થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર
લેખક
પાઉલ પ્રેરિત પોતે બે વાર પોતાને આ પત્રના લેખક તરીકે ઓળખાવે છે (1:1; 2:18). બીજી મિશનરી મુસાફરીમાં જ્યારે આ મંડળીની સ્થાપના કરવામાં આવી (પ્રેરિતનાં કૃત્યો 17:1-9) ત્યારે પાઉલ સાથે તેના સાથીઓ તરીકે સિલાસ અને તિમોથી (3:2,6) હતા. તેણે ત્યાંથી ગયા બાદ થોડા જ મહિનાઓમાં વિશ્વાસીઓને આ પ્રથમ પત્ર લખ્યો હતો. થેસ્સલોનિકામાંની પાઉલની સેવા ફક્ત યહૂદીને જ નહીં પણ દેખીતી રીતે બિનયહૂદીઓને પણ સ્પર્શી હતી. મંડળીના ઘણા બિનયહૂદીઓ મૂર્તિપૂજા છોડીને આવ્યા હતા કે જે તે સમયના યહૂદીઓમાં કોઈ ખાસ સમસ્યા નહોતી (1:9).
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.સ. 51 ની આસપાસનો છે.
પાઉલે થેસ્સાલોનિકાની મંડળીને પોતાનો પ્રથમ પત્ર કરિંથ શહેરથી લખ્યો હતો. વાંચકવર્ગ જો કે સામાન્ય રીતે આ પત્ર દરેક જગ્યાના બધા જ ખ્રિસ્તીઓને સંબોધે છે તો પણ, 1 થેસ્સલોનિકી 1:1 આ પત્રના ઇચ્છિત વાંચકો તરીકે “થેસ્સાલોનિકાની મંડળી” નાં સભાસદોને ઓળખાવે છે.
હેતુ
આ પત્ર લખવામાં પાઉલનો હેતુ નવા વિશ્વાસીઓને તેઓની કસોટીઓમાં ઉત્તેજન આપવાનો (3:3-5), ઈશ્વરપારાયણ જીવન જીવવા બોધ આપવાનો (4:1-12), ખ્રિસ્તનાં પુનરાગમન અગાઉ મરણ પામેલા વિશ્વાસીઓના ભવિષ્ય વિષે ખાતરી કરાવવાનો (4:13-18) અને બીજી કેટલીક નૈતિક અને વ્યાવહારિક બાબતોને સુધારવાનો હતો.
મુદ્રાલેખ
મંડળીની કાળજી
રૂપરેખા 1. આભારદર્શન — 1:1-10 2. પ્રેરિતપદના કાર્યોનો બચાવ — 2:1-3:13 3. થેસ્સલોનિકાના લોકોને બોધ — 4:1-5:22 4. સમાપનની પ્રાર્થના અને આશીર્વચન — 5:23-28Chapter 1
થેસ્સાલોનિકીઓને પાઉલનો પત્ર
1 ઈશ્વરપિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનિકાની મંડળી વિશ્વાસી સમુદાય ને પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી લખે છે; તમને કૃપા તથા શાંતિ હો.
થેસ્સાલોનિકા મંડળીનું જીવન અને વિશ્વાસ
2 અમારી પ્રાર્થનાઓમાં તમારાં નામ કહીને, અમે સદા તમો સર્વને માટે ઈશ્વરની આભારસ્તુતિ કરીએ છીએ; 3 તમારા વિશ્વાસનાં કામ, પ્રેમપૂર્વકની તમારી મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરની તમારી દ્રઢ આશાને કારણે તમારામાં ઉત્પન્ન થતી ધીરજને, આપણા ઈશ્વર તથા પિતાની આગળ, અમે હંમેશા યાદ કરીએ છીએ.
4 ભાઈઓ, અમે જાણીએ છીએ કે, ઈશ્વર તમારા પર પ્રેમ કરે છે અને તેણે તમને પસંદ કર્યા છે. 5 કેમ કે અમારી સુવાર્તા કેવળ શબ્દમાં નહિ, પણ પરાક્રમમાં, પવિત્ર આત્મામાં તથા ઘણી ખાતરીપૂર્વક તમારી પાસે આવી; તેમ જ તમારે લીધે અમે તમારી મધ્યે કેવી રીતે રહ્યા હતા એ તમે જાણો છો.
6 તમે અમને તથા પ્રભુને અનુસરનારા થયા કેમ કે ઘણી વિપત્તિઓ વેઠીને પવિત્ર આત્માનાં આનંદસહિત તમે પ્રભુની વાત સ્વીકારી. 7 જેથી તમે મકદોનિયા તથા અખાયામાંના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ થયા.
8 કેમ કે કેવળ મકદોનિયા તથા અખાયામાં તમારાથી પ્રભુની વાતનો પ્રસાર થયો એટલું જ નહિ, પણ સર્વ સ્થળે ઈશ્વર પરનો તમારો વિશ્વાસ પ્રગટ થયો, એ બાબતે અમારે કશું કહેવાની જરૂર જણાતી નથી. 9 લોકો પોતે અમારા વિષે એ બધી વાતો પ્રગટ કરે છે કે, કેવી પરિસ્થિતિમાં અમે તમારી મધ્યે આવ્યા અને તમે જીવંત તથા ખરા ઈશ્વરની સેવા કરવાને 10 તથા ઈશ્વરના પુત્ર, એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ, જેમને તેમણે મૂએલાંમાંથી સજીવન કર્યા, તેમની સ્વર્ગથી આવવાની રાહ જોવાને, કેવી રીતે મૂર્તિઓ તરફથી ઈશ્વર તરફ, તમે ફર્યા.
Chapter 2
થેસ્સાલોનિકામાંની પાઉલની કામગીરીનાં સંસ્મરણો
1 કેમ કે, હે ભાઈઓ, તમે જાણો છો કે અમારું તમારી મધ્યે આવવું નિષ્ફળ ગયું નથી. 2 વળી તમે તે પણ જાણો છો કે અમે અગાઉ ફિલિપ્પીમાં દુઃખ તથા અપમાન સહ્યાં, છતાં ઘણાં વિરોધોમાં તમને ઈશ્વરની સુવાર્તા કહેવાને આપણા ઈશ્વરની સહાયથી હિંમતવાન હતા.
3 કેમ કે અમારા બોધમાં ભૂલચૂક, અશુદ્ધતા કે કપટ હતાં નહિ; 4 પણ જેમ ઈશ્વરે સુવાર્તા કહેવાને અમને વિશ્વાસુ ગણ્યા તેમ અમે માણસોને ખુશ કરવાને નહિ, પણ અમારાં હૃદયોના પારખનાર ઈશ્વરને પ્રસન્ન કરવાને બોલીએ છીએ.
5 તમે જાણો છો કે, ન તો અમે કદી ખુશામતનાં વચનો બોલ્યા કે ન તો દંભ કરીને દ્રવ્યલોભ રાખ્યો; ઈશ્વર સાક્ષી છે, 6 ખ્રિસ્તનાં પ્રેરિત તરીકે અમારો અધિકાર હતો, તોપણ માણસોથી, એટલે કે, તમારાથી કે કોઈ બીજાથી, અમે માન માગતા નહોતા.
7 પણ જેમ દૂધ પાનાર મા પોતાનાં બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે કોમળતાથી વર્ત્યા હતા. 8 કેમ કે તમારી ઉપર સ્નેહ હોવાથી અમે તમને કેવળ ઈશ્વરની સુવાર્તા જ નહિ, પણ પોતાનો જીવ આપવાને પણ રાજી હતા, કેમ કે તમે અમને ઘણાં જ પ્રિય થઈ પડ્યા હતા. 9 ભાઈઓ, તમને અમારો શ્રમ તથા કષ્ટ યાદ છે, કેમ કે તમારામાંના કોઈ પર બોજારૂપ ન થઈએ માટે અમે રાતદિવસ કામ કરીને તમને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરી.
10 તમો વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે પવિત્રતાથી, ન્યાયીપણાથી તથા નિર્દોષપણાથી વર્તતા હતા; તે વિષે તમે અને ઈશ્વર સાક્ષી છો. 11 તે પ્રમાણે તમે જાણો છો, કે જેમ પિતા પોતાનાં બાળકોને, તેમ અમે તમારામાંના પ્રત્યેકને બોધ, દિલાસો તથા સાક્ષી આપતા હતા, 12 કે જેથી, ઈશ્વર જે તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડે છે, તેને યોગ્ય થઈને તમે ચાલો.
13 અમે એટલા માટે ઈશ્વરની ઉપકારસ્તુતિ નિરંતર કરીએ છીએ કે, જયારે તમે અમારી પાસેથી ઈશ્વરનું વચન સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચનની જેમ નહિ, પણ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું; તે વચન તમો વિશ્વાસીઓમાં કાર્યરત છે.
14 ભાઈઓ, ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની જે મંડળી યહૂદિયામાં છે તેઓનું અનુકરણ કરનાર તમે થયા; કેમ કે જેમ તેઓએ યહૂદીઓ તરફથી દુઃખ સહ્યાં તેમ તમે પણ પોતાના દેશના લોકો તરફથી તેવા જ દુઃખ સહ્યાં છે. 15 યહૂદીઓએ પ્રભુ ઈસુને તથા પ્રબોધકોને પણ મારી નાખ્યા અને અમારી સતાવણી કરી; તેઓ ઈશ્વરને પ્રસન્ન કરતા નથી અને સઘળા લોકોના વિરોધી છે; 16 બિનયહૂદીઓ ઉદ્ધાર ન પામે તે માટે તે યહૂદીઓ અમને વચન કહેતાં રોકે છે; તેથી તેઓ નિરંતર પોતાનાં પાપની વૃદ્ધિ કરે છે, પણ તેઓ પર અત્યંત કોપ આવ્યો છે.
આ મંડળીની ફરીથી મુલાકાત લેવાની પાઉલની ઇચ્છા
17 પણ ભાઈઓ, અમે મનથી તો નહિ, પણ દેહથી તમારી પાસેથી થોડા સમય માટે દૂર થવાને લીધે, ઘણી આતુરતાથી તમારાં મુખ જોવાને માટે ઘણાં પ્રયત્નો કર્યા. 18 એ માટે અમે, એટલે ખાસ કરીને મેં પાઉલે, વારંવાર તમારી પાસે આવવાને ઇચ્છા કરી, પણ શેતાને અમને અટકાવ્યા. 19 કેમ કે અમારી આશા, આનંદ કે ગૌરવનો મુગટ શું છે? શું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આવવાની વેળાએ તેમની આગળ અન્યોની જેમ તમે પણ એ મુગટ નથી? 20 નિ:સંદેહ, તમે અમારો મહિમા તથા આનંદ છો.
Chapter 3
1 માટે જયારે અમારી સહનશક્તિની હદ આવી ત્યારે આથેન્સમાં એકલા રહેવાનું અમે નક્કી કર્યું. 2 અને અમારા ભાઈ અને ખ્રિસ્તની સુવાર્તાનાં પ્રચારમાં ઈશ્વરના સેવક તિમોથીને તમને સ્થિર કરવાને અને તમારા વિશ્વાસ સંબંધી તમને ઉત્તેજન આપવાને માટે મોકલ્યો. 3 કેમ કે આ વિપત્તિઓથી કોઈ ડગી જાય નહિ. તમે પોતે જાણો છો કે તેને સારુ આપણે નિર્મિત થયેલા છીએ.
4 જયારે અમે તમારી પાસે હતા ત્યારે અમે તમને અગાઉથી કહ્યું હતું કે, આપણા પર વિપત્તિ આવનાર છે અને તે પ્રમાણે થયું તે તમે જાણો છો. 5 એ કારણને લીધે જયારે મારાથી વધારે સહન કરી શકાયું નહિ ત્યારે મેં તમારો વિશ્વાસ જાણવા સારુ તિમોથીને મોકલ્યો; એમ ન થાય કે શેતાને કોઈ રીતે તમારું પરીક્ષણ કર્યું હોય ને અમારી મહેનત નકામી ગઈ હોય!
તિમોથીનો ઉતેજનદાયક અહેવાલ
6 પણ હમણાં જ તિમોથી તમારે ત્યાંથી અમારી પાસે આવ્યો અને તમારા વિશ્વાસ તથા પ્રેમની સારી ખબર અમને આપી અને તેણે કહ્યું કે જેમ અમે તમને તેમ તમે પણ અમને જોવાની ઘણી ઇચ્છા રાખો છો, ને સદા અમને યાદ કરો છો. 7 એ માટે, ભાઈઓ, અમારા સર્વ સંકટ તથા સતાવણીમાં તમારા વિશ્વાસને લીધે તમારી બાબતમાં અમે દિલાસો પામ્યા.
8 તમે પ્રભુમાં સ્થિર છો તેથી અમને નિરાંત છે. 9 કેમ કે જે સંપૂર્ણ આનંદથી અમે ઈશ્વરની આગળ તમારે લીધે આનંદ કરીએ છીએ, તેને માટે અમે તમારા વિષે ઈશ્વરની ઘણી જ આભારસ્તુતિ કરીએ છીએ! 10 અમે રાતદિવસ ઘણી પ્રાર્થના કરીએ છીએ કે, અમે તમને રૂબરૂમાં જોઈએ, અને તમારા વિશ્વાસમાં ઉણપ હોય તો તે દૂર કરીને સંપૂર્ણ કરીએ.
11 હવે ઈશ્વર આપણા પિતા પોતે તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી પાસે આવવાનો અમારો રસ્તો સરળ કરે એવી પ્રાર્થના છે. 12 જેમ અમારો પ્રેમ તમારા પર પુષ્કળ છે, તેમ પરસ્પરના તથા સર્વ માણસો પરના તમારા પ્રેમમાં પ્રભુ પુષ્કળ વધારો કરો; 13 એ સારુ કે જયારે આપણા પ્રભુ ઈસુ પોતાના સર્વ સંતોની સાથે આવે, ત્યારે ઈશ્વરપિતા સમક્ષ તેઓ તમારા હૃદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દ્રઢ કરે.
Chapter 4
ઈશ્વરને પસંદ પડે તેવું જીવન
1 તો ભાઈઓ, છેવટે, અમે પ્રભુ ઈસુમાં નામે તમને વિનંતી તથા સુબોધ કરીએ છીએ કે, તમારે કેવી રીતે વર્તવું અને ઈશ્વરને પ્રસન્ન કરવા, એ વિષે અમારા તરફથી તમે સાંભળ્યું છે તે પ્રમાણે જેમ તમે ચાલો છો, તેમ જ વધારે અને વધારે ચાલતા રહો. 2 કેમ કે અમે પ્રભુ ઈસુ તરફથી તમને કઈ કઈ આજ્ઞાઓ આપી તે તમે જાણો છો.
3 કારણ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે, તમારું પવિત્રીકરણ થાય, એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો; 4 તમારામાંનો દરેક, ઈશ્વરને ન જાણનારાં વિદેશીઓની જેમ વિષયવાસનામાં નહિ, 5 પણ પવિત્રતામાં તથા માનમાં પોતાની જાતને સંભાળી રાખે. 6 તે બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈને છેતરે નહિ, કારણ કે પ્રભુ એવાં બધાં કામોની શિક્ષા કરનાર છે, એ બાબતે અમે અગાઉ પણ તમને જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી.
7 કેમ કે ઈશ્વરે આપણને અશુદ્ધતાને સારુ નહિ, પણ પવિત્રતામાં બોલાવ્યા છે. 8 એ માટે જે અનાદર કરે છે તે તો માણસનો નહિ, પણ ઈશ્વરનો અનાદર કરે છે, જે પોતાનો પવિત્ર આત્મા તમને આપે છે.
9 પણ ભાઈ પરના પ્રેમ વિષે કોઈને તમારા પર લખવાની કશી જરૂર નથી, કેમ કે એકબીજા પર પ્રેમ રાખવાનું ઈશ્વરે પોતે તમને શીખવ્યું છે. 10 આખા મકદોનિયાના સઘળા ભાઈઓ પર તમે એ પ્રમાણે પ્રેમ રાખો છો; પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે હજી પણ વધારે પ્રેમ રાખો; 11 અને જેમ અમે તમને આજ્ઞા આપી, તેમ તમે શાંત રહેવાને, બીજાઓને કામમાં દખલ ન કરવાને તથા પોતાને હાથે ઉદ્યોગ કરવાને, લક્ષ્ય રાખો; 12 જેથી બહારના લોકોની આગળ તમે સારી વર્તણૂક રાખો અને તમને કશાની અગત્ય રહે નહિ.
પ્રભુનું આગમન
13 પણ, ભાઈઓ, ઊંઘી ગયેલા વિષે તમે અજાણ રહો એવી અમારી ઇચ્છા નથી, કે જેથી બીજા જેઓને આશા નથી તેઓની માફક તમે દુ:ખી ન થાઓ. 14 જો આપણે વિશ્વાસ કરીએ છીએ કે, ઈસુ મરણ પામ્યા અને પાછા સજીવન થયા, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયા છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે. 15 કેમ કે પ્રભુના વચન દ્વારા અમે તમને કહીએ છીએ કે, પ્રભુના આવવાની સમયે આપણામાંના જેઓ જીવતાં રહેનારાં છે તેઓ ઊંઘેલાઓની અગાઉ જનારા નથી જ.
16 કેમ કે પ્રભુ પોતે ગર્જના, પ્રમુખ દૂતની વાણી, તથા ઈશ્વરના રણશિંગડાના અવાજ સહિત સ્વર્ગમાંથી ઊતરશે; અને ખ્રિસ્તમાં જેઓ મૃત્યુ પામેલાં છે તેઓ પ્રથમ ઉત્થાન પામશે. 17 પછી આપણે જેઓ જીવતાં રહેનારાં છીએ તેઓ આકાશમાં પ્રભુને મળવા સારુ તેઓની સાથે વાદળોમાં ખેંચાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું. 18 તેથી એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો.
Chapter 5
પ્રભુના આગમન માટે તૈયાર રહો
1 હવે ભાઈઓ, સમયો તથા ઈશ્વરીય પ્રસંગો વિષે તમને લખી જણાવવાંની કોઈ જરૂર નથી. 2 કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે, જેમ રાત્રે ચોર આવે છે તે પ્રમાણે પ્રભુ ઈસુનો દિવસ આવી રહ્યો છે. 3 કેમ કે જયારે લોકો કહેશે કે, ‘શાંતિ તથા સલામતી છે’, ત્યારે સગર્ભાની વેદનાની જેમ તેઓનો એકાએક વિનાશ થશે, તેઓ બચવા પામશે જ નહિ.
4 પણ ભાઈઓ, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની પેઠે તમારા પર આવી પડે. 5 તમે સઘળાં અજવાળાનાં અને દિવસના દીકરાઓ છો; આપણે રાતનાં કે અંધકારનાં સંતાનો નથી. 6 એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહિ, પણ જાગતા તથા સાવધાન રહીએ. 7 કેમ કે ઊંઘનારાઓ રાત્રે ઊંઘે છે અને દારૂ પીનારાઓ રાત્રે છાકટા થાય છે.
8 પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર અને ઉદ્ધારની આશાનો ટોપ પહેરીને સાવધાન રહીએ. 9 કેમ કે ઈશ્વરે આપણને કોપને સારુ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરવા સારુ નિર્માણ કર્યા છે; 10 ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા, કે જેથી આપણે જાગીએ કે ઊંઘીએ; તેમની સાથે જીવીએ. 11 માટે જેમ તમે હમણાં કરો છો તેમ જ અરસપરસ દિલાસો આપો અને એકબીજાને મજબૂત કરો.
આખરી શિખામણો અને સલામી
12 પણ, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, જેઓ તમારા માટે શ્રમ કરે છે, પ્રભુમાં તમારા આગેવાન છે તથા તમને બોધ કરે છે તેઓની તમે કદર કરો; 13 અને તેઓની સેવાને લીધે પ્રેમસહિત તેઓને અતિ ઘણું માન આપો; તમે એકબીજાની સાથે શાંતિમાં રહો. 14 વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે આળસુઓને ચેતવણી, નિરાશ થયેલાઓને ઉત્તેજન અને નિર્બળોને આધાર આપો, સઘળાંની સાથે સહનશીલ થાઓ.
15 સાવધ રહો કે, કોઈ દુષ્ટતાનાં બદલામાં સામી દુષ્ટતા ન આચરે પણ તમે સદા એકબીજાનું તથા સર્વનું હિત સાધવાને યત્ન કરો. 16 સદા આનંદ કરો; 17 નિરંતર પ્રાર્થના કરો; 18 દરેક બાબતમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની ઇચ્છા એવી જ છે.
19 આત્માને હોલવશો નહિ, 20 પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહિ. 21 પણ સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને પકડી રાખો. 22 દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.
23 શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આગમન સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર નિર્દોષતામાં સંભાળી રાખો. 24 જેમણે તમને બોલાવ્યા છે તે વિશ્વસનીય છે અને તે એમ કરશે.
25 ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો.
26 પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને સલામ કહેજો. 27 હું તમને પ્રભુમાં પ્રતિજ્ઞા લેવડાવું છું કે, આ પત્ર બધા ભાઈઓને વાંચી સંભળાવજો.
28 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.