ગુજરાતી: Gujarati Unlocked Literal Bible

Updated ? hours ago # views See on DCS Draft Material

યોહાન

લેખક

યોહાન 21:20,24 દ્વારા સ્પષ્ટ થાય છે તે પ્રમાણે ઝબદીનો દીકરો યોહાન આ સુવાર્તાનો લેખક છે. આ સુવાર્તા ઈસુ જે શિષ્યને પ્રેમ કરતા હતા તેના દ્વારા લખાઈ છે અને યોહાન પોતાનો ઉલ્લેખ “એ શિષ્ય કે જેને ઈસુ પ્રેમ કરતા હતા” તે રીતે કરે છે. તેને તથા તેના ભાઈ યાકૂબને “ગર્જનાના દીકરા” કહેવામાં આવ્યા છે (માર્ક 3:17). તેમની પાસે ઈસુના જીવનની ઘટનાઓને નિહાળવા અને તેઓ વિષે સાક્ષી આપવાનો બેજોડ વિશેષાધિકાર હતો.

લખાણનો સમય અને સ્થળ

લખાણનો સમય અંદાજિત ઇ.સ. 50 થી 90 ની આસપાસનો છે.

યોહાનની સુવાર્તા એફેસસમાં લખાઈ હોય શકે છે. લખાણના બીજા ચાવીરૂપ સ્થળો યહૂદિયાનો ગ્રામ્યપ્રદેશ, સમરૂન, ગાલીલ, બેથાનિયા અને યરુશાલેમ હોય શકે છે.

વાંચકવર્ગ

યોહાનની સુવાર્તા યહૂદીઓ માટે લખવામાં આવી હતી. આ સુવાર્તા યહૂદીઓને ઈસુ મસીહા છે તે સાબિત કરવા લખવામાં આવી હતી. જે માહિતી તે પૂરી પાડે છે તે એ છે કે તેઓ વિશ્વાસ કરે કે ઈસુ એ જ ખ્રિસ્ત છે અને તે વિશ્વાસ કરવાથી તેઓ ઈસુના નામમાં અનંતજીવન પામે.

હેતુ

યોહાનની સુવાર્તાનો હેતુ “ખ્રિસ્તીઓને તેઓના વિશ્વાસમાં દ્રઢ અને સુરક્ષિત કરવાનો હતો, જેમ 20:31 માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે તેમ “પણ આ લખવામાં આવ્યું છે કે જેથી તમે વિશ્વાસ કરો કે ઈસુ એ જ ખ્રિસ્ત એટલે કે ઈશ્વરપુત્ર છે, અને તે વિશ્વાસ કરવા દ્વારા તમે તેમના નામમાં અનંતજીવન પામો.” યોહાને ઈસુ કે જેમણે બધી જ બાબતોને ઉત્પન્ન કરી છે (1. 3) તેમને ઈશ્વર તરીકે સ્પષ્ટ રીતે જાહેર કર્યા છે (1. 1). તેઓ અજવાળું (1. 4, 8.12) તથા જીવન (1. 4, 5.26, 14.6) છે. યોહાનની સુવાર્તા ઈસુ ખ્રિસ્ત ઈશ્વરપુત્ર છે તે સાબિત કરવા લખવામાં આવી હતી.

મુદ્રાલેખ

ઈસુ ઈશ્વરના પુત્ર

રૂપરેખા 1. જીવનના નિર્માતા ઈસુ — 1:1-18 2. પ્રથમ શિષ્યનું તેડું — 1:19-51 3. ઈસુનું જાહેર સેવાકાર્ય— 2:1-16:33 4. પ્રમુખ યાજક તરીકેની પ્રાર્થના — 17:1-26 5. ઈસુનું ક્રૂસારોહણ અને જીવનોત્થાન — 18:1-20:10 6. ઈસુનું જીવનોત્થાન બાદનું સેવાકાર્ય — 20:11-21:25

Chapter 1

જીવનનો શબ્દ

1 પ્રારંભમાં શબ્દ હતા. તે ઈશ્વરની સાથે હતા. તે ઈશ્વર હતા. 2 તે જ પ્રારંભમાં ઈશ્વરની સાથે હતા. 3 તેમના થી જ સઘળું ઉત્પન્ન થયું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.

4 તેમનાંમાં જીવન હતું; તે જીવન માણસોનું અજવાળું હતું. 5 તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને બુજાવ્યું નહિ.

6 ઈશ્વરે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું. 7 તે સાક્ષી માટે આવ્યો કે અજવાળા વિષે સાક્ષી કરાવે, કે જેથી સર્વ તેના દ્વારા વિશ્વાસ કરે. 8 યોહાન પોતે તે અજવાળું ન હતો, પણ અજવાળા વિષે સાક્ષી આપવાને આવ્યો હતો.

9 ખરું અજવાળું તે ઈસુ હતા કે, જે દુનિયામાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે.

10 તેઓ દુનિયામાં હતા અને તેમના દ્વારા દુનિયાનું ઉત્પન્ન થયું છે અને મનુષ્યોએ તેમને ઓળખ્યા નહિ. 11 તે પોતાના લોકોની પાસે આવ્યા, પણ તેમણે તેમનો અંગીકાર કર્યો નહિ.

12 છતાં જેટલાંએ તેમનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેમના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો. 13 તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, મનુષ્યની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરથી જન્મ પામ્યા.

14 અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યા અને પિતાના એકનાએક પુત્રના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો; તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા. 15 યોહાને તેમના વિષે સાક્ષી આપી અને પોકારીને કહ્યું કે, “જેમનાં વિષે મેં કહ્યું હતું કે, તેઓ એ જ છે, ‘જે મારી પાછળ આવે છે તે મારા કરતા પણ મોટો છે, કેમ કે તે મારી અગાઉ હતા.”

16 કેમ કે અમે સર્વ તેમની ભરપૂરીમાંથી કૃપા ઉપર કૃપા પામ્યા. 17 નિયમશાસ્ત્ર મૂસા દ્વારા આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્ત દ્વારા આવ્યાં. 18 ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી; તેમનો એકનો એક દીકરો, કે જે પિતાની ગોદમાં છે, તેણે તેમને ઈશ્વરને પ્રગટ કર્યા છે.

યોહાન બાપ્તિસ્તનો સંદેશ

(માથ. 3:1-12; માર્ક 1:1-8; લૂક 3:1-18)

19 જયારે યહૂદીઓએ યરુશાલેમથી યાજકોને તથા લેવીઓને યોહાન પાસે એવું પૂછવા મોકલ્યા કે, તું કોણ છે? ત્યારે તેની સાક્ષી આ હતી; 20 એટલે તેણે નકાર કર્યો નહિ, પણ કબૂલ કર્યું કે, “હું તો ખ્રિસ્ત નથી.” 21 તેઓએ તેને પૂછ્યું, “તો શું? શું તું એલિયા છે?” તેણે કહ્યું, “હું તે નથી.” શું તું આવનાર પ્રબોધક છે? તેણે ઉત્તર આપ્યો કે, ‘ના.’”

22 માટે તેઓએ તેને પૂછ્યું કે, ‘તું કોણ છે?’ કે જેઓએ અમને મોકલ્યા તેઓને અમે ઉત્તર આપીએ. તું પોતાના વિષે શું કહે છે? 23 તેણે કહ્યું, “યશાયા પ્રબોધકે જે કહ્યું હતું કે “અરણ્યમાં પોકારનારની એવી વાણી કે, ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.’”

24 ફરોશીઓ તરફથી તેઓને મોકલવામાં આવ્યા હતા. 25 તેઓએ તેને પૂછ્યું કે, ‘જો તું તે ખ્રિસ્ત, એલિયા અથવા આવનાર પ્રબોધક નથી, તો તું બાપ્તિસ્મા કેમ આપે છે?’”

26 યોહાને તેઓને ઉત્તર આપ્યો કે, “હું પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ તમારી મધ્યે એક ઊભા છે, જેમને તમે ઓળખતા નથી; 27 તેઓ એ જ છે જે મારી પાછળ આવે છે અને તેમના ચંપલની દોરી છોડવા હું યોગ્ય નથી.” 28 યર્દનને પેલે પાર બેથાની જ્યાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો, ત્યાં એ ઘટનાઓ ઘટી.

ઈશ્વરનું હલવાન

29 બીજે દિવસે તે પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે કે, “જુઓ, ઈશ્વરનું હલવાન, જે માનવજગતનું પાપ દૂર કરે છે! 30 તેઓ એ જ છે જેમનાં વિષે મેં કહ્યું હતું, ‘મારી પાછળ જે એક પુરુષ આવે છે, તે મારા કરતા પણ મોટો છે, કેમ કે તે મારી અગાઉ હતા. 31 મેં તેમને ઓળખ્યા ન હતા; પણ તે ઇઝરાયલની આગળ પ્રગટ થાય, માટે હું પાણીથી બાપ્તિસ્મા આપતો આવ્યો છું.’”

32 યોહાને સાક્ષી આપી કે, ‘મેં પવિત્ર આત્માને કબૂતરની જેમ સ્વર્ગથી ઊતરતા જોયા; અને તે તેમના પર રહ્યા. 33 મેં તેમને ઓળખ્યા ન હતા; પણ જેમણે મને પાણીથી બાપ્તિસ્મા આપવા મોકલ્યો, તેમણે જ મને કહ્યું હતું કે, જેમનાં પર તું આત્માને ઊતરતા તથા રહેતા જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે. 34 મેં જોયું છે અને સાક્ષી આપી છે કે આ જ ઈશ્વરના દીકરા છે.’”

ઈસુના પ્રથમ શિષ્યો

35 વળી બીજે દિવસે યોહાન પોતાના બે શિષ્યોની સાથે ઊભો હતો. 36 તેણે ઈસુને ચાલતા જોઈને કહ્યું કે, ‘જુઓ, ઈશ્વરનું હલવાન!’”

37 તે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા. 38 ઈસુએ ફરીને તેઓને પાછળ આવતા જોઈને કહ્યું કે, ‘તમે શું શોધો છો?’ તેઓએ તેમને કહ્યું, ‘રાબ્બી ‘એટલે ગુરુજી,’ તમે ક્યાં રહો છો?’” 39 તેમણે તેઓને કહ્યું કે, ‘આવી અને જુઓ.’ માટે તેઓ ગયા અને ઈસુ જ્યાં રહેતા હતા તે જોયું; તે દિવસે તેઓ ઈસુની સાથે રહ્યા; તે સમયે આશરે સાંજના ચાર વાગ્યા હતા.

40 જે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને તેમની પાછળ ગયા હતા, તેઓમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો. 41 તેણે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને કહ્યું કે, ‘મસીહ એટલે ખ્રિસ્ત અમને મળ્યા છે.’” 42 તે તેને ઈસુ પાસે લઈ આવ્યો. ઈસુએ તેની સામે જોઈને કહ્યું કે, ‘તું યોનાનો દીકરો સિમોન છે. તું પિતર એટલે કેફા કહેવાશે જેનો અર્થ છે પથ્થર.’”

ઈસુ ફિલિપ અને નથાનિયેલને તેડે છે

43 બીજે દિવસે ઈસુને ગાલીલમાં જવાની ઇચ્છા થઈ અને તેમણે ફિલિપને મળીને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’” 44 હવે ફિલિપ તો બેથસાઈદાનો એટલે આન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો. 45 ફિલિપે નથાનિયેલને મળીને કહ્યું કે, ‘નિયમશાસ્ત્રમાં જેમનાં સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું છે તેઓ, એટલે નાસરેથના ઈસુ, યૂસફના દીકરા, અમને મળ્યા છે.’”

46 નથાનિયેલે તેને પૂછ્યું, ‘શું નાસરેથમાંથી કંઈ સારું નીકળી શકે?’ ફિલિપ તેને કહે છે કે, ‘આવ અને જો.’” 47 ઈસુ નથાનિયેલને પોતાની પાસે આવતો જોઈને તેને વિષે કહે છે, ‘જુઓ, આ સાચો ઇઝરાયલી છે, એનામાં કંઈ કપટ નથી!’ 48 નથાનિયેલે ઈસુને કહ્યું કે, ‘તમે મને ક્યાંથી ઓળખો છો?’ ઈસુએ તેને જવાબ આપ્યો, ‘ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં, તું અંજીરી નીચે હતો, ત્યારે મેં તને જોયો.’”

49 નથાનિયેલે તેમને જવાબ આપ્યો, ‘ગુરુજી, તમે ઈશ્વરના દીકરા છો; તમે ઇઝરાયલના રાજા છો.’” 50 ઈસુએ તેને કહ્યું કે, ‘મેં તને અંજીરી નીચે જોયો એવું કહ્યું તેથી શું તું વિશ્વાસ કરે છે? આ કરતાં તું મોટી બાબતો જોશે.’” 51 ઈસુએ તેને કહ્યું, ‘હું તને ખરેખર કહું છું કે, તું સ્વર્ગ ઊઘડેલું અને ઈશ્વરના સ્વર્ગદૂતોને માણસના દીકરા ઉપર ચઢતાં અને ઊતરતા જોશે.’”

Chapter 2

કાના ગામમાં લગ્ન

1 ત્રીજે દિવસે ગાલીલના કાના ગામમાં લગ્ન હતું; અને ઈસુનાં મા ત્યાં હતાં. 2 ઈસુને તથા તેમના શિષ્યોને પણ તે લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

3 જ્યારે દ્રાક્ષારસ ખૂટ્યો ત્યારે મરિયમ ઈસુને કહે છે કે, ‘તેઓની પાસે દ્રાક્ષારસ નથી.’” 4 ઈસુ તેને કહે છે, ‘સ્ત્રી, મારે અને તારે શું? મારો સમય હજી આવ્યો નથી.’” 5 તેમની મા ચાકરોને કહે છે કે, ‘જે કંઈ તે તમને કહે તે કરો.’”

6 હવે યહૂદીઓની શુદ્ધિકરણની રીત પ્રમાણે દરેકમાં સો લીટર પાણી ભરાય એવાં પથ્થરના છ કુંડાં ત્યાં મૂકેલાં હતાં. 7 ઈસુએ તેઓને કહ્યું, ‘તે કુંડાંઓમાં પાણી ભરો.’ એટલે તેઓએ કુંડાંને છલોછલ ભર્યાં. 8 પછી ઈસુએ તેઓને કહ્યું કે, ‘હવે કાઢીને જમણનાં કારભારી પાસે લઈ જાઓ.’ અને તેઓ લઈ ગયા.

9 જયારે જમણનાં કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો, પણ તે ક્યાંથી આવ્યો એ તે જાણતો ન હતો પણ જે ચાકરોએ પાણી ભર્યું હતું તેઓ જાણતા હતા, ત્યારે જમણનાં કારભારીએ વરને બોલાવીને, 10 કહ્યું, ‘દરેક માણસ પહેલાં ઉત્તમ દ્રાક્ષારસ પીરસે છે; અને માણસોએ તે સારી રીતે પીધા પછી સામાન્ય દ્રાક્ષારસ પીરસે છે. પણ તમે અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ રાખી મૂક્યો છે.’”

11 ઈસુએ પોતાના અદ્ભૂત ચમત્કારિક ચિહ્નોનો આરંભ ગાલીલના કાના ગામમાં કરીને પોતાનો મહિમા પ્રગટ કર્યો; અને તેમના શિષ્યોએ ઈસુ પર વિશ્વાસ કર્યો.

ભક્તિસ્થાનનું શુદ્ધિકરણ

(માથ. 21:12,13; માર્ક 11:15-17; લૂક 19:45-46)

12 ત્યાર પછી ઈસુ, તેમની મા, તેમના ભાઈઓ તથા તેમના શિષ્યો કપરનાહૂમમાં આવ્યાં પણ ત્યાં તેઓ વધારે દિવસ રહ્યાં નહિ.

13 હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, તેથી ઈસુ યરુશાલેમ ગયા. 14 ત્યાં ભક્તિસ્થાનમાં તેમણે બળદ, ઘેટાં, કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા જોયા.

15 ત્યારે ઈસુએ દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને, ઘેટાં, બળદ સહિત, ભક્તિસ્થાનમાંથી કાઢી મૂક્યાં; નાણાવટીઓનાં નાણાં વેરી નાખ્યાં અને આસનો ઊંધા વાળ્યાં; 16 કબૂતર વેચનારાઓને પણ તેમણે કહ્યું કે, ‘આ બધું અહીંથી લઈ જાઓ; મારા પિતાના ઘરને વેપારનું ઘર ન બનાવો.’”

17 તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, ‘તારા ઘરનો ઉત્સાહ મને કોરી ખાય છે.’” 18 તેથી યહૂદીઓએ તેમને પૂછ્યું કે, ‘તું આ કામો કરે છે, તો અમને કયું ચમત્કારિક ચિહ્ન બતાવીશ?’” 19 ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘આ સભાસ્થાનને તોડી પાડો અને ત્રણ દિવસમાં હું તેને ઊભું કરીશ.’”

20 ત્યારે યહૂદીઓએ કહ્યું કે, ‘આ સભાસ્થાનને બાંધતા છેંતાળીસ વર્ષ લાગ્યાં છે અને શું તું તેને ત્રણ દિવસમાં ઊભું કરશે?’” 21 પણ ઈસુ પોતાના શરીરરૂપી ભક્તિસ્થાન વિષે બોલ્યા હતા. 22 માટે જયારે તેમને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા, ત્યારે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, તેમણે તેઓને એ કહ્યું હતું; અને તેઓએ શાસ્ત્રવચન પર તથા ઈસુએ કહેલા વચન પર વિશ્વાસ કર્યો.

લોકો વિષે ઈસુનું જ્ઞાન

23 હવે પાસ્ખાપર્વના સમયે ઈસુ યરુશાલેમમાં હતા, ત્યારે જે ચમત્કારિક ચિહ્નો તેઓ કરતા હતા તે જોઈને ઘણાંએ તેમના નામ પર વિશ્વાસ કર્યો. 24 પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતા હતા, 25 અને મનુષ્ય વિષે કોઈની સાક્ષીની તેમને જરૂર ન હતી; કેમ કે મનુષ્યમાં શું છે તે તેઓ પોતે જાણતા હતા.

Chapter 3

ઈસુ અને નિકોદેમસ

1 નિકોદેમસ નામે ફરોશીઓમાં એક માણસ હતો, તે યહૂદીઓની સભાનો સભ્ય હતો. 2 તે માણસે રાત્રે ઈસુની પાસે આવીને કહ્યું કે, ‘ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારિક ચિહ્નો તમે કરો છો તે તે કરી શકે નહિ.’”

3 ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી.’” 4 નિકોદેમસે ઈસુને કહ્યું કે, ‘માણસ વૃદ્ધ હોય તો તે કેવી રીતે જન્મ પામી શકે? શું તે બીજી વાર પોતાની માના ગર્ભમાં પ્રવેશીને જન્મ લઈ શકે?’”

5 ઈસુએ જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય પાણીથી તથા પવિત્ર આત્માથી જનમ્યું ન હોય, તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતું નથી. 6 જે મનુષ્યદેહથી જન્મેલું છે તે મનુષ્યદેહ છે; અને જે પવિત્ર આત્માથી જન્મેલું છે તે આત્મા છે. 7 મેં તને કહ્યું કે, તમારે નવો જન્મ પામવો જોઈએ, તેથી આશ્ચર્ય પામતો નહિ. 8 પવન જ્યાં ચાહે છે ત્યાં વાય છે અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, તે તું જાણતો નથી; દરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે.’”

9 નિકોદેમસે તેમને કહ્યું કે, ‘તે બાબતો કેવી રીતે બની શકે?’” 10 ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘શું તું ઇઝરાયલનો શિક્ષક થઈને આ વિષે જાણતો નથી? 11 હું તને નિશ્ચે હું છું કે, અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ અને જે જોયું છે તેની સાક્ષી આપીએ છીએ; પણ તમે અમારી સાક્ષી માનતા નથી.

12 જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને સ્વર્ગમાંની વાતો કહું તો તમે કેવી રીતે વિશ્વાસ કરશો? 13 સ્વર્ગમાંથી ઊતરેલો માણસનો દીકરો જે સ્વર્ગમાં છે તેમના સિવાય સ્વર્ગમાં કોઈ ઊંચે ગયું નથી.

14 જેમ મૂસાએ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરા ઈસુને ઊંચા કરાવાની જરૂર છે; 15 જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે.

16 કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે. 17 કેમ કે માનવજગતને દોષિત ઠરાવવા માટે નહિ, પણ તેમનાંથી માનવજગતનો ઉદ્ધાર થાય, માટે ઈશ્વરે પોતાના દીકરા ઈસુને દુનિયામાં મોકલ્યા છે. 18 તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી; પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ગણાઈ ચૂક્યો છે, કેમ કે ઈશ્વરના એકનાએક દીકરા ઈસુના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી.

19 અપરાધી ઠરાવવાંનું કારણ એ છે કે, દુનિયામાં અજવાળું આવ્યા છતાં લોકોએ અજવાળાંને બદલે અંધારું પસંદ કર્યું; કેમ કે તેઓનાં કામ દુષ્ટ હતાં. 20 કેમ કે જે કોઈ દુષ્ટ કામો કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાનાં કામ ખુલ્લાં ન પડે માટે તે અજવાળા પાસે આવતો નથી. 21 પણ જે સત્ય કરે છે તે પોતાનાં કામ ઈશ્વરથી કરાવવામાં આવ્યાં છે એમ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે.’”

ઈસુ અને યોહાન બાપ્તિસ્ત

22 આ પછી, ઈસુ પોતાના શિષ્યો સહિત યહૂદિયા પ્રાંતમાં ગયા; ત્યાં તેઓની સાથે રહીને લોકોને બાપ્તિસ્મા આપતા હતા. 23 યોહાન પણ સાલીમ પાસે એનોનમાં બાપ્તિસ્મા કરતો હતો, કેમ કે ત્યાં પાણી ઘણું હતું; લોકો આવીને બાપ્તિસ્મા પામતા હતા. 24 કેમ કે હજી સુધી યોહાનને જેલમાં પૂરવામાં આવ્યો ન હતો.

25 ત્યાં યોહાનના શિષ્યોને એક યહૂદી સાથે શુદ્ધિકરણ વિષે વાદવિવાદ થયો. 26 તેઓએ યોહાનની પાસે આવીને તેને કહ્યું કે, ‘ગુરુજી, જે તારી સાથે યર્દન નદીને પેલે પાર હતા, જેને વિષે તેં સાક્ષી પૂરી છે, તે તો બાપ્તિસ્મા આપે છે અને સઘળાં તેની પાસે આવે છે.’”

27 યોહાને જવાબ આપ્યો કે, ‘જો કોઈ માણસને સ્વર્ગેથી આપવામાં આવ્યું ન હોય, તો તે કંઈ પામી શકતો નથી. 28 તમે પોતે મારા સાક્ષી છો કે, મેં કહ્યું તે પ્રમાણે, હું તો ખ્રિસ્ત નથી, પણ તેમની અગાઉ મોકલાયેલો છું.

29 જેને કન્યા છે તેને જ વર છે; પણ વરનો જે મિત્ર ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરના શબ્દોથી બહુ આનંદ પામે છે; માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે. 30 તે વધતા જાય, પણ હું ઘટતો જાઉં, એ જરૂરનું છે.

આકાશથી ઊતરી આવેલો

31 જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વોપરી છે; જે પૃથ્વીનો છે તે ઐહિક છે તે પૃથ્વીની વાતો કરે છે; જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વની ઉપર છે. 32 તેમણે જે જોયું અને સાંભળ્યું છે, તેની સાક્ષી તે પૂરે છે પણ તેમની સાક્ષી કોઈ માનતું નથી. 33 જેણે તેની સાક્ષી માની છે, તેમણે ઈશ્વર સત્ય છે, તે વાત પર મહોર કરી છે.

34 જેને ઈશ્વરે મોકલ્યા છે તે ઈશ્વરનાં શબ્દો બોલે છે; કેમ કે તેઓ માપથી આત્મા નથી આપતા. 35 પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને તેમણે સર્વસ્વ તેમના હાથમાં સોંપ્યું છે. 36 દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરા વિષે ન સમજનાર જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.’”

Chapter 4

ઈસુ અને સમરૂની સ્ત્રી

1 હવે ઈસુએ જાણ્યું ફરોશીઓના સાંભળવામાં આવ્યું છે કે, યોહાનના કરતાં ઈસુ ઘણાંને શિષ્ય બનાવીને તેઓને બાપ્તિસ્મા આપે છે. 2 ઈસુ પોતે તો નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા, 3 ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા.

4 સમરુનમાં થઈને તેમને જવું પડ્યું. 5 માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરુનના સૂખાર નામે એક શહેર આગળ તે આવ્યા.

6 ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ ચાલવાથી થાકેલાં હોવાથી તે કૂવા પર બેઠા; તે સમયે આશરે બપોર થઈ હતી. 7 એક સમરુની સ્ત્રી પાણી ભરવાને કૂવા પર આવી; ઈસુએ તેની પાસે પાણી માગ્યું.’” 8 તેમના શિષ્યો ભોજન વેચાતું લેવાને શહેરમાં ગયા હતા.

9 ત્યારે તે સમરૂની સ્ત્રીએ તેમને કહ્યું કે, ‘હું સમરૂની છતાં તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગો છો?’ કેમ કે સમરૂનીઓ સાથે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી. 10 ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી આપ, તે કોણ છે, તે જો તું જાણતી હોત, તો તું તેમની પાસે પાણી માગત અને તે તને જીવતું પાણી આપત.’”

11 સ્ત્રીએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમારી પાસે પાણી કાઢવાનું કંઈ સાધન નથી અને કૂવો ઊંડો છે; તો તે જીવતું પાણી તમારી પાસે ક્યાંથી હોય? 12 અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો અને યાકૂબે પોતે, તેનાં સંતાનોએ તથા જાનવરોએ તેમાંનું પાણી પીધું, તેઓ કરતાં શું તમે મોટા છો?’”

13 ઈસુએ તેને કહ્યું કે, ‘જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે; 14 પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે ઝરો અનંતજીવન સુધી વહ્યા કરશે.’”

15 સ્ત્રીએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, તે પાણી મને આપો કે, મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે આટલે દૂર આવવું ન પડે.’” 16 ઈસુએ તેને કહ્યું કે, ‘જા, તારા પતિને અહીં બોલાવી લાવ.’”

17 સ્ત્રીએ ઈસુને કહ્યું કે, ‘મારે પતિ નથી.’” 18 ઈસુ તેને કહે છે, “તેં સાચું કહ્યું કે, ‘તારે પતિ નથી’; કેમ કે તને પાંચ પતિ હતા, અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી; એ તેં સાચું કહ્યું.”

19 સ્ત્રીએ કહ્યું કે. ‘પ્રભુ, તમે પ્રબોધક છો એમ મને માલૂમ પડે છે. 20 અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે કહો છો કે, જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરુશાલેમમાં છે.’”

21 ઈસુએ તેને કહ્યું કે, ‘સ્ત્રી, મારું માન; એવો સમય આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન કરી શકશો નહિ. 22 જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો; અમે જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ! કેમ કે ઉદ્ધાર યહૂદીઓમાંથી છે.

23 પણ એવો સમય આવે છે અને હાલ આવી ચૂક્યો છે કે, જયારે ખરા ભજનારા આત્માથી તથા સચ્ચાઈથી પિતાનું ભજન કરશે; કેમ કે એવા ભજનારાઓને પિતા ઇચ્છે છે. 24 ઈશ્વર આત્મા છે અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્માથી તથા સચ્ચાઈથી તેમનું ભજન કરવું જોઈએ.’”

25 સ્ત્રીએ તેમને કહ્યું કે ‘મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે આવે છે, એ હું જાણું છું; તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે.’” 26 ઈસુએ કહ્યું કે, ‘તારી સાથે જે બોલે છે તે હું છું.’”

27 એટલામાં તેમના શિષ્યો આવ્યા; અને ઈસુ જે સ્ત્રી સાથે વાત કરતા હતા તે જોઈને આશ્ચર્ય પામ્યા; પણ કોઈએ ઈસુને કંઈ કહ્યું નહિ કે, ‘તમે શું ચાહો છો અથવા તે સ્ત્રી સાથે કેમ વાત કરો છો.’”

28 પછી તે સ્ત્રી પોતાનો પાણીનો ઘડો ત્યાં જ રહેવા દઈને શહેરમાં ગઈ અને લોકોને કહેવા લાગી કે, 29 ‘આવો, મેં જે કર્યું હતું તે બધું જેમણે મને કહી બતાવ્યું તે માણસને જુઓ; તે જ ખ્રિસ્ત છે કે શું?’” 30 ત્યારે તેઓ શહેરમાંથી બહાર આવીને તેમની પાસે આવવા લાગ્યા.

31 તેટલાંમાં શિષ્યોએ તેમને વિનંતી કરી કે, ‘ગુરુજી, ભોજન કરો.’” 32 પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાસે ખાવા માટે ભોજન છે કે જેનાં વિષે તમે જાણતા નથી.’” 33 શિષ્યોએ અંદરોઅંદર કહ્યું કે, ‘એમને માટે શું કોઈ કંઈ જમવાનું લાવ્યો હશે?’”

34 ઈસુએ તેઓને કહ્યું કે, “જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા અને તેમનું કામ પૂર્ણ કરવું, તે જ મારો ખોરાક છે.” 35 તમે શું નથી કહેતાં કે, ‘ચાર મહિના પછી ફસલ પાકશે? હું તમને કહું છું કે, ‘તમારી આંખો ઊંચી કરીને ખેતરો તરફ જુઓ કે, તેઓ કાપણીને માટે સફેદ થઈ ચૂક્યાં છે. 36 જે કાપે છે તે બદલો પામે છે અને અનંતજીવન માટે ફળનો સંગ્રહ કરે છે; જેથી વાવનાર તથા કાપનાર બન્ને સાથે હર્ષ પામે.

37 કેમ કે આમાં તે કહેવત સાચી પડે છે કે, ‘એક વાવે છે અને અન્ય કોઈ કાપે છે.’” 38 જેને માટે તમે મહેનત કરી નથી, તે કાપવાને મેં તમને મોકલ્યા છે. બીજાઓએ મહેનત કરી છે અને તમે તેમની મહેનતમાં પ્રવેશ્ય છો.’”

39 જે સ્ત્રીએ સાક્ષી આપી કે, ‘મેં જે કર્યું હતું તે બધું તેમણે મને કહી બતાવ્યું,’ તે સ્ત્રીની વાતથી શહેરના ઘણાં સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો. 40 સમરૂનીઓએ તેમની પાસે આવીને તેમને વિનંતી કરી કે, ‘તમે આવીને અમારી સાથે રહો;’ અને ઈસુ બે દિવસ સુધી ત્યાં રહ્યા.

41 તેમના ઉપદેશથી બીજા ઘણાંએ વિશ્વાસ કર્યો; 42 તેઓએ તે સ્ત્રીને કહ્યું કે, ‘હવે અમે ફક્ત તારા કહેવાથી વિશ્વાસ કરતા નથી; પણ અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે માનવજગતના ઉદ્ધારક નિશ્ચે તેઓ જ છે.’”

અધિકારીનો દીકરો સાજો થયો

43 બે દિવસ ત્યાં રહ્યા પછી ઈસુ ત્યાંથી ગાલીલમાં ગયા. 44 કેમ કે ઈસુએ પોતે સાક્ષી આપી કે, ‘પ્રબોધકને પોતાના પિતાના વતનમાં કંઈ માન નથી.’” 45 જયારે ઈસુ ગાલીલમાં આવ્યા, ત્યારે ગાલીલીઓએ તેમનો આવકાર કર્યો; કેમ કે જે કામ તેમણે યરુશાલેમમાં પર્વની વેળાએ કર્યાં હતાં, તે સર્વ કામ તેઓએ જોયાં હતાં; કેમ કે તેઓ પણ પર્વમાં ગયા હતા.

46 ઈસુ ફરીથી ગાલીલમાંનું જે કાના ગામ છે, જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો, ત્યાં આવ્યા; ત્યાં એક અધિકારી માણસ હતો, તેનો દીકરો કપરનાહૂમમાં માંદો હતો. 47 તેણે સાંભળ્યું હતું કે ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તેણે તેમની પાસે જઈને તેમને વિનંતી કરી કે, ‘આવીને મારા દીકરાને સાજો કરો;’ કેમ કે તે મરવાની અણી પર હતો.

48 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, ‘ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી.’” 49 તે અધિકારીએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, મારો દીકરો મરણ પામે તે અગાઉ આવો.’” 50 ઈસુ તેને કહે છે કે, ‘ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે.’ જે વાત ઈસુએ તેને કહી, તે પર વિશ્વાસ રાખીને તે માણસ રવાના થયો.

51 તે જતો હતો એટલામાં તેના નોકરો તેને મળ્યા અને તેઓએ કહ્યું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે.’” 52 તેણે તેઓને પૂછ્યું કે, ‘કયા સમયથી તે સાજો થવા લાગ્યો?’ ત્યારે તેઓએ તેને કહ્યું કે, ‘ગઈકાલે બપોરના એક વાગ્યા પછી તેનો તાવ જતો રહ્યો.’”

53 તેથી પિતાએ જાણ્યું કે, “જે સમયે ઈસુએ તેને કહ્યું હતું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે’ તે જ સમયે એમ થયું;” અને તેણે પોતે તથા તેના કુટુંબનાં બધાએ વિશ્વાસ કર્યો. 54 ઈસુએ ફરી યહૂદિયાથી ગાલીલમાં આવીને આ બીજું ચમત્કારિક ચિહ્ન કર્યું.

Chapter 5

આડત્રીસ વર્ષથી માંદો માણસ સાજો થયો

1 એ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું; તે સમયે ઈસુ યરુશાલેમ ગયા. 2 હવે યરુશાલેમમાં ‘ઘેટાંનો દરવાજો’ નામે જગ્યા પાસે એક કૂંડ છે, તે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. તેને લગતી પાંચ પરસાળ છે. 3 તેમાં રોગી, અંધજનો, અપંગ, લકવાગ્રસ્તો એવાં ઘણાં બીમાર લોકો હતા. તેઓ તે કૂંડમાં પાણી હલવાની રાહ જોતાં હતા. 4 [કેમ કે કોઈ કોઈ સમયે એક દૂત તે કૂંડમાં ઊતરીને પાણીને હલાવતો હતો; પાણી હલાવ્યાં પછી જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ હોય તેથી તે રોગી સાજો થતો.]

5 ત્યાં એક માણસ હતો, જે આડત્રીસ વર્ષથી બીમાર હતો. 6 તેને પડી રહેલો જોઈને તથા ઘણાં સમયથી તે એવો જ છે, તે જાણીને ઈસુ તેને કહે છે કે, ‘શું તું સાજો થવા ચાહે છે?’”

7 તે બીમાર માણસે ઈસુને એવો જવાબ આપ્યો કે, ‘પ્રભુ, જે સમયે પાણી હાલે છે, તે સમયે મને કૂંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી. પણ હું ઊતરવા જાઉં છું, એટલામાં બીજો મારી અગાઉ ઊતરી પડે છે.’” 8 ઈસુ તેને કહે છે કે, ‘ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.’”

9 તરત તે માણસ સાજો થયો અને પોતાનું બિછાનું ઊંચકીને ચાલવા લાગ્યો.

તે દિવસે વિશ્રામવાર હતો.

10 તેથી જેને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદીઓએ કહ્યું કે, ‘આજે વિશ્રામવાર છે, એટલે તારે બિછાનું ઊંચકવું યોગ્ય નથી.’” 11 પણ તેણે તેઓને એવો જવાબ આપ્યો કે, ‘જેમણે મને સાજો કર્યો તેમણે મને કહ્યું કે, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.’”

12 તેઓએ તેને પૂછ્યું કે, “તને જેણે એમ કહ્યું કે, ‘બિછાનું ઊંચકીને ચાલ,’ તે માણસ કોણ છે?” 13 પણ તે કોણ છે, તે સાજો થયેલો માણસ જાણતો નહોતો; કેમ કે તે જગ્યાએ ભીડ હતી, ઈસુ ત્યાંથી આગળ ગયા હતા.

14 પછીથી ઈસુએ તે માણસને ભક્તિસ્થાનમાં મળીને તેને કહ્યું કે, ‘જો તું સાજો થયો છે; હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે.’” 15 તે માણસે જઈને યહૂદીઓને કહ્યું કે, ‘જેમણે મને સાજો કર્યો તે ઈસુ છે.’”

16 તે કામો ઈસુએ વિશ્રામવારે કર્યાં હતાં, માટે યહૂદીઓ તેમને સતાવવા લાગ્યા. 17 પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મારા પિતા અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કાર્યરત છું.’” 18 તે માટે ઈસુને મારી નાખવા યહૂદીઓએ વિશેષ પ્રયત્ન કર્યો; કેમ કે ઈસુએ વિશ્રામવારનો ભંગ કર્યો એટલું જ નહિ, પણ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન કર્યા.

દીકરાનો અધિકાર

19 ત્યારે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘હું તમને ખરેખર કહું છું કે, દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે અન્ય કંઈ કરી નથી શકતો; કેમ કે તે જે જે કરે છે તે તે દીકરો પણ કરે છે. 20 કેમ કે પિતા દીકરા પર પ્રેમ કરે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને બતાવે છે; અને તે તેને એ કરતાં મોટાં કામ બતાવશે, એ માટે કે તમે આશ્ચર્ય પામો.

21 કેમ કે જે પિતા મૃત્યુ પામેલાઓને સજીવન કરે છે, તેમ જ દીકરો પણ ચાહે તેમને જીવન આપે છે. 22 કેમ કે પિતા કોઈનો ન્યાય કરતા નથી, પણ ન્યાય કરવાનું સઘળું કામ તેમણે દીકરાને સોંપ્યું છે 23 કે, જેમ બધા પિતાને માન આપે છે, તેમ દીકરાને પણ માન આપે. દીકરાને જે માન આપતો નથી, તે તેના મોકલનાર પિતાને પણ માન આપતો નથી.

24 હું તમને નિશ્ચે કહું છું કે, જે મારાં વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; તે અપરાધી ઠરશે નહિ, પણ તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.

25 હું તમને નિશ્ચે કહું છું કે, એવો સમય આવે છે અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મૃત્યુ પામેલાંઓ ઈશ્વરના દીકરા ઈસુનાં વચન સાંભળશે અને સાંભળનારાંઓ જીવશે.

26 કેમ કે જેમ પિતાને પોતાનામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતાનામાં જીવન રાખવાનું તેમણે આપ્યું. 27 ન્યાય કરવાનો અધિકાર પણ તેમણે તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે.

28 તેથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવો સમય આવે છે કે જયારે સર્વ જેઓ કબરમાં છે તેઓ તેમના અવાજ સાંભળશે; 29 અને જેઓએ સારાં કામ કર્યા છે, તેઓ જીવનનું પુનરુત્થાન પામવા માટે અને જેઓએ ખરાબ કામ કર્યાં છે, તેઓ શિક્ષાત્મક પુનરુત્થાન પામવા માટે, નીકળી આવશે.

પ્રભુ ઈસુના સાક્ષીઓ

30 હું મારી પોતાની તરફથી કંઈ કરી શકતો નથી; પરંતુ જે પ્રમાણે હું સાંભળું છું, તે પ્રમાણે ન્યાય કરું છું; અને મારો ન્યાયચુકાદો અદલ છે. કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવા ચાહું છું. 31 જો હું પોતાના વિષે સાક્ષી આપું, તો મારી સાક્ષી સાચી નથી. 32 પણ મારા વિષે જે સાક્ષી આપે છે, તે બીજો છે; અને જે સાક્ષી મારા વિષે તે આપે છે, તે સાચી છે, એ હું જાણું છું.

33 તમે યોહાન પાસે માણસો મોકલ્યા, તમને તેણે સત્ય વિષે સાક્ષી આપી છે. 34 તોપણ જે સાક્ષી હું સ્વીકારું છું તે માણસો તરફથી નથી; પણ તમે ઉદ્ધાર પામો માટે હું એ વાતો કહું છું. 35 તે સળગતો તથા પ્રગટતો દીવો હતો, તેના પ્રકાશમાં તમે ઘડીભર આનંદ કરવાને રાજી હતા.

36 પણ યોહાનના કરતાં મારી પાસે મોટી સાક્ષી છે; કેમ કે પિતાએ જે કામો મને પૂરાં કરવાને આપ્યાં છે, એટલે જે કામો હું કરું છું, તે જ મારે વિષે સાક્ષી આપે છે કે પિતાએ મને મોકલ્યો છે. 37 વળી પિતાએ મને મોકલ્યો છે, તેમણે પણ મારે વિષે સાક્ષી આપી છે. તમે કદી તેમની વાણી નથી સાંભળી અને તેમનું સ્વરૂપ પણ નિહાળ્યું નથી. 38 તેમના વચન તમારામાં રહેલાં નથી; કેમ કે જેને તેમણે મોકલ્યો, તેના પર તમે વિશ્વાસ કરતા નથી.

39 તમે પવિત્રશાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો; અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે. 40 અને જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી.

41 હું માણસો તરફથી પ્રશંસાની ઇચ્છા રાખતો નથી. 42 પણ હું જાણું છું કે ઈશ્વર પરનો પ્રેમ તમારામાં નથી.

43 હું મારા પિતાના નામે આવ્યો છું, પણ તમે મારો સ્વીકાર કરતા નથી; જો કોઈ બીજો પોતાને નામે આવશે, તો તેનો તમે સ્વીકાર કરશો. 44 તમે એકબીજાથી પ્રશંસા પામો છો, પણ જે પ્રશંસા એકલા ઈશ્વરથી છે તે તમે શોધતાં નથી, તો તમે વિશ્વાસ શી રીતે કરી શકો?

45 હું પિતાની આગળ તમારા પર દોષ મૂકીશ, એમ ન ધારો; તમારા પર દોષ મૂકનાર એક, એટલે મૂસા છે, તેના પર તમે ભરોસો રાખો છો. 46 કેમ કે જો તમે મૂસા પર વિશ્વાસ કર્યો હોત, તો તમે મારા પર વિશ્વાસ કરત; કેમ કે તેણે મારે વિષે લખેલું છે. 47 પણ જો તમે તેનાં લખેલાં વચન પર વિશ્વાસ નથી કરતા, તો મારી વાતો પર તમે કેમ વિશ્વાસ કરશો?’”

Chapter 6

પાંચ હજારને જમાડ્યા

(માથ. 14:13-21; માર્ક 6:30-44; લૂક 9:10-17)

1 પછી ઈસુ ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસ કહેવાય છે, તેની સામે બાજુએ ગયા. 2 ત્યાં લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે જે ચમત્કારિક ચિહ્નો બીમાર લોકો પર કર્યા હતા, તે તેઓએ જોયા હતા. 3 પછી ઈસુ પહાડ પર ગયા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેઠા.

4 હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું. 5 માટે ઈસુ ઊંચી નજર કરીને પોતાની પાસે આવતા મોટા સમુદાયને જોઈને ફિલિપને પૂછે છે કે, ‘તેમના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?’” 6 જોકે ઈસુએ ફિલિપને પારખવા માટે એ પૂછ્યું હતું; કેમ કે ઈસુ પોતે શું કરવાના હતા તે તે પોતે જાણતા હતા.

7 ફિલિપે તેમને જવાબ આપ્યો, ‘બસો દીનારની રોટલી તેઓને સારુ પૂરતી નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.’” 8 તેમના શિષ્યોમાંના એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે કે, 9 ‘એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે; પણ તે આટલાં બધાને કેવી રીતે પૂરાં પડે?’”

10 ઈસુએ કહ્યું કે, ‘લોકોને બેસાડો.’ તે જગ્યાએ ઘણું ઘાસ હતું. અને તેઓ બેસી ગયા, પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની હતી. 11 ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને વહેંચી; માછલીઓમાંથી પણ જેટલું જોઈએ તેટલું વહેંચું. 12 તેઓ તૃપ્ત થયા પછી ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘કંઈ નકામું ન જાય માટે વધેલા ટુકડાં એકઠો કરો.’”

13 માટે તેઓએ તે એકઠો કર્યો અને તે જવની પાંચ રોટલીમાંનો જે વધેલા ટુકડાં જમનારાંઓએ રહેવા દીધાં હતા, તેઓની બાર ટોપલી ભરી. 14 માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કારિક ચિહ્ન જોઈને કહ્યું કે, ‘જે પ્રબોધક દુનિયામાં આવનાર છે, તે ખરેખર આ જ છે.’” 15 લોકો આવીને મને રાજા બનાવવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.

ઈસુ પાણી પર ચાલ્યા

16 સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સમુદ્રકિનારે ગયા. 17 હોડીમાં બેસીને તેઓ કપરનાહૂમ જવાને સમુદ્રના સામેના કિનારે જતા હતા. તે સમયે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા. 18 ભારે પવન આવવાથી સમુદ્ર ઊછળતો હતો.

19 જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ કે છ કિલોમિટર ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા જોઈને તેઓ ગભરાઈ ગયા. 20 પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘એ તો હું છું, ગભરાશો નહિ.’” 21 ત્યારે આનંદથી તેઓએ ઈસુને હોડીમાં લીધા અને તેઓ જ્યાં જતા હતા તે જગ્યાએ હોડી તરત આવી પહોંચી.

લોકો ઈસુને શોધે છે

22 બીજે દિવસે, જે લોકો સમુદ્રને પેલે કિનારે ઊભા રહ્યા હતા તેઓએ જોયું કે, એક હોડી વિના બીજી તે સ્થળે ન હતી. અને તે હોડીમાં ઈસુ પોતાના શિષ્યો સાથે ગયા ન હતા, પણ એકલા તેમના શિષ્યો ગયા હતા. 23 તોપણ જ્યાં પ્રભુએ આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, તે સ્થળ પાસેના તિબેરિયસથી બીજી હોડીઓ આવી. 24 માટે જયારે તે લોકોએ જોયું કે ઈસુ તેમ જ તેમના શિષ્યો તે સ્થળે નથી, ત્યારે તેઓ પોતે હોડીઓમાં બેસીને ઈસુની શોધ કરતા કરતા કપરનાહૂમ આવ્યા.

ઈસુ જીવનની રોટલી

25 પછી સમુદ્રને પેલે કિનારે તેઓએ તેમને મળીને પૂછ્યું કે, ‘ગુરુજી, તમે અહીં ક્યારે આવ્યા?’” 26 ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, તમે ચમત્કારિક ચિહ્નો જોયા તે માટે મને શોધતાં નથી, પણ તમે રોટલી ખાઈને તૃપ્ત થયા તે માટે શોધો છો. 27 જે ખોરાક નાશવંત છે તેને માટે નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વરપિતાએ તેના પર મહોર કરી છે.’”

28 ત્યારે તેઓએ તેમને પૂછ્યું કે, ‘અમે ઈશ્વરનાં કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ?’” 29 ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેને તેમણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ ઈશ્વરનું કામ છે.’”

30 માટે તેઓએ તેમને કહ્યું, “તમે કયું ચમત્કારિક ચિહ્ન દેખાડો છો કે અમે તે જોઈને તમારા પર વિશ્વાસ કરીએ? તમે શું કામ કરો છો? 31 અમારા પૂર્વજોએ તો અરણ્યમાં માન્ના ખાધું, જેમ લખેલું છે કે, તેમણે સ્વર્ગમાંથી તેઓને ખાવાને રોટલી આપી.”

32 ત્યારે ઈસુએ તેઓને કહ્યું, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘તે રોટલી મૂસાએ સ્વર્ગમાંથી તમને આપી નથી, પણ સ્વર્ગમાંથી જે ખરી રોટલી આવે છે, તે મારા પિતા તમને આપે છે. 33 કેમ કે સ્વર્ગમાંથી જે ઊતરીને માનવજગતને જીવન આપે છે, તે ઈશ્વરની રોટલી છે.’” 34 ત્યારે તેઓએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, તે રોટલી સદા અમને આપો.’”

35 ઈસુએ તેઓને કહ્યું, ‘જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે. 36 પણ મેં તમને કહ્યું કે, તમે મને જોયો છે, તોપણ વિશ્વાસ કરતા નથી. 37 પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ.

38 કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને સ્વર્ગથી ઊતર્યો છું. 39 જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે, તેમણે મને જે સર્વ આપ્યું છે, તેમાંથી હું કંઈ ખોઉં નહીં, પણ છેલ્લાં દિવસે તેને પાછું ઉઠાડું. 40 કેમ કે મારા પિતાની ઇચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.’”

41 એ માટે યહૂદીઓએ તેમને વિષે બડબડાટ કર્યો; કેમ કે તેમણે કહ્યું હતું કે, ‘સ્વર્ગમાંથી ઊતરેલી રોટલી હું છું.’” 42 તેઓએ કહ્યું કે, ‘યૂસફનો દીકરો, ઈસુ જેનાં માતાપિતાને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે, સ્વર્ગમાંથી હું ઊતર્યો છું?’”

43 ઈસુએ જવાબ આપ્યો કે, ‘તમે અંદરોઅંદર બડબડાટ ન કરો. 44 જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના તેડ્યાં વગર કોઈ મનુષ્ય મારી પાસે આવી શકતો નથી; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ. 45 પ્રબોધકના પુસ્તકમાં એમ લખેલું છે કે, ‘તેઓ સઘળા ઈશ્વરથી શીખેલા થશે. તો જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે.

46 કેમ કે કોઈ માણસે પિતાને જોયા નથી; ઈશ્વરની પાસેથી જે આવ્યો છે; તેણે જ પિતાને જોયા છે.’” 47 હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે.

48 જીવનની રોટલી હું છું. 49 તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્ના ખાધું, અને તેઓ મૃત્યુ પામ્યા.

50 પણ જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી છે, તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મૃત્યુ પામે નહિ. 51 સ્વર્ગમાંથી ઊતરેલી જીવનની રોટલી હું છું; જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે; જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે માનવજગતના જીવનને માટે હું આપીશ.’”

52 તે માટે યહૂદીઓએ અંદરોઅંદર વાદવિવાદ કરતાં કહ્યું કે, ‘એ માણસ પોતાનું માંસ આપણને ખાવાને શી રીતે આપી શકે?’” 53 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું રક્ત ન પીઓ, તો તમારામાં જીવન નથી.

54 જે કોઈ મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તેને અનંતજીવન છે; છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ. 55 કેમ કે મારું માંસ ખરેખરો ખોરાક છે અને મારું રક્ત ખરેખરું પીણું છે. 56 જે મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું.

57 જેમ જીવતા પિતાએ મને મોકલ્યો છે અને હું પિતા દ્વારા જીવું છું; તેમ જે મને ખાય છે, તે પણ મારે સહારે જીવશે. 58 જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી તે એ જ છે; જેમ તમારા પૂર્વજો ખાઈને મૃત્યુ પામ્યા તેવી રોટલી એ નથી; પણ આ રોટલી જે ખાય છે, તે સદા જીવતો રહેશે.’” 59 તેમણે કપરનાહૂમના સભાસ્થાનમાં બોધ કરતાં એ વાતો કહી.

અનંતજીવનના શબ્દો

60 એ માટે તેમના શિષ્યોમાંના ઘણાંએ તે સાંભળીને કહ્યું કે, ‘આ વાત કઠણ છે, તે કોણ સાંભળી શકે?’” 61 પણ મારા શિષ્યો જ તે વિષે કચકચ કરે છે એ ઈસુએ પોતાના મનમાં જાણીને તેઓને કહ્યું કે, ‘શું તે તમને આ વાત માઠું લાગ્યું છે?

62 ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલાં હતો ત્યાં જો તેને પાછો ચઢતાં તમે જુઓ તો કેમ? 63 જે જીવાડે છે તે આત્મા છે; શરીરથી કંઈ લાભ થતો નથી. જે બાબતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.

64 પણ તમારામાંના કેટલાક વિશ્વાસ કરતા નથી.’ કેમ કે કોણ અવિશ્વાસી છે અને કોણ તેમને પરસ્વાધીન કરવાનો છે, તે ઈસુ પહેલેથી જાણતા હતા. 65 તેમણે કહ્યું કે, ‘મેં એ જ કારણથી તમને કહ્યું કે, પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.’”

66 આ સાંભળીને તેમના શિષ્યોમાંના ઘણાં પાછા પડી ગયા. અને તેમની સાથે ચાલ્યા નહિ. 67 તે માટે ઈસુએ બાર શિષ્યો ને પૂછ્યું કે, ‘શું તમે પણ જતા રહેવા ચાહો છો?’” 68 સિમોન પિતરે તેમને જવાબ આપ્યો કે, ‘પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે. 69 અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે, ઈશ્વરના પવિત્ર તે તમે છો.’”

70 ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘શું મેં તમો બારને પસંદ નહોતા કર્યા? પણ તમારામાંની એક વ્યક્તિ તો શેતાન છે.’” 71 તેમણે તો સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોત વિષે તે કહ્યું; કેમ કે તે, બાર શિષ્યોમાંનો હોવા છતાં, તેમને પરાધીન કરનાર હતો.

Chapter 7

ઈસુ અને તેમના ભાઈઓ

1 અને પછી ઈસુ ગાલીલમાં ફર્યા, કેમ કે યહૂદીઓ તેમને મારી નાખવા શોધતાં હતા, માટે યહૂદિયામાં ફરવાને તે ચાહતા નહોતા. 2 હવે યહૂદીઓનું માંડવાપર્વ પાસે આવ્યું હતું.

3 માટે તેમના ભાઈઓએ તેને કહ્યું કે, ‘અહીંથી યહૂદિયામાં જાઓ કે, તમે જે કામો કરો છો તે તમારા શિષ્યો પણ જુએ. 4 કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી; જો તમે એ કામો કરો છો, તો દુનિયાની આગળ પોતાને જાહેર કરો.’”

5 કેમ કે તેમના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કર્યો ન હતો. 6 ત્યારે ઈસુ તેઓને કહે છે કે, ‘મારો સમય હજી આવ્યો નથી; પણ તમારા માટે સર્વ સમય એક સમાન છે. 7 જગત તમારો દ્વેષ કરી નથી શકતું, પણ મારો તો તે દ્વેષ કરે છે; કેમ કે તે વિષે હું એવી સાક્ષી આપું છું કે, તેનાં કામ દુષ્ટ છે.

8 તમે આ પર્વમાં જાઓ; મારો સમય હજી પરિપૂર્ણ થયો નથી, માટે હું આ પર્વમાં જતો નથી.’” 9 ઈસુ તેઓને એ વાત કહીને ગાલીલમાં જ રહ્યા.

માંડવા પર્વમાં ઈસુ

10 પરંતુ ઈસુના ભાઈઓ પર્વમાં ગયા, તે પણ જાહેરમાં નહિ, પણ ખાનગી રીતે ગયા. 11 ત્યારે યહૂદીઓએ પર્વમાં તેમની શોધ કરતાં કહ્યું કે, ‘તે ક્યાં છે?’”

12 તેમને વિષે લોકોમાં ઘણી ચર્ચા ચાલી; કેમ કે કેટલાકે કહ્યું કે, ‘તે સારો માણસ છે;’ બીજાઓએ કહ્યું કે, ‘એમ નથી, પણ લોકોને તે ગેરમાર્ગે દોરે છે.’” 13 તોપણ યહૂદીઓના ડરને લીધે તેમને વિષે કોઈ ખુલ્લી રીતે કંઈ બોલ્યું નહિ.

14 પણ પર્વ અર્ધું થવા આવ્યું ત્યારે ઈસુએ ભક્તિસ્થાનમાં જઈને ઉપદેશ કર્યો. 15 ત્યારે યહૂદીઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘એ માણસ કદી પણ શીખ્યો નથી, તેમ છતાં તે વિદ્યા ક્યાંથી જાણે છે?’” 16 માટે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મારો ઉપદેશ મારો પોતાનો નથી, પણ જેમણે મને મોકલ્યો તેમનો છે.

17 જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, તે ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું. 18 જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે; પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે, તે જ સત્ય છે અને તેનામાં કંઈ અન્યાય નથી.

19 શું મૂસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું નથી? પણ તમારામાંનો કોઈ તે નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે મને મારી નાખવાની કેમ કોશિશ કરો છો?’” 20 લોકોએ જવાબ આપ્યો કે, ‘તારામાં દુષ્ટાત્મા છે; કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?’”

21 ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મેં એક કાર્ય કર્યું અને તમે સર્વ આશ્ચર્ય પામ્યા છો. 22 આ કારણથી મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે તે મૂસાથી છે એમ તો નહિ, પણ પૂર્વજોથી છે; અને તમે વિશ્રામવારે માણસની સુન્નત કરો છો.

23 મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય, માટે જો કોઈ માણસની સુન્નત વિશ્રામવારે કરવામાં આવે છે; તો મેં વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો, તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો? 24 દેખાવ પ્રમાણે ન્યાય ન કરો, પણ સચ્ચાઈપૂર્વક ન્યાય કરો.’”

શું એ ખ્રિસ્ત છે?

25 ત્યારે યરુશાલેમમાંના કેટલાકે કહ્યું કે, ‘જેમને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે, તે શું એ જ નથી? 26 પણ જુઓ, તે તો જાહેર રીતે બોલે છે અને તેઓ તેમને કંઈ કહેતાં નથી! અધિકારીઓ શું ખરેખર જાણતા હશે કે એ ખ્રિસ્ત જ છે? 27 તોપણ અમે તે માણસને જાણીએ છીએ કે તે ક્યાંથી આવેલો છે; પણ જયારે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણશે નહિ કે તે ક્યાંથી આવ્યો છે.’”

28 એ માટે ઈસુએ ભક્તિસ્થાનમાં બોધ કરતાં બૂમ પાડીને કહ્યું કે, ‘તમે મને જાણો છો અને હું ક્યાંથી આવ્યો છું તે પણ તમે જાણો છો; અને હું તો મારી પોતાની રીતે નથી આવ્યો, પણ જેમણે મને મોકલ્યો છે તે સત્ય છે, તેમને તમે જાણતા નથી. 29 હું તેમને જાણું છું; કેમ કે હું તેમની પાસેથી આવ્યો છું અને તેમણે મને મોકલ્યો છે.’”

30 માટે તેઓએ ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનો સમય હજી સુધી આવ્યો ન હતો, માટે કોઈએ તેમના પર હાથ નાખ્યો નહિ. 31 પણ લોકોમાંથી ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો અને તેઓએ કહ્યું કે, ‘ખ્રિસ્ત આવશે, ત્યારે આ માણસે જે ચમત્કારિક ચિહ્નો કર્યા છે તે કરતાં શું તેઓ વધારે કરશે?’” 32 તેમને વિષે લોકો એવી ગણગણાટ કરતા હતા, તે ફરોશીઓએ સાંભળ્યું, ત્યારે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ તેમને પકડવાને અધિકારીઓ મોકલ્યા.

ઈસુને પકડવા સિપાઈઓ મોકલ્યા

33 ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હજી થોડો સમય હું તમારી સાથે છું, પછી જેમણે મને મોકલ્યો છે તેમની પાસે હું જાઉં છું. 34 તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ; અને જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી.’”

35 ત્યારે યહૂદીઓએ અંદરોઅંદર કહ્યું કે, ‘આ માણસ ક્યાં જશે કે આપણને જડશે જ નહિ? શું ગ્રીકોમાં વેરાઈ ગયેલાઓની પાસે જઈને તે ગ્રીકોને બોધ કરશે? 36 ‘તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ અને જ્યાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી એવી જે વાત તેણે કહી તે શી છે?’”

જીવનજળનાં ઝરણાં

37 હવે પર્વના છેલ્લાં તથા મહાન દિવસે ઈસુએ ઊભા રહીને ઊંચા અવાજે કહ્યું કે, ‘જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ. 38 શાસ્ત્રવચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.’”

39 પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું; કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો.

લોકોમાં ભાગલા

40 તે માટે લોકોમાંથી કેટલાકે તે વાતો સાંભળીને કહ્યું કે, ‘આવનાર પ્રબોધક ખરેખર તે જ છે.’” 41 બીજાઓએ કહ્યું, ‘એ જ ખ્રિસ્ત છે.’ પણ કેટલાકે કહ્યું કે, ‘શું ગાલીલમાંથી ખ્રિસ્ત આવવાનો છે?’” 42 શું શાસ્ત્રવચનોમાં એવું નથી લખેલું કે, દાઉદના વંશમાંથી તથા બેથલેહેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે?’”

43 એ માટે તેને વિષે લોકોમાં ભાગલાં પડ્યાં. 44 તેઓમાંના કેટલાકે તેને પકડવા ચાહ્યું; પણ તેમના પર કોઈએ હાથ નાખ્યો નહિ.

યહૂદી અધિકારીઓનો અવિશ્વાસ

45 ત્યારે અધિકારીઓ મુખ્ય યાજકોની તથા ફરોશીઓની પાસે આવ્યા; અધિકારીઓએ તેઓને પૂછ્યું કે, ‘તમે તેને કેમ લાવ્યા નહિ?’” 46 ત્યારે અધિકારીઓએ ઉત્તર આપ્યો કે ‘એમના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.’”

47 ત્યારે ફરોશીઓએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘શું, તમે પણ ગેરમાર્ગે ખેંચાયા? 48 અધિકારીઓ અથવા ફરોશીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે? 49 પણ આ જે લોકો નિયમશાસ્ત્ર નથી જાણતા તેઓ શાપિત છે.’”

50 નિકોદેમસ તેઓમાંનો એક, જે અગાઉ ઈસુની પાસે આવ્યો હતો, તે તેઓને પૂછે છે, 51 ‘માણસનું સાંભળ્યાં અગાઉ અને જે તે કરે છે તે જાણ્યાં વિના, આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય કરે છે?’” 52 તેઓએ તેને ઉત્તર આપ્યો કે, ‘શું તું પણ ગાલીલનો છે? શોધ કરીને જો, કેમ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી ઉત્પન્ન થવાનો નથી.’”

53 [પછી તેઓ પોતપોતાને ઘરે ગયા.

Chapter 8

વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રી

1 ઈસુ જૈતૂન નામના પહાડ પર ગયા. 2 વહેલી સવારે તે ફરી ભક્તિસ્થાનમાં આવ્યા, સઘળા લોકો તેમની પાસે આવ્યા અને તેમણે નીચે બેસીને તેઓને બોધ કર્યો. 3 ત્યારે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને ત્યાં લાવ્યા; અને તેને વચમાં ઊભી રાખીને.

4 ઈસુને કહ્યું કે, ‘ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે. 5 હવે મૂસાના નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે, તેવી સ્ત્રીઓને પથ્થરે મારવી; તો તમે તેને વિષે શું કહો છો?’” 6 તેમના પર દોષ મૂકવાનું કારણ તેમને મળી આવે એ માટે તેમનું પરીક્ષણ કરતાં તેઓએ આ કહ્યું. પણ ઈસુએ નીચા નમીને જમીન પર આંગળીએ લખ્યું.

7 તેઓએ તેમને પૂછ્યા કર્યું, ત્યારે તેમણે ઊભા થઈને તેઓને કહ્યું કે, ‘તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે તેના પર પહેલો પથ્થર મારે.’” 8 ફરીથી પણ તેમણે નીચા નમીને આંગળી વડે જમીન પર લખ્યું.

9 જયારે તેઓએ સાંભળ્યું, ત્યારે વૃદ્ધથી માંડીને એક પછી એક બધા ચાલ્યા ગયા. અને એકલા ઈસુ તથા ઊભેલી સ્ત્રી જ ત્યાં રહ્યાં. 10 ઈસુ ઊભા થયા અને તેને પૂછ્યું કે, ‘સ્ત્રી, તારા પર દોષ મૂકનારાઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી?’” 11 તેણે કહ્યું, ‘પ્રભુ, કોઈએ નહિ.’ ઈસુએ કહ્યું, ‘હું પણ તને દોષિત નથી ઠરાવતો; તું ચાલી જા; હવેથી પાપ કરીશ નહિ.’”

ઈસુ જગતનું અજવાળું છે

12 ફરીથી ઈસુએ તેઓને કહ્યું, ‘હું માનવજગતનું અજવાળું છું; જે કોઈ મારી પાછળ આવે છે તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.’” 13 ફરોશીઓએ તેમને કહ્યું, ‘તમે તમારે પોતાને વિષે સાક્ષી આપો છો; તમારી સાક્ષી સાચી નથી.’”

14 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘જો હું પોતાના વિષે સાક્ષી આપું છું, તોપણ મારી સાક્ષી સાચી છે; કેમ કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જાઉં છું, તે હું જાણું છું; પણ તમે નથી જાણતા કે હું ક્યાંથી આવું છું, અને ક્યાં જાઉં છું. 15 તમે માનવીય રીતે ન્યાય કરો છો; હું કોઈનો ન્યાય કરતો નથી. 16 વળી જો હું ન્યાય કરું, તો મારો ન્યાયચુકાદો સાચો છે; કેમ કે હું એકલો નથી, પણ હું તથા પિતા જેમણે મને મોકલ્યો છે.

17 તમારા નિયમશાસ્ત્રમાં પણ લખેલું છે કે, ‘બે માણસની સાક્ષી સાચી છે. 18 હું મારે પોતાને વિષે સાક્ષી આપનાર છું અને પિતા જેમણે મને મોકલ્યો છે તે મારે વિષે સાક્ષી આપે છે.’”

19 તેઓએ તેમને કહ્યું કે, ‘તારો પિતા ક્યાં છે?’ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તમે મને તેમ જ મારા પિતાને પણ ઓળખતા નથી; જો તમે મને ઓળખત, તો તમે મારા પિતાને પણ ઓળખત.’” 20 ઈસુ ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા ત્યારે તેમણે ભંડાર આગળ એ વાતો કહી, પણ કોઈએ તેમને પકડ્યા નહિ; કેમ કે તેમનો સમય હજી સુધી આવ્યો ન હતો.

હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી

21 તેમણે તેઓને ફરીથી કહ્યું કે, ‘હું જવાનો છું, તમે મને શોધશો અને તમે તમારાં પાપમાં મરશો; જ્યાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી.’” 22 યહૂદીઓએ કહ્યું કે, ‘શું તે આપઘાત કરશે? કેમ કે તે કહે છે કે, જ્યાં હું જવાનો છું, ત્યાં તમે આવી શકતા નથી.’”

23 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે પૃથ્વી પરના છો, હું ઉપરનો છું; તમે આ જગતના છો, હું આ જગતનો નથી. 24 માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપોમાં મરશો; કેમ કે તે હું છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપોમાં મરશો.’”

25 માટે તેઓએ તેમને પૂછ્યું, ‘તમે કોણ છો?’ ઈસુએ તેઓને કહ્યું કે, ‘પ્રથમથી જે હું તમને કહેતો આવ્યો છું તે જ.’” 26 મારે તમારે વિષે કહેવાની તથા ન્યાય કરવાની ઘણી બાબતો છે; તોપણ જેમણે મને મોકલ્યો છે, તેઓ સત્ય છે; અને જે વાતો મેં તેમની પાસેથી સાંભળી છે, તે હું માનવજગતને કહું છું.’” 27 તે તેઓની સાથે પિતા વિષે વાત કરે છે, તે તેઓ સમજ્યા નહિ.

28 ઈસુએ કહ્યું, ‘જ્યારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે જાણશો કે હું તે જ છું અને હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ હું તે વાતો બોલું છું. 29 જેમણે મને મોકલ્યો છે તે મારી સાથે છે; અને તેમણે મને એકલો મૂક્યો નથી; કેમ કે જે કામો તેમને ગમે છે તે હું નિત્ય કરું છું.’” 30 ઈસુ તે કહેતાં હતા, ત્યારે ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો.

સત્ય તમને મુક્ત કરશે

31 તેથી જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કર્યો હતો, તેઓને ઈસુએ કહ્યું કે, ‘જો તમે મારા વચનમાં રહો, તો નિશ્ચે તમે મારા શિષ્યો છો; 32 અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.’” 33 તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘અમે ઇબ્રાહિમનાં સંતાનો છીએ અને હજી કદી કોઈનાં દાસત્વમાં આવ્યા નથી; તો તમે કેમ કહો છો કે, તમને મુક્ત કરવામાં આવશે?’”

34 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈ પાપ કરે છે, તે પાપનો દાસ છે, 35 હવે જે દાસ છે તે સદા ઘરમાં રહેતો નથી, પણ દીકરો સદા રહે છે. 36 માટે જો દીકરો તમને મુક્ત કરે, તો તમે ખરેખર મુક્ત થશો.

37 તમે ઇબ્રાહિમનાં વંશજો છો એ હું જાણું છું; પણ મારું વચન તમારામાં વૃદ્ધિ પામતું નથી, માટે તમે મને મારી નાખવાનો પ્રયત્ન કરો છો. 38 મેં મારા પિતાની પાસે જે જોયું છે, તે હું કહું છું; અને તમે પણ તમારા પિતાની પાસેથી જે સાંભળ્યું છે, તેમ તે કરો છો.’”

ઈસુ અને ઇબ્રાહિમ

39 તેઓએ ઉત્તર આપ્યો કે, ‘ઇબ્રાહિમ અમારો પિતા છે.’ ઈસુ તેઓને કહે છે કે, ‘જો તમે ઇબ્રાહિમનાં સંતાન હો, તો ઇબ્રાહિમનાં કામો કરો. 40 પણ મને, એટલે ઈશ્વરની પાસેથી જે સત્ય મેં સાંભળ્યું તે તમને કહેનાર મનુષ્યને, તમે હમણાં મારી નાખવાની કોશિશ કરો છો; ઇબ્રાહિમે એવું કર્યું નહોતું. 41 તમે તમારા પિતાનાં કામ કરો છો.’ તેઓએ તેમને કહ્યું, ‘અમે વ્યભિચારથી જન્મ્યાં નથી; અમારો એક જ પિતા છે, એટલે ઈશ્વર.’”

42 ઈસુએ તેઓને કહ્યું, ‘જો ઈશ્વર તમારો પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત; કેમ કે હું ઈશ્વરમાંથી નીકળીને આવ્યો છું; કેમ કે હું મારી પોતાની રીતે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે. 43 મારું બોલવું તમે કેમ સમજતા નથી? મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી. 44 તમે તમારા પિતા શેતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ; જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો અને જૂઠાનો પિતા છે.

45 પણ હું સત્ય કહું છું, તેથી તમે મારું માનતા નથી. 46 તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરે છે? જો હું સત્ય કહું છું, તો તમે શા માટે મારું માનતા નથી? 47 જે ઈશ્વરનો છે, તે ઈશ્વરનાં શબ્દો સાંભળે છે; તમે ઈશ્વરના નથી, માટે તમે સાંભળતાં નથી.’”

48 યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘તું સમરૂની છે અને તને દુષ્ટાત્મા વળગેલું છે, તે અમારું કહેવું શું વાજબી નથી?’” 49 ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મને દુષ્ટાત્મા વળગેલો નથી, પણ હું મારા પિતાને માન આપું છું અને તમે મારું અપમાન કરો છો.

50 પણ હું મારું પોતાનું માન શોધતો નથી; શોધનાર તથા ન્યાય કરનાર એક છે. 51 હું તમને નિશ્ચે કહું છું કે, જો કોઈ મારું વચનો પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ.

52 યહૂદીઓએ તેમને કહ્યું, ‘તને દુષ્ટાત્મા વળગેલું છે, એવી અમને હવે ખાતરી થઈ છે. ઇબ્રાહિમ તેમ જ પ્રબોધકો પણ મરી ગયા છે; પણ તું કહે છે કે, જો કોઈ મારાં વચનો પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ. 53 શું તું અમારા પિતા ઇબ્રાહિમ કરતાં મોટો છું? તે તો મરણ પામ્યો છે અને પ્રબોધકો પણ મરણ પામ્યા છે; તું કોણ હોવાનો દાવો કરે છે?’”

54 ઈસુએ ઉત્તર આપ્યો કે, “જો હું પોતાને માન આપું, તો મારું માન કંઈ જ નથી; મને મહિમા આપનાર તો મારા પિતા છે, જેમનાં વિષે તમે કહો છો કે, ‘તે અમારા ઈશ્વર છે.’” 55 વળી તમે તેમને ઓળખ્યા નથી; પણ હું તેમને ઓળખું છું; જો હું કહું કે હું તેમને નથી ઓળખતો, તો હું તમારા જેવો જૂઠો ઠરું; પણ હું તેમને ઓળખું છું અને તેમનું વચન પાળું છું. 56 તમારો પિતા ઇબ્રાહિમ મારો દિવસ જોવાની આશાથી હર્ષ પામ્યો અને તે જોઈને તેને આનંદ થયો.”

57 ત્યારે યહૂદીઓએ તેમને કહ્યું કે, ‘હજી તો તમે પચાસ વર્ષના થયા નથી અને શું તમે ઇબ્રાહિમને જોયો છે?’” 58 ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ઇબ્રાહિમનો જન્મ થયા અગાઉથી હું છું.’” 59 ત્યારે તેઓએ તેમને મારવાને પથ્થર હાથમાં લીધા; પણ ઈસુ સંતાઈ જઈને ભક્તિસ્થાનમાંથી ચાલ્યા ગયા.

Chapter 9

જન્મથી આંધળો દેખાતો થયો

1 ઈસુ રસ્તે જતા હતા તેવામાં તેમણે જન્મથી અંધ એવા એક માણસને જોયો. 2 તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, ‘ગુરુજી, જે પાપને લીધે તે માણસ અંધ જનમ્યો, તે પાપ કોણે કર્યું? તેણે કે તેનાં માતાપિતાએ?’”

3 ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તેણે કે તેનાં માતાપિતાએ તે પાપ કર્યું, તેથી નહિ; પણ ઈશ્વરનાં કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું. 4 જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમના કામ આપણે કરવાં જોઈએ; રાત આવે છે કે, જયારે કોઈથી કામ કરી શકાતું નથી. 5 જયારે હું દુનિયામાં છું ત્યારે હું માનવજગતનું અજવાળું છું.’”

6 આ પ્રમાણે બોલીને ઈસુ જમીન પર થૂંક્યાં અને થૂંકથી કાદવ બનાવીને, તેમણે તે કાદવ તેની આંખો પર લગાડીને 7 તેને કહ્યું કે, “તું જઈને આંખોને શિલોઆહ એટલે ‘મોકલેલાના’ હોજમાં ધો.” તે ગયો અને આંખોને ધોઈને દેખતો થઈને ઘરે આવ્યો.

8 પછી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો તેઓએ કહ્યું કે, ‘જે બેસીને ભીખ માગતો હતો, તે શું એ જ નથી?’” 9 કેટલાકે કહ્યું, ‘હા તે એ જ છે;’ બીજાઓએ કહ્યું, ‘ના, પણ તે તેના જેવો છે;’ પણ તેણે પોતે કહ્યું, ‘હું તે જ છું.’”

10 તેઓએ તેને કહ્યું કે, ‘ત્યારે તારી આંખો શી રીતે ઊઘડી?’” 11 તેણે ઉત્તર આપ્યો કે, ‘જે માણસ ઈસુ કહેવાય છે તેમણે કાદવ બનાવ્યો અને મારી આંખો પર લગાવીને મને કહ્યું કે, તું શિલોઆહમાં જઈને ધો; તેથી હું ગયો અને આંખો ધોઈને દેખતો થયો.’” 12 તેઓએ તેને કહ્યું કે, ‘તે ક્યાં છે?’ તેણે કહ્યું, ‘હું જાણતો નથી.’”

આ ચમત્કાર વિષે ફરોશીઓએ કરેલી તપાસ

13 જે અગાઉ અંધ હતો, તેને તેઓ ફરોશીઓની પાસે લાવ્યા. 14 હવે જે દિવસે ઈસુએ કાદવ બનાવીને તેની આંખો ઉઘાડી હતી, તે દિવસ વિશ્રામવાર હતો. 15 માટે ફરોશીઓએ ફરીથી તેને પૂછ્યું કે, ‘તું શી રીતે દેખતો થયો?’ તેણે તેઓને કહ્યું કે, ‘તેમણે મારી આંખો પર કાદવ લગાડ્યો અને હું આંખો ધોઈને દેખતો થયો છું.’”

16 ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, ‘તે માણસ ઈશ્વરની પાસેથી આવ્યો નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી;’ પણ બીજાઓએ કહ્યું કે, ‘પાપી માણસ એવા ચમત્કારિક ચિહ્નો શી રીતે કરી શકે?’ એમ તેઓમાં બે ભાગલા પડ્યા. 17 ત્યારે તેઓએ ફરીથી તે અંધને પૂછ્યું કે, ‘તેણે તારી આંખો ઉઘાડી, માટે તેને વિષે તું શું કહે છે?’ ત્યારે તેણે કહ્યું કે, ‘તે પ્રબોધક છે.’” 18 પણ યહૂદીઓએ તે દેખતા થયેલાનાં માતાપિતાને બોલાવ્યા ત્યાં સુધી તેઓ તેને વિષે માનતા ન હતા કે, તે અંધ હતો અને દેખતો થયો છે.

19 તેઓએ તેમને પૂછ્યું કે, ‘શું આ તમારો દીકરો છે, જેને વિષે તમે કહો છો કે, તે જન્મથી અંધ હતો? તો પછી તે કેવી રીતે દેખતો થયો છે?’” 20 તેનાં માતાપિતાએ ઉત્તર આપ્યો કે, ‘તે અમારો દીકરો છે અને જન્મથી અંધ હતો, તે અમે જાણીએ છીએ. 21 પણ હમણાં તે કેવી રીતે દેખતો થયો છે, તે અમે જાણતા નથી; અને તેની આંખો કોણે ઉઘાડી તે પણ અમે જાણતા નથી; તે પુખ્તવયનો છે; તેને પૂછો, તે પોતે કહેશે.’”

22 તેનાં માતાપિતા યહૂદીઓથી ડરતા હતાં માટે તેઓએ તેમ કહ્યું; કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, ‘તે ખ્રિસ્ત છે’ એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો. 23 માટે તેનાં માતાપિતાએ કહ્યું કે, ‘તે પુખ્તવયનો છે, તેને પૂછો.’”

24 તેથી અગાઉ જે અંધ હતો, તેને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, ‘ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે તે માણસ તો પાપી છે.’” 25 ત્યારે તેણે ઉત્તર આપ્યો, ‘તે પાપી છે કે નહિ, તે હું જાણતો નથી; પણ એક વાત હું જાણું છું કે, હું અંધ હતો અને હવે હું દેખતો થયો છું.’”

26 ત્યારે તેઓએ તેને કહ્યું કે, ‘તેણે તને શું કર્યું? તારી આંખો તેણે શી રીતે ઉઘાડી?’” 27 તેણે તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ; તમે શા માટે ફરીથી સાંભળવા માગો છો? શું તમે પણ તેમના શિષ્યો થવા ચાહો છો?’”

28 ત્યારે તેઓએ તેની નિંદા કરતાં કહ્યું કે, ‘તું તેમનો શિષ્ય છે; પણ અમે તો મૂસાના શિષ્યો છીએ. 29 ઈશ્વર મૂસાની સાથે બોલ્યા, તે અમે જાણીએ છીએ; પણ અમે નથી જાણતા કે, તે માણસ તો ક્યાંનાં છે.’”

30 તે માણસે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘એ તો અજાયબ જેવું છે કે, તેમણે મારી આંખો ઉઘાડી તે છતાં પણ તે ક્યાંનાં છે, તે તમે જાણતા નથી. 31 આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતાં નથી; પણ જો કોઈ ઈશ્વરને ભજનાર હોય અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તે તેમનું સાંભળે છે.

32 સૃષ્ટિના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે, જન્મથી અંધ માણસની આંખો કોઈએ ઉઘાડી હોય. 33 જો તે મનુષ્ય ઈશ્વરની પાસેથી આવ્યા ન હોય, તો તે કંઈ કરી શકતા નથી.’” 34 તેઓએ તેને ઉત્તર આપ્યો કે, ‘તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે અને શું તું અમને બોધ કરે છે?’ પછી તેઓએ તેને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો.

આત્મિક અંધાપો

35 તેઓએ તેને બહાર કાઢી મૂક્યો છે, એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેમણે તેને શોધીને કહ્યું કે, ‘તું શું માણસના દીકરા પર વિશ્વાસ કરે છે?’” 36 તેણે ઉત્તર આપ્યો કે, ‘હે પ્રભુ, તે કોણ છે કે, હું તેમના પર વિશ્વાસ કરું?’” 37 ઈસુએ તેને કહ્યું કે, ‘તેં તેમને જોયા છે અને જે તારી સાથે વાત કરે છે, તે જ તે છે.’” 38 તેણે કહ્યું કે, ‘પ્રભુ, હું વિશ્વાસ કરું છું.’ પછી તેણે તેમનું ભજન કર્યું.

39 ઈસુએ કહ્યું કે, ‘જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય અને જેઓ દેખતા છે તેઓ અંધ થાય, માટે ન્યાયને સારુ હું આ દુનિયામાં આવ્યો છું.’” 40 જે ફરોશીઓ તેમની પાસે હતા તેઓએ તે વાતો સાંભળીને તેમને પૂછ્યું, ‘તો શું અમે પણ અંધ છીએ?’” 41 ઈસુએ તેઓને કહ્યું કે, “જો તમે અંધ હોત તો તમને પાપ ન લાગત; પણ હવે તમે કહો છો કે, ‘અમે દેખતા છીએ,’ માટે તમારું પાપ કાયમ રહે છે.”

Chapter 10

ઘેટાં અને ઘેટાંપાળક

1 હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે દરવાજામાંથી ઘેટાંના વાડામાં પ્રવેશતો નથી, પણ બીજે કોઈ રસ્તેથી પ્રવેશે છે, તે ચોર તથા લૂંટારો છે. 2 પણ દરવાજામાંથી જે પ્રવેશે છે, તે ઘેટાંપાળક છે.

3 દ્વારપાળ તેને સારુ દ્વાર ઉઘાડે છે; અને ઘેટાં તેનો અવાજ સાંભળે છે; અને તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે અને તેઓને બહાર દોરીને લઈ જાય છે. 4 જયારે તે પોતાનાં સર્વ ઘેટાંને બહાર લાવે છે, ત્યારે તે તેઓની આગળ ચાલે છે અને ઘેટાં તેની પાછળ પાછળ ચાલે છે; કેમ કે તેઓ તેનો અવાજ ઓળખે છે.

5 તેઓ અજાણ્યાની પાછળ ચાલશે નહિ, પણ તેની પાસેથી નાસી જશે; કેમ કે તેઓ અજાણ્યાનો અવાજ ઓળખતા નથી.’” 6 ઈસુએ તેઓને દૃષ્ટાંતમાં કહ્યું, પણ જે વાતો તેમણે તેઓને કહી તે તેઓ સમજ્યા નહિ.

ઈસુ ઉત્તમ ઘેટાંપાળક

7 તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ઘેટાંનું પ્રવેશદ્વાર હું છું. 8 જેટલાં મારી અગાઉ આવ્યા, તેઓ સર્વ ચોર તથા લૂંટારા છે; પણ ઘેટાંએ તેઓનું સાંભળ્યું નહિ.

9 પ્રવેશદ્વાર હું છું, મારા દ્વારા જે કોઈ પ્રવેશે, તે ઉદ્ધાર પામશે, તે અંદર આવશે અને બહાર જશે અને તેને ચરવાનું મળશે. 10 ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજાકોઈ મતલબથી ચોર આવતો નથી. પણ હું તો તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું.

11 ઉત્તમ ઘેટાંપાળક હું છું; ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને સારુ પોતાનો જીવ આપે છે. 12 જે નોકર છે અને ઘેટાંપાળક નથી, એટલે જે પોતે ઘેટાંનો માલિક નથી, તે વરુને આવતું જોઈને ઘેટાંને મૂકીને નાસી જાય છે; પછી વરુ તેઓને પકડીને વિખેરી નાખે છે. 13 તે નાસી જાય છે, કેમ કે તે નોકર છે અને ઘેટાંની તેને કંઈ ચિંતા નથી.

14 ઉત્તમ ઘેટાંપાળક હું છું અને પોતાનાં ઘેટાંને ઓળખું છું અને મારા પોતાનાં ઘેટાં મને ઓળખે છે. 15 જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું તેમ મારાં પોતાનાં મને ઓળખે છે; અને ઘેટાંને સારુ હું મારો જીવ આપું છું. 16 મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંના નથી; તેઓને પણ મારે લાવવાની જરૂર છે અને તેઓ મારો અવાજ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.

17 પિતા મારા પર પ્રેમ કરે છે, કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં. 18 કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું; તે આપવાનો મને અધિકાર છે અને પાછો લેવાનો પણ મને અધિકાર છે; તે આજ્ઞા મને મારા પિતા તરફથી મળી છે.’”

19 આ વાતોને લીધે યહૂદીઓમાં ફરીથી ભાગલા પડ્યા. 20 તેઓમાંના ઘણાંએ કહ્યું કે, ‘તેને દુષ્ટાત્મા વળગેલું છે અને તે પાગલ છે; તમે તેનું કેમ સાંભળો છો?’” 21 બીજાઓએ કહ્યું કે, ‘દુષ્ટાત્મા વળગેલા માણસની તે વાતો નથી. શું ભૂત અંધજનોની આંખો ઉઘાડી શકે છે?’”

ઈસુનો અસ્વીકાર

22 હવે યરુશાલેમમાં અર્પણ કરવાનું પર્વ હતું; અને તે શિયાળાનો સમય હતો. 23 ઈસુ ભક્તિસ્થાનમાં સુલેમાનની પરસાળમાં ફરતા હતા. 24 ત્યારે યહૂદીઓએ તેમની આસપાસ ફરી વળીને તેમને કહ્યું, ‘તમે ક્યાં સુધી અમને સંદેહમાં રાખશો? જો તમે ખ્રિસ્ત હો તો તે અમને સ્પષ્ટ કહો.’”

25 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં તો તમને કહ્યું, પણ તમે વિશ્વાસ કરતા નથી. મારા પિતાને નામે જે કામો હું કરું છું, તેઓ મારા વિષે સાક્ષી આપે છે. 26 તોપણ તમે વિશ્વાસ કરતા નથી, કેમ કે તમે મારાં ઘેટાં નથી.

27 મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ આવે છે. 28 હું તેઓને અનંતજીવન આપું છું; કદી તેઓનો નાશ થશે નહિ અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ.

29 મારા પિતા, જેમણે મને તેઓને આપ્યાં છે, તે સહુથી મહાન છે; અને પિતાના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી. 30 હું તથા પિતા એક છીએ.’” 31 ત્યારે યહૂદીઓએ તેમને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા.

32 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં પિતા તરફથી તમને ઘણાં સારાં કામો બતાવ્યાં છે, તેઓમાંના કયા કામને લીધે મને પથ્થર મારો છો?’” 33 યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘કોઈ સારા કામને લીધે અમે તમને પથ્થર મારતા નથી, પણ દુર્ભાષણને કારણે; અને તમે માણસ હોવા છતાં પોતાને ઈશ્વર ઠરાવો છો, તેને કારણે.’”

34 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું કહું છું કે, ‘તમે દેવો છો’ એ શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી? 35 જેઓની પાસે ઈશ્વરનું વચન આવ્યું, તેઓને જો તેમણે દેવો કહ્યાં તેથી શાસ્ત્રવચનનો ભંગ થતો નથી, 36 તો જેને પિતાએ પવિત્ર કરીને દુનિયામાં મોકલ્યા, તેમણે કહ્યું કે, હું ઈશ્વરનો દીકરો છું; તો શું તમે તેમને એમ કહો છો કે તમે દુર્ભાષણ કરો છો?

37 જો હું મારા પિતાનાં કામ કરતો નથી, તો મારા પર વિશ્વાસ ન કરો. 38 પણ જો હું કરું છું, તો જોકે તમે મારા પર વિશ્વાસ ન કરો, તોપણ તે કામો પર વિશ્વાસ કરો; જેથી તમે જાણો અને સમજો કે, પિતા મારામાં છે અને હું પિતામાં છું.’” 39 ત્યારે તેઓએ ફરીથી તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ ઈસુ તેઓના હાથમાંથી સરકી ગયા.

40 પછી ઈસુ યર્દન નદીને સામે કિનારે, જ્યાં પહેલાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો, તે સ્થળે પાછા ગયા, અને ત્યાં રહ્યા. 41 ઘણાં લોકો તેમની પાસે આવ્યા; તેઓએ કહ્યું, ‘યોહાને કંઈ ચમત્કારિક ચિહ્નો કર્યા ન હતા તે સાચું; પણ યોહાને એમને વિષે જે જે કહ્યું, તે બધું સત્ય હતું.’” 42 ઘણાં લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો.

Chapter 11

લાજરસનું મૃત્યુ

1 બેથાનિયા ગામનો લાજરસ નામે એક માણસ બીમાર હતો. તેની બહેનો માર્થા અને મરિયમ પણ એ જ ગામના હતા. 2 મરિયમે ઈસુને અત્તર લગાવ્યું હતું અને પોતાના વાળથી તેમના પગ લૂછ્યા હતા. લાજરસ કે જે બીમાર હતો તે આ જ મરિયમનો ભાઈ હતો.

3 તેથી બહેનોએ તેમને ખબર મોકલી કે, પ્રભુ, જેમનાં પર તમે પ્રેમ રાખો છે, તે બીમાર છે. 4 પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે, મૃત્યુ થાય એવી આ બીમારી નથી; પણ તે ઈશ્વરના મહિમાર્થે છે, જેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય.

5 માર્થા, તેની બહેન મરિયમ તથા લાજરસ પર ઈસુ પ્રેમ રાખતા હતા. 6 તે બીમાર છે, એવા સમાચાર તેમને મળ્યા ત્યારે પોતે જ્યાં હતા, તે જ સ્થળે તે બે દિવસ સુધી રહ્યા. 7 ત્યાર પછી શિષ્યોને કહે છે કે, ‘ચાલો, આપણે ફરીથી યહૂદિયા જઈએ.

8 શિષ્યો તેમને કહે છે કે, ‘ગુરુજી, હમણાં જ યહૂદીઓ તમને પથ્થરે મારવાનો પ્રયત્ન કરતા હતા, તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?’” 9 ઈસુએ જવાબ આપ્યો કે, ‘શું દિવસના બાર કલાક નથી? જો દિવસે કોઈ ચાલે, તો તે આ દુનિયાનું અજવાળું જુએ છે, માટે ઠોકર ખાતો નથી.

10 પણ જો કોઈ રાત્રે ચાલે, તો તેનામાં અજવાળું ન હોવાથી ઠોકર ખાય છે.’” 11 તેમણે એ વાતો કહી, ત્યાર પછી તે તેઓને કહે છે કે, ‘આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે; હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.’”

12 ત્યારે શિષ્યોએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થશે.’” 13 ઈસુએ તો તેના મૃત્યુ વિષે કહ્યું હતું, પણ તેઓને એમ લાગ્યું કે તેમણે ઊંઘમાં વિસામો લેવા વિષે કહ્યું હતું. 14 ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે, ‘લાજરસ મૃત્યુ પામ્યો છે.

15 હું ત્યાં નહોતો, માટે હું તમારે માટે હર્ષ પામું છું, એટલા માટે કે તમે વિશ્વાસ કરો; પણ ચાલો, આપણે તેમની પાસે જઈએ.’” 16 ત્યારે થોમા, જે દીદીમસ કહેવાય છે, તેણે પોતાના સાથી શિષ્યોને કહ્યું કે, ‘આપણે પણ જઈએ અને તેની સાથે મરણ પામીએ.’”

પુનરુત્થાન તથા જીવન હું છું

17 હવે જયારે ઈસુ ત્યાં આવ્યા ત્યારે તેમને ખબર પડી કે, લાજરસને કબરમાં મૂક્યાને ચાર દિવસ થઈ ગયા છે. 18 હવે બેથાનિયા યરુશાલેમની નજદીક, એટલે માત્ર ત્રણેક કિલોમિટર દૂર હતું. 19 માર્થા તથા મરિયમની પાસે તેઓના ભાઈ સંબંધી દિલાસો આપવા માટે યહૂદીઓમાંના ઘણાં આવ્યા હતા. 20 ઈસુ આવે છે, એ સાંભળીને માર્થા તેમને મળવા ગઈ; પણ મરિયમ ઘરમાં જ બેસી રહી.

21 ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહિ. 22 પણ તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો, તે ઈશ્વર તમને આપશે, એ હું જાણું છું.’” 23 ઈસુએ તેને કહ્યું કે, ‘તારો ભાઈ પાછો ઊઠશે.’”

24 માર્થાએ કહ્યું કે, ‘છેલ્લે દિવસે તે પુનરુત્થાન પામશે, એ હું જાણું છું.’” 25 ઈસુએ તેને કહ્યું કે, ‘પુનરુત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે, તે જોકે મૃત્યુ પામે તોપણ તે સજીવન થશે. 26 અને જે કોઈ જીવંત વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે છે, તે કદી મરશે નહીં જ; તું શું એવો વિશ્વાસ રાખે છે?’” 27 તેણે તેમને કહ્યું કે, ‘હા પ્રભુ, મેં વિશ્વાસ કર્યો છે કે તમે ઈશ્વરના દીકરા ખ્રિસ્ત છો, જે દુનિયામાં આવનાર છે, તે જ તમે છો.

ઈસુ રડ્યા

28 એમ કહીને માર્થા ચાલી ગઈ, અને પોતાની બહેન મરિયમને છાની રીતે બોલાવીને કહ્યું કે, ગુરુ આવ્યા છે, અને તને બોલાવે છે.’” 29 એ સાંભળતાં જ મરિયમ તરત જ ઊઠીને તેમની પાસે ગઈ.

30 ઈસુ તો હજી ગામમાં આવ્યા ન હતા, પણ જ્યાં માર્થા તેમને મળી હતી તે જગ્યાએ હતા. 31 ત્યારે જે યહૂદીઓ તેમની સાથે ઘરમાં હતા અને તેને સાંત્વના આપતા હતા, તેઓએ જોયું કે મરિયમ જલદી ઊઠીને બહાર ગઈ, ત્યારે તે કબર પર રડવાને જાય છે, એવું ધારીને તેઓ મરિયમની પાછળ ગયા. 32 ઈસુ જ્યાં હતા ત્યાં મરિયમે આવીને તેમને જોયા, ત્યારે તેણે તેમને પગે પડીને ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહીં.

33 ત્યારે ઈસુએ તેને રડતી જોઈને તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને, મનમાં નિસાસો મૂકી તથા આત્મામાં વ્યાકુળ થઈને, 34 પૂછ્યું કે, ‘તમે તેને ક્યાં મૂક્યો છે?’ તેઓ તેમને કહે છે કે, પ્રભુ આવીને જુઓ. 35 ઈસુ રડ્યા.

36 એ જોઈને યહૂદીઓએ કહ્યું કે, ‘જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતા હતા! 37 પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, જેમણે અંધજનોની આંખો ઉઘાડી, તેમનાંમાં શું આ માણસ મૃત્યુ ન પામે એવું કરવાની પણ શક્તિ ન હતી?’”

લાજરસ સજીવન કરાયો

38 ફરીથી ઈસુ નિસાસો નાખીને કબર પાસે આવ્યા. તે તો ગુફા હતી, અને તેના પર એક પથ્થર મૂકેલો હતો. 39 ઈસુએ કહ્યું કે, ‘પથ્થરને ખસેડો.’ મૃત્યુ પામેલાની બહેન માર્થાએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, હવે તો તે દેહમાંથી દુર્ગંધ આવતી હશે; કેમ કે આજ તેના મૃત્યુને ચાર દિવસ થઈ ગયા છે.’” 40 ઈસુ તેને કહે છે કે, ‘જો તું વિશ્વાસ કરશે, તો તું ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું શું?’”

41 ત્યારે તેઓએ પથ્થર ખેસેડ્યો, ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે, ‘ઓ બાપ, તમે મારું સાંભળ્યું છે, માટે હું તમારો આભાર માનું છું. 42 તમે નિત્ય મારું સાંભળો છો, એ હું જાણતો હતો; પણ જે લોક આસપાસ ઊભા રહેલા છે, તેઓ વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું.’”

43 એમ બોલ્યા પછી તેમણે મોટા અવાજે હાંક મારી કે, ‘લાજરસ, બહાર આવ.’” 44 ત્યારે જે મૃત્યુ પામેલો હતો તે હાથે પગે દફનના વસ્ત્રો બાંધેલો બહાર આવ્યો, તેના મૂખ પર રૂમાલથી વીંટાળેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, તેનાં બંધન છોડી નાખો અને તેને જવા દો.

ઈસુની વિરુદ્ધ કાવતરું

(માથ. 26:1-5; માર્ક 14:1-2; લૂક 22:1-2)

45 તેથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા, અને તેમણે ઈસુએ જે કર્યું તે જોયું હતું, તેઓમાંથી ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો. 46 પણ તેઓમાંના કેટલાકે ફરોશીઓની પાસે જઈને ઈસુએ જે કામ કર્યાં હતા, તે તેઓને કહી સંભળાવ્યાં.

47 એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું કે, ‘આપણે શું કરીએ? કેમ કે એ માણસ તો ઘણાં ચમત્કારિક ચિહ્નો કરે છે. 48 જો આપણે તેમને એમ જ રહેવા દઈશું, તો સર્વ તેના પર વિશ્વાસ કરશે અને રોમનો આવીને આપણું રહેઠાણ તથા આપણો દેશ લઈ લેશે.

49 પણ કાયાફા નામે તેઓમાંનો એક જે તે વર્ષે પ્રમુખ યાજક હતો, તેણે તેઓને કહ્યું કે, ‘તમે કંઈ જાણતા નથી, 50 વિચારતા નથી કે લોકોને માટે એક માણસ બલિદાન આપે અને તેથી સર્વ પ્રજાનો નાશ થાય નહિ, એ તમારે માટે હિતકારક છે.’”

51 તેણે તો એ પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વરસમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે, લોકોને માટે ઈસુ મૃત્યુ પામશે. 52 અને એકલા યહૂદી લોકોના માટે નહિ, પણ એ માટે કે ઈશ્વરનાં વિખૂટાં પડેલાં બાળકોને પણ તે એકઠાં કરીને તેઓને એક કરે. 53 તેથી તે દિવસથી માંડીને તેમને મારી નાખવાની તેઓ યોજના કરવા લાગ્યા.

54 તે માટે ત્યાર પછી યહૂદીઓમાં ઈસુ જાહેર રીતે ફર્યા નહિ, પણ ત્યાંથી અરણ્ય પાસેના પ્રાંતના એફ્રાઈમ નામના શહેરમાં ગયા અને પોતાના શિષ્યો સહિત ત્યાં રહ્યાં. 55 હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, પાસ્ખા અગાઉ ઘણાં લોકો પોતાને શુદ્ધ કરવાને બીજા ગામથી યરુશાલેમમાં ગયા હતા.

56 માટે તેઓએ ઈસુની શોધ કરી અને ભક્તિસ્થાનમાં ઊભા રહેલાઓએ પરસ્પર કહ્યું કે, તમને શું લાગે છે? શું પર્વમાં તે આવવાના નથી?’” 57 હવે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ એવી આજ્ઞા આપી હતી કે, જો કોઈ માણસને માલૂમ પડે કે તે ઈસુ ક્યાં છે તો તેણે ખબર આપવી, એ માટે કે તેઓ ફરોશીઓ તેમને પકડે.

Chapter 12

બેથાનિયામાં ઈસુનો અભિષેક

(માથ. 26:6-13; માર્ક 14:3-9)

1 પાસ્ખાપર્વના છ દિવસ અગાઉ ઈસુ બેથાનિયા આવ્યા, લાજરસ, જેને ઈસુએ મરણમાંથી સજીવન કર્યો હતો તે ત્યાં હતો. 2 માટે તેઓએ તેને માટે ખોરાક તૈયાર કર્યો હતો અને માર્થા ભોજન પીરસતી હતી, લાજરસ ઈસુની સાથે જમવા બેઠેલાઓમાંનો એક હતો. 3 તે વેળા મરિયમે અતિ મૂલ્યવાન શુદ્ધ જટામાંસીનું અડધો કિલો અત્તર લઈને ઈસુને પગે લગાવ્યું અને તેના વાળથી તેમના પગ લૂછ્યા; અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ.

4 તેમના શિષ્યોમાંનો એક, યહૂદા ઇશ્કારિયોત, જે તેમને પરસ્વાધીન કરનાર હતો, તેણે કહ્યું કે, 5 ‘એ અત્તર ત્રણસો દીનારે ઇઝરાયલનું નાણું વેચીને ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહિ?’” 6 હવે આ જે તેણે કહ્યું તેનું કારણ એ નહોતું કે તેને ગરીબોને માટે લાગણી હતી; પણ તે ચોર હતો અને થેલી રાખતો હતો. તેમાં જે નાખવામાં આવતું તે તે ચોરી લેતો હતો તે માટે કહ્યું.

7 ત્યારે ઈસુએ કહ્યું કે, ‘મારા દફનાવવાનાં દિવસને માટે મરિયમને એવું કરવા દે. 8 કેમ કે ગરીબો હંમેશા તમારી સાથે છે; પણ હું સદા તમારી સાથે નથી.’”

લાજરસ વિરુદ્ધ કાવતરું

9 ત્યારે યહૂદીઓમાંના ઘણાં લોકોએ જાણ્યું કે તે ત્યાં છે, ત્યારે તેઓ એકલા ઈસુને લીધે નહિ, પણ લાજરસ જેને તેમણે મરણમાંથી જીવિત કર્યો હતો, તેને પણ જોવા માટે આવ્યા. 10 મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી. 11 કેમ કે તેના કારણથી ઘણાં યહૂદીઓ ચાલ્યા ગયા અને ઈસુ પર વિશ્વાસ કર્યો.

યરુશાલેમમાં વિજયવંત પ્રવેશ

(માથ. 21:1-11; માર્ક 11:1-11; લૂક 19:28-40)

12 બીજે દિવસે પર્વમાં આવેલા ઘણાં લોકોએ એવું સાંભળ્યું કે, ઈસુ યરુશાલેમ આવે છે; 13 ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર ગયા; અને ઊંચા અવાજે કહ્યું કે, ‘હોસાન્ના; પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે, તે આશીર્વાદિત છે.

14 ઈસુને ગધેડાનો એક વછેરો મળ્યો ત્યારે તેના પર તેઓ બેઠા, જેમ લખેલું છે તેમ કે, 15 ‘ઓ સિયોનની દીકરી, બીશ નહિ; જો, તારા રાજા ગધેડાના વછેરા પર બેસીને આવે છે.’” 16 પ્રથમ તેના શિષ્યો એ વાતો સમજ્યા ન હતા, પણ ઈસુ મહિમાવાન થયા, ત્યારે તેઓને યાદ આવ્યું કે, ઈસુના સંબંધી એ વાતો લખેલી છે, તે જ પ્રમાણે તેઓએ તેમને કર્યું છે.

17 તેમણે લાજરસને કબરમાંથી બોલાવ્યો અને મરેલાઓમાંથી જીવિત કર્યો, તે વખતે જે લોક તેમની સાથે હતા, તેઓએ આ બીનાને સમર્થન આપ્યું. 18 તે કારણથી પણ લોકો તેમને મળવા ગયા; કેમ કે તેમણે એ ચમત્કારિક ચિહ્ન કર્યું હતું એવું તેઓએ સાંભળ્યું હતું. 19 તે માટે ફરોશીઓએ પરસ્પર કહ્યું કે, ‘જુઓ, આપણું તો કંઈ વળતું નથી; જુઓ, આખું માનવજગત તેમની પાછળ ગયું છે.

ગ્રીકો દ્વારા ઈસુની શોધ

20 હવે પર્વમાં ભજન કરવાને જેઓ આવ્યા હતા, તેઓમાંના કેટલાક લોકો ગ્રીક હતા; 21 માટે તેઓએ ગાલીલના બેથસાઈદાના ફિલિપની પાસે આવીને તેમને વિનંતી કરતાં કહ્યું કે, ‘ભાઈ, અમે ઈસુને જોવા ચાહીએ છીએ.’” 22 ફિલિપ આવીને આન્દ્રિયાને કહ્યું; આન્દ્રિયા તથા ફિલિપ આવીને ઈસુને કહ્યું.

23 ત્યારે ઈસુ તેઓને જવાબ કહ્યું કે, ‘માણસના દીકરાને મહિમાવાન થવાનો સમય આવ્યો છે. 24 હું તમને નિશ્ચે કહું છું, જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરતો નથી, તો તે એકલો રહે છે; પણ જો તે મરે, તો તે ઘણાં ફળ આપે છે.

25 જે પોતાના જીવ સાચવે છે, તે તેને ગુમાવે છે; જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે, તે અનંતજીવનને સારુ તેને બચાવી રાખશે. 26 જો કોઈ મારી સેવા કરતો હોય, તો તેણે મારી પાછળ ચાલવું; અને જ્યાં હું છું, ત્યાં મારો સેવક પણ રહેશે; જો કોઈ મારી સેવા કરતો હોય, તો બાપ તેને માન આપશે.

પોતાના મૃત્યુ વિષેની ઈસુની આગાહી

27 હવે મારો જીવ વ્યાકુળ થયો છે; હું શું કહું? ઓ બાપ, મને આ ઘડીથી બચાવ. પણ આને લીધે જ તો હું આ ઘડી સુધી આવ્યો છું. 28 ઓ બાપ, તમારા નામનો મહિમા થાઓ, ત્યારે સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, ‘મેં તેનો મહિમા કર્યો છે અને ફરી કરીશ.’” 29 ત્યારે જે લોકોએ પાસે ઊભા રહીને તે સાંભળ્યું હતું, તેઓએ કહ્યું કે, ‘ગર્જના થઈ;’ બીજાઓએ કહ્યું કે, ‘સ્વર્ગદૂતે તેમની સાથે વાત કરી.’”

30 ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, ‘એ વાણી મારે માટે નહિ, પણ તમારે માટે થઈ છે.’” 31 હવે આ માનવજગતનો ન્યાય કરવામાં આવે છે; હવે આ જગતના અધિકારીને બહાર કાઢી મૂકવામાં આવશે.

32 અને જો હું પૃથ્વી પરથી ઊંચો કરાઈશ, તો હું સર્વને મારી પોતાની તરફ ખેંચીશ. 33 પોતાનું મૃત્યુ શી રીતે થવાનું છે, એ સૂચવતાં તેમણે એ પ્રમાણે કહ્યું.

34 એ માટે લોકોએ તેમને ઉત્તર આપ્યો કે, ‘ખ્રિસ્ત સદા રહેશે, એમ અમે નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું છે; તો માણસનો દીકરો ઊંચો કરાવો જોઈએ, એમ તમે કેમ કહો છો? એ માણસનો દીકરો કોણ છે?’” 35 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હજી થોડીવાર તમારી મધ્યે પ્રકાશ છે; જ્યાં સુધી તમને પ્રકાશ છે, ત્યાં સુધી ચાલો, રખેને અંધકાર તમારા પર આવી પડે; અને જે અંધકારમાં ચાલે છે તે જાણતો નથી કે તે પોતે ક્યાં જાય છે. 36 જ્યાં સુધી તમને પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ કરો, એ માટે કે તમે અજવાળાનાં બાળકો થાઓ.

લોકોનો અવિશ્વાસ

એ વાતો કહીને ઈસુ ચાલ્યા ગયા, અને તેઓથી સંતાઈ રહ્યા.

37 ઈસુએ આટલાં બધાં ચમત્કારિક ચિહ્નો તેઓના દેખતા કર્યાં હતાં, તોપણ તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ. 38 એ માટે કે યશાયા પ્રબોધકનું વચન પૂરું થાય કે, ‘પ્રભુ, અમને જે કહેવામાં આવ્યું તે પર કોણે વિશ્વાસ કર્યો છે? પ્રભુનો હાથ કોની સમક્ષ પ્રગટ થયો છે?’”

39 તે માટે તેઓ વિશ્વાસ કરી ન શક્યા, કેમ કે વળીપાછું યશાયા પ્રબોધકે કહ્યું હતું કે, 40 ‘તેઓ આંખોથી દેખે નહિ, મનથી સમજે નહિ, પાછા ફરે નહિ, હું તેઓને સારા કરું નહિ, એ માટે તેમણે તેઓની આંખો અંધ કરી છે. અને તેઓનાં મન કઠોર થઈ ગયા છે.’”

41 યશાયાએ તેમનો મહિમા જોયો હતો તેણે એ વાતો જણાવી; અને તે તેમના વિષે બોલ્યો. 42 તોપણ અધિકારીઓમાંના પણ ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો; પણ રખેને ફરોશીઓ અમને સભાસ્થાનમાંથી કાઢી મૂકે, એ બીકથી તેઓએ તેમને જાહેરમાં કબૂલ કર્યા નહિ. 43 કેમ કે ઈશ્વરના તરફથી થતી પ્રશંસા કરતાં તેઓ માણસો તરફથી થતી પ્રશંસા વધારે ચાહતા હતા.

ઈસુના શબ્દો દ્વારા ન્યાય

44 ત્યારે ઈસુએ ઊંચા અવાજે કહ્યું કે, ‘મારા પર જે વિશ્વાસ કરે છે, તે એકલો મારા પર નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમના પર પણ વિશ્વાસ રાખે છે. 45 જે મને જુએ છે, તે જેણે મને મોકલ્યો છે તેમને પણ જુએ છે.

46 જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે, તે અંધકારમાં રહે નહિ માટે દુનિયામાં હું પ્રકાશરૂપે આવ્યો છું. 47 જો કોઈ મારી વાતો સાંભળીને તેને પાળતો નથી, તો હું તેનો ન્યાય કરતો નથી; કેમ કે હું માનવજગતને ન્યાય કરવા માટે નહીં, પણ માનવ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું.

48 જે મારો ઇનકાર કરે છે અને મારી વાતો સ્વીકારતો નથી, તેનો ન્યાય કરનાર એક છે; જે વાત મેં કહી છે, તે જ અંતિમ દિવસે તેનો ન્યાય કરશે. 49 કેમ કે મેં પોતાના તરફથી નથી કહ્યું, પણ મારે શું કહેવું, તથા મારે શું બોલવું, એ વિષે પિતા જેમણે મને મોકલ્યો છે તેમણે મને આજ્ઞા આપી છે. 50 તેમની આજ્ઞામાં અનંતજીવન છે, એ હું જાણું છું; તે માટે હું જે કંઈ બોલું છું, તે જેવું પિતાએ મને કહ્યું છે તેવું જ બોલું છું.

Chapter 13

ઈસુ શિષ્યોના પગ ધૂએ છે

1 હવે પાસ્ખાપર્વ અગાઉ પોતાનો આ દુનિયામાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ દુનિયામાંનાં પોતાના લોક, જેઓનાં ઉપર તેઓ પ્રેમ રાખતા હતા, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો. 2 તેઓ જમતા હતા તેવામાં, શેતાને તો અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોતના મનમાં તેમને પરસ્વાધીન કરવાનો વિચાર મૂક્યો હતો.

3 ઈસુએ જાણ્યું કે પિતાએ સઘળી વસ્તુઓ તેમના હાથમાં આપી છે, અને તે ઈશ્વરની પાસેથી આવ્યો છે અને ઈશ્વરની પાસે જાય છે. 4 ઈસુ ભોજન સ્થળ પરથી ઊભા થયા અને પોતાનાં ઝભ્ભો ઉતાર્યા; પછી તેમણે રૂમાલ લઈને પોતાની કમરે બાંધ્યો. 5 ત્યાર બાદ વાસણમાં પાણી લઈને, શિષ્યોના પગ ધોવા તથા જે રૂમાલ પોતાની કમરે બાંધ્યો હતો તેનાથી લૂંછવા લાગ્યા.

6 એ પ્રમાણે કરતા કરતા તે સિમોન પિતરની પાસે આવ્યા. ત્યારે સિમોન કહ્યું કે, ‘પ્રભુ, શું તમે મારા પગ ધૂઓ છો?’” 7 ઈસુએ તેને કહ્યું કે, ‘હું જે કરું છું, તે તું હમણાં જાણતો નથી; પણ હવે પછી તું સમજશે.’” 8 પિતર તેમને કહે છે કે, ‘હું કદી તમને મારા પગ ધોવા દઈશ નહિ.’ ઈસુએ તેને કહ્યું કે, ‘જો હું તને ન ધોઉં તો મારી સાથે તારે કંઈ લાગભાગ નથી.’” 9 સિમોન પિતર તેને કહે છે કે, ‘પ્રભુ, એકલા મારા પગ જ નહિ, પણ મારા હાથ તથા મુખ પણ ધૂઓ.’”

10 ઈસુ તેને કહે છે, ‘જેણે સ્નાન કર્યું છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી, તે પૂરો શુદ્ધ છે; તમે શુદ્ધ છો, પણ બધા નહિ. 11 કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને જાણતા હતા; માટે તેમણે કહ્યું કે, ‘તમે બધા શુદ્ધ નથી.’”

12 એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેમણે પોતાનાં વસ્ત્રો પહેર્યા અને પાછા જમવા બેસીને તેઓને કહ્યું કે, ‘મેં તમને શું કર્યું છે, તે તમે સમજો છો?’” 13 તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો, અને તમે સાચું જ કહો છો, કેમ કે હું એ જ છું.’” 14 એ માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. 15 કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમુનો આપ્યો છે.

16 હું તમને નિશ્ચે કહું છું કે, ‘નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી; અને જે મોકલાયેલો છે તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી.’” 17 જો તમે એ બાબતો જાણીને તેઓનું અનુકરણ કરો, તો તમે આશીર્વાદિત છો. 18 હું તમારા સઘળાં સંબંધી નથી કહેતો; જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું જાણું છું; એ લખેલું પૂરું થાય માટે એમ થવું જોઈએ ‘પણ જે મારી સાથે રોટલી ખાય છે, તેણે મારી વિરુદ્ધ પોતાની લાત ઉગામી છે.’”

19 એ બીના બન્યા પહેલાં હું તમને કહું છું એ માટે કે, ‘જયારે એ બાબત થાય, ત્યારે તમે વિશ્વાસ કરો, કે હું તે છું.’” 20 નિશ્ચે હું તમને કહું છું કે, ‘જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે, તે મારો અંગીકાર કરે છે; અને જે મારો અંગીકાર કરે છે તે મને મોકલનારનો અંગીકાર કરે છે.

ઈસુ પોતાની ધરપકડની આગાહી આપે છે

(માથ. 26:20-25; માર્ક 14:17-21; લૂક 22:21-23)

21 એમ કહ્યાં પછી ઈસુ આત્મામાં વ્યાકુળ થયા; અને ગંભીરતાથી કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. 22 તે કોને વિષે બોલે છે એ સંબંધી શિષ્યોએ આશ્ચર્યથી એકબીજા તરફ જોયું.

23 હવે જમણ સમયે તેમના શિષ્યોમાંનો એક, જેનાં પર ઈસુ પ્રેમ રાખતા હતા, તે ઈસુની છાતીએ અઢેલીને બેઠો હતો. 24 સિમોન પિતર તેને ઇશારો કરીને કહે છે કે, ‘તેઓ કોનાં વિષે બોલે છે, તે અમને કહે.’” 25 ત્યારે તે જેમ ઈસુની છાતીએ અઢેલીને બેઠો હતો, તેમ ને તેમ જ તેમને પૂછે છે કે, ‘પ્રભુ, તે કોણ છે?’”

26 ઈસુ કહે છે કે, ‘હું કોળિયો બોળીને જેને આપીશ, તે જ તે છે.’ પછી તેઓ કોળિયો લઈને તે સિમોન ઇશ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે. 27 અને કોળિયો લીધા પછી તેનામાં શેતાન આવ્યો, માટે ઈસુ તેને કહે છે કે, ‘જે તું કરવાનો છે, તે જલદી કર.’”

28 હવે તેમણે તેને શા માટે એ કહ્યું એ જમવા બેઠેલાઓમાંથી કોઈ સમજ્યો નહિ. 29 કેમ કે કેટલાકે એમ ધાર્યું કે, યહૂદાની પાસે થેલી છે તેથી ઈસુએ તેને કહ્યું કે, પર્વને માટે આપણને જેની અગત્ય છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાનું કહ્યું. 30 ત્યારે કોળિયો લઈને તે તરત બહાર ગયો; અને તે સમયે રાત હતી.

નવી આજ્ઞા

31 જયારે તે બહાર ગયો, ત્યારે ઈસુ કહે છે કે, ‘હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે, તેનામાં ઈશ્વર મહિમાવાન થયા છે. 32 ઈશ્વર તેને પોતામાં મહિમાવાન કરશે અને તેને વહેલો મહિમાવાન કરશે. 33 ઓ નાનાં બાળકો, હવે પછી થોડા સમય સુધી હું તમારી સાથે છું; તમે મને શોધશો.’ જેમ મેં યહૂદીઓને કહ્યું હતું કે, ‘જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, તેમ હું હમણાં તમને પણ કહું છું.

34 ‘હું તમને નવી આજ્ઞા આપું છું, કે તમે એકબીજા પર પ્રેમ રાખો, 35 જો એકબીજા પર તમે પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.

પિતર નકાર કરશે એવી ઈસુની આગાહી

(માથ. 26:31-35; માર્ક 14:27-31; લૂક 22:31-34)

36 સિમોન પિતર તેમને કહે છે કે, ‘પ્રભુ, તમે ક્યાં જાઓ છો? ઈસુએ કહ્યું, ‘જ્યાં હું જાઉં છું, ત્યાં તું હમણાં મારી પાછળ આવી શકતો નથી; પણ પછી મારી પાછળ આવીશ. 37 પિતર તેમને કહે છે કે, ‘પ્રભુ, હું હમણાં જ તમારી પાછળ કેમ આવી શકતો નથી? તમારે માટે હું મારો જીવ પણ આપીશ. 38 ઈસુ કહે છે કે, ‘શું તું મારે માટે તારો જીવ આપશે?’ હું તને નિશ્ચે કહું છું કે, “મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.’”

Chapter 14

પિતા તરફ લઈ જતો માર્ગ ઈસુ

1 ‘તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો; તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. 2 મારા પિતાના ઘરમાં રહેવા માટે ઘણી જગ્યાઓ છે, ના હોત તો હું તમને કહેત; હું તો તમારે માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું. 3 હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, પછી હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, એ માટે કે જ્યાં હું રહું છું ત્યાં તમે પણ રહો.

4 હું જ્યાં જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો.’” 5 થોમા તેમને કહે છે કે, ‘પ્રભુ, તમે ક્યાં જાઓ છો, તે અમે જાણતા નથી; ત્યારે અમે માર્ગ કેવી રીતે જાણીએ?’” 6 ઈસુ તેને કહે છે કે, ‘માર્ગ, સત્ય તથા જીવન હું છું; મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી. 7 તમે જો મને ઓળખત તો મારા પિતાને પણ ઓળખત; હવેથી તમે તેમને ઓળખો છો અને તેમને જોયા છે.

8 ફિલિપ તેમને કહે છે કે, ‘પ્રભુ, અમને પિતા દેખાડો, એ અમારે માટે પૂરતું છે. 9 ઈસુ તેને કહે છે કે, ‘ફિલિપ, લાંબા સમય સુધી હું તમારી સાથે રહ્યો છું, તોપણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે; તો તું શા માટે કહે છે કે, ‘અમને પિતા દેખાડો?

10 હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ તું કરે છે કે નહિ? જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો; પણ પિતા મારામાં રહીને પોતાના કામ કરે છે. 11 હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ મારા પર કરો, નહિ તો કામોને જ લીધે મારા પર વિશ્વાસ રાખો.’”

12 હું તમને સાચે જ કહું છું કે, ‘હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ કરનાર પણ કરશે અને એના કરતાં પણ મોટાં કામો કરશે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું. 13 જે કંઈ મારે નામે તમે માગશો, તે હું કરીશ, એ માટે કે પિતા દીકરામાં મહિમાવાન થાય. 14 જો તમે મારે નામે મારી પાસે કંઈ માગશો તો તે પ્રમાણે હું કરીશ.

પવિત્ર આત્માનું વરદાન

15 જો તમે મારા પર પ્રેમ કરતા હો તો મારી આજ્ઞાઓ પાળશો. 16 અને હું પિતાને પ્રાર્થના કરીશ અને તે તમને બીજા એક સહાયક તમારી પાસે સદા રહેવા માટે આપશે, 17 એટલે સત્યનો આત્મા, જેને માનવજગત પામી નથી શકતું; કેમ કે તેમને તે જોઈ શકતું નથી અને તેમને જાણતું નથી; પણ તમે તેમને જાણો છો; કેમ કે તેઓ તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે.

18 હું તમને અનાથ મૂકી દઈશ નહિ; હું તમારી પાસે આવીશ. 19 થોડીવાર પછી દુનિયા મને ફરીથી નહિ જોશે, પણ તમે મને જોશો; હું જીવું છું માટે તમે પણ જીવશો. 20 તે દિવસે તમે જાણશો કે, હું મારા પિતામાં છું. તમે મારામાં છો અને હું તમારામાં છું.

21 જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે તેના પર મારા પિતા પ્રેમ રાખશે અને હું તેના પર પ્રેમ રાખીશ અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.’” 22 યહૂદા, જે ઇશ્કારિયોત ન હતો, તે તેને કહે છે કે, ‘પ્રભુ, તમે પોતાને અમારી આગળ પ્રગટ કરશો અને દુનિયાની સમક્ષ નહિ, એનું શું કારણ છે?’”

23 ઈસુએ જવાબ આપ્યો કે, ‘જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે; અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું. 24 જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારા વચનોનું પાલન કરતો નથી. જે વચન તમે સાંભળો છો તે મારા નથી, પણ જે પિતાએ મને મોકલ્યો છે તેના છે.

25 હું હજી તમારી સાથે રહું છું એટલામાં મેં તમને એ વચનો કહ્યાં છે. 26 પણ સહાયક, એટલે પવિત્ર આત્મા, જેમને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને બધું શીખવશે અને મેં જે સર્વ તમને કહ્યું તે સઘળું તમારાં સ્મરણમાં લાવશે. 27 હું તમને શાંતિ આપીને જાઉં છું; મારી શાંતિ હું તમને આપું છું; જેમ માનવજગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારાં હૃદયોને વ્યાકુળ થવા ન દો; અને બીવા પણ દેશો નહીં.

28 મેં તમને જે કહ્યું તે તમે સાંભળ્યું છે કે, ‘હું જાઉં છું, તમારી પાસે પાછો આવું છું. જો તમે મારા પર પ્રેમ રાખતા હોત, તો હું પિતાની પાસે જાઉં છું, એથી તમને આનંદ થાત; કેમ કે મારા કરતાં પિતા મહાન છે. 29 હવે જયારે એ બાબતો થાય ત્યારે તમે વિશ્વાસ કરો માટે તે થયા અગાઉ મેં હમણાંથી તમને કહ્યું છે.

30 હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરવાનો નથી, કેમ કે આ જગતનો અધિકારી આવે છે, અને તેનો મારા પર કોઈ હિસ્સો નથી; 31 પણ માનવજગત જાણે કે હું પિતા પર પ્રેમ રાખું છું અને પિતાએ મને આજ્ઞા આપી છે, તેમ હું કરું છું એ માટે આ થાય છે, ઊભા થાઓ, અહીંથી આપણે જઈએ.’”

Chapter 15

ઈસુ ખરો દ્રાક્ષાવેલો

1 ખરો દ્રાક્ષાવેલો હું છું અને મારા પિતા માળી છે. 2 મારામાંની દરેક ડાળી જેને ફળ આવતાં નથી તેને તે કાપી નાખે છે; અને જે ડાળીઓને ફળ આવે છે, તે દરેકને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે.

3 જે વચનો મેં તમને કહ્યાં છે તેના દ્વારા હવે તમે શુદ્ધ થઈ ગયા છો. 4 તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ; જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની જાતે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી.

5 હું તો દ્રાક્ષાવેલો છું; અને તમે ડાળીઓ છો; જે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું, તે જ ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. 6 જો કોઈ મારામાં રહેતો નથી, તો ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે; નાખી દેવાયેલી ડાળીઓ સુકાઈ જાય છે; પછી લોક તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે અને તેઓને બાળવામાં આવે છે. 7 જો તમે મારામાં રહો; અને મારાં વચનો તમારામાં રહે, તો જે કંઈ તમે ચાહો તે માગો, એટલે તે તમને મળશે.

8 તમે બહુ ફળ આપો, એમાં મારા પિતા મહિમાવાન થાય છે; અને એથી તમે મારા શિષ્ય થશો. 9 જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે; તમે મારા પ્રેમમાં રહો.

10 જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો. 11 મારો આનંદ તમારામાં રહે; અને તમારો આનંદ સંપૂર્ણ થાય, એ માટે મેં તમને એ વાતો કહી છે.

12 મારી આજ્ઞા એ છે કે, ‘જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો.’” 13 પોતાના મિત્રોને સારું પોતાનો જીવ આપવો, તે કરતાં મહાન અન્ય કોઈ પ્રેમ નથી.

14 જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો છો તો તમે મારા મિત્ર છો. 15 હવેથી હું તમને દાસ કહેતો નથી; કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી; પણ મેં તમને મિત્ર કહ્યાં છે; કેમ કે જે વાતો મેં મારા પિતા પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે.

16 તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યાં છે; અને તમને મોકલ્યા છે, કે તમે જઈને ફળ આપો; અને તમારાં ફળ કાયમ રહે. જેથી તમે મારે નામે પિતાની પાસે જે કંઈ માગો તે તમને તે આપે. 17 તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું.

દુનિયાનો તિરસ્કાર

18 જો જગત તમારો દ્વેષ રાખે છે તો તમારા પહેલાં તેણે મારો દ્વેષ કર્યો છે, એ તમે જાણો છો. 19 જો તમે જગતના હોત તો પોતાના હોવાથી જગત તમારા ઉપર પ્રેમ રાખત; પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યાં છે, તેથી જગત તમારા પર દ્વેષ રાખે છે.

20 દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓએ મને સતાવ્યો છે, તો તમને પણ સતાવશે. જો તેઓએ મારાં વચનો પાલન કર્યું તો તમારા પણ પાળશે. 21 પણ એ બધું મારા નામને માટે તેઓ તમને કરશે, કેમ કે તેઓ મારા મોકલનારને જાણતા નથી. 22 જો હું આવ્યો ન હોત અને તેઓને કહ્યું ન હોત, તો તેઓને પાપ લાગત નહિ; પણ હવે તેઓના પાપ સંબંધી તેઓને કંઈ બહાનું રહ્યું નથી.

23 જે મારો દ્વેષ કરે છે, તે મારા પિતાનો પણ દ્વેષ કરે છે. 24 જે કામો બીજા કોઈએ કર્યાં નથી, તે જો મેં તેઓ મધ્યે કર્યાં ન હોત, તો તેઓને પાપ ન લાગત; પણ હવે તેઓએ મને તથા મારા પિતાને પણ જોયા છે, અને તોપણ દ્વેષ રાખ્યો છે. 25 તેઓના નિયમશાસ્ત્રમાં વચન લખેલું છે કે, ‘તેઓએ વિનાકારણ મારા પર દ્વેષ રાખ્યો છે, તે પૂર્ણ થાય તે માટે એવું થયું.

26 પણ સહાયક, એટલે સત્યનો આત્મા, જે પિતાની પાસેથી આવે છે, તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ; તે જયારે આવશે, ત્યારે મારા સંબંધી સાક્ષી આપશે. 27 તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો.

Chapter 16

1 ‘કોઈ તમને ગેરમાર્ગે દોરે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે. 2 તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે; ખરેખર, એવો સમય આવે છે કે જો કોઈ તમને મારી નાખે તો તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.

3 તેઓ પિતાને તથા મને જાણતા નથી, માટે તેઓ એ કામો કરશે. 4 પણ જયારે તેમનો સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યાં છે. અગાઉ મેં એ વચનો તમને કહ્યાં ન હતાં, કેમ કે હું તમારી સાથે હતો.

પવિત્ર આત્માનું કાર્ય

5 પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું; અને તમે ક્યાં જાઓ છો એવું તમારામાંનો કોઈ મને પૂછતો નથી. 6 પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે. 7 તોપણ હું તમને સત્ય કહું છું; મારું જવું તમને હિતકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સહાયક તમારી પાસે આવશે નહીં; પણ જો હું જાઉં, તો હું તેમને તમારી પાસે મોકલી આપીશ.

8 જયારે તેઓ આવશે ત્યારે તેઓ પાપ વિષે, ન્યાયીપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે જગતને ખાતરી કરી આપશે; 9 પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી; 10 ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, અને હવેથી મને જોશો નહિ; 11 ન્યાયચુકાદા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય કરવામાં આવ્યો છે.

12 હજુ પણ મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તે તમે સમજી શકો તેમ નથી. 13 તોપણ જયારે સત્યનો આત્મા આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી કહેશે નહિ; પણ જે કંઈ તે સાંભળશે તે જ તે કહેશે; અને જે જે થવાનું છે તે તમને કહી બતાવશે. 14 તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંથી તે લઈને તમને કહી બતાવશે. 15 જે પિતાનાં છે, તે સર્વ મારાં છે; માટે મેં કહ્યું કે, મારું જે છે તેમાંથી લઈને તે તમને કહી બતાવશે.

ઈસુ ફરી પાછા આવશે

16 થોડીવાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડીવાર પછી તમે મને જોશો.’”

17 એથી તેમના શિષ્યોમાંના કેટલાકે એકબીજાને કહ્યું, ‘ઈસુ આપણને કહે છે કે, થોડીવાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડીવાર પછી તમે મને જોશો, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, તે શું હશે?’” 18 તેઓએ કહ્યું કે, ‘થોડીવાર પછી, એમ ઈસુ કહે છે તે શું છે? ઈસુ શું કહે છે એ આપણે સમજતા નથી.’”

19 તેઓ મને કશું પૂછવા ઇચ્છે છે, એ ઈસુએ જાણ્યું, તેથી તેમણે તેઓને કહ્યું કે, થોડીવાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડીવાર પછી તમે મને જોશો, એ જે મેં કહ્યું, તે વિષે તમે અંદરોઅંદર શું પૂછો છો? 20 હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમે રડશો અને શોક કરશો, પણ આ જગત આનંદ કરશે; તમે ઉદાસ થશો, પણ તમારો ઉદાસી આનંદમાં પલટાઈ જશે.’” 21 જયારે સ્ત્રીને પ્રસવવેદના થતી હોય છે ત્યારે તેને દુઃખ થાય છે, કેમ કે તેનો સમય આવ્યો હોય છે; પણ બાળકનો જન્મ થયા પછી, દુનિયામાં બાળક જનમ્યું છે તેના આનંદથી તે દુઃખ તેને ફરીથી યાદ આવતું નથી.

22 હમણાં તો તમે ઉદાસ છો ખરો; પણ હું ફરી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ છીનવી લેનાર નથી. 23 તે દિવસે તમે મને કંઈ પૂછશો નહિ. હું તમને નિશ્ચે કહું છું કે, જેથી તમે મારે નામે પિતાની પાસે જે કંઈ માગો તે તમને તે આપે. 24 હજી સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી; માગો અને તમને મળશે, એ માટે તમારો આનંદ સંપૂર્ણ થાય.

દુનિયા પર વિજય

25 એ વાતો મેં તમને દ્રષ્ટાંતોમાં કહી છે; એવો સમય આવે છે કે જયારે હું દ્રષ્ટાંતોમાં તમારી સાથે બોલીશ નહિ, પણ પિતા સંબંધી હું તમને સ્પષ્ટ રીતે કહી સંભળાવીશ.

26 તે દિવસે તમે મારે નામે માગશો; અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે માટે પિતાને પ્રાર્થના કરીશ; 27 કારણ કે પિતા પોતે તમારા પર પ્રેમ કરે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે અને વિશ્વાસ પણ કર્યો છે કે હું પિતાની પાસેથી આવ્યો છું. 28 હું પિતા પાસેથી આવ્યો છું અને હું દુનિયામાં આવ્યો છું; ફરીને હું આ દુનિયા ત્યજીને પિતાની પાસે જાઉં છું.’”

29 તેમના શિષ્યો કહે છે કે, ‘હવે તમે સ્પષ્ટ રીતે બોલો છો અને કંઈ દ્રષ્ટાંતોમાં બોલતા નથી. 30 હવે અમે જાણીએ છીએ કે તમે સઘળી બાબતો જાણો છો; અને કોઈ માણસ તમને કંઈ પૂછે એવી અગત્ય નથી; તેથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો.’” 31 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘શું હવે તમે વિશ્વાસ કરો છો?

32 જુઓ, એવો સમય આવે છે, હા, હમણાં જ આવ્યો છે કે, તમે દરેક માણસ પોતપોતાની ગમ વિખેરાઈ જશો અને તમે મને એકલો મૂકશો. તે છતાં પણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે. 33 મેં તમને એ વાતો કહી છે કે, ‘મારામાં તમને શાંતિ પ્રાપ્ત થાય. દુનિયામાં તમને સંકટ છે; પણ હિંમત રાખો; મેં જગતને જીત્યું છે.’”

Chapter 17

પોતાના શિષ્ય માટે ઈસુની પ્રાર્થના

1 ઈસુએ એ વાતો કહ્યાં પછી સ્વર્ગો તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે, ‘પિતા, સમય આવ્યો છે; તમે તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી દીકરો તમને મહિમાવાન કરે. 2 કેમ કે તે સર્વ માણસો પર તમે અધિકાર આપ્યો છે કે, જે સર્વ તમે તેને આપ્યાં છે તેઓને તે અનંતજીવન આપે.

3 અનંતજીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્તને કે જેને તેને મોકલ્યો છે તેને ઓળખે. 4 જે કામ કરવાનું તમે મને સોંપ્યું હતું તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યાં છે. 5 હવે, ઓ પિતા, સૃષ્ટિની ઉત્પત્તિ અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તેથી તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો.

6 માનવજગતમાંથી જે માણસો તમે મને આપ્યાં છે, તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે; તેઓ તમારાં હતાં, તેઓને તમે મને આપ્યાં છે; અને તેઓએ તમારાં વચન પાળ્યા છે. 7 હવે તેઓ જાણે છે કે જે જે તમે મને આપ્યાં છે, તે સર્વ તમારા તરફથી જ છે. 8 કેમ કે જે વાતો તમે મને કહેલી હતી તે મેં તેઓને કહી છે; અને તેઓએ તે સ્વીકારી છે; અને હું તમારી પાસેથી આવ્યો છું, એ તેઓએ નિશ્ચે જાણ્યું છે, તમે મને મોકલ્યો છે, એવો વિશ્વાસ તેઓએ કર્યો છે.

9 જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓને માટે હું પ્રાર્થના કરું છું; માનવજગતને સારું હું પ્રાર્થના કરતો નથી, પણ જેઓને તમે મને આપ્યાં છે તેઓને માટે; કેમ કે તેઓ તમારાં છે; 10 જે બધા મારાં તે તમારા છે અને જે તમારા તે મારાં છે; હું તેઓમાં મહિમાવાન થયો છું. 11 હું લાંબા સમય સુધી દુનિયામાં નથી, પણ તેઓ આ દુનિયામાં છે અને હું તમારી પાસે આવું છું. ઓ પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તેમાં તેઓને પણ આપણા જેવા એક થવા માટે સંભાળી રાખો.

12 હું તેઓની સાથે જગતમાં હતો ત્યાં સુધી તમારું નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું છે શાસ્ત્રવચનો પૂરા થાય માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો વિનાશ થયો નહિ. 13 હવે હું તમારી પાસે આવું છું; ‘તેઓમાં મારો આનંદ સંપૂર્ણ થાય,’ માટે હું આ બાબતો દુનિયામાં કહું છું. 14 તમારાં વચનો મેં તેઓને આપ્યાં છે; માનવજગતે તેઓનો દ્વેષ કર્યો છે કેમ કે જેમ હું જગતનો નથી તેમ તેઓ આ જગતના નથી.

15 તમે તેઓને દુનિયામાંથી લઈ લો એવી પ્રાર્થના હું કરતો નથી, પણ તમે તેઓને દુષ્ટથી દૂર રાખો. 16 જેમ હું જગતનો નથી, તેમ તેઓ આ જગતના નથી. 17 સત્યથી તેઓને પવિત્ર કરો; તમારું વચન સત્ય છે.

18 જેમ તમે મને દુનિયામાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને દુનિયામાં મોકલ્યા છે. 19 તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને સારું હું પોતાને પવિત્ર કરું છું.

20 વળી હું એકલો તેઓને માટે નહિ, પણ તેઓની વાતથી જેઓ મારા પર વિશ્વાસ કરશે, તેઓને માટે પણ પ્રાર્થના કરું છું કે, 21 તેઓ બધા એક થાય. ઓ પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, જેથી માનવજગત વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે.

22 જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, જેથી જેવા આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય; 23 એટલે હું તેઓમાં અને તમે મારામાં થઈ જેથી તેઓ સંપૂર્ણ રીતે એક કરાય, એ સારું કે માનવજગત સમજે કે તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારા પર પ્રેમ કર્યો છે તેમ તેઓના પર પણ પ્રેમ કર્યો છે.

24 હું પિતા, હું એવું ઇચ્છું છું કે, જ્યાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે, જેથી તેઓ મારો મહિમા જુએ, કે જે તમે મને આપ્યો છે; કેમ કે સૃષ્ટિનો પાયો નંખાયા અગાઉ તમે મારા પર પ્રેમ કર્યો હતો.

25 ઓ ન્યાયી પિતા, માનવજગતે તો તમને ઓળખ્યા નથી; પણ મેં તમને ઓળખ્યા છે; અને તમે મને મોકલ્યો છે, એમ તેઓએ જાણ્યું છે; 26 મેં તેઓને તમારું નામ જણાવ્યું છે; અને જણાવીશ; એ માટે કે, જે પ્રેમથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે તે તેઓમાં રહે અને હું તેઓમાં રહું.’”

Chapter 18

ઈસુની ધરપકડ

(માથ. 26:47-56; માર્ક 14:43-50; લૂક 22:47-53)

1 એ વાતો કહ્યાં પછી ઈસુ પોતાના શિષ્યો સાથે કિન્દ્રોન ખીણને પેલે પાર ગયા, ત્યાં એક વાડી હતી, તેમાં તેઓ પોતે તથા તેમના શિષ્યો ગયા. 2 હવે તેમને પરસ્વાધીન કરનાર યહૂદા પણ તે જગ્યા વિષે જાણતો હતો; કેમ કે ઈસુ પોતાના શિષ્યોની સાથે ઘણી વખત ત્યાં જતા હતા. 3 ત્યારે યહૂદા સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને ફાનસો, મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવ્યો છે.

4 ત્યારે ઈસુને પોતાનાં પર જે સર્વ આવી પડવાનું હતું તે બધું જાણતા હતા, તે માટે તેમણે બહાર જઈને તેઓને કહ્યું કે, ‘તમે કોને શોધો છો?’” 5 તેઓએ તેમને ઉત્તર દીધો કે, ‘ઈસુ નાઝારીને.’ ઈસુ તેઓને કહે છે કે, ‘તે હું છું.’ અને યહૂદા જે તેમને પરસ્વાધીન કરનાર હતો તે પણ સૈનિકોની સાથે ઊભો હતો.

6 એ માટે જયારે તેમણે તેઓને કહ્યું કે, ‘તે હું છું,’ ત્યારે તેઓ પાછા હટીને જમીન પર પડ્યા. 7 ત્યારે તેમણે ફરી તેઓને પૂછ્યું કે, ‘તમે કોને શોધો છો?’ અને તેઓએ કહ્યું કે, ‘નાસરેથના ઈસુને.’”

8 ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મેં તમને કહ્યું કે, તે હું છું;’ એ માટે જો તમે મને શોધતાં હો તો, આ માણસોને જવા દો.’” 9 એ માટે કે જે વચન તેઓ બોલ્યા હતા તે પૂર્ણ થાય; ‘જેઓને તમે મને આપ્યા છે તેઓમાંથી એકને પણ મેં ગુમાવ્યો નથી.’”

10 ત્યારે સિમોન પિતર તેની પાસે તલવાર હતી, તે કાઢીને પ્રમુખ યાજકના ચાકરનો જમણો કાન કાપી નાખ્યો. તે ચાકરનું નામ માલ્ખસ હતું. 11 તેથી ઈસુએ પિતરને કહ્યું કે, ‘તારી તલવાર મ્યાનમાં મૂક; જે પ્યાલો મારા પિતાએ મને આપ્યો છે ‘તે શું હું ના પીઉં?’”

ઈસુ આન્નાસની આગળ

12 ત્યારે સિપાઈઓએ, સેનાપતિ તથા યહૂદીઓના અધિકારીઓએ ઈસુને પકડ્યા અને તેમને બાંધ્યા. 13 તેઓ પહેલાં તેમને આન્નાસની પાસે લઈ ગયા; કેમ કે તે વર્ષના પ્રમુખ યાજક કાયાફાનો તે સસરો હતો. 14 હવે કાયાફાએ યહૂદીઓને એવી સલાહ આપી હતી કે, લોકોને માટે એક માણસે મરવું હિતકારક છે.

પિતરે કરેલો નકાર

(માથ. 26:69-70; માર્ક 14:66-68; લૂક 22:55-57)

15 સિમોન પિતર તથા બીજો એક શિષ્ય ઈસુની પાછળ ગયા. હવે તે શિષ્ય પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તેથી ઈસુની સાથે પ્રમુખ યાજકના ઘરના ચોકમાં ગયો. 16 પણ પિતર બારણા આગળ બહાર ઊભો રહ્યો. માટે તે બીજો શિષ્ય જે પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તે બહાર આવ્યો અને દરવાજો સાચવનારી દાસીને કહીને પિતરને અંદર લઈ ગયો.

17 ત્યારે તે દાસીએ પિતરને કહ્યું કે, ‘શું તું પણ તે માણસના શિષ્યોમાંનો એક છે?’ પિતરે કહ્યું કે, ‘હું નથી.’” 18 ત્યાં ચાકરો તથા સિપાઈઓ ઠંડીને કારણે કોલસાની તાપણી કરીને તાપતા હતા; કેમ કે ઠંડી હતી; અને પિતર પણ તેઓની સાથે ઊભો રહીને તાપતો હતો.

પ્રમુખ યાજક ઈસુને પ્રશ્નો પૂછે છે

(માથ. 26:59-66; માર્ક 14:55-64; લૂક 22:66-71)

19 ત્યારે પ્રમુખ યાજકે ઈસુને તેના શિષ્યો તથા શિક્ષણ વિષે પૂછ્યું. 20 ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘દુનિયાની સમક્ષ હું પ્રગટ રીતે બોલતો આવ્યો છું; સભાસ્થાનોમાં તથા ભક્તિસ્થાનમાં જ્યાં સર્વ યહૂદીઓ એકઠા થાય છે, ત્યાં હું નિત્ય બોધ કરતો હતો; અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી. 21 ‘તું મને કેમ પૂછે છે?’ તેઓને પૂછ; ‘મેં જે કહ્યું તે મારા સાંભળનારાઓને પૂછ; જો, મેં જે વાતો કહી તે તેઓ જાણે છે.

22 ઈસુએ એમ કહ્યું ત્યારે, સિપાઈઓમાંનો એક પાસે ઊભો હતો, તેણે ઈસુને તમાચો મારીને કહ્યું કે, શું તું પ્રમુખ યાજકને એવી રીતે જવાબ આપે છે?’” 23 ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘જો મેં કંઈ ખોટું કહ્યું હોય તો તે વિષે સાબિત કર. પણ જો સાચું હોય, ‘તો તું મને કેમ મારે છે?’” 24 ત્યારે આન્નાસે ઈસુને બાંધીને પ્રમુખ યાજક કાયાફા પાસે મોકલ્યા.

પિતર ઈસુનો ફરીથી નકાર કર્યો

(માથ. 26:71-75; માર્ક 14:69-72; લૂક 22:58-62)

25 હવે સિમોન પિતર ઊભો રહીને તાપતો હતો, ત્યારે તેઓએ તેને પૂછ્યું કે, ‘શું તું પણ તેના શિષ્યોમાંનો એક છે?’ તેણે નકાર કરતાં કહ્યું કે, ‘હું નથી.’” 26 જેનો કાન પિતરે કાપી નાખ્યો હતો તેનો સગો જે પ્રમુખ યાજકના ચાકરોમાંનો એક હતો તેણે કહ્યું, વાડીમાં મેં તને તેની સાથે જોયો નથી શું? 27 ત્યારે પિતરે ફરીથી ઇનકાર કર્યો; અને તરત જ મરઘો બોલ્યો.

ઈસુ પિલાત આગળ

(માથ. 27:1-2,11-14; માર્ક 15:1-5; લૂક 23:1-5)

28 ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જતા હતા; તે વહેલી સવારનો સમય હતો; અને તેઓ અશુદ્ધ ન થાય, પાસ્ખા ખાઈ શકે, માટે દરબારમાં ગયા નહિ. 29 તેથી પિલાતે બહાર આવીને તેઓને કહ્યું કે, ‘એ માણસ પર તમે કયું તહોમત મૂકો છો?’” 30 તેઓએ તેને ઉત્તર આપ્યો, ‘જો એ માણસ ખોટું કરનાર ન હોત, તો અમે તેને તમને સોંપત નહિ.’”

31 ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, ‘તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો,’ યહૂદીઓએ તેમને કહ્યું કે, ‘કોઈ માણસને મારી નાખવાનો અમને અધિકાર નથી.’” 32 પોતે કયા મોતથી મરનાર હતા તે સૂચવતાં ઈસુએ જે વચન કહ્યું હતું તે પૂર્ણ થાય માટે એમ થયું.

33 એથી પિલાતે ફરી દરબારમાં જઈને ઈસુને બોલાવીને તેને પૂછ્યું કે, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’” 34 ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘આ શું તું પોતાના તરફથી કહે છે કે, કોઈ બીજાઓએ મારા સંબંધી એ તને કહ્યું?’” 35 પિલાતે ઉત્તર આપ્યો કે, ‘શું હું યહૂદી છું?’ તારા દેશના લોકોએ તથા મુખ્ય યાજકોએ તને મારે હવાલે કર્યો; ‘તેં શું કર્યું છે?’”

36 ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મારું રાજ્ય આ જગતનું નથી; જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં આવત નહિ, તે માટે મારા સેવકો લડાઈ કરત, પણ મારું રાજ્ય તો અહીંનું નથી. 37 તેથી પિલાતે ઈસુને પૂછ્યું કે, ‘ત્યારે શું તું રાજા છે?’ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તું કહે છે કે હું રાજા છું.’ એ જ માટે હું જન્મ્યો છું; અને એ જ માટે હું આ દુનિયામાં આવ્યો છું, જેથી હું સત્ય વિષે સાક્ષી આપું; સર્વ જે સત્યનો છે, તે મારી વાણી સાંભળે છે.’”

ઈસુને મોતની સજા ફરમાવી

(માથ. 27:15-31; માર્ક 15:6-20; લૂક 23:13-25)

38 પિલાત તેને કહે છે કે, ‘સત્ય શું છે?’ જયારે તેણે એમ કહ્યું ત્યારે, તે ફરીથી યહૂદીઓની પાસે બહાર ગયો અને તેઓને કહ્યું મને આ માણસમાં કંઈ અપરાધ જણાતો નથી. 39 પણ પાસ્ખાપર્વમાં તમારે માટે એક બંદીવાનને હું છોડી દઉં, એવો તમારો રિવાજ છે. તેથી હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં, એમ તમે ચાહો છો શું? 40 ત્યારે તેઓએ ફરીથી ઊંચા અવાજે કહ્યું કે, ‘એને તો નહિ જ, પણ બરાબાસને. હવે બરાબાસ તો લુંટારો હતો.

Chapter 19

1 ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા. 2 સિપાઈઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમને જાંબુડા રંગનો ઝભ્ભો પહેરાવ્યો; 3 તેઓએ તેમની પાસે આવીને કહ્યું કે, ‘ઓ યહૂદીઓના રાજા, સલામ!’ અને તેઓએ તેમને મુક્કીઓ મારી.

4 પછી પિલાતે ફરીથી બહાર જઈને લોકોને કહ્યું કે, ‘હું તેને તમારી પાસે બહાર લાવું છું, કે જેથી તમે જાણો કે, મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.’” 5 ત્યારે ઈસુ કાંટાનો મુગટ તથા જાંબુડા રંગનો ઝભ્ભો પહેરેલા જ બહાર નીકળ્યા. પછી પિલાત તેઓને કહ્યું કે, ‘આ માણસને જુઓ!’ 6 જયારે મુખ્ય યાજકોએ તથા અધિકારીઓએ તેમને જોયા, ત્યારે તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, તેને વધસ્તંભે જડો, વધસ્તંભે જડો.’ પિલાત તેઓને કહ્યું કે, ‘તમે પોતે તેને લઈ જાઓ અને વધસ્તંભે જડો; કેમ કે મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.’”

7 યહૂદીઓએ પિલાતને ઉત્તર આપ્યો કે, ‘અમારો એક નિયમ છે અને તે પ્રમાણે તેણે મૃત્યુદંડ ભોગવવો જોઈએ; કેમ કે તેણે પોતે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કર્યો છે. 8 તે વાત સાંભળીને પિલાત વધારે ગભરાયો; 9 અને તે ફરી દરબારમાં જઈને ઈસુને કહ્યું કે, ‘તું ક્યાંનો છે?’ પણ ઈસુએ તેને કંઈ જવાબ આપ્યો નહિ.

10 ત્યારે પિલાતે તેમને કહ્યું કે, ‘શું તું મને કશું કહેતો નથી?’ શું તું જાણતો નથી કે તને છોડવાનો અને વધસ્તંભે જડવાનો અધિકાર મને છે?’” 11 ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘ઉપરથી અપાયાં વિના તને મારા પર કંઈ પણ અધિકાર હોત નહિ; તે માટે જેણે મને તને સોંપ્યો છે તેનું પાપ વધારે મોટું છે.’”

12 આથી પિલાતે તેમને છોડવાની કોશિશ કરી; પણ યહૂદીઓએ ઊંચા અવાજે કહ્યું કે, ‘જો તમે આ માણસને છોડી દો, તો તમે કાઈસારનાં મિત્ર નથી; જે કોઈ પોતાને રાજા ઠરાવે છે, તે કાઈસારની વિરુદ્ધ બોલે છે. 13 ત્યારે તે સાંભળીને પિલાત ઈસુને બહાર લાવ્યો અને ફરસબંદી નામની જગ્યા જેને હિબ્રૂ ભાષામાં ‘ગાબ્બાથા’ કહે છે, ત્યાં ન્યાયાસન પર બેઠો.

14 હવે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો અને લગભગ બપોરનો એક વાગ્યો હતો. પિલાત યહૂદીઓને કહ્યું કે, ‘જુઓ, તમારો રાજા!’ 15 ત્યારે તેઓએ પોકારીને કહ્યું કે, ‘તેને દૂર કરો, દૂર કરો, તેને વધસ્તંભે જડો.’ પિલાત તેઓને કહે છે કે, ‘શું હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?’ મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો કે, ‘કાઈસાર સિવાય અમારે બીજો કોઈ રાજા નથી.’” 16 ત્યારે ઈસુને વધસ્તંભે જડવાને પિલાતે તેઓને સોંપ્યાં. તેથી તેઓ ઈસુને પકડી લઈ ગયા.

ઈસુને વધસ્તંભે જડ્યાં

(માથ. 27:32-44; માર્ક 15:21-32; લૂક 23:26-43)

17 પછી ઈસુ પોતાનો વધસ્તંભ ઊંચકીને ખોપરીની જગ્યા, જે હિબ્રૂ ભાષામાં ‘ગલગથા’ કહેવાય છે, ત્યાં બહાર ગયા. 18 તેઓએ ઈસુને તથા તેમની સાથે બીજા બેને વધસ્તંભે જડ્યાં; બંને બાજુએ એકને તથા વચમાં ઈસુને.

19 પિલાતે એવું લખાણ લખીને વધસ્તંભ પર લટકાવ્યું કે; ‘નાસરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.’” 20 જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તે જગ્યા શહેરની પાસે હતી અને તે લખાણ હિબ્રૂ, લેટિન તથા ગ્રીક ભાષામાં લખેલું હતું, માટે ઘણાં યહૂદીઓએ તે વાંચ્યું.

21 તેથી યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું કે, ‘યહૂદીઓનો રાજા,’ એમ ન લખો, પણ તેણે કહ્યું કે, ‘હું યહૂદીઓનો રાજા છું.’ એમ લખો. 22 પિલાતે ઉત્તર આપ્યો કે, ‘મેં જે લખ્યું તે લખ્યું.’”

23 સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેમના વસ્ત્રો લઈ લીધાં અને તેના ચાર ભાગ પાડ્યા, દરેક સિપાઈને માટે એક; ઝભ્ભો પણ લઈ લીધો હતો; તે ઝભ્ભો સાંધા વગરનો ઉપરથી આખો વણેલો હતો. 24 પછી તેઓએ પરસ્પર કહ્યું કે, ‘આપણે તેને ફાડીએ નહિ; પણ તે કોને મળે તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખીએ!’ ‘તેઓએ પરસ્પર મારાં વસ્ત્રો વહેંચી લીધાં અને મારા ઝભ્ભા માટે ચિઠ્ઠીઓ નાખી.’ એમ નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે પૂર્ણ થાય માટે આ બન્યું, તેથી એ કાર્ય સિપાઈઓએ કર્યુ.

25 પણ ઈસુના વધસ્તંભ પાસે તેમના મા, તેમના માસી, ક્લોપાસની પત્ની મરિયમ તથા મગ્દલાની મરિયમ ઊભા રહેલાં હતાં. 26 તેથી જયારે ઈસુએ પોતાની માને તથા જેનાં પર પોતે પ્રેમ કરતા હતા તે શિષ્યને પાસપાસે ઊભા રહેલાં જોયાં, ત્યારે તેમણે પોતાની માને કહ્યું કે, ‘બાઈ, જો તારો દીકરો!’ 27 ત્યાર પછી તે પેલા શિષ્યને કહે છે કે, ‘જો, તારી મા!’ અને તે જ સમયથી તે શિષ્ય મરિયમને પોતાને ઘરે લઈ ગયો.

ઈસુનું મૃત્યુ

(માથ. 27:45-56; માર્ક 15:33-41; લૂક 23:44-49)

28 તે પછી ઈસુ, હવે સઘળું પૂર્ણ થયું એ જાણીને, શાસ્ત્રવચન પૂર્ણ થાય તે માટે કહે છે કે, ‘મને તરસ લાગી છે.’” 29 ત્યાં દ્રાક્ષાસવથી ભરેલું એક વાસણ મૂક્યું હતું; તેઓએ એક વાદળી લઈને સરકામાં ભીંજવીને લાકડી પર બાંધીને તેમના મોં આગળ ધરી. 30 ત્યારે ઈસુએ સરકા ચાખ્યાં પછી કહ્યું કે, ‘સંપૂર્ણ થયું;’ અને માથું નમાવીને તેમણે પ્રાણ છોડ્યો.

ઈસુની કૂખ વીંધવામાં આવી

31 તે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો, અને તે વિશ્રામવાર મહત્ત્વનો દિવસ હતો, એ માટે વિશ્રામવારે તેઓના મૃતદેહ વધસ્તંભ પર રહે નહિ માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે, ‘તેઓના પગ ભાંગીને તેઓને નીચે ઉતારવામાં આવે.’” 32 એ માટે સિપાઈઓએ આવીને ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા બંને જણાનાં પગ ભાંગ્યાં. 33 જયારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેમને મૃત જોઈને તેમના પગ ભાંગ્યા નહિ.

34 તોપણ સિપાઈઓમાંના એકે ભાલાથી તેમની કૂખ વીંધી અને તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યાં. 35 જેણે એ જોયું છે તેણે જ આ સાક્ષી આપી છે જેથી તમે પણ વિશ્વાસ કરો, તેની સાક્ષી સાચી છે. તે સત્ય કહે છે, એ તે જાણે છે.

36 કેમ કે, ‘તેમનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ’ એ શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે એમ થયું; 37 વળી બીજું શાસ્ત્રવચન કહે છે કે, ‘જેમને તેઓએ વીંધ્યા તેમને તેઓ જોશે.’”

ઈસુનું દફન

(માથ. 27:57-61; માર્ક 15:42-47; લૂક 23:50-56)

38 આ બાબતો બન્યા પછી અરિમથાઈનો યૂસફ, જે યહૂદીઓની બીકને લીધે ગુપ્ત રીતે ઈસુનો શિષ્ય હતો, તેણે ઈસુનો પાર્થિવ દેહ લઈ જવાની પિલાત પાસે માગણી કરી; અને પિલાતે તેને પરવાનગી આપી. તેથી તે આવીને તેમનો દેહ ઉતારીને લઈ ગયો. 39 જે અગાઉ એક રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે નિકોદેમસ પણ બોળ અને અગરનું આશરે 30 કિલોગ્રામ મિશ્રણ લઈને આવ્યો.

40 ત્યારે યહૂદીઓની દફનાવવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનો પાર્થિવ દેહ લઈને, સુગંધીદ્રવ્યો સહિત શણના વસ્ત્રમાં લપેટ્યો. 41 હવે જ્યાં તેમને વધસ્તંભે જડ્યાં હતા ત્યાં એક વાડી હતી અને તે વાડીમાં એક નવી કબર હતી કે જેમાં કોઈને કદી દફનાવવામાં આવ્યો ન હતો. 42 તે કબર પાસે હતી અને તે દિવસ યહૂદીઓના પાસ્ખાની તૈયારીનો હતો માટે ઈસુને ત્યાં જ દફનાવવામાં આવ્યા.

Chapter 20

ખાલી કબર

(માથ. 28:1-8; માર્ક 16:1-8; લૂક 24:1-12)

1 હવે અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે અંધારું હતું તેવામાં મગ્દલાની મરિયમ કબરે આવી અને તેણે કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો. 2 ત્યારે તે દોડીને સિમોન પિતર તથા બીજો શિષ્ય, જેનાં પર ઈસુ પ્રેમ રાખતા હતા, તેમની પાસે આવીને તેઓને કહે છે કે, ‘તેઓએ પ્રભુને કબરમાંથી ઉઠાવી લીધા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યાં છે તે અમે જાણતા નથી.’”

3 તેથી પિતર તથા તે બીજો શિષ્ય કબર તરફ જવા રવાના થયા. 4 તેઓ બંને સાથે દોડ્યા; પણ તે બીજો શિષ્ય પિતરથી વધારે ઝડપથી દોડીને કબર આગળ પહેલો પહોંચ્યો. 5 તેણે નમીને અંદર જોયું તો શણનાં વસ્ત્રો પડેલાં તેના જોવામાં આવ્યા; પણ તે અંદર ગયો નહિ.

6 પછી સિમોન પિતર પણ તેની પાછળ આવ્યો અને તે કબરની અંદર ગયો; તેણે શણના વસ્ત્રો પડેલાં જોયાં; 7 અને જે વસ્ત્રો તેમના માથા પર વીંટાળેલો હતો, તે શણનાં વસ્ત્રોની પાસે પડેલો ન હતો, પણ વાળીને એક જગ્યાએ અલગથી મૂકેલો હતો.

8 પછી બીજો શિષ્ય કે જે કબર પાસે પહેલો આવ્યો હતો, તેણે પણ અંદર જઈને જોયું અને વિશ્વાસ કર્યો. 9 કેમ કે ઈસુએ મૃત્યુ પામેલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ, તે શાસ્ત્રવચન ત્યાં સુધી તેઓ સમજતા ન હતા. 10 ત્યારે શિષ્યો ફરી પોતાને ઘરે પાછા ગયા.

મગ્દાલાની મરિયમને ઈસુ દેખાયો

(માથ. 28:9-10; માર્ક 16:9-11)

11 જોકે મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. તે રડતાં રડતાં નમીને કબરમાં વારંવાર જોયા કરતી હતી; 12 અને જ્યાં ઈસુનો પાર્થિવ દેહ દફનાવેલો હતો ત્યાં પ્રકાશિત વસ્ત્ર પહેરેલા બે સ્વર્ગદૂતોને, એકને માથા બાજુ અને બીજાને પગ બાજુ, બેઠેલા તેણે જોયા. 13 તેઓ તેને કહે છે કે, ‘બહેન, તું કેમ રડે છે?’ તે તેમને કહે છે, ‘તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે હું જાણતી નથી, માટે હું રડું છું.’”

14 એમ કહીને તેણે પાછા વળીને જોયું તો ઈસુને ઊભેલા જોયા; પણ તેઓ ઈસુ છે, એમ તેને ખબર પડી નહિ. 15 ઈસુ તેને કહે છે કે, ‘બહેન, તું કેમ રડે છે?’ તું કોને શોધે છે?’ તે માળી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે, ‘ભાઈ, જો તમે તેમને અહીંથી લઈ ગયા છો, તો તમે તેમને ક્યાં મૂક્યા છે તે મને કહો, એટલે હું તેમને લઈ જઈશ.’”

16 ઈસુ તેને કહે છે કે, ‘મરિયમ;’ અને તેણે પાછા ફરીને તેમને હિબ્રૂ ભાષામાં કહ્યું કે, ‘રાબ્બોની!’ એટલે ‘ગુરુજી.’” 17 ઈસુ તેને કહે છે કે, ‘હજી સુધી હું પિતા પાસે સ્વર્ગમાં ગયો નથી, માટે મને સ્પર્શ ન કર; પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે, ‘જે મારા પિતા તથા તમારા પિતા અને મારા ઈશ્વર તથા તમારા ઈશ્વર, તેમની પાસે હું જાઉં છું.’” 18 મગ્દલાની મરિયમે આવીને શિષ્યોને જણાવ્યું કે, ‘મેં પ્રભુને જોયા છે અને તેમણે મને એ વાતો કહી છે.

પોતાના શિષ્યોને ઈસુનું દર્શન

(માથ. 28:16-20; માર્ક 16:14-18; લૂક 24:36-49)

19 તે જ દિવસે, એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજે, શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંનાં બારણાં યહૂદીઓના ભયથી બંધ રાખવામાં આવ્યાં હતા, ત્યારે ઈસુએ આવીને તેઓની મધ્યે ઊભા રહીને કહ્યું કે, ‘તમને શાંતિ થાઓ.’” 20 એમ કહીને તેમણે પોતાના હાથ તથા ફૂખ તેઓને બતાવ્યાં. માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા.

21 ઈસુએ ફરી તેઓને કહ્યું કે, ‘તમને શાંતિ હો;’ જેમ પિતાએ મને મોકલ્યો છે, તેમ હું તમને પણ મોકલું છું. 22 પછી ઈસુએ તેઓ પર શ્વાસ ફૂંકીને કહ્યું કે, ‘તમે પવિત્ર આત્મા પામો. 23 જેઓનાં પાપ તમે માફ કરો છો, તેઓના પાપ માફ કરવામાં આવે છે; અને જેઓનાં પાપ તમે રાખો છો, તેઓના પાપ રહે છે.’”

ઈસુ અને થોમા

24 જયારે ઈસુ આવ્યા ત્યારે થોમા, બારમાંનો એક, જે દીદીમસ કહેવાતો હતો, તે તેઓની સાથે ન હતો. 25 તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે, ‘અમે પ્રભુને જોયા છે.’ તેણે તેઓને કહ્યું કે, ‘તેમના હાથમાં ખીલાઓના ઘા જોયા સિવાય, મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા સિવાય તથા તેમની ફૂખમાં મારો હાથ નાખ્યા સિવાય, હું વિશ્વાસ કરવાનો નથી.’”

26 આઠ દિવસ પછી ફરી તેમના શિષ્યો અંદર હતા; અને થોમા પણ તેઓની સાથે હતો; ત્યારે બારણાં બંધ હોવા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે, ‘તમને શાંતિ હો.’” 27 પછી તેઓ થોમાને કહે છે કે, ‘તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો; અને તારો હાથ લાંબો કરીને મારી ફૂખમાં નાખ; અવિશ્વાસી ન રહે, પણ વિશ્વાસી થા.’”

28 થોમાએ ઉત્તર આપતાં તેમને કહ્યું કે, ‘મારા પ્રભુ અને મારા ઈશ્વર!’ 29 ઈસુએ તેને કહ્યું કે, ‘તેં વિશ્વાસ કર્યો કારણ કે તેં મને જોયો છે, જેઓએ મને જોયો નથી અને છતાં પણ વિશ્વાસ કર્યો છે તેઓ આશીર્વાદિત છે.’”

આ પુસ્તકનો હેતુ

30 ઈસુએ બીજા ઘણાં ચમત્કારિક ચિહ્નો શિષ્યોની સમક્ષ કર્યા, કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી. 31 પણ ઈસુ તે જ ખ્રિસ્ત, ઈશ્વરના દીકરા છે, એવો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો, માટે આટલી વાતો લખેલી છે.

Chapter 21

સાત શિષ્યોને ઈસુએ આપેલું દર્શન

1 એ બીનાઓ બન્યા પછી તિબેરિયસના સમુદ્રકિનારે ફરીથી ઈસુએ શિષ્યોને દર્શન આપ્યું; તેમણે આ રીતે દર્શન આપ્યું; 2 સિમોન પિતર, થોમા જે દીદીમસ કહેવાતો હતો તે, ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના દીકરા તથા તેમના શિષ્યોમાંના બીજા બે એકત્ર થયા હતા. 3 સિમોન પિતર તેઓને કહે છે કે, ‘હું માછલીઓ પકડવા જાઉં છું.’ તેઓ તેને કહે છે કે, અમે પણ તારી સાથે આવીએ છીએ. ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા; પણ તે રાત્રે તેઓને કંઈ મળ્યું નહિ.

4 પણ વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા; પરંતુ તેઓ ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહિ. 5 ઈસુ તેઓને કહે છે કે, ‘જુવાનો, તમારી પાસે કંઈ ખાવાનું છે?’ તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘નથી.’” 6 તેમણે તેઓને કહ્યું કે, ‘હોડીની જમણી તરફ જાળ નાખો, એટલે તમને કંઈક મળશે.’ તેથી તેઓએ જાળ નાખી; પણ એટલી બધી માછલીઓ તેમાં ભરાઈ કે તેઓ તેને ખેંચી શક્યા નહિ.

7 ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા તે પિતરને કહે છે કે, ‘આ તો પ્રભુ છે!’ જ્યારે સિમોન પિતરે સાંભળ્યું કે તેઓ પ્રભુ છે ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો કેમ કે તે ઉઘાડો હતો અને સમુદ્રમાં કૂદી પડ્યો. 8 બીજા શિષ્યો હોડીમાં જ રહીને માછલીઓથી ભરાયેલી જાળ ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારાથી દૂર નહિ, પણ લગભગ 100 મીટર જેટલે અંતરે હતા. 9 તેઓ કિનારે ઊતર્યા ત્યારે ત્યાં તેઓએ અંગારા પર મૂકેલી માછલી તથા રોટલી જોયાં.

10 ઈસુ તેઓને કહે છે કે, ‘તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો.’” 11 તેથી સિમોન પિતર હોડી પર ચઢીને એક્સો ત્રેપન મોટી માછલીઓથી ભરાયેલી જાળ કિનારે ખેંચી લાવ્યો; જોકે એટલી બધી માછલીઓ હોવા છતાં પણ જાળ ફાટી નહિ.

12 ઈસુ તેઓને કહે છે કે, ‘આવો, નાસ્તો કરો.’ તેઓ પ્રભુ છે તે જાણીને શિષ્યોમાંના કોઈની ‘તમે કોણ છે? એમ તેમને પૂછવાની હિંમત ચાલી નહિ. 13 ઈસુએ આવીને રોટલી તેમ જ માછલી પણ તેઓને આપી. 14 મૃત્યુમાંથી પાછા ઊઠ્યાં પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન આપ્યું.

ઈસુએ પિતરને ત્રણ વખત પૂછ્યું

15 હવે તેઓએ નાસ્તો કર્યા બાદ ઈસુ સિમોન પિતરને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો કે, ‘હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુએ તેને કહ્યું કે, ‘મારાં ઘેટાંને પાળ.’” 16 તેઓ બીજી વખત તેને કહે છે કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તેણે તેમને કહ્યું કે, ‘હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુ તેને કહે છે કે, ‘મારાં ઘેટાંઓની સંભાળ રાખ.’”

17 તેમણે ત્રીજી વખત તેને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?’ પિતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે, ‘શું તું મારા પર હેત રાખે છે?’ અને તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમે સર્વ જાણો છો;’ તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે કે, ‘મારા ઘેટાંને પાળ.’” 18 હું તને નિશ્ચે કહું છું કે, ‘જયારે તું જુવાન હતો ત્યારે જાતે પોશાક પહેરીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો હતો; પણ તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લંબાવશે અને બીજો કોઈ તને પોશાક પહેરાવશે, અને જ્યાં તું જવા નહિ ચાહે ત્યાં તને લઈ જશે.

19 હવે કઈ રીતના મૃત્યુથી પિતર ઈશ્વરને મહિમા આપશે એ સૂચવતાં ઈસુએ એમ કહ્યું હતું. ઈસુએ તેમને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’”

ઈસુ અને પેલો શિષ્ય જેનાં પર ઈસુ પ્રેમ રાખતા હતા

20 ત્યારે, જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, જમતી વેળાએ ઈસુની છાતીએ ટેકો દઈને બેઠો હતો તેણે કહ્યું કે, ‘પ્રભુ જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?’ ત્યારે પિતરે પાછળ આવતા તે શિષ્યને જોયો. 21 ત્યારે પિતર તેને જોઈને ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, એ માણસનું શું થશે?’”

22 ઈસુએ તેને કહ્યું કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ. 23 તેથી એ વાત ભાઈઓમાં ફેલાઇ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને એમ કહ્યું ન હતું કે, તે નહિ મરશે નહિ; પણ એમ કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું? 24 જે શિષ્યે આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે, તે એ જ છે; અને તેની સાક્ષી સાચી છે, એ અમે જાણીએ છીએ.

ઉપસંહાર

25 ઈસુએ બીજાં ઘણાં કરેલાં કામ છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ દુનિયામાં થાય નહિ, એવું મારું માનવું છે.