂરવીરો

(૨ શમુ. ૨૩:૮-૩૯)

10 દાઉદના મુખ્ય યોદ્ધાઓ કે જેઓ, ઇઝરાયલ વિષે ઈશ્વરના વચન પ્રમાણે તેને રાજા બનાવવા માટે ઇઝરાયલની સાથે દ્રઢપણે તેના રાજયમાં તેની પડખે રહ્યા. 11 તેઓની દાઉદે ગણતરી કરી. તેઓ આ છે: હાખ્મોનીનો દીકરો યાશોબામ એ ત્રણમાંનો મુખ્ય સેનાપતિ હતો. તેણે પોતાની બરછીથી ત્રણસો માણસોને એક જ વખતે મારી નાખ્યા હતા.

12 તેના પછી અહોહી દોદોનો દીકરો એલાઝાર હતો, જે ત્રણ યોદ્ધાઓમાંનો એક હતો. 13 પાસ-દામ્મીમમાં તે દાઉદની સાથે હતો, ત્યાં જવના ખેતરમાં પલિસ્તીઓ લડાઈને સારુ એકઠા થયા હતા, લોકો પલિસ્તીઓની આગળથી નાસતા હતા. 14 ત્યારે તેઓએ તે ખેતરની વચ્ચે ઊભા રહીને તેનો બચાવ કર્યો, પલિસ્તીઓને મારી નાખ્યા. ઈશ્વરે મોટો જય કરીને તેઓને બચાવ્યા.

15 ત્રીસ આગેવાનોમાંના ત્રણ દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગઢ આગળ જઈ પહોંચ્યા. પલિસ્તીઓના સૈન્યએ રફાઈમના મેદાનમાં છાવણી નાખી હતી. 16 દાઉદ તે સમયે ગઢમાં હતો, બેથલેહેમમાં પલિસ્તીઓનું થાણું હતું. 17 દાઉદે પાણી માટે આતુર થઈને કહ્યું, "જો કોઈ મને બેથલેહેમના દરવાજા પાસેના ફૂવાનું પાણી પીવડાવે તો કેવું સારુ!"

18 તેથી આ ત્રણ શૂરવીર પુરુષોએ પલિસ્તીઓની છાવણીમાં ધસી જઈને તે દરવાજા પાસેના બેથલેહેમના કૂવામાંથી પાણી કાઢ્યું. તેઓ તે પાણી લઈને દાઉદની પાસે આવ્યા, પણ દાઉદે તે પાણી પીવાની ના પાડી. પણ તેણે તે ઈશ્વરની આગળ રેડી દીધું. 19 પછી તેણે કહ્યું, હું આ કેમ પીઉં? "મારા ઈશ્વર મને એવું કરવા ન દો. આ પુરુષો કે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓનું લોહી હું કેમ પીઉં? કેમ કે તેઓ તો પોતાના જીવના જોખમે તે લાવ્યા છે." માટે તે પીવાને રાજી ન હતો. આ કાર્યો એ ત્રણ યોદ્ધાઓએ કર્યાં હતાં.

20 યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણનો ઉપરી હતો. કેમ કે તેણે પોતાની બરછી ત્રણસો માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને મારી નાખ્યા. એમ કરીને તેણે ત્રણમાં નામના મેળવી. 21 ત્રીસમાં તે વધારે નામાંકિત હતો અને તે તેઓનો ઉપરી થયો. જો કે તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ.

22 કાબ્સએલના પરાક્રમી કૃત્યો કરનાર શૂરવીર પુરુષના દીકરા યહોયાદાનો દીકરો બનાયા હતો. તેણે મોઆબી અરીએલના બે દીકરાઓને મારી નાખ્યા. વળી તેણે હીમ પડતું હતું ત્યારે ગુફામાં જઈને એક સિંહને મારી નાખ્યો. 23 વળી તેણે પાંચ હાથ ઊંચા મિસરી પુરુષને પણ મારી નાખ્યો. તે મિસરીના હાથમાં વણકરની તોરના જેવી એક બરછી હતી, પરંતુ તે ફક્ત લાકડી લઈને તેની સામે થયો. તેણે તે બરછી મિસરીના હાથમાંથી છીનવી લઈને તેની જ બરછીથી તેને મારી નાખ્યો.

24 યહોયાદાના દીકરા બનાયાએ એ કાર્યો કર્યાં, તેથી તે પેલા ત્રણ યોદ્ધાઓના જેવો નામાંકિત થયો. 25 તે પેલા ત્રીસ યોદ્ધાઓ કરતાં પણ વધારે નામાંકિત હતો, પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી ઠરાવ્યો.

26 વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો દીકરો એલ્હાનાન, 27 શામ્મોથ હરોરી, હેલેસ પલોની, 28 તકોઈ ઇક્કેશનો દીકરો ઈરા, અબીએઝેર અનાથોથી, 29 સિબ્બખાય હુશાથી, ઈલાહ અહોહી,

30 મહારાય નટોફાથી, નટોફાથી બાનાહનો દીકરો હેલેદ, 31 બિન્યામીનપુત્રોના ગિબ્યાના રિબાયનો દીકરો ઈથાય, બનાયા પિરઆથોની, 32 ગાઆશની ખીણવાળો હુરાય, અબીએલ આર્બાથી, 33 આઝમાવેથ બાહરૂમી, એલ્યાહબા શાઆલ્બોની,

34 ગેઝોની હાશેમના દીકરાઓ, હારારી શાગેનો દીકરો યોનાથાન, 35 હારારી સાખારનો દીકરો અહીઆમ, ઉરનો દીકરો અલિફાહ, 36 હેફેર મખેરાથી, અહિયા પલોની, 37 હેસ્રો કાર્મેલી, એઝબાયનો દીકરો નારાય,

38 નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો દીકરો મિબ્હાર, 39 સેલેક આમ્મોની, સરુયાના દીકરા યોઆબનો શસ્ત્રવાહક નાહરાય બેરોથી, 40 ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી, 41 ઉરિયા હિત્તી, આહલાયનો દીકરો ઝાબાદ,

42 રુબેનીઓનો મુખ્ય રુબેની શિઝાનો દીકરો અદીના અને તેની સાથે ત્રીસ સરદારો. 43 માકાનો દીકરો હાનાન, યોશાફાટ મિથ્ની, 44 ઉઝિયા આશ્તારોથી, અરોએરી હોથામના દીકરા શામા તથા યેઈએલ,

45 શિમ્રીનો દીકરો યદીએલ, તેનો ભાઈ તીસી નો યોહા, 46 અલીએલ માહવી, એલ્નામના દીકરો યરીબાઈ તથા યોશાવ્યા, યિથ્મા મોઆબણ, 47 અલીએલ, ઓબેદ તથા યાસિયેલ મસોબાથી.

Chapter 12

દાઉદના બિન્યામીનકુળના શરુઆતના સહાયકો

1 હવે દાઉદ કીશના દીકરા શાઉલને લીધે હજી સંતાતો રહેતો હતો તેવામાં તેની પાસે જેઓ સિકલાગ આવ્યા તેઓ આ છે: તેઓ તેને યુદ્ધમાં સહાય કરનાર શૂરવીરોમાંના હતા. 2 તેઓ ધનુર્ધારીઓ હતા, જમણે તથા ડાબે હાથે ગોફણથી પથ્થર ફેંકી શકતા હતા તથા ધનુષ્યથી બાણ મારી શકતા હતા. તેઓ બિન્યામીની શાઉલના ભાઈઓમાંના હતા.

3 મુખ્ય અહીએઝેર, પછી યોઆશ, તેઓ ગિબ્યાથી શમ્માના દીકરા હતા. આઝમાવેથ દીકરાઓ યઝીએલ તથા પેલેટ. બરાખા તથા યેહૂ અનાથોથી, 4 ત્રીસમાંનો પરાક્રમી તથા ત્રીસનો સરદાર ઇશ્માયા ગિબ્યોની, યર્મિયા, યાહઝીએલ, યોહાનાન તથા યોઝાબાદ ગદેરાથી,

5 એલુઝાય, યરિમોથ, બાલ્યા, શમાર્યા તથા શફાટયા હરુફી, 6 એલ્કાના, યિશ્શિયા, અઝારેલ, યોએઝેર તથા યાશોબામ એ કોરાહીઓ હતા, 7 ગદોરના યરોહામના દીકરાઓ યોએલા તથા ઝબાદ્યા.

8 ગાદીઓમાંથી કેટલાક શૂરવીર તથા યુદ્ધમાં કુશળ, ઢાલ તથા ભાલા વાપરી શકે એવા, સિંહના જેવા વિકરાળ મુખવાળા, પર્વત પરનાં હરણો જેવા ચપળ પુરુષો જુદા પડીને અરણ્યના ગઢમાં દાઉદ પાસે ગયા.

9 તેઓમાં આગેવાન એઝેર, બીજો ઓબાદ્યા, ત્રીજો અલિયાબ, 10 ચોથો મિશ્માન્ના, પાંચમો યર્મિયા, 11 છઠ્ઠો આત્તાય, સાતમો અલીએલ, 12 આઠમો યોહાનાન, નવમો એલ્ઝાબાદ, 13 દસમો યર્મિયા, અગિયારમો માખ્બાન્નાઈ.

14 ગાદના દીકરાઓ સૈન્યના સરદારો હતા. જે સૌથી નાનો હતો તે સો ની બરાબર હતો, સૌથી મોટો હતો તે હજારની બરાબર હતો. 15 પહેલાં મહિનામાં યર્દન પોતાના કિનારા પરથી છલકાઈ હતી તે વખતે જેઓ તેની પાર ગયા, તેઓએ પૂર્વના તથા પશ્ચિમના નીચાણ પ્રદેશમાં રહેનારા સર્વને નસાડી મૂક્યા હતા તેઓ એ છે.

બિન્યામીન અને યહૂદાના કુળમાંથી સહાયકો

16 બિન્યામીનના તથા યહૂદાના પુત્રોમાંના કેટલાક દાઉદની પાસે ગઢમાં આવ્યા. 17 દાઉદ તેઓને મળવા ગયો અને તેઓને ઉત્તર આપીને કહ્યું, "જો તમે મને સહાય કરવા સારુ શાંતિથી મારી પાસે આવ્યા હશો, તો મારું હૃદય તમારી સાથે એકરૂપ થશે. પણ હું નિર્દોષ છતાં, જો તમે મને મારા વૈરીઓને સ્વાધીન કરવા માટે આવ્યા હો, તો તે જોઈને આપણા પિતૃઓના ઈશ્વર તેને માટે શિક્ષા કરો."

18 ત્યારે ત્રીસમાંના મુખ્ય અમાસાય પર આત્મા આવ્યો. અમાસાયે કહ્યું, "દાઉદ, અમે તારા છીએ. યિશાઈના દીકરા અમે તારે પક્ષે છીએ. તમને શાંતિ થાઓ, શાંતિ થાઓ, જેઓ તમને મદદ કરે છે તેમને શાંતિ થાઓ. કેમ કે તમારા ઈશ્વર તમને સહાય કરનાર છે." ત્યારે દાઉદ તેઓનો અંગીકાર કર્યો અને તેઓને લશ્કરી જૂથોના સરદારો તરીકે નીમ્યા.

મનાશ્શાના કુળમાંથી સહાયકો

19 વળી જયારે દાઉદ પલિસ્તીઓની સાથે શાઉલની સામે યુદ્ધમાં આવ્યો ત્યારે મનાશ્શામાંના પણ કેટલાક તેના પક્ષમાં આવ્યા, પણ તેઓએ પલિસ્તીઓની સહાય કરી નહિ, કેમ કે પલિસ્તીઓના સરદારોએ અંદરોઅંદર સલાહ કરીને દાઉદને વિદાય કર્યો. તેઓએ કહ્યું, "પોતાના માલિક શાઉલની તરફ ફરી જઈને તે અમારા શિર જોખમમાં નાખશે." 20 જયારે તે સિકલાગમાં જતો હતો, ત્યારે મનાશ્શામાંના આદના, યોઝાબાદ, યદીએલ, મિખાએલ, યોઝાબાદ, અલીહૂ તથા સિલ્લથાય, મનાશ્શાના સહસ્રાધિપતિઓ નીકળીને તેના પક્ષમાં આવ્યા.

21 તેઓએ ભટકતા ઘાડાં વિરુદ્ધ દાઉદને સહાય કરી, કેમ કે તેઓ સર્વ શૂરવીરો હતા. પછી તેઓ સૈન્યમાં સરદારો થયા. 22 તે સમયે દરરોજ દાઉદને સહાય કરવા માટે લોકો તેની પાસે આવતા, જેથી તેનું સૈન્ય ઈશ્વરના સૈન્ય જેવું મોટું થયું.

દાઉદના લશ્કરની યાદી

23 સૈન્ય માટે તૈયાર થયેલા જે લોકો ઈશ્વરના વચન પ્રમાણે શાઉલનું રાજય દાઉદને અપાવવા માટે તેની પાસે હેબ્રોનમાં આવ્યા, તેઓના ઉપરીઓની સંખ્યા આ પ્રમાણે છે: 24 યહૂદાના પુત્રો ઢાલ તથા બરછી ધારણ કરીને જે સૈન્ય યુદ્ધને માટે તૈયાર થયું હતું, તેઓ છ હજાર આઠસો હતા. 25 શિમયોનીઓમાંથી યુદ્ધને માટે શૂરવીર પુરુષો સાત હજાર એકસો. 26 લેવીઓમાંથી ચાર હજાર છસો. 27 હારુનના વંશજનો આગેવાન યહોયાદા હતો, તેની સાથેના ત્રણ હજાર સાતસો. 28 સાદોક એક જુવાન તથા શૂરવીર પુરુષ તથા તેના પિતાના કુટુંબનાં બાવીસ આગેવાન તેની સાથે હતા.

29 બિન્યામીનના પુત્રોમાંથી શાઉલના ભાઈઓ ત્રણ હજાર હતા. કેમ કે હજી સુધી તેઓનો મોટો ભાગ શાઉલના કુટુંબ પ્રત્યે વફાદાર રહ્યો હતો. 30 એફ્રાઇમના પુત્રોમાંથી વીસ હજાર આઠસો, તેઓ પોતાના પિતાના કુટુંબમાં નામાંકિત શૂરવીર પુરુષો હતા. 31 મનાશ્શાના અડધા કુળમાંથી અઢાર હજાર નામાંકિત માણસો જેઓ દાઉદને રાજા બનાવવા માટે આવ્યા હતા.

32 ઇસ્સાખારના પુત્રોમાંથી તે સમયે બસો એવા માણસો હતા કે જેઓ તે સમયે શાની જરૂર છે, ઇઝરાયલે શું કરવું જોઈએ, તે સમજતા હતા. તેઓના સર્વ ભાઈઓ તેઓની આજ્ઞાને આધીન રહેતા હતા. 33 ઝબુલોનમાંથી સૈન્યમાં જઈ શકે તેવા તથા સર્વ પ્રકારના યુદ્ધશસ્ત્રો સહિત યુદ્ધ-વ્યૂહ રચી શકે એવા પચાસ હજાર શૂરવીર પુરુષો હતા તેઓ સંપૂર્ણપણે વફાદાર હતા.

34 નફતાલીમાંથી એક હજાર સરદાર, તેઓની સાથે ઢાલ તથા બરછીવાળા સાડત્રીસ હજાર પુરુષો હતા. 35 દાનીઓમાંથી વ્યૂહરચના કરી શકે એવા અઠાવીસ હજાર છસો પુરુષો હતા.

36 આશેરમાંથી યુદ્ધમાં જઈ શકે એવા તથા વ્યૂહરચના કરી શકે એવા ચાળીસ હજાર પુરુષો હતા. 37 યર્દનને પેલે પાર રુબેનીઓમાંથી, ગાદીઓમાંથી તથા મનાશ્શાના અડધા કુળમાંથી યુદ્ધને માટે સર્વ પ્રકારના શસ્ત્ર સહિત એક લાખ વીસ હજાર પુરુષો હતા.

38 સર્વ લડવૈયા તથા યુદ્ધને માટે તૈયાર એવા માણસો દાઉદને સર્વ ઇઝરાયલ ઉપર રાજા બનાવવાના દ્રઢ ઇરાદાથી હેબ્રોનમાં આવ્યા હતા. દાઉદને રાજા બનાવવા માટે બાકીના સર્વ ઇઝરાયલીઓ પણ સંમત હતા. 39 તેઓ ખાઈપીને ત્યાં ત્રણ દિવસ સુધી દાઉદની સાથે રહ્યા, કેમ કે તેઓના ભાઈઓએ તેઓને માટે તૈયારી કરેલી હતી. 40 વળી જેઓ તેઓની પાસેના હતા એટલે ઇસ્સાખાર, ઝબુલોન તથા નફતાલી સુધીના જેઓ હતા, તેઓ ગધેડાં પર, ઊંટો પર, ખચ્ચરો પર, બળદો પર ખોરાક એટલે રોટલી, દ્રાક્ષની લૂમો, અંજીરના ચકતાં, દ્રાક્ષારસ, તેલ, ગધેડાંઓ તથા ઘેટાં પુષ્કળ પ્રમાણમાં લાવ્યા હતા. કેમ કે ઇઝરાયલમાં સર્વત્ર આનંદોત્સવ થઈ રહ્યો હતો.

Chapter 13

કરારકોશ કિર્યાથ-યારીમથી યરુશાલેમ લાવવામાં આવ્યો

(૨ શમુ. ૬:૧-૧૧)

1 દાઉદે સહસ્ત્રાધિપતિઓની તથા શતાધિપતિઓની એટલે સર્વ સરદારોની સલાહ લીધી. 2 દાઉદે ઇઝરાયલની આખી સભાને કહ્યું, "જો તમને સારું લાગે અને જો આપણા યહોવાહની ઇચ્છા હોય, તો આપણા જે ભાઈઓ ઇઝરાયલના દેશમાં છે તેઓને તથા પોતાના શહેરોમાં રહેતા યાજકોને અને લેવીઓની પાસે સંદેશાવાહકોને મોકલીને તેઓને આપણી સાથે જોડાવા માટે જણાવીએ. 3 આપણા ઈશ્વરનો કરારકોશ આપણી પાસે ફરીથી લાવીએ કેમ કે શાઉલના સમયમાં આપણે તેની ઇચ્છાને શોધતા નહોતા." 4 તે બાબતમાં આખી સભા સહમત થઈ, કેમ કે બધા લોકોની દ્રષ્ટિમાં એ જ યોગ્ય હતું.

5 તેથી દાઉદે ઈશ્વરના કરારકોશને કિર્યાથ-યારીમથી લાવવા માટે, મિસરના શિહોરથી તે હમાથના નાકા સુધીના સર્વ ઇઝરાયલને ભેગા કર્યા. 6 કરુબો પર બિરાજમાન ઈશ્વર, જે યહોવાહના નામથી ઓળખાય છે, તેમનો કોશ ત્યાંથી લાવવા માટે દાઉદ અને બધા ઇઝરાયલીઓ, બાલાહમાં એટલે યહૂદાના કિર્યાથ-યારીમમાં ભેગા થયા.

7 તેઓએ ઈશ્વરનો કોશ નવા ગાડામાં મૂક્યો. તેઓ તે અબીનાદાબના ઘરમાંથી લઈ આવ્યા હતા. ઉઝઝા તથા આહ્યો ગાડું હાંકતા હતા. 8 દાઉદ તથા સર્વ ઇઝરાયલીઓ ગીતો ગાતા હતા અને વીણા, સિતાર, ખંજરી, ઝાંઝ તથા રણશિંગડાં વગાડીને ખૂબ આનંદથી ઈશ્વરની સમક્ષ ઉત્સવ કરતા હતા.

9 જ્યારે તેઓ કિદ્રોનની ખળી આગળ આવ્યા, ત્યારે બળદોને ઠોકર વાગી એટલે ઉઝઝાએ કોશને સંભાળવા માટે પોતાનો હાથ લંબાવીને કોશને પકડ્યો. 10 તેથી યહોવાહનો કોપ ઉઝઝા પર સળગી ઊઠ્યો અને તેને મારી નાખ્યો. કેમ કે ઉઝઝા તે કોશને અડક્યો હતો. તે ત્યાં ઈશ્વર સમક્ષ મૃત્યુ પામ્યો. 11 દાઉદને ઘણું ખોટું લાગ્યું કેમ કે યહોવાહે ઉઝઝાને શિક્ષા કરી હતી. તેથી તે જગ્યાનું નામ પેરેસ-ઉઝઝા પડ્યું, જે આજ સુધી તે જ નામે ઓળખાય છે.

12 તે દિવસે દાઉદને ઈશ્વરનો ડર લાગ્યો અને તે બોલ્યો, "હું મારા ઘરે ઈશ્વરનો કોશ કેવી રીતે લાવું?" 13 તેથી દાઉદ કોશને પોતાને ત્યાં દાઉદનગરમાં લાવ્યો નહિ, પણ તેને બીજે સ્થળે એટલે ગિત્તી ઓબેદ-અદોમના ઘરમાં લઈ ગયો. 14 ઈશ્વરનો કોશ ઓબેદ-અદોમના ઘરમાં તેના કુટુંબની સાથે ત્રણ મહિના રહ્યો. તેથી યહોવાહે, તેના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ આપ્યો.

Chapter 14

યરુશાલેમમાં દાઉદની પ્રવૃત્તિ

(૨ શમુ. ૫:૧૧-૧૬)

1 પછી તૂરના રાજા હીરામે, દાઉદને માટે મહેલ બાંધવા સારુ તેની પાસે સંદેશાવાહકો સાથે દેવદાર વૃક્ષ, કડિયા તથા સુતારો મોકલ્યા. 2 દાઉદ જાણતો હતો કે યહોવાહે, તેને ઇઝરાયલના રાજા તરીકે સ્થાપ્યો છે અને તેના ઇઝરાયલી લોકો માટે તેના રાજ્યનો મહિમા ઘણો વધાર્યો છે.

યરુશાલેમમાં દાઉદને થયેલા સંતાનો

3 યરુશાલેમમાં, દાઉદે વધારે પત્નીઓ કરી અને તે બીજા ઘણાં દીકરા-દીકરીઓનો પિતા થયો. 4 યરુશાલેમમાં તેના જે દીકરાઓ જન્મ્યા તેઓનાં નામ આ પ્રમાણે છે: શામ્મૂઆ, શોબાબ, નાથાન, સુલેમાન, 5 ઈબ્હાર, અલીશૂઆ, એલ્પેલેટ, 6 નોગા, નેફેગ, યાફીઆ, 7 અલિશામા, બેલ્યાદા તથા અલિફેલેટ.

પલિસ્તીઓ ઉપર વિજય

(૨ શમુ. ૫:૧૭-૨૫)

8 હવે જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ આખા ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત થયો છે, ત્યારે તેઓ સર્વ તેની સામે લડાઈ કરવાને આવ્યા. પણ તે સાંભળીને દાઉદ તેઓની સામે બહાર નીકળ્યો. 9 હવે પલિસ્તીઓએ આવીને રફાઈમની ખીણમાં હુમલો કરીને લૂંટ ચલાવી.

10 પછી દાઉદે યહોવાહની સલાહ લીધી. તેણે પૂછ્યું, "શું હું પલિસ્તીઓ પર આક્રમણ કરું? શું તમે મને તેઓ પર વિજય અપાવશો?" યહોવાહે તેને કહ્યું, "આક્રમણ કર, હું તેઓને તારા હાથમાં સોંપી દઈશ." 11 તેથી દાઉદ અને તેના માણસો, બાલ-પરાસીમ આગળ આવ્યા અને ત્યાં દાઉદે તેમને હરાવ્યા. દાઉદે કહ્યું; "જેમ પાણીના જોરથી પાળ તૂટી પડે છે તેમ ઈશ્વરે મારા દુશ્મનોનો સંહાર કર્યો છે." તેથી તે જગ્યાનું નામ બાલ-પરાસીમ રાખવામાં આવ્યું. 12 પલિસ્તીઓ પોતાના દેવોને ત્યાં જ પડતા મૂકીને નાસી ગયા હતા, દાઉદની આજ્ઞાથી તેઓને બાળી નાખવામા આવ્યા.

13 પછી પલિસ્તીઓએ ફરીથી બીજી વાર ખીણમાં લૂંટ ચલાવી. 14 તેથી દાઉદે ફરીથી ઈશ્વરની સલાહ માગી. ઈશ્વરે તેને કહ્યું, "તું તેઓના ઉપર સામેથી હુમલો કરીશ નહિ, પણ ફરીને તેમની પાછળ જઈ શેતૂરના વૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કરજે.

15 જ્યારે શેતૂરવૃક્ષોની ટોચમાં કૂચ થતી હોવાનો અવાજ તને સંભળાય, ત્યારે તું બહાર નીકળીને હુમલો કરજે. કેમ કે પલિસ્તીઓના સૈન્યનો સંહાર કરવા માટે ઈશ્વર તારી આગળ ગયા છે." 16 ઈશ્વરે દાઉદને આજ્ઞા કરી હતી તેમ તેણે કર્યું. તેણે ગિબ્યોનથી તે છેક ગેઝેર સુધી પલિસ્તીઓના સૈન્યનો સંહાર કર્યો. 17 પછી દાઉદની કીર્તિ સર્વ દેશોમાં પ્રસરી ગઈ અને યહોવાહે, સર્વ પ્રજાઓને તેનાથી ભયભીત બનાવી દીધી.

Chapter 15

કરારકોશના સ્થળાંતરની તૈયારી

1 દાઉદનગરમાં, દાઉદે પોતાને માટે મહેલો બનાવ્યાં. તેણે ઈશ્વરના કોશને સારુ જગ્યા તૈયાર કરીને ત્યાં તેને માટે મંડપ બાંધ્યો. 2 પછી દાઉદે કહ્યું, "ફક્ત લેવીઓ આ ઈશ્વરના કોશને ઊંચકે, કેમ કે યહોવાહે, તેઓને કોશ ઊંચકવા માટે તથા સદા તેમની સેવા કરવા માટે પસંદ કર્યા છે." 3 પછી દાઉદે યહોવાહના કોશને માટે જે જગ્યા તૈયાર કરી હતી, ત્યાં તેને લઈ જવા માટે યરુશાલેમમાં સર્વ ઇઝરાયલીઓને ભેગા કર્યાં.

4 દાઉદે હારુનના વંશજોને તથા લેવીઓને એકત્ર કર્યા.

     5 તેઓમાં કહાથના વંશજોમાંના મુખ્ય આગેવાન ઉરીએલ તથા તેના ભાઈઓ, એક સો વીસ હતા.

     6 મરારીના વંશજોમાંના મુખ્ય આગેવાન અસાયા તથા તેના ભાઈઓ, બસો વીસ હતા.

     7 ગેર્શોમના વંશજોમાંના મુખ્ય આગેવાન યોએલ તથા તેના ભાઈઓ, એકસો ત્રીસ હતા.

     8 અલિસાફાનના વંશજોમાંના મુખ્ય આગેવાન શમાયા તથા તેના ભાઈઓ, બસો હતા.

     9 હેબ્રોનના વંશજોમાંના મુખ્ય આગેવાન અલીએલ તથા તેના ભાઈઓ, એંશી હતા.

     10 ઉઝિયેલના વંશજોમાંના મુખ્ય આગેવાન આમ્મીનાદાબ તથા તેના ભાઈઓ, એકસો બાર હતા.

11 દાઉદે સાદોક અને અબ્યાથાર યાજકોને તથા ઉરીએલ, અસાયા, યોએલ, શમાયા, અલીએલ તથા આમ્મીનાદાબ લેવીઓને બોલાવ્યા. 12 તેણે તેઓને કહ્યું, "તમે લેવીઓનાં કુટુંબોના આગેવાનો છો. તમે તથા તમારા ભાઈઓ બન્ને પ્રકારના સેવકો પોતાને શુદ્ધ કરો, એ માટે કે જે જગ્યા મેં ઇઝરાયલના ઈશ્વર, યહોવાહના કોશને માટે તૈયાર કરી છે, ત્યાં તમે તેને લઈ આવો.

13 તમે અગાઉ તેને ઊંચક્યો ન હતો. તે માટે આપણા ઈશ્વર યહોવાહ, આપણા પર શિક્ષા લાવ્યા કેમ કે આપણે નિયમ પ્રમાણે તેમની હજૂરમાં ગયા નહિ." 14 તેથી યાજકોએ તથા લેવીઓએ ઇઝરાયલના ઈશ્વર યહોવાહનો કોશ લઈ આવવા સારુ પોતાને શુદ્ધ કર્યા. 15 તેથી ઈશ્વરના વચન પ્રમાણે મૂસાએ જે આજ્ઞા આપી હતી, તે પ્રમાણે લેવીઓએ પોતાના ખભા પર ઈશ્વરનો કોશ તેની અંદરનાં દાંડા વડે ઉપાડ્યો.

16 દાઉદે લેવીઓના આગેવાનોને વાજિંત્રો, એટલે સિતાર, વીણા, ઝાંઝ ઊંચે સ્વરે વગાડવા માટે તથા ઉત્સાહથી મોટી ગર્જના કરવા માટે પોતાના ગાયક ભાઈઓને નીમવાને કહ્યું. 17 માટે લેવીઓએ યોએલના પુત્ર હેમાનને, તેના ભાઈઓમાંના બેરેખ્યાના પુત્ર આસાફને તથા તેઓના ભાઈઓ, એટલે મરારીના વંશજોમાંના કૂશાયાના પુત્ર એથાનને નીમ્યા. 18 તેઓની સાથે તેઓના બીજા યોદ્ધા ભાઈઓને, એટલે ઝર્ખાયા, બની, યઝીએલ, શમિરામોથ, યહીએલ, ઉન્ની, અલિયાબ, બનાયા, માસેયા, માત્તિથ્યા, અલિફલેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ તથા યેઈએલને દ્વારપાળો તરીકે નીમ્યા.

19 હેમાન, આસાફ તથા એથાન, એ ગાયકોને પિત્તળની ઝાંઝ મોટેથી વગાડવા સારુ નીમવામાં આવ્યા. 20 સિતારો વગાડવા માટે ઝખાર્યા, અઝીએલ, શમિરામોથ, યહીએલ, ઉન્ની, અલિયાબ, માસેયા તથા બનાયાને પસંદ કર્યા. 21 વીણા વગાડવા માટે માત્તિથ્યા, અલિફલેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ, યેઈએલ તથા અઝાઝયાને નીમવામાં આવ્યા.

22 લેવીઓનો આગેવાન કનાન્યા ગાયક તરીકે પ્રવીણ હતો. તે ગાયકોને માર્ગદર્શન આપતો હતો. 23 બેરેખ્યા તથા એલ્કાના કોશના દ્વારપાળો હતા. 24 શબાન્યા, યોશાફાટ, નથાનએલ, અમાસાય, ઝખાર્યા, બનાયા, એલિએઝેર યાજકો, ઈશ્વરના કોશની આગળ રણશિંગડાં વગાડનારા હતા. ઓબેદ-અદોમ તથા યહિયા કોશના દ્વારપાળો હતા.

કરારકોશ યરુશાલેમમાં લાવ્યા

(૨ શમુ. ૬:૧૨-૨૨)

25 પછી દાઉદ તથા ઇઝરાયલના વડીલો અને સહસ્રાધિપતિઓ, આનંદથી ઓબેદ-અદોમના ઘરમાંથી ઈશ્વરનો કરારકોશ લઈ આવવા ગયા. 26 જયારે ઈશ્વર યહોવાહનો કરારકોશ ઊંચકનારા લેવીઓને સહાય કરી, ત્યારે તેઓએ સાત બળદો તથા સાત ઘેટાંઓનું અર્પણ કર્યું.

27 દાઉદે કોશ ઊંચકનારા સર્વ લેવીઓ, ગાયકો તથા ગાયકોના ઉપરી કનાન્યાની જેમ સુંદર શણનો એફોદ ઝભ્ભો પહેરેલો હતો. દાઉદે સુંદર શણનો એફોદ પહેરેલો હતો. 28 તેથી સર્વ ઇઝરાયલીઓ યહોવાહના કરારકોશને હર્ષનાદ સહિત તથા શરણાઈ, રણશિંગડાં, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી ઊંચા અવાજો સાથે લઈ આવ્યા.

29 યહોવાહનો કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો, ત્યારે શાઉલની પુત્રી મિખાલે બારીમાંથી બહાર જોયું. તેણે દાઉદ રાજાને, નૃત્ય કરતો તથા ઉજવણી કરતો જોયો. તેથી તેણે પોતાના મનમાં તેને તુચ્છકાર્યો.

Chapter 16

1 તેઓએ ઈશ્વરના કોશને અંદર લાવીને, તેને માટે દાઉદે બાંધેલા મંડપની વચ્ચે તેને મૂક્યો. તેઓએ ઈશ્વરની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં. 2 જયારે દાઉદ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવી રહ્યો, ત્યારે તેણે યહોવાહને નામે લોકોને આશીર્વાદ આપ્યો. 3 તેણે ઇઝરાયલના દરેક પુરુષ તથા સ્ત્રીને, એક એક ભાખરી, માંસનો કટકો તથા સૂકી દ્રાક્ષનો એકેક ઝૂમખો વહેંચી આપ્યો.

4 યહોવાહના કોશની આગળ સેવા કરવા તથા ઇઝરાયલના ઈશ્વર યહોવાહનાં ગીત ગાવા, આભાર માનવા, સ્તુતિ કરવા તથા તેમની સંમુખ ઉજવણી કરવા માટે દાઉદે કેટલાક લેવીઓને નીમ્યા. 5 આસાફ આગેવાન હતો. તેનાથી ઊતરતે દરજ્જે ઝખાર્યા, યઝીએલ, શમિરામોથ, યહીએલ, માત્તિથ્યા, અલિયાબ, બનાયા, ઓબેદ-અદોમ તથા યેઈએલ હતા. તેઓ સિતાર અને વીણા વગાડતા હતા. આસાફ મોટેથી ઝાંઝ વગાડતો હતો. 6 બનાયા તથા યાહઝીએલ યાજકો ઈશ્વરના કરારકોશની આગળ નિયમિત રણશિંગડાં વગાડતા હતા.

7 પછી તે દિવસે દાઉદે આસાફ તથા તેના ભાઈઓની મારફતે યહોવાહની સ્તુતિ માટે નીમ્યા.

સ્તુતિગાન

     8 ઈશ્વરનો આભાર માનો, તેમના નામે પ્રાર્થના કરો;

     લોકોમાં તેમના અદ્દભુત કાર્યો જાહેર કરો.

     9 તેમના ગુણગાન ગાઓ, તેમનાં સ્તુતિગાન કરો;

     તેમનાં સર્વ અદ્દભુત કાર્યોનું મનન કરો.

     10 તમે તેમના પવિત્ર નામનું ગૌરવ જાળવો;

     યહોવાહના ભક્તોનાં હૃદયો આનંદમાં રહો.

     11 યહોવાહને તથા તેમના સામર્થ્યને તમે શોધો;

     સદાસર્વદા તેમના મુખને શોધો.

     12 જે અદ્દભુત કામો તેમણે કર્યાં છે તે યાદ રાખો,

     તેમના ચમત્કારો તથા તેમના મુખનાં ન્યાયવચનો યાદ રાખો.

     13 તમે ઈશ્વરના સેવક ઇઝરાયલના [1] વંશજો છો,

     તમે યાકૂબના લોકો, તેમના પસંદ કરેલા છો.

     14 તે આપણા ઈશ્વર, યહોવાહ છે.

     તેમની સત્તા સમગ્ર પૃથ્વી પર છે.

     15 તેમના કરાર તમે સદાકાળ યાદ રાખો,

     એટલે હજારો પેઢીઓ સુધી કાયમ રાખવાનું જે વચન તેમણે આપ્યું, તે યાદ રાખો.

     16 ઇબ્રાહિમની સાથે જે કરાર તેમણે કર્યો

     અને ઇસહાકની સાથે જે પ્રતિજ્ઞા તેમણે કરી.

     17 એ જ વચન યાકૂબને માટે નિયમ તરીકે

     અને ઇઝરાયલને માટે સદાકાળના કરાર તરીકે રહેશે.

     18 તેમણે કહ્યું, "હું તને આ કનાન દેશ આપીશ,

     તે તારા વારસાનો ભાગ થશે."

     19 જયારે મેં આ કહ્યું ત્યારે તમે સંખ્યામાં થોડા જ હતા,

     તદ્દન થોડા જ અને તમે અજાણ્યા હતા.

     20 તેઓ એક દેશથી બીજે દેશ

     અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટક્યા કરતા હતા.

     21 ત્યારે ઈશ્વરે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ;

     તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી.

     22 તેમણે કહ્યું, "મારા અભિષિક્તોને અડશો નહિ

     અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ."

     23 હે આખી પૃથ્વીના લોકો, યહોવાહના ગુણગાન કરો;

     દિનપ્રતિદિન તેમના તારણને જાહેર કરો.

     24 રાષ્ટ્રોમાં તેમનો મહિમા પ્રગટ કરો.

     સર્વ દેશજાતિઓમાં તેમનાં અદ્દ્ભુત કાર્યો જાહેર કરો.

     25 કેમ કે યહોવાહ મહાન છે તથા અતિ વિશેષ સ્તુતિપાત્ર છે,

     અને બીજા દેવો કરતાં તેઓનું ભય રાખવું યોગ્ય છે.

     26 કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે,

     પણ યહોવાહે તો આકાશો બનાવ્યાં છે.

     27 તેમની સંમુખ ગૌરવ તથા મહિમા છે.

     તેમના ભક્તિસ્થાનમાં સામર્થ્ય તથા આનંદ છે.

     28 હે લોકોનાં કુળો, તમે યહોવાહને,

     હા, યહોવાહને જ, ગૌરવ તથા સામર્થ્યનું માન આપો.

     29 યહોવાહના નામને ઘટિત ગૌરવ આપો.

     અર્પણ લઈને તેમની હજૂરમાં આવો.

     પવિત્ર વસ્ત્રો ધારણ કરીને યહોવાહની આગળ નમો.

     30 સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ ધ્રૂજે.

     જગત પણ એવી રીતે સ્થપાયેલું છે કે, તેને હલાવી શકાય તેમ નથી.

     31 આકાશો આનંદ કરે તથા પૃથ્વી હરખાય;

     વિદેશીઓ મધ્યે એવું કહેવાય કે, "યહોવાહ રાજ કરે છે."

     32 સમુદ્ર તથા તેમા જે છે તે ગર્જના કરે છે.

     ખેતરો તથા તેઓમાં જે છે, તે સર્વ ઉત્સાહ કરે છે.

     33 પછી જંગલનાં વૃક્ષો યહોવાહની આગળ હર્ષનાદ કરશે,

     કેમ કે તેઓ પૃથ્વીના લોકોનો ન્યાય કરવા આવે છે.

     34 યહોવાહનો આભાર માનો, કેમ કે તેઓ કૃપાળુ છે,

     કેમ કે તેમનું વિશ્વાસુપણું સદાકાળ રહે છે.

     35 બોલો, "હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર અમારો ઉદ્ધાર કરો.

     બીજી પ્રજાઓથી અમારી રક્ષા કરો અને અમને એકત્રિત કરો,

     કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ

     અને તમારી સ્તુતિ ગાઈએ."

     36 ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ

     અનાદિકાળથી તે અનંતકાળ માટે સ્તુત્ય થાઓ. પછી સર્વ લોકોએ "આમીન" કહીને યહોવાહની સ્તુતિ કરી.

યરુશાલેમ અને ગિબ્યોનમાં ભજનભક્તિ

37 ત્યાર પછી દાઉદે ત્યાં યહોવાહના કરારકોશની સેવા કરવા માટે આસાફની તથા તેના ભાઈઓની, કોશની આગળ રોજના કામની જરૂરિયાત પ્રમાણે નિત્ય સેવા માટે નિમણૂક કરી. 38 તેમ જ યદૂથૂનનો પુત્ર ઓબેદ-અદોમ તથા હોસા અને તેઓના અડસઠ સંબંધીઓને દ્વારપાળો તરીકે નીમ્યા. 39 સાદોક યાજકને તથા તેના સાથી યાજકોને ગિબ્યોનમાંના ઘર્મસ્થાનોમાં યહોવાહના મંડપની સેવા માટે પસંદ કર્યો.

40 યહોવાહે, ઇઝરાયલને ફરમાવેલા નિયમશાસ્ત્રમાં જે સર્વ લખેલું છે, તે પ્રમાણે દરરોજ સવારે તથા સાંજે દહનીયાર્પણની વેદી પર યહોવાહને દહનીયાર્પણો ચઢાવવા માટે તેઓને નીમ્યા. 41 તેઓની સાથે તેણે હેમાન તથા યદૂથૂન તથા બાકીના પસંદ કરેલા અન્યો કે જેઓ નામવાર નોંધાયેલા હતા, તેઓને યહોવાહ કે જેમની કરુણા સર્વકાળ સુધી ટકે છે તેમની આભારસ્તુતિ કરવા માટે નીમ્યા.

42 હેમાન તથા યદૂથૂનને ગીતોને માટે રણશિંગડાં, ઝાંઝ તથા અન્ય વાજિંત્રો આપવામાં આવ્યાં. યદૂથૂનના પુત્રોને દ્વારપાળોનું કામ સોંપવામાં આવ્યું હતું. 43 પછી સર્વ લોકો પાછા પોતપોતાને ઘરે ગયા અને દાઉદ પોતાના કુટુંબનાં માણસોને આશીર્વાદ આપવા માટે પોતાના મહેલમાં પાછો ગયો.


16:13 [1] ઇબ્રાહીમના

Chapter 17

દાઉદને નાથાનનો સંદેશો

(૨ શમુ. ૭:૧-૧૭)

1 દાઉદ પોતાના મહેલમાં રહેવા ગયો, ત્યાર પછી તેણે નાથાન પ્રબોધકને કહ્યું, "જો, હું દેવદારના મહેલમાં રહું છું, પરંતુ ઈશ્વરનો કરારકોશ મંડપમાં રહે છે." 2 પછી નાથાને દાઉદને કહ્યું, "જા, તારા મનમાં જે હોય તે કર, કેમ કે ઈશ્વર તારી સાથે છે."

3 પણ તે જ રાત્રે ઈશ્વરની વાણી નાથાનની પાસે આવી, 4 "જા અને મારા સેવક દાઉદને કહે કે, 'યહોવાહ એવું કહે છે: તારે મારે માટે રહેવાનું ભક્તિસ્થાન બાંધવું નહિ. 5 કેમ કે હું ઇઝરાયલને કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી હું ભક્તિસ્થાનમાં રહ્યો નથી. પણ એક તંબુથી તે બીજા તંબુમાં તથા એક મંડપથી તે બીજા મંડપમાં ફરતો રહ્યો છું. 6 જે બધી જગ્યાઓમાં હું સર્વ ઇઝરાયલીઓ સાથે ચાલ્યો છું, ત્યાં ઇઝરાયલના જે આગેવાનોને મેં મારા લોકોનું પોષણ કરવાની આજ્ઞા આપી હતી, તેઓમાંના કોઈને મેં કદી પૂછ્યું છે કે, "મારા માટે તમે દેવદારનું ભક્તિસ્થાન કેમ બાંધ્યું નથી?"'"

7 માટે હવે, મારા સેવક દાઉદને કહે, 'સર્વસમર્થ યહોવાહનાં આ વચન છે: "તું ઘેટાંને ચરાવતો હતો ત્યાંથી મેં તને મારા ઇઝરાયલીઓનો ઉપરી થવા માટે બોલાવી લીધો. 8 અને તું જ્યાં કહીં ગયો, ત્યાં હું તારી સાથે રહ્યો છું, તારી આગળથી તારા શત્રુઓનો મેં નાશ કર્યો છે. હવે પછી હું તને પૃથ્વીના મહાન પુરુષો જેવો વિખ્યાત બનાવીશ.

9 હું મારા ઇઝરાયલી લોકોને માટે એક સ્થાન ઠરાવીને તેઓને ત્યાં ઠરીઠામ કરીશ કે જેથી તેઓ પોતાના સ્થળમાં રહે અને તેઓ મુશ્કેલીમાં ન આવે. ફરીથી તેમને કદી કોઈ ખસેડનાર નહિ હોય. 10 અગાઉની માફક તથા જે સમયે મેં ન્યાયાધીશોને મારા ઇઝરાયલીઓ પર આધિપત્ય કરવાનો હુકમ કર્યો ત્યારથી થતું આવ્યું છે તેમ, હવે પછી દુષ્ટ માણસો તેમનો ક્ષય કરશે નહિ. હું તારા સર્વ શત્રુઓને વશ કરીશ. વળી હું તને કહું છું કે યહોવાહ તારું કુટુંબ કાયમ રાખશે.

11 એમ થશે કે તારા દિવસો પૂરા થતાં તારે તારા પિતૃઓની સાથે જવું પડશે, ત્યારે હું તારા પછી તારા વંશજોને તારી જગ્યાએ સ્થાપિત કરીશ અને તારા વંશજોમાંથી જે રાજા થશે તેનું રાજ્ય હું કાયમ રાખીશ. 12 તે મારે માટે ભક્તિસ્થાન બાંધશે અને હું તેનું રાજ્યાસન સદાકાળ રાખીશ.

13 હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે. તેની પાસેથી મારા કરારનું વિશ્વાસુપણું હું લઈ લઈશ નહિ જેમ મેં તારી અગાઉના શાસક, શાઉલ પ્રત્યેથી લઈ લીધું હતું તેમ. 14 હું તેને મારા ઘર તથા મારા રાજ્યમાં સદાકાળ રાખીશ અને તેનું રાજ્યાસન સદાના માટે સ્થાપીશ."'" 15 નાથાને દાઉદને આ સર્વ વચનોનો અહેવાલ તથા સર્વ દર્શન સંબંધી કહ્યું.

દાઉદની આભારસ્તુતિની પ્રાર્થના

(૨ શમુ. ૭:૧૮-૨૯)

16 પછી દાઉદ રાજા અંદર જઈને યહોવાહની સમક્ષ બેઠો અને બોલ્યો, "હે ઈશ્વર યહોવાહ, હું કોણ અને મારું કુટુંબ કોણ કે, તમે મને આવા ઉચ્ચસ્થાને લાવ્યા છો? 17 હે ઈશ્વર એ પણ તમારી દ્રષ્ટિમાં ઓછું જણાયું, એટલે તમારા સેવકના કુટુંબ સંબંધીના ઉજળા ભાવિ વિષે તમે મને વચન આપ્યું છે. હે ઈશ્વર યહોવાહ, તમે મને ઉચ્ચ પદવીના માણસની પંક્તિમાં મૂક્યો છે. 18 તમે આ તમારા સેવક દાઉદને જે માન આપ્યું છે તે વિષે તો હું વધુ શું કહું? તમે તમારા સેવકને ખાસ ઓળખો છો.

19 હે યહોવાહ, તમારા સેવકની ખાતર તમારા ઉદ્દેશ પૂરા કરો, તમારા અંતઃકરણ પ્રમાણે તમે આ સર્વ મહાન કાર્યો પ્રગટ કર્યાં છે. 20 હે યહોવાહ, અમારા સાંભળવા પ્રમાણે તમારા જેવા બીજા કોઈ નથી અને તમારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી. 21 પૃથ્વી પર તમારા લોક ઇઝરાયલ કે જેને તમે, ઈશ્વર, મહાન અને અદ્દભુત કૃત્યો કરીને, પોતાના નામના મહિમા સારુ મિસરમાંથી છોડાવ્યા હોય, તેના જેવી બીજી કઈ પ્રજા છે? તમારા લોક જેઓને તમે મિસરમાંથી છોડાવી લાવ્યા તેઓની આગળથી બીજી પ્રજાઓને હાંકી કાઢી.

22 તમે તમારા ઇઝરાયલ લોકોને સદાને માટે તમારા પોતાના લોક ગણ્યા છે અને હે યહોવાહ, તમે તેઓના ઈશ્વર બન્યા છો. 23 તેથી હવે, હે યહોવાહ, તમે તમારા સેવક તથા તેના કુટુંબ સંબંધી જે બોલ્યા છો તે પૂરું કરો. 24 જેથી સદાકાળ તમારા નામનો મહિમા થાય અને લોકો કહે કે, 'સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર છે' હા, ઇઝરાયલના હકમાં તેઓ ઈશ્વર છે. અને તમારા સેવક દાઉદનું કુટુંબ તમારી આગળ સ્થાપિત થાઓ.

25 હે મારા ઈશ્વર, તમારા આ સેવકને તમે સ્પષ્ટ કહ્યું છે કે તમે તેના કુટુંબને ટકાવી રાખશો. માટે આ તમારા સેવકે તમારી આગળ પ્રાર્થના કરવાની હિંમત કરી છે. 26 હવે હે યહોવાહ, તમે જ ઈશ્વર છો અને તમે તમારા સેવકને ખાતરી દાયક વચન આપ્યું છે: 27 હવે તમારા સેવકનું કુટુંબ તમારી આગળ સર્વકાળ ટકી રહે, માટે તેને આશીર્વાદ આપવાનું તમને સારું લાગ્યું. હે યહોવાહ, તમે તેને આશીર્વાદ આપ્યો છે અને તે સદાને માટે આશીર્વાદિત થયું છે."

Chapter 18

દાઉદના લશ્કરી વિજયો

(૨ શમુ. ૮:૧-૧૮)

1 દાઉદે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને હરાવ્યા અને તેઓના હાથમાંથી ગાથ નગર અને તેની આસપાસનાં ગામો પોતાના તાબે કરી લીધાં. 2 તેણે મોઆબીઓને પણ હરાવ્યા, તેઓ દાઉદના દાસો બનીને તેને કર આપવા લાગ્યા.

3 એ પછી દાઉદે સોબાહના રાજા હદાદેઝેરને હમાથ આગળ હરાવ્યો અને હદારએઝેર ફ્રાત નદીની આસપાસના જે પ્રદેશ પર પોતાનું નિયંત્રણ સ્થાપવા માગતો હતો તે પર દાઉદે કબજો કર્યો. 4 દાઉદે તેની પાસેથી તેના એક હજાર રથો, સાત હજાર ઘોડેસવારો અને વીસ હજાર પાયદળ સૈનિકોને કબજે કર્યા. તેણે રથોના સર્વ ઘોડાના પગની નસો કાપી નાખી, પણ તેણે પોતાના સો રથોને માટે પૂરતા ઘોડાઓનો બચાવ કર્યો.

5 દમસ્કસના અરામીઓ સોબાહના રાજા હદાદેઝેરની સહાય કરવા આવ્યા ત્યારે દાઉદે બાવીસ હજાર અરામી સૈનિકોને મારી નાખ્યા. 6 પછી દાઉદે દમસ્કસના અરામીઓના વિસ્તારમાં લશ્કરો ગોઠવ્યા. તેઓ દાઉદના દાસો બની ગયા અને તેઓ તેને કર આપવા લાગ્યા. દાઉદ જ્યાં કંઈ ગયો ત્યાં યહોવાહે તેને વિજય અપાવ્યો.

7 દાઉદ હદાદેઝેર રાજાના સેવકોની સોનાની ઢાલો યરુશાલેમમાં લઈ આવ્યો. 8 વળી દાઉદે હદાદેઝેરના નગરો ટિબ્હાથ અને કૂનમાંથી પુષ્કળ પિત્તળ મેળવ્યું તેમાંથી સુલેમાને પિત્તળનો મોટો હોજ, સ્તંભો અને પિત્તળનાં વાસણો ભક્તિસ્થાન માટે તૈયાર કરાવ્યાં.

9 હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાહના રાજા હદાદેઝેરને હરાવીને તેના સૈન્યનો સંહાર કર્યો છે, 10 ત્યારે તેણે પોતાના પુત્ર હદોરામને દાઉદ પાસે સોનું, ચાંદી અને પિત્તળનાં વાસણો લઈને તેને સન્માનવા અને હદાદેઝેરને યુદ્ધમાં હરાવવા બદલ ધન્યવાદ આપવા મોકલ્યો. કારણ કે, હદાદેઝેરને તોઉ સાથે યુદ્ધ ચાલ્યા કરતું હતું. 11 દાઉદે તે બધાં પાત્રો યહોવાહના સભાસ્થાનની સેવા માટે અર્પણ કર્યા. તે જ રીતે, તેણે જીતેલી બધી પ્રજાઓ અદોમ, મોઆબીઓ, આમ્મોનીઓ, પલિસ્તીઓ અને અમાલેકીઓ પાસેથી મેળવેલું સોનું ચાંદી પણ તેણે ઈશ્વરને અર્પણ કર્યું.

12 સરુયાના પુત્ર અબિશાયે મીઠાની ખીણમાં અઢાર હજાર અદોમીઓને મારી નાખ્યા. 13 તેણે સમગ્ર અદોમ પ્રદેશમાં લશ્કરી છાવણીઓ ગોઠવી. બધા અદોમીઓ હવે દાઉદના દાસ બની ગયા. આમ, દાઉદ જ્યાં કંઈ ગયો, ત્યાં યહોવાહે તેને વિજય અપાવ્યો.

14 દાઉદ આખા ઇઝરાયલ પર રાજ કરતો હતો અને તેના સર્વ લોકોનો ન્યાય કરીને તેમનો ઇનસાફ કરતો હતો. 15 સરુયાનો પુત્ર યોઆબ સૈન્યનો સેનાપતિ હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો. 16 અહિટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અબીમેલેખ યાજકો હતા. શાવ્શા શાસ્ત્રી હતો. 17 યહોયાદાનો પુત્ર બનાયા રાજાના અંગરક્ષકો કરેથીઓ અને પલેથીઓનો ઉપરી હતો. અને દાઉદના દીકરાઓ રાજાની સમક્ષ મુખ્ય સલાહકારો [1] હતા.


18:17 [1] યાજકો

Chapter 19

દાઉદ આમ્મોનીઓ અને અરામીઓને હરાવે છે

(૨ શમુ. ૧૦:૧-૧૯)

1 આમ્મોનીઓનો રાજા નાહાશ મરણ પામ્યો. તેના પછી તેનો દીકરો ગાદીનશીન થયો. 2 દાઉદે કહ્યું, "હું નાહાશના દીકરા હાનૂન પર દયા રાખીશ, કેમ કે તેના પિતાએ પણ મારા પ્રત્યે ભલાઈ રાખેલી હતી." તેથી દાઉદે તેના પિતાના મરણ સંબંધી તેને દિલાસો આપવા સારુ સંદેશાવાહકોને આમ્મોનીઓના દેશમાં મોકલ્યા. 3 ત્યારે આમ્મોની સરદારોએ હાનૂનને કહ્યું, "તું શું એમ માને છે કે, તારા પિતાને માન આપવાના હેતુથી દાઉદે આ માણસોને આશ્વાસન આપવા મોકલ્યા છે? એ માણસો તો તેના જાસૂસો છે અને આ દેશને શી રીતે જીતી લેવો એની બાતમી મેળવવા આવ્યા છે."

4 તેથી હાનૂને દાઉદ રાજાના સંદેશાવાહકોનું અપમાન કર્યુ. તેઓની દાઢી અડધી મૂંડાવી નાખી, તેઓનાં વસ્ત્રો કમરથી મધ્યભાગ સુધી કાપી નાખ્યાં પછી તેણે તેઓને શરમજનક સ્થિતિમાં દાઉદ પાસે પાછા મોકલ્યા. 5 જ્યારે દાઉદને આ બાબતની ખબર મળી કે તેના માણસોના બૂરા હાલ કરવામાં આવ્યા છે, ત્યારે તેણે તેઓને મળવા માણસો મોકલ્યા, કારણ કે, તેઓ છોભીલા પડી ગયા હતા. દાઉદ રાજાએ તેઓને કહેવડાવ્યું કે, "તમારી દાઢી પાછી ઊગે ત્યાં સુધી યરીખોમાં રહેજો, પછી જ અહીં પાછા આવજો.

6 જ્યારે આમ્મોનીઓને ભાન થયું કે તેઓ દાઉદની નજરમાં ધિક્કારપાત્ર બન્યા છે, ત્યારે હાનૂને અને આમ્મોનીઓએ અરામ-નાહરાઈમમાંથી, માકામાંથી અને સોબાહમાંથી રથો તેમ જ ઘોડેસવારો ભાડેથી મેળવવા માટે ચોત્રીસ હજાર કિલો ચાંદી મોકલી આપી. 7 તેણે બત્રીસ હજાર રથો ભાડે રાખ્યા અને માકાના રાજા તથા તેના સમસ્ત સૈન્યનો પગાર ચૂકવી આપવા ગોઠવણ કરી. તેઓનાં સર્વ સૈન્યોએ મેદબા આગળ છાવણી નાખી. જે આમ્મોનીઓ પોતપોતાનાં નગરોમાંથી ભેગા થયા હતા તેઓ ત્યાં યુદ્ધ કરવાને તેઓની સાથે જોડાયાં.

8 દાઉદને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે યોઆબને તેના સર્વ સૈન્ય સાથે તેઓનો સામનો કરવા મોકલ્યા. 9 આમ્મોનીઓ બહાર આવીને શહેરના દરવાજા આગળ યુદ્ધ કરવાને ગોઠવાઈ ગયા અને તેઓની મદદે આવેલા રાજાઓ એક બાજુ ખુલ્લાં મેદાનમાં ચાલ્યા ગયા.

10 જ્યારે યોઆબે જોયું કે, પોતાની સામે આગળ પાછળ બંન્ને બાજુએથી હુમલો થવાનો છે. ત્યારે તેણે ઇઝરાયલના પસંદ કરેલા લડવૈયાઓને અરામીઓની સામે ગોઠવી દીધાં. 11 બાકીનું સૈન્ય તેણે પોતાના ભાઈ અબિશાયની સરદારી હેઠળ મૂક્યું. અને તેઓએ આમ્મોનીઓની સામે યુદ્ધ કરવાની વ્યૂહરચના કરી.

12 યોઆબે તેના ભાઈને કહ્યું, "જો અરામીઓ મારા પર વિજયી થાય, તો તું આવીને મને મદદ કરજે અને જો આમ્મોનીઓ તારા પર વિજય પામે તો, હું આવીને તને મદદ કરીશ. 13 હિંમતવાન થા અને બળવાન થા, આપણે ઈશ્વરનાં નગરોને માટે બહાદુરી બતાવીએ, કેમ કે યહોવાહ, પોતાના ઇરાદાની પૂર્ણતા માટે સારું કરશે."

14 જ્યારે યોઆબ અને તેના સૈનિકો અરામીઓ સામે યુદ્ધ કરવા નજીક આવ્યા ત્યારે અરામીઓ તેઓની સામેથી પલાયન થઈ ગયા. 15 અને આમ્મોનીઓએ જોયું કે અરામીઓ નાસી ગયા છે ત્યારે તેઓ પણ યોઆબના ભાઈ અબિશાયથી નાસીને નગરમાં પાછા ફર્યા. પછી યોઆબ પણ આમ્મોની લોકો પાસેથી પાછો યરુશાલેમ આવી પહોંચ્યો.

16 અરામીઓ સમજી ગયા કે પોતે ઇઝરાયલીઓથી પરાજિત થયા છે. એટલે તેમણે સંદેશાવાહકો મોકલીને નદી પારના બીજા અરામીઓને હદાદેઝેરના સેનાપતિ શોફાખની આગેવાની હેઠળ બોલાવી લીધા. 17 આ સમાચાર મળતાં જ દાઉદે ઇઝરાયલનું આખું સૈન્ય ભેગું કર્યું અને યર્દન નદીને પાર કરી તેઓની સામે યુદ્ધની વ્યુહરચના કરી. ઇઝરાયલીઓએ અરામીઓને યુદ્ધમાં હરાવી દીધા.

18 અરામીઓ ફરીથી ઇઝરાયલીઓ આગળથી નાસવા લાગ્યા. દાઉદે અરામના સાત હજાર ઘોડેસવારોને અને ચાલીસ હજાર બીજા લડવૈયાઓનો સંહાર કર્યો. અરામના સૈન્યના સેનાપતિ શોફાખને પણ તેણે મારી નાખ્યો. 19 જ્યારે હદાદેઝેરના સેવકોએ જોયું કે તેઓ ઇઝરાયલીઓની સામે હારી ગયા છે, ત્યારે તેઓએ દાઉદ સાથે સુલેહ કરી અને તેની સેવા કરી. તે પછી અરામીઓ આમ્મોનીઓને મદદ કરતાં બીવા લાગ્યા. તેથી અરામીઓ આમ્મોનીઓની મદદ કરવા રાજી ન હતા.

Chapter 20

રાબ્બા ઉપર આક્રમણ

(૨ શમુ. ૧૨:૨૬-૩૧)

1 સામાન્ય રીતે વસંતઋતુ બેસતાં રાજાઓ યુદ્ધ કરવા જાય છે. તે વખતે યોઆબે સૈન્યની આગેવાની કરી અને આમ્મોનના પ્રદેશનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો. પછી તેણે રાબ્બા આવીને તેને પણ પોતાને તાબે કર્યું. પણ દાઉદ યરુશાલેમમાં જ રહ્યો. યોઆબે રાબ્બા પર હુમલો કર્યો અને તેને જીતી લીધું.

2 દાઉદે રાબ્બાના રાજા મિલ્કોમના મસ્તક પરથી મુગટ લઈ લીધો અને તેને તેના પોતાના મસ્તક પર મૂક્યો. આ મુગટ સોનાનો બનેલો હતો. અને તેમા રત્નો જડેલાં હતા. તેનું વજન એક તાલંત હતું. દાઉદે નગરમાંથી લૂંટનો પુષ્કળ માલ ભેગો કર્યો હતો. 3 તેણે નગરના લોકોને બહાર લાવીને તેઓની પાસે કરવતો, તીકમો અને કુહાડીઓથી કામ કરાવ્યું. દાઉદ આમ્મોનીઓના રાજા અને લોકો સાથે આ રીતે વર્તતો હતો. પછી દાઉદ અને તેનું આખું સૈન્ય યરુશાલેમમાં પાછું આવ્યું.

પલિસ્તીઓ સામેના યુદ્ધો

(૨ શમુ. ૨૧:૧૫-૨૨)

4 ત્યાર બાદ પલિસ્તીઓની સાથે ગેઝેરમાં યુદ્ધ થયું. એ વખતે હુશાના સિબ્બખાયે, રફાઈમના એક વંશજ સિપ્પાયને મારી નાખ્યો. અને પલિસ્તીઓની હાર થઈ. 5 પલિસ્તીઓ સાથે ફરી યુદ્ધ થયું. અને યાઈરના પુત્ર એલ્હાનાને, લાહમીને મારી નાખ્યો. તે ગાથના ગિત્તી ગોલ્યાથનો ભાઈ હતો અને તેના ભાલાનો હાથો વણકરની તોર જેવો હતો.

6 ગાથમાં ફરી યુદ્ધ થયું. ત્યાં એક કદાવર માણસ હતો જેના હાથે છ આંગળીઓ અને પગે પણ છ આંગળી હતી. તે રફાઈમનો વંશજ હતો. 7 જ્યારે તેણે ઇઝરાયલના સૈન્યનો ધિક્કાર કર્યો, ત્યારે દાઉદના ભાઈ શિમઆના પુત્ર યોનાથાને તેને મારી નાખ્યો. 8 આ બધા ગાથના રફાઈમના વંશજો હતા. તેઓ દાઉદના અને તેના સૈનિકોના હાથે માર્યા ગયા.

Chapter 21

દાઉદની અમંગળ વસ્તીગણતરી

(૨ શમુ. ૨૪:૧-૨૫)

1 ઇઝરાયલની વિરુદ્ધ ષડયંત્ર રચવા માટે શેતાને દાઉદને ઇઝરાયલની વસ્તી ગણતરી કરવાને લલચાવ્યો. 2 દાઉદે યોઆબ અને લશ્કરી વડા અધિકારીઓને કહ્યું, "જાઓ, બેરશેબાથી તે દાન સુધી ઇઝરાયલ પ્રજાની વસ્તી ગણતરી કરો. અને પાછા આવીને મને અહેવાલ આપો કે, હું તેઓની સંખ્યા જાણું." 3 યોઆબે કહ્યું, ઈશ્વર તેમના લોકને જેટલા છે તેના કરતા સોગણાં વધારો. પણ મારા માલિક રાજા, શું તેઓ સર્વ મારા માલિકની સેવા નથી કરતા? મારા માલિક કેમ આવું ઇચ્છે છે? શા માટે ઇઝરાયલ પર દોષ લાવવો?"

4 પણ રાજાનું ફરમાન યોઆબને માનવું પડ્યું. તેથી યોઆબ ત્યાંથી નીકળીને આખા ઇઝરાયલ દેશમાં ફરીને તે યરુશાલેમમાં પાછો આવ્યો. 5 પછી યોઆબે લડવૈયા માણસોની ગણતરીનો કુલ આંકડો દાઉદને જણાવ્યો. ઇઝરાયલમાં અગિયાર લાખ તલવાર ચલાવી શકે તેવા પુરુષો હતા. એકલા યહૂદિયામાં ચાર લાખ સિત્તેર હજાર સૈનિકો હતા.

6 પણ લેવી અને બિન્યામીનના વંશજોનો સમાવેશ ગણતરીમાં કર્યો નહોતો કેમ કે યોઆબને રાજાની આજ્ઞા ઘૃણાસ્પદ લાગી હતી. 7 ઈશ્વર આ કામથી નારાજ થયા, તેથી તેમણે ઇઝરાયલને શિક્ષા કરી. 8 દાઉદે ઈશ્વરને કહ્યું, "આ કામ કરી મેં મહા પાપ કર્યું છે. હવે તમારા સેવકનો અપરાધ દૂર કરો, કેમ કે મેં મોટી મૂર્ખાઈ કરી છે."

9 યહોવાહે, દાઉદના પ્રબોધક ગાદને કહ્યું, 10 "જા દાઉદને કહે કે: 'યહોવાહ એમ કહે છે કે: "હું તને ત્રણ વિકલ્પો આપું છું. તેમાંથી ગમે તે એક પસંદ કર."'"

11 તેથી ગાદ દાઉદ પાસે ગયો અને તેને કહ્યું, "યહોવાહ આ મુજબ કહે છે: 'આ ત્રણમાંથી ગમે તે એક પસંદ કર. 12 ત્રણ વર્ષ દુકાળ પડે અથવા ત્રણ મહિના સુધી તારા શત્રુઓ તારો પીછો કરે અને તેઓની તલવારથી તને પકડી પાડે અથવા ત્રણ દિવસ સુધી દેશમાં યહોવાહની તલવારરૂપી મરકી ચાલે એટલે યહોવાહનો દૂત ઇઝરાયલના આખા પ્રદેશમાં વિનાશ કરતો ફરે.' તો હવે, મને મોકલનારને મારે શો જવાબ આપવો તે વિષે તું નિર્ણય કર."

13 પછી દાઉદે ગાદને કહ્યું, "હું ભારે દ્વિધામાં મુકાયો છું. મને માણસોના હાથમાં પડવા કરતાં યહોવાહના હાથમાં પડવું એ વધારે સારું લાગે છે, કેમ કે તેમની કૃપા અત્યંત છે." 14 તેથી યહોવાહે, ઇઝરાયલમાં મરકી મોકલી અને સિત્તેર હજાર માણસો મરણ પામ્યા. 15 ઈશ્વરે યરુશાલેમનો નાશ કરવા એક દૂતને મોકલ્યો. જયારે તે નાશ કરવાની તૈયારીમાં હતો ત્યારે યહોવાહે, નાશ જોઈ પોતાનો વિચાર બદલ્યો. તેમણે નાશ કરનાર દૂતને કહ્યું, "બસ કર! હવે તારો હાથ પાછો ખેંચી લે." એ વખતે યહોવાહનો દૂત ઓર્નાન યબૂસીની ખળી પાસે ઊભો હતો. 16 દાઉદે ઊંચે નજર કરીને જોયું તો, યહોવાહનો દૂત, આકાશ અને પૃથ્વી વચ્ચે ઉઘાડી તલવાર લઈને, યરુશાલેમ તરફ પોતાના હાથ લંબાવી ઊભો હતો. પછી દાઉદ અને વડીલોએ, ટાટ પહેરી, ભૂમિ પર લાંબા થઈ પ્રણામ કર્યા. 17 દાઉદે ઈશ્વરને કહ્યું, "સૈન્યની ગણતરી કરવાની આજ્ઞા આપનાર શું હું નથી? આ દુષ્ટતા મેં કરી છે. પણ આ ઘેટાંઓ, તેઓએ શું કર્યું છે? હે યહોવાહ, મારા ઈશ્વર, કૃપા કરી તમારા હાથે, મને અને મારા કુટુંબને શિક્ષા કરો, પણ આ મરકીથી તમારા લોકોનો નાશ ન કરો."

18 તેથી યહોવાહના દૂતે ગાદને આજ્ઞા કરી કે, દાઉદને કહે કે, તે જઈને યબૂસી ઓર્નાનની ખળીમાં, યહોવાહને માટે એક વેદી બાંધે. 19 તેથી યહોવાહના નામે, જે સુચના ગાદે આપી હતી, તે અનુસાર કરવાને, દાઉદ ગયો. 20 જયારે ઓર્નાન ઘઉં મસળતો હતો, ત્યારે તેણે પાછળ નજર કરતાં દૂતને જોયો. તેથી તે તથા તેના ચાર પુત્રો સંતાઈ ગયા.

21 જ્યારે દાઉદ ઓર્નાનની પાસે આવ્યો ત્યારે ઓર્નાને દાઉદને જોયો. તે ખળીમાંથી બહાર આવ્યો અને તેણે દાઉદને સાષ્ટાંગ દંડવત્ત પ્રણામ કર્યા. 22 ત્યારે દાઉદે ઓર્નાનને કહ્યું, "આ ખળી મને આપ, જેથી હું ઈશ્વરને માટે વેદી બાંધુ. હું તેની પૂરેપૂરી કિંમત આપીશ, જેથી લોકોમાં પ્રસરેલી મરકી બંધ થાય." હું તને એની પૂરેપૂરી કિંમત ચૂકવીશ."

23 ઓર્નાને દાઉદને કહ્યું, "મારા માલિક રાજા, તે તારું જ છે તેમ સમજીને તેને લઈ લે. તારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કર. જો હું દહનીયાર્પણો માટે બળદો, કણસલાં ઝૂડવા માટે લાકડાંનાં પાટિયાં અને ખાદ્યાર્પણ માટે ઘઉં, એ બધું તને આપીશ." 24 રાજા દાઉદે ઓર્નાનને કહ્યું, "ના, હું તે પૂરેપૂરી કિંમત આપી ખરીદીશ. યહોવાહને દહનીયાર્પણ કરવા માટે, જે તારું છે, જેને માટે મેં કિંમત ચૂકવી નથી, તે અર્પણ હું નહિ લઉં."

25 દાઉદે એ જગ્યા માટે છસો શેકેલ સોનું આપ્યું. 26 દાઉદે ત્યાં યહોવાહને માટે વેદી બાંધી અને તેના પર દહનીયાર્પણો અને શાંત્યર્પણો ચઢાવ્યાં. તેણે યહોવાહને વિનંતી કરી, તેમણે દહનીયાર્પણની વેદી પર આકાશમાંથી અગ્નિ મોકલી તેને ઉત્તર આપ્યો. 27 પછી યહોવાહે, દૂતને આજ્ઞા આપી અને દૂતે પોતાની તલવાર મ્યાન કરી.

28 જ્યારે દાઉદે જોયું કે ઓર્નાન યબૂસીની ખળીમાં યહોવાહે તેને ઉત્તર આપ્યો છે, ત્યારે તે જ સમયે, તેણે ત્યાં યજ્ઞ કર્યો. 29 કેમ કે મૂસાએ અરણ્યમાં બનાવેલો યહોવાહનો મુલાકાતમંડપ તથા દહનીયાર્પણની વેદી, તે સમયે ગિબ્યોનના ઉચ્ચપ્રદેશમાં હતી. 30 જોકે, દાઉદ ઈશ્વરના માર્ગદર્શન માટે ત્યાં જઈ શક્યો નહિ, કારણ કે તેને યહોવાહના દૂતની તલવારનો ડર હતો.

Chapter 22

1 પછી દાઉદે કહ્યું, "અહીંયાં, ઈશ્વર યહોવાહનું ભક્તિસ્થાન, ઇઝરાયલ માટેની દહનીયાર્પણની વેદી સાથે થશે."

મંદિર બાંધવાની તૈયારી

2 દાઉદે ઇઝરાયલમાં રહેતા સર્વ વિદેશીઓને ભેગા કરવાની આજ્ઞા આપી. તેણે તેઓને, ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવા માટે પથ્થર કાપનારાઓ તરીકે નીમી, પથ્થરો કાપવાના કામે લગાડી દીધા.

3 દાઉદે બારણાં માટે ખીલા અને મિજાગરા બનાવવા પુષ્કળ લોખંડ પૂરું પાડ્યું. તેણે વિપુલ પ્રમાણમાં પિત્તળ પણ પૂરું પાડ્યું, 4 અને ઢગલાબંધ દેવદારવૃક્ષ પણ એકઠાં કર્યા. સિદોન અને તૂરના લોકો દાઉદ માટે એરેજવૃક્ષોનાં અસંખ્ય લાકડાં લાવ્યા હતા. 5 દાઉદે કહ્યું, "મારો પુત્ર સુલેમાન યુવાન તથા બિનઅનુભવી છે અને યહોવાહ માટે જે ભક્તિસ્થાન બાંધવાનું છે તે ખૂબ ભવ્ય હોવું જોઈએ, જેથી બીજા સર્વ પ્રદેશોમાં તે વિખ્યાત અને શોભાયમાન થાય. તેથી હું તેની તૈયારી કરીશ." તેથી દાઉદે, પોતાના મૃત્યુ અગાઉ પુષ્કળ તૈયારી કરી.

6 પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને બોલાવ્યો અને ઇઝરાયલના ઈશ્વર યહોવાહના ભક્તિસ્થાન બાંધવા માટે તેને આજ્ઞા આપી. 7 દાઉદે સુલેમાનને કહ્યું "મારા પુત્ર, મારા ઈશ્વર યહોવાહના નામને માટે, ભક્તિસ્થાન બાંધવાનો મારો ઇરાદો હતો. 8 પણ યહોવાહે મારી પાસે આવીને કહ્યું કે, 'તેં ઘણું લોહી વહેવડાવ્યું છે અને તું ઘણાં યુદ્ધો લડ્યો છે. તું મારા નામને માટે ભક્તિસ્થાન બાંધશે નહિ કારણ કે તેં, પૃથ્વી પર, મારી નજર સમક્ષ, ઘણું લોહી વહેવડાવ્યું છે.

9 જો કે, તને એક પુત્ર થશે જે શાંતિશીલ માણસ હશે. હું તેને ચારેતરફના શત્રુઓથી રાહત આપીશ. તેનું નામ સુલેમાન અપાશે અને તેના રાજ્યકાળ દરમિયાન ઇઝરાયલમાં સુલેહ તથા શાંતિ જળવાશે. 10 તે મારા નામને સારુ ભક્તિસ્થાન બાંધશે. તે મારો પુત્ર થશે અને હું તેનો પિતા થઈશ. હું ઇઝરાયલ પર તેનું રાજ્ય સર્વકાળ માટે સ્થાપિત કરીશ."' 11 "હવે, મારા પુત્ર સુલેમાન, યહોવાહ તારી સાથે હો અને સફળ થવા માટે તને સહાય કરો. અને તેમના કહ્યા પ્રમાણે તું ભક્તિસ્થાન બાંધ. 12 યહોવાહે, તને ઇઝરાયલીઓ પર અધિકારી ઠરાવ્યો છે, માટે તે તને ડહાપણ અને વિવેકબુદ્ધિ આપે, જેથી તું તારા ઈશ્વર યહોવાહનો નિયમ પાળે. 13 યહોવાહે, ઇઝરાયલને માટે મૂસાને જે નિયમો અને કાનૂનો આપ્યાં છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરશે ત્યારે તું સફળ થશે. બળવાન તથા હિંમતવાન થા. બીશ નહિ કે ગભરાઈશ નહિ.

14 હવે, જો, મેં યહોવાહના ભક્તિસ્થાન માટે પુષ્કળ મહેનત કરીને એક લાખ તાલંત સોનું, દસ લાખ તાલંત ચાંદી, પિત્તળ અને લોખંડ પુષ્કળ પ્રમાણમાં એકત્ર કર્યા છે. લાકડાં અને પથ્થર એ બધું તને આપું છું. તેમા તું વધારો કરી શકે છે. 15 તારી પાસે ઘણાં પથ્થર કાપનારાઓ, કડિયાઓ, સુથારો અને દરેક કામમાં નિપુણ પુષ્કળ કારીગરો છે, 16 તેઓ સોના,ચાંદી, કાંસા અને લોખંડના ઉપયોગવાળા કામ પણ કરી શકે છે. માટે હવે બાંધકામ શરૂ કરી દે અને યહોવાહ તારી સાથે હો."

17 પછી દાઉદે, પોતાના પુત્ર સુલેમાનને સહાય કરવાની આજ્ઞા, ઇઝરાયલના સર્વ આગેવાનોને કરીને કહ્યું કે, 18 "યહોવાહ, તમારા ઈશ્વર તમારી સાથે છે અને તેમણે ચારેતરફ તમને શાંતિ આપી છે. પ્રદેશના રહેવાસીઓને મારા હાથમાં સોંપ્યા છે. યહોવાહ તથા તેમના લોકોની સામે, પ્રદેશ પરાજિત થયો છે. 19 હવે પૂરા હૃદયથી યહોવાહ તમારા ઈશ્વરની ભક્તિમાં મન લગાડો. તૈયાર થઈ જાઓ અને યહોવાહ ઈશ્વર માટે પવિત્રસ્થાન બાંધો. પછી તમે યહોવાહના કરારકોશને અને ઈશ્વરનાં પવિત્ર પાત્રોને યહોવાહના નામે જે ભક્તિસ્થાન બાંધવામાં આવે છે તેમાં લાવો."

Chapter 23

લેવીઓની ફરજો

1 જયારે દાઉદ ઘણો વૃદ્ધ થયો. ત્યારે તેણે રાજપદેથી નિવૃત્તિ લીધી. અને તેણે તેના પુત્ર સુલેમાનને ઇઝરાયલ પર રાજા તરીકે નીમ્યો. 2 દાઉદે ઇઝરાયલના સર્વ આગેવાનોને, યાજકોને અને લેવીઓને એકઠા કર્યા. 3 ત્રીસ વર્ષના અને તેથી વધારે વય ધરાવતા લેવીઓની ગણતરી કરવામાં આવી. તેઓની સંખ્યા આડત્રીસ હજાર થઈ.

4 તેઓમાંના ચોવીસ હજારને ઈશ્વરના ભક્તિસ્થાનના કામની દેખરેખ સોંપવામાં આવી અને છ હજારને અમલદારો અને ન્યાયાધીશો તરીકે નીમ્યા. 5 ચાર હજારને દ્વારપાળો તરીકે નીમ્યા. દાઉદે પોતે બનાવેલા વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરવા માટે, ચાર હજાર ગાયકોને નિમણૂક આપી. 6 દાઉદે તેઓને; ગેર્શોન, કહાથ અને મરારી, એમ ત્રણ વિભાગમાં, લેવીઓના પુત્રોના નામ પ્રમાણે વહેંચ્યા.

7 ગેર્શોનના કુળના વંશજો: લાદાન અને શિમઈ.

     8 લાદાનના ત્રણ દીકરા: યહીએલ ઝેથામ અને યોએલ.

     9 શિમઈના ત્રણ દીકરા: શલોમોથ, હઝીએલ, હારાન. તેઓ લાદાનના કુળના મુખ્ય આગેવાનો હતા.

     10 શિમઈના ચાર દીકરા: યાહાથ, ઝીના, યેઉશ, અને બરિયા.

     11 યાહાથ જ્યેષ્ઠ હતો, તેની પછી બીજા ક્રમે ઝીઝાહ, પણ યેઉશ અને બરિયાને ઘણાં પુત્રો ન હતા, તેથી તેઓ એક જ કુટુંબ તરીકે ગણાયા.

12 કહાથના ચાર દીકરા:

     આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.

     13 આમ્રામના દીકરા : હારુન અને મૂસા. હારુન અને તેના વંશજોને; પરમપવિત્ર વસ્તુઓ અર્પવા, યહોવાહ આગળ ધૂપ બાળવા, તેમની સેવા કરવા અને તેમના નામે આશીર્વાદ આપવા માટે કાયમી ધોરણે, પસંદ કરવામાં આવ્યા હતા. 14 પણ ઈશ્વરના સેવક મૂસાના સંદર્ભમાં, તેના દીકરાઓને, લેવીઓમાં ગણવામાં આવ્યા હતા.

     15 મૂસાના દીકરા: ગેર્શોમ અને એલિએઝેર.

     16 ગેર્શોમના વંશજોમાં શબુએલ, જ્યેષ્ઠ હતો.

     17 એલિએઝેરનો જ્યેષ્ઠ દીકરો રહાબ્યા. એલીએઝેરને બીજા દીકરા ન હતા, પણ રહાબ્યાનાં ઘણાં સંતાનો હતા.

     18 યિસ્હારનો જ્યેષ્ઠ દીકરો, શલોમિથ.

     19 હેબ્રોનના દીકરા: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.

     20 ઉઝિયેલના દીકરામાં જ્યેષ્ઠ મિખા અને બીજો યિશ્શિયા.

     21 મરારીના દીકરા માહલી અને મુશી. માહલીના દીકરા: એલાઝાર અને કીશ.

     22 એલાઝાર મૃત્યુ પામ્યો ત્યારે તેને એકપણ દીકરો નહોતો. તેને ફક્ત દીકરીઓ જ હતી. કીશના દીકરાઓએ તેઓની સાથે લગ્ન કર્યા.

     23 મુશીના ત્રણ દીકરા: માહલી, એદેર અને યેરેમોથ.

24 તેઓ પોતાનાં કુટુંબો પ્રમાણે લેવીઓના દીકરા હતા. જેઓ નામવાર ગણતરીમાં ગણાયા હતા. તેઓ વીસ તથા તેથી વધારે ઉંમરના હતા. તેઓ યહોવાહના ભક્તિસ્થાનમાં સેવાનું કામ કરતા હતા. તેઓ પોતાના કુટુંબોનાં મુખ્ય આગેવાનો હતા. 25 દાઉદે કહ્યું, "ઇઝરાયલના ઈશ્વર યહોવાહે, તેમના લોકોને વિશ્રામ આપ્યો છે. તેઓ [1] સર્વકાળ યરુશાલેમમાં નિવાસ કરશે. 26 હવે લેવીઓને, પવિત્ર મંડપ અને તેની સેવાને સારુ સામગ્રી ઊંચકવાની જરૂર નહિ પડે."

27 દાઉદના અંતિમ શબ્દોથી, વીસ અને તેથી વધારે વર્ષની વયના લેવીપુત્રોની ગણતરી કરવામાં આવી હતી. 28 તેઓનું કામ, યહોવાહના ભક્તિસ્થાનમાં સેવાને સારુ હારુનના પુત્રોને મદદ કરવાનું હતું. તેઓએ આંગણાઓમાં, ઓરડાઓમાં, સર્વ પવિત્ર વસ્તુઓના શુદ્ધિકરણમાં અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવાના કામમાં, હારુનપુત્રોને સહાયરૂપ થવાનું કામ કરવાનું હતું. 29 ઈશ્વરને અર્પેલી રોટલી માટે, ખાદ્યાર્પણો માટેના લોટ માટે, ખમીર વગરની રોટલીના કે તવામાં શેકેલા કે તળેલા ખાદ્યાર્પણ માટે અને તમામ વસ્તુઓના તોલ અને માપ માટે પણ તેઓએ ધ્યાન રાખવાનું હતું.

30 વળી તેઓએ દરરોજ સવારે યહોવાહનો આભાર માનવા અને સ્તુતિ કરવા માટે ઊભા રહેવાનું હતું. એ જ રીતે સાંજે પણ 31 તથા યહોવાહની આગળ કાયમના ઠરાવેલા કાનૂન પ્રમાણે વિશ્રામવારે તથા ચંદ્રદર્શન અને નિયત તહેવારોને દિવસે ઠરાવેલી સંખ્યામાં યહોવાહને દહનીયાર્પણો અર્પણ કરવાની સેવામાં ઊભું રહેવાનું હતું.

32 યહોવાહના સભાસ્થાનની સેવાને સારુ મુલાકાતમંડપની, પવિત્રસ્થાનની અને તેમના ભાઈઓ હારુનના પુત્રોની સંભાળ રાખવી એ તેઓની જવાબદારી હતી.


23:25 [1] ઈશ્વર

Chapter 24

યાજકોને સોંપવામાં આવેલાં કામ

1 હારુનના પુત્રો; નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર. 2 નાદાબ અને અબીહૂ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા. તેઓને સંતાન ન હતા, તેથી એલાઝાર તથા ઈથામાર યાજકનું કામ કરતા હતા. 3 સાદોક, એલાઝારના વંશજોમાંનો એક અને અહીમેલેખે, ઈથામારના વંશજોમાંનો એકની સાથે મળી, દાઉદે, યાજકો તરીકેના કામ માટે તેઓને વિવિધ જૂથોમાં ગોઠવ્યા.

4 એલાઝારના પુત્રોમાં, ઈથામારના પુત્રો કરતાં મુખ્ય પુરુષો સંખ્યામાં વધારે હતા, તેથી એલાઝારના પુત્રોના સોળ વર્ગ પાડવામાં આવ્યાં. ઈથામારના પુત્રોનાં કુટુંબોના આઠ મુખ્ય પુરુષો હતા, માટે તેઓના આઠ વર્ગ પાડવામાં આવ્યા. 5 તેમણે ચિઠ્ઠીઓ નાંખી બિનપક્ષપાતીપણે તેઓને નિયુક્ત કર્યા તેથી પવિત્રસ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ, એલાઝાર અને ઈથામાર, બન્નેના વંશજોમાંથી હતા.

6 નથાનએલનો પુત્ર શમાયા ચીટનીસ, લેવીઓમાંનો એક હતો. તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકો અને લેવીઓના કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી. એલાઝાર તથા ઈથામારના કુટુંબ, વારાફરતી એક પછી એક ગણવામાં આવતું હતું. 7 પહેલી ચિઠ્ઠી યહોયારીબની અને બીજી યદાયાની નીકળી. 8 ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની, 9 પાંચમી માલ્કિયાની, છઠ્ઠી મીયામીનની, 10 સાતમી હાક્કોસની, આઠમી અબિયાની, 11 નવમી યેશૂઆની, દસમી શખાન્યાની, 12 અગિયારમી એલ્યાશિબની, બારમી યાકીમની, 13 તેરમી હુપ્પાની, ચૌદમી યશેબાબની, 14 પંદરમી બિલ્ગાની, સોળમી ઈમ્મેરની, 15 સત્તરમી હેઝીરની, અઢારમી હાપ્પીસ્સેસની, 16 ઓગણીસમી પથાહ્યાની, વીસમી હઝકિયેલની, 17 એકવીસમી યાખીનની, બાવીસમી ગામૂલની, 18 ત્રેવીસમી દલાયાની અને ચોવીસમી ચિઠ્ઠી માઝયાની નીકળી હતી.

19 ઇઝરાયલના ઈશ્વર, યહોવાહે તેઓના પિતા હારુનને આપેલી આજ્ઞા મુજબ તેની મારફતે અપાયેલા હુકમ મુજબ સેવા કરવાને યહોવાહના ભક્તિસ્થાનમાં આવવાનો તેઓનો અનુક્રમ એ મુજબનો હતો.

લેવીઓની નામ-યાદી

20 લેવીના બાકીના પુત્રો નીચે મુજબ છે:

     આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલના પુત્રોમાંનો યહદયા.

     21 રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા જે આગેવાન હતો.

     22 ઈસહારીઓમાંનો શલોમોથ. શલોમોથના પુત્રોમાં યાહાથ.

     23 હેબ્રોનના પુત્રોમાં સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.

     24 ઉઝિયેલનો પુત્ર મિખા. મિખાના પુત્રોમાંનો શામીર.

     25 મિખાનો ભાઈ યિશ્શિયા. યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા.

     26 મરારીના પુત્રો: માહલી તથા મુશી. યાઝિયાનો પુત્ર બનો.

     27 મરારીના પુત્રો: યાઝિયાનો બનો, શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી.

     28 માહલીના પુત્રો એલાઝાર, તે નિ:સંતાન હતા.

     29 કીશનો પુત્ર: યરાહમેલ.

     30 મુશીના પુત્રો: માહલી, એદેર તથા યરિમોથ.

તે બધા તેમના કુટુંબ પ્રમાણે લેવીઓ હતા. 31 તેઓએ પણ હારુનના પુત્રોની માફક દાઉદ રાજા, સાદોક, અહીમેલેખ અને યાજકો તથા લેવીઓનાં કુટુંબનાં મુખ્ય પુરુષોની હાજરીમાં ચિઠ્ઠીઓ નાખી. કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની કુટુંબોની માફક જ ચિઠ્ઠીઓ નાખી.

Chapter 25

મંદિરના સંગીતકારો

1 દાઉદે અને સૈન્યના અમલદારોએ સેવાને માટે આસાફના, હેમાનના અને યદૂથૂનના પુત્રોમાંથી કેટલાકને વીણા, સિતાર અને ઝાંઝ વડે સ્તોત્ર ગાવા સારુ જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે ફરજ બજાવનારાઓની યાદી આ મુજબ છે: 2 આસાફના પુત્રો:

     ઝાક્કૂર, યૂસફ, નાથાન્યા અને અશારેલા; આસાફના હાથ નીચે હતા. રાજાની દેખરેખમાં, આસફ પ્રબોધવાણીનું કામ કરતો હતો.

3 યદૂથૂનના છ પુત્રો :

     ગદાલ્યા, સરી, યશાયા, શિમઈ, હશાબ્યા અને માત્તિથ્યા. તેઓ પોતાના પિતા યદૂથૂન કે જે વીણા વડે આભાર માનતો તથા ઈશ્વરની સ્તુતિ કરતી વખતે બોધકનું કામ કરતો હતો, તેના હાથ નીચે હતા.

4 હેમાનના પુત્રો:

     બુક્કિયા, માત્તાન્યા, ઉઝિયેલ, શબુએલ, યરિમોથ, હનાન્યા, હનાની, અલિયાથા, ગિદાલ્તી, રોમામ્તી-એઝેર, યોશ્બકાશા, માલ્લોથી, હોથીર અને માહઝીઓથ. 5 તેઓ રાજાના દ્રષ્ટા હેમાનના પુત્રો હતા. તેઓ શિંગ વગાડનારા હતા. ઈશ્વરે હેમાનને ચૌદ પુત્રો અને ત્રણ પુત્રીઓ આપ્યાં હતા.

6 તેઓ સર્વ પોતાના પિતાના હાથ નીચે ફરજ બજાવતા હતા. અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઝાંઝો, સિતાર અને વાદન તથા ગાયન કરીને પ્રભુની સેવા કરતા હતા. આસાફ, યદૂથૂન તથા હેમાન પોતે તો રાજાના હાથ નીચે હતા. 7 તેઓના ભાઈઓ ઈશ્વરની આગળ સંગીતમાં કુશળ તથા બાહોશ ગાયકો હતા. તેઓની કુલ સંખ્યા બસો અઠ્ઠયાસી હતી. 8 તેઓએ સરખે ભાગે, નાના તેમ જ મોટાએ, ગુરુએ તેમ જ શિષ્યએ, ચિઠ્ઠીઓ નાખીને પોતાનું કામ વહેંચી લીધું.

9 પહેલી ચિઠ્ઠી આસાફના પુત્ર યૂસફની નીકળી.

     બીજી ચિઠ્ઠી ગદાલ્યાની, તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

     10 ત્રીજી ચિઠ્ઠી ઝાક્કૂરની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;

     11 ચોથી ચિઠ્ઠી યિસ્રીની તે, તેના પુત્રો અને તેના ભાઈઓ મળીને કુલ બાર હતા.

     12 પાંચમી ચિઠ્ઠી નાથાન્યાની. તે, તેના ભાઈઓ અને પુત્રો મળીને કુલ બાર હતા.

     13 છઠ્ઠી બુક્કિયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

     14 સાતમી યશારેલાની. તે તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;

     15 આઠમી યશાયાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

     16 નવમી માત્તાન્યાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

     17 દસમી શિમઈની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

     18 અગિયારમી અઝારેલની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

     19 બારમી હશાબ્યાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

     20 તેરમી શુબાએલની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

     21 ચૌદમી માત્તિથ્યાની. તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

     22 પંદરમી યેરેમોથની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

     23 સોળમી હનાન્યાની, તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;

     24 સત્તરમી યોશ્બકાશાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

     25 અઢારમી હનાનીની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા;

     26 ઓગણીસમી માલ્લોથીની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

     27 વીસમી અલીયાથાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

     28 એકવીસમી હોથીરની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

     29 બાવીસમી ગિદાલ્તીની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

     30 ત્રેવીસમી માહઝીઓથની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

     31 ચોવીસમી રોમામ્તી-એઝેરની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

Chapter 26

મંદિરના દ્વારપાળો

1 દ્વારપાળો [1] ની ટુકડીઓ નીચે દર્શાવ્યાં પ્રમાણે પાડવામાં આવી હતી: કોરાહીઓમાં, આસાફના પુત્રોમાંના કોરેનો પુત્ર મશેલેમ્યા. 2 મશેલેમ્યાના પુત્રો: જ્યેષ્ઠ પુત્ર ઝખાર્યા બીજો યદીએલ, ત્રીજો ઝબાદ્યા, ચોથો યાથ્નીએલ, 3 પાંચમો એલામ, છઠ્ઠો યહોહાનાન, સાતમો એલ્યહોએનાય.

     4 ઓબેદ-અદોમના પુત્રો: જયેષ્ઠ શમાયા, બીજો યહોઝાબાદ, ત્રીજો યોઆહ, ચોથો શાખાર, પાંચમો નથાનએલ, 5 છઠ્ઠો આમ્મીએલ, સાતમો ઇસ્સાખાર, આઠમો પુલ્લથાઈ. ઈશ્વરે ઓબેદ-અદોમને આશીર્વાદ આપ્યો હતો. 6 તેના પુત્ર શમાયાને પણ પુત્રો હતા તેઓ તેઓના કુટુંબનાં અધિકારીઓ હતા; કેમ કે તેઓ શૂરવીર હતા.

     7 શમાયાના પુત્રો: ઓથ્ની, રફાએલ, ઓબેદ, અને એલઝાબાદ. તેના ભાઈઓ અલિહૂ અને સમાખ્યા શૂરવીર પુરુષો હતા. 8 તેઓ સર્વ ઓબેદ-અદોમના પુત્રો હતા. તેઓ, તેમના પુત્રો અને ભાઈઓ મુલાકાતમંડપ ની સેવાને માટે શૂરવીર અને શક્તિશાળી પુરુષો હતા. ઓબેદ-અદોમના બાસઠ વંશજો હતા. 9 મશેલેમ્યાના પુત્રો અને ભાઈઓ મળી અઢાર શૂરવીર પુરુષો હતા.

     10 મરારીના પુત્રોમાંના હોસાનાને પણ પુત્રો હતા. તેઓમાં મુખ્ય શિમ્રી જો કે તે જયેષ્ઠ પુત્ર ન હતો, પણ તેના પિતાએ તેને મુખ્ય ઠરાવ્યો હતો. 11 બીજો હિલ્કિયા, ત્રીજો ટબાલ્યા, ચોથો ઝર્ખાયા. હોસાના પુત્રો અને ભાઈઓ કુલ મળીને તેર હતા.

12 એ મુખ્ય દ્વારપાળોની તેમના આગેવાનો દ્વારા ક્રમવાર ટુકડીઓ પાડવામાં આવી હતી. તેઓને પોતાના ભાઈઓની માફક ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. 13 તેઓએ નાનાએ તેમ જ મોટાએ પોતાના કુટુંબો પ્રમાણે દરેક દરવાજાને માટે ચિઠ્ઠીઓ નાખી. 14 પૂર્વ તરફની ચિઠ્ઠી શેલેમ્યાની નીકળી. ત્યાર બાદ તેનો પુત્ર ઝખાર્યા જે બુદ્ધિમાન મંત્રી હતો તેને માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી. અને તેની ચિઠ્ઠી ઉત્તર તરફની નીકળી.

15 ઓબેદ-અદોમની દક્ષિણ તરફના દરવાજાની અને તેના પુત્રોની ચીઠ્ઠી ભંડારના દરવાજાની નીકળી. 16 શુપ્પીમ તથા હોસાની ચિઠ્ઠી પશ્ચિમ તરફના દરવાજાની એટલે ચઢતા ઢોળાવની સડક ઉપર આવેલા શાલ્લેખેથ દરવાજા પાસેની સામસામી બીજી ચોકીના દરવાજાની નીકળી.

17 પૂર્વ તરફના દરવાજે રોજ છ લેવીઓ હાજર રહેતા હતા, તથા ઉત્તર તરફના દરવાજે ચાર, 'દક્ષિણ તરફના દરવાજે ચાર અને દરેક દરવાજાને માટે બબ્બે. 18 પશ્ચિમના દરવાજાની ઓસરી તરફ સડક પર ચાર દ્વારપાળો અને ઓસરી તરફ બે દ્વારપાળો હતા. 19 કોરાહી તથા મરારીના વંશજોને દ્વારપાળો તરીકેનું કામ વહેંચી આપવામાં આવ્યું હતું.

લેવીઓની મંદિરને લગતી અન્ય ફરજો

20 લેવીઓ પૈકી અહિયા ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારો તથા અર્પિત વસ્તુઓના ભંડાર પર હતો. 21 લાદાનના વંશજો: ગેર્શોનના કુટુંબમાં મુખ્ય યહીએલી જે તેમનો આગેવાન હતો. 22 ઝેથામ અને તેનો ભાઈ યોએલ ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારોની સંભાળ રાખતા હતા.

23 આમ્રામીઓ, ઈસહારીઓ, હેબ્રોનીઓ અને ઉઝિયેલીઓમાંથી પણ ટુકડીઓ પસંદ કરવામાં આવી હતી. 24 મૂસાના પુત્ર ગેર્શોમનો પુત્ર શબુએલ ભંડારો પર કારભારી હતો. 25 શબુએલનાં ભાઈઓ: એલિએઝેરનો પુત્ર રહાબ્યા,

     રહાબ્યાનો પુત્ર યશાયા,

     યશાયાનો પુત્ર યોરામ,

     યોરામનો પુત્ર ઝિખ્રી,

     ઝીખ્રીનો પુત્ર શેલોમોથ.

26 આ શલોમોથ અને તેના કુટુંબીઓ પવિત્ર વસ્તુઓના જે સર્વ ભંડારો દાઉદ રાજાએ તેના કુટુંબોના આગેવાનોએ, સહસ્રાધિપતિઓએ શતાધિપતિઓએ સૈન્યના સરદારોએ અર્પણ કર્યાં હતા, તેની જવાબદારી સંભાળતા હતા. 27 તે લોકોએ યુદ્ધ દરમિયાન મળેલી લૂંટમાંનો કેટલોક ભાગ ઈશ્વરનું ભક્તિસ્થાન સમારવા માટે આપ્યો હતો. 28 જે બધું શમુએલ પ્રબોધકે, કીશના પુત્ર શાઉલે, નેરના પુત્ર આબ્નેરે તથા સરુયાના પુત્ર યોઆબે અર્પણ કર્યું હતું. તથા જે કંઈ બીજા કોઈએ અર્પણ કર્યું હતું. તે સાચવવાનું શલોમોથ અને તેના ભાઈઓના હવાલામાં હતું.

29 ઈસહારીઓના વંશજોમાંથી કનાન્યા અને તેના પુત્રો બહારના કામ માટે ઇઝરાયલ પર અધિકારીઓ તથા ન્યાયાધીશો હતા. 30 હેબ્રોનીઓમાંના હશાબ્યા તથા તેના ભાઈઓ એક હજાર સાતસો શૂરવીર પુરુષો હતા. તેઓ ઈશ્વરના સર્વ કામ માટે તથા રાજાની સેવાની માટે યર્દન પાર પશ્ચિમ તરફના ઇઝરાયલના અધિકારીઓ હતા.

31 હેબ્રોનીઓના પિતૃઓના વંશજોના કુટુંબીઓમાં મુખ્ય યરિયા આગેવાન હતો. દાઉદની કારકિર્દીના ચાળીસમાં વર્ષમાં તેઓની ચૂંટણી થઈ અને તેઓમાંના કેટલાક પરાક્રમી પુરુષો ગિલ્યાદમાં આવેલા યાઝેરમાં મળી આવ્યા. 32 યરિયાના ભાઈઓમાં પરાક્રમી પુરુષો તથા તેઓના કુટુંબોના સરદારોની સંખ્યા બે હજાર સાતસો હતી. તેઓને દાઉદ રાજાએ ઈશ્વર સંબંધી પ્રત્યેક બાબતને માટે તથા રાજાના કામ માટે રુબેનીઓ, ગાદીઓ, તથા મનાશ્શાના અર્ધકુળ પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપી.


26:1 [1] મંદિરના દ્વારપાળો

Chapter 27

લશ્કરી અને મૂલકી વ્યવસ્થા

1 ઇઝરાયલપુત્રોની સંખ્યા, એટલે તેઓનાં કુટુંબોના સરદારો, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ તથા સૈન્યના અધિકારીઓ, જેઓની ટુકડીઓમાંથી એકેક ટુકડીના સૈનિકો પોતાના નિયતક્રમ પ્રમાણે વર્ષમાં માસવાર ફરજ બજાવતા હતા. તથા જેઓ દરેક બાબતમાં રાજાની સેવા કરતા હતા. દરેક ટુકડીઓમાં તેઓની સંખ્યા ચોવીસ હજારની હતી.

     2 પહેલા માસને માટે ટુકડીનો ઉપરી ઝાબ્દીએલનો પુત્ર યાશોબામ હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર હતા. 3 તે પેરેસના પુત્રોમાંનો હતો. તે પ્રથમ માસની ટુકડીના સર્વ સરદારોનો ઉપરી હતો.

     4 બીજા માસની ટુકડીનો ઉપરી દોદાય અહોહી હતો. મિક્લોથ બીજા ક્રમે હતો. તેની ટોળીમાં ચોવીસ હજાર માણસો હતા. 5 ત્રીજા માસની ટુકડીનો ઉપરી સૈન્યનો આગેવાન યહોયાદા યાજકનો પુત્ર બનાયા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા. 6 જે ત્રીસ શૂરવીરોમાં પરાક્રમી તથા તેમનો જે સરદાર હતો તે જ એ બનાયા હતો. તેની ટુકડીમાં તેનો પુત્ર આમ્મીઝાબાદ હતો.

7 ચોથા માસને માટે ટુકડીનો ઉપરી યોઆબનો ભાઈ અસાહેલ હતો. તેના પછી તેનો પુત્ર ઝબાદ્યા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા. 8 પાંચમા માસને માટે પાંચમો સરદાર શામ્હૂથ યિઝાહીનો વંશજ હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા. 9 છઠ્ઠા માસને માટે છઠ્ઠો સરદાર તકોઈ ઇક્કેશનો પુત્ર ઈરા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.

10 સાતમા માસને માટે સાતમો સરદાર એફ્રાઇમપુત્રોમાંનો હેલેસ પલોની હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા. 11 આઠમા માસને માટે આઠમો સરદાર ઝેરાહીઓમાંનો સિબ્બખાય હુશાથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા. 12 નવમા માસને માટે નવમો સરદાર બિન્યામીનીઓમાંના અબીએઝેર અનાથોથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.

13 દસમા માસને માટે દસમો સરદાર ઝેરાહીઓમાંનો મહારાય નટોફાથી હતો. તેની ટુકડીઓમાં ચોવીસ હજાર પુરુષો હતા. 14 અગિયારમા માસને માટે અગિયારમો સરદાર એફ્રાઇમપુત્રોમાંનો બનાયા પિરઆથોની હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા. 15 બારમા માસને માટે બારમો સરદાર ઓથ્નીએલનો હેલદાઈ નટોફાથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.

16 તે ઉપરાંત ઇઝરાયલનાં કુળો પર નિમાયેલા અધિકારીઓની યાદી:

     રુબેનીઓનો અમલદાર ઝિખ્રીનો પુત્ર એલિએઝેર,

     શિમયોનીઓનો માકાનો પુત્ર શફાટયા,

     17 લેવીના કુળનો કમુએલનો પુત્ર હશાબ્યા, હારુનના પુત્રોમાંનો સાદોક, 18 યહૂદાકુળનો અલીહૂ, તે દાઉદના ભાઈઓમાંનો એક હતો. ઇસ્સાખારકુળનો, મિખાએલનો પુત્ર ઓમ્રી, 19 ઝબુલોનનાકુળનો ઓબાદ્યાનો પુત્ર ઇશ્માયા, નફતાલી કુળનો આઝ્રીએલનો પુત્ર યરિમોથ, 20 એફ્રાઇમકુળના અઝાઝયાનો પુત્ર હોશિયા,

     મનાશ્શાના અર્ધકુળનો પદાયાનો પુત્ર યોએલ, 21 ગિલ્યાદમાં મનાશ્શાના અર્ધકુળનો ઝખાર્યા પુત્ર ઇદ્દો,

     બિન્યામીનકુળનો, આબ્નેરનો પુત્ર યાસિયેલ,

     22 દાનકુળનો યરોહામનો પુત્ર અઝારેલ,

તેઓ ઇઝરાયલનાં કુળોના અધિકારીઓ હતા.

23 દાઉદે તેની પ્રજામાંથી વીસ વર્ષના તથા તેથી ઓછી વયના લોકોની વસ્તી ગણતરી કરાવી નહોતી, કારણ કે યહોવાહે, ઇઝરાયલીઓની સંખ્યા આકાશના તારાઓની જેમ વધારવાનું વચન આપ્યું હતું. 24 સરુયાના પુત્ર યોઆબે વસ્તી ગણતરી શરૂ કરી પણ તેણે પૂરી કરી નહોતી. ગણતરી કરવાને લીધે ઇઝરાયલ પર કોપ આવ્યો. દાઉદ રાજાના કાળવૃત્તાંતના ઇતિહાસમાં આ ગણતરી નોંધાવામાં આવી ન હતી.

રાજાની મિલકતના વહીવટદારો

25 રાજાના ભંડારો ઉપર અદીએલનો પુત્ર આઝમાવેથ નિમાયેલો હતો. સીમમાંના નગરોમાંના, ગામોમાંના અને કિલ્લાઓમાંના ભંડારો ઉપર ઉઝિયાનો પુત્ર યોનાથાન નિમાયેલો હતો. 26 ખેતી કરનારાઓ ઉપર દેખરેખ રાખવા કલૂબનો પુત્ર એઝ્રી હતો. 27 રામાથી શિમઈ દ્રાક્ષવાડીઓ ઉપર દેખરેખ રાખતો હતો, દ્રાક્ષારસના ભંડાર પર ઝાબ્દી શિફ્મી દેખરેખ રાખતો હતો.

28 જૈતૂનવૃક્ષો તથા ગુલ્લરવૃક્ષો નીચાણના પ્રદેશમાં જે હતાં, તેઓ પર બાલ-હાનાન ગદેરી દેખરેખ રાખતો હતો. યોઆશની જવાબદારી તેલના ભંડાર પર હતી. 29 શારોનમાં ચરનારાં જાનવરો પર શિટ્રાય શારોની અને અદલાયનો પુત્ર શાફાટ ખીણોમાં ચરતાં જાનવરો પર દેખરેખ રાખતા હતા.

30 ઓબિલ ઇશ્માએલી ઊંટોની અને મેરોનોથી યહદયા ગધેડાંની સંભાળ રાખતા હતા. યાઝીઝ હાગ્રી ઘેટાંબકરાં સંભાળતો હતો. 31 આ બધા માણસો દાઉદ રાજાની સંપત્તિ સંભાળનારા અધિકારીઓ હતા.

દાઉદના અંગત સલાહકારો

32 દાઉદના કાકા યોનાથાન, કુશળ સલાહકાર અને ચીટનીસ હતો. હાખ્મોનીનો પુત્ર યહીએલ રાજાના પુત્રોનો શિક્ષક હતો. 33 અહિથોફેલ રાજાનો સલાહકાર હતો અને હુશાય આર્કી રાજાનો અંગત સલાહકાર હતો. 34 બનાયાનો પુત્ર યહોયાદા અને અબ્યાથાર એ બન્ને અહિથોફેલના મદદનીશો હતા. અને યોઆબ રાજાના સૈન્યનો સેનાપતિ હતો.

Chapter 28

મંદિર અંગેના દાઉદનાં સૂચનો

1 દાઉદે ઇઝરાયલના તમામ અધિકારીઓ, કુળના આગેવાનો, રાજાની સેવા કરનારા ઉપરીઓ, સહસ્રાધિપતિઓ અને શતાધિપતિઓ તથા રાજાની અને તેના પુત્રોની તમામ સંપત્તિ અને જાનવરોને સંભાળનાર કારભારીઓ તેમ જ અમલદારો તથા પરાક્રમી પુરુષો અને બધા શૂરવીરોને યરુશાલેમમાં એકત્ર કર્યા.

2 દાઉદ રાજાએ તેઓ સમક્ષ ઊભા થઈને સંબોધન કર્યુ, "મારા ભાઈઓ અને મારા પ્રજાજનો, મારી વાત સાંભળો. યહોવાહના કરારકોશને માટે તથા આપણા ઈશ્વરના પાયાસનને માટે વિશ્રાંતિનું ભક્તિસ્થાન બાંધવાનું મારા મનમાં હતું અને મેં તેની તૈયારીઓ પણ કરી હતી. 3 પણ ઈશ્વરે મને કહ્યું, 'તું મારે નામે ભક્તિસ્થાન બાંધીશ નહિ, કારણ કે, તેં ઘણાં યુદ્ધો કર્યા છે અને પુષ્કળ લોહી વહેવડાવ્યું છે.'

4 તેમ છતાં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મારા પિતાના આખા કુટુંબમાંથી ઇઝરાયલ પર રાજા થવા માટે મને પસંદ કર્યો છે. યહૂદાના કુળમાંથી મારા પિતાના કુટુંબને પસંદ કર્યું છે અને તેઓ મારા પર એટલા બધાં કૃપાળુ હતા કે પિતાના પુત્રોમાંથી તેમણે મને પસંદ કરીને આખા ઇઝરાયલનો રાજા બનાવ્યો. 5 યહોવાહે મને ઘણાં પુત્રો આપ્યાં તેમાંથી ઇઝરાયલ પર ઈશ્વરનું જે રાજ્ય છે તેના સિંહાસન પર બેસવા માટે મારા પુત્ર સુલેમાનને જ પસંદ કર્યો.

6 ઈશ્વરે મને કહ્યું કે, 'તારો પુત્ર સુલેમાન મારે માટે ભક્તિસ્થાન બાંધશે, કારણ કે, મેં તેને મારા પુત્ર તરીકે પસંદ કર્યો છે. અને હું તેનો પિતા થઈશ. 7 જો તે મારી આજ્ઞાઓ તથા સૂચનોનું પાલન આજે કરે છે તે પ્રમાણે દૃઢતાથી કાયમ કરતો રહેશે, તો હું તેનું રાજ્ય સદાને માટે સ્થાપન કરીશ.'

8 માટે હવે ઈશ્વરની પ્રજા એટલે સર્વ ઇઝરાયલના જોતાં તથા આપણા ઈશ્વરના સાંભળતાં કહું છું કે, તમે પોતાના ઈશ્વર પ્રભુની સર્વ આજ્ઞાઓ પાળો તથા તે પર ધ્યાન રાખો, કે તમે આ સારા દેશનું વતન ભોગવો અને તમારાં બાળકોને માટે સદાને માટે તેનો વારસો મૂકી જાઓ.

9 "વળી મારા પુત્ર સુલેમાનને જણાવું છું કે, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ અને સંપૂર્ણ અંત: કરણથી અને રાજીખુશીથી તેમની સેવા કર, ઈશ્વર સર્વનાં અંત: કરણો તપાસે છે, અને તેઓના વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને પ્રાપ્ત કરશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તેઓ તને સદાને માટે તજી દેશે. 10 તું યાદ રાખજે કે, ઈશ્વરે તને ભક્તિસ્થાન બાંધવા માટે પસંદ કર્યો છે. બળવાન થા, અને કાળજીપૂર્વક તે કામ પૂરું કરજે."

11 પછી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને સભાસ્થાનનો, તેના આંગણાનો, તેના ઓરડાઓનો ભંડારોનો, તેના માળ પરના અને અંદરના ખંડોનો અને દયાસનની જગાની રૂપરેખાનો નકશો પણ આપ્યો. 12 ઈશ્વરના ભક્તિસ્થાનનાં આંગણાને માટે ચારે તરફના સર્વ ઓરડાઓને યહોવાહના ભક્તિસ્થાનનાં ભંડારો માટે તથા અર્પિત વસ્તુઓના ભંડારોને માટે જે કંઈ ઈશ્વરના આત્માએ તેના મનમાં નાખ્યું હતું તે સર્વ વિગતો એ નકશામાં દર્શાવેલી હતી.

13 યાજકો અને લેવીઓની વારા પ્રમાણે ટુકડીઓ નિયુક્ત કરવા માટે, યહોવાહના સભાસ્થાનની સેવાના સર્વ કામને માટે તથા યહોવાહના સભાસ્થાનની સેવાનાં પાત્રોને માટે કરેલી સર્વ વ્યવસ્થા દાઉદે સુલેમાને કહી જણાવી. 14 સર્વ પ્રકારની સેવાનાં તમામ પાત્રોને માટે જોઈતું સોનું તથા દરેક જાતની સેવાને માટે રૂપાનાં તમામ પાત્રોને સારુ જોઈતું ચાંદી પણ તેણે તોળીને આપ્યું. 15 સોનાનાં દીપવૃક્ષોને માટે તથા તેઓની સોનાની દીવીઓને માટે જોઈતું સોનું તથા રૂપાનાં દીપવૃક્ષોને માટે તથા તેઓની દીવીઓને માટે જોઈતું ચાંદી તોળીને આપ્યું.

16 અર્પિત રોટલીની મેજોને સારુ જોઈતું સોનું અને રૂપાની મેજોને સારુ જોઈતું ચાંદી તોળીને આપ્યું. 17 વળી તેણે ચોખ્ખા સોનાનાં ત્રિપાંખી સાધનો, થાળીઓ, વાટકાઓ અને પ્યાલાંને સારુ સોનું અને રૂપાનાં પ્યાલાને સારુ ચાંદી તોળીને આપ્યું.

18 ધૂપ વેદી માટે ગાળેલું સોનું અને રથ માટે એટલે યહોવાહના કરારકોશ ઉપર પાંખો પ્રસારીને તેનું આચ્છાદન કરનાર કરુબોનો પ્રતિકૃતિને માટે જોઈતું સોનું પણ તોળીને આપ્યું. 19 દાઉદે કહ્યું, "આ નકશાની સર્વ વિગતો અને સર્વ કામ વિષેના યહોવાહ તરફના લેખની મને સમજણ પાડવામાં આવી છે."

20 વળી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને કહ્યું કે, બળવાન અને ખૂબ હિંમતવાન થઈને એ કામ કરજે. બીશ નહિ અને ગભરાઈશ પણ નહિ. કેમ કે ઈશ્વર યહોવાહ, મારા ઈશ્વર, તારી સાથે છે. જ્યાં સુધી યહોવાહના સભાસ્થાનની સર્વ સેવાનું કામ સંપૂર્ણ થાય ત્યાં સુધી તે તને સહાય કર્યા વગર રહેશે નહિ. અને તને તજી દેશે નહિ. 21 યાજકોની અને લેવીઓની યહોવાહના ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે ટુકડીઓ નિયુક્ત કરેલી છે. બધાં કામોમાં કુશળ કારીગરો તને રાજીખુશીથી મદદ કરશે અને બધા અમલદારો તેમ જ લોકો પણ તારી આજ્ઞાનું પાલન તને આધીન રહેશે."

Chapter 29

મંદિરના બાંધકામ માટે ભેટો

1 પછી દાઉદ રાજાએ સમગ્ર સભાને કહ્યું, ઇઝરાયલીઓમાંથી મારા પુત્ર સુલેમાન ને જ ઈશ્વરે પસંદ કર્યો છે, તે હજી જુવાન અને બિનઅનુભવી છે અને કામ મોટું છે, કારણ કે આ ભક્તિસ્થાન માણસને માટે નહિ પણ ઈશ્વર યહોવાહને માટે છે. 2 મેં મારી તમામ શક્તિ અનુસાર મારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે સોનાની વસ્તુઓ માટે સોનું, રૂપાની વસ્તુઓ માટે ચાંદી, પિતળની વસ્તુઓ માટે પિતળ, લોખંડની વસ્તુઓ માટે લોખંડ એકત્ર કર્યા છે. અને લાકડાની વસ્તુઓ માટે લાકડું, મણિ જડાવકામને સારુ દરેક જાતનાં મૂલ્યવાન જવાહિરો, અકીક તથા સંગેમરમરના પુષ્કળ પાષાણો તૈયાર કરાવ્યાં છે.

3 તદુપરાંત, પવિત્રસ્થાનના બાંધકામ માટે મારા ફાળા રૂપે મારા ભંડારમાં જે કંઈ સોનું અને ચાંદી છે તે બધું હું મારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે આપી દઉં છું. 4 સભાસ્થાનની ઇમારતોની દીવાલોને મઢવા માટે ઓફીરમાંથી ત્રણ હજાર તાલંત સોનું એકસો દસ ટન અને સાત હજાર તાલંત ચોખ્ખી ચાંદી બસો સાઠ ટન; 5 કારીગરો જે વસ્તુઓ બનાવવાના છે તેને માટે હું સોનું ચાંદી આપું છું. હવે આજે તમારામાંથી બીજા કોણ યહોવાહને માટે રાજીખુશીથી ઉદારતાપૂર્વક પોતાનો ફાળો આપવા ઇચ્છે છે?"

6 પછી પિતૃઓના કુટુંબોના વડાઓ, ઇઝરાયલના કુળોના આગેવાનો, હજારના અને સેના અધિપતિઓ તથા રાજ્યસેવાના અધિકારીઓએ રાજીખુશીથી અર્પણ આપ્યાં. 7 તેઓએ ઈશ્વરના ભક્તિસ્થાનના કાર્ય માટે સ્વેચ્છાથી પાંચ હજાર તાલંત [1] સોનું, દસ હજાર સોનાની દારીક [2] , દસ હજાર તાલંત ચાંદી [3] અને અઢાર હજાર તાલંત પિત્તળ [4] તેમ જ એક લાખ તાલંત લોખંડ [5] આપ્યું.

8 વળી, જેમની પાસે રત્નો હતાં તેમણે તે રત્નો યહોવાહના ભક્તિસ્થાનના ભંડારમાં આપી દીધાં. તેનો વહીવટ ગેર્શોનનો વંશજ યહીએલ કરતો હતો. 9 તેઓએ સર્વ રાજીખુશીથી યહોવાહને માટે ઉદાર મનથી આપ્યું હોવાથી લોકો ઘણાં હરખાયા. રાજા દાઉદ પણ ઘણો ખુશ થયો.

દાઉદની આભાર પ્રાર્થના

10 સમગ્ર સભાની સમક્ષ દાઉદે યહોવાહની સ્તુતિ કરતાં કહ્યું, "અમારા પિતૃઓના, ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ, સદા સર્વદા તમારી સ્તુતિ હો! 11 યહોવાહ તમે જ મહાન, શક્તિશાળી, ગૌરવવંત, ભવ્ય અને પ્રતાપી છો. આ પૃથ્વી પર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તમારું છે. હે યહોવાહ રાજ્ય તમારું છે અને એ બધાં પર તમારો જ અધિકાર છે.

12 તમારાથી જ ધન અને પ્રતાપ પ્રાપ્ત થાય છે. તમે જ સર્વ પ્રજા પર શાસન કરો છો. સામર્થ્ય અને સત્તા તમારા જ હાથમાં છે. તમે જ સૌને મહાન તથા બળવાન કરો છો, 13 હવે અત્યારે, હે અમારા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા મહિમાવંત નામની સ્તુતિ કરીએ છીએ.

14 પરંતુ હું કે મારી પ્રજા કોણ કે રાજીખુશીથી અર્પણ આપવા માટે અમે સમર્થ હોઈએ? કારણ કે જે સર્વસ્વને અમે પોતાનું માનીએ છીએ તે તમારાથી જ અમને મળેલું છે અને જે અમે તમને આપીએ છીએ તે સર્વ તમારું જ છે. 15 કેમ કે અમે અમારા પૂર્વજોની જેમ તમારી આગળ મુસાફર તથા પરદેશી જેવા છીએ, આ પૃથ્વી પરના અમારા દિવસો પડછાયા જેવા છે. પૃથ્વી પર અમને કંઈ જ આશા નથી.

16 યહોવાહ અમારા ઈશ્વર, તમારા પવિત્ર નામને માટે ભક્તિસ્થાન બાંધવા સારુ અમે ભેગી કરેલી બધી સંપત્તિ તમારા તરફથી મળેલી છે, એ બધું તમારું જ છે. 17 હું જાણું છું, મારા ઈશ્વર કે તમે અંત:કરણને તપાસો છો અને મનનું ખરાપણું તમને આનંદ પમાડે છે. આ બધું મેં સ્વેચ્છાએ સાચા હૃદયથી અર્પ્યું છે અને અત્યારે અહીં હાજર રહેલ તમામ લોકોને રાજીખુશીથી અર્પણ કરતા જોઈને મને આનંદ થાય છે.

18 હે યહોવાહ, અમારા પિતૃઓ, ઇબ્રાહિમ, ઇસહાક અને ઇઝરાયલના પ્રભુ, તમારા લોકોનાં હૃદય અને વિચારો સદા એવા જ રાખો અને તેમના હૃદયને તમારી તરફ વાળો. 19 મારા પુત્ર સુલેમાનને સંપૂર્ણ સમર્પિત હૃદય આપો જેથી તે તમારી બધી જ આજ્ઞાઓ, વિધિઓ અને નિયમોનું પાલન કરે અને આ બધાં કામો કરે. જે મહેલને માટે મેં તૈયારી કરી છે તે મહેલ પણ તે બાંધે."

20 દાઉદે સમગ્ર સભાના લોકોને કહ્યું, "યહોવાહ તમારા ઈશ્વરની સ્તુતિ કરો!" અને આખી સભાએ યહોવાહ તેમના પિતૃઓના ઈશ્વર સમક્ષ પોતાના માથા નમાવીને તેમની આરાધના કરી અને રાજાનું અભિવાદન કર્યુ. 21 બીજે દિવસે યહોવાહના માટે તેઓએ બલિદાન આપ્યાં અને દહનીયાર્પણ ચઢાવ્યા. તેઓએ એક હજાર બળદો, એક હજાર હલવાન અને એક હજાર ઘેટાંના અર્પણ સહિત આખા ઇઝરાયલ માટે પેયાર્પણ કર્યું.

22 તે દિવસે, તેઓએ યહોવાહ સમક્ષ ખાંધુપીધું અને ખૂબ આનંદ કર્યો.

તેમણે દાઉદના પુત્ર સુલેમાનને બીજીવાર રાજા જાહેર કર્યો અને તેનો યહોવાહના નામે શાસક તરીકે અને સાદોકને ઈશ્વરના યાજક તરીકે અભિષેક કર્યો. 23 પછી સુલેમાન પોતાના પિતા દાઉદના અનુગામી તરીકે યહોવાહે સ્થાપેલા સિંહાસન પર બિરાજયો. તે સમૃદ્ધ થયો અને સમગ્ર ઇઝરાયલ લોકો તેને આધીન થયા. 24 તમામ અધિકારીઓએ અને યોદ્ધાઓએ તેમ જ રાજા દાઉદના બધા પુત્રોએ રાજા સુલેમાન પ્રત્યે વફાદારીના શપથ લીધાં. 25 યહોવાહે, સુલેમાનને ઇઝરાયલની નજરમાં ખૂબ મહાન કર્યો અને ઇઝરાયલના કોઈ પણ રાજાએ પહેલાં કદી મેળવી ના હોય તેવી જાહોજલાલી તેને આપી.

દાઉદના રાજ્યકાળનું સાર વૃત્તાંત

26 યિશાઈના પુત્ર દાઉદે આખા ઇઝરાયલ પર શાસન કર્યું. 27 તેણે ઇઝરાયલ પર ચાળીસ વર્ષ સુધી સત્તા ભોગવી. તેણે સાત વર્ષ હેબ્રોનમાં અને તેત્રીસ વર્ષ યરુશાલેમમાં રાજય કર્યુ હતું. 28 સંપત્તિ અને સન્માન સાથે દીર્ધાયુથી પરિપૂર્ણ થઈને તે મૃત્યુ પામ્યો અને તેના પછી તેના પુત્ર સુલેમાને રાજય કર્યું.

29 રાજા દાઉદના શાસનમાં બનેલા બધા જ બનાવો પહેલેથી છેલ્લે સુધી પ્રબોધક શમુએલ, પ્રબોધક નાથાન અને પ્રબોધક ગાદના પુસ્તકોમાં લખેલા છે. 30 તેની આખી કારકિર્દી, તેના પરાક્રમ તથા તેના ઉપર ઇઝરાયલ પર તેમ જ દેશોના સર્વ રાજ્યો ઊપર જે સમય ગુજાર્યો તે સર્વ વિષે તેમાં લખેલું છે.


29:7 [1] લગભગ ૧૮૮ ટન સોનું
29:7 [2] ૧૦,૦૦૦ સોનાનો સિક્કો
29:7 [3] લગભગ ૩૭૫ ટન ચાંદી
29:7 [4] લગભગ ૬૭૫ ટન પિત્તળ
29:7 [5] લગભગ ૩,૭૫૦ ટન લોખંડ